બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મીડ અને સ્મોલ-કેપ્સ પર પસ્તાળઃ માર્કેટ બ્રેડ્થ છેલ્લાં ઘણા મહિનાના તળિયે
લાર્જ-કેપ્સ પાછળ બેન્ચમાર્ક્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 13.63ના સ્તરે બંધ
આઈટી, ફાઈ. સર્વિસિઝ તરફથી માર્કેટને સપોર્ટ
રિઅલ્ટી, પીએસયૂ બેંક, મિડિયા, મેટલ, ફાર્મા ઈન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો
ઓરેકલ ફાઈ. સર્વિસિઝ, ટીસીએસ, ઈન્ડિગો નવી ટોચે
વીઆઈપી, પોલીપ્લેક્સ, કેઆરબીએલ, શારડા ક્રોપ નવા તળિયે
સોમવારે વેચવાલી પછી સપ્તાહના બીજા સત્ર દરમિયાન ભારતીય બજારમાં સ્થિરતા જોવા મળી હતી. જોકે, આ સ્થિરતા માત્ર લાર્જ-કેપ્સ પૂરતી મર્યાદિત હતી. મીડ અને સ્મોલ-કેપ્સમાં જાતે-જાતમાં ગાબડાં પડ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ છેલ્લાં ઘણા મહિનાઓના તળિયા પર જોવા મળી હતી. એક્સચેન્જ ખાતે કુલ ટ્રેડેડ 3967 કાઉન્ટર્સમાંથી 3224 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 669 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 124 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 161 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.7 ટકા ગગડી 13.63ના સ્તરે બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે માર્કેટમાં વોલેટિલિટી નીચી રહેવાની સંભાવના છે.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મંગળવારે યુએસ ખાતે ફેબ્રુઆરી માટેના સીપીઆઈ ડેટા અગાઉ જાપાનનો નિક્કાઈ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જોકે, હોંગ કોંગ અને ચીનના બજારોમાં સ્થિરતા જોવા મળતી હતી. જેની વચ્ચે ભારતીય બજારે સાધારણ પોઝીટીવ ઓપનીંગ નોંધાવ્યું હતું. જ્યારપછી બેન્ચમાર્ક ઝડપથી વધ્યો હતો. જોકે, ત્યાં ટકી શક્યો નહોતો અને બાકીનો સમય ફ્લેટ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 21453ની ટોચ તથા 22256ના તળિયા વચ્ચે અથડાયેલો રહ્યો હતો. આખરે તે સાધારણ પોઝીટીવ બંધ આપી શક્યો હતો. બેન્ચમાર્કને 22200નો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય. જો આ લેવલ તૂટશે તો માર્કેટ 21700-21800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. હાલમાં, માર્કેટ અકળ જોવા મળી રહ્યું છે. ટ્રેડર્સ મીડ અને સ્મોલ-કેપ્સમાંથી પ્રોફિટ બુક કરી લાર્જ-કેપ્સમાં શિફ્ટ થઈ રહ્યાં હોય તેમ જણાય રહ્યું છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એચડીએફસી બેંક, ટીસીએસ, એલટીઆઈમાઈન્ડટ્રી, મારુતિ સુઝુકી, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, સિપ્લા, ગ્રાસિમ, અદાણી પ્રોર્ટ્સ, એસબીઆઈ, બજાજ ઓટો, જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, ફાઈ. સર્વિસિઝ સેક્ટરમાં ભારે ખરીદી જોવા મળી હતી. જ્યારે રિઅલ્ટી, પીએસયૂ બેંક, મિડિયા, મેટલ, ફાર્મા ઈન્ડેક્સ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.64 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટીસીએસ 1.7 ટકા ઉછળી રૂ. 4192ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ, નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 4 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફિઅર 5 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત ડીએલએફ, સનટેક રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ઓબેરોય રિઅલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.8 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ સાત ટકા પટકાયો હતો. આ ઉપરાંત, નાલ્કો, સેઈલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.6 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં જેકે બેંક, યૂકો બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રી, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈઓબી, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો બાલક્રિષ્ણા ઈન્ડ. 4.4 ટકા સાથે સૌથી વધુ મજબૂતી સૂચવતો હતો. આ ઉપરાંત ઈન્ડિયામાર્ટ, એચડીએફસી બેંક, મહાનગર ગેસ, એબી કેપિટલ, ઓરેકલ ફાઈ., ટીસીએસ, તાતા કોમ., સિન્જિન ઈન્ટ., સિમેન્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ડીએલએફ, હિંદ કોપર, નાલ્કો, ગોદરેજ પ્રોપર્ટીઝ, તાતા પાવર, ભેલ, ભારત ઈલે., ચંબલ ફર્ટિ., સેઈલ, ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઓરેકલ ફાઈ. સર્વિસિઝ, ટીસીએસ, ઈન્ડિગોનો સમાવેશ થતો હતો. જ્યારે 52-સપ્તાહનું તળિયું બનાવનારા કાઉન્ટર્સમાં વીઆઈપી, પોલીપ્લેક્સ, કેઆરબીએલ, શારડા ક્રોપ, આલ્કિલ એમાઈન્સ, કેઆરબીએલ, શારડા કોર્પ, સ્ટરલાઈટ ટેક્નોલોજી, કેમ્પસ એક્ટિવ વગેરેનો સમાવેશ થતો હતો.
મ્યુચ્યુલ ફંડ્સે ફેબ્રુઆરીમાં HDFC બેંકના રૂ. 8400 કરોડના મૂલ્યના શેર્સ ખરીદ્યાં
સ્થાનિક ફંડ્સે ટોચની પ્રાઈવેટ બેંક્સના કુલ 6.01 કરોડ શેર્સની ખરીદી કરી
સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સે ફેબ્રુઆરીમાં ટોચની પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંકના રૂ. 8400 કરોડના શેર્સની ખરીદી કરી છે. તેમણે અગાઉ જાન્યુઆરીમાં રૂ. 13,500 કરોડના મૂલ્યના એચડીએફસી બેંકના શેર્સ ખરીદ્યાં હતાં. જાન્યુઆરીમાં તેમણે કુલ 8.83 કરોડ શેર્સ ખરીદ્યાં હતાં. જ્યારે ફેબ્રુઆરીમાં 6.01 કરોડ શેર્સની ખરીદી કરી હતી. ફેબ્રુઆરી, 2024માં મ્યુચ્યુલ ફંડ્સ પાસે એચડીએફસી બેંકના કુલ 142.27 કરોડ શેર્સ જોવા મળતાં હતાં. જોકે, મહિના દરમિયાન આ શેર્સનું મૂલ્ય રૂ. 2.15 લાખ કરોડ પરથી ઘટી રૂ. 2.02 લાખ કરોડ પર જોવા મળ્યું હતું એમ ડેટા સૂચવે છે.
એચડીએફસી બેંકના શેર્સમાં કુલ 40 મ્યુચ્યુલ ફંડ્સે ખરીદી કરી હતી. જ્યારે પાંચે બેંકના શેર્સમાં વેચાણ કર્યું હતું. ક્વાન્ટ મ્યુચ્યુલ ફંડે એચડીએફસી બેંકમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરી હતી. ફંડ પાસે બેંકના 1.95 લાખ શેર્સ હતાં. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મ્યુચ્યુલ ફંડે રૂ. 2983 કરોડ સાથે સૌથી ઊંચી ખરીદી દર્શાવી હતી. જ્યારપછીના ક્રમે નિપ્પોન ઈન્ડિયા અને એચડીએફસી એમએફે અનુક્રમે રૂ. 1043 કરોડ અને રૂ. 917 કરોડની ખરીદી કરી હતી. એચડીએફસી બેંકમાં રૂ. 51,428 કરોડના શેર્સ સાથે એસબીઆઈ મ્યુચ્યુલ ફંડ સૌથી મોટો શેરધારક છે. જ્યારે બીજી ક્રમે એચડીએફસી મ્યુચ્યુલ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મ્યુચ્યુલ ફંડ અનુક્રમે રૂ. 23,630 કરોડ અને રૂ. 22,128 કરોડના શેર્સ ધરાવે છે.
ફેબ્રુઆરીમાં પેસેન્જર વેહીકલ્સનું 3.7 લાખ યુનિટ્સનું વિક્રમી વેચાણ
પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં તેજી જળવાય છે. ફેબ્રુઆરીમાં દેશમાં કુલ 3,70,786 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે 3,34,790 યુનિટ્સના વેચાણ સામે વાર્ષિક ધોરણે 10.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે એમ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)નો ડેટા જણાવે છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સનું ઊંચું વેચાણ નોંધાયું હતું. ડેટા મુજબ ફેબ્રુઆરીમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 34.6 ટકા ઉછળી 15.2 લાખ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 11.2 લાખ પર નોંધાયું હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક 8.3 ટકા વધી 54,584 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ફેબ્રુઆરી, 2023માં 50,382 યુનિટ્સ પર નોંધાયું હતું. સિઆમના ડેટા મુજબ પેસેન્જર વેહીકલ્સની નિકાસમાં કુલ 20.4 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 54,043 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 44,859 યુનિટ્સ પર નોંધાયું હતું. થ્રી-વ્હીલર્સ અને ટુ-વ્હીવર્સની નિકાસમાં અનુક્રમે 31.5 ટકા અને 39.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ચાલુ નાણા વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 8.1 ટકા ઉછળી 37,42,205 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 34,61,780 યુનિટ્સ પર જોવા મળતું હતું. નિકાસ 3.05 ટકા વધી 6,09,505 યુનિટ્સ પર નોંધાઈ હતી.
BAT રૂ. 16,775 કરોડમાં ITCનો 3.5 ટકા હિસ્સો વેચવા તૈયાર
બ્રિટીશ સિગારેટ ઉત્પાદક બજારભાવની સરખામણીમાં 5 ટકા ડિસ્કાઉન્ટમાં શેર્સ ઓફર કરશે
બ્રિટિશ અમેરિકન ટોબેરો(BAT)એ અગ્રણી સિગારેટ ઉત્પાદક અને એફએમસીજી કંપની ITCમાં 3.5 ટકા હિસ્સો વેચવા માટે બ્લોક ડિલ લોંચ કર્યું છે. કંપની સંસ્થાકિય રોકાણકારોને રૂ. 16,775 કરોડમાં આ હિસ્સાનું વેચાણ કરશે. બ્રિટિશ સિગારેટ ઉત્પાદકના ભારતીય યુનિટે આઈટીસીના 43.69 કરોડ શેર્સના વેચાણનું આયોજન કર્યું છે. તે એક્સિલિરેટેડ બુક બિલ્ડિંગ મારફતે રૂ. 384-400.25 પ્રતિ શેરના ભાવે આ શેર્સ વેચશે એમ વર્તુળો જણાવે છે. આ પ્રાઈસ બેંડના નીચા તળિયે શેરનો ભાવ મંગળવારના બંધ ભાવથી પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. મંગળવારે સવારે આઈટીસીનો શેર 1.21 ટકા ગગડી રૂ. 404.45ની સપાટીએ ટ્રેડ થયો હતો. બેટ તરફથી આ હિસ્સા વેચાણ પછી આઈટીસીમાં કંપનીનો હિસ્સો 29 ટકા પરથી ઘટી 25.5 ટકા પર જોવા મળશે. બેટ માટે આઈટીસીમાં વધુ હિસ્સાના વેચાણ માટે 180-દિવસનો લોન-ઈન પિરિયડ જોવા મળશે. આઈટીસીના શેર્સના વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ બેટ તેના પોતાના શેર્સની ખરીદીમાં કરવા માગે છે. આઈટીસીમાં બેટે 1900ની સદીની શરૂઆતમાં રોકાણ કર્યું હતું.
Market Summary 12/03/24
March 12, 2024