Categories: Market Tips

Market Summary 11/01/2023

શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેન્ડ સાથે નરમ અન્ડરટોન
બેંકિંગ, આઈટી અને મેટલમાં મજબૂતી
એફએમજીસી, ફાર્મા, એનર્જી, ઓટોમાં નરમાઈ
ઈન્ડિયા વિક્સમાં 0.52 ટકાનો સાધારણ ઘટાડો
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ
જિંદાલ સ્ટીલ અને ઝાયડસ લાઈફ નવી ટોચે
લૌરસ લેબ્સ, બાયોકોન, અતુલમાં નવા તળિયા

વૈશ્વિક બજારોમાં મહ્દઅંશે પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર દિશાહિન જોવા મળ્યું હતું. બે બાજુની ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ બજાર સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 10 પોઈન્ટ્સ ગગડી 60,105.50ની સપાટીએ જ્યારે નિફ્ટી 18.45 પોઈન્ટ્સ ઘટાડા સાથે 17895.70ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 64 પોઈન્ટ્સના પ્રિમીયમે 17960 પર બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સની સરખામણીમાં બ્રોડ માર્કેટનું આઉટપર્ફોર્મન્સ જળવાય રહ્યું છે. બીએસઈ ખાતે કુલ 3641 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1866 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1627 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 105 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 36 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.5 ટકાના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજાર પોઝીટીવ ઓપનીંગ બાદ તરત નીચે ગબડ્યું હતું. જ્યાંથી પરત ફરી ઈન્ટ્રા-ડે હાઈ બનાવી દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાતું જોવા મળ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. જેની રેંજ 17800-18100ની છે. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપી મૂવમેન્ટ દર્શાવી શકે છે. નિફ્ટીને મજબૂત સપોર્ટ પૂરો પાડનાર કાઉન્ટર્સમાં હિંદાલ્કો ટોચ પર હતો. કાઉન્ટર 3 ટકા મજબૂતી સાથે બંધ રહ્યું હતું. આ ઉપરાંત સન ફાર્મા, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, ટીસીએસ, તાતા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ પણ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ ભારતી એરટેલ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, એચયૂએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, રિલાયન્સ અને ટાઈટન કંપનીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો નિફ્ટી બેંક, નિફ્ટી આઈટી અને નિફ્ટી મેટલ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.52 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં પીએસયૂ સહિત પ્રાઈવેટ બેંક્સનું યોગદાન મુખ્ય હતું. પીએનબી 2.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યાં હતાં. જોકે ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક અને એયૂ સ્મોલ ફાઈ. બેંક નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પોણો ટકો મજબૂત જોવા મળ્યો હતો. જેમાં એનએમડીસી, હિંદાલ્કો, નાલ્કો, સેઈલ, એપીએલ એપોલો જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.13 ટકા ગગડ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન હિંદુસ્તાન યુનિલીવરનું હતું. શેર 1.9 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત વરુણ બેવરેજીસ 5 ટકા ગગડ્યો હતો. મેરિકો, નેસ્લે, ડાબર ઈન્ડિયા, કોલગેટ પણ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા 0.66 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં સિપ્લા 3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. ઉપરાંત ડિવિઝ લેબ્સ, બાયોકોન, આલ્કેમ લેબ્સ, ઝાયડસ લાઈફ અને ટોરેન્ટ ફાર્મા પણ નરમાઈ દર્શાવતાં હતાં. ઝાડયસ લાઈફ નવી વાર્ષિક ટોચ બનાવી ગગડ્યો હતો અને નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો પણ અડધા ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં એમઆરએફ 3.2 ટકા ઘટાડા સાથે ટોચ પર જોવા મળતો હતો. આ ઉપરાંત ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એનએમડીસી 4.35 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત તાતા કોમ્યુનિકેશન, મેક્સ ફાઈનાન્સિયલ, આઈઓસી, ઈન્ટરગ્લોબ એવિએશન, હિંદ પેટ્રો જેવા કાઉન્ટર્સ નોઁધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ ભારતી એરટેલ ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય એસઆરએફ, લૌરસ લેબ્સ, એમઆરએફ અને સિપ્લા નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં.

રૂપિયો ત્રણ સત્રોમાં 115 પૈસા સુધરી સવા મહિનાની ટોચે
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાએ સતત ત્રણ સત્રોમાં મજબૂતી દર્શાવી છે. બુધવારે વધુ 22 પૈસા સુધારા સાથે તે 81.58ની સવા મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે 81.70ના મહત્વના અવરોધને પાર કર્યો હતો. જે રૂપિયામાં મજબૂતી દર્શાવે છે. સોમવારે રૂપિયો 36 પૈસા અને મંગળવારે 57 પૈસા સુધારો દર્શાવતો હતો. ડોલરમાં સુસ્તી પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ અને તેમાં પણ ખાસ કરી એશિયન કરન્સિઝમાં મજબૂતી જોવા મળી છે. જેમાં ત્રણ સત્રોમાં થાઈ બ્હાત 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર રહ્યો છે. જ્યારે કોરિયન વોન 1.82 ટકા અને ફિલિપિન્સ પેસો 1.53 ટકા જેટલો સુધર્યો છે. ભારતીય રૂપિયો 1.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ ગયા સપ્તાહે 103.87ના બંધ સામે બુધવારે 103.29ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મીડ અને સ્મોલ-કેપ સ્કિમ્સ પાછળ ડિસેમ્બરમાં ઈક્વિટી ફ્લોમાં ત્રણ ગણી વૃદ્ધિ
નવેમ્બરમાં રૂ. 2258 કરોડના નેટ ઈનફ્લો સામે ડિસેમ્બરમાં રૂ. 7303 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો
SIP મારફતે રૂ. 13573 કરોડનો માસિક વિક્રમી ઈનફ્લો નોંધાયો
MF ઉદ્યોગનું સરેરાશ એસેટ અન્ડર મેનેજમેન્ટ ડિસે.માં રૂ. 40.76 લાખ કરોડે પહોંચ્યું
લિક્વિડ ફંડ્સ પાછળ ફિક્સ્ડ ઈન્કમ ફંડ્સમાંથી રૂ. 21,947 કરોડનો જંગી આઉટફ્લો જોવા મળ્યો

છેલ્લાં અનેક મહિનાઓ દરમિયાન સતત ઘટાડા બાદ ડિસેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યલ ફંડ સ્કિમ્સમાં ફંડ ફ્લોમાં ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી હતી. નવેમ્બરમાં રૂ. 2258 કરોડના લગભગ દોઢ વર્ષથી વધુના સૌથી નીચા ઈનફ્લોની સરખામણીમાં ડિસેમ્બરમાં રૂ. 7303 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. રોકાણકારો તરફથી મીડ-કેપ અને સ્મોલ-કેપ્સ સ્કિમ્સમાં નોંધપાત્ર રોકાણ પાછળ ઈનફ્લોમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જે સૂચવે છે કે ઈન્વેસ્ટર્સનો એપેટાઈટ ફરી પાછો ફરી રહ્યો છે.
અગાઉ ઓક્ટોબર 2022માં ઈક્વિટી સ્કિમ્સમાં ઈનફ્લો રૂ. 9390 કરોડ પર રહ્યો હતો. જેની સરખામણીમાં ડિસેમ્બરમાં ઈનફ્લો હજુ પણ નીચો જળવાયો હતો. જોકે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપી) મારફતે દર મહિને થતું રોકાણ નવા વિક્રમી સ્તરે જોવા મળ્યું હતું. નવેમ્બરમાં રૂ. 13307 કરોડના ઈનફ્લો સામે ડિસેમ્બરમાં રૂ. 13573 કરોડનો સિપ ઈનફ્લો નોંધાયો હતો. આમ માસિક ધોરણે રૂ. 260 કરોડથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. જો સમગ્ર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના એયૂએમની વાત કરીએ તો તે વધીને સરેરાશ રૂ. 40.76 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જે નવેમ્બર દરમિયાન રૂ. 40.49 લાખ કરોડ પર નોંધાયું હતું.
ડિસેમ્બરમાં મોટાભાગનો ઈનફ્લો મીડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સે આકર્ષ્યો હતો. જેમાં મીડ-કેપ સ્કિમ્સમાં રૂ. 1962 કરોડનો ઈનફ્લો પ્રવેશ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 2245 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ લાર્જ-કેપની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જેને જોતાં તાજેતરમાં બેન્ચમાર્ક તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો ત્યારે માર્કેટ સેવી રોકાણકારોએ મીડ-કેપ અને સ્મોલ-કેપ કેટેગરીઝમાં રોકાણ કરવા પર પસંદગી ઉતારી હતી. બીજી બાજુ રોકાણકારોએ કેટલાંક થીમેટીક અને ફોકસ્ડ ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરવાનું યોગ્ય માન્યું હતું. થીમેટીક ફંડ્સમાંથી રૂ. 164 કરોડનો જ્યારે ફોકસ્ડ ફંડ્સમાંથી રૂ. 204 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. ફિક્સ્ડ ઈન્કમ ફંડ્સમાંથી રૂ. 21,947 કરોડનો જંગી આઉટફ્લો નોંધાયો હતો. જેમાં મુખ્યત્વે લિક્વિડ ફંડ્સમાંથી રૂ. 13,852 કરોડના આઉટફ્લોનો સમાવેશ થાય છે. ફ્લોટર ફંડે રૂ. 2240 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો હતો. મિડિયમ-ટર્મ ફંડ્સે રૂ. 1800 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. જ્યારે બેંકિંગ એન્ડ પીએસયૂ ડેટ ફંડ્સે રૂ. 1353 કરોડનો આઉટફ્લો અનુભવ્યો હતો.

કેલેન્ડર 2022માં MF સ્કિમ્સમાં નેટ ઈનફ્લો
મહિનો ઈનફ્લો(રૂ. કરોડ)માં
જાન્યુઆરી 14888
ફેબ્રુઆરી 19705
માર્ચ 28463
એપ્રિલ 15890
મે 18529
જૂન 15498
જુલાઈ 8898
ઓગસ્ટ 6120
સપ્ટેમ્બર 14100
ઓક્ટોબર 9390
નવેમ્બર 2258
ડિસેમ્બર 7303

DII-ટુ-FII એસેટ અન્ડર મેનેજમેન્ટ રેશિયો વિક્રમી સપાટીએ
સ્થાનિક સંસ્થાઓ(મ્યુચ્યુલ ફંડ્સ, ઈન્શ્યોરર્સ, પેન્શન ફંડ અને બેંક્સ સહિતના ઈન્વેસ્ટર્સ)ના સતત વધતાં ઈનફ્લો પાછળ દેશમાં DII-ટુ-FII એસેટ અન્ડર મેનેજમેન્ટ રેશિયો ગયા ડિસેમ્બરમાં 0.9ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જે માર્કેટમાં સ્થાનિક સંસ્થાઓના વધતાં પ્રભાવને સૂચવે છે. ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ એનએસડીએલના ડેટા મુજબ રેશિયો તેની લોંગ-ટર્મ એવરેજની સરખામણીમાં 12 ટકા ઊંચો છે. તેમના વધતાં પાર્ટિસિપેશનને કારણે ભારતીય ઈક્વિટી બજારમાં હરિફ બજારોની સરખામણીમાં વોલેટિલિટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2022ની આખરમાં ડીઆઈઆઈનું એયૂએમ રૂ. 43.8 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે દેશના શેરબજારનો કુલ માર્કેટ-કેપનું 16 ટકા જેટલું થતું હતું. આમાં સૌથી ઊંચું યોગદાન સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સનું હતું. જેમણે ડિસેમ્બરમાં રૂ. 14,692 કરોડની ઈક્વિટીઝ ખરીદી હતી. જે છેલ્લાં ત્રણ મહિનાઓમાં સૌથી ઊંચી ખરીદી હતી. સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સના ઈક્વિટી પોર્ટફોલિયોની વેલ્યૂ 2022માં વાર્ષિક ધોરણે 15 ટકા વધી રૂ. 22.9 લાખ કરોડ પર પહોંચી હતી. સતત 18મા મહિને મ્યુચ્યુલ ફંડની ઈક્વિટી વેલ્યૂ કુલ સંસ્થાકિય એયૂએમ કરતાં સરેરાશ 6.2 ટકાના દરે આઉટપર્ફોર્મન્સ દર્શાવતી હતી.

બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્સના લોંચ માટે સેબીની મંજૂરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જિસને એએપ્લસ અને તેનાથી ઊપરનું રેટિંગ ધરાવતી કોર્પોરેટ ડેટ સિક્યૂરિટીઝ આધારે ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ રજૂ કરવા માટે મંજૂરી આપી છે. બોન્ડ માર્કેટમાં લિક્વિડિટીમાં વૃદ્ધિના હેતુસર સેબીએ આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે ઈન્વેસ્ટર્સને તેમની પોઝીશન હેજ કરવાની તક પણ પૂરી પાડશે.
મંગળવારે સેબીએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં સ્ટોક એક્સચેન્જિસને કોર્પોરેટ બોન્ડ સૂચકાંકોને આધારે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરવાની છૂટ અપાઈ છે. આ માટે સ્ટોક એક્સચેન્જિસે મંજૂરી માટે રેગ્યુલેટર સમક્ષ વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. તેમણે અન્ડરલાઈંગ ઈન્ડેક્સ, મેથોડોલોજી, કોન્ટ્રેક્ટ સ્પેસિફિકેશન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ટ્રેડિંગ, ક્લિઅરીંગ અને સેટલમેન્ટ મિકેનીઝમ જેવી વિગતો પૂરી પાડવાની રહેશે. આવા ઈન્ડેક્સની રચના માટે પૂરતી લિક્વિડીટી ધરાવતી કોર્પોરેટ બોન્ડ સિક્યૂરિટીઝ જરૂરી બની રહેશે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ સિક્યૂરિટિઝની દર છ મહિને સમીક્ષા પણ કરવાની રહેશે. ઈન્ડેક્સમાં ઓછામાં ઓછા આંઠ ઈસ્યુઅર્સનો સમાવેશ કરવાનો રહેશે. જેમાં સિંગલ ઈસ્યુઅર 15 ટકાથી વધુ વેઈટ ધરાવી શકશે નહિ. વધુમાં એક્સચેન્જિસને ઈન્ડેક્સમાં અથવા સેક્ટરમાં કોઈ એક ચોક્કસ ગ્રૂપના ઈસ્યુઅરના 25 ટકાથી વધુ વેઈટ ધરાવવાની છૂટ અપાશે નહિ. જોકે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, પબ્લિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ અને પીએસયૂ બેંક્સને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા સૂચકાંકો માટે ટ્રેડિંગનો સમયગાળો ચાલુ દિવસે સવારે 9થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ડેઈલી સેટલમેન્ટ પ્રાઈસ આખરી અડધા કલાકમાં કોન્ટ્રેક્ટની વોલ્યૂમ-વેઈટેડ એવરેજ રહેશે.

સ્મગલર્સ તરફથી તગડાં ડિસ્કાઉન્ટ્સથી ગોલ્ડ રિફાઈનર્સ મુશ્કેલીમાં મૂકાયાં
મોટાભાગના રિફાઈનર્સે તેમની કામગીરી બંધ કરવાની ફરજ પડી
માઈનર્સ સાથે કરેલા લોંગ-ટર્મ સપ્લાય કોન્ટ્રેક્ટ્સનું પાલન કરવામાં સંઘર્ષ
ગોલ્ડના ભાવમાં વૃદ્ધિ સાથે ગ્રે માર્કેટ ઓપરેટર્સના માર્જિન પણ વધવાથી દાણચોરીનું વધતું આકર્ષણ

વિશ્વમાં બીજા ક્રમના ગોલ્ડ વપરાશકાર ભારત સ્થિત ગોલ્ડ રિફાઈનર્સે ગોલ્ડ ડોર(ગોલ્ડ બનાવવમાં વપરાતી કાચી ધાતુ)ની આયાત બંધ કરવાની ફરજ પડી છે. ગ્રે માર્કેટમાં દાણચોરીના માલો પાછળ ઓફર થઈ રહેલાં જંગી ડિસ્કાઉન્ટ પાછળ તેમના ધંધામાં પોસાણ દૂર થવાથી આમ કરવું પડ્યું હોવાનું વર્તુળો જણાવે છે.
સોનું બનાવતાં રિફાઈનર્સ માટે વિદેશી માઈનર્સ સાથે કરેલા લાંબા ગાળા માટેના સપ્લાય કોન્ટ્રેક્ટ્સનું પાલન કરવું પણ કઠિન બની રહ્યું છે. જે તેમના લાંબા સમયના સંબંધો પર પ્રતિકૂળ અસર ઊભી કરી રહ્યાં છે. છેલ્લાં બે મહિનાથી ભારતીય બજારમાં ગોલ્ડના ભાવ પડતરની સામે ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યાં છે. જેની સામે સ્થાનિક રિફાઈનર સ્પર્ધા કરી શકે તેમ નથી. કેમકે તેઓ પાતળા માર્જિન સાથે ધંધો ચલાવતાં હોય છે. ભારતમાં રિફાઈન્ડ ગોલ્ડની આયાત પર લાગુ પડતાં ટેક્સની સરખામણીમાં ગોલ્ડ ડોર પરની આયાત પર 0.65 ટકાનો નીચો ટેક્સ લાગુ પડે છે. જે સ્થાનિક રિફાઈનીંગ બિઝનેસને શક્ય બનાવે છે. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહો દરમિયાન સત્તાવાર ભાવોની સરખામણીમાં ડિસ્કાઉન્ટ્સ 2 ટકા જેટલું અથવા 30 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ જેટલું પહોંળું બન્યું છે. જેને કારણે રિફાઈનીંગને ચલાવવું મુશ્કેલ બન્યું છે. જ્વેલર્સ અને બુલિયન ડિલર્સને અન્ય સપ્લાયર્સ તરફથી સ્પર્ધાત્મક ભાવે માલ મળી રહ્યો હોવાથી તેઓ રિફાઈનર્સ પાસેથી માલ ખરીદી રહ્યાં નથી. એક રિફાઈનર્સના મતે તેમનું માર્જિન 0.5 ટકા જેટલું માંડ હોય છે ત્યારે તેઓ 2 ટકા ડિસ્કાઉન્ટ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકે. ગ્રે-માર્કેટ ઓપરેટર્સ વિદેશમાંથી ટેક્સની ચોરી મારફતે મેળવવામાં આવેલા દાણચોરીના માલનું વેચાણ કરતાં હોય છે. જેને કારણે તેઓ ઊંચું ડિસ્કાઉન્ટ આપી શકે છે. સરકારે જુલાઈ 2022માં ગોલ્ડ પરના ટેક્સમાં વૃદ્ધિ કરી હતી. હાલમાં દેશમાં ગોલ્ડ પર 18.45 ટકા ટેક્સ લાગુ પડે છે. ઘણા ભારતીય રિફાઈનર્સે તેમના ગોલ્ડ ડોરને દુબઈ સ્થિત રિફાઈનર્સ ખાતે તબદિલ કર્યો છે. કેમકે તેઓ સ્થાનિક બજારમાં ડિસ્કાઉન્ટ્સને કારણે તેમના રિફાઈન્ડ બારનું વેચાણ કરી શકે એમ નથી. ભારત તેની સોનાની માગ પૂરી કરવા માટે મહ્દઅંશે વિદેશી આયાત પર નિર્ભર છે. ગોલ્ડના ભાવમાં વૃદ્ધિ સાથે ગ્રે માર્કેટ ઓપરેટર્સના માર્જિન પણ વધી રહ્યાં છે. જે દાણચોરીને વધુ આકર્ષક બનાવી રહ્યું છે. ભારત મુખ્યત્વે ઘાના અને પેરુ ખાતેથી ગોલ્ડ ડોરની આયાત કરે છે. જ્યારે રિફાઈન્ડ ગોલ્ડની આયાત સ્વિટ્ઝર્લેન્ડ અને યુનાઈટેડ આરબ અમિરાત ખાતેથી થાય છે.

વૈશ્વિક બજારમાં ગોલ્ડે 1890 ડોલરની આંઠ મહિનાની નવી ટોચે
ગોલ્ડમાં મજબૂતીનો ટ્રેન્ડ અકબંધ છે. સપ્તાહની શરૂમાં ફેડ રિઝર્વ તરફથી હોકિશ ટોન છતાં ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત જળવાય રહ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ કોમેક્સ બુધવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 1891 ડોલરના સ્તર પર ટ્રેડ થયો હતો. જે મે મહિના પછીની તેની ટોચ હતી. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો ઊપરમાં રૂ. 55930 પર ટ્રેડ થયો હતો. જે અગાઉના બંધ સામે રૂ. 200થી વધુનો સુધારો દર્શાવતો હતો. છેલ્લાં ત્રણ સત્રોમાં રૂપિયામાં નોંધપાત્ર સુધારા પાછળ સ્થાનિક બજારમાં ગોલ્ડના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં સુધરી શક્યાં નથી. એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ પણ એક ટકા અથવા રૂ. 638ની મજબૂતી પાછળ રૂ. 69 હજારની સપાટી પાર કરી ગયો હતો. બેઝમેટલ્સમાં કોપર અને લેડ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં.

સેબીએ નોન-પ્રમોટર ઈન્વેસ્ટર્સ માટે OFS નિયમો હળવા કર્યાં
માર્કેટ રેગ્યૂલેટર સેબીએ નોન-પ્રમોટર ઈન્વેસ્ટર્સ માટે ઓફર-ફોર-સેલ(ઓએફએસ) રૂટ મારફતે શેર્સ વેચાણ માટેના નિયમોને હળવાં કર્યાં છે. બ્રોકર્સના મતે સેબીનું આ પગલું રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લાભદાયી બની રહેશે. અત્યાર સુધી, કેટલીક શરતોને આધીન પ્રોમટર અને નોન-પ્રમોટર શેરધારકો ઓએફએસનો ઉપયોગ કરી શકતાં હતા. જેમાં નોન-પ્રમોટર શેરધારક પાસે કંપનીનું ઓછામાં ઓછું 10 ટકા હોલ્ડિંગ હોવું ફરજિયાત હતું. તેમજ તે લઘુત્તમ રૂ. 25 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કરવું પડતું હતું. આના કારણે યોગ્યતા ધરાવતી કંપનીમાં પણ 5 ટકા હિસ્સો તથા રૂ. 100 કરોડની હોલ્ડિંગ વેલ્યૂ ધરાવતાં નોન-પ્રમોટર ઈન્વેસ્ટર પણ ઓએફએસ મિકેનીઝમનો ઉપયોગ નહોતા કરી શકતાં. સેબીએ હવે આ શરતોને દૂર કરી છે.
રિઅલ્ટી સેક્ટરમાં PE ઈનફ્લોમાં 20 ટકા વૃદ્ધિ નોંધાઈ
ભારતીય રિઅલ એસ્ટેટ સેક્ટરમાં કેલેન્ડર 2022 દરમિયાન પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ 20 ટકા વૃદ્ધિ સાથે 4.9 અબજ ડોલર પર પહોંચ્યું હતું. ઊંચા ઈન્ફ્લેશન, ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ અને આર્થિક વૃદ્ધિ દરને લઈ ચિંતા વચ્ચે રિઅલ્ટી સેક્ટરમાં રોકાણ વધ્યું હતું. રિઅલ્ટીમાં સૌથી ઊંચું રોકાણ રેન્ટેડ ઈન્કમ ધરાવતી એસેટ્સમાં થયું હતું. આ ઉપરાંત રેસિડેન્શિયલ, રિટેલ અને હોસ્પિટાલિટી સેગમેન્ટમાં પણ રોકાણ જોવા મળ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય રિઅલ્ટી સેક્ટરમાં સતત પીઈ ઈન્વેસ્ટમેન્ટ જોવા મળી રહ્યું છે. જેમાં ઓફિસ સેગમેન્ટ સૌથી આકર્ષક બની રહ્યું છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

આઈડીબીઆઈ બેંકઃ સરકાર માટે પીએસયૂ બેંકનું ડિસઈન્વેસ્ટમેન્ટ સૌથી વધુ નફાકારક બની રહેવાની શક્યતાં છે. જાણકાર વર્તુળોના મતે બેંકનો હિસ્સો ખરીદવામાં રસ દર્શાવનાર બીડર્સે બેંકમાં બહુમતી હિસ્સા માટે 7-10 ટકા પ્રિમીયમ ચૂકવવા તૈયાર દર્શાવી છે. જે રૂ. 64000-66000નું વેલ્યૂએશન સૂચવે છે. બેંક દેશમાં 1900 શાખાઓ સાથે રૂ. 3 લાખ કરોડથી વધુની બેલેન્સ શીટ સાઈઝ ધરાવે છે. જાણકારોના મતે 4-5 મોટા રોકાણકારો જેમાં બેંક્સ અને પ્રાઈવેટ ઈક્વિટી પ્લેયર્સનો સમાવેશ થાય છે, તેમણે દિપમ મંત્રાલયને 60.72 ટકા હિસ્સા ખરીદી માટે ઈઓઆઈ પાઠવ્યાં છે.
સ્ટીલ કંપનીઝઃ ડિસેમ્બરમાં દેશમાંથી સ્ટીલની નિકાસમાં માસિક ધોરણે 31 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે સરકારે 19 નવેમ્બરે સ્ટીલ નિકાસ પરની એક્સપોર્ટ ડ્યુટી પરત ખેંચ્યાં બાદ સેન્ટીમેન્ટ્સમાં જોવા મળેલો સુધારો સૂચવે છે. નોન-અલોય સ્ટીલ નિકાસમાં માસિક ધોરણે 271 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે એલોય્ડ સ્ટીલ નિકાસ અડધી જોવા મળી હતી.
કોઈનબેઝઃ ગ્લોબલ ક્રિપ્ટોકરન્સિ એક્સચેન્જ 950 કર્મચારીઓને છૂટાં કરશે તેમજ કેટલાંક પ્રોજેક્ટ્સને બંધ કરશે એમ કંપનીના સીઈઓએ જણાવ્યું છે. ગયા વર્ષે જૂનમાં કોઈનબેઝે વૈશ્વિક સ્તરે 1100 કર્મચારીઓની છટણી કરી હતી. જે કુલ વર્કફોર્સનો 18 ટકા જેટલો હતો. જેમાં ભારત સ્થિત 8 ટકા કર્મચારીઓને સમાવેશ થતો હતો.
લાન્કો પાવરઃ નાદાર ઈન્ફ્રા કંપનીના લાન્કો અમરકંટક પાવર કંપની માટે બહુમતી લેન્ડર્સે પીએસયૂ કંપનીઓ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન-આરઈસી ટીમની ઓફરની તરફેણ કરી છે. પીએફસી-આરઈસી ટીમે 95 ટકા લેન્ડર્સનો સપોર્ટ મેળવ્યો છે. જ્યારે અદાણી પાવરે 17 ટકા લેન્ડર્સનો સપોર્ટ મેળવ્યો હતો. પ્લાન્ટની ખરીદીમાં રિલાયન્સ જૂથ પણ સ્પર્ધામાં હતું. પીએફસી-આરઈસી કંપનીમાં 42 ટકા ડેટ ધરાવે છે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે સી2 ગ્રેડ સુધીના કર્મચારીઓ માટે 100 ટકા ક્વાર્ટરલી વેરિએબલ પે ચૂકવવાનું નક્કી કર્યું છે. જ્યારે આ ગ્રેડથી ઉપરના કર્મચારીઓને બિઝનેસ પર્ફોર્મન્સને આધારે વેરિએબલ પે મળવાપાત્ર રહેશે.
લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઝઃ ડિસેમ્બરમાં લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેમના ન્યૂ બિઝનેસ પ્રિમીયમમાં 10 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જાહેર ક્ષેત્રના વીમા ખેલાડી એલઆઈસીના પ્રિમીયમ ગ્રોથમાં ઘટાડા પાછળ એનબીપી વૃદ્ધિ નીચી જળવાય હતી. પ્રાઈવેટ સેક્ટર લાઈફ ઈન્શ્યોરન્સ ખેલાડીઓએ પ્રિમીયમમાં 15 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે એલઆઈસીએ 10 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
સુગર કંપનીઝઃ ભારતે ઓક્ટોબરથી શરુ થયેલા નવા સુગર વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 17 લાખ ટન ખાંડની નિકાસ કરી છે. આમાં ચીનને 60 હજાર ટન સુગર નિકાસનો સમાવેશ થાય છે. ઉપરાંત બાંગ્લાદેશને 1.47 લાખ ટન તથા શ્રીલંકાને 82 હજાર ટન સુગર નિકાસનો સમાવેશ થાય છે.
અદાણી પોર્ટ્સઃ ઈન્ફ્રા કંપની અને ગેડોત ગ્રૂપ કોન્સોર્ટિયમે ઈઝરાયેલ સરકાર પાસેથી હૈફા પોર્ટના એક્વિઝિશનની કામગીરી પૂર્ણ કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીની સબસિડિયરી રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ આસામમાં 5જી નેટવર્ક સર્વિસિસ માટે રૂ. 2500 કરોડનું રોકાણ કરશે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

4 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

4 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

4 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

4 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

4 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

4 months ago

This website uses cookies.