ઊંચા મથાળે વેચવાલી પાછળ અન્ડરટોન નરમ
નિફ્ટીએ 17800નું સ્તર તોડ્યું
વૈશ્વિક બજારોમાં પણ સાવચેતીનું માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.3 ટકા વધી 13.68 પર બંધ
આઈટી, મેટલ, રિઅલ્ટી, બેંકિંગમાં નરમાઈ
એફએમસીજી, જાહેર સાહસોમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં લેવાલીના અભાવે બ્રેડ્થ નરમ
અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક વેચવાલી
શેરબજારમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે સ્થાનિક બજારમાં પણ અન્ડરટોન નરમાઈ તરફી જળવાયો હતો અને બેન્ચમાર્ક્સ અડધા ટકા ઘટાડે બંધ જળવાયા હતાં. બીએસઈ સેન્સેક્સ 251 પોઈન્ટ્સ ગગડી 60,432ની સપાટીએ જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ્સ ઘટાડે 17,720ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3759 કાઉન્ટર્સમાંથી 2337 તેમના અગાઉના બંધ કરતાં ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 1256 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 130 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જ્યારે 151 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.3 ટકા વધી 13.68 પર બંધ બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં માર્કેટમાં ઊંચી વોલેટિલિટી શક્ય છે.
સોમવારે ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી તરત જ મંદીમાં સરી પડ્યું હતું અને સમગ્ર સત્રમાં નેગેટિવ ઝોનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17,857ના અગાઉના બંધ સામે 17859ના સ્તરે ખૂલી ઉપરમાં 17881ની ટોચ બનાવી ગગડતો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે 17720નું બોટમ બનાવી તે કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 28 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 17799ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં પ્રિમીયમ કરતાં સહેજ વૃદ્ધિ સૂચવે છે. આમ માર્કેટમાં નવા શોર્ટ કે લોંગમાં કોઈ ખાસ ઉમેરાનો સંકેત નથી. જેને જોતાં મંગળવારે વૈશ્વિક બજારોને આધારે માર્કેટમાં રેંજ બાઉન્ડ મૂવમેન્ટની શક્યતાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 17700ને મહત્વનો સપોર્ટ જુએ છે. જે તૂટશે તો 17500 સુધીનો ઘટાડો સંભવ છે. ઉપર બાજુએ નિફ્ટી 18000 કૂદાવે પછી જ માર્કેટ એક દિશામાં ગતિ દર્શાવે તેવી શક્યતાં છે. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો સોમવારે આઈટી, મેટલ, રિઅલ્ટી, બેંકિંગમાં નરમાઈ જોવા મળતી હતી. જ્યારે જાહેર સાહસોમાં સાધારણ સુધારો જળવાયો હતો. નિફ્ટી આઈટી 2 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં કોફોર્જ 7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, ટીસીએસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, વિપ્રો, એમ્ફેસિસ પણ નરમાઈ સૂચવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1.2 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 7 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સેઈલ, મોઈલ, હિંદાલ્કો, હિંદુસ્તાન ઝીંક, વેદાંત, એનએમડીસીમાં પણ નરમાઈ જોવા મળી હતી. બેંકનિફ્ટી 0.7 ટકા ગગડ્યો હતો. જેમાં 3 ટકા સાથે બંધન બેંક ઘટવામાં મુખ્ય હતો. પીએસયૂ બેંક્સ પણ નોંધપાત્ર નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને પીએનબી મુખ્ય હતાં. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક મુખ્ય અને એક્સિસ પણ નરમ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્મટમાં ગ્લેનમાર્ક ફાર્મા 6 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ ઉપરાંત નાલ્કો, ટાઈટન કંપની, મેટ્રોપોલીસ, હિંદુસ્તાન એરોનોટિક્સ, લાર્સન, એનટીપીસી, બજાજ ઓટો, હનીવેલ ઓટોમેશન, અશોક લેલેન્ડ અને એસ્કોર્ટ્સ કુબોટા મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ સિટિ યુનિયન બેંક 16 ટકા ગગડ્યો હતો. આઈડીએફસી 14 ટકા, ઈન્ફોએજ 9 ટકા, લ્યુપિન 8 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતાં હતાં. અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી. જેમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, અદાણી પાવર અને અદાણી ગ્રીન એનર્જી 5 ટકાની લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં.
સેબી અદાણી જૂથને લઈ તપાસ અંગે નાણા પ્રધાનને અપડેટ કરશે
અદાણી એન્ટરપ્રાઇઝના FPOને પરત ખેંચવાને લઈ માર્કેટ રેગ્યુલેટર તપાસ કરી રહ્યું છે
મૂડી બજાર રેગ્યુલેટર સેબી અદાણી જૂથની ફોલો-ઓન પબ્લિક ઓફરને પરત ખેંચવાના મુદ્દે તેની તપાસ અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારામણને ચાલુ સપ્તાહે અપડેટ કરશે એમ બે જાણકાર વર્તુળોનું કહેવું છે. સેબીનું બોર્ડ 15 ફેબ્રુઆરીએ નાણા પ્રધાનને મળવાનું હોવાનું તેઓ ઉમેરે છે. રેગ્યુલેટરના બોર્ડ મેમ્બર્સ અદાણી જૂથના શેર્સમાં તાજેતરના રકાસ દરમિયાન તેમણે હાથ ધરેવા સર્વેલન્સ સંબંધી પગલાઓ અંગે માહિતી આપશે એમ વર્તુળો જણાવે છે. અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ જાન્યુઆરી મહિનાની આખરમાં એફપીઓ સાથે બજારમાં પ્રવેશી હતી. જોકે એફપીઓ અગાઉ યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગે તેનો રિપોર્ટ રજૂ કરતાં અદાણી જૂથ શેર્સમાં કડાકો બોલાયો હતો. આમ છતાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો એફપીઓ સફળતાપૂર્વક ભરાયો હતો. જોકે અદાણીએ પાછળથી તેને પરત ખેંચ્યો હતો અને નાણા રોકાણકારોને પરત આપવાનું નક્કી કર્યું હતું. વર્તુળોના જણાવ્યા મુજબ અદાણી જૂથના શેર્સમાં ઓફશોર ફંડ ફ્લોની તપાસને લઈને પણ નાણા પ્રધાનને અપડેટ કરવામાં આવશે. સોમવારે પણ અદાણી જૂથના શેર્સમાં વેચવાલી જળવાય હતી.
સેબીની મોરેશ્યસ સ્થિત કંપનીઓ અને FPI વચ્ચેના જોડાણને લઈને તપાસ
માર્કેટ રેગ્યુલેટરે કસ્ટોડિયન્સને મોરેશ્યસમાં બેસીને ભારતીય બજારમાં ટ્રેડિંગ કરતી કંપનીઓ સાથે વિદેશી રોકાણકારોની સાંઠ-ગાંઠને તપાસવા જણાવ્યું
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કસ્ટોડિયન્સને ભારતીય બજારમાં ટ્રેડિંગ કરતી વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ) અને કેટલીક કંપનીઓ વચ્ચેના જોડાણની તપાસ કરવા માટે જણાવ્યું છે. આમાંની મોટાભાગની કંપનીઓ મોરેશ્યસ સ્થિત છે. શુક્રવારે સેબીએ ભારતીય શેરબજારમાં એફપીઆઈની ટ્રેડિંગની બુકકિપર તરીકે કામ કરતાં બેંક્સ અને નોન-બેંક્સ કસ્ટોડિયન્સને આઁઠ કંપનીઓની યાદી સર્ક્યુલેટ કરી હતી. આમાંની મોટાભાગની કંપનીઓ મોરેશ્યસ સ્થિત છે.
સેબીએ કસ્ટોડિયન્સને યાદીમાં સમાવિષ્ટ કંપનીઓમાંની કોઈપણ કંપની શું કસ્ટોડિયન્સના એફપીઆઈ ક્લાયન્ટ્સની ‘ઈન્વેસ્ટમેન્ટ મેનેજર’ છે અથવા ‘ફંડ એકાઉન્ટન્ટ’ કે ‘પોર્ટફોલિયો મેનેજર’ છે તે તપાસ કરીને જણાવવાનું કહ્યું છે. કસ્ટોડિયન્સને આ તમામ આંઠ કંપનીઓ સાથે જોડાયેલી તમામ એફપીઆઈની વિગતો સોમવાર સુધીમાં રજૂ કરવા સેબીએ જણાવ્યું છે. સેબી કદાચ આ આઁઠ કંપનીઓ કઈ હદે ભારતીય બજારમાં સક્રિય છે તે જાણવા ઈચ્છે છે. તેઓ કેટલું ફંડ મેનેજ કરે છે અને તેઓ કયા શેર્સમાં ટ્રેડિંગ કરે છે તે પણ જાણવાનો હેતુ હોઈ શકે છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. એક ઈન્વેસ્ટમેન્ટ મેનેજર અથવા પોર્ટફોલિયો મેનેજર સેબી પાસે રજિસ્ટ્રેશન ધરાવતી એકથી વધુ એફપીઆઈ સાથે જોડાયેલો હોઈ શકે છે. ભૂતકાળમાં સેબીએ બેનિફિશ્નલ ઓઉનર્સ(બીઓ)ને ઓળખ માટે અનેકવાર આ પ્રકારની કવાયત હાથ ધરી છે. જોકે રેગ્યુલેટર અથવા કસ્ટોડિયન એફપીઆઈના આખરી બીઓને ઓળખવામાં નિષ્ફળ જાય તો ફંડની મુખ્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજર કંપનીને જ બીઓ તરીકે ગણનામાં લેવામાં આવે છે.
સેબીએ તેના ઈમેઈલમાં કોઈ ભારતીય કંપનીઓ અથવા તો શેર્સનું નામ સ્ક્રૂટિનીમાં નથી દર્શાવ્યું. યાદીમાં સમાવિષ્ટ કંપનીઓનું નામ તાજેતરમાં માધ્યમોના અહેવાલમાં જોવા મળ્યું હતું. જેમાં કેટલીક મોટી સર્વિસ પ્રોવાઈડર છે જ્યારે કેટલાંક નામ સેબીએ માર્કેટ ઈન્ટેલિજન્સ મારફતે મેળવ્યાં હોય તેમ જણાય છે. એવું જણાય રહ્યું છે કે સેબીએ જાણી જોઈને શંકાસ્પદ નામોને મોરેશ્યસ સ્થિત કેટલીક જાણીતી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ સાથે ભેળવ્યાં છે એમ જાણકારનું કહેવું છે. પોર્ટફોલિયો મેનેજર એ કયા શેર ખરીદવા અને કયા શેર વેચવા તથા ક્યારે રોકાણ કરવું અને ક્યારે વેચાણ કરવું જેવી ચાવીરુપ કામગીરી નિભાવતો હોય છે. ઈન્વેસ્ટમેન્ટ મેનેજર એ કોર્પોરેટ કંપની હોય છે, જે પોર્ટફોલિયો મેનેજરની નિમણૂંક કરતી હોય છે. જો ફંડના ભંડોળમાં મોટો હિસ્સો ધરાવતી કોઈ વ્યક્તિ જોવા ના મળે તો ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના ચીફ મેનેજર કે ડિરેક્ટરને જ એફપીઆઈ પાછળનું ભેજું ગણવામાં આવે છે. ફંડ એડમિનિસ્ટ્રેટર્સ તરીકે કામ કરતાં ફંડ એકાઉન્ટ્ન્ટ્સ ફંડ એકાઉન્ટિંગ, ઈન્વેસ્ટર ઓનબોર્ડિંગ અને રેગ્યુલેટર અને ઈન્વેસ્ટર રિપોર્ટિંગ સર્વિસિસ ઓફર કરતાં હોય છે. વધુ સોફેસ્ટિકેટેડ સર્વિસ પ્રોવાઈડર્સ તેમના ફંડ મેનેજર ક્લાયન્ટ્સને એકથી વધુ જ્યુરિસ્ડિક્શનને આધારે પ્લગ-એન્ડ-પ્લે સોલ્યુશન્સ પૂરા પાડતાં હોય છે.
વર્તુળોના મતે સેબી આ માહીતીમાંથી શું મેળવવા માગે છે એની અમને ખબર નથી એમ એક કસ્ટોડિયન બેંકર જણાવે છે. જોકે સંસદમાં પ્રશ્નો ઊભા કરવામાં આવ્યાં છે અને તેથી રેગ્યુલેટરે તમામ શક્યતાઓ ચકાસવી પડી રહી છે એવું અમે માનીએ છીએ એમ તેઓ ઉમેરે છે. સેબીએ આ માહિતી મેળવવા માટેનો તેનો હેતુ નથી જણાવ્યો. શું તે તાજેતરના શોર્ટ-સેલીંગની ઘટનાને લઈને કોઈ તપાસ કરી રહી છે કે કેમ તે અમે નથી જાણતા એમ તેઓ જણાવે છે.
જાન્યુઆરીમાં પ્રાઈવેટ વેહીકલ્સ વેચાણમાં 17 ટકાની વૃદ્ધિ નોંધાઈ
ઊંચી કન્ઝ્યૂમર માગ પાછળ યુટિલીટી વેહીકલના વેચાણમાં 28 ટકા વૃદ્ધિ
નવા કેલેન્ડરના પ્રથમ મહિનામાં સ્થાનિક પેસેન્જર વેહીકલ વેચાણમાં 17.23 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)એ જણાવ્યું છે. જાન્યુઆરીમાં કુલ વેચાણ 2,98,093 યુનિટ્સ પર નોંધાયું હતું. પર્સનલ વેહીકલ્સ(પીવી)માં પણ યુટીલિટી વેહીકલ(યૂવી) સેગમેન્ટનું વેચાણ સૌથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું એમ સિઆમનો ડેટા જણાવે છે. સિઆમ ડેટા મુજબ જાન્યુઆરી 2022માં કુલ 1,16,962 યૂવીનું વેચાણ સામે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 1,49,328 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે વાર્ષિક ધોરણે 28 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે ટુ-વ્હીલર્સ વેચાણમાં માત્ર 3.81 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 11.84 લાખ યુનિટ્સ પર રહ્યું હતું. જેનું મુખ્ય કારણ ગ્રામીણ વિસ્તારોમાં પાંખી માગ હોવાનું સિઆમનું કહેવું છે.
સિઆમના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં પીવીનું વેચાણ માસિક ધોરણે સૌથી ઊંચં જોવા મળ્યું હતું. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીના 10 મહિનામાં તે પ્રથનવાર 30 લાખનો આંકડો પાર કરી ગયું છે. એલ5 કેટેગરીનું થ્રી-વ્હીલર્સનું વેચાણ જાન્યુઆરીમાં વાર્ષિક રીતે બમણું જોવા મળ્યું હતું. જ્યારે ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે માત્ર 4 ટકા વધ્યું હતું એમ તેઓ ઉમેરે છે. સિઆમના ડેટા મુજબ જાન્યુઆરીમાં કાર ઉત્પાદકોએ કુલ 44,441 યુનિટ્સ પીવીની નિકાસ કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 40,781 યુનિટ્સ પર હતી. જોકે થ્રી-વ્હીલર્સની નિકાસ ગયા વર્ષે 23,080 યુનિટ્સ પરથી ઘટી 39,151 યુનિટ્સ પર રહી હતી. જ્યારે ટુ-વ્હીલર્સ નિકાસ 40.76 ટકા ગગડી 2,20,103 યુનિટ્સ પર રહી હતી. સિઆમ પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલના મતે પર્સનલ વેહીકલ્સના ઊંચા વેચાણનું કારણ કન્ઝ્યૂમરની ઊંચી માગ છે. છેલ્લાં બે વર્ષોની સરખામણીમાં થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. જોકે તે હજુ પણ કોવિડ અગાઉના સ્તરથી નીચું જોવા મળી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ટુ-વ્હીલર્સ ક્ષેત્રે ગ્રોથ ધીમો જોવા મળી રહ્યો છે અને તે અન્ય સેગમેન્ટની સરખામણીમાં નીચો છે એમ તેઓ ઉમેરે છે.
ગુજરાતમાં જાન્યુઆરીમાં વાહન વેચાણમાં 14 ટકા વૃદ્ધિ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશનના ડેટા મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં કુલ 18,26,669 યુનિટ્સ વાહનોનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે 16,08,505 યુનિટ્સ સામે 13.56 ટકા વૃદ્ધિ સૂચવે છે. થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં 66 હજાર યુનિટ્સ સાથએ 58.6 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે પર્સનલ વેહીકલમાં 22 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને ગયા વર્ષે 70,853 યુનિટ્સ સામે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 82,428 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. ટુ-વ્હીલર્સ વેચાણમાં જોકે 10 ટકા વૃદ્ધિ જ નોંધાઈ હતી અને તે 12.65 લાખ યુનિટ્સ પર રહ્યું હતું.
અદાણી જૂથમાં એક્સપોઝરને લઈ ચિંતા નથીઃ DBS
બેંક સીઈઓના મતે અદાણી જૂથની સિમેન્ટ કંપનીઓ મજબૂત કેશફ્લો ધરાવે છે
ડીબીએસ ગ્રૂપ અદાણી જૂથ કંપનીઓમાં ખૂબ સારી રીતે સંચાલિત એક્સપોઝર ધરાવે છે એમ દક્ષિણપૂર્વ એશિયાની સૌથી મોટી બેંકના ચીફ એક્ઝીક્યુટીવે સોમવારે જણાવ્યું હતું. અદાણીને સ્વીસ કંપની હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસીની ખરીદીમાં 10.5 અબજ ડોલરનું ધિરાણ પૂરું પાડનાર બેંક્સમાં ડીબીએસનો પણ સમાવેશ થાય છે. સિંગાપુર બેંકે જૂથને 1 અબજ સિંગાપુર ડોલરનું ફાઈનાન્સ પૂરું પાડ્યું છે. યુએસ ડોલર સંદર્ભમાં તે 75.1 કરોડ ડોલર જેટલું થાય છે. તેઓ મજબૂત કેશ-જનરેટિંગ કંપનીઓને છે અને અમને તેના એક્સપોઝરને લઈને કોઈ ચિંતા નથી એમ ડીબીએસના ચીફ એક્ઝિક્યૂટીવ પિયૂષ ગુપ્તાએ બેંકના ત્રિમાસિક પરિણામોની જાહેરાત બાદ જણાવ્યું હતું. સિમેન્ટ ઉદ્યોગ જંગી સંભાવના ધરાવે છે. આમ એક્સપોઝર મજબૂત રીતે સંચાલન ધરાવે છે. ન્યૂ યોર્ક સ્થિત શોર્ટ સેલર હિંડેનબર્ગના અદાણી જૂથ પરના રિસર્ચ રિપોર્ટને લઈને છેલ્લાં ત્રણ સપ્તાહ દરમિયાન જૂથ કંપનીઓના શેર્સમાં જંગી વેચવાલી જોવા મળી છે. જેમાં અદાણી જૂથના માર્કેટ-કેપમાં 110 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોઁધાઈ ચૂક્યો છે. સોમવારે અંબુજા સિમેન્ટનો શેર 5 ટકા ગગડી રૂ. 342.45ની સપાટીએ જ્યારે એસીસીનો શેર 3 ટકા ગગડી રૂ. 1823.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં.
FPIની ફેબ્રુઆરીમાં અત્યાર સુધી રૂ. 10Kની વેચવાલી
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચાલુ ફેબ્રુઆરીમાં સોમવાર સુધીમાં અત્યાર સુધીમાં રૂ. 10 હજાર કરોડથી વધુની વેચવાલી દર્શાવી છે. જાન્યુઆરીમાં તેમણે સ્થાનિક બજારમાં રૂ. 29 હજાર કરોડ આસપાસનું વેચાણ નોંધાવ્યું હતું. આમ કેલેન્ડરમાં બીજા મહિના દરમિયાન તેમના તરફથી ચોખ્ખો આઉટફ્લો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં સાત મહિનાનું સૌથી તીવ્ર વેચાણ જોવા મળ્યું હતું. કેલેન્ડર 2022માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ કુલ રૂ. 1.25 લાખ કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. ભારતીય બજારમાં વેચાણ દર્શાવનાર એફપીઆઈ અન્ય હરિફ બજારો જેવાકે ચીન, હોંગ કોંગ, સાઉથ કોરિયામાં ચોખ્ખી ખરીદી દર્શાવી રહી છે.
વૈશ્વિક સુગર ભાવમાં મજબૂતી જળવાય રહેવાની શક્યતાં
વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ઊંચા સ્તરે જળવાય રહે તેવી પ્રબળ શક્યતાં હોવાનું કોમોડિટી એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. યુરોપિયન યુનિયન અને ભારતમાં નીચા ઉત્પાદનને કારણે ઊભી થયેલી ચિંતા પાછળ આમ થશે. હાલમાં રો સુગરના ભાવ 19-22 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ થઈ રહ્યાં છે. રૂપિયાના સંદર્ભમાં તે રૂ. 33075-40375 પ્રતિ ટન પર જોવા મળે છે. બ્રાઝિલ અને થાઈલેન્ડમાં ઊંચા ઉત્પાદન છતાં સુગરના ભાવ ઊંચા ટ્રેડ થઈ રહ્યાં છે. ભારત તરફથી વધુ ખાંડ નિકાસની છૂટની સંભાવના નહિ હોવાથી પણ ભાવ પર અસર પડી રહી હોવાનું તેમનું કહેવું છે. ભારત સરકારે 31 મે સુધીમાં દેશમાંથી 60 લાખ ટન સુગર નિકાસની છૂટ આપી છે. જેનાથી વધુ નિકાસ થઈ શકશે નહિ. જાન્યુઆરી આખર સુધીમાં લગભગ 40 લાખ ટન નિકાસના સોદા થઈ ચૂક્યાં છે. જેમાંથી મોટાભાગનમો માલ રવાના થઈ ગયો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ હાઈડ્રો-કાર્બન કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1746.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1720.5 કરોડની સરખામણીમાં 1.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4643.4 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 15.8 ટકા ઉપર રૂ. 5,276.2 કરોડ પર રહી હતી.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14.2 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5136 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 5263 કરોડ પર રહી હતી.
એબીબી ઈન્ડિયાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 305.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 197 કરોડના અંદાજથી નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો છે. કંપનીનો એબિટા રૂ. 116.8 કરોડ સામે રૂ. 188.4 કરોડ પર રહ્યો હતો જ્યારે એબિટા માર્જિન 27.7 ટકા પરથી સુધરી 32 ટકા પર જોવા મળ્યાં હતાં.
એસ્ટ્રાઝેનેકાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 29.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.4 કરોડની સરખામણીમાં 150 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 200.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 24.6 ટકા ઉછળી રૂ. 249.8 કરોડ પર રહી હતી.
અવંતિ ફિડ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 62.45 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40.19 કરોડની સરખામણીમાં 55 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1069 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 3 ટકા ઉપર રૂ. 1102.6 કરોડ પર રહી હતી.
લેમન ટ્રીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 40 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 2 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 143.7 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 62.6 ટકા ઉપર રૂ. 233.5 કરોડ પર રહી હતી.
ઈઆઈએચઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 151 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 42 કરોડની સરખામણીમાં 261 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 360 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 63 ટકા ઉપર રૂ. 586 કરોડ પર રહી હતી.
હિમાદ્રી સ્પેશ્યાલિટીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 65.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 24 કરોડની સરખામણીમાં 160 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 773 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 34 ટકા ઉપર રૂ. 1037 કરોડ પર રહી હતી.
મેક્રોડેટ ડેવલપર્સઃ રિઅલ્ટી કંપનીએ જણાવ્યું છે કે નાણાકિય વર્ષ 2022-23માં તે 11 હજાર ફ્લેટ્સની ડિલીવરી પૂર્ણ કરશે.