Categories: Market Tips

Market Summary 10/05/23

હરિફોની સરખામણીમાં ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું
નિફ્ટી 18300ની સપાટી પાર કરવામાં સફળ
ઈન્ડિયા વિક્સ 3.15 ટકા સુધરી 13.08ના સ્તરે
ઓટો, એફએમસીજી, એનર્જી, રિઅલ્ટીમાં મજબૂતી યથાવત
પીએસયૂ બેંક્સ, આઈટી અને મેટલમાં નરમાઈ
સાયન્ટ, કેઈસી નવી ટોચે
આદિત્ય બિરલા ફેશન તળિયા પર

વૈશ્વિક બજારોમાં સતત બીજા સત્ર દરમિયાન સાર્વત્રિક વેચવાલી વચ્ચે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 179 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 61940ની સપાટી પર જ્યારે નિફ્ટી 49 પોઈન્ટ્સ સુધારા સાથે 18315ની પાંચ મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યા હતાં. માર્કેટમાં બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3637 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1757 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1737 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. 120 કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.15 ટકા સુધરી 13.08ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શરૂઆતમાં નરમાઈ દર્શાવ્યાં પછી બાઉન્સ થયો હતો અને ઈન્ટ્રા-ડે ટોચ નજીક જ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 18327ની ટોચ બનાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 28 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18343 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 41 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવતો હતો. જેનો અર્થ ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે અને તેથી રોકાણકારોએ નવી ખરીદીમાં સાવચેતી રાખવાની જરૂર છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 18300ની સપાટી પાર થતાં હવેનો ટાર્ગેટ 18500નો રહેશે. જોકે વચ્ચે 18400નો અવરોધ છે. મજબૂત મોમેન્ટમ જોતાં નિફ્ટી સુધારો જાળવી શકે તેવી શક્યતાં વધુ છે. 18000ના સ્ટોપલોસને જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકાય.
બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, પાવર ગ્રીડ કોર્પો., બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, ઓએનજીસી અને રિલાયન્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ, યૂપીએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, ઈન્ફોસિસ, લાર્સન, સન ફાર્મા, તાતા સ્ટીલ, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, એનર્જી, રિઅલ્ટીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે પીએસયૂ બેંક્સ, આઈટી અને મેટલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.75 ટકા સુધારે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, બોશ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ભારત ફોર્જ અને એમએન્ડએમનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.7 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં ગેઈલ, પાવર ગ્રીડ, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસીનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી પીએસયૂ બેંક જોકે એક ટકાથી વધુ નરમાઈ દર્શાવતો હતો. જેમાં પીએનબી, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંકમાં 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4.31 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મધરસન સુમી, ઈન્ડસઈન્ડ બેંક, મહાનગર ગેસ, જીએમઆર એરપોર્ટ્સ, બાલક્રિષ્ણા ઈન્ડ, ગ્લેનમાર્ક, એચડીએફસી લાઈફ, ગેઈલ અને એલએન્ડટી ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આરતી ઈન્ડસ્ટ્રીઝ 9 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત રેઈન ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી, એપોલો ટાયર્સ, આદિત્ય બિરલા ફેશન, અબોટ ઈન્ડિયા, યૂપીએલ, તાતા કોમ્યુનિકેશન, એસ્કોર્ટ્સ કૂબોટા, મણ્ણાપુરમ ફાઈ., એલએન્ડટી ફાઈનાન્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. સાયન્ટ, કેઈસી જેવી કંપનીઓએ નવી ટોચ દર્શાવી હતી. જ્યારે આદિત્ય બિરલા ફેશન તળિયા પર ટ્રેડ થયો હતો.

હિંડેનબર્ગ તરફથી શોર્ટ સેલીંગ નિયમોના ભંગ પર સેબીની નજર

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી જૂથ તરફથી હાથ ધરવામાં આવેલા 12 ટ્રાન્ઝેક્શન્સને લઈને તેના પ્રાથમિક અભિપ્રાય બાંધ્યો છે ત્યારે સાથે તેણે યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચ તરફથી ભારતમાં શોર્ટ-સેલીંગના નિયમોના સંભવિત ભંગને લઈને પણ તપાસ આદરી હોવાનું વર્તુળો જણાવે છે.
યુએસ સ્થિત કંપનીએ અદાણી જૂથ સામે કેટલાંક આક્ષેપો કર્યાં હતાં. જોકે સાથે તેણે જણાવ્યું હતું કે તે અદાણી જૂથના શેર્સમાં શોર્ટ સેલીંગ ઈચ્છી રહી હતી. સેબીએ હિંડેનબર્ગ રિપોર્ટ રજૂ થયા પહેલાં અને પછી અદાણી જૂથ શેર્સમાં ટ્રેડિંગનું એનાલિસીસ કર્યું છે તેમજ તેનો મત ઘડ્યો છે અને આ એક મહત્વનો એરિયા છે જ્યાં મહત્વની છણાવટ કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે.આ ઉપરાંત સેબીએ એફપીઆઈ, ઓફશોર ડેરિવેટિવ ઈન્સ્ટ્રુમેન્ટ(પી-નોટ) અને ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગની શક્યતાંને લઈને પણ તેનો અભિપ્રાય તૈયાર કર્યો છે.
વર્તુળોના જણાવ્યા મુજબ સેબી તરફથી અદાણી જૂથે હાથ ધરેલા 12 ચોક્કસ ટ્રાન્ઝેક્શન્સની તપાસ થઈ રહી છે. જેમાં કહેવાતાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સનો પણ સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝેક્શન્સમાં ફાઈનાન્સિયલ્સને ખોટી રીતે રજૂ કરવાથી લઈ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ ડિસ્ક્લોઝર જેવી બાબતો સામેલ છે. સેબીએ કેટલીક મહત્વની બાબતોને લઈ તેના પ્રાથમિક અભિપ્રાયને તૈયાર કર્યો હોવાની શક્યતાં છે. જોકે, તેના તારણોની ખાતરી માટે એકથી વધુ દેશોના રેગ્યુલેટર્સ સાથે કો-ઓર્ડિનેટ કરવાનું હોવાથી તેણે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માગ્યો હતો.

ગો ફર્સ્ટના વિમાનો અને એરપોર્ટ સ્લોટ્સ મેળવવા તાતા જૂથ, ઈન્ડિગોના પ્રયાસો

ભારતની ટોચની એરલાઈન્સ કંપનીઓએ સ્વૈચ્છિક ઈન્સોલ્વન્સી માટે ફાઈલીંગ કરનાર ગો ફર્સ્ટના એરબસ એસઈ પ્લેન્સ અને એરપોર્ટ સ્લોટ્સને મેળવવા માટેની મંત્રણા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આ માટે તાતા જૂથ અને ઈન્ડિગો તરફથી ગો ફર્સ્ટના લેસર્સ સાથે અલગથી ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી હોવાનું વર્તુળોનું કહેવું છે. આ ઉપરાંત તેઓ એરપોર્ટ ઓપરેટર્સ સાથે લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ્સ માટે પણ મંત્રણા યોજી રહ્યાં છે. જેમાં ન્યૂ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ્સ મુખ્ય છે. ગો ફર્સ્ટના લેસર્સ કંપની પાસેથી 36 વિમાનોને પરત મેળવવાની માગણી કરી રહ્યાં હોવાનું એવિએશન રેગ્યુલેટર્સના ફાઈલીંગમાં જાણવા મળે છે.
વર્તુળોના જણાવ્યા મુજબ કેટલીક અન્ય ઉડ્ડયન કંપનીઓએ પણ એરપોર્ટ સ્લોટ્સ માટે રસ દર્શાવ્યો છે. જેમાં સૌથી નવી આકાશ એરનો પણ સમાવેશ થાય છે. દરમિયાનમાં કેશની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટે જણાવ્યું છે કે તે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની શો કોઝ નોટિસનો સમય આવ્યો જવાબ આપશે. એવિએશન રેગ્યુલેટરે કંપનીને ટિકિટ્સનું વેચાણ તત્કાળ બંધ કરવા જણાવવા સાથે શા માટે તેના ઉડ્ડયન લાયસન્સને રદ ના કરવું તે પૂછ્યું હતું.

FPIsએ નવ ટ્રેડિંગ સત્રોમાં રૂ. 16K કરોડનું રોકાણ કર્યું
વિદેશી રોકાણકારોના મજબૂત ફ્લો પાછળ રૂપિયામાં ડોલર સામે મજબૂતી, રેટ વૃદ્ધિમાં પોઝ જેવા કારણો જવાબદાર
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી આક્રમક ખરીદી જોવા મળી રહી છે. મે મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ(FPIs) તરફથી રૂ. 15767 કરોડની ખરીદી નીકળી છે. તેમણે શરૂઆતી નવ સત્રોમાં આ ખરીદી દર્શાવી છે.
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ખરીદી પાછળના મુખ્ય કારણોમાં ભારતીય ચલણમાં યુએસ ડોલર સામે જોવા મળી રહેલી મજબૂતીનો સમાવેશ થાય છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ રૂપિયા સામે પણ ડોલરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે એફઆઈઆઈની ખરીદી વધી છે. ભારતની ટ્રેડ અને કરન્ટ એકાઉન્ટ્સની ખાધમાં ઘટાડો પણ રૂપિયામાં મજબૂતીનું મહત્વનું કારણ હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. ઉપરાંત કેલેન્ડર 2023ની શરૂમાં એફપીઆઈએ અપનાવેલી ‘સેલ ઈન્ડિયા બાય ચાઈના’ પોલિસીમાં પણ હવે ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય બજારના વેલ્યૂએશન્સ વાજબી બનવાથી હરિફ ઈમર્જિંગ બજારોની સરખામણીમાં જોવા મળી રહેલો વેલ્યૂએશન ગેપ નોંધપાત્ર ઘટ્યો છે. જેને કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો ફરીથી ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યાં છે. જે મધ્યમગાળામાં જળવાય રહેવાની પૂરી સંભાવના હોવાનું બજાર વર્તુળો માને છે.
બજાર એનાલિસ્ટ્સના મતે યુએસ ફેડ તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, બંને તેમની રેટ વૃદ્ધિ સાઈકલની ટોચની નજીક છે અને તેઓ ટૂંકમાં જ વિરામની જાહેરાત કરી શકે છે. જે સ્થિતિમાં ડોલરમાં નબળાઈ જોવા મળશે. તેઓ 2024ની આખરમાં રેટ ઘટાડાની શક્યતાં પણ જોઈ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે 2023-24માં ભારતીય અર્થતંત્ર ટોચના વૃદ્ધિ દર્શાવનાર અર્થતંત્રોમાંનું એક બની રહેશે. જેની પાછળ પણ રોકાણનો પ્રવાહ જળવાશે. હાલમાં નિફ્ટી તેના 18887ના ઓલ-ટાઈમ હાઈથી 3 ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જોકે, વિદેશી રોકાણકારો તરફથી મજબૂત રોકાણ મોમેન્ટમને જોતાં નિફ્ટી નવી ટોચ દર્શાવી શકે છે એમ માનવામાં આવે છે. જોકે, તે સ્તરે વેલ્યૂએશન્સ ફરીથી મોંઘા બનશે એમ તેઓ ઉમેરે છે.

દેશમાં ચીપમેકર્સને આકર્ષવા માટે સરકારે નવેસરથી પ્રયાસો કરવા પડશે
અનિલ અગ્રવાલનો 19 અબજ ડોલરના પ્લાન અટવાતાં અન્યોને પ્રોત્સાહન આપવું પડશે

દેશમાં સંભવિત ચીપમેકર્સને આકર્ષવા માટે ભારત સરકારે નવેસરથી પ્રયાસો કરવા પડશે. કેમકે અગાઉ જાહેર થઈ ચૂકેલા પ્રોજેક્ટ્સની શરૂઆતમાં વિલંબ જોવા મળી રહ્યો છે. જેમાં વેદાંતના અનિલ અગ્રવાલ તરફથી જાહેર કરવામાં આવેલા 19 અબજ ડોલરના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગયા વર્ષે અનિલ અગ્રવાલે જાહેર કર્યાં છતાં હજુ સુધી પ્લાનને લઈને કામ આગળ વધી શક્યું નથી. સરકાર અગાઉથી જ સેમીકંડક્ટર ઉત્પાદકોને આકર્ષવા વિવિધ રાહતોની જાહેરાત કરી ચૂકી છે.
ભારત સરકાર ચીપમેકર્સ માટે નવેસરથી એપ્લિકેશન પ્રક્રિયાની શરૂઆત કરશે. જેમાં 10 અબજ ડોલરના ઈન્સેન્ટિવ્સ અને સ્થાનિક સ્તરે ચીપમેકિંગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. આ ઉપરાંત સરકારે પ્રક્રિયાને ઓપન-એન્ડેડ રાખી રહી છે. જેમાં અગાઉ જોવા મળતી 45-દિવસની સબમિશનની જરૂરિયાતનો સમાવેશ થતો નથી એમ તેઓ જણાવે છે. ગયા વર્ષે સરકારે ચીપ ઉત્પાદકોને આકર્ષવા લીધેલા પગલાઓને કારણે માત્ર ત્રણ એપ્લિકેશન્સ જ મળી હતી. જેમાં હજુ સુધી ખૂબ સાધારણ પ્રગતિ જોવા મળી રહી છે.
ચીપ માટે મોંઘી આયાત પર નિર્ભરતા ઓછી કરવા સાથે તાઈવાન અને ચીન પરનું અવલંબન ઘટાડવા માટે ભારત પણ સ્થાનિક સ્તરે ચીપનું ઉત્પાદન વધારવાના પ્રયાસો કરી રહેલા દેશોમાં જોડાયું છે. જેમાં યુએસનો સમાવેશ પણ થાય છે. જોકે, પ્રયાસો હજુ સુધી કોઈ મોટા વૈશ્વિક ચીપ ખેલાડીને દેશમાં બેઝ બનાવવા માટે આકર્ષી શક્યાં નથી. દેશમાં ચીપ ઈન્ડસ્ટ્રીઝના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શરૂઆતમાં કંપનીઓને નાણાકિય સપોર્ટ મેળવવા માટે 1 જાન્યુઆરી, 2022થી માત્ર 45 દિવસોનો સમય આપ્યો હતો. સરકારે ચીપ ફેબ્રિકેશન પ્લાન્ટના બાંધકામ માટે થતાં ખર્ચમાં અડધો ખર્ચ ઉઠાવવા માટે તૈયારી દર્શાવી હતી. જોકે, ટૂંકી વિન્ડોના કારણે ગણતરીની અરજીઓ જોવા મળી હતી. જેમાં અનિલ અગ્રવાલની વેદાંત રિસોર્સિસ અને તાઈવાનની હોન હાઈ પ્રિસિસન ઈન્ડસ્ટ્રી વચ્ચે ભાગીદારીનો સમાવેશ થતો હતો. ઉપરાંત ટાવર સેમીકંડક્ટરના કોન્સોર્ટિયમનો સમાવેશ થતો હતો. સરકાર હવે નવેસરથી કંપનીઓને અરજી કરવા માટે છૂટ આપવા વિચારી રહી છે. તેમજ જ્યાં સુધી 10 અબજ ડોલરનું બજેટ વપરાય જાય નહિ ત્યાં સુધી અરજીઓ સ્વીકારવા માટે તૈયારી દર્શાવશે એમ વર્તુળો જણાવે છે. આનો અર્થ એ થાય છે કે વેદાંત અને ટાવર જૂથો ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ સરકારના ચીપ પ્લાન્ટ્સના સપોર્ટને મેળવવા માટે સ્પર્ધામાં જોડાઈ શકે છે.

NCLTએ ગો ફર્સ્ટની સ્વૈચ્છિક ઈન્સોલ્વન્સી અરજીનો સ્વીકાર કર્યો
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઈન્ટરિમ રેઝોલ્યુશન પ્રોફેશ્નલની પણ કરેલી નિમણૂંક
તેણે ગો ફર્સ્ટને લેસર્સ અને ક્રેડિટર્સ તરફથી રિકવરીને લઈ મોરેટોરિયમ હેઠળ પ્રોટેક્શનની છૂટ આપી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ બુધવારે ગો ફર્સ્ટની વોલ્યુન્ટરી ઈન્સોલ્વન્સી અરજીને માન્ય રાખી હતી અને કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી)ની શરૂઆત કરી રહી. તેણે કંપનીના ઈન્ટરિમ રેઝોલ્યુશ પ્રોફેશ્નલ(આઈઆરપી) તરીકે અભિલાષ લાલની નિમણૂંક કરી હતી અને કંપનીને એક ચાલી રહેલી ચિંતા તરીકે ગણનામાં લેવા માટે જણાવ્યું હતું. ઉપરાંત, એનસીએલટીએ કંપનીને મોરેટોરિયમ હેઠળ પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું. તેમજ ઈન્સોલ્વન્સી પ્રક્રિયા દરમિયાન કંપનીને ચલાવવામાં આઈઆરપીને સહકાર પૂરો પાડવા માટે સસ્પેન્ડ કરવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પૂરી સહાયતા કરવા જણાવ્યું હતું. ઈન્સોલ્વન્સી પ્રોસેસ દરમિયાન બેંક્સ તેમના ડ્યૂસ રિકવર કરવા માટે સક્ષમ નહી હોય.
એનસીએલટીએ કંપનીને હાલમાં સમસ્યામાંથી પસાર થઈ રહેલી કંપની તરીકે જાળવવા તથા કોઈપણ કર્મચારીને જોબમાંથી છૂટો નહિ કરવાનો આદેશ પણ આપ્યો હતો. દેશમાં પ્રથમવાર કોઈ એરલાઈન કંપને તેના કોન્ટ્રેક્ટ્સ અને ડેટ્સને લઈ પુનઃવિચારણા માટે સ્વૈચ્છિક પણે બેંક્ટ્રપ્સી પ્રોટેક્શનની માગણી કરી છે. આ અસાધારણ પગલાને કારણે લેસર્સ તરફથી રિપઝેશનના પ્રયાસો ગૂંચવાઈ શકે છે. તાજેતરમાં જ લેસરે દેશમાં એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(જીડીસીએ) સમક્ષ એક વિનંતીમાં વિમાનોનું ભાડું નહિ ચૂકવવા બદલ 40 ટકા ગો ફર્સ્ટ વિમાનોની માગણી કરી હતી. જોકે, એકવાર કંપની માટે નાદારીની પ્રક્રિયા શરૂ થાય ત્યારપછી ભારતીય કાયદાઓ આ પ્રકારની રિકવરીની છૂટ આપતાં નથી. ગો ફર્સ્ટના લેસર્સમાં અગ્રણી વૈશ્વિક નામોનો સમાવેશ થાય છે. જેમાં જેક્સન સ્ક્વેર એવિએશન, એમએમબીસી એવિએશન કેપિટલ અને સીડીબી એવિએશનના જીવાય એવિએશન લિઝીંગનો સમાવેશ થાય છે. ગો ફર્સ્ટ રૂ. 11463 કરોડથી વધુની લાયેબિલિટી ધરાવે છે. કંપનીએ 15 મે સુધી ટિકિટ્સનું વેચાણ પણ બંધ કર્યું છે.

ભારતીય સોફ્ટવેર કંપનીઓ માટે કપરાં દિવસોના સંકેત
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી સ્થાનિક આઈટી કંપનીઓમાં સતત જોવા મળી રહેલી વેચવાલી

યુએસ ખાતે ત્રણ રિટેલ બેંક્સના નાદાર બનવા પાછળ ભારતીય આઈટી કંપનીઓની અર્નિંગ્સ પણ પ્રતિકૂળ અસરની ધારણા તથા આર્થિક મંદીના ગભરાટ પાછળ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરથી ભારતની ટોચની આઈટી કંપનીઓમાંથી રોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું છે.
દેશની બીજા ક્રમની સોફ્ટવેર સર્વિસિઝ કંપની ઈન્ફોસિસમાંથી વિદેશી રોકાણકારોએ સતત છઠ્ઠા ક્વાર્ટર દરમિયાન વેચવાલી દર્શાવી છે. કંપનીમાં તેમનો હિસ્સો 44.57 ટકા પરતી ગગડી 43.08 ટકા પર જોવા મળી રહ્યો છે એમ તાજી શેરહોલ્ડિંગ પેટર્ન પરથી જોવા મળે છે. દેશમાંથી સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝમાં પણ એફઆઈઆઈનું રોકાણ ઘટી રહ્યું છે. છેલ્લાં 10-ક્વાર્ટર્સથી તેઓ સતત વેચવાલી દર્શાવી રહ્યાં છે. જેની પાછળ વિદેશી સંસ્થાઓનો હિસ્સો 12.94 ટકા પરથી ઘટી માર્ચ ક્વાર્ટરની આખરમાં 12.72 ટકા પર જોવા મળતો હતો. અન્ય આઈટી કંપનીઓ તાતા એલેક્સિ, ટેક મહિન્દ્રા, ઝેનસાર ટેક્નોલોજિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, માસ્ટેક, એમ્ફેસિસ અને એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝ, બિરલા સોફ્ટમાં પણ એફઆઈઆઈના હિસ્સામાં પણ ત્રિમાસિક ધોરણે હિસ્સામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનએસડીએલના ડેટા મુજબ માર્ચ ક્વાર્ટરમાં એફઆઈઆઈએ આઈટી સેક્ટરમાંથી રૂ. 7978 કરોડનું રોકાણ પરત ખેંચ્યું હતું. જેની પાછળ યુએસ ખાતે રિજિયોનલ બેંકિંગ સેક્ટરમાં જોવા મળી રહેલી કટોકટી ઉપરાંત યુરોપિયન બેંક્સ કટોકટી કારણભૂત હોવાનું જણાય છે.
જોકે, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજી જેવી બે આઈટી કંપનીઓએ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી રોકાણમાં વૃદ્ધિ દર્શાવી ટ્રેન્ડથી અલગ વર્તન દર્શાવ્યું હતું. સાત ક્વાર્ટર્સ પછી વિપ્રોમાં એફઆઈઆઈનો હિસ્સો 8.67 ટકા પરથી વધી 8.77 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે એચસીએલ ટેક્નોલોજીમાં વિદેશી સંસ્થાઓનો હિસ્સો ત્રિમાસિક ધોરણે 18.29 ટકા પરથી વધી 18.92 ટકા પર નોંધાયો હતો. વૈશ્વિક બ્રોકરેજ કંપની બોફાએ તાજેતરમાં નોંધ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી પાછળ ભારતીય આઈટી કંપનીઓના અર્નિંગ્સ ગ્રોથ પર અસર પડી શકે છે. જેને જોતાં તેણે આઈટીને ટોચનું અન્ડરવેઈટ સેગમેન્ટ ગણાવ્યું હતું. બ્રોકરેજ હાઉસસિટીએ પણ તેના પસંદગીની યાદીમાંથી ઈન્ફોસિસને દૂર કર્યો હતો. તે ભારતીય આઈટી સેક્ટરને લઈ નેગેટિવ આઉટલૂક ધરાવે છે.

વોલમાર્ટ ભારતમાં લાંબાગાળા માટે પ્રતિબધ્ધઃ સીઈઓ

વિશ્વમાં સૌથી મોટા રિટેલર વોલમાર્ટ ઈન્કના સીઈઓ ડૌગ મેકમિલને જણાવ્યું છે કે તેમની કંપની ભારત માટે લાંબાંગાળા માટે પ્રતિબધ્ધતા ધરાવે છે. તેમણે 2027 સુધીમાં ભારતમાં બનેલા 10 અબજ ડોલરના માલ-સામાનના સોર્સિંગનું લક્ષ્ય પણ અકબંધ હોવાનું જણાવ્યું હતું. જેમાં સપ્લાયર્સ અને પાર્ટનર્સ અને સ્મોલ તથા મિડિય એન્ટરપ્રાઈઝિસની ઈકોસિસ્ટમ ઊભી કરવાનો સમાવેશ થાય છે. મેકમિલન ઉપરાંત વોલમાર્ટ ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને સીઈઓ પણ ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ બેંગલૂરું ખાતે વોલમાર્ટની કંપનીઓ ફ્લિપકાર્ટ, ગ્લોબલ ટેક અને ફોનપેની પ્રગતિના મૂલ્યાંકન માટે ભેગાં થયાં હતાં. મેકમિલને જણાવ્યું હતું કે અમે ભારત માટે પ્રતિબધ્ધ હોવા સાથે અહીં લાબા સમયગાળા માટે છીએ. ભારત ઊજળું ભવિષ્ય ધરાવે છે. મેકમિલને જણાવ્યું હતું કે જે ભારતીય સપ્લાયર્સ અને પાર્ટનર્સ ક્વોલિટી, એફોર્ડેબલ અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવે છે તેમને લઈને અમે ઉત્સાહિત છીએ.

સિસ્કો ભારતમાં મેન્યૂફેક્ચરિંગ અને નિકાસમાં એક અબજ ડોલર રોકશે
વૈશ્વિક ટેક્નોલોજી જાયન્સ સિસ્કો ભારતમાં ફરીવાર મેન્યૂફેક્ચરિંગ શરૂ કરી રહી છે. કંપનીએ આગામી વર્ષોમાં સ્થાનિક ઉત્પાદન અને નિકાસ માટે સંયુક્તપણે એક અબજ ડોલરના રોકાણની યોજના બનાવી છે. સિસ્કોના ચેરમેન અને સીઈઓ ચૂક રોબિન્સે તેમની ભારતની મુલાકાત દરમિયાન દેશમાં નવી મેન્યૂફેક્ચરિંગ કામગીરી ઊભી કરવાની જાહેરાત કરી હતી. સિસ્કો હવે ભારતમાં કોર મેન્યૂફેક્ચરિંગ કેપેબિલિટીઝ ઊભી કરી રહી છે. જેમાં ટેસ્ટીંગ, ડેવલપમેન્ટ એન્ડ લોજીસ્ટીક્સ તથા ઈન-હાઉસ રિપેર ઓપરેશ્સના વિસ્તરણનો સમાવેસ થાય છે. સાથે તે સપ્લાય ચેઈનને સપોર્ટ કરવા સાથે લીડ ટાઈમમાં પણ ઘટાડો કરશે. સિસ્કો ભારતમાં તેની બે સૌથી ઊંચા વોલ્યુમ ધરાવતી પ્રોડક્ટ લાઈન્સ લોંચ કરી રહી છે. જેમાં સ્વિચીંગ પ્લેટફોર્મ્સ અને કટીંગ-એજ રાઉટીંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

CCI 20 મે સુધી ટેકાના ભાવે કપાસ ખરીદી જાળવશે
સરકારી સંસ્થા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે તે 20 મે સુધી સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવે તેની ખરીદી જાળવશે. આ માટે તેણે કપાસ પકવતાં ટોચના 11 રાજ્યોમાં 400થી વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખોલ્યાં છે. સીસીઆઈ નેટવર્ક, નજીકના ખરીદ કેન્દ્રની વિગતો cotcorp.org.in પર પ્રાપ્ય છે. આ ઉપરાંત ખેડૂતો કોટ-એલી નામે મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ આ સમગ્ર જાણકારી મેળવી શકે છે. ચાલુ સિઝનમાં કોટનના ભાવ એમએસપીથી ઊંચા જળવાયા હોવાના કારણે સીસીઆઈએ બજારમાં ખાસ દરમિયાનગીરી કરવાની જરૂર પડી નથી. જોકે, મિલોની પાંખી ખરીદીને જોતાં એજન્સીએ કોઈપણ સમયે ખેડૂતોના હિતમાં બજારમાં દરમિયાનગીરી કરવી પડી શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

લ્યુપિનઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 235.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 518 કરોડની ખોટની સરખામણીમાં 146 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3883 કરોડ સામે 14 ટકા વધી રૂ. 4430 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો એબિટા રૂ. 615 કરોડ પર રહ્યો હતો.
એસસીઆઈઃ પીએસયૂ કંપની શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 376.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 148 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1309 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1418.1 કરોડ પર જોવા મળી હતી.
એપોલો ટાયર્સઃ ટાયર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 427.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113 કરોડની સરખામણીમાં 277 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5578 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1015 કરોડ પર જોવા મળી હતી.
વેસ્ટલાઈફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 20.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 455 કરોડ સામે 22.3 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 556.3 કરોડ પર જોવા મળી હતી.
કેસ્ટ્રોલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 202.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 228 કરોડની સરખામણીમાં 11.3 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1235.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 4.7 ટકા વધી રૂ. 1293.9 કરોડ પર જોવા મળી હતી.
ADF ફૂડ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા 73 ટકા વધી રૂ. 26.5 કરોડ રહ્યો હતો. જ્યારે કંપનીની આવક 13.8 ટકા વધી રૂ. 123 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 5ના ડિવિડન્ડની ભલામણ કરી છે. જ્યારે શેરને રૂ. 2ની ફેસવેલ્યૂમાં સ્પ્લિટ કરાશે.
એસઆરએફઃ ડાયવર્સિફાઈડ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 562 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 510 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3469 કરોડ સામે 10 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3778 કરોડ પર જોવા મળી હતી.
ગોદરેજ એગ્રોવેટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 122 કરોડની સરખામણીમાં 75 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2081 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં એક ટકો ઘટી રૂ. 2095 કરોડ પર જોવા મળી હતી.
રેઈન ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 105.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 277 કરોડની સામે 62 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4437 કરોડ સામે 18 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 5254 કરોડ પર જોવા મળી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.