માર્કેટ સમરી
નિફ્ટી 14500 પર બંધ આપવામાં સફળ
મજબૂત ઓપનીંગ બાદ એક તબક્કે તમામ સુધારો ગુમાવનાર બજાર બંધ થયું ત્યાં સુધી નવી ટોચ તરફ ગતિ કરતું રહ્યું હતું. નિફ્ટી 14529ની ટોચ બનાવી 14505ની સપાટી પર બંધ રહ્યું હતું. તેણે સોમવારનો 40 ટકા ઘટાડો પરત મેળવ્યો હતો. માર્કેટને 14500નો સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. જ્યારે જો બજાર 15040ને ઝડપથી પાર કરે તો નવી તેજીમાં જઈ શકે છે. અન્યથા કરેક્શન અને કોન્સોલિડેશનની તબક્કો ચાલુ રહેશે.
ગુજરાત આલ્કલીઝનો શેર 17 ટકા ઉછળ્યો
ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝના શેરમાં છેલ્લા કેટલાંક સત્રોથી ભારે લેવાલી જોવા મળી રહી છે. મંગળવારે કેમિકલ્સ ઉત્પાદક કંપનીનો શેર 17 ટકા ઉછળી રૂ. 469ની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. તે અગાઉના રૂ. 402ના બંધ ભાવ સામે રૂ. 67નો સુધારો દર્શાવતો હતો. જોકે કામકાજના અંતે તે લગભગ રૂ. 39ના સુધારે રૂ. 441ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર અન્ય કેમિકલ્સ કંપનીઓની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર રહ્યો છે અને તેના વાર્ષિક તળિયાથી હજુ 50 ટકાનું રિટર્ન માંડ દર્શાવી રહ્યો છે.
એપીઆઈ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં મજબૂતી
એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડિઅન્ટ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેમાં લૌરસ લેબ્સનો શેર મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 416.20ના સ્તરેથી છળી રૂ. 448.50ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. આખરે તે લગભગ 6 ટકાના સુધારે રૂ. 440 પર બંધ રહ્યો હતો. એક અન્ય એપીઆઈ ઉત્પાદક સોલારા એક્ટિવનો શેર 2.3 ટકા સુધરી રૂ. 1473 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 1440ના બંધ સામે રૂ. 1512ની ટોચ પર ટ્રેડ થયો હતો. દિશમાનનો શેર પણ 2.25 ટકા સુધરી રૂ. 113.60ના ભાવે બંધ રહ્યો હતો.
નિફ્ટી ઓટો ઈન્ક્સ 4 ટકાથી વધુ ઉછળ્યો
સોમવારે માર્કેટમાં તીવ્ર ઘટાડા વખતે 5 ટકાથી વધુ તૂટેલો ઓટો ઈન્ડેક્સ મંગળવારે સવા ચાર ટકાથી વધુ ઉછળ્યો હતો અને તેણે સોમવારનો ઘટાડો મહદઅંશે સરભર કર્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સૌથી વધુ 8 ટકા સુધારા સાથે એમએન્ડએમ ટોચ પર હતો. કંપનીનો શેર રૂ. 60 ઉછળી રૂ. 811.25 પર બંધ રહ્યો હતો. એ સિવાય ટાટા મોટર્સ 6 ટકા, મધરસન સુમી 5.4 ટકા, મારુતિ સુઝુકી 4.53 ટકા, એમઆરએફ 4.35 ટકા, બાલક્રૃષ્ણ ઈન્ડ. 4.21 ટકા, હીરોમોટોકોર્પ 2.84 ટકા, અશોક લેલેન્ડ 2.9 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. મહામારીને કારણે કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ છ વર્ષના તળિયા પર પહોંચ્યાંના અહેવાલ વચ્ચે ઓટો શેર્સમાં ખરીદી નીકળી હતી.
બુલિયન અને બેઝ મેટલ્સમાં પોઝીટીવ ટ્રેન્ડ
સોમવારે રૂપિયામાં નરમાઈને કારણે સાંજ સુધી પોઝીટીવ રહ્યાં બાદ નરમ બનેલાં બુલિયનમાં મંગળવારે એમસીએક્સ ખાતે સુધારો જોવા મળતો હતો. સિલ્વર મે વાયદો રૂ. 482ની મજબૂતી સાથે રૂ. 66610 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ જૂન વાયદો રૂ. 92ના સુધારે રૂ. 46511 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ 1.5 ટકા સુધારે રૂ. 185.80 જ્યારે નીકલ, ઝીંક, કોપરમાં પણ 0.8 ટકાથી વધુ મજબૂતી જોવા મળી રહી હતી. ક્રૂડ ઓઈલ 1.5 ટકાનો સુધારો દર્શાવતું હતું.
આઈટીમાં સારા પરિણામ પાછળ પ્રોફિટ બુકિંગ વચ્ચે બેંકિંગનો સપોર્ટ
નિફ્ટી આઈટી 3.3 ટકા તૂટ્યો જ્યારે નિફ્ટી બેંકે 3.18 ટકા સુધારો દર્શાવ્યો
એનાલિસ્ટ્સના મતે બજાર મલ્ટિ-મંથ કરેક્શન અને કોન્સોલિડેશનના તબક્કામાં જોવા મળી શકે
લોકડાઉનનો ડર માર્કેટમાંથી દૂર થવા સાથે બેંકિંગ અને મેટલ્સના પરિણામો પર બજારની નજર
નવા સપ્તાહની શરૂઆતમાં કોવિડ લોકડાઉનના ગભરાટ પાછળ 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવનાર બજાર મંગળવારે કોવિડના ડરમાંથી બહાર આવી ગયુ હતું. જોકે આઈટી ક્ષેત્રે ટીસીએસના સારા પરિણામો પાછળ સમગ્ર ક્ષેત્રે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જો વખતે બેંકિંગે બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. સાથે ઓલ્ડ ઈકોનોમી એવા ઓટો અને મેટલ્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર બાઈંગ જોવા મળ્યું હતું અને માર્કેટે 40 ટકા જેટલું નુકસાન સરભર કર્યું હતું.
માર્કેટ એનાલિસ્ટસ જણાવતાં હતાં કે સતત બીજા સપ્તાહે ઉઘડતાં સપ્તાહે ભારતીય બજારે લોકડાઉન જેવા કારણ પાછળ કરેક્શન દર્શાવી તેને સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. આમ બજાર લોકડાઉનને લઈને હવે કોઈ તીવ્ર પ્રતિક્રિયા નહિ દર્શાવે. જોકે બીજી બાજુ તે ઝડપથી નવી ટોચ દર્શાવે તેવી શક્યતા પણ ઓછી હોવાનું તેઓ જણાવે છે. તેમના મતે માર્કેટ મલ્ટી-મંથ એટલેકે લાંબો સમય સુધીના કરેક્શન અને કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું છે. તે એકાંતરે દિવસે બે બાજુની વધ-ઘટ સાથે રેંજ બાઉન્ડ પ્રકારની મૂવમેન્ટ દર્શાવતું રહેશે અને તે દરમિયાન એક પછી એક ક્ષેત્ર પર્ફોર્મન્સ દર્શાવતાં રહેશે. મંગળવારે આમ જ જોવા મળ્યું હતું. એકબાજુ ટીસીએસના પરિણામો અપેક્ષાથી સારા આવ્યાં હતાં અને સામાન્યરીતે તેજીમાં શેરની અપેક્ષા હતી. જોકે અંતિમ એક મહિનામાં પરિણામ અગાઉ શેર 10 ટકાથી વધુ સુધરી ચૂક્યો હતો અને તેથી સારા પરિણામો પાછળ તેમાં પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક હતું. જે માત્ર ટીસીએસ પૂરતું જ સિમીત નહિ રહેતાં સમગ્ર આઈટી ક્ષેત્રે જોવા મળ્યું હતું. જેને કારણે ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને બીજી હરોળના આઈટી શેર્સ પણ 8 ટકા સુધીનો ઘટાડો દર્શાવતા હતાં. જ્યારે નિફ્ટી આઈટી 3.28 ટકા તૂટ્યો હતો. દિવસ દરમિયાન એક તબક્કે તે 4 ટકાથી વધુ નરમાઈ સૂચવતો હતો. આઈટીમાં પરિણામો ડિસ્કાઉન્ટ હતાં તો બેંકિંગ અને મેટલ્સમાં હજુ તે પૂરે-પૂરા ડિસ્કાઉન્ટેડ નથી એમ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે છેલ્લા દોઢ મહિનાથી બેંકિંગ શેર્સ ધીમે-ધીમે ઘસાયાં છે અને તેથી અપેક્ષાથી સારા પરિણામો પાછળ તેઓ આઈટી ક્ષેત્રથી ઊલટું વલણ દર્શાવશે અને ઝડપી સુધારો નોંધાવશે. મેટલ ક્ષેત્રે શેર્સમાં સારા એવા સુધારા છતાં પરિણામો અસાધારણ આવશે અને શેર્સ પરિણામો પાછળ પોઝીટીવ પ્રતિક્રિયા દર્શાવશે એમ તેઓ માને છે.
માર્કેટને મંગળવારે એશિયન બજારોનો સપોર્ટ સાંપડ્યો હતો અને તેથી તે ટકી ગયું હતું. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોનો સપોર્ટ મહત્વનો બની રહેશે. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જો ત્યાં કોઈ ઘટાડો જોવા મળશે તો જ સ્થાનિક બજાર સોમવારના તળિયાને તોડવાનો પ્રયાસ કરશે. કોવિડ લોકડાઉનનો મુદ્દો ગણનામાં લેવાઈ ચૂક્યો છે અને તેની મોટી પ્રતિક્રિયાની શક્યતા નથી. માર્કેટ માટે પરિણામોની સિઝન અને વૈશ્વિક બજારોની ચાલ નિર્ણાયક બની રહેશે એમ એનાલિસ્ટ માને છે.