બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મહિનાનો સૌથી મોટો ઘટાડો, ઊંચા વોલ્યુમ સાથે માર્કેટ પટકાયું
સેન્સેક્સ 75 હજાર નીચે ઉતરી ગયો
નિફ્ટી 22500નું લેવલ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 11.53ના સ્તરે બંધ
ફાર્મા, એફએમસીજી, આઈટી, ઓટો, બેંકિંગમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ
હિંદુસ્તાન ઝીંક, એક્સાઈડ ઈન્ડ., આઈઆરસીટીસી નવી ટોચે
એચયૂએલ, ડાબર ઈન્ડિયા નવા તળિયે
ભારતીય શેરબજારમાં છેલ્લાં મહિનાની સૌથી મોટી વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 793 પોઈન્ટ્સ ગગડી 74245ની સપાટીએ જ્યારે નિફ્ટી 234 પોઈન્ટ્સ ગગડી 22519ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3943 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2373 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1466 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 11.53ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં એશિય બજારમાં નરમાઈ પાછળ સ્થાનિક બજારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 22754ના અગાઉના બંધ સામે 22677ની સપાટીએ ખૂલી ઉપરમાં 22726 પર ટ્રેડ થઈ નીચે 22504 પર પટકાયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી કેશ 99 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22603ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં 92 પોઈન્ટ્સનું પ્રિમીયમ સૂચવતો હતો. આમ, લોંગ પોઝીશનમાં ઘટાડાના સંકેતો નથી. લોંગ ટ્રેડર્સ 22300ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
બેન્ચમાર્ક નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, બજાજ ઓટો, તાતા મોટર્સ, ટીસીએસ, તાતા કન્ઝ્યૂમર, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે 50માંથી 43 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જેમાં સન ફાર્મા 4 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાઈટન કંપની, ઓએનજીસી, ગ્રાસિમ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, ટેક મહિન્દ્રા, સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, આઈટીસી, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, એક્સિસ બેંકમાં પણ નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો તમામ સૂચકાંકો નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જેમાં નિફ્ટી ફાર્મા 1.7 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, એફએમસીજી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.2 ટકા પટકાયો હતો. નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલમાં પણ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મામાં સન ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજીના ઘટકોમાં વરુણ બેવરેજીસ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ, બ્રિટાનિયા, ડાબર ઈન્ડિયા, ઈમામીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં પંજાબ એન્ડ સિઁધ બેંક, આઈઓબી, યૂકો બેંક, બેંક ઓફ મહા., સેન્ટ્રલ બેંક, સબીઆઈ, કેનેરા બેંક, યુનિયન બેંક, પીએનબીમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એક્સાઈટ ઈન્ડસ્ટ્રીઝ 3.7 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, આઈઆરસીટીસી, વેદાંત, સીજી કન્ઝ્યૂમર, ડો. લાલ પેથલેબ, સિન્જિન, મેટ્રોપોલીસ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સ, આરતી ઈન્ડ., કમિન્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ્ઝ, એબીબી ઈન્ડિયા, નવીન ફ્લોરિન, સેઈલ, મધરસન, હિંદ કોપર, તાતા પાવર, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, મુથુત ફાઈનાન્સ, પોલીકેબ, પેટ્રોનેટ એલએનજી, આઈઈએક્સમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, લૌરસ લેબ્સ, મારુતિ સુઝુકી, ઝાયડસ લાઈફ, આઈજીએલ, બલરામપુર ચીની, કેન ફિન હોમ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, અંબુજા સિમેન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઝી એન્ટ., વોલ્ટાસમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન ઝીંક, ક્વેસ કોર્પ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એક્સાઈડ ઈન્ડ., એજિસ લોજીસ્ટીક્સ, આઈઆરસીટીસી, કોન્કોર્ડ બાયો, ભારત ઈલે., આરતી ઈન્ડ., કમિન્સ, એબીબી ઈન્ડિયા, હિંદ કોપર, તાતા પાવર, વર્ધમાન ટેક્સટાઈલ, પેટ્રોનેટ એલએનજી, હમીવેલ ઓટોમેશનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદુસ્તાન યુનીલીવર અને ડાબર ઈન્ડિયાએ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
TCSએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 12,434 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીની આવકમાં વાર્ષિક 3.5 ટકા વૃદ્ધિ નોંધાઈ
આઈટી જાયન્ટે શેર દીઠ રૂ. 28નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું
આઈટી અગ્રણી ટીસીએસે શુક્રવારે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં હતાં. જેમાં તેણે રૂ. 12,434 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 11,392 કરોડની સરખામણીમાં 9 ટકા વૃદ્ધિ સૂચવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 12.44 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 11,058 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ પ્રતિ શેર રૂ. 28ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 61,237 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 59,162 કરોડ પર હતી. જે 3.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે કામકાજી આવક 1 ટકા ઘટાડો સૂચવે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 60,583 કરોડ રહી હતી.
કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર એન ગણપતિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરનો દેખાવ મજબૂત જળવાયો હતો. કંપનીએ તમામ ઉદ્યોગક્ષેત્રે અને તમામ પ્રદેશોમાંથી નવા ડિલ્સ મેળવ્યાં હતાં. જેમાં એવિવા તરફથી મેગા ડીલ જોવા મળ્યું હતું. 31 માર્ચના રોજ કંપનીના કર્મચારીઓની સંખ્યા 6,01,546 પર રહી હતી. જેમાં 35.6 ટકા મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ કંપની પાસે 152 દેશોની નાગરિક્તા ધરાવતાં કર્મચારીઓ આવેલા છે. શુક્રવારે ટીસીએસનો શેર રૂ. 4003.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતી હેક્ઝાકોમનું બમ્પર લિસ્ટીંગ, શેરનું 45 ટકા વળતર
ભારતી જૂથની કંપની ભારતી હેક્ઝાકોમનો શેર લિસ્ટીંગના દિવસે કામકાજની આખરમાં 42.68 ટકા વૃદ્ધિ સાથે રૂ. 813.30ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 20,332 કરોડ જોવા મળતું હતું. કંપનીએ રૂ. 570ના ભાવે શેર ઓફર કર્યો હતો. જેની સામે શેર રૂ. 755ની સપાટીએ ખૂલ્યાં પછી ઈન્ટ્રા-ડે રૂ. 880ની ટોચ બનાવી 43 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 30 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 2.5 ગણો છલકાયો હતો. નાણા વર્ષના પ્રથમ આઈપીઓને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિભાવ સાંપડ્યો હતો. જ્યારે કંપનીના શેરનું લિસ્ટીંગ અપેક્ષાથી ઘણું સારુ જોવા મળ્યું હતું. કંપનીમાં બહુમતી હિસ્સો પ્રમોટર્સ ધરાવે છે. આમ ભારતી પ્રમોટર મિત્તલ પરિવારના માર્કેટમાં કેપમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
વોડાફોન આઈડિયા આઈપીઓમાં GQG, SBI MF રૂ. 18 હજાર કરોડનું રોકાણ કરશે
ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાના આગામી શેર્સ ઓફરિંગ્સમાં જીક્યૂજી પાર્ટનર્સ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડ્સ રૂ. 6500 કરોડનું રોકાણ કરે તેવા રિપોર્ટ છે. ટેલિકોમ કંપની રૂ. 18 હજાર કરોડના શેર્સ સાથે બજારમાં પ્રવેશી રહી છે. જાણકારોના મતે જીક્યૂજી પાર્ટનરના ભારતીય મૂળના અધિકારી રાજીવ જૈન 50 કરોડ ડોલરનું રોકાણ કરવા વિચારી રહ્યાં છે. જ્યારે એસબાઈ એમએફ 20-30 કરોડ ડોલરનું રોકાણ કરે તેવી શક્યતાં છે. જીક્યૂજી અને એસબીઆઈ એમએફ તરફથી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. જ્યારે વોડાફોન આઈડિયાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. વોડાફોન અને આઈડિયાનું 2018માં મર્જર થયું હતું. જે 23 અબજ ડોલરનું ડિલ હતું. કંપનીમાં વોડાફોન 25 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ પછી વોડાફોન ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જોકે, છેલ્લાં વર્ષોમાં કંપનીએ ઝડપથી તેનો બજાર હિસ્સો ગુમાવ્યો છે. જેનું કારણ કંપનીને નડી રહેલી કેશની તંગી છે. રોકાણ માટે નાણાના અભાવે કંપની 5જી ઈન્ફ્રા. ઊભું કરી શકી નથી. તેમજ 4જીનો વ્યાપ વધારી શકી નથી.
ભારતીય રિઅલ એસ્ટેટ સેક્ટર 2034 સુધીમાં 1.5 ટ્રિલીયન ડોલરનું બનશે
દેશનો જીડીપી આગામી 10 વર્ષોમાં 10.3 ટ્રિલીયન ડોલર પર પહોંચશે.
ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટ કેલેન્ડર 2034 સુધીમાં 1.5 ટ્રિલીયન ડોલરનું બનશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. દેશમાં રેસિડેન્શિયલ અને કોમર્સિયલ પ્રોપર્ટીની માગમાં વૃદ્ધિને જોતાં વર્તમાન 48.2 અબજ ડોલરનું રિઅલ્ટી ઉદ્યોગનું કદ 10 વર્ષોમાં ત્રણ ગણું વધશે એમ તેનું કહેવું છે.
દેશના અર્થતંત્રમાં રિઅલ્ટી ઉદ્યોગનો હિસ્સો વધી 10.5 ટકા પર પહોંચશે. જે હાલમાં 7.2 ટકા છે એમ ‘ઈન્ડિયા રિઅલ એસ્ટેટઃ એ ડિકેટ ફ્રોમ નાઉ’ નામનો અહેવાલ જણાવે છે. આ રિપોર્ટ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી અને રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની નાઈટ ફ્રેંકે તૈયાર કર્યો છે. 2015માં અર્થતંત્રમાં રિઅલ્ટીનો હિસ્સો 27.9 કરોડ ડોલર પર હતો. જેમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે.
દેશમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માગ ઝડપથી વધી રહી છે. બીજા બાજુ, ઓફિસ સ્પેસની માગ તથા હોસ્પિટાલિટી અને રિટેલ ઈન્ડસ્ટ્રીની માગ પણ વધી રહી છે. ભારતમાં આગામી દસકાની વૃદ્ધિનો આધાર યુવાન વસ્તીના ગ્રોથ પર છે. તેમજ મેન્યૂફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિસ્તારોના વિસ્તરણ પર છે. ડોલર સામે રૂપિયામાં વાર્ષિક સરેરાશ 2 ટકાના ઘસારાને ગણનામાં લઈએ તો 2034 સુધીમાં ભારતનો જીડીપી 10.3 ટ્રિલીયન ડોલરે પહોંચવાની શક્યતાં ધરાવે છે. આ સ્થિતિમાં 2034 સુધીમાં દેશનું રેસિડેન્શિયલ માર્કેટનું કદ 906 અબજ ડોલર જ્યારે ઓફિસ સેક્ટરનું કદ 125 અબજ ડોલર પર પહોંચવાની અપેક્ષા છે.
Market Summary 12/04/2024
April 12, 2024