Market Summary 11 Feb 2022

 

US ખાતે ફુગાવાની ચિંતાએ બજારોને ડગાવ્યાં

સતત ત્રીજા મહિને રિટેલ મોંઘવારીએ 40 વર્ષોની સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી

વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ

બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નોંધાઈ

વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ઉછળ્યો

આઈટી, રિઅલ્ટી, ઓટોમાં ઊંચું વેચાણ જોવાયું

નરમાઈ સાથે શરૂઆત દર્શાવનાર સપ્તાહની શરૂઆત પણ પ્રતિકૂળ જોવા મળી હતી. આખરી સત્રમાં ભારતીય બજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં બેંચમાર્ક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ્સ ગગડી 58153ની સપાટીએ જ્યારે નિફ્ટી 231 પોઈન્ટ્સના ઘટાડે 17375ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ઉછળી 18.68ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50માંથી 44 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.

ગુરુવારે યુએસ ખાતે જાન્યુઆરી માટે રજૂ થયેલો રિટેલ ઈન્ફ્લેશન ડેટા 7.5 ટકાની 40 વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પણ તે સતત 7 ટકા પર જોવા મળ્યો હતો. ઈન્ફલેશન ડેટા જાહેર થયાની ગણતરીની મિનિટ્સમાં એક યુએસ સ્ટેટના ગવર્નરે ફેડ દ્વારા આગામી ત્રણ મોનેટરી સમીક્ષા બેઠકમાં ત્રણ વ્યાજ દર વૃદ્ધિ સાથે કુલ એક ટકા રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવી હતી. જેની પાછળ યુએસ બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 526 પોઈન્ટસ ગગડ્યો હતો. જ્યારે નાસ્ડેક 2.1 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોએ કોઈ તીવ્ર પ્રતિક્રિયા નહોતી દર્શાવી. કોરિયન બજારે 0.87 ટકા સાથે સૌથી વધુ ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે અન્ય બજારોમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. જાપાન અને સિંગાપુર બજારોએ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. યુરોપ ખાતે ફ્રાન્સ 1.25 ટકાના ઘટાડો દર્શાવતો હતું. માર્કેટમાં એવી અટકળો પણ ચાલી રહી હતી કે ફેડ રિઝર્વ માર્ચ બેઠક અગાઉ આગામી કેટલાંક સત્રોમાં જ 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી દે તેવી શક્યતાં પણ છે. જેણે ગભરાટ ફેલાવ્યો હતો. જોકે નિફ્ટી ઈન્ટ્રા-ડે 17373નું તળિયું દર્શાવી મોટાભાગનો સમય તેની ઉપર ટકી રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17040નો સપોર્ટ મહત્વનો છે. જેની નીચે 16800 એક અન્ય મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો બજાર વધુ ગગડશે. જ્યારે ઉપરની બાજુ 17630નું સ્તર પાર થશે તો વધુ સુધારો જોવા મળી શકે છે. જોકે ચાલુ કેલેન્ડરમાં માર્કેટ બે બાજુની તીવ્ર વઘ-ઘટ દર્શાવવાનું ચાલુ રાખવા સાથે સુપર-વોલેટાઈલ બની રહે તેમ એનાલિસ્ટ્સ માને છે. ટ્રેડર્સને માત્ર લાર્જ-કેપ્સમાં જ એક્સપોઝર જાળવવાનું સૂચન પણ તેઓ કરે છે. કેમકે મીડ-કેપ્સમાં પેઈન લંબાય શકે છે.

શુક્રવારે છેલ્લાં ઘણા સત્રોની ખરાબ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3408 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 876 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ રહ્યાં હતાં.જ્યારે 2438 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. સતત ચોથા દિવસે લોઅર સર્કિટમાં બંધ રહેનારા કાઉન્ટર્સની સંખ્યા ઊંચી રહી હતી. 195 કાઉન્ટર્સે અપર સર્કિટમાં જ્યારે 317 કાઉન્ટર્સે લોઅર સર્કિટમાં બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.01 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.37 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં આઈટી ઈન્ડેક્સમાં 2.72 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકા ઘટાડા સાથે બીજા દિવસે બંધ રહ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ પણ એક ટકા ડાઉન જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં પોઝીટીવ બંધ દર્શાવનાર આંઠ કાઉન્ટર્સમાં આઈઓસી, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, ટાટા સ્ટીલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઓરોબિંદો ફાર્મા 2.3 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત લૌરસ લેબ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ડિગોમાં સુધારો જોવા મળતો હતો.

 

સુઝુકી, ટાટી મોટર્સ સહિતની 20 કંપનીઓની ઓટો PLI હેઠળ પસંદગી

સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) સ્કીમની ચેમ્પિયન ઓઈએમ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ 22 અરજદારોને મંજૂરી આપી છે. જેમાં હ્યુન્ડાઈ, સુઝુકી, કિઆ, મહિન્દ્રા, ફોર્ડ, ટાટા મોટર્સ અને ટુ-વ્હીલર્સ ઉત્પાદકો જેવાકે બજાજ, હિરો મોટોકોર્પ અને ટીવીએસનો સમાવેશ થાય છે.

નવા પ્રવેશકોમાં હોપ ઈલેક્ટ્રીક, ઓલા ઈલેક્ટ્રીક ટેક્નોલોજિસની પણ નોન-ઓટોમોટીવ ઈન્વેસ્ટર હેઠળ પસંદગી કરવામાં આવી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના જણાવ્યા મુજબ સ્કીમને ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને અરજદારોના રૂ. 45016 કરોડના પ્રસ્તાવિત રોકાણને મંજૂરી આપવામાં આવી છે. સ્વદેશી સપ્લાય ચેઈનમાં નવા રોકાણ માટે 18 ટકા સુધીનું ઈન્સેન્ટીવ આપવામાં આવ્યું છે.

 

દૂધનું ઉત્પાદન પાંચ વર્ષોમાં 35 ટકા વધી 20 કરોડ ટનને પાર કરી ગયું

દેશમાં દૂધનું ઉત્પાદન 2015-16થી 2020-21ના પાંચ વર્ષો દરમિયાન 35 ટકા વૃદ્ધિ સાથે 20 કરોડ ટનને પાર કરી ગયું હોવાનું પશુપાલન અને ડેરી પ્રધાને જણાવ્યું હતું. 2015-16માં ભારતમાં દૂધનું ઉત્પાદન 15.5 કરોડ ટન પર હતું. દૂધ ઉત્પાદનમાં સૌથી ઊંચો વૃદ્ધિ દર કર્ણાટકમાં જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય રહ્યું હતું. કર્ણાટકનું દૂધ ઉત્પાદન 72.39 ટકા વૃદ્ધિ સાથે 1.09 કરોડ ટન પર રહ્યું હતું. પાંચ વર્ષોમાં તે 45.9 લાખ ટનની વૃદ્ધિ દર્શાવતું હતું.

RILએ સ્ટર્લિંગ એન્ડ વિલ્સનમાં 40 ટકા ખરીદી પૂર્ણ કરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શાપુરજી પાલોનજી ગ્રૂપની કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ(એસડબલ્યુઆરઈએલ) એનર્જીમાં તેની પૂર્વઆયોજિત 40 ટકા હિસ્સા ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે. કંપનીએ બુધવારે એસડબલ્યુઆરઈએલમાં 10.37 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેણે રૂ. 375 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 737.5 કરોડના શેર્સની ખરીદી કરી હતી. રિલાયન્સે પ્રમોટર્સ શાપોરજી પાલોનજી તથા ખુર્શીદ દારુવાલા પાસેથી આ હિસ્સો ખરીદ્યો હતો. સ્ટોક એક્સચેન્જને ફાઈલીંગમાં રિલાયન્સે આને હિસ્સા ખરીદી માટેનો છેલ્લો તબક્કો ગણાવ્યો હતો. કંપનીએ ઓક્ટોબર 2021માં એસડબલ્યુઆરઈએલમાં ખરીદીની જાહેરાત કરી હતી.

ડોલર સામે રૂપિયો 24 પૈસા ગગડ્યો

યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં સતત બીજા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે 75.15ના સ્તર પર બંધ રહેલો રૂપિયો શુક્રવારે સવારે 75.40ના સ્તરે ગેપડાઉન ઓપનીંગ સાથે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન 75.27ની ટોચ અને 75.46નું તળિયું બનાવી 75.39ના સ્તરે 24 પૈસા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. યુએસ ખાતે ઈન્ફ્લેશન 40 વર્ષોની ટોચ પર જોવા મળતાં ફેડ ટૂંકાગાળામાં 50 બેસીસ પોઈન્ટ્સનો તીવ્ર વધારો દર્શાવે તેવી શક્યતાં પાછળ રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. શેરબજારમાં તીવ્ર ઘટાડાએ પણ કરન્સી માર્કેટ પર નેગેટિવ અસર કરી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 95.88ના સ્તરે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો.

ટાટા સન્સ ચેરમેન એન ચંદ્રશેખરની ટર્મ પાંચ વર્ષ માટે લંબાવાઈ

પાંચ વર્ષોમાં તેમના કાર્યકાળમાં જૂથે સ્ટીલ, એવિએશન અને ડિજીટલ ક્ષેત્રે અનેક ખરીદીઓ કરી

ટાટા સન્સના બોર્ડે 58 વર્ષીય એન ચંદ્રશેખરનનો કંપનીના એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકેનો કાર્યકાર લંબાવતાં તેમની આગામી પાંચ વર્ષો માટે ફરીથી નિમણૂંક કરી હતી. શુક્રવારે મળેલી બેઠકમાં જૂથના આગેવાન રતન એન ટાટાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટાટાએ ચંદ્રશેખરનની આગેવાનીમાં ટાટા જૂથની પ્રગતિ અને દેખાવને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના કાર્યકાળને વધુ પાંચ વર્ષ માટે રિન્યૂ કરવાની ભલામણ કરી હતી.

બોર્ડના સભ્યોએ પણ એક્ઝીક્યૂટીવ ચેરમેનના દેખાવની પ્રસંશા કરી હતી અને ચંદ્રશેખરનની પુનઃનિમણૂંકને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. ટાટા સન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદ્રશેખરે ટાટા જૂથની પાંચ વર્ષો માટે આગેવાનીને અહોભાગ્ય ગણાવ્યું હતું અને વધુ પાંચ વર્ષો માટે ગ્રૂપના લીડર તરીકેની તક મેળવવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષોમાં ચંદ્રશેખરનના કાળમાં અનેક મર્જર્સ અને એક્વિઝિશન્સ જોવા મળ્યાં છે. તેમજ સેલ્યુલર ટેલિફોની ક્ષેત્રેથી કંપનીએ સંપૂર્ણપણે એક્ઝિટ લીધી હતી.ચંદ્રશેખરનની આગેવાની પ્રથમ કાર્ય ટાટા ટેલિસર્વિસિસમાંથી બહાર નીકળવાનું હતું. કેમકે કંપનીએ બેંક લોન પરત કરવામાં રૂ. 60 હજાર કરોડ ગુમાવ્યાં હતાં. કંપનીએ તેનો મોબાઈલ ફોન બિઝનેસ ભારતી એરટેલને વેચ્યો હતો.

 

 

LIC રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 30 ટકા હિસ્સો અનામત રાખે તેવી શક્યતાં

કંપની યોગ્ય પોલિસીધારકો માટે 10 ટકા હિસ્સો રિઝર્વ્ડ રાખશે

સરકાર શરૂઆતી તબક્કામાં માત્ર પાંચ ટકા હિસ્સાનું જ વેચાણ કરે તેવી સંભાવના

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સને ઊંચા હિસ્સા માટે બીડ કરવાની તક મળે તેવી શક્યતાં છે. કંપનીના વર્તુળોના જણાવ્યા અનુસાર આઈપીઓમાંથી લગભગ ત્રીજા ભાગનો હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ્ડ રાખવામાં આવી શકે છે.

તેઓ જણાવે છે કે આઈપીઓની કુલ ઓફરમાં 10 ટકા હિસ્સો યોગ્યતા ધરાવતાં પોલિસીધારકો માટે રિઝર્વ્ડ રાખવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે સમગ્રતયા 30 ટકા હિસ્સો રિટેલ બીડર્સ માટે અનામત રાખવામાં આવી શકે છે. જેમાં કર્મચારીઓનો તથા પોલિસીધારકોનો સમાવેશ પણ થતો હશે. એલઆઈસી તેના મેગા આઈપીઓ માટે એકાદ-બે દિવસમાં જ સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતાં છે. સરકાર 31 માર્ચ સુધીમાં એલઆઈસીના આઈપીઓની કામગીરી પૂર્ણ કરવા ધારે છે. કેન્દ્ર સરકાર કંપનીમાં કેટલા હિસ્સાનું વેચાણ કરવા ધારે છે તેનો ખ્યાલ ડીઆરએચપીની વિગતો પરથી આવશે. જોકે વર્તુળો જણાવે છે કે સરકાર 10 ટકા કરતાં ઓછા હિસ્સાનું વેચાણ કરશે. મોટાભાગે તે 5 ટકા હિસ્સાનું જ વેચાણ કરવાનું યોગ્ય માનશે એમ તેઓ ઉમેરે છે.

ગયા સપ્ટેમ્બરની આખરમાં એલઆઈસીની નેટવર્થ રૂ. 8 હજાર કરોડ અંદાજવામાં આવી હતી. એલઆઈસી એક્ટ હેઠળ કંપનીમાં કેન્દ્ર સરકારનું શેરહોલ્ડિંગ ક્યારેય 51 ટકાથી નીચું જઈ શકે નહિ. સાથે આ નિયમ હેઠળ કેન્દ્ર સરકાર સિવાય કોઈ અન્ય વ્યક્તિ કે જૂથ એલઆઈસીમાં પાંચ ટકાથી વધુ હિસ્સો ધરાવી શકે નહિ. વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ જોગવાઈ મોટા રોકાણકારોને કંપનીમાં પાંચ ટકાથી વધુ રોકાણ માટે પ્રતિબંધ બની રહેશે. જોકે ડીઆરએચપી આ મુદ્દે પણ સ્પષ્ટતા કરશે તેવું માનવામાં આવે છે. ઉપરાંત ડીઆરએચપીમાં એમ્બેડેડ વેલ્યૂ તથા લાઈફ ઈન્શ્યોરરના વેલ્યૂએશન અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હશે. નાણાપ્રધાન નિર્મળા સીતારામણે બજેટમાં જણાવ્યું હતું કે સરકાર ચાલુ નાણા વર્ષમાં જ એલઆઈસીનો આઈપીઓ લાવશે. તેમજ કંપની ઈન્શ્યોરન્સ માર્કેટમાં 61 ટકા હિસ્સા સાથે સૌથી મોટી કંપની છે. 30 સપ્ટેમ્બર 2021ના રોજ એલઆઈસી 13.43 લાખ વ્યક્તિગત એજન્ટ્સ, 72 બેંકેશ્યોરન્સ પાર્ટનર્સ, 175 અલ્ટરનેટ ચેનલ પાર્ટનર્સ અને 3463 માઈક્રો ઈન્શ્યોરન્સ એજન્ટ્સ ધરાવતી હતી.

 

 

ટાઈટ સપ્લાય વચ્ચે કોટનના ભાવ રૂ. 79000ની નવી ટોચ પર પહોંચ્યાં

કર્ણાટક-મહારાષ્ટ્રમાં ટોપ ક્વોલિટીના ભાવ રૂ. 80-81 હજાર પર બોલાયાં

દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ ગાંસડી માલ આવી ગયો

 

કોટનના ભાવમાં ટાઈટ સપ્લાય વચ્ચે ભાવ રૂ. 79 હજારની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે સુપર ક્વોલિટી માલોના ભાવ કર્ણાટક-મહારાષ્ટ્રમાં રૂ. 80-81 હજાર સુધી પર બોલાયાં હોવાનું વર્તુળો જણાવતાં હતાં. ખેડૂતો માલ પકડીને બેઠા હોવાથી ઊંચા ભાવો છતાં ફેબ્રુઆરીમાં જોઈએ તેવી આવકો થઈ રહી નથી. જેને કારણે ભાવ સતત ઊંચી ટોચ પર ટકેલાં જોવા મળે છે. વૈશ્વિક બજારમાં કોટન વાયદો 126 સેન્ટ્સ આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે.

કોટન માર્કેટમાં ચાલુ સિઝનમાં પ્રથમવાર આટલી લાંબી તેજી જોવા મળી છે. ઓક્ટોબરમાં રૂ. 56 હજારના સ્તરેથી ભાવ વધતાં રહી લગભગ રૂ. 80 હજાર સુધી પહોંચવા છતાં ઘટવાનું નામ લઈ રહ્યાં નથી. વૈશ્વિક બજારોમાં ભાવમાં મજબૂતી ઉપરાંત સ્થાનિક સ્તરે ખેડૂતોના હોર્ડિંગે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે એમ વર્તુળો જણાવે છે. ફેબ્રુઆરી સુધીમાં મોટાભાગનું ઉત્પાદન બજારમાં આવી જતું હોય છે. જોકે ચાલુ સિઝનમાં હજુ સુધી બે કરોડ ગાંસડી માલ માંડ આવ્યો છે. જ્યારે હજુ 1.2-1.3 કરોડ ગાંસડીનો માલ બજારમાં આવવાનો બાકી છે. બે કરોડ ગાંસડીમાંથી લગભગ 55 લાખ ગાંસડી સરકારી એજન્સીઓ તથા જિનર્સ પાસે અનસોલ્ડ પડ્યો છે. નિકાસકારોને જથ્થામાં માલ મળી રહ્યો નહિ હોવાથી તેઓ બજારમાં નિશ્ક્રિય હોવાનું વર્તુળો જણાવે છે. જોકે તેમ છતાં સિઝનમાં 40 લાખ ગાંસડી આસપાસની નિકાસ જોવા મળશે. હાલમાં સ્થાનિક ભાવ સપાટીએ ઊંચી નિકાસની શક્યતાં નથી. બીજી બાજુ સ્થાનિક સ્તરે નાના યુનિટ્સ ફરી બંધ થવા લાગ્યા હોવાનું વર્તુળો જણાવે છે. જોકે હજુ પણ યાર્ન એકમોને વર્તમાન ભાવે સારો લાભ હોવાથી તેમની ખરીદી સ્થિર જળવાય છે. જોકે માલોમાં વેરિએશન બહુ મોટા જોવા મળી રહ્યાં છે અને તેથી રૂ. 72000થી લઈ રૂ. 79000 સુધી માલ ખપી રહ્યો છે. ખેડૂતોને પણ તેમના માલોના રૂ. 1500થી લઈ રૂ. 2100 પ્રતિ મણ ઉપજી રહ્યાં છે. કપાસિયામાં પણ રૂ. 510થી લઈ રૂ. 700 સુધીનો ગાળો જોવા મળી રહ્યો છે. જો રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવશે તો કોટનના ભાવ પર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે એમ વર્તુળોનું માનવું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage