બુલ્સ-બેર્સ વચ્ચે ઝપાઝપી વચ્ચે માર્કેટ કોન્સોલિડેશન મૂડમાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારને ગ્રીન ઝોનમાં ટકાવ્યું
મીડ-કેપ્સ, સ્મોલ-કેપ્સમાં વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.61 ટકા ગગડી 11.46ના સ્તરે
મેટલ, એનર્જી અને ઈન્ફ્રામાં મજબૂતી
આઈટી, એફએમસીજી, રિઅલ્ટી, ઓટોમાં નરમાઈ
મઝગાંવ ડોક, રુસ્તમજી, આઈઆઈએફએલ ફાઈનાન્સ નવી ટોચે
આરતી ઈન્ડ.માં નવું તળિયું
વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારમાં સ્થિરતા જળવાય હતી. નવા સપ્તાહના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક બેન્ચમાર્ક્સ બે બાજુની ઈન્ટ્રા-ડે વધ-ઘટ પછી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 63.72 પોઈન્ટ્સની મજબૂતી સાથે 65,344.17ની સપાટીએ જ્યારે એનએસઈ 24.10 પોઈન્ટ્સના સુધારે 19,355.90 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી જળવાય હતી. બેન્ચમાર્કમાં મજબૂતી હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ જળવાય હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં 50માંથી 34 નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3830 કાઉન્ટર્સમાંથી 2299 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1393 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. 226 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 59 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.61 ટકા ગગડી 11.46ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી 19331.80ના અગાઉના બંધ સામે 19400.35ની સપાટીએ ખૂલી ઉપરમાં 19435.95ની ટોચ બનાવી 19327ના તળિયેથી પરત ફર્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 69 પોઈન્ટ્સના પ્રિમીયમે 19425ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 60 પોઈન્ટ્સના પ્રિમિયમ સામે વૃદ્ધિ દર્શાવે છે. જે લોંગ પોઝીશનમાં ઉમેરો સૂચવે છે. જે બજાર હજુ પણ નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરે તેવો સંકેત છે. માર્કેટ એનાલિસ્ટ્સ જુલાઈ સિરિઝમાં બેન્ચમાર્ક્સમાં કોઈ મોટી વૃદ્ધિની શક્યતાં નથી જોઈ રહ્યાં. જોકે, શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ રિવર્સલના સંકેતો પણ નથી. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, સન ફાર્માનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટાઈટન કંપની, એચસીએલ ટેક્નોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટીસીએસ, એચયૂએલ, વિપ્રો, નેસ્લે, બીપીસીએલ અને એક્સિસ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સિસ પર નજર નાખીએ તો મેટલ, એનર્જી અને ઈન્ફ્રામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, એફએમસીજી, રિઅલ્ટી, ઓટોમાં નરમાઈ જળવાઈ હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.7 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેમાં મોઈલ, સેઈલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કોમાં સારી ખરીદી નીકળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી 0.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. બીજી બાજુ, આઈટી ઈન્ડેક્સ 1.24 ટકા તૂટ્યો હતો. જેમાં એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ,વિપ્રોમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી બેંક 0.14 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, સેલ, તાતા સ્ટીલ, એસ્કોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો ટાયર્સ, મેરિકો, ભારતી એરટેલ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, આરતી ઈન્ડ., ગ્લેનમાર્ક, દિપક નાઈટ્રેટ, ઈન્ડિયામાર્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કંપનીઓમાં મઝગાંવ ડોક, રુસ્તમજી, આઈઆઈએફએલ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે આરતી ઈન્ડ.માં નવું તળિયું જોવા મળ્યું હતું.
ફોક્સકોન વેદાંત સાથેના સેમીકંડક્ટર સાહસમાંથી બહાર
તાઈવાનના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને કોમોડિટી કંપની વેદાંત સાથેના સંયુક્ત સાહસમાંથી પોતે બહાર આવી ગયું હોવાનું જણાવ્યું છે. બંને કંપનીઓએ ભારતમાં સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સંયુક્ત સાહસની રચના કરી હતી.
ફોક્સકોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની હવે વેદાંતની સંપૂર્ણ માલિકીની બની ગયેલી કંપનીમાંથી ફોક્સકોનના નામને દૂર કરવા પર કામ કરી રહી છે. ફોક્સકોન અને વેદાંતે ગુજરાતમાં સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ્સ સ્થાપવા મટે 19.5 અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી. આ માટે તેમણે કંપની પણ બનાવી હતી. આ પ્લાન્ટ દેશમાં પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ બનવાનો હતો. જોકે, પ્રોજેક્ટ ખૂબ જ ધીમી પ્રગતિ દર્શાવી રહ્યો હતો. તેઓ યુરોપિયન ચીપમેકર એસટીમાઈક્રોઈલેટ્રોનિક્સને પાર્ટનર તરીકે લાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ઉપરાંત વેદાંત તરફથી ગયા વર્ષે ડિસ્ક્લોઝર્સે પણ કેટલીક ગૂંચવણો ઊભી કરી હતી. જોકે, પાછળથી તેણે સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે સેમીકંડક્ટર્સની ઉત્પાદક વેદાંત નહિ પરંતુ વોલ્કેન ઈન્વેસ્ટમન્ટ્સ રહેશે. ભારતીય માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગયા સપ્તાહે તપાસ પછી વેદાંતને આ માટે પેનલ્ટી પણ ફટકારી હતી. કેમકે શરુમાં બજારમાં એવી છાપ ઊભી થઈ હતી કે વેદાંતે ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે. ગયા શુક્રવારે વેદાંતે પણ જણાવ્યું હતું કે તે તાઈવાનની ફોક્સકોન સાથેના સંયુક્ત સાહસમાંનો ફોક્સકોનનો હિસ્સો ખરીદી લેઈ તેને ટેકઓવર કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક ટોચ બનાવી રૂ. 18 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
કંપનીનો શેર 3.85 અથવા રૂ. 101.45 ઉછળી રૂ. 2735.05ની સપાટીએ બંધ રહ્યો
અગાઉ 28 એપ્રિલ, 2022ના રોજ તેણે રૂ. 2790નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું
સોમવારે ભારતીય બજારને સપોર્ટ પૂરો પાડવામાં મુખ્ય યોગદાન આપ્યું
ભારતીય શેરબજારમાં સૌથી ઊંચું વેઈટેજ ધરાવતો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે તેની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો અને તેણે સવા વર્ષની ટોચ પર બંધ આપ્યું હતું. સોમવારે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 2756ની ટોચ દર્શાવી શેર કામકાજની આખરમાં 3.85 ટકા અથવા રૂ. 101.45ના સુધારે રૂ. 2735.05ની સપાટીએ બંધ રહ્યો હતો. તે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 18.50 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે બીજા ક્રમે આવતી ટીસીએસના રૂ. 11.97 લાખ કરોડા માર્કેટ-કેપ કરતાં રૂ. 6.5 લાખ કરોડથી ઊંચું જોવા મળતું હતું.
ગયા સપ્તાહાંતે રિલાયન્સ તરફથી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટના ડિમર્જર માટે 20 જુલાઈને રેકર્ડ ડેટ તરીકે જાહેર કરવામાં આવતાં સોમવારે કંપનીના શેરે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને જોતજોતામાં તે 5 ટકા આસપાસનો ઉછાળો દર્શાવી રહ્યો હતો. કંપનીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક શેર સામે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટનો એક શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીનું નામકરણ પાછળથી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ કરવામાં આવશે. કંપનીએ ભૂતપૂર્વ કેન્દ્રિય ફાઈનાન્સ સેક્રેટરી રાજીવ મહર્ષિની આરએસઆઈએલના બોર્ડ પર એડિશ્નલ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. ઉપરાંત પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓને પણ એડિશ્નલ ડિરેક્ટર બનાવ્યાં છે.
એનાલિસ્ટ્સ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(જેએફએસ)નું વેલ્યૂએશન રૂ. 90 હજાર કરોડથી રૂ. 1.5 લાખ કરોડની રેંજમાં જોઈ રહ્યાં છે. એટલેકે કંપનીનો શેર રૂ. 134-223ની રેંજમાં જોવા મળી શકે છે. મેક્વેરિના એક તાજા રિપોર્ટ મુજબ જેએફએસ નેટ વર્થની બાબતમાં પાંચમા ક્રમની ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની બનશે.
અદાણી-હિંડેનબર્ગ કેસમાં સેબીએ સુપ્રીમમાં 41-પાનાની એફિડેવિટ ફાઈલ કરી
સર્વોચ્ચ અદાલત મંગળવારે કેસની સુનાવણી કરશે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટમાં નવા ફાઈલીંગમાં 2019માં ઓફશોર ફંડ્સ તરફથી રિપોર્ટિંગના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારનો બચાવ કર્યો છે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે અદાણી-હિંડેનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 41-પાનાની એફિડેવિટ દાખલ કરી છે તેમજ સર્વોચ્ચ અદાલત પાસેથી યોગ્ય આદેશની માગણી કરી છે. સેબીએ એક્સપર્ટ કમિટિ અને પિટિશ્નર્સ તરફથી થયેલી ભલામણોને રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે આ કેસ પર સુનાવણી હાથ ધરશે.
અગાઉ સુપ્રીમે સેબીને અદાણી-હિંડેનબર્ગ મુદ્દે તપાસ પૂરી કરી તેનો રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીની મહેતલ આપી હતી. એક્સપર્ટ કમિટિએ જણાવ્યું હતું કે સિક્યૂરિટીઝ લોનો ભંગ તત્કાળ ઉપાય માગી રહ્યો છે. જેથી કરીને સિક્યૂરિટીઝ માર્કેટ પર નેગેટિવ અસરને મર્યાદિત બનાવી શકાય. કમિટીએ મજબૂત સેટલમેન્ટ પોલીસીની ભલામણ કરી હતી. સેબીએ તેના નવા ફાઈલીંગમાં 2019માં ઓફશોર ફંડ્સ તરફથી રિપોર્ટિંગના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારનો બચાવ કર્યો છે. તેણે દલીલમાં જણાવ્યું છે કે આ ફેરફારથી ઓફશોર ફંડ્સમાં આખરી લાભાન્વિત કોણ છે તે જાણવું કઠિન નથી બની રહ્યું. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિએ નિયમમાં ફેરફારને કારણે અદાણી જૂથ કંપનીઓમાં કહેવાતું રોકાણ ધરાવતાં ઓફશોર ફંડ્સના લાભાન્વિત કોણ છે તે શોધવું સેબી માટે કઠિન બની રહેશે તેમ નોંધ્યું હતું.
કોર્પોરેટ રાઉન્ડ અપ
એમએન્ડએમ ઈવી માટે રૂ. 5000 કરોડ ઊભા કરશે
અગ્રણી ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઈલેક્ટ્રિક વેહીકલ્સ યુનિટ પર ભાર આપી રહ્યું છે. તેના વિસ્તરણ માટે તે બ્રિટિશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ અને અન્ય વૈશ્વિક રોકાણકારો પાસેથી મળીને રૂ. 5000 કોરડ ઊભા કરવાની મંત્રણા યોજી રહ્યું છે. જો મંત્રણા સફળ રહેશે તો બ્રિટીશ ડેવલપમેન્ટ ફાઈનાન્સિઅર મહિન્દ્રા ઈલેક્ટ્રીક ઓટોમોબાઈલમાં બીજા રાઉન્ડનું રોકાણ કરશે એમ અહેવાલ જણાવે છે. કંપની આ વખતે અગાઉના રાઉન્ડ કરતાં 10-15 ટકા ઊંચા વેલ્યૂએશન સાથે રોકાણ કરે તેવી શક્યતાં છે. હાલમાં મહિન્દ્રાની ઈવી સબસિડિયરી બિઝનેસ 9.1 અબજ ડોલર એટલેકે રૂ. 70,070 કરોડનું વેલ્યૂએશન ધરાવે છે. બીઆઈઆઈએ મહિન્દ્રા ઈલેક્ટ્રિકમાં રૂ. 1925 કરોડના રોકાણ માટે કરાર કર્યો છે. કંપનીએ તેલંગાણામાં નવી ઉત્પાદન સુવિધા માટે રૂ. 10000 કરોડના કેપેક્સનું આયોજન કર્યું છે.
ઝી ચેરમેન, સીઈઓની અપીલને સેટે ફગાવી
સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે ઝી જૂથના ચેરમેન સુભાષ ચંદ્ર અને ઝીના એમડી અને સીઈઓ પુનિક ગોએન્કાની સેબીના આદેશ વિરુધ્ધ તેમણે કરેલી અપીલને ફગાવી દીધી છે. સેબીએ અગાઉ એક આદેશમાં ઉપરોક્ત બંને વ્યક્તિઓ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મેનેજરિઅલ હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને તેમણે સેટમાં પડકાર્યો હતો. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે ઉપરોક્ત બંને વ્યક્તિઓ સક્રિયપણે કંપનીના ફંડને ડાયવર્ટ કરતાં જોવા મળ્યાં હતાં. સેટે જણાવ્યું હતું કે સેબીના આદેશને અયોગ્ય ઠેરવવા માટે કોઈ કારણ જણાતું નથી. તેણે બંનેને સેબી સમક્ષ તેમનો બચાવ કરવા માટે પણ જણાવ્યું હતું. સેબીના આદેશને પગલે સોની સાથેના ઝીના ડીલ પર ફરી શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે.
બીએસઈએ 149માં સ્થાપના દિને નવા લોગો રજૂ કર્યો
એશીયાનું સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈએ સોમવારે તેના 149મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે નવો લોગો લોંચ કર્યો હતો. બીએસઈ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી ઉજવણીની શરૂઆત પરંપરાગત બેલ વગાડીને કરાઈ હતી. આ પ્રસંગે 150મા સ્થાપના દિનની પૂર્વતૈયારીના ભાગરૂપે બીએસઈએ તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. નવો લોગો સમૃદ્ધિ, વાઈબ્રન્સિ, વૃદ્ધિ અને નવી શરૂઆતની સાથોસાથ સતત વિશ્વાસ અને વધારાની જવાબદારીઓને પ્રદર્શિત કરે છે. નવા લોગોની રજૂઆત શ્રી એસ.એસ. મુદ્રા, ચેરમેન – બીએસઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે બીએસઈ અને આઈસીસીએલના બોર્ડ અને કમીટીના સભ્યો હાજર રહ્યાં હતાં.
ટેલિકોમ સેક્રેટરી રાજારમણની IFSCAના ચેરમેન તરીકે નિમણૂંક
તેઓ પદભાર સંભાળ્યાથી ત્રણ વર્ષ અથવા 65 વર્ષ સુધી હોદ્દો સંભાળશે
દેશમાં પ્રથમ અને એકમાત્ર IFCAનું આકર્ષણ વધે તે માટે સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે
ટેલિકોમ સચિવ કે રાજારમણ ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઓથોરિટી(IFSCA)ના નવા ચેરમેન બનશે એમ કેન્દ્રિય નાણ મંત્રાલયે જણાવ્યું છે. તેઓ જ્યારથી તેમનો નવો કાર્યભાર ગ્રહણ કરશે ત્યારથી ત્રણ વર્ષ માટે અથવા તો 65 વર્ષની વય સુધી આ હોદ્દો જાળવશે. ઉપરાંત સરકાર વધુ કોઈ આદેશ ના કરે ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે એમ નાણા મંત્રાલય હેઠશના આર્થિક બાબતોના વિભાગે એક આદેશમાં જણાવ્યું છે.
રાજારમણ 1989ના તમિલનાડુ બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ જુલાઈ 2020માં IFSCAના પ્રથમ ચેરમેન ઈન્જેતિ શ્રીનિવાસનું સ્થાન સંભાળશે. શ્રીનીવાસન જુલાઈ 2020થી ચેરમેનનું પદ સંભાળી રહ્યાં હતાં. IFSCA એ એક કાયકારિય સત્તામંડળ છે. જેની સ્થાપના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિજ સેન્ટર્સ ઓથોરિટી એક્સ 2019 હેઠળ કરવામાં આવી હતી. જેનું કાર્ય આઈએફએસસી ખાતે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ ડેવલપ કરવાનું તથા રેગ્યુલેટ કરવાનું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર(ગુજરાત ખાતે ગિફ્ટી સિટી) ખાતે વિદેશી બિઝનેસિસને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ માટે ફાઈનાન્સિયલ સર્વિસઝ ઉદ્યોગ ક્ષેત્રે વિવિધ ખેલાડીઓને કેટલાંક ઈન્સેન્ટિવ્સ પણ પૂરાં પાડવામાં આવ્યાં છે. જેથી વિદેશી બિઝનેસિસમાં આઈએફએસસીનું આકર્ષણ વધારી શકાય. હાલમાં, ગિફ્ટ સિટીએ ભારતનું પ્રથમ અને એકમાત્ર સક્રિય આઈએફએસસી છે.
આવકવેરા વિભાગનો પ્રતિ એસેસિંગ ઓફિસર 50 TDS વેરિફિકેશનનો ટાર્ગેટ
લક્ષ્યાંક હાંસલ કરવા આવકવેરા વિભાગે ટીડીએસ પેમેન્ટમાં નેગેટિ ટ્રેન્ડ્સ, માંદા એકમો સંબંધિત કેસિસ, વિલંબિત ટીડીએસ સ્ટેમેન્ટ ફાઈલીંગ જેવા 16 માપદંડો નિર્ધારિત કર્યાં છે
ચાલુ નાણા વર્ષ માટે સરકારે પ્રત્યક્ષ વેરાની વસૂલાત 10 ટકા વધારી રૂ. 18.23 લાખ નિર્ધારિત કરી છે
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રતિ એસેસિંગ ઓફિસર(AO) 50 જેટલા સર્વે અને ઓનલાઈન ટીડીએસ(ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ) વેરિફિકેશનનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. તેણે આવા કેસિસને હાથ ધરવા માટે 16 જેટલા માપદંડો પણ નિશ્ચિત કર્યાં છે. આવા માપદંડોમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં ગ્રોથ સામે ટીડીએસ પેમેન્ટમાં નેગેટિવ ગ્રોથ, માંદા એકમોના કેસિસ અથવા નેગેટિવ ઓપરેટિંગ માર્જિન્સ ધરાવતાં યુનિટ્સ, પેમેન્ટમાં નેગેટિવ ટ્રેન્ડ દર્શાવતાં કેસિસ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપાયો મહત્વના છે કેમકે સરકારે પ્રત્યક્ષ કરવેરા મારફતે 2023-24માં રૂ. 18.23 લાખ કરોડની વસૂલાતનો ટાર્ગેટ બાંધ્યો છે. જે 2022-23ની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
આઈટી વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કરવેરાની આવકમાં વૃદ્ધિ માટેના વિવિધ ઉપાયોમાં TDS મિકેનીઝમાં સતત સુધારણા પણ મહત્વની છે. સતત સુધારણાના ભાગરૂપે 2023-24 માટે સેન્ટ્રલ એક્શન પ્લાનમાં કેટલાંક પગલાંઓ સૂચવાયાં છે. જે મુજબ સર્વે અને ઓનલાઈ ટીડીએસ વેરિફિકેશન જેવા એન્ફોર્સમેન્ટ સંબંધી એક્શન તૈયાર કરવામાં આવ્યાં છે એમ તેઓ ઉમેરે છે.
આ ઉપરાંત પ્રતિ એસેસિંગ ઓફિસર(AO)ઓછામાં ઓછા 50 કેસિસ હાથ ધરવામાં આવશે. આ કેસિસ વિવિધ સ્રોતો મારફતે તૈયાર થયેલા રિપોર્ટ્સને આધારે પકડવામાં આવશે. જેમાં CPC(TDS) અથવા ઈન્વેસ્ટીગેશન ટીમ તરફથી પ્રાપ્ય વિગતોનો પણ સમાવેશ થતો હશે. અધિકારીના જણાવ્યા મુજબ કેસની પસંદગી માટે 16 જેટલા માપદંડોનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં કપાત થયાં પછી ટીડીએસ/ટીસીએસ જમા કરાવવામાં ના આવ્યો હોય, સમાન બિઝનેસમાં અન્ય ડિડક્ટર્સની સરખામણીમાં ટીડીએસમાં વિરોધાભાસ જોવા મળતો હોય, ટીડીએસ પેમેન્ટમાં નેગેટિવ ટ્રેન્ડ સૂચવતાં કેસિસ, ટેક્સ ઈવેઝન પિટિશન્સ, આદત મુજબ વિલંબથી ટીડીએસ સ્ટેટમેન્ટ ફાઈલર્સ અથવા નોન-ફાઈલર્સ અને એડવાન્સ ટેક્સ પેમેન્ટની સરખામણીમાં ટીડીએસ પેમેન્ટમાં નેગેટિવ ગ્રોથ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
અલ-નીનો અને વિલંબિત ચોમાસાની ગોલ્ડ માગ પર અસર પડી શકે
પીળી ધાતુની આયાત પર 18.5 ટકાની ઊંચી ડ્યૂટીને કારણે પણ ભાવ ઊંચા જોવા મળે છે
જોકે, છેલ્લાં 20 વર્ષોમાં હવામાનની પ્રતિકૂળતાઓ સાથે સરકારી સુપેરે કામ પારી પાડ્યું છે અને તેથી ચિંતાનું કારણ નથી
ગોલ્ડમાં ડિજીટલ સ્વરૂપમાં રોકાણ વૃદ્ધિ દર્શાવે છે પરંતુ હજુ તે દેશમાં કુલ માગની સરખામણીમાં ખૂબ નાનો હિસ્સો ધરાવે છે
દેશમાં ગોલ્ડની માગ પર માત્ર ઊંચી સરકારી ડ્યુટીને કારણે જ ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ નથી પરંતુ વિલંબિત ચોમાસુ અને અલ-નીનો જેવા પરિબળો પણ ભાગ ભજવી શકે છે. તહેવાની સિઝન શરૂ થવા જઈ રહી છે તેમ છતાં હજુ ગોલ્ડની માગમાં વૃદ્ધિ જોવા મળી નથી. જેનું કારણ ચોમાસાની નબળી શરૂઆત હોઈ શકે છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે.
કાઉન્સિલના પ્રાદેશિક સીઓ સોમસુંદરમ પીઆરના મતે હાલમાં સરકાર તરફથી વસૂલવામાં આવતી ઊંચી ઈમ્પોર્ટ ડ્યૂટીને કારણે દેશમાં સોનાના ભાવ ઊંચી જોવા મળી રહ્યાં છે. જોકે, પીળી ધાતુની માગમાં ઘટાડા પાછળ દેશમાં ચોમાસુ કેવુ રહે છે તે પણ મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં દેશમાં ગોલ્ડની આયાત પર 18.5 ટકા ડ્યુટી લાગુ પડે છે. આ ઉપરાંત ગોલ્ડના ભાવમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં ઊંચી તેજી જોવા મળી છે. કેલેન્ડર 2019થી લઈ 2022 સુધીના ચાર વર્ષોમાં ગોલ્ડના ભાવ લગભગ 100 ટકા જેટલાં વધી ચૂક્યાં છે. વૈશ્વિક બજારની સરખામણીમાં ભારતીય બજારમાં ગોલ્ડના ભાવમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. જેના બે મુખ્ય કારણોમાં યુએસ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘસારો તથા બીજી બાજુ સરકાર તરફથી આયાત ડ્યુટીમાં સમયાંતરે વૃદ્ધિનો સમાવેશ થાય છે.
જોકે, આમ છતાં દેશમાં ગોલ્ડને રોકાણ માટે સારુ સાધન માનવામાં આવે છે અને નવા રોકાણકારો બુલિયનને એસેટ તરીકે જોતાં થયાં છે. જોકે, છેલ્લાં ત્રણ વર્ષોમાં ઈક્વિટીમાં તેજી પાછળ નોંધપાત્ર ઈન્વેસ્ટેબલ સરપ્લસ શેરબજાર તરફ વળી છે. પરંપરાગત રીતે ગોલ્ડ પર રોકાણ પસંદગી ઉતારતાં ટિયર-થ્રી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઈક્વિટી કલ્ટ પ્રસરતાં ગોલ્ડની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી રહી નથી. જોકે, સરકાર તરફથી ગોલ્ડની ખરીદી માટે પૂરતાં ડોલર ફાળવવામાં આવ્યાં છે અને તેથી દેશમાં 2022 જેવા ફોરેક્સમાં ઘટાડાના વર્ષ દરમિયાન પણ ગોલ્ડમાં કોઈ અસાધારણ પ્રિમીયમ જોવા મળ્યું નથી.
ચાલુ ચોમાસાની વાત કરીએ તો દેશના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં વરસાદ વિલંબથી શરૂ થયો છે અને તેને કારણે ત્યાં વાવેતર પર અસર જોવા મળી રહી છે. જને કારણે ગોલ્ડની માગ પર આઁશિક અસરની શક્યતાં ગોલ્ડ કાઉન્સિલ જોઈ રહી છે. ઉપરાંત, અલનીનો જેવી સ્થિતિ ઊભી થાય તો પણ ગોલ્ડની માગ ઘટી શકે છે. જોકે, હાલમાં ખરિફ સિઝનને લઈને કોઈ મોટી ચિંતાનું કારણ નથી. છેલ્લાં 20-વર્ષોની વાત કરીએ તો સરકારે આબોહવાની પ્રતિકૂળતાઓ સામે સારી રીતે કામ પાર પાડ્યું છે અને તેથી દેશમાં કૃષિ ઉત્પાદન ઉત્તરોત્તર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે.
દેશમાં જ્વેલરીના ફરજિયાત હોલમાર્કિંગ અને ગોલ્ડ માટે યુનિક આઈટી સિસ્ટમના અમલીકરણ અંગે સોમસુંદરણનું કહેવું છે કે વેપારનો એક વર્ગ આ બાબતને ટ્રેકિંગ મિકેનીઝમ તરીકે જણાવી રહ્યો છે અને તેની સાથે સહમત નથી પરંતુ ગ્રાહકોની સુરક્ષા અને ટ્રેસેબિલિટી માટે આ જરૂરી બાબત છે. ગોલ્ડ ઈન્ડસ્ટ્રીમા ટેક્નોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી છે અને તેથી યુનિક આઈટી સિસ્ટમ અપનાવવાથી ભવિષ્યમાં રિસાઈકલીંગ વધુ આસાન બનશે. ગોલ્ડમાં ડિજીટલ રોકાણ વધી રહ્યું છે. ગોલ્ડ ઈટીએફ્સમાં પણ ગ્રોથ જોવાઈ રહ્યો છે. જોકે, તે દેશની સમગ્રતયા ગોલ્ડ માગ સામે ખૂબ નાનો હિસ્સો ધરાવે છે.
IPL બ્રાન્ડ વેલ્યૂ 80 ટકા ઉછળી 3.2 અબજ ડોલરે પહોંચી
ચેન્નાઈ સુપર કિંગ્સ 21.1 કરોડ ડોલર સામે સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી ફ્રેન્ચાઈઝ
ઈન્ડિયન પ્રિમીયર લીગ(IPL)ની સ્ટેન્ડઅલોન બ્રાન્ડ વેલ્યૂ 2023માં 3.2 અબજ ડોલર પર જોવાઈ રહી છે. જે 2022માં જોવા મળતી 1.8 અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સામે 80 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે એમ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંક હૌલીહાન લોકેયનો અંદાજ જણાવે છે. આઈપીએલની બિઝનેસ એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 15.4 અબજ ડોલર હોવાનો અંદાજ છે. જે 2022માં 8.5 અબજ ડોલરની સરખામણીમાં 80 ટકા વૃદ્ધિ સૂચવે છે. આની પાછળ વાયાકોમ18 અને ડિઝની સ્ટાર સાથે તાજેતરમાં થયેલા મિડિયા રાઈટ્સ પણ જવાબદાર છે.
એક રિપોર્ટ મુજબ T20 લીગના મિડિયા રાઈટ્સમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. 2008થી 2023ના સમયગાળામાં દરમિયાન તે વાર્ષિક ધોરણે સરેરાશ 18 ટકાના દરે વધ્યાં છે. જો વિશ્વમાં અન્ય પ્રોફેશ્નલ લીગ્સ સાથે પ્રતિ મેચને આધારે આઈપીએલની બ્રોડકાસ્ટીંગ ફીની સરખામણી કરીએ તો આઈપીએલ અન્ય લીગ્સ જેવી કે નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન(NBA), ધ ઈંગ્લીશ પ્રિમીયમ લીગ(EPL), અને ધ બન્ડેલ્સીગા કરતાં ઘણો સારો દેખાવ દર્શાવે છે. તે માત્ર નેશનલ ફૂટબોલ લીગ(NFL) પછીના ક્રમે આવે છે એમ રિપોર્ટ નોંધે છે.
રિપોર્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 21.2 કરોડ ડોલર સાથે સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝ ગણાવામાં આવી છે. જે વાર્ષિક ધોરણે 45 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સીએસકે બ્રાન્ડ રેંકિંગ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ વેલ્યૂ રેંકિંગ, બંને બાબતમાં ટોચના ક્રમે આવે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19.5 કરોડ ડોલર સાથે બીજા ક્રમે બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 19 કરોડ ડોલર સાથે ત્રીજા ક્રમે આવે છે. કેકેઆર 18.1 કરોડ ડોલર અને દિલ્હી કેપિટલ્સ 13.3 કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે.
બેઈન કેપિટલ ખરીદે તેવી વાતો પાછળ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝનો શેર સર્વોચ્ચ સપાટીએ
સોમવારે કંપનીનો શેર 15.37 ટકા ઉછળી રૂ. 3204.65ની ટોચે બંધ રહ્યો
યુએસ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કંપનીનું વેલ્યૂએશન રૂ. 3000 કરોડ પર જોઈ રહી છે
જાણીતી આઈસક્રિમ બ્રાન્ડ વાડીલાલની માલિક વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝને ખરીદવા માટે યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ બેઈન કેપિટલ વાતચીત ચલાવી રહી હોવાના અહેવાલે કંપનીનો શેર સોમવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે 18 ટકાથી વધુ ઉછળી રૂ. 3294.65ની સપાટી પર ટ્રેડ થઈ કામકાજની આખરમાં 15.37 ટકા અથવા રૂ. 426.90ની વૃદ્ધિ સાથે રૂ. 3204.65ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 2303 કરોડ જોવા મળતું હતું. કંપનીનો શેર ચાલુ કેલેન્ડરમાં 60 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે 52-સપ્તાહના તળિયેથી તે 75 ટકા જેટલું રિટર્ન સૂચવે છે.
વર્તુળોના જણાવ્યા મુજબ બેઈન કેપિટલ આઈસ્ક્રિમ ઉત્પાદક વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝને ખરીદવા મંત્રણા યોજી રહી છે. તે જૂથની બે લિસ્ટેડ કંપનીઓ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ અને વાડીલાલ એન્ટરપ્રાઈઝિસ તથા તેમજ બ્રાન્ડ પર અંકુશ ઈચ્છે છે. પીઈ કંપની બંને કંપનીઓને એક છત્ર હેઠળ ખરીદવામાં રસ ધરાવે છે. વર્તુળોના મતે હાલમાં કંપનીનું વેલ્યૂએશન રૂ. 3000 કરોડ પર જોવાઈ રહ્યું છે. વાડીલાલ જૂથના પ્રમોટર્સે અગાઉ વેચાણ માટેની ચર્ચા-વિચારણા કરી હતી. અગાઉ આર્પવુડે વાડીલાલમાં ઈક્વિટી હિસ્સો ખરીદવાની ઓફર કરી હતી. જોકે, પ્રમોટર્સમાં આંતરિક ઘર્ષણને કારણે સંભવિત ટ્રાન્ઝેક્શન અટકી પડ્યું હતું. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ તરફથી ઉત્પાદિક આઈસક્રિમનું વેચાણ વાડીલાલ એન્ટરપ્રાઈઝિસ કરે છે. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ ફ્રોઝન ફૂડ્સ પણ બનાવે છે. ડિસેમ્બર 2022માં વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પ્રમોટર બિઝનેસ પાસેથી બ્રાન્ડ ખરીદી માટે શેરધારકોની મંજૂરી મેળવી હતી.
અગાઉ સાઉથ કોરિયન લોટેએ હેવમોરની ખરીદી કરી હતી
વાડીલાલની કટ્ટર હરિફ આઈસક્રીમ બ્રાન્ડ હેવમોરની 2018માં સાઉથ કોરિયન કંપની લોટ્ટે કન્ફેક્શ્નરી તરફથી રૂ. 1020 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી. હેવમોરના પ્રમોટર્સે રેસ્ટોરન્ટ્સ બિઝનેસ પોતાની પાસે જાળવ્યો હતો. લોટ્ટેએ હેવમોરમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. કંપની ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના બજારોમાં હાજરી ધરાવતી હતી. લોટ્ટેએ ચેન્નાઈ અને દિલ્હી ખાતે તેની ફેક્ટરીઝ સ્થાપીને ભારતમાં 2004માં પ્રવેશ કર્યો હતો. જેણે હેવમોરની 14-રાજ્યોમાં હાજરીને ધ્યાનમાં રાખી તેની ખરીદી કરી હતી.
બેંક્સ બોરોઈંગ રૂ. 5.05 લાખ કરોડ પર 8 મહિનાની ટોચે
બેંકિંગ કંપનીઓ તરફથી બોરોઈંગ 16 જૂનના રોજ રૂ. 5.05 લાખ કરોડની આંઠ-મહિનાની ટોચ પર જોવા મળ્યું છે. જે 21 ઓક્ટોબર, 2022 પછીનું સૌથી ઊંચું લેવલ હતું એમ આરબીઆઈનું વિકલી બૂલેટિન જણાવે છે. બેંક્સ તરફથી બોરોઈંગમાં ઉછાળાનું કારણ ત્રિમાસિક એડવાન્સ ટેક્સ પેમેન્ટ માટે શોર્ટ-ટર્મ ફંડ જરૂરિયાત હોવાનું માર્કેટ વર્તુળો જણાવે છે. તાજા આંકડાઓ મુજબ 16 જૂને બેંક્સની કુલ ક્રેડિટ રૂ. 140.32 કરોડ પર હતી. જે વાર્ષિક ધોરણે 15.4 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે બેંક્સની કુલ ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 12.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 185.7 લાખ કરોડ પર જોવા મળી હતી. માર્ચ, 2023ની આખરમાં શેડ્યુલ્ડ કોમર્સિયલ બેંક્સનું આઉટસ્ટેન્ડિંગ માર્કેટ બોરોઈંગ વધી રૂ. 4.6 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે વર્ષ અગાઉ રૂ. 2.7 લાખ કરોડના સ્તરે જોવા મળતું હતું.
2023માં નાણા એકત્ર કરવા માટે QIP ટોચની પસંદ
ભારતીય કોર્પોરેટ કંપનીઓ તરફથી કેલેન્ડર 2023માં ક્વોલિફોઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ(QIP) મેળવવામાં આવેલું ફંડ 2022ની સરખામણીમાં ઊંચું રહેવાની શક્યતાં છે. જાન્યુઆરીની શરૂઆતથી જૂન સુધીમાં ક્વિપ ઈસ્યુઅન્સ મારફતે કંપનીઓ રૂ. 5800 કરોડ મેળવી ચૂકી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 5000 કરોડ કરતાં વધું છે. જ્યારે બીજી બાજુ ચાલુ વર્ષ માટે રૂ. 36000 કરોડના ક્વિપ ઈસ્યુ પાઈપલાઈનમાં છે. જ્યારે ગયા સમગ્ર કેલેન્ડરમાં ક્વિપ મારફતે રૂ. 11,700 કરોડ ઊભા કરવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે રૂ. 36000 કરોડની પાઈપલાઈનમાંથી રૂ. 33,300 કરોડ તો અદાણી જૂથની કંપનીઓ તરફથી ઊભા કરવામાં આવશે. જૂથની ત્રણ કંપનીઓ ફંડ એકત્ર કરવાની યોજના જાહેર કરી ચૂકી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જીનીયરીંગ હેવીવેઈટ સ્પેનની નેવેન્ટીઆ સાથે સંયુક્તપણે ભારતમાં 5 અબજ ડોલરના સબમરીન ટેન્ડર માટે બીડ કરશે. અત્યાર સુધીમાં લાર્સને ભાગીદારીમાં તથા પોતાની રીતે 65થી વધુ વહાણો બનાવ્યાં છે. જેમાં ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે પણ તેણે કેટલાંક જહાજો બનાવ્યાં છે. લાર્સને સ્પેનની કંપની સાથે ભારતીય નેવીના પ્રોજેક્ટ 75 માટે બીડ કરવાના હેતુથી એમઓયૂ સાઈન કર્યું છે.
આઈડીબીઆઈ બેંકઃ પીએસયૂ બેંકના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા બીજા તબક્કામાં પહોંચી છે. બીડર્સ તરફથી હાલમાં બેંક ખાતે ફાઈનાન્સિયલ ડ્યૂ ડિલિજન્સની કામગીરી ચાલી રહી છે. આ બીડર્સ તરફથી બેંકમાં 60.72 ટકા હિસ્સાની ખરીદી માટે રસ દર્શાવવામાં આવ્યો છે. પ્રક્રિયાની શરૂઆત જુલાઈના પ્રથમ સપ્તાહમાં થઈ છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. જ્યારે ડિસેમ્બર સુધીમાં આખરી બીડ મંગાવવામાં આવશે.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટી લેન્ડર ચાલુ સપ્તાહે એટી1 બોન્ડ્સ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરશે. ડેટ માર્કેટ વર્તુળોના મતે બેંક લગભગ 13 જુલાઈએ એટીવન બોન્ડ્સ મારફતે નાણા ઊભા કરશે. જેનો ઉપયોગ બિઝનેસ ગ્રોથ ઉપરાંત મેચ્યોર થઈ રહેલા બોન્ડ્સને રિપ્લેસ કરવામાં થશે. બેંક માર્કેટમાં યિલ્ડ લેવલને આધારે ઈસ્યુની સાઈઝ નિર્ધારિત કરશે.
એનએસડીએલઃ દેશમાં ટોચની ડિપોઝટરી નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડએ આઇપીઓ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. 1996માં ડિપોઝિટરીઝ એક્ટની રજૂઆત પછી એનએસડીએલે નવેમ્બર 1996માં ભારતમાં સિક્યુરિટીઝના ડિમટિરિયલાઇઝેશની શરૂઆત કરી હતી. કંપનીનો આઈપીઓ ઓફર-ફોર-સેલનો તથા ફ્રેશ ઈક્વિટીનો બનેલો હશે. આઈડીબીઆઈ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક, યુટીઆઈ સહિતના રોકાણકારો તેમના શેર્સ વેચશે.
અદાણી ગ્રૂપઃ કોંગ્લોમેરટ જૂથે રવિવારે જણાવ્યું હતું કે તેણે છેલ્લાં ચાર વર્ષોમાં અગ્રણીરોકાણકારો પાસેથી કુલ 9 અબજ ડોલર ઊભાં કર્યાં છે. જેમાં કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ટોટલ એનર્જીસ, ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીઝ અને જીક્યુજી પાર્ટનર્સનો સમાવેશ થાય છે. ટોટલ એનર્જીએ 3.3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
એચડીએફસીઃ મોર્ગેજ લેન્ડરના એચડીએફસી બેંકમાં મર્જરના ભાગરૂપે એફએન્ડઓ સેગમેન્ટમાં તમામ માસિક તથા સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સ 12 જુલાઈ, 2023ના રોજ એક્સપાયર થઈ જશે. કંપનીના કાઉન્ટરમાં 13 જુલાઈથી ટ્રેડિંગ બંધ થશે. કંપનીના શેરધારકોને એચડીએફસી બેંકના શેર્સ મળ્યાં છે.
એચડીએફસી બેંકઃ ટોચની પ્રાઈવેટ લેન્ડર નેશનલ સિક્યૂરિટીઝ ડિપોઝીટરીના આઈપીઓમાં 2 ટકા હિસ્સાનું વેચાણ કરશે. બેંક પાસે એનએસડીએલમાં 8.95 ટકા ઈક્વિટી હિસ્સો રહેલો છે. આ વેચાણથી એચડીએફસી બેંકને નોંધપાત્ર પ્રમાણમાં કેશ મળશે.