બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ
ડોલર ઈન્ડેક્સમાં ઊંચી વધ-ઘટ વચ્ચે યુએસ બજાર વોલેટાઈલ
નિફ્ટી 18 હજારની નીચે જઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા ઘટી 15.56 ટકા પર રહ્યો
ઓટો, ફાર્મા, મેટલ, પીએસઈ સહિત સાર્વત્રિક ઘટાડો
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી
ફેડરલ બેંક, યુનિયન બેંકે નવી ટોચ દર્શાવી
ઓરોબિંદો ફાર્મા, પીબી ઈન્ફોટેક, બંધન બેંક નવા તળિયે પટકાયાં
બુધવારે યુએસ માર્કેટમાં નરમાઈ પાછળ ગુરુવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. ભારતીય બજાર સમગ્ર દિવસ દરમિયાન રેડ ઝોનમાં ટ્રેડ થયો હતો. બીએસઈ સેન્સેક્સ 420 પોઈન્ટ્સ ગગડી 60614ની સપાટીએ જ્યારે નિફ્ટી 121 પોઈન્ટ્સ ગગડી 18036ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલીને કારણે નિફ્ટી કાઉન્ટર્સ નરમ માર્કેટ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 39 નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 11 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ લાંબા સમયગાળા બાદ વેચવાલી જોવા મળી હતી અને માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ગગડી 15.56ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસ ખાતે ગુરુવારે સાંજે રજૂ થનારા સીપીઆઈ ડેટાને લઈને ઈક્વિટી માર્કેટ્સ ચિંતિત જણાતાં હતાં. જો ડેટા અપેક્ષા કરતાં ઊંચો આવશે તો ડિસેમ્બરમાં પણ ફેડ તરફથી પાંચમીવાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં પ્રબળ બનશે. જેની પાછળ લિક્વિડીટી વધુ ટાઈટ બનશે અને તે માર્કેટ્સ પર પ્રતિકૂળ અસર ઉપજાવી શકે છે. ડોલર ઈન્ડેક્સ પણ બુધવારે 110ની નીચે ગયા બાદ ગુરુવારે 110 પર પરત ફરવા સાથે અડધા ટકાથી વધુની મજબૂતી દર્શાવી રહ્યો હતો. જે સૂચવે છે કે બજાર વર્તુળો ઈન્ફ્લેશનનો ડેટા ઊંચો રહેવા સાથે ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી 18157ના અગાઉના બંધ સામે 18044ની સપાટી પર ખૂલી 18103ની ટોચ દર્શાવી દિવસ દરમિયાન ગગડતો રહ્યો હતો. એક તબક્કે તે 17969.40ની સપાટી પર પટકાયો હતો. જોકે ત્યાંથી બાઉન્સ થઈ 18 હજાર પર પરત ફર્યો હતો. કેશ નિફ્ટી સામે ફ્યુચર 70 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18098ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ બુધવારની સરખામણીમાં પ્રિમીયમમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17900નો સપોર્ટ છે. જે તૂટશે તો ઝડપી ઘટાડો સંભવ છે. જ્યારે ઉપરમાં તેને 18200નું સ્તર પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો થઈ શકે છે.
ગુરુવારે માર્કેટને સપોર્ટ આપવામાં તમામ સેક્ટર્સ નિષ્ફળ ગયા હતાં. બેંકિંગમાં ઉપરના સ્તરે નરમાઈ પાછળ બુધવારે સર્વોચ્ચ સપાટી દર્શાવ્યા બાદ બેંકનિફ્ટી નરમાઈ તરફી બન્યો હતો અને 0.43 ટકા ઘટાડે 41604 પર બંધ જોવા મળ્યો હતો. પીએસયૂ બેંક્સમાં છેલ્લાં ઘણા સત્રો બાદ ઉપરના સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેને કારણે પણ બેંક નિફ્ટી નરમ જળવાયો હતો. સરકારે તેની પાસેના એક્સિસ બેંકના કેટલાક હિસ્સાનું વેચાણ કરવાની જાહેરાત કરતાં એક્સિસ બેંક 3.43 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા પણ ઘટાડો દર્શાવતાં હતાં. એચડીએફસી બેંક અને કોટક બેંક એક ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. વેચવાલી દર્શાવવામાં નિફ્ટી ઓટો અગ્રણી હતો. બેન્ચમાર્ક 2 ટકા ગગડ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 5.3 ટકા, ટાટા મોટર્સ 5 ટકા, ટીવીએસ મોટર 3.4 ટકા, એમએન્ડએમ 3 ટકા, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 2.8 ટકા, બોશ 2.4 ટકા અને મારુતિ સુઝુકી 1.7 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. હીરો મોટોકોર્પ અને અમર રાજા બેટરીઝ 2 ટકાથી વધુ સુધારા સાથે પોઝીટવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ફાર્મામાં સતત ત્રીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. બેન્ચમાર્ક 0.75 ટકા ગગડી બંધ રહ્યો હતો. જેમાં સૌથી મોટું યોગદાન ઓરોબિંદો ફાર્માનું હતું. શેર 12 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ઝાયડસ લાઈફ, બાયોકોન, સિપ્લા, ડિવિઝ લેબ્સ અને આલ્કેમ લેબ્સ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.71 ટકા ઘસાયો હતો. જેમાં નાલ્કો, સેઈલ, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, એનએમડીસી ઘટવામાં મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી આઈટી પણ અડધા ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજીમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 2.2 ટકા, યુનાઈટેડ બ્રૂઅરિઝ 1.5 ટકા અને આઈટીસી 1.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રિટાનિયામાં પણ એક ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વરુણ બેવરેજીસ, નેસ્લે, ઈમામી જેવા કાઉન્ટર્સ એક ટકા આસપાસ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટીમાં એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને ટીસીએસ નરમ જોવા મળતાં હતાં. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી અને એલએન્ડટી ઈન્ફોટેક ગ્રીન ઝોનમાં જળવાયાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 5.6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત લ્યુપિન 3.6 ટકા, મધરસન 3.2 ટકા, એબીબી ઈન્ડિયા 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ દિપક નાઈટ્રેડ 10 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝ 9 ટકા, રામ્સો સિમેન્ટ્સ 8.3 ટકા, જીએએફસી 5.4 ટકા, ઓબેરોય રિયલ્ટી 4 ટકા અને તાતા કેમિકલ્સ 4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક્સમાં યુનિયન બેંક, ઈન્ડિયન બેંકે નવી ટોચ દર્શાવી હતી. ફેડરલ બેંક, નારાયણ હ્રદ્યાલયે પણ નવી ટોચ બનાવી હતી. જ્યારે ઓરો ફાર્મા, ક્વેસ કોર્પ, પીબી ઈન્ફોટેક, નિપ્પોને નવા તળિયા બનાવ્યાં હતાં.
કેપિટલ ગેઈન્સ ટેક્સ નિયમોમાં સુધારો કરાય તેવી શક્યતાં
કેન્દ્ર સરકાર મૂડી લાભ સંબંધી ટેક્સ રેટ્સમાં ફેરફાર કરવાનું પણ વિચારે તેવી અટકળો
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કેપિટલ ટેક્સ સંબંધી નિયમોમાં ફેરફાર રજૂ કરે તેવી શક્યતાં છે. જેમ કરી તે નિયમને વધુ સરળ બનાવશે. આ માટેની મુખ્ય વિચારણા વિવિધ એસેટ્સ વચ્ચે ટેક્સેશનમાં પેરિટીની રહેશે. કેન્દ્ર સરકાર મૂડી લાભ સંબંધી ટેક્સ રેટ્સમાં ફેરફાર કરવાનું પણ વિચારી શકે છે એમ એક રિપોર્ટ જણાવે છે. મલ્ટિપલ હોલ્ડિંગ પિરિયડ્સને પણ સરળ બનાવવામાં આવી શકે છે.
જાણકાર સરકારી અધિકારીના કહ્યાં મુજબ કેપિટલ ગેઈન્સ ટેક્સ થોડો જટિલ છે. તેને વધુ સરળ અને તાર્કિક બનાવી શકાય તેમ છે એમ તેઓ ઉમેરે છે. સરકારી ટાસ્ક ફોર્સે ટાસ્ક ફોર્સે 2019માં કેપિટલ ગેઈન ટેક્સ માટે ઈન્ડેક્સેશન બેનિફિટ રુલ્સમાં ફેરફાર સૂચવ્યો હતો. જેને ગણનામાં લઈને સરકારે સમીક્ષા હાથ ધરી હોવાની અપેક્ષા છે. વર્તમાન નિયમો હેઠળ જો ઈક્વિટીઝ, પ્રેફરન્સ શેર્સ, ઈક્વિટી-બેઝ્ડ મ્યુચ્યુલ ફંડ્સ, ઝીરો કૂપન બોન્ડ્સ અને યૂટીઆઈ યુનિટ્સને જો 12-મહિનાથી વધુ સમય માટે જાળવવામાં આવ્યાં હોય તો તેને લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. ડેટ-ઓરિએન્ટેડ મ્યુચ્યુલ ફંડ્સ અને જ્વેલરીને જો 36-મહિનાથી વધુ સમય માટે જાળવવામાં આવે તો તેને લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ગણનામાં લેવાય છે. જ્યારે રિઅલ એસ્ટેટ અથવા તો ખસેડી ના શકાય તેવી પ્રોપર્ટીના કિસ્સામાં 24-મહિનાથી વધુના સમયગાળાને લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે. આમ વિવિધ ઈન્વેસ્ટમેન્ટ એસેટ ક્લાસિસ માટે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ માટેનો સમયગાળો ભિન્ન-ભિન્ન જોવા મળી રહ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ના ભૂતપૂર્વ સભ્ય અખિલેશ રંજનની આગેવાની હેઠળની બનેલી ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ એસેટ્સને ફરજિયાતપણે ત્રણ કેટેગરીઝમાં વ્યાખ્યાયિત કરાવી જોઈએ. જેમાં ઈક્વિટી, નોન-ઈક્વિટી ફાઈનાન્સિયલ એસેટ્સ અને પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. તેની ભલામણ મુજબ ઈક્વિટી સિવાય તમામ એસેટ ક્લાસિસ માટે ઈન્ડેક્સેશનનો લાભ મળવો જોઈએ. હાલમાં ઈન્ડેક્સેશનનો લાભ માત્ર ડેટ ફંડ્સ અને રિઅલ એસ્ટેટ પર જ મળી રહ્યો છે. આ ઉપરાંત તેણે કેટલીક અન્ય ભલામણો કરી હતી. જે મુજબ 12 મહિનાઓથી વધુ સમય માટે રોકાણ કરવામાં આવ્યું હોય તેવી ઈક્વિટી એસેટ્સના વેચાણ પર 10 ટકા કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડવો જોઈએ. જો ઈક્વિટીને 12 મહિનાથી ઓછા સમય માટે જાળવવામાં આવી હોય તો તેના પર 15 ટકા લેખે શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડવો જોઈએ. જોકે નોન-ઈક્વિટી ફાઈનાન્સિયલ એસેટ્સને જો 24 મહિનાથી વધુ સમય માટે જાળવવામાં આવી હોય તો તેના પર 20 ટકા લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સની ભલામણ ટાસ્ક ફોર્સે કરી હતી. અન્ય એસેટ્સ માટે ટાસ્ક ફોર્સે 36 મહિનાથી વધુ જાળવણીના કિસ્સામાં ઈન્ડેક્સેશન સાથે ગેઈન્સ પર 20 ટકા ટેક્સનું સૂચન કર્યું હતું.
વર્તમાન કેપિટલ ગેઈન્સ ટેક્સ રૂલ્સ
હાલના નિયમો મુજબ લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સને 20 ટકા લેખે વસૂલવામાં આવે છે. ઈક્વિટીના કિસ્સામાં જો લાભ રૂ. 1 લાખથી વધુ હોય તો 10 ટકા ટેક્સ લાગુ પડે છે. જ્યારે શોર્ટ ટર્મ પર 15 ટકા ટેક્સ લાગુ પડે છે. અન્ય એસેટ્સ પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ તેને ઈન્કમ ટેક્સ સાથે જોડ્યાં બાદ વસૂલવામાં આવે છે.
ટાસ્ક ફોર્સની મુખ્ય ભલામણો
એસેટ્સને ઈક્વિટી, નોન-ઈક્વિટી ફાઈનાન્સિયલ એસેટ્સ અને પ્રોપર્ટીમાં ફરજિયાત વ્યાખ્યાયિત કરવાની રહે
એક અન્ય ભલામણ મુજબ ઈક્વિટી સિવાય તમામ એસેટ ક્લાસિસ માટે ઈન્ડેક્સેશનનો લાભ મળવો જોઈએ
નોન-ઈક્વિટી ફાઈનાન્સિયલ એસેટ્સ 24 મહિનાથી વધુ સમય માટે જાળવવામાં આવી હોય તો તેના પર 20 ટકા લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સનું સૂચન
એક ટ્રિલીયન ડોલરનું માર્કેટ-કેપ ગુમાવનાર એમેઝોન પ્રથમ કંપની
માઈક્રોસોફ્ટે પણ તેની નવેમ્બર 2021ની ટોચથી અત્યાર સુધીમાં 889 અબજ ડોલરનું એમ-કેપ ગુમાવ્યું
યુએસની ટોચની પાંચ ટેક્નોલોજી કંપનીઓના માર્કેટ-કેપમાં 4 ટ્રિલિયન ડોલરનું ગાબડું
શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓમાં એમેઝોનડોટકોમ 1 ટ્રિલીયન ડોલરનું માર્કેટ-કેપ ગુમાવનાર પ્રથમ કંપની બની છે. વધતાં ફુગાવા, મોનેટરી પોલિસીમાં ટાઈટનીંગ અને નિરાશાજનક અર્નિંગ્સ અપડેટ્સને કારણે શેરના ભાવમાં ચાલુ વર્ષે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે ઈ-કોમર્સ અને ક્લાઉડ કંપનીના શેરનો ભાર 4.3 ટકા ગગડ્યો હતો. જેણે તેના માર્કેટ વેલ્યુએશનને 879 અબજ ડોલર પર લાવીને રાખી દીધું હતું. જુલાઈ 2021માં કંપનીનું માર્કેટ-કેપ 1.99 ટ્રિલિયન ડોલર પર જોવા મળ્યું હતું. એમેઝોનની સાથે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન પણ માર્કેટ-કેપ ઘટાડાની બાબતમાં સ્પર્ધા કરી રહેલો જણાય છે. વિન્ડોસ સોફ્ટવેર મેકરનું માર્કેટ કેપ પણ નવેમ્બર 2021માં તેની ટોચ પરથી 889 અબજ ડોલર જેટલું ઘસાઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે ટેક્નોલોજી અને ગ્રોથ શેર્સમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આર્થિક મંદીના ગભરાટમાં સેન્ટિમેન્ટ વણસ્યું છે. આવકની રીતે યુએસની ટોચની પાંચ ટેક્નોલોજી કંપનીઓએ ચાલુ વર્ષે તેમના માર્કેટ-કેપમાં 4 ટ્રિલિયન ડોલરનો ઘટાડો નોંધાવ્યો છે. વિશ્વમાં સૌથી મોટો ઓનલાઈન રિટેલરે ઈ-કોમર્સ ગ્રોથમાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે. વેચાણમાં ઘટાડા પાછળ કંપનીનો શેર લગભગ 50 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. વર્ષની શરૂઆતથી એમેઝોનના કો-ફાઉન્ડર જેફ બેઝોસની માર્કેટ વેલ્થ 109 અબજ ડોલર પરથી ગગડી 83 અબજ ડોલર પર આવી ગઈ છે.
ક્રૂડના સપ્લાય પાછળ રશિયા ભારતનો પાંચમો સૌથી મોટો નિકાસકાર બન્યો
નાણાકિય વર્ષ 2022-23ના પ્રથમ છ મહિના દરમિયાન રશિયામાંથી ભારતના આયાત બાસ્કેટમાં ક્રૂડ અને પેટ્રોલિયમ પ્રોટક્ટ્સનું પ્રભુત્વ જોવા મળ્યું છે. જેની પાછળ તે દેશનો પાંચમો સૌથી મોટો નિકાસકાર બન્યો છે. ભારતે પ્રથમ છ મહિના દરમિયાન રશિયા ખાતેથી 14 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું. જે કુલ આયાતનો 15.62 ટકા હિસ્સો હતો. ગયા વર્ષે સમાનગાળામાં રશિયા ખાતેથી 2 ટકાથી નીચી ક્રૂડ આયાત જોવા મળી હતી. એપ્રિલથી સપ્ટેમ્બર 2022 દરમિયાન રશિયાની ભારતમાં નિકાસ 410 ટકા ઉછળી 21.34 અબજ ડોલર પર જોવા મળી છે. જ્યારે ભારતની રશિયામાં નિકાસ 18.8 ટકા ગગડી 1.3 અબજ ડોલર પર રહી છે. જેને કારણે બંને દેશો વચ્ચે 20 અબજ ડોલરનો ટ્રેડ ગેપ ઊભો થયો છે. રૂપી ટ્રેડ મિકેનિઝમની સફળતાને જોતાં રશિયા ખાતે ભારતમાંથી નિકાસ વૃદ્ધિ માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ઊંચી ટ્રેડ ડેફિસિટને કારણે રશિયા પાસે જંગી માત્રામાં રૂપિ સરપ્લસ ઊભું થશે વર્તુળો જણાવે છે. રશિયા ભારતમાંથી ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનીયરીંગ ગુડ્ઝ જેવી આઈટમ્સને આયાત કરવા માટે વિચારી રહ્યું છે.
ડોલર સામે રૂપિયો 30 પૈસા ગગડ્યો
ઈક્વિટી માર્કેટમાં નરમાઈ વચ્ચે વૈશ્વિક ડોલરમાં મજબૂતી પાછળ ગુરુવારે ડોલર સામે રૂપિયો 30 પૈસા ગગડ્યો હતો. લગભગ ચાર દિવસોથી મજબૂતી દર્શાવ્યાં બાદ રૂપિયો ઘસાયો હતો. મંગળવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 81.61ની સપાટી પર ખૂલી સુધરી 81.54 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી ઘટી 81.92 પર જોવા મળ્યો હતો. આખરે કામકાજની આખરમાં 81.77ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે તેણે 81.47ની સપાટીએ બંધ દર્શાવ્યું હતું.
ટોરેન્ટ પાવરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 485 કરોડનો નફો દર્શાવ્યો
ટોરેન્ટ જૂથની એનર્જી કંપની ટોરેન્ટ પાવરે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂ. 485 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 367 કરોડની સરખામણીમાં 32 ટકા વૃદ્ધિ દર્શાવો હતો. કંપનીની આવક પણ ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 3648 કરોડ પરથી 84 ટકા ઉછળી રૂ. 6703 કરોડ પર રહી હતી. જ્યારે તેનો એબિટા રૂ. 974 કરોડ સામે વધી 29 ટકા વધી રૂ. 1258 કરોડ પર રહ્યો હતો. જો પ્રથમ છ મહિનાના દેખાવ પર નજર નાખીએ તો કંપનીની આવક રૂ. 13213 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6747 કરોડ સામે 96 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે કંપનીનો એબિટા છ માસિક ધોરણે રૂ. 2427 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 1739 કરોડ સામે 40 ટકા ઊંચો હતો. કંપનીનો નેટ પ્રોફિટ ગયા વર્ષે પ્રથમ છ મહિનામાં રૂ. 576 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 72 ટકા ઉછળી રૂ. 988 કરોડ પર રહ્યો હતો. કંપનીના નફામાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં ટીએન્ડડી લોસમાં ઘટાડાને કારણે ફ્રેન્ચાઈડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં વૃદ્ધિ તથા લાયસન્સ્ડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસિસના દેખાવમાં સુધારો હતું. સીએનજી ટ્રેડિંગમાંથી નેટ ગેઈન તથા ઈલેક્ટ્રિસિટી માગમાં વૃદ્ધિને કારણે પણ લાભ થયો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
નારાયણા હ્દયાલયઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 169 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 169 કરોડની સરખામણીમાં 70 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 941 કરોડ સામે 21 ટકા ઉછળી રૂ. 1142 કરોડ રહી હતી.
આઈડીટી સિમેન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 20 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15 કરોડની સરખામણીમાં 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 811 કરોડ સામે 28 ટકા ઉછળી રૂ. 1935 કરોડ રહી હતી.
ટીમલીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 32 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 49 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની રેવન્યૂ રૂ. 1524 કરોડ સામે 28 ટકા ઉછળી રૂ. 1955 કરોડ રહી હતી.
જીપીપીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 72 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 46 કરોડની સરખામણીમાં 58 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 195 કરોડ સામે 17 ટકા ઉછળી રૂ. 227 કરોડ રહી હતી.
બીએલએસ ઈન્ટરનેશનલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 51 કરોડનો નફો દર્શાવ્યો છે. જ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.46 કરોડની સરખામણીમાં 86 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક રૂ. 190.4 કરોડ પરથી 87 ટકા ઉછળી રૂ. 357 કરોડ રહી હતી. કંપનીનો એબિટા રૂ. 57 કરોડ જોવા મળ્યો હતો.
લિંકન ફાર્માઃ ફાર્માસ્યુટિકલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 23.74 કરોડનો નફો દર્શાવ્યો છે. જે જૂન ક્વાર્ટરમાં નોંધાવેલા રૂ. 15.04 કરોડની સરખામણીમાં 58 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ જૂન ક્વાર્ટરની રૂ. 130 કરોડની સરખામણીમાં 13 ટકા વધી રૂ. 146.30 કરોડ પર રહી હતી. કંપનીના બોર્ડે શેરદીઠ રૂ. 1.5ના ડિવિડન્ડ માટે મંજૂરી આપી હતી.
હેસ્ટર બાયોસાયન્સિસઃ એનિમલ હેલ્થકેર કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 10.35 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જ્યારે કંપનીની આવક ગયા વર્ષની રૂ. 56.6 કરોડ સામે 27 ટકા વધી રૂ. 72 કરોડ રહી હતી. તેની ઈપીએસ રૂ. 12.16 પર જોવા મળી હતી. કંપનીની વેક્સિનમાં 24 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ હતી.
પ્રિકોલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15 કરોડની સરખામણીમાં 224 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 409 કરોડ સામે 26 ટકા ઉછળી રૂ. 516 કરોડ રહી હતી.
ગેલેક્સિ સર્ફેક્ટન્ટ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 132 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 71 કરોડની સરખામણીમાં 86 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 877 કરોડ સામે 40 ટકા ઉછળી રૂ. 1232 કરોડ રહી હતી.
આયોન એક્સચેન્જઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 34 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30 કરોડની સરખામણીમાં 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 161 કરોડ સામે 5.4 ટકા ઉછળી રૂ. 169 કરોડ રહી હતી.
એચએલઈ ગ્લાસઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13 કરોડની સરખામણીમાં 49 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 124 કરોડ સામે 73 ટકા ઉછળી રૂ. 215 કરોડ રહી હતી.
બેયર ક્રોપઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 238 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 222 કરોડની સરખામણીમાં 7.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 1365 કરોડ સામે 6.4 ટકા ઉછળી રૂ. 1452 કરોડ રહી હતી.
એનડીટીવીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 12 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12 કરોડની સરખામણીમાં ફ્લેટ જોવા મળ્યો છે. કંપનીની રેવન્યૂ રૂ. 91 કરોડ સામે 16 ટકા ઉછળી રૂ. 106 કરોડ રહી હતી.
તાલબ્રોસ ઓટોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ રૂ. 88 કરોડ સામે 33 ટકા ઉછળી રૂ. 117 કરોડ રહી હતી.
Market Summary 10 November 2022
November 10, 2022