માર્કેટ સમરી
ભારતીય શેરબજારમાં ગુરુવારે પ્રોફિટ બુકિંગ જળવાયું હતું. ઊંચા સ્તરે ઘણા ક્ષેત્રોમાં ડિસ્ટ્રીબ્યુશન જોવા મળતું હતું. ખાસ કરીને બેંકિંગ મુખ્ય હતું. નિફ્ટી બેંક 2 ટકા તૂટ્યો હતો અને 28672ની ઈન્ટ્રા-ડે ટોચથી પટકાઈ 28278 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 58 પોઈન્ટ્સ ઘટી 12691 પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 236 પોઈન્ટ્સના ઘટાડે 43357 પર બંધ રહ્યો હતો.
બેંકિંગ શેર્સમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી
છેલ્લાં 10-12 ટ્રેડિંગ સત્રોમાં અસાધારણ વૃદ્ધિ દર્શાવ્યાં બાદ બેંકિંગ સેક્ટર થાક ખાઈ રહ્યું હતું. ખાનગી તેમજ પીએસયૂ બેંક શેર્સમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી હતી. જેમાં એસબીઆઈ 3.3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. જયારે એ સિવાય કોટક બેંક, બેંક ઓફ બરોડા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, કેનેરા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સેન્ટ્રલ બેંક, ફેડરલ બેંક અને લક્ષ્મીવિલાસ બેંક સહિતના શેર્સ 2-3 ટકાની રેંજમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
બેંક નિફ્ટીને 29000નો મહત્વનો અવરોધ
બેંક નિફ્ટી બુધવારે 29030ના સ્તરેથી પરત ફર્યો હતો. આ સ્તર 32000થી 16000ના તેના ઘટાડાનું 78.6 ટકાનું રિટ્રેસમેન્ટ લેવલ છે. જેને ફિબોનાકી લેવલ પણ કહે છે. આમ બેંક માટે આ સ્તર કૂદાવવું અઘરું બની રહેશે. બેંક નિફ્ટીને 27900નો નજીકનો સપોર્ટ છે. મંગળવારે ગેપ-અપ ઓપનીંગને કારણે બેન્ચમાર્ક આ સ્તર સુધી ઘટાડો દર્શાવી શકે છે.
ટ્રેડર્સ ડિફેન્સિવ વળ્યાં, નિફ્ટી એફએમસીજી 1.3 ટકા ઉછળ્યો
બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી ત્રણેક દિવસથી તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે ટ્રેડર્સના વ્યૂહમાં પરિવર્તનના સંકેત મળી રહ્યાં છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બુધવાર અને ગુરુવારે બજારમાં ઊંચા સ્તરે જોવા મળેલા પ્રોફિટ બુકિંગ દરમિયાન ડિફેન્સિવ નેચર ધરાવતાં એફએમસીજી, ફાર્મા અને આઈટીમાં મધ્યમ કક્ષાનો સુધારો નોંધાયો હતો. જે સૂચવે છે કે કેટલોક સમય માટે ટ્રેડર્સ તેમના નાણા સેફ કાઉન્ટર્સમાં જળવાય તેવું વિચારી રહ્યાં છે. ગુરુવારે બેંક નિફ્ટી અને નિફ્ટી 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં ત્યારે નિફ્ટી એફએમસીજી 1.3 ટકા સુધર્યો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી આઈટી પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. ગુરુવારે બેન્ચમાર્ક્સમાં 3 ટકાનો સૌથી ઊંચો સુધારો હિંદુસ્તાન યુનિલીવરમાં જોવાયો હતો. જ્યારબાદ આઈટીસી 1.5 ટકા સુધર્યો હતો. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ નથી એવાં એફએમસીજી કાઉન્ટર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. ફાર્મા ક્ષેત્રે સન ફાર્માએ મજબૂતી દર્શાવી હતી. લાર્જ-કેપ્સમાં ડિફેન્સિવ ઉપરાંત સ્મોલ અને મીડ-કેપ્સમાં જેઓ હજુ અન્ડરપર્ફોર્મર રહ્યાં છે તેવા કાઉન્ટર્સમાં પણ નાણા પ્રવેશી શકે છે. જે બાબત ગુરુવારે નિફ્ટી સ્મોલ-કેપમાં 1.2 ટકાના સુધારામાં જોવા મળતી હતી. નિફ્ટી મીડ-કેપ પણ 0.5 ટકા સુધર્યો હતો.
ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર બે વર્ષની ટોચ પર
ઈન્ડિગો બ્રાન્ડની માલિક ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર ગુરુવારે 2 ટકાથી વધુના સુધારા સાથે રૂ. 1650ની અંતિમ બે વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. કોવિડ-19ને કારણે ઉડ્ડયન સેવાઓ પર ગંભીર અસર છતાં કંપનીએ અપેક્ષા કરતાં સારો દેખાવ દર્શાવતાં શેરમાં છેલ્લા કેટલાંક સત્રોથી અવિરત સુધારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં રૂ. 765ના તળિયાથી કંપનીનો શેર 116 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. ગુરુવારે તેનું માર્કેટ-કેપ રૂ. 62780 કરોડના સ્તરે પહોંચ્યું હતું.
એમસીએક્સ ખાતે સોનું-ચાંદીમાં સુધારો નોંધાયો
ચાલુ સપ્તાહે કિંમતી ધાતુઓની ચાલ એકાંતરે દિવસે બદલાતી જોવા મળી છે. સોમવારે તીવ્ર વેચવાલી બાદ મંગળવારે સુધારા બાદ બુધવારે નરમ પડેલા સોનું-ચાંદી ગુરુવારે અડધા ટકાની મજબૂતી દર્શાવતાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર વાયદો 0.55 ટકા અથવા રૂ. 274ની મજબૂતી સાથે રૂ. 50445ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે સિલ્વર ડિસમ્બર વાયદો 0.51 ટકા અથવા રૂ. 319ની મજબૂતી સાથે રૂ. 62860 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરુઆતી ત્રણ દિવસોમાં નોંધપાત્ર સુધારા બાદ ક્રૂડમાં 1.25 ટકાની નરમાઈ જોવા મળતી હતી અને નવેમ્બર ક્રૂડ વાયદો રૂ. 3092ના સ્તરે જોવા મળતો હતો.