શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે પોઝીટીવ બંધ
વૈશ્વિક સ્તરે અગ્રણી બજારોમાં રજા
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા વધી 12.27ના સ્તરે બંધ
ઓટો, એનર્જી, રિઅલ્ટી, આઈટી, મેટલમાં મજબૂતી
બેંકિંગ, એફએમસીજીમાં નરમાઈ
સાયન્ટ, લાર્સન, આજીએલ, લિંડે ઈન્ડિયા નવી ટોચે
યુનાઈડેટ બ્રૂઅરિઝ, ઓરિએન્ટ ઈલે., વી-માર્ચ 52-સપ્તાહના તળિયે
યુરોપ સહિત અન્ય બજારોમાં રજા વચ્ચે ભારતીય શેરબજાર સાંકડી રેંજમાં વધ-ઘટ દર્શાવવા સાથે સાધારણ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 14 પોઈન્ટ્સ સુધારે 59,847ની સપાટીએ જ્યારે નિફ્ટી 25 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17624ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 સુધારો સૂચવતાં હતાં. જ્યારે 18 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ હતી. બીએસઈ ખાતે કુલ 3672 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2017 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1494 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 120 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ જ્યારે 41 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક બોટમ બનાવ્યું હતું. 364 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 132 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા વધી 12.27ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ રહી હતી. ગયા સપ્તાહાંતે ભારત સહિત યુએસ માર્કેટમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે રજા હોવાના કારણે બજારને લઈને કોઈ ખાસ વિદેશી સંકેતો નહોતાં. એશિયા ખાતે પણ હોંગ કોંગ જેવા બજારો બંધ હતાં. જોકે ચીનના બજારમાં નરમાઈ જોવા મળતી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17599ના બંધ સામે 17645ની સપાટી પર ખૂલી ઉપરમાં 17694ની ટોચ બનાવી એક તબક્ 17598ના બોટમ પર નેગેટિવ જોવા મળ્યો હતો. જોકે કામકાજની આખરમાં તે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 53 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 17677ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 61 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એ છે કે માર્કેટમાં નવી લોંગ પોઝીશનનો ઉમેરો થયો નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં ઊંચા સ્તરે દબાણ જોવા મળી શકે છે. છેલ્લાં બે સપ્તાહથી બજારે સ્થિરતા મેળવી છે. જોકે, તેના ટકવાને લઈને મોટાભાગના વર્ગમાં શંકા જોવા મળી રહી છે. તેમના મતે માર્કેટ 18 હજારનું સ્તર દર્શાવે તેવી શક્યતાં ખૂબ ઓછી છે. નિફ્ટી માટે 17500 અને 17300ના લેવલ્સ મહત્વના છે. 17300ની નીચે નિફ્ટી 17000ની નીચે જવાની સંભાવના ઊભી છે. જોકે, એક નાનો વર્ગ એવું પણ માનતો થયો છે કે માર્કેટમાં નેગેટિવ બાબતો ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. જે સ્થિતિમાં આગામી એક વર્ષમાં નિફ્ટી મહ્દઅંશે પોઝીટીવ ચાલ દર્શાવી શકે છે. જેની ટોચ 21-22 હજારની હોય શકે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, ઓએનજીસી, ગ્રાસિમ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ અને યૂપીએલનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ઘટવામાં બજાજ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, એયચૂએલ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ, નેસ્લે, બ્રિટાનિયાનો સમાવેશ થતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, એનર્જી, રિઅલ્ટી, આઈટી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. તાતા મોટર્સ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, એમઆરએફ આઈશર મોટર્સ જેવા ઓટો કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. મેટલ સેક્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદાલ્કો, નાલ્કો, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંકમાં મજબૂતી જોવા મળતી હતી. એનર્જી સેગમેન્ટમાં અદાણી ગ્રીન, ઓએનજીસી, પાવર ગ્રીડ, એનટીસી, બીપીસીએલ, એચપીસીએલ અને ગેઈલ સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ બેંક નિફ્ટી 0.5 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંકમાં ઘટાડો નીકળ્યો હતો. નિફ્ટી એફએમસીજીમાં પણ જ્યુબિલિઅન્ટ ફૂડ, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ, નેસ્લે, બ્રિટાનિયા, યુનાઈડેટ સ્પિરિટ્સ જેવા કાઉન્ટર્સ પાછળ ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 9 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત ડીએલએફ, પાવર ફાઈનાન્સ, તાતા મોટર્સ, આરઈસી, ઓએનજીસી, ડિક્સોન ટેક્નોલોજી, એપોલો ટાયર્સ, આદિત્ય બિરલા ફેશન, કેન ફિન હોમ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઘટવામાં આઈડીએફસી, પેટ્રોનેટ એલએનજી, હેવેલ્સ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, બજાજ ફાઈનાન્સ ટોચ પર હતાં. 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, સાયન્ટ, લાર્સન, આઈજીએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, મણ્ણાપુરમ ફાઈ., લિન્ડે ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે, બીજી બાજુ ઓરિએન્ટ ઈલેક્ટ્રીક, યુનાઈટેડ બ્રૂઅરિઝ, વી-માર્ટ રિટેલ અને શીપીંગ કોર્પોરેશન વાર્ષિક તળિયું દર્શાવી રહ્યાં હતાં.
રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલી વચ્ચે 9 ટકા સુધીનો ઉછાળો
ગયા સપ્તાહે આરબીઆઈની રાહત પછી માર્ચ ક્વાર્ટરમાં વિક્રમી પ્રોવિઝનલ સેલ્સ ડેટા પાછળ ખરીદી
રિઅલ એસ્ટેટ શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. ગયા સપ્તાહે સૌથી સારો દેખાવ દર્શાવ્યા પછી સોમવારે પણ નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 4.3 ટકા સાથે સૌથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ વ્યક્તિગત રિઅલ્ટી શેર્સમાં એક દિવસમાં 9 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.
રિઅલ્ટી શેર્સમાં ખરીદીનું મુખ્ય કારણ માર્ચ ક્વાર્ટર માટે ટોચના ડેવલપર્સ તરફથી રજૂ કરવામાં આવેલા વિક્રમી પ્રોવિઝ્નલ સેલ્સ આંકડાઓ છે. જેની પાછળ સોમવારે મોટાભાગની ટોચની કંપનીઓમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં ડીએલએફ, સોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મેક્રોટેક ડેવલપર્સ, ઓબેરોય રિઅલ્ટી અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ જેવી કંપનીઓનો સમાવેશ થતો હતો. તેઓ 1-9 ટકા સુધીનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. વિવિધ ડેવલપર્સમાં સોભાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 1463 કરોડ સાથે વિક્રમી ત્રિમાસિક વેચાણ હાંસલ કર્યું હતું. જે ત્રિમાસિક ધોરણે 3 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તેણે પ્રતિ ચો.ફૂટ રૂ. 9200ના સરેરાશ રિઅલાઈઝેશન સાથે રૂ. 5198 કરોડનું વિક્રમી વાર્ષિક વેચાણ નોંધાવ્યું છે. ગોદરેજ પ્રોપર્ટીઝે પણ માર્ચ ક્વાર્ટરમાં સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું છે. ગ્લોબલ બ્રોકરેજ કંપની જેફરિઝના જણાવ્યા મુજબ પ્રિમીયમ હાઉસિંગ માર્કેટમાં ઊંચી કામગીરી પાછળ મોટાભાગના લિસ્ટેડ ડેવલપર્સે માર્ચ ક્વાર્ટરમાં વિક્રમી પ્રિ-સેલ્સ ડેટા રજૂ કર્યો છે. જોકે, ઊંચા રેટને કારણે અફોર્ડેબલ સેગમેન્ટમાં વેચાણમાં વૃદ્ધિ નીચી જોવા મળે છે એમ તે ઉમેરે છે. હાલમાં ઈન્વેન્ટરી 11-વર્ષોના તળિયા પર જોવા મળી રહી છે. જે રિઅલ્ટી સેક્ટરના ફંડામેન્ટલને સપોર્ટ કરે છે. મુંબઈ સ્થિત મેક્રોટેકે ગયા નાણા વર્ષ દરમિયાન 34 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12064 કરોડનું વિક્રમી વેચાણ દર્શાવ્યું હતું. આરબીઆઈ તરફથી સતત રેટ વૃદ્ધિ પાછળ રિઅલ્ટી સેક્ટર પર દબાણ જોવા મળી રહ્યું હતું. જોકે, ગયા સપ્તાહે સેન્ટ્રલ બેંકે રેટ વૃદ્ધિમાં વિરામ લીધો હતો.
રિઅલ્ટી શેર્સનો સોમવારનો દેખાવ
કંપની છેલ્લો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
ગોદરેજ પ્રોપર્ટીઝ 1125.35 1222.8 8.66
પ્રેસ્ટીજ 419.45 447.5 6.69
DLF 382.9 404.5 5.64
પૂર્વંકારા 72.25 75.75 4.84
કોલ્ટે પાટીલ 258 270 4.65
બ્રિગેડ એન્ટ. 473.9 491.9 3.8
સોભા ડેવ. 450.35 463.75 2.98
આઈબુલ રિઅ. 54.75 55.85 2.01
હેમિસ્ફિઅર 90.55 92.25 1.88
તાતા જૂથ બેંગલૂરૂ સ્થિત વિન્સ્ટ્રોનનો આઈફોન પ્લાન્ટ ટેકઓવર કરવા તૈયાર
એપ્રિલ મહિનાની આખર સુધીમાં પ્લાન્ટ તાતાના હાથમાં આવે તેવી શક્યતાં
ભારત એપલ પ્રોડ્ક્ટ્સ માટે ઘરઆંગણે પ્રથમ પ્રોડક્શન લાઈન મેળવવા માટે તૈયાર છે. તાતા જૂથ એપ્રિલની આખર સુધીમાં વિસ્ટ્રોનનો બેંગલૂરૂ સ્થિત આઈફોન ઉત્પાદક પ્લાન્ટ ટેકઓવર કરવા સાથે આ શક્ય બનશે એમ વર્તુળો જણાવે છે. તે ભારત માટે એપલ પ્રોડક્ટ્સ માટેની પ્રથમ હોમગ્રોન પ્રોડક્શન લાઈન હશે.
એક માધ્યમના રિપોર્ટ અનુસાર જૂથે સંસ્થાકિય ફેરફારો કરવાના શરૂ કરી દીધાં છે. વિન્સ્ટ્રોન સાથે ટેકઓવર પ્રક્રિયાના ભાગરૂપે નક્કી થયા મુજબ ફેક્ટરી ખાતે 2000 કામદારોને દૂર કરવામાં આવે તેવી શક્યતાં છે. પ્લાન્ટ ખાતે મીડ-લેવલના 400 આસપાસ કર્મચારીઓ પણ દૂર કરવામાં આવે તેવી શક્યતાં છે. આ ઉપરાંત ચારથી પાંચ સિનિયર-લેવલ એક્ઝિક્યુટીવ્સને પણ કંપની છોડવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક અટકળ મુજબ પ્લાન્ટને ટેકઓવર કર્યાં પછી ભારતીય કોન્ગ્લોમેરટ ત્યાં આઈફોન 15નું ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતાં છે. હાલમાં, વિસ્ટ્રોનના ભારત સ્થિત પ્લાન્ટ ખાતે આઈફઓન 12 અને આઈફોન 14નું ઉત્પાદન થાય છે. પ્લાન્ટ આંઠ પ્રોડક્શન લાઈન્સ ધરાવે છે. તાતા તરફથી બેંગલૂરુ પ્લાન્ટને ટેકઓવર કર્યાં બાદ વિસ્ટ્રોન ભારતીય બજારમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. કેમકે ભારતમાં એપલ પ્રોડ્ક્ટ્સના ઉત્પાદન માટે તેનો આ એકમાત્ર પ્લાન્ટ છે. એપલ પ્રોડક્ટ્સ માટે ભારત 60 કરોડ ડોલરનું માર્કેટ હોવાનો અંદાજ છે. એપલ જ્યારે ચીન ખાતેથી તેના ઉત્પાદનને ભારત ખાતે શિફ્ટ કરવા માટે વિચારી રહ્યું છે ત્યારે આ ટેકઓવર મહત્વની ઘટના છે. ગયા વર્ષે, કેલિફોર્નિયા સ્થિત ક્યૂપર્ટિનોએ તેના 25 ટકા જેટલો વૈશ્વિક ઉત્પાદનને ભારત ખાતે ખસેડવાની જાહેરાત કરી હતી. હાલમાં ભારતમાં એપલ પ્રોડક્ટ્સનં ઉત્પાદન કરી રહેલી ત્રણ કંપનીઓમાંથી વિસ્ટ્રોન ભારત છોડી રહી છે. જ્યારે પેગાટ્રોન અને ફોક્સકોન તેમની હાજરી જાળવી રાખશે. આ બંને કંપનીઓ ભારતમાં તેમની પ્રોડક્શન લાઈન્સમાં ઉમેરો કરી રહી છે. તાતાએ એપલ સાથે તેના બિઝનેસના વિસ્તરણ માટે વિવિધ પગલાં ભર્યાં છે. જેમાં તમિલનાડુ ખાતેના પ્લાન્ટમાં વધુ નિમણુંકોનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ ખાતે આઈફોન માટેના કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. માર્કેટમાં એક અટકળ એવી પણ ચાલી રહી છે કે તાતા આઈફોન માટેના પેગાટ્રોનના મેન્યૂફેક્ચરિંગની પણ ખરીદી કરશે.
ફ્યુચર રિટેલની એસેટ્સ ખરીદવામાં અદાણી જૂથ અને રિલાયન્સ રિટેલે રસ દર્શાવ્યો
આ ઉપરાંત જિંદાલ પાવર, યૂકે સ્થિત ટ્રાવેલ રિટેલર ડબલ્યુએચ સ્મિથ ટ્રાવેલ, કેટલાંક સ્ક્રેપ ડિલર્સ અને વેસ્ટ રિસાયક્લર્સનો સહિત 49 કંપનીઓ સ્પર્ધામાં
ગયા વર્ષે નાદાર બનેલી ફ્યુચર રિટેલની એસેટ્સ ખરીદવા માટે અદાણી ગ્રૂપ તથા અગાઉ કંપની ખરીદવા તૈયાર રિલાયન્સ રિટલે રસ દર્શાવ્યો છે. પ્રોસ્પેક્ટીવ રેઝોલ્યુશન એપ્લિકેન્ટ્સ(PRA)ની યાદીમાં નામ ધરાવનાર અન્ય પ્રતિષ્ઠિત નામોમાં જિંદાલ પાવર, યૂકે સ્થિત ટ્રાવેલ રિટેલર ડબલ્યુએચ સ્મિથ ટ્રાવેલ, કેટલાંક સ્ક્રેપ ડિલર્સ અને વેસ્ટ રિસાયક્લર્સનો સમાવેશ થતો હોવાનું એક મિડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
અગાઉ નવેમ્બર 2022માં પ્રગટ થયેલાં ફાઈનલ પીઆરએ લિસ્ટમાં રિલાયન્સ, અદાણી અને ડબલ્યુએચ સ્મિથના નામોનો સમાવેશ થતો હતો. જેસી ફ્લાવર્સ એસેટ રિકન્ટ્ર્ક્શન નવો પ્રવેશક છે. અગાઉ યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલી કંપનીઓમાંથી એકપણ કંપની ડેડલાઈનને લંબાવવામાં આવ્યાં પછી પણ રેઝોલ્યુશન પ્લાન્સ લઈને નહોતી આવી. છેલ્લી ડેડલાઈન 20 ફેબ્રુઆરીની હતી. એપ્લિકેન્ટ્સે સમગ્ર કંપની માટે બીડ સબમિટ કરવાનું રહેતું હતું અથવા તો તેઓ ક્લસ્ટર્સ માટે બીડ કરી શકતાં હતાં. એપ્લિકેન્ટ કંપનીઓ પાંચ ક્લસ્ટર્સ માટે અરજી કરી શકતી હતી. ફ્યુચલ રિટેલ લોન ચૂકવણીમાં નાદાર બનતાં લેન્ડર બેંક ઓફ ઈન્ડિયા તેને બેન્ક્ટ્રપ્સી પ્રક્રિયામાં ઘસડી ગયો હતો. ફ્યુચર્સના પ્રમોટર કિશોર બિયાણીએ સસ્પેન્ડેડ બોર્ડમાંથી તથા પાછળથી જાન્યુઆરીમાં કંપનીના ચેરમેન અને ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, પાછળથી રેઝોલ્યુશન પ્રોફેશ્નલે વાંધો રજૂ કરતાં બિયાણીએ રાજીનામું પરત ખેંચ્યું હતું. અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓગસ્ટ 2022માં ફ્યુચર જૂથના એકાઉન્ટ્સના નાણા વર્ષ 2019-20, 2020-21 અને 2021-22ના ફોરેન્સિક ઓડીટ માટે આદેશ કર્યો હતો. ફ્યુચર રિટેલ્સની એસેટ્સ ફ્યુચર જૂથની 19 કંપનીઓનો ભાગ હતી. જૂથ કંપનીઓ રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક અને વેરહાઉસિંગ સેગમેન્ટ્સમાં સક્રિય હતી. જેને રિલાયન્સ રિટેલે રૂ. 24,713 કરોડમાં ટેકઓવર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ડિલની જાહેરાત ઓગસ્ટ 2022માં કરવામાં આવી હતી. જોકે, એમેઝોન અને રિલાયન્સ વચ્ચે કાનૂની લડાઈ વચ્ચે લેન્ડર્સે રૂ. 24,713 કરોડના ડીલને ફગાવ્યું હતું. પીઆરએ માટેનું ફાઈનલ લિસ્ટ 13 એપ્રિલના રોજ પ્રગટથયું હતું. જ્યારે રેઝોલ્યુશન પ્લાન્સ રજૂ કરવા માટેની ડેડલાઈન 15 મે નિર્ધારિત કરવામાં આવી છે.
એપલે બેંગલૂરું ખાતે 10-વર્ષ માટે 1.17 લાખ ચો.ફૂટ જગ્યા લીઝ પર લીધી
આઈઓન ઉત્પાદક એપલે બેંગલૂરુ તે એક કમર્સિયલ બિલ્ડીંગમાં 10-વર્ષો માટે રૂ. 2.44 કરોડના માસિક ભાડા સાથે કેટલાંક માળ ભાડા પર લીધાં છે. કંપનીએ પ્રેસ્ટી મિન્સ્ક સ્ક્વેર ખાતે કુલ 1,16,888 ચો.ફીટ જગા લીધી છે. આઈપેડ ઉત્પાદક ત્રણ આખા ફ્લોર તથા બે ફ્લોર પર આંશિક હિસ્સો ધરાવશે. આ માટેનું પેમેન્ટ ચૂકવણું 1 જુલાઈથી શરુ થશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભાડામાં દર ત્રણ વર્ષે 15 ટકાના દરે વૃદ્ધિ થશે. તથા બંને પક્ષો માટે પાંચ વર્ષનો લોક-ઈન પિરિયડ જોવા મળશે. એપલ અધિક પાંચ વર્ષ માટે લિઝને રિન્યૂ કરી શકશે. ડીલમાં એપલે એક જોગવાઈમાં તેની હરિફ કંપનીઓને બિલ્ડિંગમાં રેન્ટ પર સ્પેસ નહિ આપવા માટે કરાર કર્યો છે. આ કંપનીઓમાં આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, સેમસંગ, શાઓમી, એમેઝોન, હૂવેઈ, નેટફ્લિક્સ, ફેસબુક, સ્પોટીફાઈ, બાઈડુ અને ટેન્સેન્ટનો સમાવેશ થાય છે. હાલમાં, ભારત એપલના વૈશ્વિક ઉત્પાદનનો 5-7 ટકા હિસ્સો ધરાવે છે. આગામી વર્ષોમાં તે 25 ટકા ઉત્પાદનનો ટાર્ગેટ ધરાવે છે. ગયા વર્ષે, જેપી મોર્ગને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે એપલ 2025 સુધીમાં તેના ચાર આઈફોન્સમાંથી એકનું ઉત્પાદન ભારતમાં કરતી હશે. ચાલુ મહિનાની શરૂમાં એપલે મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ ડ્રાઈવ મોલ ખાતે એપલ સ્ટોર માટે 133-મહિનાની લીઝ સાઈન કરી હતી.
તાતા ઈન્શ્યોરન્સ સહિતની કંપનીઓ એર ઈન્ડિયાને 10-અબજ ડોલરનું કવર પૂરું પાડશે
એરલાઈન કંપની ચાલુ નાણા વર્ષથી 3 કરોડ ડોલરનું પ્રિમીયમ ભરશે
તાતા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ અને અન્ય વીમા કંપનીઓએ એર ઈન્ડિયાતથા તેની સબસિડિયરી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લિટને 10 અબજ ડોલરનું ઈન્શ્યોરન્સ કવર પૂરું પાડવા માટેનો મેન્ડેટ મેળવ્યો છે. આ માટે એરલાઈન 1 એપ્રિલથી શરૂ થતાં નાણાકિય વર્ષ માટે 3 કરોડ ડોલર(રૂ. 246 કરોડ)નું પ્રિમિયમ પણ ભરશે. જે ગયા નાણા વર્ષની સમકક્ષ જ છે.
એરલાઈન કંપનીની માલિક એવી તાતા સન્સે તેની પોતાની સબસિડિયરી તાતા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સને આ માટે લીડ ઈન્શ્યોરર તરીકે પસંદ કરી છે. કંપની તેને ઈન્શ્યોરન્સ પ્રિમીયમનો મોટો હિસ્સો ચૂકવશે. ગયા વર્ષે કોન્સોર્ટિયમના લીડર તરીકે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ હતો. તાતા એઆઈજીને કુલ પ્રિમીયમનો લગભગ 36 ટકા હિસ્સો મળશે. તેમજ કોન્સોર્ટિયમના અન્ય સભ્યોની સરખામણીમાં તે ઊંચો રિસ્ક હિસ્સો પણ ધરાવશે. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ યુક્રેનમાં વોર છતાં એરલાઈન કંપની તમામ ફ્લિટ માટે સારો ઈન્શ્યોરન્સ રેટ્સ મેળવવામાં સફળ રહી છે. એર ઈન્ડિયા ચાલુ નાણા વર્ષ દરમિયાન વધુ વિમાનો ઉમેરવાનું આયોજન ધરાવે છે. જેને ધ્યાનમાં રાખી તેણે ગયા નાણા વર્ષે લીધેલાં 8 અબજ ડોલરના કવરને વધારી 10 અબજ ડોલરનું કર્યું છે. જે એર ઈન્ડિયાના 140 વિમાનો અને એર ઈન્ડિયા એક્સપ્રેસના 26 નેરો-બોડી વિમાનોને પૂરું પાડવામાં આવશે.
અદાણી પાવરનો બાંગ્લાદેશને વીજ સપ્લાય શરૂ
કોંગ્લોમેરટ અદાણી જૂથની અદાણી પાવરના ઝારખંડ સ્થિત ગોડ્ડા પ્લાન્ટે 800 મેગાવોટની ક્ષમતા સાથેના અલ્ટ્રા સુપર-ક્રિટિકલ થર્મલ પાવર જનરેશન યુનિટનો આરંભ કર્યો છે અને તેમાંથી 748 મેગાવોટનો પાવર સપ્લાય બાંગ્લાદેશને આપવાનું શરૂ કર્યું છે. આ પ્લાન્ટ ગોડ્ડામાંથી સપ્લાય કરવામાં આવતી વીજળી પ્રવાહી બળતણમાંથી ઉત્પન્ન થતી મોંઘી શક્તિનું સ્થાન લેવા સાથે ખરીદેલી વીજળીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરનાર હોવાથી પડોશી દેશની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ લાવશે. તે સો ટકા ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), SCR અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે પ્રથમ દિવસથી જ તેની કામગીરી શરૂ કરનાર દેશનો આ પ્રથમ પાવર પ્લાન્ટ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોલ ઈન્ડિયાઃ માર્ચમાં દેશમાં કોલ ઉત્પાદન 10.784 કરોડ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 9.626 કરોડ ટન સામે 12 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સમયગાળામાં દેશમાંથી કોલની રવાનગી 7.5 ટકા વધી 8.318 કરોડ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 7.738 કરોડ ટન પર હતી. કોલ ઈન્ડિયાએ વાર્ષિક 4 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે એસસીસીએલે 8.5 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની ઈપીસી કંપની ન્યૂ દિલ્હી સ્ટેશનના સમારકામ માટે રૂ. 8740 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ માટે સૌથી નીચા બિડર તરીકે ઊભરી છે. આ અહેવાલ પાછળ સોમવારે કંપનીનો શેર લગભગ 2 ટકા ઉછળી રૂ. 2320ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો.
એન્જીનીયર્સ ઈન્ડિયાઃ પીએસયૂ ઈપીસી કંપનીએ યૂએઈની એડનોક ઓફશોર પાસેથી એક માઈનોર એન્જીનીયરીંગ કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. કંપનીએ ઓફશોર ફેસિલિટીઝ માટે રૂ. 31.50 કરોડના મૂલ્યનો આ ઓર્ડર મેળવ્યો છે. કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 8800 કરોડ આસપાસ જોવા મળી રહી છે.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રોકાર્બન કંપનીના બોર્ડે મેંગલોર સેઝના 1.15 કરોડ શેર્સની ખરીદી માટે મંજૂરી આપી છે. તે આઈએલએન્ડએફએસ પાસેથી રૂ. 40.32 કરોડમાં આ શેર્સની ખરીદી કરશે. દરમિયાનમાં ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ કંપનીને આગામી સમયગાળામાં નોંધપાત્ર લાભ થશે એમ એનાલિસ્ટ્સ માની રહ્યાં છે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપનીએ એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી રૂ. 150 કરોડના ફંડ માટે કમિટમેન્ટ મેળવ્યું છે. કંપની તરફથી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે આ ફંડ ઊભું કરવામાં આવશે. તાતા પાવરની સબસિડિયરી તાતા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન આ ફંડનો ઉપયોગ ગ્રીડ વિસ્તરણમાં કરશે.
રાષ્ટ્રીય ઈસ્પાતઃ જાહેર ક્ષેત્રની કંપનીએ જણાવ્યું છે કે તે ભારતીય રેલ્વેની માગને પૂરી કરવા માટે ચાલુ વર્ષે 55000 વ્હીલ્સનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ ધરાવે છે. કંપનીએ ઉત્તર પ્રદેશ ખાતે વાર્ષિક 1 લાખ ફોર્જ્ડ વ્હીલ્સ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટની રૂ. 2350 કરોડના ખર્ચે સ્થાપના કરી છે. તેણે 2022-23માં રેલ્વને 2465 લોકો વ્હીલ્સ અને 2639 એલએચબી વ્હીલ્સ સપ્લાય કર્યાં હતાં.
એનટીપીસીઃ પીએસયૂ પાવર જાયન્ટે 2022-23 દરમિયાન કેપ્ટિવ કોલ માઈન્સના ઉત્પાદનમાં 65 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. 2021-22માં 1.40 કરોડ ટન સામે ગયા વર્ષે તેણે 2.32 કરોડ ટન કોલ ઉત્પાદન દર્શાવ્યું હતું. તેણે 7.3 કરોડ ક્યુબિક મીટર્સ સાથે વિક્રમી એન્યૂલ ઓવરબર્ડન દૂર કરવાનું સીમાચિહ્ન નોંધાવ્યું હતું. જે અગાઉના વર્ષે 3.19 કરોડ ક્યુબિક મીટર્સ પર હતું.
આઈઆઈએફએલ ફાઈનાન્સઃ કંપનીએ એક્સપોર્ટ ડેવલપમેન્ટ કેનેડા અને ડોઈશે બેંક પાસેથી 10 કરોડ ડોલરનું ફંડીંગ મેળવ્યું છે.
રેલ વિકાસ નિગમઃ રેલ્વેની કંપની મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ. 380 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
પીએનસી ઈન્ફ્રાઃ કંપનીએ હરિયાણા રેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી રૂ. 771 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ માટેનો ઓર્ડર લેટર મેળવ્યો છે.