બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળા મક્કમ રહેતાં નિફ્ટીએ 18 હજારનું સ્તર જાળવી રાખ્યું
માર્કેટ અવરોધ ઝોનમાં હોવાથી ટ્રેડર્સ સાવચેત
એનર્જી અને આઈટી સેક્ટર્સનો સપોર્ટ સાંપડ્યો, મેટલમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં ખરીદી ધીમી પડી છતાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
અદાણી જૂથના શેર્સમાં નવેસરથી લેવાલી, અદાણી એન્ટરપ્રાઈઝે રૂ. 2 લાખનું એમ-કેપ નોંધાવ્યું
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ, ચીન-જાપાન નરમ, યુરોપમાં મજબૂતી
શેરબજારે સતત ત્રીજા દિવસે મજબૂતી જાળવી રાખી હતી. જેને કારણે નિફ્ટી બીજા સત્રમાં 18 હજારનું સ્તર જાળવવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સે 221.26 પોઈન્ટસના સુધારે 60616.89ના સ્તરે બંધ આપ્યું હતું. જ્યારે નિફ્ટી 52.45 પોઈન્ટ્સ સુધરી 18056 પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં સતત બીજા સપ્તાહે 0.4 ટકાનો સાધારણ સુધારો જોવા મળ્યો હતો અને તે 17.75 પર બંધ રહ્યો હતો. નિફ્ટી-50માં ફીફ્ટી-ફીફ્ટી ટ્રેડ વચ્ચે 25 કાઉન્ટર્સમાં સુધારો જ્યારે 25 કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
લાર્જ-કેપ સેગમેન્ટની વાત કરીએ તો એનર્જી અને આઈટી તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં નિફ્ટી એનર્જી 1.23 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી 1 ટકાનો સુધારો દર્શાવતો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 0.72 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે આઈટી કાઉન્ટર્સમાં એચસીએલ ટેક, ટીસીએસ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ 5 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જે સિવાય આરબીએલ, બંધન બેંકમાં એક ટકાથી વધુ સુધારો જોવા મળતો હતો. મેટલ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.9 ટકા તૂટ્યો હતો. સ્ટીલ શેર્સમાં ઘટાડા પાછળ તે તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જેમાં જિંદાલ સ્ટીલ અને સેલ બંને 5-5 ટકા ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ 4 ટકા, નાલ્કો 4 ટકા અને ટાટા સ્ટીલ 3.3 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. ઓટો, ફાર્મા, એફએમસીજી અને પીએસઈ શેર્સ પણ ઘટાડો દર્શાવતાં હતાં.
સોમવારે બ્રોડ માર્કેટમાં જોવા મળેલી તીવ્ર લેવાલીનો અભાવ જણાતો હતો. જોકે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3513 કાઉન્ટર્સમાંથી 1914 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1531 ઘટાડો સૂચવતાં હતાં. સર્કિટ ફિલ્ટર્સમાં બંધ રહેનારા કાઉન્ટર્સમાં 728 અપર સર્કિટ્સ દર્શાવતાં હતાં. જ્યારે 182 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 615 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી અને 7 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર બંધ જોવા મળતાં હતાં. માર્કેટમાં અદાણી જૂથના શેર્સમાં નવેસરથી ખરીદી જોવા મળી હતી. જેમાં જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 5.21 ટકા ઉછળી રૂ. 1850ની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે બંધ ભાવે પ્રથમવાર રૂ. 2.02 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. અદાણી ગ્રીન એનર્જીનો શેર 9 ટકા ઉછળી રૂ. 1567.95ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો અને તેણે રૂ. 2.45 કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. અદાણી પોર્ટ 3.55 ટકાના સુધારે રૂ. 765.10ના સ્તરે બંધ રહ્યો હતો. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે અદાણી પાવર નેગેટિવ જોવા મળ્યો હતો.
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી હાલમાંથી મહત્વના અવરોધ ઝોનમાંથી પસાર થઈ રહ્યો છે. બે દિવસથી તે 18 હજારના સ્તર પર ટકવામાં સફળ રહ્યો છે. જોકે તેના માટે 18100ના સ્તરને પાર કરવું જરૂરી છે. જો તે આ સ્તર પર બંધ આપશે તો બજેટ અગાઉ માર્કેટ નવી ટોચ દર્શાવી શકે છે. જોકે વૈશ્વિક સ્તરેથી બજારને કોઈ આંચકો ના મળે તે જરૂરી છે. બુધવારે યુએસ ખાતે ડિસેમ્બર માટેનો રિટેલ ઈન્ફ્લેશન ડેટા રજૂ થવાનો છે. જે બજારો પર પ્રતિકૂળ અસર ઉપજાવી શકે છે.
વોડાફોનમાં સરકાર 35.8 ટકા હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક બનશે
ત્રીજા મોટા ટેલિકોમ ઓપરેટરના બોર્ડે સ્પેકટ્રમ તથા એજીઆરના લેણાને ઈક્વિટીમાં રૂપાંતર કરવાનો નિર્ણય લેતાં બનેલી સ્થિતિ
જોકે સરકાર પાસે બહુમતી હિસ્સો જવાના અહેવાલે વોડાફોનનો શેર 21 ટકા ગગડી રૂ. 11.80 પર પટકાયો
ભારત સરકાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની વોડાફોન આઈડિયામાં 35.8 ટકા હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક બનશે. દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ કંપનીના બોર્ડે સોમવારે એક બેઠકમાં સ્પેક્ટ્રમ તથા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) પેટે સરકારને ચૂકવવાના થતાં નાણાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેતાં આ સ્થિતિ ઊભી થઈ છે. સરકારે ગયા ઓક્ટોબરમાં ટેલિકોમ રિફોર્મ્સ પેકેજમાં કંપનીઓને સ્પેક્ટ્રમ અને એજીઆરના લેણા પેટે ચાર-વર્ષનો મોરેટોરિયમ આપ્યું હતું. સાથે કંપનીઓને પાછી ઠેલવામાં આવેલી જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો.
સોમવારે વોડાફોનના બોર્ડે સરકારને હાલમાં ચૂકવવાના થતી રૂ. 16 હજારની વ્યાજની રકમના સંપૂર્ણ કન્વર્ઝનને મંજૂરી આપી હતી. જે હેઠળ સરકારને રિફોર્મ્સ પેકેજ વખતના બજારભાવ રૂ. 10ના ભાવે શેરની ફાળવણી કરવામાં આવશે. આ કન્વર્ઝન બાદ તમામ વર્તમાન શેરધારકોના હિસ્સામાં ઘટાડો નોંધાશે. નવી શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ સરકાર પાસે 35.8 ટકા સિવાય વોડાફોન ગ્રૂપ પાસે 28.5 ટકા અને આદિત્ય બિરલા જૂથ પાસે 17.8 ટકાનો હિસ્સો રહેશે. જોકે બહુમતી હિસ્સા બાદ પણ સરકાર કંપનીના મેનેજમેન્ટમાં દરમિયાનગીરી નહિ કરે એમ માનવામાં આવે છે. જોકે આમ છતાં મંગળવારે કંપનીનો શેર 21 ટકા ગગડી રૂ. 11.80ના દોઢ મહિનાના તળિયા પર બંધ રહ્યો હતો. આ ઘટના જાણમાં આવ્યાં બાદ માર્કેટમાં અનેક અટકળો ચાલુ થઈ હતી. ગભરાટમાં અનેક રોકાણકારોએ તેમના શેર્સ વેચ્યાં હતાં. જોકે કેટલાંક બ્રોકરેજિસે તેમની પ્રતિક્રિયામાં નોંધ્યું હતું કે આ નિર્ણયને કારણે વોડાફોન આઈડિયા માટે લાંબાગાળા માટે ટકવું આસાન બની રહેશે અને તે બિઝનેસ વૃદ્ધિ માટે નવા રોકાણકારો પાસેથી ફંડ ઊભું કરવા માટે સારી સ્થિતિ ધરાવતી હશે.
ટાટા ટેલિમાં પણ સરકાર 9.5 ટકા હિસ્સો મેળવશે
ટાટા જૂથની ટેલિકોમ કંપનીએ પણ સ્પેક્ટ્રમ અને એજીઆર પેટેના લેણાને ઈક્વિટીમાં રૂપાંતરણનો નિર્ણય લેતાં કંપનીમાં સરકાર 9.5 ટકા હિસ્સો ધરાવતી હશે. કંપની એજીઆર પેટે કુલ રૂ. 16798 કરોડનું ઋણ ધરાવતી હતી. જેમાંથી તેણે રૂ. 4197 કરોડ ચૂકવ્યાં છે અને એજીઆર પેટે 4-વર્ષ માટે મોરેટોરિયમ લીધું છે. હાલમાં કંપનીએ રૂ. 850 કરોડનું વ્યાજ ચૂકવવાનું થાય છે. ડેટને ઈક્વિટીમાં રૂપાંતરણ માટેની ડોટની મેથડ મુજબ 14 ઓગસ્ટ 2021ના રોજ ટીટીએમએલનો શેર સરેરાશ રૂ. 41.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જે ભાવે સરકારને 9.5 ટકા ઈક્વિટી મળશે.
ફેડ રિઝર્વ 2022માં ચાર રેટ વૃદ્ધિ કરશેઃ ગોલ્ડમેન
યુએસ ફેડ રિઝર્વ નવા કેલેન્ડરમાં ચારવાર રેટમાં વૃદ્ધિ કરે તેવી શક્યતા ગોલ્ડમેન સાચ ગ્રૂપે દર્શાવી છે. તે જુલાઈ મહિનાથી તેની બેલેન્સશીટમાં વધુ પડતી લિક્વિડીટીને શોષવાની પ્રક્રિયા પણ શરૂ કરશે. ગોલ્ડમેનના રિસર્ચ રિપોર્ટ મુજબ યુએસ લેબર માર્કેટમાં ઝડપી પ્રગતિ જોવા મળી છે તથા ફેડ તરફથી ડિસેમ્બર બેઠકમાં રેટ વૃદ્ધિને લઈને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. જે સૂચવે છે કે ફેડ સ્થિતિ ઝડપથી સામાન્ય બને તેમ ઈચ્છી રહી છે. જેને જોતાં અમે અગાઉ ડિસેમ્બર 2022માં જેની રનઓફ પ્રોસેસની અપેક્ષા રાખી રહ્યાં હતાં તેને હવે જુલાઈ 2022માં જોઈ રહ્યાં છીએ. ફુગાવાનો દર તેના ટાર્ગેટ પોઈન્ટ કરતાં ઘણો ઊંચો હોવાથી ફેડ ઝડપથી પગલાં ભરશે. જેમાં તે માર્ચ, જૂન અને સપ્ટેમ્બર તથા હવે ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ રેટ વૃદ્ધિ કરશે એવું જણાય છે.
પીબી ઈન્ફોટેકનો શેર તળિયા પર પહોંચ્યો
પોલિસી બઝારની માલિક કંપની પીબી ફિનટેકનો શેરે લિસ્ટીંગ બાદ નવું તળિયું દર્શાવ્યું હતું. મંગળવારે શેર બીએસઈ ખાતે 4.29 ટકા તૂટી રૂ. 860.45ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 38677 કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર છેલ્લાં એક મહિનામાં 25 ટકા જેટલો તૂટ્યો છે. તેમજ તેના રૂ. 980ના ઓફરભાવ સામે ડિસ્કાઉન્ટમાં ચાલ્યો ગયો છે. લિસ્ટીંગ બાદ તેણે રૂ. 1470ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાંથી તે સતત ઘસાતો રહ્યો છે.
ડોલર સામે રૂપિયો વધુ 14 પૈસા સુધરી 73.91 પર બંધ રહ્યો
ભારતીય ચલણમાં ડોલર સામે સતત મજબૂતી જોવા મળી રહી છે. સોમવારે 28 પૈસા મજબૂતી દર્શાવ્યા બાદ મંગળવારે રૂપિયો વધુ 14 પૈસા સુધરી 73.91ની ટોચ પર બંધ રહ્યો હતો. રૂપિયો અગાઉના 74.03ના બંધ ભાવ સામે 73.94ના મજબૂત સ્તરે ખૂલ્યાં બાદ વધુ સુધરી 73.83ની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી પાછો પડી કામકાજના અંતે 73.91 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં નરમાઈ તથા ઈક્વિટી માર્કેટમાં મજબૂતીને કારણે રૂપિયાને સપોર્ટ સાંપડ્યો હતો. વિશ્વની છ અગ્રણી કરન્સિઝ સામે ડોલર ઈન્ડેક્સ 0.11 ટકા ઘટાડે 95.88ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ડિસેમ્બરમાં ઈક્વિટી MFમાં રૂ. 25 હજાર કરોડનો વિક્રમી ઈનફ્લો
કેલેન્ડર 2021માં કુલ ઈનફ્લો રૂ. 97 હજાર કરોડ પર જોવા મળ્યો
ડિસેમ્બરમાં SIP મારફતે કુલ રૂ. 11300 કરોડ સાથે નવો વિક્રમ, નવા 1.2 લાખ સિપ એકાઉન્ટ્સ ખૂલ્યાં
ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સે ડિસેમ્બરમાં રૂ. 27076.71 કરોડનો વિક્રમી ઈનફ્લો દર્શાવ્યો હતો. જે સાથે સમગ્ર 2021માં ઈક્વિટી સ્કીમ્સમાં રૂ. 96669.97 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. નવેમ્બર મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં ઈનફ્લોમાં 130 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. નવેમ્બરમાં ઈક્વિટી સ્કિમ્સમાં રૂ. 11614.7 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. 2021માં જુલાઈમાં રૂ. 22583.5 કરોડ સાથે બીજા ક્રમે માસિક ઈનફ્લો નોંધાયો હતો.
કેલેન્ડર 2021માં 12માંથી 10 મહિનાઓ દરમિયાન ઈક્વિટી સ્કિમ્સમાં પોઝીટીવ ઈનફ્લો જોવા મળ્યો હતો. જોકે શરૂઆતી બે મહિનાઓ દરમિયાન ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં નેગેટિવ ફ્લો જળવાયો હતો. જેમાં જાન્યુઆરી દરમિયાન રૂ. 9253.2 કરોડ જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. 4534.4 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. જ્યારબાદના 10 મહિનાઓમાં ફ્લોમાં વધ-ઘટ જોવા મળી હતી. જોકે આઉટફ્લો નહોતો નોંધાયો. જેનું મુખ્ય કારણ માર્કેટમાં સતત જોવા મળેલો બ્રોડ બેઝ સુધારો હતો. ફેબ્રુઆરીમાં બજેટ બાદ માર્કેટમાં માસિક ધોરણે 9 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો હતો અને તેથી રોકાણકારો પણ બજારમાં પરત ફર્યાં હતાં. સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટમાં નવા રિટેલ ઈન્વેસ્ટર્સ પ્રવેશતાં જોવા મળ્યાં હતાં. જેને કારણે વિદેશી સંસ્થાઓ તરફથી વેચવાલી વચ્ચે સ્થાનિક બજાર રિટેલના સપોર્ટથી નવી સપાટીઓ સર કરતું રહ્યું હતું.
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ) મારફતે જોવા મળતો ઈનફ્લો ડિસેમ્બરમાં રૂ. 11305.34 કરોડ પર રહ્યો હતો એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)એ જણાવ્યું હતું. નવેમ્બરમાં સિપ મારફતે રૂ. 11000.94 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ડિસેમ્બરમાં કુલ સિપ એકાઉન્ટ્સની સંખ્યા વધી 4.9 કરોડ પર પહોંચી હતી. જે નવેમ્બર આખરમાં 4.78 કરોડ પર હતી. આમ 1.2 લાખ સિપ એકાઉન્ટ્સનો ઉમેરો થયો હતો. સમગ્ર કેલેન્ડરમાં સિપ મારફતે કુલ ઈનફ્લો રૂ. 1.14 લાખ કરોડ પર રહ્યો હતો. સપ્ટેમ્બર 2021 બાદ તે માસિક ધોરણે રૂ. 10 હજાર કરોડથી વધુ જોવા મળ્યો હતો. ડિસમ્બર મહિનાના આખરે સિપ હેઠળ કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 5.65 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે નવેમ્બરની આખરમાં રૂ. 5.46 લાખ કરોડ પર હતું. માર્કેટ ખેલાડીઓના જણાવ્યા મુજબ રોકાણકારોમાં ઈક્વિટી ફંડ્સને લઈને વિશ્વાસ પરત ફર્યો હતો અને ન્યૂ ફંડ ઓફરિંગ્સ(એનએફઓ) મારફતે નોંધપાત્ર ભંડોળ બજારમાં પ્રવેશ્યું હતું. ડિસેમ્બરમાં ફંડ ગૃહોએ કુલ છ ઈક્વિટી-ઓરિએન્ટેડ સ્કિમ્સ રજૂ કરી હતી. જે હેઠળ કુલ રૂ. 12446 કરોડ ઊભા કર્યાં હતાં. જેમાં ત્રણ મલ્ટી-કેપ સ્કિમ્સમાં રૂ. 9509 કરોડ જ્યારે ત્રણ થિમેટીક ફંડ્સે રૂ. 2937 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ડિસેમ્બરમાં બેન્ચમાર્ક્સે 2 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે સમગ્ર 2021માં તેમણે 24 ટકાનું તગડું રિટર્ન આપ્યું હતું.
ડિસેમ્બરમાં જોકે ડેટ-ઓરિએન્ટેડ સ્કિમ્સમાંથી રૂ. 49154.10 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. જેમાં મુખ્યત્વે ટૂંકા સમયગાળાના ફંડ્સનો સમાવેશ થતો હતો. કેટલાંક લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા-શોર્ટ-ડ્યુરેશન ફંડ્સ, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ અને ફ્લોટર ફંડ્સે તીવ્ર આઉટફ્લોનો અનુભવ કર્યો હતો. જોકે ઓવરનાઈટ ફંડ્સ અને ડાયનેમિક બોન્ડ ફંડ્સે ઈનફ્લો નોઁધાવ્યો હતો.
LICના લિસ્ટીંગ અગાઉ સરકાર કંપનીમાં 20 ટકા FDIની છૂટ આપશે
વર્તમાન નિયમો મુજબ કંપનીઝમાં એફડીઆઈની છૂટ છે પરંતુ કોર્પોરેશન્સમાં નથી
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની માફક લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)માં 20 ટકા સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ)ની છૂટ આપવાનો નિર્ણય લઈ લીધો હોવાનું જાણવા મળે છે. એલઆઈસીના આઈપીઓમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર ફોરિન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા) મારફતે આ સુધારો હાથ ધરે તેવી અપેક્ષા છે.
સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ ફાઈનાન્સિયલ સર્વિસિઝ વિભાગ(ડીએફએસ) અને ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ(દિપમ) વિભાગે પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ(ડીપીઆઈઆઈટી) વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી એફડીઆઈ પોલિસીમાં સુધારા માટેનો નિર્ણય લઈ લીધો છે. નવા સુધારામાં એફડીઆઈ પોલિસીમાં બોડી કોર્પોરેટ્સનો ઉમેરો કરવામાં આવશે. જ્યારબાદ એલઆઈસી જેવા કોર્પોરેશન્સમાં રોકાણ થઈ શકશે. વર્તમાન નિયમ મુજબ વિદેશી સંસ્થાઓ માત્ર કંપનીઝમાં રોકાણ કરી શકે છે પરંતુ કોર્પોરેશન્સમાં નહિ. તેમના જણાવ્યા મુજબ ઈન્શ્યોરર કંપનીમાં રોકાણની છૂટ માટે સુધારા વખતે એક યોગ્ય વ્યાખ્યાનો પણ પોલિસીમાં સમાવેશ કરવામાં આવશે. અધિકારીના મતે બોડી કોર્પોરેટ એ એવી સંસ્થા છે જે આગવી કાનૂની હાજરી ધરાવે છે. ફેમા હેઠળ કંપનીઝમાં રોકાણ થઈ શકે છે પરંતુ બોડી કોર્પોરેટ્સમાં નથી થઈ શકતું. હવે નિયમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આમ કરવાથી એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છતાં વિદેશી રોકાણકારો માટે દરવાજા ખૂલી જશે. દેશના મૂડી બજારમાં સૌથી મોટા આઈપીઓ બનવા જઈ રહેલા એલઆઈસી માટે સરકાર રૂ. 10 લાખ કરોડના વેલ્યૂએશન્સની અપેક્ષા રાખી રહી છે. સરકાર માર્ચ 2022માં આઈપીઓ લાવવાનું આયોજન ધરાવે છે. ડીએફએસ અને દિપમ વિભાગે તેના વિચારો ડીપીઆઈઆઈટીને પાઠવી દીધાં છે અને ઉદ્યોગ વિભાગ એફડીઆઈ પોલિસીમાં આ સુધારાઓ કરી રહ્યું છે એમ એક અન્ય અધિકારી જણાવે છે. જ્યારબાદ આ સુધારાઓને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.
આગામી દસકામાં ભારતમાંથી ડેરી નિકાસમાં ઊંચી વૃદ્ધિની શક્યતાં
યુએસ-ન્યૂઝિલેન્ડ ખાતે ઉત્પાદન સ્થિર બનતાં ભારત માટે વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સ નિકાસની ઉજળી તકો
ભારતમાંથી આગામી દાયકામાં ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં હોવાનું એક રિસર્ચ રિપોર્ટ સૂચવે છે. તેના મતે વિશ્વમાં મુખ્ય ડેરી પ્રોડક્ટ્સ ઉત્પાદકો જેવાકે યુએસ, કેનેડા અને ન્યૂઝિલેન્ડ એક પ્રકારની સ્થિરતાનો સામનો કરી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ વપરાશ વૃદ્ધિ જળવાયેલી છે. જેને કારણે નિકાસની ઊંચી તકો જોવા મળશે. ભારત આ તકોને ઝડપવા માટે તૈયાર હોવાનું રિપોર્ટ જણાવે છે.
ડિસેમ્બર 2021માં તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ વિશ્વમાં જાપાન, રશિયા ફેડરેશન, મેક્સિકો, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો ડેરી પેદાશોના ચોખ્ખા આયાતકાર બની રહેશે. 2021-30 માટેના ઓઈસીડી-ફાઓ એગ્રીકલ્ચર આઉટલૂકને ક્વોટ કરીને અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને પાકિસ્તાન 2030 સુધીમાં વૈશ્વિક ઉત્પાદનનો 30 ટકા હિસ્સો ધરાવતાં હશે. ભારતે 2019-20 દરમિયાન 19.84 કરોડ ટન દૂધનું વિક્રમી ઉત્પાદન કર્યું હતું. જે સાથે તેની માથાદીઠ પ્રાપ્તિ પ્રતિ દિન 407 ગ્રામ રહી હતી. આમ આગામી 10 વર્ષો માટે ભારત ઉત્પાદન અને માર્કેટિંગમાં એક આગવી સ્થિતિ ધરાવે છે. ખાસ કરીને વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સ તરફથી મુખ્ય વૃદ્ધિ જોવા મળશે અને તેનો દેશને લાભ મળશે. આગામી દસકામાં તાજી ડેરી પ્રોડક્ટ્સનો માથાદીઠ વાર્ષિક વપરાશ એક ટકાના દરે વધવાનો અંદાજ છે. હાલમાં પ્રોસેસ્ડ ડેરી પ્રોડક્ટનો સૌથી મોટું ઉત્પાદક યુરોપિય સંઘ છે. જ્યારબાદ યુએસનો ક્રમ આવે છે. વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સમાં આઈસક્રિમ મૂલ્યના સંદર્ભમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. જ્યારબાદના ક્રમે યોગર્ટ, બેબી ફૂડ અને ચીઝ આવે છે.
Market Summary 11 Jan 2022
January 11, 2022
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2022/01/Market-Summary-11-Jan-2022.jpg)