માર્કેટ સમરી
ત્રણ મહિનામાં નિફ્ટીમાં 4 ટકા ઘટાડા સામે સ્મોલ-કેપ્સમાં 12 ટકાનું રિટર્ન
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 7 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પાર પહોંચ્યો
એનાલિસ્ટ્સના મતે પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ બજારનો આત્મવિશ્વાસ દર્શાવે છે
નિફ્ટી હજુ તેની સર્વોચ્ચ સપાટીથી ચાર ટકા છેટે ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી મીડ અને સ્મોલ સેગમેન્ટ્સના શેર્સમાં જબરદસ્ત તોફાન જોવા મળી રહ્યું છે. માર્કેટમાં નિયમિત 3000થી વધુ કાઉન્ટર્સમાં 40 ટકા તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 20 ટકા તેમના છેલ્લા કેટલાક વર્ષોની ટોચ દર્શાવી રહ્યાંનું માર્કેટ નિરીક્ષકો જણાવે છે. તેમના મતે બજારમાં વોલેટિલિટી વચ્ચે પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ જ બજારનો કોન્ફિડન્સ લેવલ ઊંચો હોવાનું સૂચવે છે અને તે બજારને આગામી દિવસોમાં બ્રેકઆઉટની દિશામાં લઈ જાય તેવી પૂરી શક્યતા છે.
નિફ્ટીએ 16 ફેબ્રુઆરીએ 15431ની ટોચ દર્શાવી ત્યારથી મંગળવારના 14845 બંધ ભાવ સુધીમાં 4 ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતો હતો. ત્યારે તે જ સમયગાળામાં નિફ્ટી મીડ-કેપ 7 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 12 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ 16 ફેબ્રુઆરીએ 23402ના સ્તર પરથી મંગળવારે 24944ની તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ 8024ના સ્તરેથી 12 ટકા વધી 8947ની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે તે હજુ જાન્યુઆરી 2018માં દર્શાવેલી 9656ની તેની સર્વોચ્ચ સપાટીથી 7 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ વર્તુળો જણાવે છે કે હાલમાં મીડ-કેપ્સનું પાર્ટિસિપેશન ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે અને તે બજારનો આત્મવિશ્વાસ ઊંચો હોવાનો સૂચવે છે. લાર્જ-કેપ્સમાં જયારે ત્રણ મહિના કોન્સોલિડેશનના જોવા મળ્યાં છે ત્યારે ફંડ્સની મોટાભાગની એક્ટિવિટી મીડ-કેપ કાઉન્ટર્સમાં જોવા મળી છે. અગાઉ કેલેન્ડર 2016માં આ પ્રકારની સ્થિતિ બજારે અનુભવી હતી. જ્યારે મીડ-કેપ્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવતું હતું. જોકે 2017 આખરથી ટ્રેન્ડ બદલાયો હતો અને બજારમાં ચુનંદા લાર્જ-કેપ્સ સિવાય બ્રોડ માર્કેટમાં ઘસારો જોવા મળતો હતો. નિફ્ટી વર્તમાન ભાવે પણ જાન્યુઆરી 2018ના તેના સ્તરેથી 33 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ લોંગ-ટર્મ બેસીસ પર હજુ તેનો દેખાવ મીડ અને સ્મોલ-કેપ્સ કરતાં સારો છે. જ્યાં સુધી આ વેલ્યૂએશન ગેપ નહિ ભરાય ત્યાં સુધી મીડ-કેપ્સ પર બજારનું ફોકસ જળવાશે એમ તેઓ જણાવે છે. અલબત્ત, કેટલાક મીડ-કેપ્સ ખૂબ જ મોંઘા વેલ્યૂએશન પર જોવા મળી રહ્યાં છે અને તેથી રોકાણકારો માટે ખૂબ પસંદગીપૂર્વક શેરની પસંદગી કરવી જરૂરી છે.
મંગળવારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.8 ટકા ઉછળી 24972ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 25015ની ટોચ દર્શાવી હતી. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.82 ટકા સુધરી 8943 પર બંધ રહ્યો હતો. તેણે 8973ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. બીએસઈ ખાતે 3239 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1810 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1251 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે બજારમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. બીએસઈ અને એનએસઈ કેશ સેગમેન્ટના વોલ્યુમ પણ તેમની મહિનાની ટોચ પર જોવા મળ્યાં હતાં.
કોરોનાના પ્રકોપ વચ્ચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત બીજા મહિને નેટ ઈનફ્લો
માર્ચ મહિનામાં રૂ. 9115 કરોડના ઈનફ્લો બાદ એપ્રિલમાં રૂ. 3437 કરોડનો ઈનફ્લો નોંધાયો
ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણપ્રવાહ ચાલુ રહ્યો છે. શેરબજારમાં વોલેટિલિટી હોવા છતાં એપ્રિલ મહિનામાં સતત બીજા મહિને ચોખ્ખો નાણપ્રવાહ આવ્યો હતો. એપ્રિલ દરમિયાન ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સમાં રૂ.3,437 કરોડનું રોકાણ થયું હતું, જે માર્ચ મહિનામાં રૂ.9,115 કરોડ હતું, એમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડિયાના ડેટામાં જણાવાયું હતું. અગાઉ લગભગ આંઠ મહિના બાદ માર્ચ મહિનામાં એસેટ મેનેજેન્ટ કંપનીઓએ ચોખ્ખો ઈનફ્લો દર્શાવ્યો હતો.
લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં સતત બીજા મહિનાને ચોખ્ખો નાણાપ્રવાહ આવ્યો હતો. જોકે તેમાં માર્ચની સરખામણીમાં ઘટાડો થયો હતો. રોકાણકારોએ એપ્રિલ દરમિયાન સતત બીજા મહિને મલ્ટિ કેપ સ્કીમ્સમાંથી નાણા ઉપાડી લીધા હતા. એમ્ફીના ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મારફત રૂ. 8591 કરોડનું રોકાણ થયું હતું. આની સામે માર્ચમાં એસઆઇપી મારફત રૂ. 9182 કરોડનું રોકાણ થયું હતું. એપ્રિલ દરમિયાન તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ (ડેટ એન્ડ ઇક્વિટી સહિત)માં કુલ ચોખ્ખો નાણાપ્રવાહ રૂ. 92906 કરોડ રહ્યો હતો. એપ્રિલ દરમિયાન સંચાલન હેઠળની સરેરાશ એસેટ રૂ. 32.42 લાખ કરોડ રહી હતી. એપ્રિલ દરમિયાન લિક્વિડ સ્કીમ્સમાં રૂ. 41507 કરોડનો નાણાપ્રવાહ આવ્યો હતો, જે માર્ચમાં માત્ર રૂ. 19383 કરોડ હતો.