માર્કેટ સમરી
ભારતીય બજારનું સતત ત્રીજા દિવસે આઉટપર્ફોર્મન્સ
વૈશ્વિક બજારોમાંથી મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય બજારે ચડિયાતો દેખાવ દર્શાવ્યો હતો. નિફ્ટી 0.51 ટકા સુધરી 15175ની સપાટી પર બંધ રહ્યો હતો. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. આઈટી અને ફાર્મા કંપનીઓએ બજારને મુખ્ય સપોર્ટ કર્યો હતો. બપોરે યુરોપ બજારોમાં પોઝીટીવ ઓપનીંગે સ્થાનિક બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. જોકે બજાર 15200ને પાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
આઈટી શેર્સમાં ઓચિંતી ખરીદી પાછળ ભાવ 6 ટકા સુધી ઉછળ્યાં
માઈન્ડટ્રી જેવી કંપનીઓના શેર્સ તેમની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યાં
આઈટી કંપનીઓના શેર્સમાં બુધવારે ભારે લેવાલી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી સાઈડલાઈન જોવા મળતાં ક્ષેત્રે ઓચિંતી ખરીદી નીકળી હતી અને અગ્રણી કંપનીઓ શેર્સ 6 ટકા જેટલાં ઉછળ્યાં હતાં. જેમાં કેટલીક કંપનીઓ શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.7 ટકા ઉછળી સેક્ટરલ ઈન્ડાઈસીસમાં સૌથી વધુ ઉછાળો દર્શાવતો હતો. છેલ્લા એક સપ્તાહમાં તે એક ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.
માર્કેટમાં લગભગ એકાદ મહિનનાથી ડિફેન્સિવ ક્ષેત્રે મોટી હલચલનો અભાવ જોવા મળતો હતો. બજેટ બાદ સાઈક્લિકલ ક્ષેત્રોમાં જ રોકાણકારોનું આકર્ષણ ઊંચું જોવા મળતું હતું. જેને કારણે આઈટી કાઉન્ટર્સમાં વોલ્યુમ પણ ખાસ્સા ઘટી ગયા હતા. જોકે બુધવારે સવારથી જ આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી અને દિવસ દરમિયાન તે જળવાય રહી હતી. જેમાં એલએન્ડટી ઈન્ફોટેકનો શેર 6 ટકા ઉછળી ફરી રૂ. 4100ની સપાટી કૂદાવી ગયો હતો. કાઉન્ટરમાં એવરેજ કામકાજ કરતાં ખૂબ ઊંચા કામકાજ જોવા મળ્યાં હતાં. કોફોર્જનો શેર 6 ટકા ઉછળી રૂ. 2734ની સપાટી પર બંધ રહ્યો હતો. એક અન્ય મીડ-કેપ કંપની માઈન્ડટ્રીનો શેર રૂ. 1902ની સર્વોચ્ચ સપાટી દર્શાવી રૂ. 1892 પર બંધ રહ્યો હતો. તેણે પણ 5 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. એમ્ફેસિસનો શેર 3.4 ટકા ઉછળ્યો હતો. કંપનીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતાં બ્લેકસ્ટોને વેલ્યૂએશન્સના મુદ્દે તેના હિસ્સા વેચાણને મુલત્વી રાખવાને કારણે પણ કંપનીના શેરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હોય તેવું બને. આ સિવાય ટેક મહિન્દ્રાનો શેર નોંધપાત્ર સમય બાદ રૂ. 1000ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. કંપનીનો શેર 2 ટકા સુધારો દર્શાવતો હતો. અન્ય લાર્જ-કેપ કાઉટર્સમાં વિપ્રો(2 ટકા), ઈન્ફોસિસ(1.7 ટકા), એચસીએલ ટેક(1.6 ટકા), ટીસીએસ(0.7 ટકા) અને ઈન્ફો એજ(0.2 ટકા) સુધારે બંધ રહ્યાં હતાં.
મેઘમણિ ઓર્ગેનિક્સ, બોદાલ કેમિ.ના શેર્સ નવી ટોચ પર
અમદાવાદ સ્થિત સ્પેશ્યાલિટી કેમિકલ્સ કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેમાં મેઘમણિ ઓર્ગેનિક્સનો શેર બુધવારે 11 ટકા ઉછળી રૂ. 93.15ની સપાટી બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન શેરે રૂ. 94.30ની બે વર્ષની ટોચ દર્શાવી હતી. એક અન્ય સ્થાનિક કંપની બોદાલ કેમિકલનો શેર પણ રૂ. 94.75ની ટોચ બનાવી 2 ટકાના સુધારે રૂ. 91 પર બંધ રહ્યો હતો. બંને કંપનીઓના શેર્સમાં ઊંચું વોલ્યુમ જોવા મળ્યું હતું.
ADAG જૂથના શેર્સમાં ઉપલી સર્કિટ્સ
અનિલ અંબાણી જૂથની કંપનીઓના શેર્સ બુધવારે ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેમાં રિલાયન્સ ઈન્ફ્રા.નો શેર 10 ટકા ઉછળી રૂ. 39.15ના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે પણ કંપનીના શેરમાં 10 ટકા ઉપલી સર્કિટ જોવા મળી હતી. જૂથની પાવર કંપની આરપાવરનો શેર બીએસઈ ખાતે રૂ. 5.41ની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. તેણે વાર્ષિક ટોચ દર્શાવી હતી. રિલાયન્સ કેપિટલનો શેર પણ 10 ટકા ઉછળી રૂ. 12.75 પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે રિલાયન્સ નાવલ પણ રૂ. 3.65ની ઉપલી સર્કિટના ભાવે બંધ રહ્યો હતો. જૂથની મોટાભાગની કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો ખૂબ નાનો રહી ગયો છે. જ્યારે મોટાભાગના શેર્સ પબ્લિક પાસે જોવા મળે છે.
જેકે સિમેન્ટના શેરે રૂ. 3000ની સપાટી કૂદાવી
સિમેન્ટ કંપનીઓમાં જેકે સિમેન્ટનો શેર તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર સતત ધીમી ગતિએ સુધરી રહ્યો છે. બુધવારે તેણે અગાઉના 2886ના બંધ સામે રૂ. 150ના ઉછાળે રૂ. 3025ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જોકે પાછળથી પ્રોફિટ બુકિંગ પાછળ તે સાધારણ સુધારે રૂ. 2900 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 22400 કરોડની સપાટી વટાવી ગયું હતું. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 800ના તળિયાથી લગભગ પોણા ચાર ગણો સુધારો દર્શાવી રહ્યો છે.
સોનું-ચાંદી સહિત બેઝ મેટલ્સમાં નરમાઈ
કિંમતી ધાતુમાં મંગળવારે એક દિવસ માટે સુધારા બાદ ફરી નરમાઈ જોવા મળી હતી. બુધવારે એમસીએક્સ ખાતે બુલિયન સહિત બેઝ મેટલ્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેમાં સિલ્વર વાયદો રૂ. 418ના ઘટાડે રૂ. 67062 પર જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 124ના ઘટાડે રૂ. 44733 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં લેડ 2 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ઝીંક અને એલ્યુમિનિયમ પણ નરમ ટ્રેડ દર્શાવતાં હતાં. ક્રૂડ ઓઈલ ફ્લેટ ટ્રેડ થતું હતું.