બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાર્ક્સ નવી ટોચે બંધ રહેવામાં સફળ
નિફ્ટીએ 20 હજારની સપાટી પર બંધ આપ્યું
વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય બજાર મક્કમ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા વધી 11.82ના સ્તરે
પીએસઈ, બેંક, એનર્જી, ફાર્મામાં મજબૂતી
આઈટી, ઓટોમાં નરમાઈ
આઈટીઆઈ, પીએનબી, અજંતા ફાર્મા, ગ્લેનમાર્ક નવી ટોચે
ભારતીય શેરબજારમાં એક સત્રના વિરામ પછી તેજીવાળાઓ પરત ફર્યાં હતાં. જેની પાછળ બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ઊંચાઈ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી પ્રથમવાર 20 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 246 પોઈન્ટ્સ મજબૂતી સાથે 67467ની સપાટીએ જ્યારે નિફ્ટી 77 પોઈન્ટ્સ સુધારે 20070ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પરત ફરી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3784 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2177 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1480 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 148 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે બંધ રહ્યાં હતાં. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં તથા 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા વધી 11.82ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી સાધારણ નેગેટીવ ઓપનીંગ પછી શરૂઆતી કલાકમાં રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જોકે, ત્યારપછી બજારમાં તેજીવાળાઓએ ખરીદી શરૂ કરી હતી અને દિવસની આખર સુધીમાં નિફ્ટી 20097ની ટોચ બનાવી તેની નજીક બંધ રહેવામાં સફળ રહ્યો હતો. સોમવારે પ્રથમવાર 20 હજારની સપાટી દર્શાવનાર નિફ્ટી ત્રીજા સત્રમાં 20 હજાર પર બંધ દર્શાવી શક્યો હતો. મંગળવારે તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 20110ની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. બુધવારે નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 59 પોઈન્ટ્સ પ્રિમીયમે 20129ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 40 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સુધારો સૂચવે છે. આનો અર્થ લોંગ પોઝીશનમાં વૃદ્ધિ જોવા મળી છે. જે બજારમાં મોમેન્ટમ જળવાય રહેવાનો સંકેત છે. ટેકનીકલી નિફ્ટીમાં નવો ટાર્ગેટ 20200-20300ની રેંજનો છે. આમ વર્તમાન સ્તરેથી વધુ 200 પોઈન્ટ્સ વૃદ્ધિની શક્યતાં છે. 19700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ગ્રાસિમ, કોલ ઈન્ડિયા, તાતા કન્ઝ્યૂમર, ભારતી એરટેલ, ટાઈટન કંપની, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેંક, ઓએનજીસી, એસબીઆઈ, એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, લાર્સન, ડિવિઝ લેબ્સ, સિપ્લા, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો જાહેર સાહસો, બેંક, એનર્જી, ફાર્મામાં મજબૂતી નોંધાઈ હતી. જ્યારે આઈટી, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4.23 ટકા ઉછળ્યો હતો અને નવી ટોચે બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં જેકે બેંક 9 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત પીએનબી, આઈઓબી, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ મંગળવારે 4 ટકાથી વધુના ઘટાડા પછી બુધવારે બાઉન્સ થયો હતો અને 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, ભેલ, સેઈલ, એનએચપીસી, બીપીસીએલ, નાલ્કો, આઈઓસી, ઓએનજીસી, ગેઈલ, ભારત ઈલે., એચપીસીએલ, એનટીપીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.8 ટકા ઉછળ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 3.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ., ઝાયડસ લાઈફ, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિનમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એન્જી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ પીએસયૂ જોવા મળ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 0.7 ટકા મજબૂત રહ્યો હતો. જેમાં સોભા 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, હેમિસ્ફીઅર, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી સહિતના કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટોમાં 0.5 ટકા નરમાઈ જોવા મળી હતી. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ વધુ 3 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત સોના બીએલડબલ્યુ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 12 ટકા ઉછળ્યો હતો.આ ઉપરાંત પીએનબી, ગ્લેનમાર્ક, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ, વોડાફોન આઈડિયા, કેનેરા બેંક, આરબીએલ બેંક, જીએનએફસી, બેંક ઓફ બરોડા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, ગ્રાસિમ, તાતા કોમ્યુ., કોલ ઈન્ડિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ફો એજ, ઈન્ટરગ્લોબ એવિએશન, ઓરેકલ ફાઈનાન્સિયલ, જ્યુબિલિઅન્ટ, બાટા ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, આરઈસી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈટીઆઈ, પીએનબી, અજંતા ફાર્મા, ગ્લેનમાર્ક, ગ્લેક્સોસ્મિથલાઈન, બેંક ઓફ ઈન્ડિયા, ઓરોબિંદો ફાર્મા, કેનેરા બેંક, જ્યોતિ લેબ્સ, ગ્રાસિમ, ચોલા ફિન હોલ્ડનો સમાવેશ થતો હતો.
બે-ત્રણ વર્ષોમાં ખૂબ ઊંચો FII ઈનફ્લો જોવા મળશેઃ સુનીલ સિંઘાનિયા
વિદેશી સંસ્થાકિય રોકાણકારોમાં આગામી વર્ષોમાં ભારતનું આકર્ષણ વધશે એમ વરિષ્ઠ ફંડ મેનેજરનો મત
બ્રોડ માર્કેટમાં ઉન્માદને જોતાં સાવચેતી જાળવવાનું સૂચન
ભારતમાં લોંગ-ટર્મ રોકાણકારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેઓ લાંબા સમયગાળા માટે ઈક્વિટી માર્કેટ્સમાં રોકાણ જાળવી રાખશે તેઓ સારુ વળતર દર્શાવશે એમ જાણીતા ઈન્વેસ્ટમેન્ટ મેનેજર સુનીલ સિંઘાનિયાનું કહેવું છે. ઈક્વિટી માર્કેટ્સ ટૂંકમાં નવા ટાર્ગેટ્સ હાંસલ કરશે એમ તેઓ ઉમેરે છે. નિફ્ટીએ તાજેતરમાં 20 હજારની સપાટી પાર કરીને ઈતિહાસ રચ્યો છે.
સિંઘાનિયાના મતે ભારત વૃદ્ધિના ખૂબ સારા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. જેની સાથે ઈક્વિટી માર્કેટ્સ પણ ચાલશે એમ તેઓ ઉમેરે છે. દર 2-4 વર્ષે માર્કેટ નવા ટાર્ગેટ્સ દર્શાવે છે. અર્થતંત્રમાં વૃદ્ધિ જોતાં તે અપેક્ષિત છે. અર્થતંત્ર વૃદ્ધિ પામશે તો માર્કેટ પણ વૃદ્ધિ દર્શાવશે. છેલ્લાં છ મહિનામાં ભારતીય બેન્ચમાર્ક્સે 13 ટકાનું રિટર્ન આપ્યું છે. ભારતીય અર્થતંત્રની સંભાવના નવેસરથી વૃદ્ધિને લઈ જોવા મળી રહેલા ફોકસમાં જોઈ શકાય છે. જે સરકાર તરફથી હાથ ધરવામાં વિવિધ પ્રયાસો તથા તાજેતરમાં પૂરી થયેલી જી-20ની જાહેરાતોમાં જોઈ શકાય છે એમ સિઁઘાનિયાનું કહેવું છે. તેઓ વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)ના ભારતીય શેરબજારમાં લોંગ-ટર્મ ઈનફ્લોને લઈને પણ પોઝીટીવ વલણ ધરાવે છે. નજીકના સમયગાળામાં કોઈ સમસ્યા જોવા મળી શકે છે પરંતુ લાંબાગાળે એફઆઈઆઈ ફ્લો મજબૂત જળવાશે. તેમના મતે હાલમાં ક્યારેક પોઝીટીવ અને ક્યારેક નેગેટિવ ફ્લોને જોતાં કોઈ અંદાજ ના બાંધી શકાય પરંતુ આગામી બેથી ત્રણ વર્ષોમાં એફઆઈઆઈ ફ્લો ખૂબ પોઝીટીવ જોવા મળશે. હાલમાં એફઆઈઆઈનો મોટાભાગનો ફ્લો લાર્જ-કેપ શેર્સમાં જોવા મળે છે. કેમકે તેમાં તેઓ મોટા પ્રમાણમાં નાણા રોકી શકે છે એમ તેઓનું કહેવું છે.
માર્કેટમાં અર્નિંગ્સને લઈ સિંઘાનિયા જણાવે છે કે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં ઘણા અર્નિંગ્સ અપગ્રેડ જોવા મળ્યાં છે. નાણા વર્ષ 2024-25 માટે નિફ્ટીનો પીઈ મલ્ટિપલ્સ 18 ગણો જોવા મળી રહ્યો છે. જોકે, બ્રોડર માર્કેટ્સને લઈ તેઓ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે. જો વ્યાપક બજાર પર નજર નાખીએ તો ઉન્માદ પ્રવર્તી રહ્યો છે અને તેથી ઈન્વેસ્ટરે સાવચેતી જાળવવી જોઈએ એમ તેઓ ઉમેરે છે.
કોફી ડે ગ્લોબલે ક્રેડિટ સાથે સમાધાન કર્યું
NCALTએ ઈન્સોલ્વન્સી કેસને બાજુ પર રાખ્યો
અગાઉ 20 જુલાઈએ બેંગલૂર સ્થિત NCLT બેંચે CDGL સામે ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો હતો
કોફી કોફી ડે કોફી ચેઈનની માલિક કોફિ ડે ગ્લોબલ લિ.(CDGL) અને તેના ફાઈનાન્સિયલ ક્રેડિટર ઈન્ડસઈન્ડ બેંક વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળે છે. જેને ધ્યાનમાં રાખી નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(NCLAT)એ CDGLની સામેની ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાના આદેશને બાજુ પર રાખવાનો નિર્ણય લીધો છે.
CDGL અને ઈન્ડસઈન્ડ બેંકના વકીલોએ એનસીએલએટીની ચેન્નાઈ બેંચને બંને પક્ષો વચ્ચે સમાધાનને લઈ માહિતી આપવા સાથે ઈન્સોલ્વન્સી લિટીગેશન્સને પરત ખેંચવા મંજૂરી માગી હતી. જેને એમ વેણુગોપાલ અને શ્રીશા મેર્લાની બનેલી બે સભ્યોની બેચે માન્ય રાખી હતી અને CDGLની ઈન્સોલ્વન્સી પ્રક્રિયાના એનસીએલટીના આદેશને બાજુ પર રાખ્યો હતો. અગાઉ, 20 જુલાઈએ બેંગલૂર સ્થિત NCLT બેંચે CDGL સામે ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો હતો. તેણે કંપનીના ફાઈનાન્સિયલ ક્રેડિટર ઈન્ડસઈન્ડ બેંક તરફથી રૂ. 94 કરોડના ડ્યૂઝના દાવાની અરજીને આધારે આ આદેશ આપ્યો હતો. એનસીએલટીએ કંપનીના બોર્ડને સસ્પેન્ડ કર્યાં પછી વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશ્નલ તરીકે શૈલેન્દ્ર અજમેરાની નિમણૂંક કરી હતી. CDGLએ ફેબ્રુઆરી 2019માં રૂ. 115 કરોડની શોર્ટ-ટર્મ લોન માટે વિનંતી કરી હતી. 11 ઓગસ્ટે એનસીએલએટીએ વચગાળાના આદેશ મારફતે એનસીએલટીના આદેશ પર સ્ટે મૂક્યો હતો. એનસીએલટીના આદેશને સ્વર્ગસ્થ વીજી સિધ્ધાર્થની પત્ની માલવિકા હેગડેએ પડકાર્યો હતો. 2022-23માં CDGLએ રૂ. 869 કરોડની નેટ ઓપરેશ્નલ રેવન્યૂ જ્યારે રૂ. 67.77 કરોડની ખોટ દર્શાવી હતી.
ક્લાયન્ટ ફંડ નિયમોમાં મુશ્કેલીઓને જોતાં નિયમો હળવા કરવા બ્રોકર્સની માગણી
માર્કેટ મધ્યસ્થીઓ તરફથી સેબી સમક્ષ દૈનિક ધોરણે રિપોર્ટિંગ સહિત મેનપાવર અને ઊંચા ખર્ચને લઈ રજૂઆત કરાઈ
સેબી તરફથી નવી માર્ગદર્શિકાઓ હેઠળ ક્લાયન્ટના ફંડ્સને ક્લિઅરીંગ કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરવાની તથા ક્લાયન્ટ ફંડ્સને પરત કરવાની પ્રક્રિયામાં ફેરફારને કારણે કામકાજમાં તકલીફ પડી રહી હોવાનું માર્કેટ મધ્યસ્થીઓ એવા બ્રોકર્સ કહી રહ્યાં છે. એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા(ANMI) તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ બ્રોકર્સ ફોરમ(BBF)એ સેબી સમક્ષ નવી માર્ગદર્શિકાઓમાં રાહત આપવા માટે માગણી કરી છે. સેબીએ આ નવી ગાઈડલાઈન્સ બ્રોકર્સ તરફથી ક્લાયન્ટ્સના ફંડ્સના દૂરૂપયોગને અટકાવવા માટે રજૂ કરી છે. વર્તુળોના જણાવ્યા મુજબ રેગ્યુલેટરે બ્રોકર્સની ચિંતાને લઈ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને તેથી નિયમોમાં કેટલીક રાહતો આપવામાં આવી શકે છે.
રેગ્યુલેટરે નિર્ધારિત કરેલા નિયમો મુજબ દરેક ટ્રેડિંગ દિવસે ક્લાયન્ટ્સના ફંડ્સના ફરજિયાત પરત કરવા માટે સાંજે 6.3નો કટ-ઓફ ટાઈમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેને કારણે બ્રોકર્સની મેનપાવરની જરૂરિયાત વધવા સાથે મૂડી જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઈ છે. આ પ્રેકટીસ 1 સપ્ટેમ્બરથી અમલી બની હતી. વર્તમાન પ્રેકટિસ હેઠળ ફંડની બહુવિધ મૂવમેન્ટ્સની જરૂર પડે છે. જેમાં ક્લાયન્ટ્સ પાસેથી USCNBA(અપ સ્ટ્રીમીંગ ક્લાયન્ટ નોડલ બેંક એકાઉન્ટ), USCNBA પાસેથી સેટલમેન્ટમાં, સેટલમેન્ટમાંથી ક્લિઅરીંગ કોર્પોરેશન અને ક્લિઅરીંગ કોર્પોરેશનથી સેટલમેન્ટ, સેટલમેન્ટથી DSCNBA(ડાઉન સ્ટ્રીમીંગ ક્લાયન્ટ નોડલ બેંક એકાઉન્ટ) અને DSCNBAમાંથી ક્લાયન્ટ્સ જેટલી લાંબી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અગાઉ અપસ્ટ્રીમ અને ડાઉસ્ટ્રીમ એકાઉન્ટ્સને સંયુક્ત એન્ટીટી એટલેકે બ્રોકર્સ ક્લાયન્ટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.
ફંડ્સના દૂરૂપયોગને અટકાવવા માટે નવા નિયમો મુજબ DSCNBA અને USCNBA એકાઉન્ટ્સને રોજે ખાલી રાખવામાં આવે તે ફરજિયાત બનાવાયું છે. જેમાં DSCNBAને સાંજે 6.30 અગાઉ જ ખાલી કરી દેવાનુંરહે છે. જ્યારે બીજાને દિવસની આખર સુધીમાં ખાલી કરવાનું રહેશે. વધારાનું ફંડ્સ માત્ર ક્લિઅરીંગ કોર્પોરેશન પાસે જ જમા રહી શકે છે એમ સેબીની ગાઈડલાઈન્સે નિર્ધારિત કર્યું છે. જોકે, કડક કટ-ઓફ ટાઈમને કારણે બ્રોકર્સને કામગીરીમાં નોંધપાત્ર સમસ્યાનો સામનો કરવાનો થઈ રહ્યો છે. જેની ક્લાયન્સ સર્વિસિઁગ પ્રક્રિયા પર અસર પડી રહી છે એમ બીબીએફે સેબીને જણાવ્યું છે. બ્રોકર્સ ફોરમે સેબીના પાઠવેલા ઈમેઈલને લઈને જોકે બીબીએફના પ્રતિનિધિઓએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
એક જાણીતા બ્રોકરેજ હાઉસના અધિકારીના જણાવ્યા મુજબ બ્રોકર્સ વિવિધ બેંક્સ પાસે કેટલાંક અપસ્ટ્રીમીંગ એકાઉન્ટ્સ ધરાવતાં હોય છે. આનું કારણ ક્લાયન્ટ તરફથી બ્રોકરના ખાતામાં ઈન્ટ્રા-બેંક ફંડ ટ્રાન્સ સરળ બની રહે તે હોય છે. જો, કોઈ એક બેંકમાં ટેકનિકલ મુશ્કેલી ઊભી થાય અને ફંડ્સ સમયસર ટ્રાન્સફર ના થઈ શકે તેવી કિસ્સામાં કોની ભૂલ ગણાશે? આ માટે બ્રોકર શા માટે જવાબદાર ગણાય તેમ તેઓનું કહેવું છે. જો ક્લાયન્ટ્સના નાણાના અપસ્ટ્રીમીંગ અને ડાઉનસ્ટ્રીમીંગની પ્રક્રિયામાં રૂ. 10 કરોડના ફંડ્સ માટે નિયમના ભંગના કિસ્સામાં બ્રોકર્સે રૂ. 5 લાખની પેનલ્ટી ભરવાની રહે છે. ઘણીવાર ક્લાયન્ટ્સ સાંજે 6.3 પછી એડીશ્નલ ફંડ્સ ટ્રાન્સફર કરતાં હોય છે. તેવા કિસ્સામાં બ્રોકર્સ ક્લાયન્ટ્સને આમ કરતાં અટકાવી શકે નહિ એમ તેઓનું કહેવું છે. ઉપરાંત, ડેબિટ ફ્રીઝને કારણે બ્રોકર્સ નાણાને લિક્વિડ ફંડ્સ અથવા ઓવરનાઈટ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકી શકતાં નથી અને કોઈ વધારાનું રિટર્ન ઊભું કરી શકતાં નથી એમ બ્રોકરેજ અધિકારીનું કહેવું છે.
કેન્દ્ર સરકારને ભવિષ્યમાં બોરોઈંગ ઘટી રૂ. 12-13 લાખ કરોડ રહેવાની આશા
2023-24 માટે બજેટમાં રૂ. 15.43 લાખ કરોડના બોરોઈંગનો અંદાજ રાખવામાં આવ્યો હતો
કેન્દ્રિય નાણા મંત્રાલય આગામી કેટલાંક વર્ષોમાં સરકારનું બોન્ડ્સ મારફતે કુલ વાર્ષિક બોરોઈંગ ઘટીને રૂ. 12-13 લાખ કરોડ આસપાસ રહે તેવી આશા રાખે છે એમ જાણકાર સરકારી વર્તુળોનું કહેવું છે. એક વર્તુળના જણાવ્યા મુજબ સરકારે ગ્રોસ બોરોઈંગ્સનો આંકડા સામાન્ય જળવાય તે માટેની વિચારણા શરૂ કરી દીધી છે. તેમના મતે ચાલુ વર્ષે રૂ. 15.43 લાખ કરોડ અને આગામી વર્ષે રૂ. 16 લાખ કરોડ કે તેનાથી વધુ એવું ના બની શકે. સરકારે રૂ. 15.43 લાખ કરોડ પર એક વિરામ રાખવો જોઈએ એમ તેઓ ઉમેરે છે. સરકારે આરંભિક પગલાં ભર્યાં છે. બજાર વર્તુળો માને છે કે સરકાર 2023-24માં રૂ. 16 લાખ કરોડનું ભંડોળ ઊભું કરશે. જોકે અમે તેનાથી નીચે છીએ એમ વર્તુળનું કહેવું છે. કોવિડના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારના બોન્ડ્સ ઈસ્યુ કરીને માર્કેટમાંથી બોરોઈંગ્સ લેવાના વલણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. કેમકે ખર્ચમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે બીજી બાજુ આવક સૂકાઈ ગઈ હતી. જેને કારણે 2020-21 માટે ફિસ્કર ડેફિસિટ 9.2 ટકાના સ્તરે પહોંચી હતી. તે વર્ષે સરકારનું ગ્રોસ બોરોઈંગ વાર્ષિક ધોરણે 77 ટકા ઉછળ્યું હતું. 2022-21માં તે રૂ. 12.6 લાખ કરોડ પર નોંધાયું હતું. કેમકે સરકારે મહામારીની અસરમાંથી અર્થતંત્રને બચાવવા માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવું પડ્યું હતું. ત્યારપછી છેલ્લાં બે વર્ષોમાં સરકારી બોરોઈંગ્સે નવી વિક્રમી ટોચ દર્શાવી છે. 2022-23માં તે રૂ. 14.21 લાખ કરોડ પર નોંધાયું હતું. ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં 2023-24 માટે રૂ. 15.43 લાખ કરોડના બોરોઈંગનો અંદાજ રખાયો હતો.
કોવિડ અગાઉના નાણા વર્ષ દરમિયાન એટલેકે 2019-20 દરમિયાન સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઈંગ રૂ. 7.1 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જોકે, આ લેવલે બોરોઈંગ ઘટે તેવી શક્યતાં નહિવત છે. જોકે, સરકાર તેને વર્તમાન લેવલેથી વધતું અટકાવવા તેમજ આગામી ત્રણ-ચાર વર્ષોમાં તેમાં ઘટાડો આણવા માટેની વિચારણા કરી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ જો સરકાર 2025-26 સુધીમાં તેના 4.5 ટકાના ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને વળગી રહે તો આમ થવું શક્ય છે. સરકારી વર્તુળોના મતે જો અમે પ્રતિબધ્ધ રહીશું તો આગામી વર્ષોમાં ગ્રોસ બોરોઈંગ ઘટવું જોઈએ. 2025-26 માટે ફિસ્કર ડેફિસિટનો ટાર્ગેટ 4.5 ટકા પર છે. ત્યાં સુધીમાં નોમીનલ જીડીપી રૂ. 400 લાખ કરોડની નજીક હશે. જો અમે નાની બચતોમાંથી રૂ. 4.-4.5 લાખ કરોડ મેળવવાનું જાળવી રાખીશું તો ગ્રોસ બોરોઈંગ રૂ. 12-13 લાખ કરોડ પર લાવી શકાશે એમ તેઓ ઉમેરે છે. કેન્દ્ર સરકાર બોન્ડ માર્કેટ્સ, નાની બચત યોજનાઓમાંથી મળતી રકમ તથા તેના કેશ બેલેન્સમાંથી મળતી રકમમાંથી તેની નાણાકિય ખાધની પૂર્તી કરતી હોય છે. 2023-24ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સરકાર રૂ. 6.55 લાખ કરોડ ઊઘરાવવાનું આયોજન ધરાવે છે.
અંબુજાના ટેકઓવર માટે લીધેલાં ડેટને રિફાઈનાન્સ માટે અદાણી જૂથની મંત્રણા
કોંગ્લોમેરટે હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટની ખરીદી માટે 3.5 અબજ ડોલરનું ડેટ મેળવ્યું હતું
આ ટ્રાન્ઝેક્શન એશિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું લોન ડિલ બની રહેશે
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું ભારતીય કોંગ્લોમેરટ અદાણી જૂથ અંબુજા સિમેન્ટની ખરીદી માટે તેણે લીધેલાં 3.8 અબજ ડોલર સુધીના ડેટના રિફાઈન્સિંગ માટે છેલ્લાં કેટલાંક સમયથી મંત્રણા ચલાવી રહ્યું છે. આ માટે જૂથ વિવિધ લેન્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. એશિયામાં સૌથી મોટા સિન્ડિકેટેડ લોન ડિલ્સમાંના એક માટે જૂથ ત્રણ વિવિધ કેટેગરીના લેન્ડર્સ સાથે હાલમાં વાતચીત ચલાવી રહ્યું છે.
આ મુદ્દે જાણકાર વર્તુળોના કહેવા મુજબ બેંક્સ કુલ 3.5 અબજ ડોલરનું રિફાઈનાન્સ કરે તેવી શક્યતાં છે. અદાણી જૂથ ઓરિજિનલ અંબુજા ફેસિલિટી પર ઓછામાં ઓછી 30 કરોડ ડોલરની પુનઃચૂકવણી કરશે એમ તેઓ નામ નહિ આપવાની શરતે જણાવે છે. વર્તુળોના મતે ડીબીએસ ગ્રૂપ હોલ્ડિંગ્સ લિ., ફર્સ્ટ અબુ ધાબી બેંક પીજેએસસી, મિઝૂહો ફાઈનાન્સિયલ ગ્રૂપ ઈન્ક., મિત્સુબિશી યુએફજે ફાઈનાન્સિયલ ગ્રૂપ અને સુમિટોમો મિત્સુઈ કોર્પ જેવા લેન્ડર્સ આમાં ભાગ લેશે. જે દરેક 40 કરોડ ડોલરનું ધિરાણ કરશે. જ્યારે અન્ય બેંક્સ નાની રકમનું ધિરાણ પૂરું પાડશે. ટ્રાન્ઝેક્શનને લઈ હજુ આખરી નિર્ણય નથી લેવામાં આવ્યો. જો ડીલ ક્લોઝ થશે તો ચાલુ વર્ષે જાપાન સિવાયના એશિયામાં તે ચોથા ક્રમનું સૌથી મોટું લોન ડીલ બની રહેશે એમ બ્લૂમબર્ગનો ડેટા સૂચવે છે.
ઓગસ્ટમાં ઈ-વે બિલે 9.34 કરોડની સર્વોચ્ચ સપાટી દર્શાવી
અગાઉ માર્ચ 2023માં 9.09 કરોડના વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયાં હતાં
ઈ-વે બિલ જનરેશનમાં વૃદ્ધિનો અર્થ પછીના મહિને જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ એવો કરવામાં આવે છે
ઓગસ્ટમાં ઈ-વે બિલ જનરેશને 9.34 કરોડની ઓલ-ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી એમ GSTN ડેટા સૂચવે છે. અગાઉ ચાલુ વર્ષે માર્ચમાં રૂ. 9.09 કરોડની ટોચ બની હતી. જોકે, આ વિક્રમી ઈ-વે બિલ જનરેશન માટેનું કારણ જીએસટીએને નથી દર્શાવ્યું, પરંતુ એમ માનવામાં આવે છે કે તહેવારોની સિઝનને જોતાં કંપનીઓ ઊંચી રવાનગી કરી રહી છે. જેને કારણે બિલ જનરેશનમાં વૃદ્ધિ નોંધાઈ છે. ઉપરાંત રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિ અને વધુ સારા કોમ્પ્લાયન્સને કારણે બિલ જનરેશનમાં વૃદ્ધિ જોવા મળી છે. સાથે વપરાશમાં જોવા મળેલી રિકવરીને કારણે પણ માલ-સામાનની હેરાફેરીની કામગીરીમાં વૃદ્ધિ નોંધાઈ છે.
ઈ-વે બિલ એ પોર્ટલ પર ઈલેક્ટ્રોનિકલી જનરેટ કરવામાં આવેલું બિલ છે. જે ગુડ્ઝની મૂવમેન્ટનો પુરાવો છે. તેમજ તે સૂચવે છે કે તેના પર ટેક્સ ચૂકવવામાં આવ્યો છે કે નહિ. સીજીએસટી રુલ્સ, 2017ના કુલ 138 મુજબ દરેક રજિસ્ટર્ડ વ્યક્તિ કે જે રૂ. 50 હજારથી વધુના મૂલ્યના કન્સાઈન્મેન્ટની મૂવમેન્ટનું કરી રહ્યો છે તેણે ઈ-વે બિલ જનરેટ કરવાનું રહે છે. બે રાજ્યો વચ્ચે તેમજ એક રાજ્યની અંદર મૂવમેન્ટ માટે ઈ-વે બિલ જરૂરી બની રહે છે. જોકે, રાજ્યની અંદર ગુડ્ઝની લઘુત્તમ રકમ નિર્ધારિત કરવાની સત્તા સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ પાસે રહે છે.
વર્તુળોના મતે ઈ-વે બિલ્સની સંખ્યામાં વૃદ્ધિની જીએસટી કલેક્શન પર પોઝીટીવ અસર જોવા મળી શકે છે. ઊંચા ઈ-વે જનરેશનનો અર્થ ઊંચું ટેક્સ કલેક્શન એવો કરવામાં આવે છે. જેમકે જીએસટીએનના ડેટા મુજબ માર્ચ, 2023માં 9 કરોડથી વધુના વિક્રમી ઈ-વે બિલ જોવા મળ્યાં હતાં. જેને કારણે એપ્રિલમાં રૂ. 1.87 લાખ કરોડની વિક્રમી જીએસટી આવક નોંધાઈ હતી. જોકે એપ્રિલમાં ઈ-વે બિલની સંખ્યા ઘટી 8.44 કરોડ પર રહી હતી. જે પછીના મે મહિનામાં જીએસટીની આવક રૂ. 1.57 લાખ કરોડ રહી હતી. આ જ રીતે માસિક ધોરણે જુલાઈમાં ઈ-વે બિલ જનરેશન વધી 8.79 કરોડે પહોંચ્યું હતું. જોકે ઓગસ્ટમાં કલેક્શન રૂ. 1.59 લાખ કરોડ જ જોવા મળ્યું હતું. એવું શક્ય છે કે હેરફેર થયેલા ગુડ્ઝનો વપરાશ સમાન મહિનામાં થઈ ગયો હોય અથવા તેના અગાઉના મહિને થયો હોય. જેને કારણે પછીના બે મહિનામાં કલેક્શન પર તેની અસર જોવા મળી શકે છે.
AU સ્મોલ ફાઈ. બેંકની ફિનકેર SFBની ખરીદી માટે વિચારણા
જો વાતચીત સફળ રહેશે તો દેશમાં સ્મોલ ફાઈનાન્સ બેંક ક્ષેત્રે કોન્સોલિડેશનની શરૂઆત થશે
શેરબજાર પર લિસ્ટેડ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે અન્ય સ્મોલ ફાઈનાન્સ બેંક ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક ખરીદી માટે પ્રાથમિક વાતચીત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. ઊચ્ચસ્તરિય વર્તુળોના જણાવ્યા મુજબ આ ઘટના હજુ ખૂબ નવી છે અને ચર્ચા-વિચારણા શરૂઆતી તબક્કામાં છે. જો વાતચીત સફળ રહેશો તો ભારતમાં સ્મોલ ફાઈનાન્સ બેંક ક્ષેત્રે આ પ્રથમ કોન્સોલિડેશન હશે. બુધવારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 0.7 ટકા સુધારા સાથે રૂ. 723.45ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપની રૂ. 48 હજાર કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે.
એયૂ એસએફબી 31 માર્ચ, 2023ના રોજ રૂ. 58421 કરોડની લોન બુક ધરાવતી હતી. જ્યારે ફિનકેર રૂ. 8700 કરોડની લોન બુક સાથે સાતમા ક્રમે જોવા મળતી હતી. ફિનકેર એસએફબીની 60 ટકા એસેટ્સ માઈક્રોફાઈનાન્સ લોન્સ છે અને બેંક દક્ષિણના બજારમાં મજબૂત હાજરી ધરાવે છે એમ કહેવાય છે. ફિનકેરે મે મહિનામાં તેના આઈપીઓ માટે ફરીથી ફાઈલીંગ કર્યું હતું અને હાલમાં તે સેબીની મંજૂરીની પ્રતિક્ષા કરી રહી છે.
વર્તુળોના જણાવ્યા મુજબ એયૂ એસએફબી દક્ષિણના રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં વિસ્તરણ માટેની શોધ ચલાવી રહી છે. આ માટે ઓર્ગેનિક વૃદ્ધિમાં ખૂબ લાંબો સમય લાગી શકે છે. જ્યારે માર્કેટમાં પ્રભુત્વ ધરાવતાં લેન્ડરની ખરીદી સમજદારી દર્શાવે છે એમ નામ નહિ આપવાની શરતે ઉચ્ચ-સ્તરીય વર્તુળ જણાવે છે. એક અન્ય ઉદ્યોગ વર્તુળના મતે ઊંચું યિલ્ડ રળી આપતાં એમએફઆઈ પોર્ટફોલિયોને કારણએ એયૂ એસએફબીની નફાકારક્તાને વેગ મળશે. જૂન ક્વાર્ટરમાં બેંકે 5.7 ટકાના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન તથા 13.4 ટકાના યિલ્ડ દર્શાવ્યાં હતાં. એયૂની નફાકારક્તા તેના હરિફોની સરખામણીમાં 200-300 બેસીસ પોઈન્ટ્સ જેટલી નીચી છે.
દેશમાં કોફીના ઉત્પાદનને બમણો કરવાનો પ્રસ્તાવ
કેન્દ્રિય એજન્સી કોફી બોર્ડે આગામી 10 વર્ષોમાં દેશમાં કોફીનું ઉત્પાદન બમણું કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે તે કોફીનું ઉત્પાદન કરતાં પરંપરાગત રાજ્યોમાં ઉત્પાદક્તામાં વૃદ્ધિ પર ભાર આપવા સાથે વાવેતર નહિ ધરાવતાં રાજ્યોમાં 2 લાખ હેકટર વિસ્તારને કોફી નીચે લાવવા માટે વિચારી રહી છે. દેશમાં પરંપરાગત રીતે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે પ્લાન્ટેશન ક્રોપ એવો કોફીનો પાક બિન-પરંપરાગત એવા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ પગપેસારો કરી રહ્યો છે. હાલમાં દેશમાં 4.72 લાખ હેકટર વિસ્તારમાં કોફીનું વાવેતર થાય છે. જ્યારે 2022-23માં દેશમાં 3.6 લાખ ટન કોફીનું ઉત્પાદન નોંધાયું હતું. છેલ્લાં ત્રણ દાયકામાં ભારતમાં કોફીનું ઉત્પાદન બમણાથી પણ વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. નેવુના દાયકામાં દેશમાં 1.69 લાખ ટન કોફીનું ઉત્પાદન જોવા મળતું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ રિટેલઃ રિલાયન્સ જૂથની કંપની 1.5 અબજ ડોલર ઊભા કરવા માટે ગલ્ફ તથા સિંગાપુર સ્થિત ફંડ્સ સાથે મંત્રણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. વર્તુળોના મતે કંપની ફંડ રેઈઝીંગના વધુ એક રાઉન્ડમાં સિંગાપુર, અબુ ધાબી અને સાઉદી અરેબિયા સ્થિત ફંડ્સ સાથે મંત્રણા ચલાવી રહી છે. ગયા મહિને કંપનીએ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પાસેથી રૂ. 8278 કરોડ ઊભા કર્યાં હતાં. હવે કંપની સિંગાપુરની જીઆઈસી, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સાઉદી અરેબિયા પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ પાસેથી નાણા ઊભા કરી શકે છે. આ દરેક પાસેથી 50 કરોડ ડોલર મેળવવામાં આવે તેવી શક્યતાં છે.
ગોડફ્રે ફિલિપ્સઃ સિગારેટ કંપનીના શેરધારકોએ કંપની તરફથી કરવામાં આવેલા રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કંપનીના બોર્ડે તેની સિસ્ટર કંપની ફિલીપ મોરિસ પ્રોડક્ટ્સ એસએને વાર્ષિક ધોરણે રૂ. 1000 કરોડની મૂલ્યના અનમેન્યૂફેક્ચર્ડ તમાકુની નિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
શ્રી રેણુકા સુગર્સઃ સિંગાપુર સ્થિત વિલ્માર સુગર હોલ્ડિંગ્સ પ્રમોટેડ કંપની ઉત્તર પ્રદેશ સ્થિત સ્ટેન્ડઅલોન સુગર ફેક્ટરી અનામિકા સુગર મિલ્સની રૂ. 200 કરોડમાં ખરીદી કરશે. વર્તુળોના જણાવ્યા મુજબ નાની કંપનીઓ મોટા ખેલાડીઓ સામે સ્પર્ધામાં ટકી નહિ શકવાથી ઉદ્યોગ ક્ષેત્રે કોન્સોલિડેશન થઈ રહ્યું છે. મોટી કંપનીઓ ડિસ્ટલરીઝ સ્થાપી તેમની આવક વધારી રહી છે.
ટાટા મોટર્સઃ કંપનીએ ટ્રક ઉત્સવ લોંચ કર્યો છે. જેનો હેતુ નવીન વાહનો અને મોબિલિટી સોલ્યુશન્સને લઈ જાગૃતિ વધારવાનો છે. કંપનીએ નવી ટાટા એલપીટી 1916 લોંચ કરી છે. જે તેની શ્રેણીમાં નવો ઉમેરો છે. જે ગ્રાહકોની નફાશક્તિમાં વૃદ્ધિને ટાર્ગેટ કરે છે.
કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ રૂ. 1012 કરોડના મૂલ્યના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે. કંપનીની સિવિલ બિઝનેસ સબસિડિયરીએ ડેટા સેન્ટર અને એફએમસીજી સેગમેન્ટ્સમાં નવા ક્લાયન્ટ્સ પાસેથી આ ઓર્ડર્સ પ્રાપ્ત કર્યાં છે. જેમાં પશ્ચિમ ભારતમાં ડેટા સેન્ટર બાંધવાનું તથા દક્ષિણ ભારતમાં વૈશ્વિક એફએમસીજી જાયન્ટ માટે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંક બોન્ડ્સ મારફતે રૂ. 1500 કરોડ ઊભા કરવા માટે જઈ રહી છે. કંપની બેસેલ-2 કમ્પ્લાયન્ટ બોન્ડ્સનું પ્રાઈવેસ પ્લેસમેન્ટ કરશે. જેમાં રૂ. 250 કરોડની ઈસ્યુ સાઈઝ સાથે રૂ. 1250 કરોડના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ થતો હશે. બેંકનું બોન્ડ ઓક્શન 14 સપ્ટેમ્બરે યોજાશે.
સૂવેન ફાર્માસ્યુટિકલ્સઃ કેન્દ્રિય કેબિનેટે સાયપ્રસ સ્થિત ફંડ તરફથી ફાર્મા કંપનીમાં રૂ. 9589 કરોડના વિદેશી રોકાણ માટેની મંજૂરી આપી છે. સાયપ્રસ સ્થિત બેર્હ્યાન્ડા લિમિટેડ સુવેન ફાર્માસ્યુટિકલ્સમાં 76.1 ટકા હિસ્સાની ખરીદી ઈચ્છે છે. જેમાં વર્તમાન પ્રમોટર હિસ્સાની ખરીદી ઉપરાંત પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી ઓપન ઓફર મારફતે વધુ હિસ્સા ખરીદીનો સમાવેશ થાય છે.