Categories: Market Tips

Market Summary 10/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

RBI હોકિશ જણાતાં માર્કેટમાં મંદીવાળાઓ ફાવ્યાં
જોકે નિફ્ટી 19500 પર ટકવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા વધી 11.40ના સ્તરે
બેંકિંગ, એફએમસીજી, ફાર્મા પર દબાણ
મેટલ, મિડિયામાં મજબૂતી
ઝી એન્ટર., ટ્રેન્ટ, મેક્સ ફાઈ., બ્રિગેડ એન્ટર. નવી ટોચે

ભારતીય શેરબજારમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ જોવા મળી રહ્યાં છે. બુધવારે મજબૂત બંધ દર્શાવનાર બજારની મજા ગુરુવારે આરબીઆઈના હોકિશ વલણે બગાડી હતી. બીએસઈ સેન્સેક્સ 307.63 પોઈન્ટ્સ ગગડી 65,688.18ની સપાટીએ જ્યારે નિફ્ટી 89.45 પોઈન્ટ્સ ગગડી 19,543.10ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ઘટાડા પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3741 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1917 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1680 કાઉન્ટર પોઝીટીવ જોવા મળતાં હતાં. 248 કાઉન્ટર વાર્ષિક ટોચ પર જ્યારે 28 કાઉન્ટરે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 11 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સે લોઅર સર્કિટમાં બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા વધી 11.40ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે રાતે યુએસ બજારોમાં નરમાઈ પાછળ ગુરુવારે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં પછી શરૂઆતી સમયગાળામાં ફ્લેટ ટ્રેડ જાળવ્યો હતો. જોકે, બજાર ખૂલ્યાંના એક કલાક પછી આરબીઆઈ તરફથી રેટને સ્થિર જાળવી રાખવા સાથે ભવિષ્યમાં જરૂર પડે તો એકોમોડેટિવ વલણ પરત ખેંચવાની વાત કરાતાં બેંક શેર્સ પાછળ માર્કેટ્સ ઝડપથી ઘટ્યું હતું અને સમગ્ર સત્ર દરમિયાન નેગેટિવ ઝોનમાં જ જળવાયું હતું. જોકે, બેન્ચમાર્ક નિફ્ટી 19495ના તળિયેથી સાધારણ બાઉન્સ દર્શાવવા સાથે 19500ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19599 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 60 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં કોઈ ખાસ લિક્વિડેશન જોવા નથી મળ્યું. જોકે, બજારનો અન્ટરટોન નરમ પડ્યો છે. ખાસ કરીને બેંકિંગ સેક્ટરમાં નરમાઈને જોતાં બજારમાં સાવચેતી દાખવવી જોઈએ. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19300ના સ્ટોપલોસના ચુસ્ત પાલન માટે જણાવે છે. આ સપાટી તૂટે તો માર્કેટમાં શોર્ટ ટર્મમાં વધુ ઘટાડો સંભવ છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, ટાઈટન કંપની, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, ડિવિઝ લેબ્સ અને વિપ્રોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, બ્રિટાનિયા, એપોલો હોસ્પિટલ, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ લાઈફ, એક્સિસ બેંક, નેસ્લે, ભારતી એરટેલ અને યૂપીએલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો બેંકિંગ, એફએમસીજી, ફાર્મા પર દબાણ જોવા મળ્યું હતું. જ્યારે મેટલ, મિડિયામાં મજબૂતી જળવાય હતી. નિફ્ટી બેંક 0.7 ટકા ગગડી બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, બંધન બેંક, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પીએનબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ લગભગ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં જ્યુબિલિઅન્ય ફૂડ, આઈટીસી, મેરિકો, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર, નેસ્લે, યુનાઈટેડ બ્રૂઅરિઝ, એચયૂએલ, વરુણ બેવરેજિસમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા પણ પોણો ટકા નરમાઈ સૂચવતો હતો. જેમાં બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, સિપ્લામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો પણ નરમાઈ સૂચવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી મેટલ 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી મિડિયા 6.6 ટકા ઉછળ્યો હતો. જેમાં મુખ્ય સપોર્ટ ઝી એન્ટરટેઈનમેન્ટમાં 17 ટકા ઉછાળાને કારણે સાંપડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો 17 ટકા સાથે ઝી એન્ટર. સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત મેક્સ ફાઈનાન્સિયલ, ટ્રેન્ટ, ઈન્ડિયા સિમેન્ટ્સ, સન ટીવી નેટવર્ક, મણ્ણાપુરમ ફાઈ., પેજ ઈન્ડસ્ટ્રીઝ, કેન ફીન હોમ્સ, એચડીએફસી એએમસી, જીએમઆર એરપોર્ટ્સ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, મહાનગર ગેસ, પિડિલાઈટ ઈન્ડ., બાયોકોન, બાટા ઈન્ડિયા, મધરસન અને લૌરસ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઝી એન્ટર., ટ્રેન્ટ, મેક્સ ફાઈ., બ્રિગેડ એન્ટર., ઝેનસાર ટેક, એફડીસી, પ્રિન્સ પાઈપ્સ, મણ્ણાપુરમ ફાઈ., મોતીલાલ ઓસ્વાલનો સમાવેશ થતો હતો.

બ્લેકસ્ટોને સિપ્લા પર નિયંત્રણ માટે નોન-બાઈન્ડિંગ બીડ રજૂ કર્યું
પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટે તેના લિમિટેડ પાર્ટનર્સ સાથે મળી પ્રમોટર્સ હમીદ પરિવારના હિસ્સા માટે કરેલું બીડ

વિશ્વમાં સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી કંપની બ્લેકસ્ટોને ટોચની ફાર્મા કંપની સિપ્લામાં પ્રમોટર હમીદ પરિવાર પાસેથી હિસ્સો ખરીદી કંપની પર અંકુશ માટે નોન-બાઈન્ડિંગ બીડ રજૂ કર્યું હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે. કંપનીએ તેના LPs(લિમિટેડ પાર્ટનર્સ) સાથે મળી આ ડિલ સબમિટ કર્યું છે. બ્લેકસ્ટોને તાજેતરમાં 1 ટ્રિલિયન ડોલરના એસેટ અન્ડર મેનેજમેન્ટનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. પ્રાઈવેટ ઈક્વિટી કંપનીને મૂડી માટે પ્રતિબધ્ધતા દર્શાવતાં રોકાણકારોને એલપી કહેવામાં આવે છે. જેમાં પેન્શન ફંડ્સ, સંસ્થાકિય રોકાણકારો અને ધનવાન વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે. આ બીડ માટે બ્લેકસ્ટો એકમાત્ર ઉમેદવાર છે કે કેમ તે અંગે ખાતરી નહોતી થઈ શકી.
અગાઉ માધ્યમોના અહેવાલ મુજબ સિપ્લાના પ્રમોટર્સ તેમના હિસ્સા વેચાણ માટે પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ બ્લેકસ્ટોન અને BPRA EQT સાથે મંત્રણા ચલાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. 1935માં સ્થાપિત સિપ્લાના પ્રમોટર તેમના સક્સેશન પ્લાનીંગના ભાગરૂપે આ શોધ ચલાવી રહ્યાં છે. જો આ ડીલ સંભવ બનશે તો ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે તે સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ટ્રાન્ઝેક્શન હશે. ગુરુવારે સિપ્લાનો શેર અડધા ટકા ઘટાડા સાથે રૂ. 1,258.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.02 લાખ કરોડ પર જોવા મળતું હતું. સિપ્લાને શેર છેલ્લાં એક મહિનામાં લગભગ 25 ટકા જેટલો ઉછળી ચૂક્યો છે. કંપનીમાં હમીદ પરિવારના 33.47 ટકા હિસ્સાનું મૂલ્ય રૂ. 34,205 કરોડ જેટલું થાય છે. જોકે, એકવાર પ્રમોટર્સ પાસેથી હિસ્સો ખરીદ્યાં પછી ઓપન ઓફર ડીલ સાઈઝને વધુ મોટી બનાવશે. ખૂબ જ નજીકના વર્તુળે જણાવ્યું હતું કે બ્લેકસ્ટોને નોન-બાઈન્ડિંગ બીડ રજૂ કર્યું છે. પીઈ કંપનીએ ભૂતકાળમાં કેટલાંક ડિલમાં મહત્તમ નફો રળ્યો છે અને તે ભારતમાં મોટા પ્રમાણમાં મૂડી ફાળવી રહી છે.

ટોરેન્ટ પાવરે રૂ. 534 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો

અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ પાવરે જૂન ક્વાર્ટરમાં રૂ. 534 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાં રૂ. 503 કરોડ પર જોવા મળતો હતો. આમ 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા પણ ગયા વર્ષના રૂ. 1169 કરોડ સામે 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1270 કરોડ પર રહ્યો હતો. જ્યારે કંપનીની આવક રૂ. 7,328 કરોડ પર જોવા મળી હતી.
કંપનીના નફામાં વૃદ્ધિ માટેના મુખ્ય કારણોમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ તરફથી મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વૃદ્ધિનો સમાવેશ થતો હતો. સુધારેલા દેખાવને કારણે લાયસન્સ્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તરફથી યોગદાનમાં વૃદ્ધિ, એલએનજીના ટ્રેડિંગમાં નીચા ચોખ્ખા લાભ, નીચા વિન્ડ પીએલએફને કારણે રિન્યૂએબલ બિઝનેસ તરફથી નીચા યોગદાન તથા ફાઈનાન્સ કોસ્ટ અને ઘસારા ખર્ચમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ટોરેન્ટ પાવર રૂ. 25,694 કરોડની ઈન્ટિગ્રેટેડ પાવર કંપની છે. જે સમગ્ર પાવર વેલ્યૂ ચેઈનમાં હાજરી ધરાવે છે. કંપની કુલ 4,281 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. જેમાં 2,730 મેગાવોટની ગેસ આધારિત ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1189 મેગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા અને 362 મેગાવોટ કોલ આધારિત ક્ષમતા સામેલ છે. હાલમાં કંપની 758 મેગાવોટના રિન્યૂએબલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. કંપની 40.3 લાખ ગ્રાહકોને લગભગ 28 અબજ યુનિટ્સ વીજ વિતરણ ધરાવે છે.

બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી 14-મહિનાની ટોચે જોવા મળી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની ચલણી નોટોને પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યાંને લગભગ ત્રણ મહિના થયાં છે ત્યારે દેશની બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી 14-મહિનાની ટોચ પર જોવા મળી છે. દેશમાં બેંક્સ તરફથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પાર્ક કરવામાં આવતી તેમની પાસેની વધારાની લિક્વિડિટીને સરપ્લસ લિક્વિડિટી તરીકે ગણાવવામાં આવે છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં તે પ્રતિ દિવસ રૂ. 2.48 લાખ કરોડ પર જોવા મળી છે. જે જૂન 2022 પછી સૌથી ઊંચી લિક્વિડિટી સૂચવે છે.
જુલાઈ આખર સુધીમાં આરબીઆઈએ લગભગ 88 ટકા જેટલી રૂ. 2000ની નોટ્સ સિસ્ટમમાં પરત આવી ચૂકી હોવાનું જણાવ્યું હતું. આમ આગામી સમયમાં વધુ 12 ટકા જેટલી નોટ સિસ્ટમમાં આવવાની બાકી છે. જેનાથી લિક્વિડિટીમાં કોઈ વિશેષ વૃદ્ધિની સંભાવના નહિ હોવાનું નિષ્ણાતો જણાવે છે.

બેંકોએ 10 ટકાનો ઈન્ક્રિમેન્ટલ CRR જાળવવો પડશેઃ RBI
રેગ્યુલેટરે રૂ. 2000ની ચલણી નોટોને પરત ખેંચ્યા પછી બેંકિંગ સિસ્ટમમાં અધિક લિક્વિડિટીને શોષવા લીધેલો નિર્ણય
આરબીઆઈની જોગવાઈને કારણે બજારમાંથી રૂ. 1.15 લાખ કરોડની લિક્વિડિટી દૂર થવાની શક્યતાં
અગાઉ નવેમ્બર 2016માં રિઝર્વ બેંકે NDTLમાં વૃદ્ધિ પર 100 ટકા ICRRની જાહેરાત કરી હતી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસીની જાહેરાતની સાથે સાથે બેંકોને 12 ઓગસ્ટથી 10 ટકા ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(ICRR) જાળવવા માટે જણાવ્યું છે. બેંક રેગ્યુલેટરે રૂ. 2000ની ચલણી નોટોને પરત ખેંચ્યા પછી બેંકિંગ સિસ્ટમમાં જોવા મળી રહેલી અધિક લિક્વિડિટીને શોષવા માટે આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ 19 મેના રોજ રૂ. 2000ની નોટને પરત ખેંચી હતી. જ્યારપછી બેંક્સ પાસે મોટા પ્રમાણમાં ડિપોઝીટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે 1 ઓગસ્ટના જણાવ્યા મુજબ 31 જુલાઈ સુધીમાં 88 ટકા જેટલી રૂ. 2000ની નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત કરવામાં આવી હતી. જેની પાછળ માર્કેટમાં ટૂંકાગાળામાં લિક્વિડિટીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી.
આરબીઆઈએ લીધેલું ICRR સંબંધી પગલું એક હંગામી ધોરણ માટે લેવામાં આવ્યું છે. જેનું કારણ બેંકિંગ સિસ્ટમમાં ડિપોઝીટ્સમાં ઝડપી વૃદ્ધિમાંથી કેટલીક લિક્વિડિટીને શોષવાનું છે. આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસના જણાવ્યા મુજબ સીઆરઆરમાં ટૂંકાગાળા માટે વૃદ્ધિનો નિર્ણય નાણાકિય તથા ભાવમાં સ્થિરતાના હેતુથી લેવામાં આવ્યો છે. સાથે બેંક્સ પાસે તેમની કામગીરી જાળવી રાખવા માટે પૂરતી લિક્વિડીટી પણ પ્રાપ્ય રહેશે. દાસના મતે લિક્વિડિટીમાં ઝડપી વૃદ્ધિને જોતાં ઈન્ક્રિમેન્ટલ સીઆરઆર જરૂરી જણાયો હતો. અમે તેને ફાઈનાન્સિયલ અને પ્રાઈસ સ્ટેબિલિટી માટે જરૂરી માની રહ્યાં છીએ. તેની ઈન્ફ્લેશન પર પણ પોઝીટીવ અસર જોવા મળશે. આ એક સંપૂર્ણપણે હંગામી ધોરણ માટે લેવામાં આવેલું પગલું છે તેવી સ્પષ્ટતા પણ દાસે કરી હતી. અગ્રણી પીએસયૂ બેંક બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીના મતે ICRRને હંગામી ધોરણ માટે રજૂ કરવામાં આવ્યો છે તેમ છતાં તે બેંક્સના રિસોર્સિસને સંકોચવાનું કામ કરશે અને તેની માર્કેટ રેટ્સ પર વૃદ્ધિના સ્વરૂપમાં અસર પડશે. એક અન્ય અર્થશાસ્ત્રીના મતે આઈસીઆરઆરને કારણે બજારમાં તત્કાળ લિક્વિડીટીમાં ઘટાડો કરવામાં સહાયતા મળશે. તેમના મતે આરબીઆઈની જોગવાઈને કારણે બજારમાંથી રૂ. 1.15 લાખ કરોડની લિક્વિડિટી પર અસર થશે. તેમના મતે આરબીઆઈની જાહેરાત પછી અસરકારક સીઆરઆર 14.5 ટકા(4.5%+10%)નો જોવા મળશે. જોકે, સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આરબીઆઈએ વર્તમાન સીઆરઆરનો ICRRમાં સમાવેશ થાય છે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. જો, 10 ટકા આઈસીઆરઆરમાં વર્તમાન 4.5 ટકા સીઆરઆર જોગવાઈનો સમાવેશ થતો હોય તો બજારમાંથી રૂ. 65000 કરોડની લિક્વિડીટીની અસર જ જોવા મળશે એમ તેઓ ઉમેરે છે.
અગાઉ નવેમ્બર 2016માં રિઝર્વ બેંકે શેડ્યુલ્ડ બેંક્સના નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયેબિલિટી(NDTL)માં વૃદ્ધિ પર 100 ટકા ICRRની જાહેરાત કરી હતી. તે વખતે બેંક તરફથી રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટ્સને પરત ખેંચવાના કારણે સિસ્ટમમાં લિક્વિડીટીની વૃદ્ધિને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું હતું.

બેંક્સ ફ્લોટિંગ રેટ્સ પર ઈન્ટરેસ્ટનું મૂલ્યાંકન કરશેઃ દાસ
આરબીઆઈ ચેરમેન શશીકાંત દાસે જણાવ્યું હતું કે બેંક્સ તેમજ અન્ય નાણાકિય સંસ્થાઓ ફ્લોટિંગ રેટ્સ પર ઈન્ટરેસ્ટ નિર્ધારિત કરશે. સેન્ટ્રલ બેંક તરફથી ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ લોન્સ પર ઈન્ટરેસ્ટ રેટ્સને પુનઃ નિર્ધારિત કરવાની રૂપરેખા રજૂ કરવાના પ્રસ્તાવ પાછળ આમ જોવા મળી રહ્યું છે. આરબીઆ ચેરમેને ગુરુવારે મોનેટરી પોલિસી કમિટીની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વ્યક્તિગત બેંક્સ બોરોઅર્સની પેમેન્ટ કેપેસિટી અને એજ ફેક્ટર(વય પરિબળ)નું મૂલ્યાંકન કરશે. રૂપરેખા એક બહોળુ ચિત્ર પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

NCLTએ ઝી એન્ટર.ના સોની ઈન્ડિયા સાથેના મર્જરને મંજૂરી આપી
ઝી અને સોની ઈન્ડિયાએ ડિસેમ્બર 2021માં તેમના બિઝનેસિસને જોડવા માટે કરાર કર્યો હતો
ડીલનો 10 અબજ ડોલરની ભારતીય મિડિયા જાયન્ટ ઊભી કરવાનો હેતુ
પોણા બે વર્ષ અગાઉ જાહેર કરવામાં આવેલા ડિલ સમક્ષ આવેલા અનેક અવરોધો

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(NCLT)એ ગુરુવારે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસના સોની ઈન્ડિયા સાથેના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી હતી. અગાઉ 10 જુલાઈએ એનસીએલટીએ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ અને કલ્વેર મેક્સ એન્ટરટેઈનમેન્ટ(અગાઉની સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા) વચ્ચેના મર્જર અંગેનો નિર્ણય અનામત રાખ્યો હતો. બે મિડિયા કંપનીઓના મેગા મર્જર માટે એનસીએલટીની મંજૂરી ચાવીરૂપ રેગ્યુલેટરી એપ્રૂવલ હતી. જેણે દેશમાં 10-અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી મિડિયા જાયન્ટ બનાવવા માટેનો માર્ગ મોકલો કર્યો છે. બંને કંપનીઓ વચ્ચે ડિસેમ્બર 2021માં આ ડિલ અંગે સહમતિ સધાઈ હતી. જોકે, અનેક અડચણોને કારણે ડિલ વિલંબમાં પડ્યું હતું.
શરૂઆતમાં ઝીના ફાઉન્ડર્સ અને શેરધારકો વચ્ચે કોર્ટમાં જંગ જોવા મળ્યો હતો. જેને કારણે ડિલ પાછું ઠેલાયું હતું. જ્યારપછી ઝી સામે લેન્ડર્સ તરફથી ફાઈલ કરવામાં આવેલા ઈન્સોલ્વન્સી કેસને કારણે અડચણ ઊભી થઈ હતી. જેને ફેબ્રુઆરીમાં અટકાવવામાં આવ્યો હતો. ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સે તેમના બિઝનેસિસને એક કરવાનો નિર્ણય લીધાં પછી એનએસઈ, બીએસઈ અને અન્ય રેગ્યુલેટર્સ જેમકે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને સેબીની મંજૂરી મેળવ્યાં પછી એનસીએલટીનો સંપર્ક કર્યો હતો. ગયા મહિને એનસીએલટીની મુંબઈ બેંચે કેટલાંક ક્રેડિટર્સ તરફથી દલીલો સાંભળીને મર્જર અંગે નિર્ણય મુલત્વી રાખ્યો હતો. આવા ક્રેડિટર્સમાં એક્સિસ ફાઈનાન્સ, જેસી ફ્લાવર એસેટ રિકન્ટ્રક્શન કંપની, આઈડીબીઆઈ બેંક, આઈમેક્સ કોર્પ અને આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપનો સમાવેશ થતો હતો. ગયા મહિને ઝીના વકિલે જણાવ્યું હતું કે ઝી અને સોની વચ્ચેના સોદાને 99.97 ટકા શેરધારકો તરફથી મંજૂરી મળી છે. ઝીના કુલ શેરધારકોમાં 96.01 ટકા હિસ્સો પબ્લિક પાસે છે. જેમાંથી 70 ટકા પબ્લિક ઈન્સ્ટીટ્યુશન્સ પાસે છે. જ્યારે 25.88 ટકા નોન-ઈન્સ્ટીટ્યુશન્સ પાસે છે. પ્રમોટર્સ પાસે માત્ર 3.99 ટકા હિસ્સો જ રહેલો છે.

તાતા જૂથની એરલાઈન્સે રૂ. 15,532 કરોડની ખોટ દર્શાવી
2021-22માં રૂ. 13,838 કરોડની ખોટ સામે 2022-23માં ખોટમાં રૂ. 1700 કરોડની વૃદ્ધિ

તાતા જૂથની એરલાઈન્સ કંપનીઓએ ગયા નાણા વર્ષ 2022-23માં કુલ રૂ. 15,532 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું એમ તાતા સન્સનો વાર્ષિક અહેવાલ દર્શાવે છે. જે 2021-22માં નોંધાવેલી રૂ. 13,838 કરોડની ખોટ સામે 2022-23માં ખોટમાં રૂ. 1700 કરોડની વૃદ્ધિ સૂચવે છે. મહામારીને કારણે નિયંત્રણો દૂર થવાથી તમામ એરલાઈન્સ કંપનીઓએ તેમની આવકમાં જોકે વૃદ્ધિ દર્શાવી હતી. જોકે તેમનું કુલ નુકસાન ઊંચું જોવા મળ્યું હતું. જેનું મુખ્ય કારણ એર ઈન્ડિયા તરફથી હાલમાં કાર્યરત નથી એવા વિમાનો અને એન્જિન્સની સામે કરવામાં આવેલું રૂ. 5000 કરોડનું પ્રોવિઝનીંગ જવાબદાર હતું.
તાતા જૂથની કંપનીઓમાં એક માત્ર એર ઈન્ડિયા એક્સપ્રેસે ગયા વર્ષે રૂ. 116.84 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ એરલાઈન્સ એર ઈન્ડિયા, એરએશિયા ઈન્ડિયા અને વિસ્ટારાએ ખોટ દર્શાવી હતી. 2021-22માં રૂ. 73 કરોડની ખોટ દર્શાવનાર એઆઈ એક્સપ્રેસે સાત વર્ષોમાં પ્રથમવાર પ્રોફિટ નોંધાવ્યો હતો. તાતા સન્સે જાન્યુઆરી 2022માં એર ઈન્ડિયા અને તેની બે સબસિડિયરીઝને હસ્તગત કરી હતી.

ઘઉંના વધતાં ભાવને જોતાં સરકાર ઓપન માર્કેટમાં 50 લાખ ટન ઘઉં વેચશે
25 લાખ ટન ચોખાનું વેચાણ રૂ. 2900 પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ પ્રાઈસ પર થશે

સરકાર ઘઉંના વધતાં ભાવને અંકુશમાં રાખવા માટે ઓપન માર્કેટમાં 50 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. 28 જૂને ઓપન માર્કેટ સેલ સ્કિમ(ઓએમએસએસ) શરૂ થયાના 43 દિવસોમાં જ ઘઉંના વેચાણ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 118ની વૃદ્ધિ જોવા મળી છે. જેણે સરકારની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં ચોથા ઓએમએસએસ રાઉન્ડમાં તમામ જથ્થો વેચાઈ ચૂક્યો છે. આમ, મુક્ત બજારમાં ઘઉંની ઊંચી માગ જોવા મળી રહી છે.
સરકારે છેલ્લાં ચાર સાપ્તાહિક રાઉન્ડ્સમાં 4 લાખ ટન ઘઉઁનું વેચાણ કર્યું હોવા છતાં નવા રાઉન્ડમાં તેણે 50 લાખ ટન ઘઉંના વેચાણનો ઈરાદો જાહેર કર્યો છે. ખાદ્યાન્ન સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ સરકાર 50 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. જ્યારે 25 લાખ ટન ચોખાનું વેચાણ પણ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ ચોખા માટેના રિઝર્વ પ્રાઈસમાં રૂ. 2નો ઘટાડો કરી રૂ. 29 પ્રતિ કિગ્રા રાખવામાં આવશે. ઘઉં અને ચોખાના ભાવમાં તાજેતરમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉ ફાળવવામાં આવેલા 15 લાખ ટન ઘઉંમાંથી 8.21 લાખ ટન ઘઉંનું વેચાણ 28 જૂનથી 9 ઓગસ્ટ સુધીમાં થઈ ચૂક્યું છે. જ્યારે ઓએમએસએસ હેઠળ 5 લાખ ટન ચોખાના વેચાણમાંથી હજુ સુધી માત્ર 1995 ટનનું જ વેચાણ થયું છે. 28 જૂને ઘઉંની હરાજીમાં સરેરાશ વેચાણ ભાવ રૂ. 2136.36 પ્રતિ ક્વિન્ટલ હતો. જે 9 ઓગસ્ટે વધી રૂ. 2254.71 પર જોવા મળ્યો હતો. આમ તે 5.5 ટકા જેટલો વધ્યો હતો. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. જોકે, તેણે એક સરકારને એક સૂચનમાં હરાજી દરમિયાન એક બીડરને મહત્તમ 100 ટન જથ્થાની મર્યાદા બાંધવા માટે જણાવ્યું હતું. તેના કહેવા મુજબ ઘઉં પકવતાં નથી તેવા રાજ્યોમાં ઘઉંની પ્રાપ્તિ કઠિન બની છે અને તેથી સરકારે મહત્તમ જથ્થાની મર્યાદા બાંધવી જોઈએ.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા પાવરઃ તાતા જૂથની યુટિલિટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 972.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 794.6 કરોડની સરખામણીમાં 22.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 14,495.5 કરોડની આવક સામે 5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 15,213.3 કરોડની આવક દર્શાવી હતી.
જેબી કેમિકલઃ ફાર્મા કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 142 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 105 કરોડની સરખામણીમાં 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 785 કરોડની આવક સામે 14 ટકા વૃદ્ધિ સાથે રૂ. 896 કરોડની આવક દર્શાવી હતી.
બર્ગર પેઈન્ટ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 354.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 253.4 કરોડની સરખામણીમાં 39.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2759.7 કરોડની આવક સામે 9.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3039.5 કરોડની આવક દર્શાવી હતી.
નેટકો ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 420.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 320.4 કરોડની સરખામણીમાં 31.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 884.6 કરોડની આવક સામે 28.9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1140.5 કરોડની આવક દર્શાવી હતી.
હિન્દાલ્કોઃ એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાઇકલિંગ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરીંગ સાથે રેલ વેગન અને કોચના ડેવલપમેન્ટ તથા ઉત્પાદન માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. જે હેઠળ હિન્દાલ્કો તેની ખાસ એલ્યુમિનિયમ એલોય પ્રોફાઇલ્સ, શીટ્સ અને પ્લેટ્સ તેમજ ફેબ્રિકેશન અને વેલ્ડિંગ કુશળતા પૂરી પાડશે.
લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ જૂન ક્વાર્ટરમાં 27 ટકા વૃદ્ધિ સાથે રૂ. 19.01 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીની આવક 10.27 ટકા વધી રૂ. 143.31 કરોડ જોવા મળી હતી. જ્યારે એબિટા 21 ટકા વધી રૂ. 28.41 કરોડ રહ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 9.49 પર રહી હતી. કંપની વર્ષ 2026 સુધી રૂ. 750 કરોડની આવકનો ટાર્ગેટ ધરાવે છે.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 382.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 262 કરોડની સરખામણીમાં 46.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1543 કરોડની આવક સામે 23.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1910 કરોડની આવક દર્શાવી હતી.
મેક્સ ફાઈનાન્સિયલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 101 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 68 કરોડની સરખામણીમાં 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3272 કરોડની આવક સામે 200 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9168 કરોડની આવક દર્શાવી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

8 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

8 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

8 months ago

This website uses cookies.