બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળા મક્કમ રહેતાં મજબૂત અન્ડરટોન સાથે બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં સ્થિરતા જોવાઈ
ફાર્મા શેર્સમાં નવેસરથી લેવાલી પાછળ સિપ્લામાં ટોચ
સુગર-પેપર શેર્સમાં નીકળેલી ભારે લેવાલી
એશિયન બજારો નરમ, યુરોપમાં મજબૂતી
સતત પાંચમા દિવસે માર્કેટ બ્રેડ્ઝ પોઝીટીવ
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં સાંકડી વધ-ઘટ વચ્ચે બજાર ચોથા દિવસે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક્સ બીએસઈ સેન્સેક્સ 86 પોઈન્ટ્સ સુધારા સાથે 55550 પર જ્યારે નિફ્ટી-50 35 પોઈન્ટ્સ સુધારે 16630ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ 16600ના સ્તર પર બંધ દર્શાવી અન્ડરટોન મજબૂત હોવાનો સંકેત આપ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં એક ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 29 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21માં નરમાઈ જોવા મળી હતી.
શુક્રવારે એશિયાઈ બજારોમાં સવારના ભાગમાં નોંધપાત્ર નરમાઈ વચ્ચે ભારતીય બજારે ફ્લેટ ઓપનીંગ સાથે ટ્રેડિંગની શરુઆત કરી હતી. જ્યારે બાકીના સમગ્ર દિવસ દરમિયાન નિફ્ટી 100 પોઈન્ટ્સની રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં ટોચના સ્તરેથી ઘટાડો ભારતીય બજાર માટે પોઝીટીવ પરિબળ બન્યું છે. રશિયા-યૂક્રેન વચ્ચે મંત્રણા નિષ્ફળ જવા છતાં ક્રૂડના ભાવ વધ્યાં નથી. વૈશ્વિક હરિફોની સરખામણીમાં ભારતીય બજાર મક્કમ જોવા મળ્યું છે. એનાલિસ્ટ્સના મતે આગામી સપ્તાહે ફાઈનાન્સિયલ્સ અને એનર્જિ સ્ટોક્સ સારો દેખાવ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 17 હજારના સ્તર પર નવેસરથી સુધારો જોવા મળી શકે છે. ત્યાં સુધી તે કોન્સોલિડેશનમાં જોવા મળશે. ઘટાડે 16200નો મહત્વનો સપોર્ટ રહેશે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતીય બજારે એશિયન હરિફોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યો હતો. શુક્રવારે જાપાન બજાર 2 ટકા, હોંગ કોંગ 1.61 ટકા, તાઈવાન 1 ટકા અને કોરિયા 0.71 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ યુરોપમાં મજબૂતી જોવા મળી હતી. જર્મનીનું બજાર 2.81 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.
સ્થાનિક બજારને લાંબા સમયગાળા બાદ ફાર્મા સેક્ટર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી ફાર્મા 2.46 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. અગ્રણી ફાર્મા કંપની સિપ્લાનો શેર 6 ટકા જેટલો સુધરી તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. શેર લાંબા કોન્સોલિડેશનમાંથી બહાર આવ્યો હતો. શુક્રવારે તેણે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. સન ફાર્માનો શેર પણ 4 ટકા સુધારા સાથે રૂ. 900ની સપાટી પાર કરી ગયો હતો. ડો. રેડ્ડીઝ પણ 2 ટકા સુધારો દર્શાવતો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવી રહેલા નિફ્ટીના કેટલાક ઘટકોમાં બીપીસીએલ 4 ટકા, જેએસડબલ્યુ 3 ટકા અને આઈઓસી 2.3 ટકાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ નેસ્લે, મારુતિ, ટાટા કન્ઝ્યૂમર, હિંદાલ્કો, એનટીપીસી અને બ્રિટાનિયામાં ઘટાડો જોવા મળતો હતો. માર્કેટમાં ફર્ટિલાઈઝર્સ, સુગર અને પેપર શેર્સમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. રશિયાએ ખાતર નિકાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેતાં ફર્ટિલાઈઝર શેર્સ 12 ટકા જેટલા ઉછળ્યાં હતાં. બીજી બાજુ સુગર શેર્સમાં 11 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બલરામપુર ચીની જેવા કાઉન્ટર તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતાં. જે ઉપરાંત અવધ સુગર(11 ટકા), મગધ સુગર(10 ટકા), મવાના સુગર(10 ટકા), દ્વારિકેશ સુગર(10 ટકા) અને ધામપુર સુગર(7 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. પેપર શેર્સમાં જેકે પેપર 14 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી વચ્ચે માર્કેટ-બ્રેડ્થ સતત પાંચમા સત્રમાં પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3458 કાઉન્ટર્સમાંથી 2029 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1315 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.61 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.91 ટકાનો સુધારો સૂચવતાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં પીએસઈ ઈન્ડેક્સ 1.29 ટકા જ્યારે મેટલ ઈન્ડેક્સ 0.46 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
આર્જેન્ટીનામાં સન ફ્લાવર તેલ પખવાડિયામાં 47 ટકા ઉછળ્યું
યુક્રેન ખાતેથી સન ફ્લાવર તેલની નિકાસને લઈને અનિશ્ચિતતા વચ્ચે વિશ્વમાં બીજા મહત્વના સન ફ્લાવર તેલ ઉત્પાદક આર્જેન્ટીના ખાતે પખવાડિયામાં તેલના ભાવ 47 ટકા જેટલા ઉછળ્યાં છે. 23 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીમાં ભાવ 1000 ડોલરથી વધુ ઉછળ્યો છે. 8 માર્ચે સન ફ્લાવર સીડ ઓઈલના ભાવ 2250 ડોલર પ્રતિ ટન પર જોવા મળ્યાં હતાં. ફેબ્રુઆરીની શરૂઆતમાં અન્ય પ્રિમીયમ ખાદ્યતેલોની સરખામણીમાં સન ફ્લાવર તેલના ભાવ નોંધપાત્ર નીચા જોવા મળી રહ્યાં હતાં. જોકે યૂક્રેન કટોકટી બાદ હવે તે અન્યોની સરખામણીમાં મોંઘા બન્યાં છે તેમજ તેમની ઉપલબ્ધિ પણ ઘટી છે. યુક્રેનના પોર્ટ્સની કામગીરી બંધ હોવાથી સનફ્લાવર સીડની નિકાસમાં 57 ટકા ઘટાડો નોંધાયો હોવાનું વર્તુળો જણાવે છે.
LICએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 235 કરોડનો નફો નોંધાવ્યો
આઈપીઓ અગાઉ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક નફામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણા વર્ષ માટે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ઉછળીને રૂ. 234.91 કરોડ પર જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 91 લાખ પર હતો. ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિના દરમિયાન કંપનીએ રૂ. 1642.78 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. કંપનીએ સરપ્લસ ડિસ્ટ્રીબ્યુશન મોડેલમાં ફેરફાર કરતાં નફામાં વૃદ્ધિ જોવા મળી છે. હવેથી કંપનીના શેરધારકોને અગાઉ કરતાં કંપનીના સરપ્લસમાંથી વધુ હિસ્સો મળશે. અગાઉ કંપની એલઆઈસી એક્ટની સેક્શન 24 હેઠળ સિંગલ લાઈફ ફંડ ધરાવતી હતી. જોકે સરપ્લસ ડિસ્ટ્રીબ્યુશનને પ્રાઈવેટ જીવનવીમા કંપનીઓ સમકક્ષ બનાવવા માટે સરકારે નિયમમાં ફેરફાર કર્યો હતો. જેને કારણે નફામાં વૃદ્ધિ જોવા મળી હતી.
ગોલ્ડ-સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક બજારમાં સોનું-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એમસીએક્સ એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 577 અથવા એક ટકાથી વધુ ઘટાડે રૂ. 52662ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 53239ની ટોચ દર્શાવી હતી. વૈશ્વિક બજારમાં સોનુ 17 ડોલરના ઘટાડે 1984 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે 2075 ડોલરની તાજેતરની ટોચથી 90 ડોલરનો ઘટાડો સૂચવે છે. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 600ની નરમાઈ સાથે રૂ. 69874ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
સેબીએ IPO વેલ્યૂએશન સ્ક્રૂટિની સખત બનાવતાં બેંકર્સ-કંપનીઓમાં અકળામણ
પેટીએમ આઈપીઓમાં રિટેલ રોકાણકારો ભરાઈ જતાં માર્કેટ રેગ્યુલેટરે બનાવેલી કડક જોગવાઈઓ
બજારમાં પ્રવેશવા થનગનતી અનેક સ્ટાર્ટ-અપ્સ તેમની યોજના મોકૂફ રાખે તેવી શક્યતાં
મૂડી બજારમાં આઈપીઓ સાથે પ્રવેશવા તૈયાર કંપનીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ વેલ્યૂએશન નિર્ધારણની પ્રક્રિયાને લઈને સખતાઈ દર્શાવતાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ તથા કંપનીઓની અકળામણ વધી ગઈ છે. નવી સખત પ્રક્રિયાને કારણે અનેક ન્યૂ જેન ટેક્નોલોજિ કંપનીઓને આઈપીઓ લાવવામાં અવરોધોનો સામનો કરવાનો બની શકે છે એમ વર્તુળો જણાવે છે. આને કારણે કંપનીઓ તેમના લિસ્ટીંગ પ્રોગ્રામને પાછો પણ ઠેલી શકે છે.
ગયા નવેમ્બરમાં ફિનટેક કંપની પેટીએમના 2.5 અબજ ડોલર અથવા રૂ. 18200 કરોડના આઈપીઓને નિષ્ફળતા બાદ સેબીએ કંપનીઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવતાં વેલ્યૂએશનને લઈને સખતાઈ અપનાવી છે. સોફ્ટબેંક સમર્થિત પેટીએમનો શેર રૂ. 2150ના ઓફર ભાવ સામે શુક્રવારે લગભગ 60 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 775.05ની સપાટી પર બંધ રહ્યો હતો. પેટીએમના આઈપીઓની પાછળથી ભારે ટીકા થઈ હતી. જેમાં એવું પણ ચર્ચાયું હતું કે ખોટ કરતી સ્ટાર્ટ-અપ કંપનીઓ કેવી રીતે ઊંચા વેલ્યૂએશન સાથે બજારમાં પ્રવેશે છે. તેમજ રેગ્યુલેટર કેમ તેને અટકાવી શકતો નથી.
ગયા મહિને સેબીએ સખત ડિસ્ક્લોઝર્સ નિયમો રજૂ કરતાં જણાવ્યું હતું કે બજારમાં વધુને વધુ ખોટ કરતાં સ્ટાર્ટ-અપ્સ પ્રવેશી રહ્યાં છે. તેઓ લાંબા સમયથી ખોટ દર્શાવી રહ્યાં છે. તેમના વેલ્યૂએશન્સ નિર્ધારણમાં પરંપરાગત ફાઈનાન્સિયલ ડિસ્ક્લોઝર્સ ઉપયોગી નથી બનતાં. જેને ધ્યાનમાં રાખતાં તેમણે નોન-ફાઈનાન્સિયલ મેટ્રીક્સ જેવાકે કેપીઆઈ અથવા તો કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ(ઓડીટેડ) રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તેમણે આઈપીઓના વેલ્યૂએશનને કેવી રીતે નિર્ધારિત કર્યું છે તે જણાવવાનું રહેશે એમ પાંચેક બેંકિંગ અને લિગલ વર્તુળો જણાવે છે. સામાન્યરીતે ટેક અથવા તો એપ-બેઝ્ડ સ્ટાર્ટઅપ્સ માટે કેપીઆઈએ ડાઉનલોડ્સ અથવા પ્લેટફોર્મ પર એવરેજ ટાઈમ ખર્ચ જેવા આંકડાઓ હોય છે. આ માપદંડો ડિસ્ક્લોઝ થયેલા હોય છે પરંતુ તેને ઓડિટ કરવા અથવા તો કંપનીના વેલ્યૂએશન સાથે તેને જોડવા એ કઠિન બાબત છે. કેટલીક આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા થનગની રહેલી કંપનીઓને સલાહ આપી રહેલા ભારતીય લોયર જણાવે છે કે સેબી અમને વેલ્યૂએશન જસ્ટીફાઈ કરવા જણાવે છે. જે અનિશ્ચિતતા ઊભી કરવા સાથે કોમ્પ્લાયન્સ કોસ્ટમાં વૃદ્ધિ કરી રહી છે. સેબીએ ફેબ્રુઆરીમાં એક આઈપીઓ લાવવા જઈ રહેલી કંપનીએ કેપીઆઈને આધારે તેમણે આઈપીઓ પ્રાઈસ કેવી રીતે નક્કી કરી તેનો ખુલાસો કરવા જણાવ્યું હતું. સાથે ઉમેર્યું હતું કે આઈપીઓ પ્રાઈસને સ્ટેચ્યૂટરી ઓડિટરે પ્રમાણિત કરી હોવી જરૂરી છે. એ વાત ઉલ્લેખનીય છે કે ફાર્મઈઝીથી લઈને અનેક ન્યૂ જેન ટેક કંપનીઓ બજારમાં નાણા ઊઘરાવવા તૈયાર છે. જોકે આવી કંપનીઓ કોઈ નફો દર્શાવી રહી નથી.
રશિયાએ ફર્ટિલાઈઝર નિકાસ બંધ કરતાં ખાતર શેર્સ ઉછળ્યાં
જીએનએફસીમાં 12.43 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો, શેર 10 સત્રોમાં 30 ટકાથી વધુ ઉછળ્યો
નવી ખરિફમાં દેશમાં ફર્ટિલાઈઝર્સના પર્યાપ્ત સપ્લાય સામે પડકાર ઊભો થશે
રશિયાએ ફર્ટિલાઈઝર નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરતાં ખાતર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ઉછાળો નોંધાયો હતો. અગ્રણી ખાતર ઉત્પાદક કંપનીઓના શેર્સ 12 ટકાથી વધુ સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં જાહેર ક્ષેત્રની ખાતર કંપનીઓનો પણ સમાવેશ થતો હતો.
વિશ્વમાં રશિયા ચીન પછીનું બીજા ક્રમનું ફર્ટિલાઈઝર ઉત્પાદક છે. તે વાર્ષિક ધોરણે 5 કરોડ ટન ફર્ટિલાઈઝર્સનું ઉત્પાદન ધરાવે છે. જે કુલ વૈશ્વિક ઉત્પાદનના 13 ટકા જેટલું થવા જાય છે. કંપની પોટાશ, ફોસ્ફેટ અને નાઈટ્રોજન-ધરાવતાં ફર્ટિલાઈઝર્સનું અગ્રણી નિકાસકાર છે. રશિયા ઉપરાંત બેલારૂસ અને યૂક્રેન પણ અગ્રણી ખાતર ઉત્પાદક દેશો છે. યુક્રેનનો સપ્લાય તો હાલમાં ખોરવાયેલો છે. જે બેલારુસ પણ ખાતર નિકાસ પર પ્રતિબંધ જાહેર કરશે તો વૈશ્વિક સ્તરે ખાતરની મોટી તંગી જોવા મળી શકે છે. રશિયાએ પશ્ચિમી દેશો તરફથી તેના પર મૂકવામાં આવેલા વ્યાપક આર્થિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઈઝર નિકાસ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધોને કારણે અનેક અગ્રણી શીપીંગ કંપનીઓએ રશિયાથી તથા રશિયા તરફના શીપમેન્ટ્સ રદ કર્યાં છે. જેને કારણે સપ્લાય ચેઈન પર અસર જોવા મળી રહી છે. રશિયન મંત્રાલયે જણાવ્યું છે કે જ્યાં સુધી કેરિયર કંપનીઓ કામ શરૂ ના કરે અને રશિયન ફર્ટિલાઈઝર નિકાસને સંપૂર્ણપણે પૂરી કરવાની ખાતરી પૂરી પાડે નહિ ત્યાં સુધી નિકાસ રદ રહેશે.
માર્કેટ નિરીક્ષકોના મતે ગયા વર્ષે ચીન ખાતેથી પણ શીપમેન્ટ્સ રદ કરવામાં આવ્યાં હતાં. જેને કારણે ખાતરના ભાવમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. હવે રશિયાના નિર્ણયને કારણે વૈશ્વિક બજારમાં ખાતરની તંગી જોવા મળશે. જેને કારણે સમગ્ર એગ્રીકલ્ચર પર અસર ઊભી થશે. સ્થાનિક ઉત્પાદકો તથા સરકાર માટે પણ માગને પહોંચી વળવાને લઈને મોટો પડકાર ઊભો થશે. ભારત તેની જરૂરિયાતનો નોંધપાત્ર હિસ્સો આયાતથી પૂરો કરે છે. તેમજ રો-મટિરિયલ્સ માટે પણ ભારતીય કંપનીઓ આયાત પર નિર્ભર છે. રશિયાના નિર્ણયને પગલે શુક્રવારે ભારતીય ખાતર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં ગુજરાત સરકારના સાહસ જીએનએફસીનો શેર 12.43 ટકા ઉછળી રૂ. 715.75ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ રૂ. 708.85ના સ્તરે બંધ રહ્યો હતો. તેનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. 10 હજાર કરોડની સપાટી પાર કરી ગયું હતું. મદ્રાસ ફર્ટિલાઈઝરનો શેર પણ 10.90 ટકા ઉછળ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારની કંપનીઓ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર 9.62 ટકા અને નેશનલ ફર્ટિલાઈઝર 6.09 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. ખાનગી ફર્ટિલાઈઝર પ્લેયર્સ જેવાકે ચંબલ ફર્ટિલાઈઝર અને કોરોમંડલ ઈન્ટરનેશનલના શેર્સમાં 2 ટકા આસપાસનો સુધારો જોવા મળતો હતો.
ફર્ટિલાઈઝર શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ ભાવમાં વૃદ્ધિ(ટકામાં)
જીએનએફસી 12.43
મદ્રાસ ફર્ટિ. 10.90
ફર્ટિ. એન્ડ કેમિ. 9.62
એનએફએલ 6.09
મેંગલોર કેમિ 2.52
ચંબલ ફર્ટિ. 2.06
કોરોમંડલ ઈન્ટર. 1.69