પાંખા વોલ્યુમ વચ્ચે શેરબજારમાં આગળ વધતો સુધારો
નિફ્ટીએ 18 હજારની સપાટી પાર કરી
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા સુધરી 12.27ના સ્તરે
ફાર્મા, આઈટી, ઓટો, બેંકિંગમાં સુધારો
એફએમસીજી, એનર્જીમાં નરમાઈ
આઈજીએલ, બજાજ ઓટો નવી ટોચે
ઓરિએન્ટ ઈલેક્ટ્રિક નવા તળિયે
શેરબજારમાં સપ્તાહના સતત ત્રીજા સત્રમાં સુધારો જળવાયો હતો અને બેન્ચમાર્ક્સ તેમની પાંચ સપ્તાહની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 235 પોઈન્ટ્સ ઉછળી 60393ની સપાટીએ જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ્સના સુધારે 17812ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 17 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3615 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2036 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 1480 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 112 કાઉન્ટર્સે તેની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ઘટાડે 12.27ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવી સુધારો જાળવી રાખ્યો હતો. સત્રની આખરમાં તેણે ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 53 પોઈન્ટ્સ પ્રિમીયમે 17863ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 65 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. આમ માર્કેટમાં ઊંચા સ્તરે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હોય તેમ જણાય છે. જે આગામી સમયમાં બજારમાં ઘટાડાની શક્યતાં દર્શાવે છે. છેલ્લાં સાત સત્રોમાં જોકે રોકાણકારોની વેલ્થમાં રૂ. 13 લાખ કરોડથી વધુનો ઉમેરો થયો છે. જે ચાલુ કેલેન્ડરમાં સૌથી ઊંચો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટમાં 18000ની સપાટીને મહત્વનું ગણાવી રહ્યાં છે. નિફ્ટીમાં અપેક્ષાથી વધુ સારી મજબૂતી પાછળ તેમનો નેગેટિવ ટોન બદલાયો છે. તેઓ શોર્ટ સેલર્સ માટે 18000ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવા જણાવે છે. જો આ સ્તર પાર થશે તો ઝડપી શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. જ્યારે લોંગ ટ્રેડર્સ માટે 17500 મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો બેન્ચમાર્ક 17000 સુધી ફરી ઘટી શકે છે. હાલમાં તો માર્કેટનો અન્ડરટોન પોઝીટીવ બન્યો છે. સતત સારી બ્રેડ્થ સાથે સુધારાને જોતાં રોકાણકારો બજારમાં પરત ફર્યાંના સંકેતો સાંપડી રહ્યાં છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ટોચના કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ મુખ્ય હતો. ફાર્મા કંપનીનો શેર 10 ટકા ઉછળ્યો હતો. જે ઉપરાંત બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, તાતા મોટર્સ, એચડીએફસી બેંક, એસબીઆઈ લાઈફ વગેરેમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, નેસ્લે, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયૂએલ, એસબીઆઈ, આઈટીસી અને લાર્સનમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, આઈટી, ઓટો, બેંકિંગમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી, એનર્જીમાં નરમાઈ જળવાય હતી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ડિવિઝ લેબ્સ 10 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, લૌરસ લેબ્સ, મેટ્રોપોલીસ, ઈન્ડિયામાર્ટ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, આઈજીએલ, અંબુજા સિમેન્ટ્સ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફો એજ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, બજાજ ઓટોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ્સ, એબીબી ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડિક્સોન ટેક્નોલોજી, મણ્ણાપુરમ ફાઈ., એનટીપીસી, તાતા કોમ્યુનિકેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં મેક્સ હેલ્થકેર, ઈન્ડિયામાર્ટ, આઈજીએલ, બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, સાયન્ટ, અનુપમ રસાયણ, ઝાયડસ લાઈફનો સમાવેશ થાય છે. જ્યારે ઓરિએન્ટ ઈલેક્ટ્રીકે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
TCSનો માર્ચ ક્વાર્ટર પ્રોફિટ 15 ટકા ઉછળી રૂ. 11932 કરોડ
કંપનીએ પ્રતિ શેર રૂ. 24નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું
દેશમાં ટોચની આઈટી સર્વિસિઝ કંપની ટીસીએસે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 11,392 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક 14.76 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 9926 કરોડનો નફો નોંધાવ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સ 14-19 ટકની રેંજમાં પ્રોફિટ વૃદ્ધિની અપેક્ષા રાખતાં હતાં. કંપનીએ ક્વાર્ટર માટે રૂ. 1175 કરોડની અન્ય આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 981 કરોડ પર હતી. બુધવારે ટીસીએસનો શેર 0.87 ટકા સુધારા સાથે રૂ. 3242.10ની સપાટીએ બંધ રહ્યો હતો.
મુંબઈ મુખ્યાલય ધરાવતી કંપનીએ તેના કોન્સોલિડેટેડ વેચાણમાં 16.94 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 50,591 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 59,162 કરોડ પર જોવા મળ્યું હતું. એનાલિસ્ટ્સ વેચાણમાં 20 ટકા વૃદ્ઘિની શક્યતાં જોઈ રહ્યાં હતાં. કોન્સ્ટન્ટ કરન્સીના સંદર્ભમાં જોઈએ તો રેવન્યૂ ગ્રોથ વાર્ષિક ધોરણે 10.7 ટકા જોવાયો હતો. કંપનીએ માર્ચ ક્વાર્ટર પરિણામોની સાથે નાણા વર્ષ 2022-23 માટે રૂ. 24ના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. કંપનીએ વિવિધ વર્ટિકલ્સમાં રિટેલ એન્ડ સીપીજી ક્ષેત્રે 13 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે લાઈફ સાયન્સિઝ અને હેલ્થકેરમાં 12.3 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. અન્ય વર્ટિકલ્સમાં એક અંકી વૃદ્ધિ દર જોવા મળી હતી. જેમાં ટેક્નોલોજી એન્ડ સર્વિસિઝ, બીએફએસઆઈ, મેન્યૂફેચરિંગ અને કોમ્યુનિકેશન્સ એન્ડ મિડિયાનો સમાવેશ થતો હતો. વિવિધ ભૌગોલિક વિસ્તારોની વાત કરીએ તો યૂકેમાં 17 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે નોર્થ અમેરિકામાં 9.6 ટકા અને કોન્ટિનેન્ટલ યુરોપમાં 8.4 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. કંપનીના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે કંપનીએ 2022-23માં મજબૂત ગ્રોથ દર્શાવ્યો હતો. કંપનીની ઓર્ડર બુક તેમની સર્વિસિઝની મજબૂત માગ સૂચવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કે કિર્થીવાસ 1 જૂનથી કંપનીના સીઈઓનો પદભાર સંભાળશે. ગોપીનાથને ગયા મહિને રાજીનામાની જાહેરાત કરી હતી. માર્ચ ક્વાર્ટર માટે કંપનીની ઓર્ડર બુક 10 અબજ ડોલર પર જોવા મળતી હતી. જ્યારે સમગ્ર 2022-23 માટે તે 34 અબજ પર જોવાઈ હતી.
ઉપજ પકડીને બેઠેલાં કપાસ ખેડૂતોએ લાંબી રાહ જોવી પડી શકે
ખાંડીમાં રૂ. 3000ના સુધારામાંથી ચાલુ સપ્તાહે રૂ. 1000 નીકળી ગયા
ચાલુ સિઝનમાં હજુ સુધી 2.05 કરોડ ગાંસડી માલ જ આવ્યો
વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો, નિકાસ પણ 10-વર્ષોના તળિયે
કપાસ ઉત્પાદક ખેડૂતો માટે આગામી ઓફ સિઝનમાં ઊંચા ભાવની આશા ઠગારી નીવડે તેવી શક્યતાં છે. જે ખેડૂતો ઓફ સિઝનમાં ગયા વર્ષની જેમ વિક્રમી ભાવની રાહ જોઈ બેઠાં છે તેમની પ્રતિક્ષા લાંબી બની રહેશે એમ વર્તુળો જણાવે છે. વૈશ્વિક તથા સ્થાનિક સ્તરે નીચા વપરાશને કારણે આમ જોવા મળશે. ચાલુ સિઝનમાં સ્થાનિક સ્તરે કોટનનો વપરાશ ગઈ સિઝનની સરખામણીમાં 15 ટકા જેટલો નીચો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ચીન અને બાંગ્લાદેશ જેવા વપરાશકારોને ત્યાં પણ માગ નીચી જળવાય છે. જેને કારણે સ્થાનિક કોટનની નિકાસ માગ છેલ્લાં ઘણા વર્ષોના તળિયા પર જોવા મળી રહી છે.
ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 2.05 કરોડ ગાંસડી માલ બજારમાં પ્રવેશી ચૂક્યો છે. જે ગઈ સિઝનની સરખામણીમાં 30-35 લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. દેશમાં કોટન એડવાઝરી બોડીના તાજા અંદાજ મુજબ કોમોડિટીનું ઉત્પાદન 3.15 કરોડ ગાંસડી આસપાસ જળવાય તેવી શક્યતાં છે. આમ હજુ પણ એક કરોડ ગાંસડીથી વધુ માલ બજારમાં પ્રવેશી શકે છે. ગયા વર્ષે મે મહિના પછી કોટનના ભાવમાં ઝડપી તેજી જોવા મળી હતી. જૂન મહિનામાં કોટનના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યાં હતાં. જેમાં પ્રોસેસ્ડ કોટન ખાંડીએ રૂ. 1.05 લાખની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયું હતું. જ્યારે જે ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો હતો તેમને મણના રૂ. 2900 સુધી ઉપજ્યાં હતાં. ચાલુ સિઝનની શરૂમાં ખેડૂતોને રૂ. 1800 આસપાસ ભાવ મળ્યાં હતાં. જોકે, ઊંચો ભાવ જોઈ ચૂકેલા ખેડૂતોએ માલ પકડી રાખ્યો હતો. જેને કારણે બજારમાં આવકો મધ્યમસરની જ જોવા મળી હતી. સામાન્યરીતે ડિસેમ્બર-જાન્યુઆરીની પીક સિઝનમાં જોવા મળતી 2 લાખ ગાંસડીથી વધુની આવકો ચાલુ વર્ષે નોંધાઈ નહોતી. જોકે, બીજી બાજુ વપરાશ પણ નીચો હોવાના કારણે ભાવ શરૂઆતી ટોચ પર જોવા મળ્યાં નથી. હાલમાં ખેડૂતો રૂ. 1450-1500ની રેંજમાં ભાવ મેળવી રહ્યાં છે. માર્કેટ વર્તુળોના મતે ચાલુ વર્ષે જિનર્સ, ટ્રેડર્સ, નિકાસકાર કે મિલમાંથી કોઈપણ વર્ગને સારી કમાણી જોવા મળી નથી. ઊલટાનું, જીનર્સને તો સતત ડિસ્પેરિટીનો સામનો કરવાનો થયો છે. બે પૈસા કોઈને મળ્યાં છે તે તો ખેડૂત છે. કેમકે તે સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવથી ઊંચું મૂલ્ય મેળવી શક્યો છે. જોકે, ઓફ મેથી લઈને ઓગસ્ટ સુધીની ઓફ સિઝનમાં તેને વર્તમાન સ્તરેથી ઊંચા ભાવ મળે તેવી શક્યતાં નહિવત છે. જાન્યુઆરીના બીજા પખવાડિયાથી સ્પિનર્સની માગમાં સુધારો નોંધાયો છે પરંતુ તે મહિને 22 લાખ ગાંસડી વપરાશથી વધુ નથી. સામાન્યરીતે માસિક ધોરણ 24-25 લાખ ગાંસડીનો વપરાશ જોવા મળતો હોય છે. જોકે ચાલુ વર્ષે સરેરાશ 20 લાખ ગાંસડીનો વપરાશ નોંધાયો છે. બીજી બાજુ નિકાસ પણ 30 લાખ ગાંસડીનો આંક પાર કરે તેવી શક્યતાં ઓછી છે. હાલમાં સ્થાનિક કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં બહુ ઊંચું પ્રિમીયમ નહિ ધરાવતાં હોવા છતાં નિકાસ પૂછપરછોમાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી. બીજી બાજુ, પોલિએસ્ટરનો ઉપયોગ વધવાને કારણે કોટનના સ્થાનિ વપરાશ પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી હોવાનું વર્તુળો ઉમેરે છે.
RBIએ બેંક્સ, NBFC માટે ગ્રીન ડિપોઝીટ્સ સંબંધી નિયમો જારી કર્યાં
બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંસ અને ડિપોઝીટ લેતી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે ગ્રીન ડિપોઝીટ્સના સ્વીકાર માટેના નિયમો જાહેર કર્યાં છે. કેન્દ્ર સરકારે આ ગ્રીન બોન્ડ્સમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવા માટે નવ સેક્ટરને અલગ તારવ્યાં છે. જેમાં રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે.
આરબીઆઈની માર્ગદર્શિકાઓ મુજબ ગ્રીન ડિપોઝીટ્સ માત્ર ભારતીય ચલણમાં જ બનાવી શકાશે. કેટલીક બેંક્સ અને એનબીએફસી અગાઉથી જ ગ્રીન ડિપોઝીટ્સ સ્વીકારવાનું શરૂ કરી ચૂક્યાં છે. જોકે, આરબીઆઈએ હવે આ માટે એક રૂપરેખા તૈયાર કરવાનું નિર્ધારિત કર્યું છે. જેથી દેશમાં ગ્રીન ફાઈનાન્સ ઈકો સિસ્ટમને તૈયાર કરી શકાય. આરબીઆઈની દેખરેખમાં આવતી બેંક્સ સહિતની કંપનીઓને ગ્રીન ડિપોઝીટ્સ પર બોર્ડની મંજૂરી સાથેની સર્વગ્રાહી નીતિ અપનાવવા માટે જણાવાયું છે. જેમાં ઈસ્યુઅન્સ અને આવા ડિપોઝીટ્સના એલોકેશનની તમામ વિગતો જાળવવા જણાવાયું છે. ઉપરાંત પોલિસીની કોપીને રેગ્યુલેટેડ કંપનીની વેબસાઈટ પર રજૂ કરવાની રહેશે. આરબીઆઈના નિયમો મુજબ રિન્યૂએબલ એનર્જી કંપનીઓ દ્વારા ગ્રીન ડિપોઝીટ્સ મારફતે ઉઘરાવવામાં આવેલા ફંડ્સનું એલોકેશન ઈન્ડિપેન્ડન્ટ થર્ડ પાર્ટી વેરિફિકેશનને આધીન રહેશે. જેને વાર્ષિક ધોરણે હાથ ધરવાનું રહેશે એમ આરબીઆઈએ જણાવ્યું છે. આરબીઆઈએ ઉમેર્યું છે કે થર્ડ-પાર્ટી એસેસમેન્ટ આરઈને ફંડના આખરી ઉપયોગ સંબંધી તેની જવાબદારીમાંથી દૂર નહિ કરે.
ચોખા નિકાસ ડ્યુટીમાંથી સરકાર 1 અબજ ડોલરની કમાણી કરશે
દેશમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસમાં વૃદ્ધિ પાછળ સરકારને ડ્યુટીમાંથી નોંધપાત્ર લાભ મળવાની શક્યતાં છે. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 સુધી નાણાકિય વર્ષના પ્રથમ 11-મહિના દરમિયાન દેશમાંથી ચોખાની નિકાસ ત્રણ ટકા વધી 1.60 કરોડ ટન પર જોવા મળી છે. જેની પાછળ સરકારને લગભગ એક અબજ ડોલર(રૂ. 8200 કરોડ)ની નિકાસ આયાત થવાની શક્યતાં છે. વૈશ્વિક બજારે ભારતીય ચોખા પર નિકાસ ડ્યુટીનો સ્વીકાર કર્યો છે અને નિકાસ બજારમાં ભારતીય ચોખાનો હિસ્સો સ્થિર જળવાયો છે.
એપેડાના ડેટા મુજબ નાણા વર્ષ 2022-23માં દેશમાંથી ચોખાની નિકાસ ઊંચી જોવા મળી હતી. 2021-22માં 1.56 કરોડ સામે તે 3 ટકા જેટલી વધી હતી. મૂલ્યની રીતે જોઈએ તો ચોખાની નિકાસ 5.72 અબજ ડોલર રહી હતી. જે અગાઉના વર્ષે 5.56 અબજ ડોલર પર જોવા મળતી હતી. જોકે, ભારત સરકારે ચોખાની નિકાસ પર ડ્યુટી પાછળથી લાગુ પાડી હતી. વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાનો હિસ્સો 45 ટકા જેટલો ઊંચો છે અને તેને જોતાં આંતરરાષ્ટ્રીય બજાર નિકાસ ડ્યુટીને પચાવી ચૂક્યું છે. નિકાસ ડ્યુટી છતાં સ્થાનિક શીપમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી છે. જે સૂચવે છે કે ભારતીય માલ વૈશ્વિક સ્તરે હજુ પણ સ્પર્ધાત્મક બની રહ્યો છે. રૂપિયાના સંદર્ભમાં ચોખાની નિકાસ પર સરકાર ડ્યુટી સ્વરૂપમાં રૂ. 8000 કરોડ આસપાસની આવક રળશે એમ રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ જણાવે છે.
એપ્રિલ માટે સરકારે 2 લાખ ટન અધિક ખાંડ ફાળવી
કેન્દ્ર સરકારે એપ્રિલ મહિના માટે વધુ 2 લાખ ટન ક્વોટા ફાળવી કુલ 24 લાખ ટનનો ક્વોટા ફાળવ્યો છે. દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડા પછી ભાવમાં મજબૂતી જોતાં સરકારે ક્વોટામાં વૃદ્ધિ કરી છે. ડિરેક્ટોરેટ સુગર તરફથી એક નોટિફિકેશન મુજબ એપ્રિલ માટે ફાળવવામાં આવેલા જથ્થાને દેશની 482 મિલ્સમાં સરખે ભાગે વેચવામાં આવ્યો છે. માર્ચ ક્વોટાની સરખામણીમાં તમિલનાડુ, હરિયાણા અને આંધ્ર પ્રદેશના ક્વોટામાં એપ્રિલમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે બિહારની ફાળવણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એમ ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન જણાવે છે. ઓક્ટોબર 2022માં શરૂ થયેલી વર્તમાન સુગર સિઝનના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન ત્રણ ટકાથી વધુ ઘટી 2.99 કરોડ ટન પર જોવા મળી રહ્યું છે. જે ગયા વર્ષે 3.09 કરોડ ટન પર નોંધાયું હતું.
માર્ચ ક્વાર્ટરમાં PE ઈન્વેસ્ટમેન્ટ્સમાં 75 ટકા ઘટાડો
નાણા વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ 2.2 અબજ ડોલર પર નોઁધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.8 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. જો ત્રિમાસિક ધોરણે જોઈએ તો પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સ 32 ટકા ઘટાડો દર્શાવતું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 3.2 અબજ ડોલર પર નોંધાયું હતું. માર્ચ ક્વાર્ટરમાં ડિલની સંખ્યામાં 20 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને તે 282 પર નોંધાયા હતા. 2021-22ના માર્ચ ક્વાર્ટરમાં 352 પીઈ ડિલ્સ જોવા મળ્યાં હતાં.
અદાણી જૂથ કંપનીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ અને LICના હિસ્સામાં વૃદ્ધિ
એલઆઈસીના હિસ્સામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી જ્યારે રિટેલ હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ
વીમા જાયન્ટે સતત સાતમા ક્વાર્ટરમાં જૂથમાં હિસ્સો વધાર્યો
ચાલુ કેલેડન્ડરમાં ભારતીય બજારમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધોવાણ દર્શાવનાર અદાણી જૂથ શેર્સ રિટેલ ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરની આખરમાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ હિસ્સાની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરની આખરમાં જૂથ કંપનીઓમાં રિટેલ હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે. જે સૂચવે છે કે રિટેલ રોકાણકારોએ ઘટાડે અદાણી જૂથ શેર્સમાં ખરીદી કરી છે. જેને કારણે ત્રણ મહિનામાં તેમનો હિસ્સો નોંધપાત્ર સુધર્યો છે. દેશમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)એ પણ અદાણી જૂથમાં તેના હોલ્ડિંગમાં ત્રિમાસિક ધોરણે સાધારણ વૃદ્ધિ દર્શાવી છે.
જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગે અદાણી જૂથને લઈને એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યાં પછી જૂથના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. લગભગ પખવાડિયાના સમયગાળામાં અદાણી જૂથના માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરનું તીવ્ર ધોવાણ જોવા મળ્યું હતું. જે દરમિયાન એલઆઈસીએ નીચા ભાવે અદાણી જૂથના શેર્સમાં ખરીદી કરી હોય તેમ જણાય છે. જોકે રિટેલ ઈન્વેસ્ટર્સની સંખ્યામાં એલઆઈસીની ખરીદી ઘણી ઓછી રહી છે. માર્ચમાં પૂરા થતાં ક્વાર્ટરનો ડેટા જોઈએ તો અદાણી જૂથની અદાણી ગ્રીનમાં એલઆઈસીનો હિસ્સો 1.36 ટકા પર જોવા મળ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં 1.28 ટકા પર હતો. અદાણી ટોટલ ગેસમાં એલઆઈસીનો હિસ્સો વધી 6.02 ટકા પર રહ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં 5.96 ટકા પર હતો. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પણ એલઆઈસીનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં 4.23 ટકા પરથી વધી 4.26 ટકા પર જોવા મળ્યો હતો. વીમા જાયન્ટે જૂથની ફ્લેગશિપ કંપનીમાં માર્ચ ક્વાર્ટરમાં 3,57,500 શેર્સની ખરીદી કરી હતી. જોકે એલઆઈસીએ જૂથ કંપનીઓ અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં તેના હિસ્સામાં સાધારણ ઘટાડો કર્યો હતો.
રિટેલ રોકાણકારોએ પણ અદાણી જૂથ કંપનીઓમાં તેમના હિસ્સામાં વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં રિટેલ ઈન્વેસ્ટરનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.86 ટકા પરથી વધી 3.41 ટકા પર જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સમાં રિટેલ હિસ્સો 2.86 ટકા પરથી વધી 4.10 ટકા પર જોવા મળ્યું હતું. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં પણ રિટેલ હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જેમકે, અદાણી ગ્રીન એનર્જીમાં રિટેલ હિસ્સો 1.06 ટકા પરથી વધી 2.33 ટકા રહ્યો હતો. જ્યારે અદાણી ટ્રાન્સમિશનમાં રિટેલ હિસ્સો 0.77 ટકા પરથી વધી 1.36 ટકા પર જોવા મળ્યો હતો. જૂથ તરફથી કેટલાંક મહિનાઓ અગાઉ ખરીદવામાં આવેલી મિડિયા કંપની એનડીટીવીમાં પણ રિટેલ હિસ્સો 14.11 ટકા પરથી વધી 17.54 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે અંબુજા સિમેન્ટ્સમાં નાના રોકાણકારોનો હિસ્સો 5.52 ટકા પરથી વધી 7.23 ટકા પર જોવા મળ્યો હતો. અદાણી જૂથ શેર્સમાં જાન્યુઆરી આખરથી ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં અવિરત વેચવાલી પાછળ રૂ. 9 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધોવાણ નોંધાયું હતું. જેની પાછળ ગૌતમ અદાણી વિશ્વમાં ટોચના 20 ધનપતિઓની યાદીમાંથી બહાર નીકળી ગયા હતાં.
અદાણી જૂથ કંપનીઓમાં રિટેલ શેર હોલ્ડિંગ
કંપની ડિસેમ્બર-2022ની આખરમાં હોલ્ડિંગ માર્ચ-2023 આખરમાં હોલ્ડિંગ
અદાણી એન્ટરપ્રાઈસિસ 1.86 3.41
અદાણી પોર્ટ્સ 2.86 4.10
અદાણી ગ્રીન એનર્જી 1.06 2.33
અદાણી ટ્રાન્સમિશન 0.77 1.36
અદાણી વિલ્મેર 8.94 9.49
અદાણી ટોટલ ગેસ 1.55 2.39
એનડીટીવી 14.11 17.54
અંબુજા સિમેન્ટ 5.52 7.23
બિટકોઈન 30K ડોલરને પાર કરી 10-મહિનાની ટોચે
ગયા વર્ષની આખરમાં 16000ના તળિયેથી ક્રિપ્ટો લીડરમાં 90 ટકાથી વધુનું રિટર્ન
વૈશ્વિક ડોલરના ભાવમાં નરમાઈ પાછળ ક્રિપ્ટોકરન્સિઝમાં મજબૂતી આગળ વધી છે. મંગળવારે બિટોઈનનો ભાવ 6.5 ટકા ઉછળી 30100 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જે તેનું જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર હતું. આમ કેલેન્ડર 2022ના 16000 ડોલરના તળિયેથી તે 90 ટકા કરતાં ઊંચું રિટર્ન દર્શાવી રહ્યો છે. મંગળવારે ડોલર ઈન્ડેક્સ 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જ્યારે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. બજારની નજર બુધવારે રજૂ થનારા માર્ચ મહિનામ માટેના કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનના ડેટા પર છે. જો તે અપેક્ષાથી નરમ આવશે તો ડોલર 100ની સપાટી નીચે ઉતરી જાય તેવી શક્યતાં છે. જેની પાછળ ગોલ્ડ અને બિટકોઈનમાં વધુ સુધારો જોવા મળી શકે છે.
બિટકોઈને નવેમ્બર 2021માં 68000 ડોલરની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને તે બે વર્ષોના તળિયા પર પટકાયો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે યુએસ ખાતે ગયા મહિને બે રિટેલ બેંક્સના પતન પછી ઊભી થયેલી બેંકિંગ કટોકટી વચ્ચે ડોલરને લઈ ટ્રેડર્સ શંકા સેવી રહ્યાં છે. જેને કારણે ફેડ તરફથી રેટ વૃદ્ધિનું રટણ જળવાયાં છતાં તે મજબૂતી દર્શાવી રહ્યો નથી. જ્યારે બીજી બાજુ ગોલ્ડમાં ભારે ખરીદી જોવા મળી રહી છે અને તે અસાધારણ સ્ટ્રેન્થ સૂચવી રહ્યું છે. જે રોકાણકારો ગોલ્ડ જેવા જૂના એસેટ ક્લાસને પસંદ નથી કરી રહ્યાં તેઓ ફરીથી ક્રિપ્ટોસ તરફ વળ્યાં હોવાનું તેમનું કહેવું છે. જોકે તેઓ માર્કેટમાં નવેસરથી સટ્ટાકિય કામગીરી વધી હોવાનું માને છે. જેના પર વિવિધ સરકારો અને માર્કેટ રેગ્યુલેટર્સ તરફથી પ્રતિબંધનો ખતરો ઝળૂંબતો રહે છે. જેમકે ચીન સરકારે કેલેન્ડર 2021માં ક્રિપ્ટોકરન્સિઝ પર પ્રતિબંધ લાગ્યો હતો. આ જ રીતે ભારતમાં પણ સરકારે ક્રિપ્ટોના ટ્રેડિંગ પર 30 ટકા ટેક્સ લાગુ પાડ્યો હતો. છેલ્લાં બે વર્ષોમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જિસની નાણાકિય સ્થિતિ બગડી હતી અને તેઓ નવું ફંડ ઊભું કરી શક્યાં નહોતાં. તેમજ કેટલાંક એક્સચેન્જિસે નાદારી નોંધાવી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કોંગ્લોમેરટ તેના રિટેલ બિઝનેસના બેકેન્ડ વેરહાઉસિંગ અને લોજિસ્ટીક્સ એસેટ્સના મોનેટાઈઝેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(ઈન્વિટ)ની સ્થાપના માટે વિચારી રહ્યું છે. આ માટે સબસિડિયરી રિલાયન્સ રિટેલે તેની વેરહાઉસિંગ એસેટ્સ માટે બેઝની સ્થાપના કરી દીધી છે. તેણે ઈન્ટેલિજન્ટ સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટની નોંધણી કરાવી છે.
ભેલઃ જાહેર ક્ષેત્રના એન્જીનીયરીંગ સાહસના નેતૃત્વ હેઠળના સંયુક્ત સાહસે રૂ. 9600 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં તેણે 80 સ્લીપર ક્લાસ વંદે ભારત ટ્રેઈન્સ સપ્લાય કરવાની રહેશે. કંપનીને એક ટ્રેઈન્સ પેટે રૂ. 120 કરોડનું મૂલ્ય મળશે. આ ઓર્ડર છ વર્ષમાં પૂરો કરવાનો રહેશે. ભેલ સાથે સાહસમાં ટીટાગઢ વેગન્સ ભાગીદાર છે.
વેદાંતાઃ કોમોડિટી કંપની વૈશ્વિક ઈન્વેસ્ટર્સ પાસેથી 1.5-2 અબજ ડોલર ઊભા કરવા માટે મંત્રણા ચલાવી રહી છે. આ ફંડીંગ પ્રસ્તાવ પર ટૂંકમાં જ સાઈન થવાની શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે. કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈસ્યુઅન્સ પર વિચારણા માટે 13 એપ્રિલે મળશે.
એનએસઈઃ દેશમાં ટોચના સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જની એનએસઈ ઈન્ડાઈસિસે રેઈટ્સ અને ઈન્વિટ્સ ઈન્ડેક્સ લોંચ કર્યાં છે. જે લિસ્ટેડ રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(રેઈટ) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(ઈન્વિટ)ના સમગ્રતયા દેખાવનું ટ્રેકિંગ કરશે.
એલએન્ડટી ટેક્નોલોજીઃ કંપની યુએસ જસ્ટીસ ડિપાર્ટમેન્ટને વર્ક વિઝા નિયમોના ભંગ બદલ 99.3 લાખ ડોલરની ચૂકવણી માટે સહમત થઈ છે. કંપનીએ 2014થી 2019 વચ્ચે નિયમોનો ભંગ કર્યો હતો. યુએસ સરકારના મતે કંપનીએ મર્યાદિત અને ઊંચો ખર્ચ ધરાવતાં એચ-1બી વિઝાને સ્થાને બી1 વર્ક વિઝા મેળવ્યાં હતાં.
કેપીટીએલઃ કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન અને તેની આંતરરાષ્ટ્રીય સબસિડિયરીઝે રૂ. 3079 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં ભારતમાં ડેટા સેન્ટર અને બિલ્ડિંગ્સના બાંધકામ માટે રૂ. 1234 કરોડના ઓર્ડરનો સમાવેશ થાય છે. જ્યારે રેલ્વે બિઝનેસ માટે રૂ. 754 કરોડના ઓર્ડરનો તથા વોટર સપ્લાય માટે રૂ. 708 કરોડના ઓર્ડરનો સમાવેશ થાય છે.
કેનેરા બેંકઃ પીએસયૂ બેંકે તેના એક વર્ષ અને છ મહિના માટેના એમસીએલઆર રેટમાં પાંચ બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી છે. એક વર્ષ માટેનો એમસીએલઆર 8.65 ટકા પર જોવા મળી રહ્યો છે. જ્યારે છ મહિના માટેનો એમસીએલઆર 8.45 ટા પર જોવા મળે છે. આ વૃદ્ધિ 12 એપ્રિલથી અમલી બની છે.
ડેલ્ટા કોર્પઃ એન્ટરટેઈનમેન્ટ સેગમેન્ટની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 227.3 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 281.3 કરોડની સરખામણીમાં 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા ગયા વર્ષે રૂ. 69 કરોડની સરખામણીમાં 13 ટકા વધી રૂ. 60.2 કરોડ પર જોવા મળ્યો હતો.
એચડીએફસી બેંકઃ દેશમાં સૌથી મોટા પ્રાઈવેટ લેન્ડરે આગામી 12-મહિનામાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 50 હજાર કરોડ ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બેંક બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે આ નાણા મેળવશે.