બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
IT શેર્સમાં નરમાઈ પાછળ નવા સપ્તાહની નરમ શરૂઆત
એશિયન બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો
એનર્જી, મેટલ, ઓટો, બેંકિંગ અને ફાર્મા સેક્ટરમાં લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.22 ટકા ઘટાડે 18.36ની સપાટીએ
પીએસયુ બેંક શેર્સમાં 5 ટકા સુધીનો સુધારો નોંધાયો
બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી
બીએસઈ ખાતે 132 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી
અદાણી ગ્રીન એનર્જી 15 ટકા ઉછળ્યો
આઈટી કાઉન્ટર્સે ભારતીય બજારમાં તેજીને બ્રેક લગાવી હતી. અલબત્ત, અન્ય સેક્ટર્સ તરફથી સાંપડેલા સપોર્ટને કારણે બેન્ચમાર્ક્સ તેમના ઈન્ટ્રા-ડે તળિયાથી પરત ફરી ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા બાદ સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 87 પોઈન્ટ્સ નરમાઈ સાથે 54395ની સપાટીએ જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ્સ ઘટી 16216ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 30 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 20 ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાય રહેતાં બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ શરૂઆતમાં નોંધપાત્ર ઘટાડા બાદ પરત ફર્યો હતો અને 0.22 ટકાના સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યો હતો.
યુએસ બજારમાં શુક્રવારે પોઝીટીવ નોંધ સાથે બંધ છતાંય સોમવારે એશિયન બજારો તીવ્ર ઘટાડા સાથએ કામગીરી દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગનો હેંગ સેંગ 2.8 ટકા ડાઉન જોવા મળતો હતો. ચીનનો શાઁઘાઈ કંપોઝીટ પણ 1.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ સિવાય કોરિયા, તાઈવાનના બજારોમાં પણ નરમાઈ જોવા મળતી હતી. માત્ર જાપાન 1.11 ટકા સુધારા સાથે બંધ દર્શાવતું હતું. ભારતીય બજારમાં ગેપ-ડાઉન ઓપનીંગનું મુખ્ય કારણ ટીસીએસની આગેવાનીમાં આઈટી કંપનીઓમાં નરમાઈ હતું. ગયા શુક્રવારે બજાર બંધ થયા બાદ ટોચની આઈટી સર્વિસ કંપનીએ તેના પરિણામો જાહેર કર્યાં હતાં. જોકે પરિણામો બજારની અપેક્ષાથી વિપરીત આવતાં આઈટી શેર્સ રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં અને ત્યારબાદ વધુ ગગડ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ટીસીએસ 4.64 ટકાના સૌથી ઊંચા ઘટાડે બંધ આવ્યો હતો. જ્યારબાદ એચસીએલ ટેક 4 ટકા, કોફોર્જ 2.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.8 ટકા, ઈન્ફોસિસ 2.7 ટકા, માઈન્ડટ્રી 2.65 ટકા, વિપ્રો 1.88 ટકા અને ટેક મહિન્દ્રા 1.85 ટકા ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટમાં એકબાજુ આઈટી અને બીજી બાજુ અન્ય ક્ષેત્રો એવો ઘાટ જોવા મળતો હતો. કેમકે બાકીના તમામ સેક્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેને કારણે આઈટી શેર્સના ઘટાડાની કોઈ નોંધપાત્ર અસર વર્તાઈ નહોતી. નિફ્ટી એનર્જી 2.7 ટકા ઉછળ્યો હતો. ઊંચા સુધારાનું કારણ અદાણી ગ્રીન એનર્જીમાં 15 ટકાનો તીવ્ર ઉછાળો હતો. આ સિવાય ઓએનજીસી 3.3 ટકા, રિલાયન્સ 1.36 ટકા અને ગેઈલ એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ્સમાં પણ 2 ટકા સુધારો જોવા મળ્યો હતો. સરકાર તરફથી જૂન મહિનામાં મૂકવામાં આવેલી સ્ટીલ પ્રોડક્ટ્સ માટે નિકાસ પરની ડ્યુટીમાંથી કેટલીક પ્રોડક્ટ્સ દૂર કરવામાં આવે તે પ્રકારની અટકળો પાછળ સ્ટીલ શેર્સ ઈન્ટ્રા-ડે 4-5 ટકા જેટલા ઉછળ્યાં હતાં અને પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેમાં ટાટા સ્ટીલ 3 ટકા, જિંદાલ સ્ટીલ 2.2 ટકા, જીએસડબલ્યુ સ્ટીલ 2 ટકા અને સેઈલ 1.3 ટકાનો સુધારો સૂચવતાં હતાં. એલ્યુમિનિયમ કાઉન્ટર્સમાં જોકે ખાસ લેવાલી નહોતી જોવાઈ અને હિંદાલ્કો અને નાલ્કો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 1 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જેને સપોર્ટ આપવામાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 4.5 ટકા સુધારા સાથે મુખ્ય હતો. આ સિવાય આઈશર મોટર્સ 4 ટકા, એમએન્ડએમ 2.8 ટકા, બોશ 2.6 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમન્ટ 2.15 ટકા અને ટીવીએસ મોટર 1.9 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક પણ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. તેમાં પીએસયૂ બેંક શેર્સનું મહત્વનું યોગદાન હતું. જેમાં બેંક ઓફ બરોડા 3.75 ટકા સાથે ટોચ પર હતો.જ્યારે ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એક્સિસ બેંક પણ 1.6 ટકાથી 2.26 ટકા સુધીનો સુધારો નોંધાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મામાં અગ્રણી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં ડો.રેડ્ડીઝ લેબો 2.2 ટકા, બાયોકોન 2 ટકા, ડીવીઝ લેબ્સ 1.7 ટકા, આલ્કેમ લેબ 1.53 ટકા અને ઝાયડસ લાઈફ 1.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4.33 ટકા, ફિનિક્સ મિલ્સ 3.7 ટકા, ઓબેરોય રિઅલ્ટી 2.33 ટકા અને ડીએલએફ 1.7 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3582 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2096 પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 1328 નેગેટિવ જોવા મળતાં હતાં. 132 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 6.4 ટકા, ઈન્ટીલેક્ટ ડિઝાઈન 4.55 ટકા, નિપ્પોન 4.31 ટકા, અતુલ 3.84 ટકા, આરબીએલ બેંક 3.9 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 3.7 ટકા, દિપર નાઈટ્રેટ 3.52 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 3.5 ટકા અને આદિત્ય બિરલા ફેશન 3.33 ટકા સુધારો દર્શાવતાં હતાં.
ડોલર સામે રૂપિયો 22 પૈસા ગગડી ઐતિહાસિક તળિયે બંધ રહ્યો
ભારતીય રૂપિયામાં નરમાઈનો દોર યથાવત છે. સોમવારે સપ્તાહના પ્રથમ સત્રમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ 23 પૈસા ગગડી 79.49ના સ્તર પર ટ્રેડ થયો હતો. જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. શેરબજારમાં નરમાઈ વચ્ચે રૂપિયો 79.30ની સપાટીએ નરમ ઓપનીંગ દર્શાવતો હતો. જ્યાંથી સુધરી ઈન્ટ્રા-ડે 79.24ની ટોચ બનાવી તે 79.49ના સ્તર સુધી પટકાયો હતો. જ્યારે આખરે 22 પૈસા નરમાઈ સાથે 79.48ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે તે 79.26ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ ગયા સપ્તાહે તેણે 79.37નું તળિયું નોંધાવ્યું હતું. જેને આજે તોડ્યું હતું. વૈશ્વિક સ્તરે છ મહત્વની કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ 0.56 ટકા ઉછળી 107.60ની 20 વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ ડોલરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બાકીના તમામ ચલણો ઘસાઈ રહ્યાં છે. વૈશ્વિક ગોલ્ડ પણ 4 ડોલર નરમાઈ સાથે 1737 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. જે ચાલુ વર્ષના તળિયા નજીકનું સ્તર છે. માર્ચ આખરમાં દર્શાવેલી ટોચ પરથી તે 340 ડોલરનો ઘટાડો દર્શાવે છે.
આખરે DGFT 20 લાખ ટન ઘઉં નિકાસની છૂટ આપે તેવી શક્યતાં
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દેશમાંથી 20 લાખ ટન ઘઉં નિકાસની છૂટ આપે તેવી શક્યતાં છે. 13 મેના રોજ સરકાર તરફથી ઘઉં નિકાસ પર પ્રતિબંધ અગાઉ ઈસ્યુ થયેલા લેટર ઓફ ક્રેડિટની ચકાસણી બાદ તે આમ કરશે એમ વર્તુળો જણાવે છે. જોકે આ આંકડો દેશમાંથી કરવામાં આવેલી કુલ નિકાસ એપ્લિકેશન્સની સરખામણીમાં અડધો છે એમ વર્તુળો જણાવે છે. ટ્રેડર્સ તરફથી કુલ 50 લાખ ટન ઘઉંની નિકાસ માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 17.5 લાખ ટન માટે નિકાસને મંજૂરી આપવામાં આવી છે જ્યારે 2.5 લાખ ટનને રિજેક્ટ કરવામાં આવી છે. નિકાસ અરજીઓની ચકાસણીનું કામ લગભગ પૂર્ણ થયું છે અને સરકાર 20 લાખ ટનના કુલ શીપમેન્ટ્સની અપેક્ષા રાખે છે. જ્યારે લગભગ 3 લાખ ટનનો ઈન્કાર કરવામાં આવશે. સરકારે સ્થાનિક બજારમાં તંગીના થાય તેની ચિંતા પાછળ 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ત્યારબાદ તેણે જે નિકાસ માટે લેટર ઓફ ક્રેડિટ ઈસ્યુ થઈ ચૂક્યાં હોય તેમને નિકાસ પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો.
રોકાણ સંબંધી નિર્ણયમાં સહાયક બનવા સેબીની બજાર જોખમો અંગે ડિસ્ક્લોઝર રજૂ કરવા વિચારણા
રિટેલ ઈન્વેસ્ટર્સને ટોળાશાહીથી બચાવવાનો તથા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ જેવી પ્રોડક્ટ્સથી દૂર રાખવાનો હેતુ
સેબીના ઉચ્ચ અધિકારીના મતે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ દ્વારા કરવામાં આવતું રિસર્ચ બિઝનેસ હિતો સાથેનું હોય છે અને તેથી રેગ્યુલેટર તરફથી જરૂરી સમજણ અપાય તે જરૂરી
વિશ્વમાં પ્રથમ એવા રેગ્યુલેટરી પગલામાં સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) માર્કેટમાં ઉછાળાઓ અને ઘટાડાં સહિતના ટ્રેન્ડ્સ પર નિયમિતપણે ‘રિસ્ક ફેક્ટર ડિસ્ક્લોઝર્સ’ રજૂ કરવાનું વિચારી રહી છે. જેથી રોકાણકારોને યોગ્ય નિર્ણય લેવામાં સહાયતા મળે એમ વર્તુળો જણાવે છે.
હજુ પ્રાથમિક તબક્કામાં જોવા મળી રહેલો વિચાર રોકાણકારોને ઘેટાંવાદી માનસિક્તા ટાળવામાં સહાયરૂપ બની શકે છે. ખાસ કરીને 2020ની શરૂમાં મહામારીનીશરૂઆત વખતે જોવા મળેલા વ્યાપક વેચાણ અને ત્યારબાદ શેરબજારમાં ફંડામેન્ટલ્સની કોઈપણ પ્રકારની સમજણ વિના શેરોની ખરીદી પાછળ જોવા મળેલા તીવ્ર સુધારા અને ફરી પાછા નુકસાનને જોતાં છેલ્લા બે વર્ષોમાં માર્કેટમાં આ ગાડરિયો પ્રવાહ વધ્યો છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંક મહિનાઓમાં મોટી સંખ્યામાં આઈપીઓમાં રોકાણકારોએ નુકસાન ઉઠાવવાનું થયું છે. તેમજ જટિલ એવા ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પણ રોકાણકારોએ નોંધપાત્ર નુકસાન ભોગવ્યું છે.
સેબીના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર તેજીની દરેક સાઈકલમાં રોકાણકારો એક ફિક્સ્ડ પેટર્નમાં જોવા મળે છે. જેમાં બજાર જ્યારે સારુ હોય ત્યારે સહુકોઈ ખરીદવા માટે દોટ મૂકે છે જ્યારે કટોકટી ઊભી થાય છે ત્યારે પેનિક-સેલીંગ કરવા લાગે છે. કેપિટલ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ્સના પાયાના નિયમોનું કોઈ પાલન કરતું નથી અને આ માટેનું મુખ્ય કારણ રોકાણકારોમાં આત્મસૂઝનો અભાવ છે. અધિકારી ઉમેરે છે કે રોકાણકારો માટે બજારમાં ઉપલબ્ધ રિસર્ચ મટિરિયલ માર્કેટ પાર્ટિસિપન્ટ્સે તૈયાર કર્યું હોય છે, જેઓ પોતાના બિઝનેસ હિતો ધરાવે છે અને અને તેથી જો રેગ્યુલેટર પોતે જ માર્કેટમાં ઉછાળા કે ઘટાડા વખતે પોતાની સમજણને લોકો સમક્ષ રજૂ કરે તે એક ખૂબ સારો વિચાર બની શકે છે. સેબી જેના પર કામ કરી રહ્યું છે તે વિચારની વધુ સમજાવટ આપતાં ઊચ્ચ-સ્તરિય વર્તુળ જણાવે છે કે સેબી માટે એ સમય આવી ગયો છે જ્યારે તેણે રોકાણકારો પર અસર કરતી બાબતોમાં ડિસ્ક્લોઝર્સ મારફતે ઉદાહરણ સેટ કરવું જોઈએ. સાથે તેણે માર્કેટ મુજબ ડેટા-પોઈન્ટ્સ રજૂ કરવા જોઈએ. વર્તમાન નિયમો અનુસાર રજૂ કરવા પડતાં ‘ઈન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક્સ’ નામનું વિધાન ખૂબ જ સામાન્ય બની જાય છે. તે હવે કોઈ કામનું નથી. હાલના સમયમાં રોકાણકારોને માટે વિગતવાર ડેટાસેટ્સની જરૂર છે. તે પણ રેગ્યુલેટર તરફથી અને નહિ કે તેમના વેલ્થ મેનેજર્સ તરફથી. કેમકે વેલ્થ મેનેજર્સનો હેતુ તેના નફાને મહત્તમ કરવાનો છે એમ આ કામગીરીમાં સંડોવાયેલા વર્તુળ જણાવે છે.
તેઓ ઉમેરે છે કે આપણે કોઈ એવા દેશમાં નથી જ્યાં રેગ્યુલેટર શું કરવું અને શું ના કરવું તેને લઈને રોકાણકાર સહિત માર્કેટ પાર્ટિસિપન્ટ્સ પર દબાણ કરી શકે, પરંતુ જરૂરી તમામ ડિસ્ક્લોઝર્સ રજૂ કરવામાં આવે તે માટેની જવાબદારી રેગ્યુલેટરની છે. આ ડિસ્ક્લોઝર્સ કેવી રીતે રજૂ કરવા તે પણ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને કહેવાની રેગ્યુલેટરની ફરજ છે. પરંતુ જ્યારે અમે તમામ જરૂરી ડિસ્ક્લોઝર્સ રજૂ કરવાનું કહીએ છીએ ત્યારે રેગ્યુલેટર તરીકે રોકાણકારો તથા તમામ માર્કેટ પ્લેયર્સ સમક્ષ તેઓ શું શીખ્યાં અને શું સમજ્યા તે ડિસ્ક્લોઝ કરવાની અમારી પણ જવાબદારી છે એમ તેઓ જણાવે છે.
તેમના મતે જો ભૂતકાળ અને વર્તમાનનું સારી રીતે એનાલિસીસ કરવામાં આવે તો ભવિષ્યને સમજવામાં સરળતા થઈ શકે છે. સેબીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જંગી ક્ષમતા ઊભી કરી છે અને રોકાણકારો માટે શું સારુ હતું અને શું ખરાબ તેનું એનાલિસીસ કરવાની સ્થિતિમાં છે એમ તેમનું કહેવું છે.
ગેરરિતીઓ આચરવા બદલ 15 AIFs સેબીની નજર હેઠળ
અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સે વિવિધ ગેરરિતીઓ ઉપરાંત ગેરકાયદે હાઈબ્રીડ સ્ટ્રક્ચર્સ બનાવ્યાં હતા
ભિન્ન પ્રકારની ગેરરિટીઓ તથા હાઈબ્રીડ સ્ટ્રક્ચર્સ ઊભા કરવા બદલ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી લગભગ 15 જેટલા અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(એઆઈએફ્સ)ની તપાસ કરી રહી છે. સેબી દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં એક મહત્વનું પાસુ આ એઆઈએફ્સનું કંપનીના પ્રમોટર અથવા તો એચએનઆઈ ઈન્વેસ્ટર્સના હાથા બનવાનું છે. જે મોડસ ઓપરેન્ડી હેઠળ તેઓ આરંભિક જાહેર ભરણા(આઈપીઓ)માં પ્રમોટર્સ અથવા તો એચએનઆઈ માટે શેર્સ કોર્નર કરવાનું કામ કરતાં માલૂમ પડ્યાં હતાં. એઆઈએફ્સ આઈપીઓમાં જે ક્લાયન્ટ્સ સાથે સ્પેશ્યલ એરેન્જમેન્ટ્સ અથવા તો એગ્રીમેન્ટ્સ ધરાવતાં હોય તે ક્લાયન્ટ્સ તરફથી ઊંચું બીડ કરી શકે છે. તેમજ જો એઆઈએફ્સના ક્લાયન્ટ્સે તેમને લોન્સ પૂરી પાડી હોય તો લોયર્સ સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ ધરાવી શકે છે એમ વર્તુળો જણાવે છે. સેબીએ તાજેતરમાં જ આઈપીઓ ઈન્વેસ્ટમેન્ટ નિયમોને કડક બનાવ્યાં છે. જ્યારબાદ એચએનઆઈ પ્રાઈમરી માર્કેટમાં બેટ લગાવી શકતાં નથી. કેમકે તેમને રિટેલ રોકાણકારોની સાથે જ ફાળવણી આપવામાં આવી છે. જોકે એઆઈએફ્સને પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ્સની પણ છૂટ આપવામાં આવી છે અને તેઓ કોઈપણ કંપનીના આઈપીઓનો મોટો હિસ્સો કોર્નર કરી શકે છે. જે તેમને ખોટા ડિલ્સ માટે તક પૂરી પાડે છે એમ વર્તુળો જણાવે છે. એક કાયદા કંપનીના ફાઉન્ડરે જણાવ્યા મુજબ 1992ના સેબી એક્ટની સેક્શન 15ઈએને 2019માં સુધારા તરીકે નાણા વિભાગ તરફથી એઆઈએફ્સ પર લાગુ પાડવામાં આવી હતી. જોકે તેમ એઆઈએફ્સ પર પેનલ્ટી લાગુ પાડતાં બહુ બધા ઓર્ડર્સ પસાર થયા નહોતા. જોકે તાજેતરમાં સેબીએ ઈન્ડગ્રોથ કેપિટલ એડવાઈઝર્સ એલએલપી પર એઆઈએફ્સ નિયમોના ભંગ બદલ આદેશ કર્યો હતો. જે સૂચવે છે કે રેગ્યુલેટર તેમના પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
અગાઉ સેબીએ પી-નોટ્સ પર એટલે જ પ્રતિબંધ મૂક્યો હતો કે તેઓ બ્લેકમનીના રાઉન્ડ-ટ્રીપીંગને સુવિધા આપશે. આ પ્રકારની જ ચિંતા હવે કેટલાંક એઆઈએફ્સને લઈને જોવામાં આવી રહી છે એમ વર્તુળો જણાવે છે. પી-નોટ્સ સામે સખતાઈ દર્શાવ્યા બાદ પાંચથી ઓછા વર્ષોમાં એઆઈએફ્સ ઉદ્યોગનું કદ 75 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. એઆઈએફ્સનું કદ દર વર્ષે બમણું થઈ રહ્યું છે. આઈએફ્સ એ ખાનગી રીતે ઊભી કરવામાં આવેલું ઈન્વેસ્ટમેન્ટ વ્હીકલ્સ છે. જે ભારતી કે વિદેશી એવા સોફેસ્ટીકેટેડ ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ્સ કલેક્ટ કરે છે. લઘુત્તમ ટિકિટ સાઈઝ સિવાય એઆઈએફ્સ માટે કોઈ ચોક્કસ સ્ટ્રક્ચર અનુસરવાનું રહેતું નથી અને તેથી આવા કેટલાક કિસ્સામાં આખરી લાભાન્વિત કોણ છે તે જાણવાનું અઘરું બની રહે છે.
એક અન્ય પાસુ જેની પર સેબી તપાસ કરી રહી છે તે એઆઈએફ્સ તરફથી કોઈપણ કંપનીમાં 10 ટકાથી વધુ રોકાણ પર પ્રતિબંધ છે. કેટલાંક અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ તરફથી આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. ઈન્ડિગ્રોથ એઆઈએફ પર આ કારણથી જ સેબીએ દંડ લાગુ પાડ્યો હતો અને કેટલાંક અન્ય ફંડ્સ પર પણ તે ટૂંકમાં દંડ લાગુ પાડે તેવી શક્યતાં છે. ઈન્ડિગ્રોથ એઆઈએફે યુગ્રો કેપિટલના શેર્સમાં ઈન્વેસ્ટેબલ ફંડ્સના 10 ટકાથી વધુ રોકાણ કર્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
ગુજરાત ગેસઃ અગ્રણી ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપની જણાવ્યું છે કે તેણે નાણાકિય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા માટે 22-24 ડોલર પ્રતિ એમએમબીટીયુ અને બીજા અર્ધવાર્ષિક ગાળા માટે 26-28 ડોલર પ્રતિ એમએમબીટીયુના ભાવે એલએનજી માટે જોડાણ કર્યું છે.
બંધન બેંકઃ પ્રાઈવેટ સેક્ટરની બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 96649 કરોડનું લોન દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 80357 કરોડની સરખામણીમાં 20 ટકા વધુ છે. જ્યારે કંપનીનો કાસા રેશિયો વાર્ષિક ધોરણે 42.9 ટકા પરથી વધી 43.2 ટકા પર જોવા મળ્યો હતો.
એવન્યૂ સુપરમાર્ટ્સઃ રિટેલ કંપની એવન્યૂ સુપરમાર્ટ્સે જૂન ક્વાર્ટર માટે રૂ. 680 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ રળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 115.13 કરોડ સામે 490 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પ્રોફિટ માર્જિન ગયા વર્ષે 2.3 ટકા સામે વધી 6.9 ટકા પર રહ્યું હતું. ત્રિમાસિક ધોરણે પ્રોફિટ 46 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની આવક રૂ. 5032 કરોડ પરથી 95 ટકા વધી રૂ. 9807 કરોડ રહી હતી.
તાતા પાવરઃ તાતા જૂથની કંપનીએ માધ્યમોના અહેવાલો સામે એક સ્પષ્ટતામાં જણાવ્યું છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને સંડોવતાં કેસમાં કહેવાતી લાંચ માટે કંપનીના કોઈ અધિકારીની સંડોવણી નથી.
આઈઆરબી ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીએ મે મહિનામાં માસિક ધોરણે ટોલ કલેક્શનમાં 4 ટકા ઘટાડો દર્શાવ્યો છે. મે 2022માં રૂ. 344 કરોડના ટોલ કલેક્શન સામે જૂનમાં રૂ. 329 કરોડનો ટોલ કલેક્ટ કર્યો હતો.
એચએએલઃ સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ અને ફ્રેન્ચ ડિફેન્સ મેન્યૂફેક્ચરિંગ કંપની સેફ્રાને મિલિટરી હેલિકોપ્ટર્સ માટે સંયુક્તપણે એન્જિન્સ વિકસાવવા માટે કરાર કર્યાં છે.
ઈન્ડિગોઃ દેશમાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ઉડ્ડયન કંપનીના નોન-એક્ઝિક્યૂટીવ, નોન-ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રોહિની ભાટિયાએ 11 જુલાઈ 2022ની અસરથી રાજીનામુ આપ્યું છે.
ઝાયડસ લાઈફઃ ફાર્મા કંપનીએ ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટેની સિટાગ્લિન અને સિગ્લિન(સિટાગ્લિપ્ટીન)ને લોંચ કર્યું છે.
સીસીએલ પ્રોડક્ટ્સઃ કંપની પ્લાન્ટ બેઝ્ડ મિટ પ્રોડક્ટ્સ ‘કોન્ટિનેન્ટલ ગ્રીનબર્ડ’ના લોન્ચિંગ સાથે ફ્રોઝન ફૂડ કેટેગરીમાં પ્રવેશી છે.
ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝઃ ફાર્મા કંપનીએ યુએસ માર્કેટમાં ફેસોટેરોડાઈન ફ્યુમારેટ એક્સટેન્ડેડ-રિલીઝ ટેબ્લેટ્સ લોંચ કરવાની જાહેરાત કરી છે.
ડીબીએલઃ દિલીપ બિલ્ડકોનને મધ્યપ્રદેશ જલનિગમ તરફથી ફ્લોટ કરવામાં આવેલા રૂ. 1400.04 કરોડના ટેન્ડર માટે એલ-1 બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની કંપનીનું બોર્ડ 13 જુલાઈના રોજ નાણાકિય વર્ષ 2022-23 માટે ઈન્ટરિમ ડિવિડન્ડની વિચારણા અને મંજૂરી માટે મળશે.
માર્કસન્સ ફાર્માઃ ફાર્મા કંપનીના બોર્ડે ઓપન માર્કેટ રુટ મારફતે કુલ રૂ. 60 કરોડના મૂલ્યના શેર બાયબેક પ્રોગ્રામને મંજૂરી આપી છે.
એયૂ એસએફબીઃ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનું બોર્ડ ક્યૂઆપી ઈસ્યુ તથા ડેટ પ્રોડક્ટ્સ મારફતે ફંડ ઊઘરાવવા અંગે વિચારણા માટે 19 જુલાઈનો રોજ મળશે.
કેસીબી પંપ્સઃ કંપનીએ ન્યૂક્લિઅર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 500 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
એચડીએફસી બેંકઃ પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએએ એચડીએફસી બેંક સાથેના ડીલને મંજૂરી આપી છે.
જીઆર ઈન્ફ્રાઃ કંપનીનું નોઈડા મેટ્રો રેઈલ કોર્પોરેશન સાથેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે.