બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ડોલર, યિલ્ડ્સ ઘટતાં શેરબજારમાં તેજીનો વાયરો
નિફ્ટીએ 19800ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 10.98ના સ્તરે
એનર્જી, ઓટો, એફએમસીજીમાં મજબૂતી
આઈટી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં લેવાલી જળવાય
કેપીઆઈટી ટેક, સનટેક રિઅલ્ટી, નિપ્પોન નવી ટોચે
મહિન્દ્રા લોજિસ્ટીક્સ નવા તળિયે
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડા પાછળ શેરબજારોમાં તેજી આગળ વધી હતી. ભારતીય બેન્ચમાર્ક્સ બીજા સત્રમાં અડધા ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 394 પોઈન્ટ્સ ઉછળી 66,473ની સપાટીએ જ્યારે નિફ્ટી 122 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19811ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી ચાલુ રહી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ મજબૂત જળવાય હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3822 કાઉન્ટર્સમાંથી 2349 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1339 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 271 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.6 ટકા ગગડી 10.98ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી સતત બીજા સત્રમાં ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સમગ્ર દિવસ દરમિયાન પોઝીટીવ ટેરિટરીમાં જોવા મળ્યો હતો. તે અગાઉના 19690ના બંધ સામે 19767 પર ખૂલી ઉપરમાં 19839 પર ટ્રેડ થઈ 19800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 42 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19852ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે થોડો ઘટાડો સૂચવે છે. જે ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થયાનો સંકેત છે. આમ નવા લેણમાં સાવચેતી દાખવવી જોઈએ. નિફ્ટીએ 19800 પર બંધ દર્શાવતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ વધુ તેજીની શક્યતાં જોઈ રહ્યાં છે. જો મોમેન્ટમ મજબૂત જળવાય રહેશે તો બેન્ચમાર્ક ફરી 20000ની સપાટીને સ્પર્શી શકે છે. જોકે, વિદેશી સંસ્થાકિય રોકાણકારોના આઉટફ્લોને જોતાં નિફ્ટી નવી ટોચ દર્શાવે તેવી શક્યતાં ઓછી છે. લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સ સારો દેખાવ નોંધાવે તેવું જણાય છે. લોંગ ટ્રેડર્સ 19500ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર ઘટકોમાં હીરો મોટોકોર્પ, વિપ્રો, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચયૂએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, એમએન્ડએમ, એનટીપીસી, નેસ્લે, ડિવિઝ લેબ્સ, એચડીએફસી બેંક, યૂપીએલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચસીએલ ટેક્નોલોજી, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, તાતા સ્ટીલ, ઓએનજીસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટલ પર્ફોર્મન્સ જોઈએ તો એનર્જી, ઓટો, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. આ સિવાય બેંકિંગ, ફાર્મા, મેટલ, પીએસઈમાં પણ પોઝીટીવ ટ્રેડ જળવાયો હતો. જ્યારે આઈટી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, એનટીપીસી, એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ અને પાવર ગ્રીડ કોર્પો.માં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો પણ લગભગ એક ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ, મધરસન સુમી, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, એમએન્ડએમ, સોના બીએલડબલ્યુ, આઈશર મોટર્સ, તાતા મોટર્સમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી 0.8 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફીઅર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી પણ 0.9 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, આઈટીસી, ઈમામી અને બ્રિટાનિયામાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, સિટી યુનિયન બેંક, હીરો મોટોકોર્પ, રામ્કો સિમેન્ટ્સ, વિપ્રો, ગ્રાસિમ, ઈન્ડસ ટાવર્સ, એમસીએક્સ ઈન્ડિયા, એસીસી, કમિન્સ, વેદાંત, ટ્રેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા કેમિકલ્સમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. બીજી બાજુ, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ભારત ઈલેક્ટ્રીક, અબોટ ઈન્ડિયા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, આલ્કેમ લેબ, બંધન બેંકમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અને સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વેલસ્પન કોર્પ, કેપીઆઈટી ટેક, સનટેક રિઅલ્ટી, રામ્કો સિમેન્ટ્સ, કલ્યાણ જ્વેલર, નિપ્પોન, બીએસઈ લિમીટેડ, ઝોમેટો, એમસીએક્સ ઈન્ડિયા, સેન્ચૂરી અને સોલાર ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, મહિન્દ્રા લોજિસ્ટીક્સ અને રાજેશ એક્સપોર્ટ્સે નવા તળિયા દર્શાવ્યાં હતાં.
ભવિષ્યમાં ચાર મોટી PSU બેંક્સ જ અસ્તિત્વમાં હશે
વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાંના સંજીવ સાન્યાલના મતે બેંકિંગ સિસ્ટમનો મોટો હિસ્સો ખાનગી પ્લેયર્સ પાસે હશે
હાલમાં 12 સરકારી બેંક્સ અસ્તિત્વ ધરાવે છે
દેશમાં જાહેર ક્ષેત્રની ચાર મોટી બેંક્સ ભવિષ્યમાં અસ્તિત્વ ધરાવતી હશે અને દેશની બેંકિંગ સિસ્ટમમાં તે મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે એમ વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાંના સંજીવ સાન્યાલે જણાવ્યું હતું. હાલમાં 12 જેટલી સરકારી બેંક્સ અસ્તિત્વમાં છે. તેમજ તેઓ શેરબજાર પર લિસ્ટીંગ ધરાવે છે. સાન્યાલે જણાવ્યું હતું કે સ્ટ્રેટેજીક લેવલે ભારતીય બેંકિંગ સિસ્ટમનો કેટલોક હિસ્સો સરકારી માલિકીનો બની રહેશે.
સરકારી બેંક્સમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. સાન્યાલના મતે લાંબા ગાળે ભારતીય બેંકિંગનો નોંધપાત્ર હિસ્સો પ્રાઈવેટ બેંક્સ પાસે જોવા મળશે. નાણા વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરતાં કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંક્સના પ્રાઈવેટાઈઝેશનના ભાગરૂપે રૂ. 1.75 લાખ કરોડ મેળવવામાં આવશે. 2019માં સરકારે છ નબળી પીએસયૂ બેંક્સને એક સાથે ચાર બેંક્સમાં ભેળવવાનો નિર્ણય લીધો હતો. જેની પાછળ પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને ભેળવવામાં આવ્યાં હતાં. જ્યારે ઈન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનં મર્જર થયું હતું. કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંક અને આંધ્ર બેંકને ભેળવાયાં હતાં. જ્યારે કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી હતી. જ્યારે વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં ભેળવવામાં આવ્યાં હતાં. અગાઉ એસબીઆઈની પાંચ સબસિડિયરીઝને એસબીઆઈમાં ભેળવવામાં આવી હતી. અગાઉ મે મહિનાની આખરમાં નાણા પ્રધાને જણાવ્યું હતું કે પીએસયૂ બેંક્સનું ખાનગીકરણ નિર્ધારિત સમય મુજબ આગળ વધશે. જોકે, 2024માં લોકસભાની ચૂંટણીઓને જોતાં પીએસયૂ બેંક્સનું ખાનગીકરણ આગામી નવ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાં નથી. હજુ પીએસયૂ બેંક્સના ખાનગીકરણ માટે કાયદો ઘડાયો નથી અને ત્યાં સુધી ખાનગીકરણ સંભવ નથી એમ અધિકારીએ જણાવ્યું હતું.
સરકાર સુગર નિકાસ પર પ્રતિબંધ મૂકવા માટે તૈયાર
નવેમ્બરની શરૂઆતમાં નિકાસ પ્રતિબંધને લઈ જાહેરનામુ બહાર પડાય તેવી શક્યતાં
ભારત સરકાર ઓક્ટોબરથી શરૂ થયેલી નવી સિઝનમાં દેશમાંથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ માટે તૈયાર હોવાનું વર્તુળો જણાવે છે. ટૂંક સમયમાં જ આ સંબંધમાં સરકાર જાહેરાત પણ કરે તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. ભારત સરકાર તરફથી સુગર નિકાસ પર પ્રતિબંધ વૈશ્વિક બજારમાં ખાંડના પુરવઠા પર ગંભીર અસર કરી શકે છે અને વિદેશી બજારમાં કોમોડિટીના ભાવમાં ઓર વૃદ્ધિની શક્યતાં છે.
અગાઉ સપ્ટેમ્બર મહિનાની આખરમાં સરકાર ખાંડ નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવા અહેવાલો જોવા મળ્યાં હતાં. જોકે, હજુ સુધી સરકાર આ અંગે નિર્ણય લઈ શકી નહોતી. જોકે, વર્તુળો જણાવે છે કે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે અને તે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આને લઈને જાહેરનામુ બહાર પાડે તેવી શક્યતાં છે. આ ઘટના અંગે જાણકારોના મતે 1 ઓક્ટોબરથી સુગર શીપમેન્ટ પર પ્રતિબંધનો નિર્ણય ટૂંકમાં જ જાહેર થશે. જો સ્થાનિક પુરવઠામાં સુધારો જોવા મળશે તો વિદેશી બજારમાં વેચાણ માટે કેટલોક ક્વોટા જાહેર થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. ચાલુ સિઝનમાં દેશમાં છેલ્લાં પાંચ વર્ષોનું સૌથી નબળુ ચોમાસુ જોવા મળ્યું છે. જેની પાછળ ખરિફ ઉત્પાદનમાં કોઈપણ ઘટાડો સરકાર માટે ફુગાવાને લઈ દબાણ સર્જી શકે છે. ખાસ કરીને 2024માં લોકસભા ચૂંટણીઓ જોતાં મોંઘવારી નિયંત્રણમાં રહે તે જરૂરી છે. ભારત તરફથી નિકાસ પ્રતિબંધ ન્યૂ યોર્ક અને લંડન ખાતે ફ્યુચર્સના ભાવમાં વૃદ્ધિનું કારણ બની શકે છે. સરકારે 2022-23માં ક્વોટા સિસ્ટમ રજૂ કરી હતી અને દેશમાંથી સુગર નિકાસ પર અંકુશ લાગુ પાડ્યો હતો. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા વર્ષ દરમિયાન તેણે 60 લાખ ટન ખાંડ નિકાસ થવા દીધી હતી. કેમકે ગયા વર્ષે પણ પાછોતરા વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું. વર્ષ 2021-22માં દેશમાંથી 1.1 કરોડ ટનની વિક્રમી સુગર નિકાસ જોવા મળી હતી. બ્લૂમબર્ગ સર્વે મુજબ 15 એનાલિસ્ટ્સ, ટ્રેડર્સ અને મિલર્સનું કહેવું હતું કે સરકાર દેશમાં નીચા ઉત્પાદનને કારણે ચાલુ સિઝનમાં સુગર નિકાસ થવા દેશે નહિ. સર્વેમાં ભાગ લેનારા બે જણાનું કહેવું હતું કે તે 20 લાખ ટનની નિકાસ થવા દેશે. વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક બ્રાઝિલ ખાતે શેરડીના વિક્રમી પાક છતાં સપ્ટેમ્બરમાં રો સુગર ફ્યુચર્સ 12-વર્ષની ટોચે પહોંચ્યો હતો. દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની અછત પાછળ શેરડીના પાક પર ગંભીર અસરની શક્યતાં છે.
સપ્ટેમ્બરમાં SIP ફ્લો રૂ. 16 હજાર કરોડની સપાટી પાર કરી ગયો
ગયા મહિને નેટ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 46.58 લાખ કરોડ પર નોંધાયું
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે 4 કરોડ યુનિક ઈન્વેસ્ટર્સનો આંક પાર કર્યો
રિટેલ મ્યુચ્યુલ ફંડ ફોલિયોની સંખ્યા 12,54,51,947ની સર્વોચ્ચ સપાટીએ જોવા મળી
સપ્ટેમ્બરમાં ઈક્વિટી ઈનફ્લો 30 ટકા ઘટી રૂ. 14091.26 કરોડ પર નોંધાયો
દેશના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે સપ્ટેમ્બરમાં રૂ. 47.79 લાખ કરોડનું સર્વોચ્ચ એસેટ અન્ડર મેનેજમેન્ટ દર્શાવ્યું હતું. જ્યારે નેટ એયૂએમ રૂ. 46,57,755 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જો મ્યુચ્યુલ ફંડ ફોલિયોની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં તે સર્વોચ્ચ સપાટી પર નોંધાયા હતા. જ્યારે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) મારફતે વિક્રમી ઈનફ્લો જોવા મળ્યો હતો અને તે રૂ. 16 હજાર કરોડની સપાટી પાર કરી ગયો હતો.
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની સંસ્થા એમ્ફીએ જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં કુલ ફોલિયોની સંખ્યા 15,70,96,187ની સર્વોચ્ચ સપાટીએ પબોંચી હતી. જે ગયા ઓગસ્ટમાં જોવા મળતાં 15,42,41,577ની સરખામણીમાં 29 લાખ ફઓલિયોઝથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. જો રિટેલ ફોલિયોઝની વાત કરીએ તો તે 12,54,51,947 પર પહોંચી હતી. જે મહિના અગાઉ ઓગસ્ટમાં 12,30,07,367 પર હતી. જો કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટની વાત કરીએ તો રિટેલ એયૂએમ રૂ. 25,38,126 કરોડ જેટલું જોવા મળતું હતું. સપ્ટેમ્બરમાં સરેરાશ રિટેલ એયૂએમ રૂ. 25,47,739 કરોડ પર રહ્યું હતુ.
સપ્ટેમ્બરમાં નવી 16 સ્કિમ્સ લોંચ કરવામાં આવી હતી. જે તમામ ઓપન એન્ડેડ સ્કિમ હતી. તેમજ તેમણે કુલ રૂ. 7795 કરોડ ઊભા કર્યાં હતાં. રિટેલ તરફથી શેરબજારમાં વધતાં પાર્ટિસિપેશન પાછળ સિસ્ટમેટીક ઈન્વેસ્ટશન પ્લાન મારફતે જોવા મળતો ઈનફ્લો તેની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. તે રૂ. 16 હજારની સપાટી કૂદાવી રૂ. 16042.06 કરોડ પર નોંધાયો હતો. જો સિપ એકાઉન્ટ્સની વાત કરીએ તો તે પણ 7,12,93,738ની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યાં હતાં. જે ઓગસ્ટમાં 6,96,85,946 પર નોંધાયા હતાં. ઓગસ્ટમાં સિપ હેઠળ રૂ. 15,245 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. આમ, સપ્ટેમ્બરમાં તેમાં રૂ. 800 કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી. સિપ હેઠળનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 8,70,363.38 કરોડ પર જોવા મળ્યું હતું. જે ઓગસ્ટ 2023માં રૂ. 8,47,130.87 કરોડ પર નોંધાયું હતું. સપ્ટેમ્બરમાં 36,77,157 સાથે સૌથી વધુ નવા સિપ રજિસ્ટ્રેશન જોવા મળ્યાં હતાં.
જોકે માસિક ધોરણે સપ્ટેમ્બરમાં ઈક્વિટી ફ્લોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં તે રૂ. 14091.26 કરોડ પર રહ્યો હતો. ઓગસ્ટમાં તે રૂ. 20,245.26 કરોડ પર નોંધાયો હતો. જે સપ્ટેમ્બરની સરખામણીમાં 30 ટકા જેટલો ઊંચો હતો. મીડ-કેપ અને સ્મોલ-કેપની ઊંચી માગ પાછળ ઓગસ્ટમાં ઈનફ્લો ઊંચો રહ્યો હતો. ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ હેઠળ સ્મોલ-કેપ કેટેગરીએ રૂ. 2678.47 કરોડ સાથે બીજા ક્રમે સૌથી મોટો ઈનફ્લો દર્શાવ્યો હતો. ઓગસ્ટમાં તેણે રૂ. 4,264.82 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો. પ્રથમ ક્રમે સેક્ટરલ-થિમેટીક કેટેગરીએ રૂ. 3,146.85 કરોડનો સૌથી ઊંચો ઈનફ્લો દર્શાવ્યો હતો.
એમ્ફીના સીઈઓના જણાવ્યા મુજબ દેશમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે વૃદ્ધિ જાળવી રાખી છે. ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન તેણે પ્રોત્સાહક દેખાવ કર્યો છે. આ ટ્રેન્ડ બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ જળવાયેલો રહે તેવી આશા તેઓ રાખે છે. વૈશ્વિક સ્તરે જોવા મળતાં અવરોધો વચ્ચે ભારતીય બજાર મજબૂતી દર્શાવી રહ્યું છે. સ્થાનિક સંસ્થાઓ તરફથી માર્કેટમાં સતત ઈનફ્લો જળવાયો છે અને તે બજારમાં વૃદ્ધિને સપોર્ટ કરી રહી છે. મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે 4 કરોડ યુનિક ઈન્વેસ્ટર્સનો આંક પાર કર્યો છે. જે ભારતીય બજારમાં રિટેલ રોકાણકારોના વધતાં પાર્ટિસિપેશનને સૂચવે છે. વાર્ષિક ધોરણે સિપમાં 21 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
વેદાંતાએ બેઝ મેટલ સબસિડિયરી સાથે ડિમર્જરની કરેલી શરૂઆત
વેદાંતા બેઝ મેટલ્સ લિમીટેડ કંપનીના મેટલ બિઝનેસનું સંચાલન કરશે
વેદાંતા લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે તેણે સંપૂર્ણ માલિકીની બેઝ મેટલ સબસિડિયરી વેદાંતા બેઝ મેટલ્સ લિમિટેડની રચના કરી છે. આ કંપનીની સ્થાપના વેદાંતાની ડિમર્જર યોજનાના ભાગરૂપે કરવામાં આવી છે. ગયા મહિને વેદાંતાએ તેનું છ ભિન્ન કંપનીમાં વિભાજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું. વેદાંતા બેઝ મેટલ્સ લિમીટેડ કંપનીના મેટલ બિઝનેસનું સંચાલન કરશે.
એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં વેદાંતાએ જણાવ્યું હતું કે સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 30ની જોગવાઈ મુજબ અમે કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની વેદાંતા બેઝ મેટલ્સ લિમિટેડની રચના કરી છે. કંપનીએ 9 ઓક્ટોબરે આ કંપનીની રચના કરી હતી. ગયા મહિને વેદાંતાએ જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્યોર-પ્લે, એસેટ-ઓઉનર બિઝનેસ મોડેલ માટે મંજૂરી આપી છે. જેને પરિણામે છ અલગ કંપનીઓ અસ્તિત્વમાં આવશે. કંપનીનું રિસ્ટ્રક્ચરિંગ 12-15 મહિનાઓમાં પૂર્ણ કરવામાં આવશે. વેદાંતાની પેરન્ટ કંપની વેદાંતા રિસોર્સિસે તેના 6.4 અબજ ડોલરના આઉટસ્ટેન્ડિંગ ડેટ પાછળ અનેક રેટીંગ એજન્સિઝ તરફથી ડાઉનગ્રેડિંગનો સામનો કરવો પડ્યો હતો. જેને જોતાં કંપનીએ વેલ્યૂ અનલોકિંગના હેતુસર નવી પાંચ લિસ્ટેડ કંપનીઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઈલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ અને વેદાંત બેઝ મેટલ્સનો સમાવેશ થતો હતો. વર્તમાન વેદાંત લિમિટેડનો પણ છ કંપનીઓમાં સમાવેશ થશે. અગાઉ કંપનીએ હિંદુસ્તાન ઝીંક તરફથી પેરન્ટ કંપનીની ઝીંક એસેટ્સને 2.98 અબજ ડોલરમાં ખરીદી કેટલુંક ડેટ હળવું કરવા માટેની ઈચ્છા દર્શાવી હતી. જોકે, સરકારે આ યોજનાનો વિરોધ કર્યો હતો. હાલમાં કેન્દ્ર સરકાર હિંદુસ્તાન ઝીંકમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. બુધવારે વેદાંતનો શેર 2.48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 227.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
સરકાર હિંદુસ્તાન ઝીંકમાં 3.5 ટકા હિસ્સો વેચે તેવી શક્યતાં
કેન્દ્ર સરકાર હિંદુસ્તાન ઝીંક લિમિટેડમાં તેની પાસેના 29.5 ટકા હિસ્સામાંથી 3.5 ટકા હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાં છે. સરકાર ઓફર ફોર સેલ મારફતે આ વેચાણ કરી શકે છે તેમ સરકારી વર્તુળો જણાવે છે. સરકાર બાકીના 26 ટકા હિસ્સાને જાળવી રાખીને શેરધારક તરીકેના તેના અધિકારને જાળવી રાખશે.
અધિકારીના જણાવ્યા મુજબ હિંદુસ્તાન ઝીંકના કિસ્સામાં રોકાણકારો ઈચ્છે છે કે સરકાર શેરધારક તરીકે ચાલુ રહે. સરકાર શેરધારકોની માગને આધારે ઓએફએસની માળખું રચશે. 26 ટકા સુધી શેરધારક પાસે કેટલાંક અધિકાર રહેશે. 26 ટકાથી નીચા હિસ્સાના કિસ્સામાં સરકારે ઘણા અધિકારો ગુમાવવાના થશે. આમ સરકાર તેની પાસેના હિસ્સામાંથી 3.5 ટકા હિસ્સાના વેચાણ માટે જ વિચારશે. શેરધારક તરીકે વધુ 1-2 ટકા હિસ્સાનું વેચાણ કરી અનેક અધિકારો ગુમાવવા એ સલાહભર્યું નથી એમ તેમનું કહેવું છે. આવા અધિકારમાં કંપની બોર્ડ તરફથી પ્રસ્તાવિત ફાઈનાન્સિયલ રેઝોલ્યુશનને બ્લોક કરવાના અધિકારનો સમાવેશ થાય છે. અગાઉ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર હિંદુસ્તાન ઝીંકના 5-6 ટકા હિસ્સાનું વેચાણ વિચારી રહી છે. કેમકે રોકાણકારોમાં કંપનીના શેર્સને લઈને ખાસ રૂચિ જોવા નથી મળી રહી. હિંદુસ્તાન ઝીંકમાં સંસ્થાકિય રોકાણકારોનું પાર્ટિસિપેશન નહિવત જોવા મળે છે. પ્રમોટર તરીકે વેદાંત હોવાથી રોકાણકારો કંપનીમાં રસ લઈ રહ્યાં નથી એમ સરકારી અધિકારી જણાવે છે. કેન્દ્ર સરકારે 2022માં સરકારના સમગ્ર હિસ્સાને વેચવા માટે મંજૂરી આપી હતી. સરકાર 29.5 ટકા હિસ્સાના વેચાણમાંથી રૂ. 40 હજાર કરોડ મેળવી શકે છે. અગાઉ 2009માં સરકારે તેની પાસેના 29.5 ટકા હિસ્સો ખરીદવા માટેના વેદાંતના બીજા કોલ ઓપ્શનનો ઈન્કાર કરતાં વેદાંત આર્બિટ્રેશનમાં ગઈ હતી. 2021માં સુપ્રીમ કોર્ટે સરકારને તેના બાકીના હિસ્સાને ઓપન માર્કેટમાં વેચાણની છૂટ આપી હતી. વેદાંતાએ 2022માં તેનું આર્બિટ્રેશન પરત ખેંચી લેતાં સરકાર એચઝેડએલનો હિસ્સો વેચવા ઈચ્છી રહી છે.
કેબિનેટે લિથિયમ સહિત મિનરલ્સ માટે રોયલ્ટી રેટ્સને મંજૂરી આપી
કેન્દ્રિય કેબિનેટે બુધવારે લિથીયમ સહિત ત્રણ મહત્વના મિનરલ્સના માઈનીંગ માટે રોયલ્ટી રેટ્સ નિર્ધારિત કર્યાં હતાં. આ ત્રણેય મિનરલ્સ ક્લિન એનર્જીના મહત્વાકાંક્ષી ટાર્ગેટ્સ હાંસલ કરવા માટે મહત્વના છે. લિથીયમ માટેના રોયલ્ટી રેટ્સ લંડન મેટલ એક્સચેન્જ ખાતે પ્રવર્તમાન ભાવના 3 ટકા રહેશે. એટલેકે લિથીયમ એક્સટ્રેક્શન કંપનીઓએ 3 ટકા રોયલ્ટી ચૂકવવાની રહેશે. ભારત સરકાર લિથીયમ સપ્લાયને સુરક્ષિત બનાવવા માટેના માર્ગો શોધી રહી છે. ઈલેક્ટ્રીક વેહીકલ બેટરીઝ બનાવવા માટે લિથીયમ એક ખૂબ જ મહત્વની કાચી સામગ્રી છે. દેશમાં ગયા ફેબ્રુઆરીમાં પ્રથમવાર જમ્મુ એન્ડ કાશ્મીરમાં લિથિયમનો જથ્થો મળી આવ્યો હતો. સરકારે નિયોબિયમ માટે પણ સરેરાશ વેચાણ ભાવના 3 ટકા રોયલ્ટી રેટ નિર્ધારિત કર્યો છે. જ્યારે રેર અર્થ એલિમેન્ટ્સ માટે રેર અર્થ ઓક્સાઈડના સરેરાશ વેચાણ ભાવના 1 ટકા રોયલ્ટી નિર્ધારિત કરી છે. નિઓબિયમનો ઉપયોગ પણ ઈવી બેટરી સેલ્સ બનાવવામાં થાય છે.
TCSએ રૂ. 17000 કરોડનું બાયબેક જાહેર કર્યુઃ રૂ. 4150ના ભાવે શેર ખરીદશે
કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટર નફો 9 ટકા ઉછળી રૂ. 11,342 કરોડ નોંધાયો
કંપનીએ રૂ. 17000 કરોડનું બાયબેક જાહેર કર્યું
બુધવારે કંપનીનો શેર રૂ. 3610ના ભાવે બંધ રહ્યો હતો
કંપની રિટેલ ક્વોટામાં 61,44,579 શેર્સ બાયબેક કરશે
પ્રતિ શેર રૂ. 9ના ડિવિડન્ડની પણ કરેલી જાહેરાત
આઈટી જાયન્ટ ટીસીએસે બુધવારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામોની રજૂઆત સાથે રૂ. 17000 કરોડના બાયબેકની જાહેરાત કરી હતી. જે કંપનીનું સતત પાંચમું બાયબેક છે. કંપનીએ રૂ. 4150 પ્રતિ શેરના ભાવે ટેન્ડર રૂટ મારફતે બાયબેક કરશે તેમ જણાવ્યું છે. જોકે, આ માટે રેકર્ડ ડેટની જાહેરાત કરવાની બાકી છે. કંપની રિટેલર્સ પાસેથી 61,44,579 શેર્સની પરત ખરીદી કરશે. બુધવારે ટીસીએસના શેરનો ભાવ રૂ. 3610ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ પ્રતિ શેર રૂ. 9ના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.
બુધવારે બજાર બંધ થયાં પછી ટીસીએસે કંપનીના પરિણામોની જાહેરાત કરી હતી. જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તેણે રૂ. 11,432 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 10,431 કરોડના નફાની સરખામણીમાં 8.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક રૂ. 59,692 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 7.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કોન્સ્ટન્ટ કરન્સી બેસીસ પર જોઈએ તો આવકમાં વાર્ષિક ધોરણે 2.8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જે માટે 9 ઓક્ટોબરને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરાઈ હતી. જ્યારે 7 નવેમ્બર પેમેન્ટ ડેટ બની રહેશે.
ટીસીએના સીઈઓ અને એમડી કે ક્રિથીવાસને જણાવ્યું હતું કે અમારા ગ્રાહકોનો ક્રિટિકલ ન્યૂ ટેક્નોલોજીના પ્રયાસો સાથે અમારા પર વિશ્વાસ જળવાયેલો છે. તેઓ તેના આઈટી અને બિઝનેસ ઓપરેટિંગ મોડેલ્સના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અમારી સાથે મોટા પ્રોગ્રામ્સ સાઈન કરી રહ્યાં છે. મજબૂત ડીલ મોમેન્ટમને કારણે બીજા ક્વાર્ટરમાં મોટી ઓર્ડર બુક મળી છે. હાલમાં કંપની સારી પાઈપલાઈન ધરાવે છે. કંપનીના ક્લાયન્ટ્સ લાંબા સમયગાળા માટેના પ્રોગ્રામ્સ આપી રહ્યાં છે. તેમનો જનરેટીવ એઆઈ અને અન્ય ટેક્નોલોજી માટેનો એપેટાઈટ અમને અમારી લાંબાગાળા માટેના વૃદ્ધિની સંભાવનાઓને લઈ વિશ્વાસ આપી રહ્યો છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ઈડીએ જણાવ્યું હતું કે કંપની લોકો અને નવી ટેક્નોલોજીમાં રોકાણ કરી રહી છે. કંપની હાલમાં એક લાખથી વધુનો જનરેટીવ એઆઈ-રેડી કન્સલ્ટન્ટ્સ અને પ્રોમ્પ્ટ-એન્જીનીયર્સનો પુલ ધરાવે છે. જેઓ કંપનીના ક્લાયન્ટ્સ સાથે સેંકડો જન-એઆઈ પ્રોજેક્ટ્સમાં સક્રિય છે.
ટીસીએસે છેલ્લાં ચાર બાયબેક્સમાં રૂ. 66 હજાર કરોડના શેર્સ ખરીદ્યાં
આઈટી સર્વિસિઝ કંપનીએ બુધવારે જાહેર કરેલું રૂ. 17 હજાર કરોડનું બાયબેક તેનું છેલ્લાં છ વર્ષોમાં તેનું પાંચમું બાયબેક છે. અગાઉ કંપની ચાર બાયબેકમાં રૂ. 66 હજાર કરોડના શેર્સ પરત ખરીદી ચૂકી છે. કંપનીએ 2017, 2018, 2020 અને 2022માં બાયબેક જાહેર કર્યાં હતાં. આમ તાજેતરના નવા બાયબેક સાથે રૂ. 13 લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવતી કંપની કુલ રૂ. 83 કરોડનું બાયબેક દર્શાવશે.
ટીસીએસે તમામ બાયબેક બજારભાવથી પ્રિમીયમમાં કર્યાં છે. જેણે શેરધારકને પ્રોફિટ સાથે એક્ઝિટની તક આપી છે. બાયબેક એ કંપનીમાં મેનેજમેન્ટનો વિશ્વાસ દર્શાવે છે. ફેબ્રુઆરી 2017માં કંપનીએ રૂ. 16 હજાર કરોડનું બાયબેક કર્યું હતું. જે વખતે બજારભાવથી 17 ટકા પ્રિમીયમે શેર્સ ખરીદ્યાં હતાં. જૂન 2018માં અને ઓક્ટોબર 2020માં કંપનીએ બજારભાવથી અનુક્રમે 18 ટકા અને 10 ટકા પ્રિમીયમે શેર્સ ખરીદ્યાં હતાં. જ્યારે જાન્યુઆરી 2022માં તેણે બજારભાવથી 17 ટકા પ્રિમીયમે શેર્સની ખરીદી કરી હતી. છેલ્લે તેણે રૂ. 18 હજાર કરોડનું બાયબેક હાથ ધર્યું હતું. 2022માં તેણે રૂ. 4500ના ભાવે શેર્સ ખરીદ્યાં હતાં. કંપનીના શેરે 17 જાન્યુઆરીએ રૂ. 4019.10ની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. 30 જૂન 2023ના રોજ કંપની પાસે રૂ. 7123ની કેશ અને તેની સમકક્ષ જોવા મળતી હતી. જોકે, દર ક્વાર્ટરમાં કંપની રૂ. 10 હજાર કરોડથી વધુનું કેશ જનરેશન ધરાવે છે.
ગોલ્ડમાં ચાર ટકાનો તીવ્ર પ્રત્યાઘાતી સુધારો નોંધાયો
કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1810 ડોલરના તળિયેથી ચાર સત્રોમાં 1872 ડોલરે બોલાયું
કોમેક્સ સિલ્વર 20.69 ડોલર પરથી 6.5 ટકા ઉછળી 22.09 ડોલરે ટ્રેડ થઈ
યુએસ-10 વર્ષના બોન્ડ યિલ્ડ 4.89 ટકાની ટોચ પરથી 4.55 ટકા પર ગગડ્યાં
વૈશ્વિક ગોલ્ડમાં તીવ્ર પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો છે. એકબાજુ ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી બોન્ડ્સમાં ઝડપી ઘટાડો અને બીજી બાજુ ઈઝરાયેલ-હમાસ વચ્ચે જંગ પાછળ ગોલ્ડને બેવડો સપોર્ટ સાંપડ્યો છે. જેની પાછળ તે ગયા શુક્રવારના તળિયેથી 3.5 ટકાનો તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યો છે. કોમેક્સ સ્પોટ ગોલ્ડે બુધવારે 1872 ડોલરની સપાટીએ ટ્રેડ થયું હતું. જે ગયા સપ્તાહાંતે તેણે બનાવેલા 1810 ડોલરના સાત-મહિનાના તળિયેથી 62 ડોલરનો ઝડપી સુધારો સૂચવે છે. ભારતીય કોમેક્સ ખાતે ગોલ્ડે સમાનગાળઆમાં 2.7 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. એમસીએક્સ ગોલ્ડ વાયગો રૂ. 56420ના તળિયેથી રૂ. 1520ના સુધારે રૂ. 57945ની સપાટી પર ટ્રેડ થયો હતો.
બુધવારે ગોલ્ડમાં સુધારો ટક્યો હતો. કોમેક્સ ડિસેમ્બર વાયદો 13 ડોલર ઉછળી 1888 ડોલરની ટોચે ટ્રેડ થયો હતો. ડોલર ઈન્ડેક્સ 105.50ના સ્તરે નરમ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે યુએસ ખાતે 10-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ 4.55 ટકા પર ગગડ્યાં હતાં. ગયા શુક્રવારે તેણે 4.89ની છેલ્લાં 20 વર્ષોની ટોચ દર્શાવી હતી. ગયા સપ્તાહાંતે શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ જંગે પણ ગોલ્ડની સેફહેવનરૂપી માગને વેગ આપ્યો હતો. આમ, ગોલ્ડમાં બાઉન્સ માટેના એકથી વધુ કારણો સાંપડ્યા હતાં. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ટેકનિકલી ગોલ્ડ ઓવરસોલ્ડમાં હતું અને તેથી બાઉન્સ અપેક્ષિત હતો. તેની વચ્ચે અન્ય પરિબળો ઉમેરાતાં ગોલ્ડમાં અપેક્ષા કરતાં ઝડપી બાઉન્સ જોવા મળ્યો છે. જોકે, ટેકનિકલી ગોલ્ડ માટે 1900 ડોલરનો અવરોધ છે અને તેથી તે નજીકમાં વર્તમાન સપાટીએ આસપાસ ટ્રેડ જાળવી રાખે તેવી શક્યતાં છે. તાજેતરના સુધારા પાછળ ગોલ્ડ કેલેન્ડરમાં ફ્લેટ રિટર્ન સૂચવી રહ્યું છે. અગાઉ માર્ચમાં તે 10 ટકાથી વધુ રિટર્ન દર્શાવતું હતું. ગયા સપ્તાહે તે નેગેટિવ રિટર્નમાં સરી પડ્યું હતું.
એમસીએક્સ ખાતે ગોલ્ડ ફરી રૂ. 58 હજારની નજીક આવી પહોંચ્યું છે. જ્યાં એક અવરોધ નડી શકે છે. ડોલરની સરખામણીમાં રૂપિયામાં સ્થિરતા પાછળ ભારતીય બજારમાં ગોલ્ડમાં બાઉન્સ એક ટકા જેટલો નીચો જોવા મળી રહ્યો છે. ચાંદીમાં પણ આવું જ જોવા મળે છે. કોમેક્સ સિલ્વર તેના ગયા સપ્તાહના તળિયેથી 6.5 ટકાનો બાઉન્સ સૂચવી રહી છે. જ્યારે ભારતીય બજારમાં તે 6 ટકા આસપાસનો સુધારો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં સિલ્વરે 20.70 ડોલરનું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે બુધવારે 22.09 ડોલર પર ટ્રેડ થઈ હતી. જ્યારે એમસીએક્સ ખાતે સિલ્વર વાયદો રૂ. 65666ના તળિયા સામે બુધવારે રૂ. 69660ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો.
કેલેન્ડર આખરમાં 2000 ડોલર પાર થવાની શક્યતાં
માર્કેટ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડમાં 1810 ડોલરની બોટમ બની ચૂકી છે. હાલમાં, પ્રથમ તબક્કાનું બાઉન્સ જોવા મળ્યું છે. જોકે, યુએસ ફેડ તરફથી વધુ રેટ વૃદ્ધિની શક્યતાં ઘટતાં ગોલ્ડ આગામી સપ્તાહોમાં સુધારો જાળવી શકે છે. જો યુએસ ડેટા સપોર્ટ કરશે તો ડિસેમ્બરમાં કેલેન્ડર સમાપ્ત થાય તે પહેલાં ગોલ્ડ 2000 ડોલરની સપાટી પાર કરે તેવી પૂરી શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ઈપીસી જાયન્ટે મધ્ય-પૂર્વ એશિયામાં મેગા પ્રોજેક્ટ મેળવ્યો છે. કંપનીએ આ કોન્ટ્રેક્ટનું મૂલ્ય જાહેર નથી કર્યું પરંતુ એલએન્ડટીના માપદંડ મુજબ રૂ. 7000 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતા ઓર્ડરને મેગા ઓર્ડર તરીકે ગણવામાં આવે છે. આ પ્રોજેક્ટ કંપનીની સબસિડિયરી એલએન્ડટી એનર્જી હાઈડ્રોકાર્બને મેળવ્યો છે. કંપનીની અન્ય સબસિડિયરી એલએન્ડટી કન્સ્ટ્રક્શને પણ નવો ઓર્ડર મેળવ્યો છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ ટોચની પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 64.1 લાખ ટન સ્ટીલ ઉત્પાદન નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 56.8 લાખ ટન સ્ટીલ ઉત્પાદનની સરખામણીમાં 13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું ભારતમાં ઉત્પાદન 12 ટકા વધી 62.7 લાખ ટન પર રહ્યું હતું. જ્યારે યુએસ ખાતે ઉત્પાદન 8 લાખ ટન પરથી વધી 1.4 લાખ ટન પર રહ્યું હતું.
એમસીએક્સઃ દેશમાં સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ તેના નવા ડેરિવેટીવ્સ પ્લેટફોર્મને 16 ઓક્ટોબરથી લાઈવ કરશે. ગયા સપ્તાહે માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપ્યાં પછી કોમેક્સે આ નિર્ણય લીધો છે. નવું પ્લેટફોર્મ ટીસીએસે ડેવલપ કર્યું છે અને તે અગાઉ ફાઈનાન્સિયલ ટેક્નોલોજી અને હાલમાં 63 મુન્સ તરીકે ઓળખાતી કંપનીના પ્લેટફોર્મનું સ્થાન લેશે.
એનએસડીએલઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડે પ્રાઈવેટ બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક પાસેથી રૂ. 200 કરોડમાં જગ્યા ખરીદી છે. ડિપોઝીટરીએ મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે નમન ચેમ્બર્સમાં આ જગ્યા ખરીદી છે. જે 68 હજાર ચો.ફૂટમાં વિસ્તાર ધરાવે છે.
ભારતી ગ્રૂપઃ ભારતી ગ્રૂપે જણાવ્યું છે કે તે એક્સા સાથેના સંયુકત ઈન્શ્યોરન્સ સાહસ ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સમાં એક્સાના 49 ટકા હિસ્સાની ખરીદી કરશે. આ ટ્રાન્ઝેક્શન જરૂરી રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન રહેશે. એક્સા પાસેથી હિસ્સો ખરીદ્યાં પછી ભારતી ગ્રૂપ કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવતો હતો. ફ્રાન્સની એક્સાએ ભારતી જૂથ સાથે ભાગીદારી સ્થાપી 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
વાઈસરોય હોટેલ્સઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ વાઈસરોય હોટેલ્સના વેચાણને ફરીથી શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. વાઈસરોય હોટેલ્સ બે પ્રોપર્ટી ધરાવે છે. જેમાં હૈદરાબાદ ખાતે મેરિઓટના નામે ફાઈવ-સ્ટાર હોટેલ જ્યારે કોર્ટયાર્ડના નામે થ્રી-સ્ટાર હોટેલ ધરાવે છે.
તાતા કેપિટલઃ તાતા જૂથની કંપનીએ ડાયાલિસિસ ચેઈન એપેક્સ કિડની કેરમાં 1 કરોડ ડોલરનું રોકાણ કર્યું છએ. કંપની તાતા કેપિટલ હેલ્થકેર ફંડ મારફતે આ રોકાણ હાથ ધર્યું છે. આ રોકાણનો 90 ટકા હિસ્સો ગ્રોથ કેપિટલનો છે. જ્યારે 10 ટકા હિસ્સો અન્ય રોકાણકારને એક્ઝિટનો છે.