Market Tips

Market Summary 13 Dec 2021

 

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

મજબૂતી સાથે શરૂઆત બાદ વેચવાલીએ નિફ્ટીએ સપોર્ટ તોડ્યો

સેન્સેક્સ 503 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યાં

બીએસઈ ખાતે 3637માંથી 1868 કાઉન્ટર્સે પોઝીટીવ દર્શાવ્યું જ્યારે 1608માં નરમાઈ જોવા મળી

વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે ભારતીય બજારમાં ઈન્ટ્રા-ડે ઊંચી વોલેટિલિટી નોંધાઈ

હેવીવેઈટ રિલાયન્સ, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વમાં 2 ટકાથી વધુ ઘટાડો

એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા અને મારુતિ સુઝુકી સુધરવામાં ટોચ પર

 

વૈશ્વિક બજારમાં સ્થિરતા વચ્ચે ભારતીય શેરબજારમાં મજબૂતી સાથે શરૂઆત બાદ એકાએક વેચવાલી નીકળી હતી અને બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ 503.25 પોઈન્ટ્સના ઘટાડે 58283.42ના સ્તર પર જ્યારે નિફ્ટી 142.05 પોઈન્ટસ ગગડી 17368.25ના સ્તર પર બંધ રહ્યાં હતાં. માર્કેટને એકમાત્ર આઈટી તરફથી સાધારણ સપોર્ટ સાંપડ્યો હતો. જોકે તે સિવાય અન્ય તમામ ક્ષેત્રો તરફથી નરમાઈ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3.2 ટકા મજબૂતી સાથે 16.57 ટકા પર બંધ રહ્યો હતો.

સોમવારે ભારતીય બજારમાં કામગીરીની શરૂઆત અગાઉ એશિયન બજારો મજબૂતી સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેને કારણે સ્થાનિક બજારે પણ મજબૂત શરૂઆત દર્શાવી હતી. નિફ્ટી ગયા સપ્તાહના 17511.30ના બંધ સામે ઉપરમાં 17639.50ની સપાટીને સ્પર્શી પરત ફર્યો હતો. ત્યાંથી તે 350 પોઈન્ટ્સથી વધુ ગગડ્યો હતો અને 17355.95ના તળિયા પર ટ્રેડ થયો હતો. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી માત્ર 14 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે બાકીના તમામ 36 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં પણ હિંદાલ્કો 0.7 ટકા સાથે ટોચ પર હતો. આમ લાર્જ-કેપ્સમાં દેખીતી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં ઊંચો ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ(3.14 ટકા), બજાજ ફિનસર્વ(2.2 ટકા), ટાટા કન્ઝ્યૂમર(2 ટકા), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(2 ટકા) અને એમએન્ડએમ(1.93 ટકા)નો સમાવેશ થતો હતો.

જો સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એકમાત્ર નિફ્ટી આઈટી 0.31 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં નિફ્ટી પીએસયૂ બેંક 1.34 ટકા તથા નિફ્ટી મિડિયા 1.81 ટકા ઊંચો ઘટાડો દર્શાવતાં હતાં. બેંક નિફ્ટી 0.49 ટકા ઘટીને બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ એક ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 1.35 ટકા નરમ જોવા મળ્યો હતો. જોકે આમ છતાં મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટના સારા દેખાવને કારણે સમગ્રતયા માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3637 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1868 કાઉન્ટર્સે પોઝીટીવ દર્શાવ્યું જ્યારે 1608માં નરમાઈ જોવા મળી હતી. 545 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 204 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. 317 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 13 કાઉન્ટર્સે તળિયું દર્શાવ્યું હતું.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈડ્સ ફાર્મા 6.24 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. જ્યારે બિરલા સોફ્ટ(5.29 ટકા), ડેલ્ટાકોર્પ(3.64 ટકા), પિરામલ એન્ટરપ્રાઈઝ(3.63 ટકા), સિન્જેન ઈન્ટરનેશનલ(3.45 ટકા), આરતી ઈન્ડસ્ટ્રીઝ(3.29 ટકા), કોરોર્જ(3.03 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.

 

ટેગા ઈન્ડસ્ટ્રીઝનું 68 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ

સોમવારે સેકન્ડરી માર્કેટમાં મંદી વચ્ચે ટેગા ઈન્ડસ્ટ્રીઝનો શેર ઓફરભાવ સામે 68 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટ થયો હતો કંપનીનો શેર રૂ. 453ના પ્રિમીયમ ભાવ સામે 68 ટકા પ્રિમીયમ સાથે એનએસઈ ખાતે રૂ. 760 પર લિસ્ટ થયો હતો. જ્યારબાદ રૂ. 767.70ની ટોચ બનાવી ધીમે-ધીમે ઘસાતો રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 712.25નું તળિયું દર્શાવ્યું હતું. જ્યારે કામકાજના અંતે 60.28 ટકા પ્રિમીયમ સાથે રૂ. 726.05ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 219 ગણો છલકાયો હતો. જે તાજેતરમાં ભરણાની બાબતમાં છઠ્ઠા ક્રમે આવતો હતો.

બાઈજુસ વિશ્વમાં 13મો સૌથી ઊંચી વેલ્યૂ ધરાવતી યુનિકોર્ન

ભારતમાં દર મહિને એક સ્ટાર્ટ-અપ યુનિકોર્નમાં ફેરવાઈ રહ્યું છે. જોકે વૈશ્વિક સ્તરે 10 અબજ ડોલરથી વધુનું વેલ્યૂએશન્સ ધરાવતાં ટોચના 35 એલાઈટ યુનિકોર્ન્સમાં માત્ર એડટેક કંપની બાઈજુસનો જ સમાવેશ થાય છે. બાઈજુસ પ્રથમ સ્થાનિક સ્ટાર્ટઅપ યુનિકોર્ન છે 21 અબજ ડોલરના વેલ્યૂએશન પર પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે તે વેલ્યૂએશન્સની રીતે 13મુ યુનિકોર્ન છે. એક અન્ય મહત્વની બાબત એ છે કે એડટેક કંપની તરીકે તે સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતું યુનિકોર્ન છે. તેણે ચીનની એડટેક કંપની યુઆરફૂડાઓને પાછળ રાખી દીધું છે. તે 15.58 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવે છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ચીન સરકાર તરફથી જબરદસ્ત તવાઈ બાદ પણ ચીન વૈશ્વિક સ્તરે ટોચના 35 સ્ટાર્ડ-અપ્સનો 75 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારબાદ યૂકે ત્રણ કંપનીઓ ધરાવે છે. જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સ્વીડન એક-એક કંપની ધરાવે છે.

ડીશ ટીવીએ યસ બેંક સામે નવો મોરચો ખોલ્યો

અગ્રણી ડાયરેક્ટ-ટુ-હોમ કંપની ડીશ ટીવીએ માર્કેટ રેગ્યુલેટર સેબીને એક પત્રમાં લખ્યું છે કે કંપનીમાં સૌથી મોટા રોકાણકાર તરીકે યસ બેંક ઓપન ઓફર નહિ લાવીને ટેકઓવર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. કંપનીએ ઉમેર્યું છે કે યસ બેંકે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને દૂર કરવા માટેની માગણી કરી હતી તેમ છતાં તે ઓપન ઓફર નથી કરી રહી. આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસિસ સાથે યસ બેંક, ડીશ ટીવીમાં કુલ 25.63 ટકા હિસ્સો ધરાવે છે. બેંકે 29 મે 2020 અને 9 જુલાઈ 2020 વચ્ચે ત્રણ તબક્કાઓમાં પ્લેજ શેર્સને મેળવીને આ હિસ્સો હાંસલ કર્યો હતો. સામાન્ય સંજોગામાં કોઈ કંપનીમાં આટલો હિસ્સો મેળવ્યા બાદ કંપનીએ ઓપન ઓફર કરવાની રહે છે. જોકે યસ બેંક એક શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક હોવાના કારણે તેને પ્લેજ શેર્સ મારફતે આ હિસ્સો મળ્યો હોવાથી ટેકઓવર રેગ્યુશેન્સમાંથી મુક્તિ મળેલી છે.

 

LIC IPO માટે ચાલુ મહિનાની આખરમાં DRHP ફાઈલ કરવામાં આવી શકે

વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર માટે મહત્વાકાંક્ષી આઈપીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ

રોકાણકારોને એલઆઈસી અંગે સર્વગ્રાહી ખ્યાલ આપવા માટે પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે

 

જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)ના આઈપીઓ માટે ડ્રાફ્ટ રેડ હીઅરિંગ પ્રોસ્પેક્ટ્સ(ડીઆરએચપી) ચાલુ મહિનાની આખર સુધીમાં ફાઈલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. હાલમાં મર્ચન્ટ બેંકર્સ તેમની કામગીરી પૂરજોશમાં ચલાવી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કરવા ઉપરાંત રોકાણકારો માટે પ્રેઝન્ટેશન્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે એમ જાણકાર વર્તુળો જણાવે છે.

સમગ્ર કામગીરીને નજીકથી નિહાળી રહેલાં અગ્રણી વ્યક્તિ જણાવે છે કે ડીઆરએચપીને ડિસેમ્બર મહિનાની આખર સુધીમાં સેબીમાં રજૂ કરવામાં આવી શકે છે. જેમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021 દરમિયાન કંપનીએ હાથ ધરેલાં બિઝનેસ સંબંધી અપડેટેડ આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો હશે. દેશના શેરબજારો પર એલઆઈસીના મેગા આઈપીઓની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. કેન્દ્ર સરકાર ચાલુ નાણાકિય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એલઆઈસીઓનો આઈપીઓ બજારમાં લોંચ કરવાની આશા રાખે છે. અગાઉ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન એકથી વધુ વાર આમ કહી પણ ચૂક્યાં છે.

વર્તુળોના જણાવ્યા મુજબ રોકાણકારો માટે તૈયાર કરવામાં આવી રહેલા પ્રેઝન્ટેશનમાં એલઆઈસીની દેશના લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે લીડરશીપ પોઝીશનને દર્શાવવામાં આવી છે. તેમજ વ્યક્તિગત વીમા એજન્ટ્સ કેવી રીતે એલઆઈસી માટે એક કરોડરજ્જૂ સમાન કામગીરી નિભાવી રહ્યાં છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈના કુલ માર્કેટ-કેપમાં એલઆઈસી 4 ટકા હિસ્સો ધરાવે છે તથા નાણા વર્ષ 2020-21માં ઈક્વિટી માર્કેટમાં તે રૂ. 8 લાખ કરોડનું રોકાણ ધરાવતી હતી. માર્ચ 2021ની આખરમાં કંપની 13.5 લાખ એજન્ટ્સ ધરાવતી હતી. જ્યારે એજન્ટ્સ મારફતે તે 55 ટકા બજાર હિસ્સો ધરાવતી હતી. હાલમાં એલઆઈસી પ્રતિ એજન્ટ સરેરાશ 15.3 પોલિસીસ ધરાવે છે. નાણા વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન વ્યક્તિગત એજન્ટ્સે કુલ 70,12,193 પોલિસીસનું વેચાણ કર્યું છે. નવેમ્બર મહિનામાં એલઆઈસીએ ફર્સ્ટ યર પ્રિમીયમમાં 32.04 ટકાન વૃદ્ધિ દર્શાવી છે. જોકે એપ્રિલથી નવેમ્બર વચ્ચે તેણે ફર્સ્ટ યર પ્રિમીયમમાં 0.93 ટકાનો ડિ-ગ્રોથ નોંધાવ્યો છે.

સરકારે એલઆઈસીના આઈપીઓ માટે બુક રનીંગ લીડ મેનેજર્સ અને કેટલાક અન્ય એડવાઈઝર્સના નામ નક્કી કરી લીધાં છે. તેણે આઈપીઓ માટે 10 મર્ચન્ટ બેંકર્સ પણ નીમ્યાં છે. જેમાં ગોલ્ડમેન સાચ(ઈન્ડિયા) સિક્યૂરિટીઝ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી જેવા નામોનો સમાવેશ થાય છે. સ્થાનિક મર્ચન્ટ બેંકર્સમાં કોટક જૂથ, આઈસીઆઈસીઆઈસી જૂથની કંપનીઓનો પણ આમાં સમાવેશ થાય છે.

 

 

વૈશ્વિક ETFsમાં પ્રથમવાર એક ટ્રિલિયન ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો

મોટેભાગે વેનગાર્ડ અને બ્લેકરોક દ્વારા ચલાવવામાં આવતાં સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલાં 20 ઈટીએફ્સે 40 ટકા હિસ્સો મેળવ્યો

કેલેન્ડર 2020 દરમિયાન ગ્લોબલ ઈટીએફ્સમાં 735.7 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો

શેરબજારોમાં સતત તેજી સાથે ઊંચું યિલ્ડ આપતાં વૈકલ્પિક એસેટ ક્લાસના અભાવને કારણે વૈશ્વિક સ્તરે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાં રોકાણકારોનો રસ વધારી દીધો છે. ચાલુ કેલેન્ડરમાં નવેમ્બર સુધીમાં ઈટીએફ્સમાં કુલ ઈનફ્લો એક ટ્રિલિયન ડોલરની રકમ પાર કરી ગયો હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે. જે ગયા વર્ષે સમગ્ર કેલેન્ડરમાં જોવા મળેલા 735.7 અબજ ડોલરના ઈનફ્લોથી 30 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.

વૈશ્વિક સ્તરે ઈટીએફ રોકાણમાં ઉછાળાને કારણે કુલ ઈટીએફ એસેટ્સ ઉછળીને 9.5 ટ્રિલિયન ડોલર પર પહોંચી છે. જે 2018ની આખરમાં જોવા મળતી લગભગ 4 ટ્રિલિયન ડોલરની એસેટ કરતાં બમણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. ઈટીએફ્સમાં મોટાભાગનો ઈનફ્લો વેનગાર્ડ, બ્લેકરોક અને સ્ટેટ સ્ટ્રીટ દ્વારા ચલાવવામાં આવતાં લો-કોસ્ટ યુએસ ફંડ્સમાં ગયો છે. જે મુખ્યત્વે સૂચકાંકોને ટ્રેક કરે છે. આ ત્રણ એસેટ મેનેજર્સમ મળીને યુએસ સ્થિત કુલ ઈટીએફ એસેટ્સનો 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. મોર્નિંગ સ્ટારે તૈયાર કરેલા ડેટા મુજબ સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલા 20 ઈટીએફ્સે કુલ ઈનફ્લોના 40 ટકા રકમ મેળવી છે. તેમણે 0.1 ટકાથી નીચી ફી વસૂલી છે અને બેન્ચમાર્ક્સને ટ્રેક કર્યો છે. યુએસ ખાતે ચાલુ વર્ષે લોંચ કરવામાં આવેલા વિક્રમી 380થી વધુ ઈટીએફ્સ એક્ટિવ રીતે મેનેજ કરવામાં આવી રહ્યાં હોવાનું ફેક્ટસેટ જણાવે છે. 2021માં ફિડેલિટી, પુટનામ અ ટી રોવ જેવી કંપનીઓએ ઈટીએફ્સ લોંચ કર્યાં હતાં. ઈટીએફ્સ માટે નવી એવી કંપનીઓ પણ પેસિવ ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રવેશી હતી. મ્યુચ્યુલ ફંડ્સ ચલાવવામાં લાંબાગાળાથી સક્રિય હોય તેવા એસેટ મેનેજર્સે પણ એક્ટિવ ફંડ્સમાં રસ દર્શાવ્યો હતો. તેમાંના કેટલાંકે આ ક્ષેત્રના ધૂરંધરો દ્વારા નહિ સ્પર્શવામાં આવેલા નેરો થીમ્સને લઈને આગવા ખ્યાલ સાથે આમ કરવાનો પ્રયાસ કર્યો હતો એમ વોલ સ્ટ્રીટ જર્નલે નોંધ્યું હતું. ચાલુ મહિનાની શરૂઆતમાં વેનેકે ફૂડ ઈન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરતાં એક્ટિવ ઈટીએફને લોંચ કર્યું હતું. માર્ચ મહિનામાં ટટલી કેપિટલ મેનેજમેન્ટે ફોમો ઈટીએફ લોંચ કર્યું હતું. જે વ્યક્તિગત રોકાણકારોમાં લોકપ્રિય હોય તેવા શેર્સને લઈને તેજીનું માનસ ધરાવે છે. ડાયમેન્શનલ ફંડ એડવાઈઝર્સ સહિતની કંપનીઓએ તેમના મ્યુચ્યુલ ફંડ્સને એક્ટિવ ઈટીએફ્સમાં રૂપાંતરિત કર્યાં હતાં. દરમિયાનમાં મોટી કંપનીઓએ લોકપ્રિય મ્યુચ્યુલ ફંડની નકલ કરતાં ઈટીએફ્સ શરૂ કર્યાં હતાં. એક્ટિવ ઈટીએફ્સ લોંચ કરવા માટે મહત્વના પરિબળોમાં 2019ની આખરમાં ઈટીએફ્સ લોંચ કરવા માટેના નિયમોના સરળીકરણનો સમાવેશ થાય છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.