બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક સેન્ટીમેન્ટ ખરડાતાં બજાર બીજા દિવસે નરમ
એશિયા, યુએસ અને યુરોપ બજારોમાં સાર્વત્રિક ઘટાડો
નિફ્ટી 16050નું સ્તર જાળવવામાં સફળ
નિફ્ટીના 50માંથી 43 કાઉન્ટર્સે નરમ બંધ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે 18.54ના સ્તરે
એનર્જી અને રિઅલ્ટી સિવાય તમામ સેક્ટર્સમાં નરમાઈ
ઓટો, આઈટી, મેટલ, એફએમસીજી, ફાર્મા સૂચકાંકો એક ટકા ડાઉન
અદાણી ટોટલ ગેસનો શેર 3 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ
બ્રોડ માર્કેટમાં પાંખા કામકાજે માર્કેટ-બ્રેડ્થ નરમ
નવા સપ્તાહે સતત બીજા દિવસે શેરબજાર નરમ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાતાં નોંધપાત્ર વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં પણ માર્કેટ સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 509 પોઈન્ટ્સ ગગડી 53887ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ્સ ઘટાડે 16058ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. તે 16050ના સપોર્ટને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 43 નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર સાત કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં હતાં. જેની સરખામણીમાં બ્રોડ માર્કેટમાં સ્થિતિ સારી જોવા મળી હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ સાધારણ નેગેટિવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા મજબૂતી સાથે 18.54ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે નરમાઈ સાથે ઓપનીંગ બાદ તળિયાના સ્તરેથી નોંધપાત્ર સુધારો દર્શાવી સાધારણ ઘટાડે બંધ રહેલા બજારમાં મંગળવારે પણ કામકાજની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 16216ના અગાઉના બંધ ભાવ સામે 16126ના સ્તરે ખૂલી 16159ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી દિવસ દરમિયાન ઘસાતો રહ્યો હતો. તેણે 16031નું લો દર્શાવ્યું હતું. જ્યાંથી સહેજ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટીને એનટીપીસી, શ્રી સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા અને હીરો મોટોકોર્પ જેવા કાઉન્ટર્સ તરફથી સાધારણ સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે એ સિવાયના મોટાભાગના કાઉન્ટર્સ નરમ બંધ રહ્યાં હતાં. જેમાં આઈશર મોટર્સ 3 ટકા, હિંદાલ્કો 2.6 ટકા, ઈન્ફોસિસ 2.35 ટકા, બીપીસીએલ 2.3 ટકા, નેસ્લે 2 ટકા અને ગ્રાસિમ 1.85 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં માત્ર એનર્જી અને રિઅલ્ટી સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી હતી. એનર્જી સેગમેન્ટમાં અદાણી ગ્રીન એનર્જીમાં બીજા દિવસે 4 ટકા મજબૂતી જોવા મળી હતી. જ્યારે આ સિવાય એનટીપીસી અને ટાટા પાવરનો પણ સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 0.1 ટકાનો સાધારણ સુધારો દર્શાવતો હતો. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 3.12 ટકા અને ઓબેરોય રિઅલ્ટી 1.9 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળતાં હતાં. અન્ય સેક્ટરલ સૂચકાંકોમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી અને બેંકિંગ સહિત તમામ એક ટકા આસપાસ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી 1.16 ટકા ડાઉન રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસ 2.35 ટકા, એચસીએલ ટેક 1.7 ટકા, એમ્ફેસિસ 1.7 ટકા અને ટેક મહિન્દ્રા એક ટકા ઘટાડો સૂચવતાં હતાં. ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા ડાઉન રહ્યો હતો. જેમાં ભારત ફોર્જ 3.4 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 3.2 ટકા, આઈશર મોટર્સ 3 ટકા, એમએન્ડએમ 1.6 ટકા અને ટાટા મોટર્સ 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલમાં 1.2 ટકા ઘટાડો નોંધાયો હતો. જેમાં એનએમડીસી 5 ટકાથી વધુ નરમાઈ સાથે ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય હિંદાલ્કો 2.6 ટકા, સેઈલ 2 ટકા, નાલ્કો 1.7 ટકા અને ટાટા સ્ટીલ 1.2 ટકા નરમાઈ દર્શાવતાં હતાં. બેંકિંગ શેર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક એક ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સમાં નેસ્લે 2 ટકા, બ્રિટાનિયા 2 ટકા અને એચયૂએલ 1.7 ટકા ઘટાડો સૂચવતાં હતાં. આઈટીસી પણ 0.8 ટકા નરમ બંધ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિલ્સ સેગમેન્ટમાં કેટલાંક મીડ-કેપ કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં ઈન્ડુસ ટાવર્સ 4 ટકા સુધારા સાથે ટોચ પર હતો. ડિક્સોન ટેક્નોલોજી 3.5 ટકા, બંધન બેંક 2.7 ટકા, કન્ટેનર કોર્પોરેશન 2 ટકા, એનબીસીસી 1.8 ટકા અને એમસીએક્સ 1.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઘટાડો દર્શાવનાર એફએન્ડઓ કાઉન્ટર્સમાં આરઈસી 5 ટકા, એચપીસીએલ 3.8 ટકા, ફર્સ્ટસોર્સ 3.7 ટકા, આરબીએલ બેંક 3.11 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 3 ટકા અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈ. 3 ટકાનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો વેચવાલીનું પ્રમાણ લાર્જ-કેપ્સ કરતાં ઓછું જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે 3467 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1472 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1826 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 169 અગાઉના બંધ પર ફ્લેટ જોવા મળતાં હતાં. 89 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. જાણીતી કંપનીઓમાં સર્વોચ્ચ સપાટી દર્શાવવામાં અદાણી ટોટલ ગેસનો સમાવેશ થતો હતો. કંપનીનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 2844.95ની સર્વોચ્ચ ટોચ દર્શાવ્યા બાદ ર3 ટકા સુધારે રૂ. 2797.55ના સ્તરે બંધ રહ્યો હતો. એમએન્ડએમ ફાઈનાન્સિયલનો શેર પણ 1.5 ટકા સુધારા સાથે તેની વાર્ષિક ટોચ પર બંધ જોવા મળ્યો હતો.
એપ્રિલ-જૂનમાં PE ઈન્વેસ્ટમેન્ટ્સમાં 25 ટકા ઘટાડો
નાણા વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સમાં ત્રિમાસિક ધોરણે 25.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2021-22ના છેલ્લા ક્વાર્ટર જાન્યુઆરીથી માર્ચમાં 8.98 અબજ ડોલર પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં 6.7 અબજ ડોલરનું પીઈ રોકાણ જ જોવા મળ્યું છે. પીઈ રોકાણમાં ઘટાડાના મુખ્ય કારણોમાં રશિયા-યૂક્રેન જીઓપોલિટિકલ તણાવ તથા વધતાં ઈન્ટરેસ્ટ રેટને ગણાવવામાં આવે છે. ગયા વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 8.13 અબજ ડોલર પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સની સરખામણીમાં પણ ચાલુ વર્ષે સમાનગાળામાં 17.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂનમાં ચાલુ વર્ષે પીઈ ડિલ્સની સંખ્યા 14.9 ટકા ગગડી 344 ડિલ્સ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 404 ડિલ્સ પર હતી. જાન્યુઆરી 2022થી માર્ચ 2022માં 323 ડિલ્સની સરખામણીમાં એપ્રિલ-જૂનમાં ડિલ્સ સંખ્યામાં 6.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
જૂનમાં દેશમાંથી ટ્રેકટર્સની વિક્રમી નિકાસ
જૂન મહિના દરમિયાન દેશમાંથી ટ્રેકટર્સની વિક્રમી નિકાસ નોંધાઈ હતી. જ્યારે ઉત્પાદન પણ આંઠ મહિના બાદ એક લાખ યુનિટ્સની સપાટી પાર કરી ગયું હતું. ગયા મહિને દેશમાં કુલ 94477 યુનિટ્સનું વેચાણ રહ્યું હતું. જે મે મહિના દરમિયાન 81940 યુનિટ્સ પર હતું. આમ માસિક ધોરણે વેચાણમાં 15 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. કૃષિ પાકોના ઊંચા ભાવોને કારણે ખેડૂતો પાસે સારા કેશ ફ્લોને કારણે ટ્રેકટર્સની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે સ્થાનિક ટ્રેકટર્સ વેચાણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોઁધાયો હતો. જેનું મુખ્ય કારણ ગયા વર્ષનો ઊંચો બેઝ હોવાનું વર્તુળો માને છે. જૂન 2021માં 1.10 લાખ યુનિટ્સનું વેચાણ થયું હતું. દેશમાંથી ટ્રેકટર્સની નિકાસ 12849 યુનિટ્સ પર રહી હતી. જે આ અગાઉ સપ્ટેમ્બર 2021માં 12690 યુનિટ્સના સૌથી ઊંચા સ્તરે હતી. સતત 13મા મહિને નિકાસ આંકડો 10 હજાર યુનિટ્સથી ઉપર રહ્યો હતો.
રશિયા ખાતેથી ઓઈલ આયાત વિક્રમી સ્તરે જોવા મળી
ભારતની રશિયા ખાતેથી ઓઈલ આયાત જૂન મહિનામાં 9.5 લાખ બેરલ્સ પ્રતિ ડેના વિક્રમી સ્તરે પહોંચી હોવાનું ટ્રેડ વર્તુળો જણાવે છે. જે વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા ક્રૂડ આયાતકાર એવા ભારતની આયાતનો 20 ટકા હિસ્સો દર્શાવે છે. ભારતીય રિફાઈનર્સ બ્રેન્ટની સરખામણીમાં તગડાં ડિસ્કાઉન્ટ્સ પર આપવામાં આવી રહેલા રશિયન ઓઈલની મોટી ખરીદી કરી રહ્યાં છે. જૂનમાં ભારતે રશિયા ખાતેથી 48 લાખ ટન ઓઈલની આયાત કરી હતી. જે મેની સરખામણીમાં 3.8 ટકા જેટલી નીચી હતી. જોકે વાર્ષિક ધોરણે 23 ટકા વધુ હતી. મે મહિનાની સરખામણીમાં જૂનમાં આયાતમાં 15.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે ઈરાક અને સાઉદી ખાતેથી આયાતમાં અનુક્રમે 10.5 ટકા અને 13.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રશિયા-પડોશી દેશો ભારતના 16 ટકા ટ્રેડને રૂપિયામાં તબદિલ કરી શકે
ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં દેશના ફોરેક્સ રિઝર્વ્સમાં રૂ. એક લાખ કરોડનું ગાબડું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સને રૂપિયામાં સેટલ કરવા માટે રજૂ કરેલા મિકેનીઝમનો ઉપયોગ કરીને રશિયા અને પાકિસ્તાન સિવાયના પડોશી દેશો સાથેના વેપાર મારફતે કુલ ટ્રેડના 16.38 ટકાને રૂપિયામાં કન્વર્ટ કરી શકે છે એમ વાણિજ્ય મંત્રાલયનો ડેટા જણાવે છે. 2021-22માં ભારતનો વિશ્વ સાથેનો કુલ વેપાર રૂ. 77.15 લાખ કરોડ જેટલો હતો. હાલમાં રશિયા પર પશ્ચિમી દેશોએ વિવિધ પ્રતિબંધો લાગુ પાડતાં દ્વિપક્ષીય ટ્રેડમાં સમસ્યા ઊભી થઈ રહી છે.
ટ્રેડ સેટલમેન્ટમાં રૂપિયાના ઉપયોગથી આરબીઆઈને ફોરેક્સ જાળવી રાખવામાં સહાયતા મળશે. ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન વચ્ચે જંગ શરૂ થયા બાદ ભારતના ફોરેક્સ રિઝર્વ્સમાં રૂ. 1 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. આરબીઆઈના તાજા ડેટા મુજબ ફેબ્રુઆરીમાં રૂ. 47.52 લાખ કરોડના બદલે હાલમાં તે રૂ. 46.43 લાખ કરોડ પર જોવા મળે છે. મંગળવારે ડોલર સામે રૂપિયો 79.61ના વિક્રમી તળિયા પર ટ્રેડ થયો હતો. ફેડ રેટ વૃદ્ધિ પાછળ યુએસ ડોલરમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે. જેને કારણે વિકસિત અને ઈમર્જિંગ માર્કેટ્સ ચલણો નવા તળિયા બનાવી રહ્યાં છે. ગયા સપ્તાહે આરબીઆઈએ દેશમાં ડોલર ઈનફ્લો વધારવા માટે વિવિધ પગલા પણ જાહેર કર્યાં હતાં. રૂપી સેટલમેન્ટના કારણે ભારત વૈશ્વિક ટ્રેડમાં યુએસ ડોલરને બાયપાસ કરી શકશે. ભારત અને રશિયા વચ્ચે 2021-22માં કુલ ટ્રેડ રૂ. 98 હજાર કરોડનો હતો. જે દેશના વૈશ્વિક ટ્રેડના એક ટકાથી પણ નીચે હતો. જોકે માર્ચ મહિના બાદ રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટમાં તેલ આપવાનું શરૂ કરતાં ટ્રેડમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
જો પડોશી દેશોની વાત કરીએ તો તેઓ 2021-22માં કુલ ટ્રેડના 15.11 ટકા હિસ્સો ધરાવતાં હતાં. જેમાં ચીન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર અને માલદિવ્સનો સમાવેશ થાય છે. ચીન રૂ. 8.6 લાખ કરોડ સાથે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર હતો. જ્યારે ત્યારપછીન ક્રમે બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા આવતા હતાં.
અદાણી જૂથે ગુજરાત સર્કલ માટે LOI મેળવ્યો
અદાણી એન્ટરપ્રાઈઝિસની માલિકીની અદાણી ડેટા નેટવર્ક્સને ડોટ તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ ઈસ્યુ કરાયો
દેશમાં બીજા ક્રમના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ અદાણીએ ગુજરાત સર્કલમાં યુનિફાઈડ લાયસન્સની ગ્રાન્ટ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ(એલઓઆઈ) મેળવ્યો છે. ડોટ તરફથી 28 જૂનના રોજ આ એલઓઆઈ ઈસ્યુ કરવામાં આવ્યો હતો.
યુનિફાઈડ લાઈસન્સ અદાણી જૂથને ગુજરાત સર્કલમાં લોંગ ડિસ્ટન્સ કોલ અને ઈન્ટરનેટ ફેસિલિટીઝ પૂરી પાડવા માટેની છૂટ આપશે. જોકે ગ્રૂપ અગાઉ જણાવી ચૂક્યું છે કે તે કન્ઝ્યૂમર મોબિલિટી સર્વિસ ઓફર કરવાની કોઈ યોજના ધરાવતું નથી અને તે કેપ્ટિવ પ્રાઈવેટ નેટવર્ક્સ માટે 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે. અન્ય સર્કલ્સમાં સર્વિસિસ પૂરી પાડવા માટે જૂથે અલગથી લાઈસન્સિસ મેળવવાના રહેશે. ટેલિકોમ ક્ષેત્રે અદાણી જૂથ નવ પ્રવેશક છે અને તેણે 5G સ્પેક્ટ્રમ ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી છે. ડોટે મંગળવારે સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેનારી કંપનીઓ માટેની વિગતો રજૂ કરી હતી. બીડર્સ માટે પ્રિ-ક્વોલિફિકેશન 18 જુલાઈએ હાથ ધરવામાં આવશે અને 20 જુલાઈએ આખરી બીડર્સના નામ જાહેર કરવામાં આવશે. મલ્ટીપલ બેન્ડ્સમાં એરવેવ્ઝ માટે બિડીંગ હાથ ધરવામાં આવશે. જેમાં 3.5 ગીગાહર્ટ્ઝ બેન્ડ અને મિલીમિટર વેવ બેન્ડનો પણ સમાવેશ થાય છે.
અદાણી જૂથ તરફથી સ્પેક્ટ્રમ ઓક્શનમાં અદાણી ડેટા નેટવર્ક્સ ભાગ લેશે. જે અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની કંપની છે. અદાણી ડેટા નેટવર્સની નેટવર્થ રૂ. 248.35 કરોડ જેટલી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસની નેટ વર્થ રૂ. 4730.66 કરોડ છે. ઓક્શનના નિયમો મુજબ ભાગ લેનારા બીડર્સે ફરજિયાત પણે તેમની માલિકીની વિગતો ડોટને આપવાની રહેશે. કેશની તંગી અનુભવી રહેલી વોડાફોન આઈડિયા(વી) 31 માર્ચ, 2022ના રોજ રૂ. 80918 કરોડની નેગેટિવ નેટ વર્થ ધરાવતી હતી અને 5G માટેના જંગને લડવા માટે કદાચ અસમર્થ છે. રિલાયન્સ જીઓની નેટવર્થ 31 માર્ચના રોજ રૂ. 1.98 લાખ કરોડ પર હતી. જ્યારે ભારતી એરટેલની નેટવર્થ સમાનગાળામાં રૂ. 75886.8 કરોડ પર હતી. આમ આ બંને કંપનીઓ 5G માટે કોઈ શંકા વિના સ્પર્ધા કરી શકશે. અદાણી જૂથે જણાવ્યું છે કે તે 5G સ્પેક્ટ્રમનો ઉપયોગ પ્રાઈવેટ નેટવર્ક સોલ્યુશન્સ માટે અને એરપોર્ટ્સ, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટીક્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને મેન્યૂફેક્ચરિંગ ઓપરેશન્સ ખાતે સાયબરસિક્યૂરિટીને વ્યાપક બનાવવા માટે કરશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ભારતી એરટેલઃ દેશમાં બીજા ક્રમના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે અગાઉ ઈસ્યુ કરેલા 2 લાખ ડોલરના એફસીસીબીને ઈક્વિટી શેર્સમાં રૂપાંતરિત કર્યાં છે. તેણે રૂ. 523 પ્રતિ શેરના ભાવે આ કન્વર્ઝન હાથ ધર્યું છે.
બાઈજુસઃ જાણકારોના મતે કંપનીએ આકાશ એજ્યૂકેશ્નલ સર્વિસિસની ખરીદી પેટે યુએસની પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટ બ્લેકસ્ટોન ઈન્કને ઓગસ્ટ સુધીમાં 20 કરોડ ડોલરની ચૂકવણી કરવાની થાય છે. બંને પક્ષો ચૂકવણામાં બે મહિનાના વિલંબ માટે સહમત થયા હોવાનું તેઓ જણાવે છે.
કોલ ઈન્ડિયાઃ સરકારી કોલ ઉત્પાદક કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મૂડી ખર્ચમાં વાર્ષિક ધોરણે 65 ટકા વૃદ્ધિ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. કંપનીએ સતત નવમા મહિને ખર્ચમાં વૃદ્ધિ દર્શાવી હતી. એપ્રિલ-જૂન દરમિયાન તેણે રૂ. 3034 કરોડનો ખર્ચ કર્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1841 કરોડ પર હતો. આમ રૂ. 1193 કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.
ટેલિકોમ ઈક્પિવેમન્ટ કંપનીઝઃ કેન્દ્ર સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ લાઈસન્સ એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. જે અસરકારક રીતે ચાઈનીઝ ટેલિકોમ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો પર પ્રતિબંધ મૂકે છે. જેનો લાભ સ્થાનિક કંપનીઓને થશે.
આહલૂવાલિયા કન્સ્ટ્રક્શનઃ બાંધકામ સેક્ટર કંપનીએ બેંગલૂરુ ખાતે એમિટિ કેમ્પસના બાંધકામ માટે રૂ. 150 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે.
એચએફસીએલઃ હિમાચલ ફ્યુચરિસ્ટીકે અગ્રણી પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર પાસેથી રૂ. 59.22 કરોડના મૂલ્યનો પરચેઝ ઓર્ડર મેળવ્યો છે.
ડીબીએલઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ દિલીપ બિલ્ડકોન તરફથી શ્રેમ ઈન્વિટના દસ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 100 ટકા ઈક્વિટી ખરીદીને મંજૂરી આપી છે.
એમઆરપીએલઃ ઓઈલ રિફાઈનરી કંપનીનું બોર્ડ 15 જુલાઈએ ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
સનટેક રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 333 કરોડનું પ્રિ-સેલ્સ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 89 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઝઃ જૂન મહિનામાં દેશમાં ફ્યુઅલ કન્ઝમ્પ્શન 6 ટકા વધી 18671 હજાર મેટ્રીક ટન પર રહ્યું હતું. જે કોવિડ અગાઉ જૂન 2019માં 17674 હજાર મેટ્રીક ટન પર હતું.
ટેક્નો ઈલેક્ટ્રીકઃ કંપનીના બોર્ડે રૂ. 325 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 130 કરોડના મૂલ્યના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી છે.
બોરોસીલઃ કંપનીનું બોર્ડ 14 જુલાઈના રોજ ઈક્વિટી અથવા કન્વર્ટિબલ બોન્ડ્સ મારફતે ફંડ ઉભું કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.