બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડ તરફથી નરમ વલણના સંકેત પાછળ શેરબજારોમાં તેજી
નિફ્ટીએ આંઠમા દિવસે સુધરી 18800ની સપાટી પાર કરી
નિફ્ટી ફ્યુચર્સ 18999ને સ્પર્શ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.26 ટકા ગગડી 13.36ની સપાટીએ
આઈટી, મેટલ, રિઅલ્ટી, મિડિયામાં લેવાલી
ઓટો, એફએમસીજી, ફાર્મા નરમ
એસ્કોર્ટ્સ, ભેલ, લાર્સન નવી ઊંચાઈએ
મેડપ્લસ હેલ્થમાં નવું તળિયું
યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે બ્રૂકિંગ્સ ખાતેના પ્રવચનમાં ડિસેમ્બરથી જ રેટ વૃદ્ધિની ગતિ ધીમી પડે તેવો સંકેત આપતાં વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક તેજી જોવા મળી હતી. જેની પાછળ ભારતીય બજારોએ આઁઠમા દિવસે સુધારો જાળવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 184 પોઈન્ટ્સ ઉછળી 63284ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 54 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18813 પર બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે 63583ની ટોચ દર્શાવી હતી. લાર્જ-કેપ્સમાં વ્યાપક લેવાલીને કારણે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 22 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી અને તેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.3 ટકા ગગડી 13.36ના તાજેતરના તળિયા પર જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં વધ-ઘટમાં ઘટાડો જોવા મળી શકે છે.
બુધવારે વોશિંગ્ટન ખાતે ફેડ ચેરમેને ડોવિશ ટોન દર્શાવતાં યુએસ બેન્ચમાર્ક્સમાં 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નાસ્ડેક 4.5 ટકા ઉછળી 11468ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 2.2 ટકા ઉછળી 34590ની ઘણા મહિનાઓની ટોચ પર જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. ભારતીય બજારે કામકાજની પોઝીટીવ શરૂઆત દર્શાવ્યા બાદ સાંકડી રેંજમાં ટ્રેડિંગ જાળવ્યું હતું અને આંઠમા સત્રમાં સુધારા સાથે બંધ આપ્યું હતું. નિફ્ટી કેશમાં ઉપરમાં 18888ની ટોચ જોવા મળી હતી. જ્યારે નિફ્ટી ફ્યુચર્સ 18999 પર ટ્રેડ થયો હતો. આમ તે લગભગ 19 હજાર પર પહોંચી ગયો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી શોર્ટ-ટર્મમાં ઓવરબોટ જોવા મળે છે અને તેથી એક નાનો વિરામ લઈ શકે છે. આ સ્થિતિમાં અગાઉની ટોચ 18600નું સ્તર એક નજીકનો સપોર્ટ બનશે. જેની નીચે 18300નો સપોર્ટ મળી શકે છે. માર્કેટ છેલ્લાં બે સત્રોથી ઈન્ટ્રા-ડે કરેક્શન્સ આપીને પરત ફરી જાય છે અને બજારમાં તેજી જળવાયેલી રહે છે. નવેમ્બર એક્સપાયરી અગાઉના બે સત્રોથી લઈ ગુરુવાર સુધીમાં સતત આંઠ સત્રોમાં બજારે પોઝીટીવ બંધ દર્શાવ્યું છે. જેને જોતાં એક કોન્સોલિડેશન અપેક્ષિત છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ આ પહેલા 19000નું સાયકોલોજિકલ લેવલ જોવા મળે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. ગુરુવારે નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં ટાટા સ્ટીલ ટોચ પર હતો. આ ઉપરાંત હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, વિપ્રો, લાર્સન, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ યુપીએલ, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સિપ્લા, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, એમએન્ડએમ, એચયૂએલ, બીપીસીએલ અને ઓએનજીસીમાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગમાં સુધારો જળવાયો હતો. ખાસ કરીને પીએસયૂ બેંક્સમાં બે દિવસની નરમાઈ બાદ ખરીદી નીકળી હતી અને તે 2.11 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ બેંકનિફ્ટીએ પણ 43515ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. પીએસયૂ કાઉન્ટર્સમાં પીએનબી, બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં 4 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. પ્રાઈવેટ બેંકિંગમાં ફેડરલ બેંક, એચડીએફસી બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પોઝીટીવ જોવા મળ્યાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં ભારે લેવાલી પાછળ નિફ્ટી આઈટી 2.4 ટકા મજબૂતી સાથે છ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ 6 ટા, એલએન્ડટી ઈન્ફોટેક 4 ટકા, ટીસીએસ 2.5 ટકા, ટેક મહિન્દ્રા 2.3 ટકા, કોફોર્જ 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.5 ટકા ઉછળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય વેદાંત, એનએમડીસી, નાલ્કો, સેઈલ વગેરેમાં પણ લેવાલી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 2 ટકા ઉછળ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 4.5 ટકા ઉછળ્યો હતો. જ્યારે તે ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ વગેરેમાં પણ સુધારો જોવા મળતો હતો. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. જ્યારે એફએમસીજી, ફાર્મા અને ઓટોમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ ખાતે પિરામલ એન્ટરપ્રાઈઝ, દાલમિયા ભારત, પર્સિસ્ટન્ટ, જેકે સિમેન્ટ, અતુલ, ડિક્સોન ટેક્નોલોજી, રેઈન ઈન્ડસ્ટ્રીઝ મજબૂત સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ શ્રીરામ ટ્રાન્સપોર્ટ, આઈજીએલ, જીએસપીસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, કોલગેટ, યૂપીએલમાં નરમાઈ જોવા મળી હતી. એસ્કોર્ટ્સ કુબોટા, લાર્સન, ભેલ અને બ્રિટાનિયા વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યાં હતાં. જ્યારે મેડપ્લસ હેલ્થે તળિયું દર્શાવ્યું હતું.
બીજા તબક્કામાં ડિજિટલ રૂપી પાયલોટને વધુ નવ શહેરોમાં લઈ જવાશે
જેમાં અમદાવાદ ઉપરાંત પટણા, કોચી, લખનૌ, શિમલા અને ઈન્દોરનો સમાવેશ થતો હશે
શરૂઆતમાં CBDCનો ઉપયોગ ક્લોઝ યૂઝર ગ્રૂપમાં હાથ ધરાશે, જેમાં કસ્ટમર્સ અને મર્ચન્ટ્સનો સમાવેશ થશે
CBDCને કારણે કરન્સી મેનેજમેન્ટ પાછળના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરી શકાશે
વિશ્વમાં બહામાસે 2019માં સૌપ્રથમ સેન્ડ ડોલર નામે સીબીડીસી એટલેકે ડિજીટલ કરન્સી લોંચ કરી હતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ડિજીટલ રૂપી(CBDC)ને લોંચ કર્યો હતો. જેને સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી તરીકે ઓળખવામાં આવે છે. લોંચના પ્રથમ તબક્કામાં તેને ત્રણ મેટ્રો મુંબઈ, દિલ્હી અને બેંગલૂરૂ ઉપરાંત ભૂવનેશ્વર ખાતે રજૂ કરાયો હતો. પ્રથમ તબક્કામાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક ભાગ લઈ રહી છે. જોકે બીજા તબક્કામાં નોંધપાત્ર સંખ્યામાં બેંકો જોડાશે. બીજા તબક્કામાં નવ શહેરોને ઉમેરવામાં આવશે. જેમાં અમદાવાદ, પટણા, લખનૌ, શિમ્લા, કોચી, ઈન્દોર, હૈદરાબાદ, ગૌહાતી અને ગંગટોકનો સમાવેશ થતો હતો. આમ પ્રથમ, દ્વિતીય અને તૃતિય, ત્રણેય શ્રેણીના શહેરોમાં ડિજીટલ રૂપીનું પ્રયોગાત્મક લોંચ જોવા મળશે.
વૈશ્વિક સ્તરે જોઈએ તો ચીન ઉપરાંત કેટલાંક યુરોપિયન દેશો તથા નાના દેશો જેવાકે જમૈકા, ઘાના પણ સીબીડીસી પ્રોડક્ટ્સ માટેની શક્યતાં ચકાસી રહ્યાં છે, ત્યારે ભારતીય સેન્ટ્રલ બેંકરે ઝડપથી તેનો પાયલોટ પણ લોંચ કરી દીધો છે. શરૂઆતમાં પાયલોટ એક ક્લોઝ યૂઝર ગ્રૂપ(CUG) વચ્ચે રન કરવામાં આવશે. જેમાં કસ્ટમર્સ અને મર્ચન્ટ્સનો સમાવેશ થતો હશે. બહામાસે લોંચ કરેલો સેન્ડ ડોલર એ વિશ્વની સૌપ્રથમ સીબીડીસી એટલેકે ડિજીટલ કરન્સી છે. જેને સેન્ટ્રલ બેંકર્સની માન્યતા મળી છે. તેને 2019ના વર્ષમાં લોંચ કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતોના મત મુજબ સીબીડીટીને કારણે એક કાર્યદક્ષ ઉપરાંત સસ્તી કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી થશે. સીબીડીટી સેટલમેન્ટ્સને કારણે સિસ્ટમમાં જોખમમાં ઘટાડો થશે.તેમજ તેને કારણે ટ્રાન્ઝેક્શન્સની નિશ્ચિતતાની ખાતરી વધશે. ડિજીટલરુપીને લઈને અહીં કેટલીક બેઝિક માહિતી આપી છે.
રિટેલ ડિજીટલ રૂપી શું છે?
આરબીઆઈના જણાવ્યા મુજબ CBDC એ સેંટ્રલ બેંકે ઈસ્યુ કરેલું લીગલ ટેન્ડર જ છે. તે દેશના કાયદેસર ચલણ સમાન છે તેમજ દેશની ફિઆટ કરન્સીની સામે તે એક-જેમ-એમના વિનિયમમાં જ એક્સચેન્જ થઈ શકે છે. માત્ર તેનું સ્વરૂપ અલગ છે. અત્યાર સુધી વપરાશમાં પેપર કરન્સી કે કોઈન્સ હતાં. હવેથી ડિજીટલ કરન્સીનો પણ સમાવેશ થયો છે.
રિટેલ CBDCનો ઉપયોગ કોણ કરી શકે?
• પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલૂરૂ અને ભૂવનેશ્વરને આવરી લેવામાં આવશે.
• પાયલોટ પ્રોજેક્ટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક ભાગ લઈ રહી છે.
• ધીમે-ધીમે ડિજિટલ કરન્સી સેવાને અન્ય શહેરોમાં તથા બેંકો સુધી લંબાવવામાં આવશે.
ડિજીટલ રૂપી કેવી રીતે કામ કરશે?
વપરાશકારો પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલી બેંક્સ તરફથી ઓફર કરવામાં આવેલા ડિજીટલ વોલેટ મારફતે ઈરૂપીથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. તેઓ તેને મોબાઈલ ફોન્સ અને ડિવાઈસિસમાં સ્ટોર પણ કરી શકશે.
• આ ટ્રાન્ઝેક્શન્સ વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિથી મર્ચન્ટ વચ્ચે હશે. જે ક્યૂઆર કોડ્સ મારફતે શક્ય બનશે.
ડિજીટલ રૂપીની જરૂર શા માટે?
• ફિઝિકલ કેશના સંચાલનમાં લાગતાં મોટા કામકાજી ખર્ચના ઘટાડા માટે.
• બે દેશો વચ્ચેના પેમેન્ટ્સમાં ઈનોવેશનને વેગ આપવા માટે.
• મની લોન્ડરિંગ, ટેરર ફાઈનાન્સિંગ, પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સિઝ જેવીકે બિટકોઈન, ઈથર વગેરે મારફતે ટેક્સ ચોરીને અટકાવવા માટે.
SBI પાસેથી રૂ. 16K કરોડની લોન માટે Viની મંત્રણા
જોકે સરકાર તરફથી વીમાં સંભવિત શેરહોલ્ડિંગ અંગે નિર્ણયની રાહ જોઈ રહેલી બેંક
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર અને કેશની તંગી અનુભવી રહેલા વોડાફોન આઈડિયા રૂ. 15-16 હજાર કરોડની લોન માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે વાતચીત ચલાવી રહી હોવાનું વર્તુળો જણાવે છે. કંપનીને તેની 4જી મૂડીખર્ચ માટે તથા 5જી રોલઆઉટ માટે ગિયર સપ્લાયને ફંડ કરવા જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે તાત્કાલિક નાણાની જરૂર છે. સાથે વેન્ડરને ચૂકવવાના થતાં નાણા માટે પણ તે લિક્વિડીટીની જરૂરિયાત અનુભવી રહી છે.
કંપની એસબીઆઈ સાથે લગભગ છેલ્લાં એક મહિનાથી ડેટ મારફતે ફંડ ઊભું કરવા માટે વાતચીત ચલાવી રહી છે. જોકે હાલમાં તે અટકી પડી છે. કેમકે બેંક વીમાં સરકારના સંભવિત શેરહિસ્સાને લઈને સ્પષ્ટતા ઈચ્છી રહી છે. સાથે તે કંપનીના બિઝનેસ સ્કેલ-અપ પ્લાન્સને લઈને પણ શું સ્થિતિ છે તે સમજવા પ્રયત્ન કરી રહી છે. બેંકર જણાવે છે કે કંપની સાથે વાતચીત ચાલી રહી છે. જોકે તે હજુ શરૂઆતી તબક્કામાં છે. બેંક તરફથી કંપની પાસે કેટલીક સ્પષ્ટતાઓની માગણી કરવામાં આવી છે. જેમાં સરકાર ટેલિકોમ કંપનીના ઈન્ટરેસ્ટની લાયેબિલિટીને ક્યારે ઈક્વિટીમાં રૂપાંતરિત કરશે તેમજ તેનો ભાવિ બિઝનેસ પ્લાન શું છે જેવી બાબતોનો સમાવેશ થાય છે. એક અન્ય વર્તુળના જણાવ્યા મુજબ વીના પ્રસ્તાવને એસબીઆઈની એપેક્સ ક્રેડિટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. એકવાર ખોટ કરતી કંપની તરફથી વિસ્તરણ પ્લાન અંગે સ્પષ્ટતાં મેળવ્યાં બાદ જ બેંક ટર્મ્સ અંગે આખરી નિર્ણય લેશે. દરમિયાનમાં 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 23400 કરોડ પરથી વીનું બેંક્સ અને નાણા સંસ્થાઓનું દેવું ઘટીને 2022-23ના બીજા ક્વાર્ટરમાં રૂ. 15080 કરોડ પર જોવા મળ્યું હતું.
કોટનમાં ઊંચા ભાવો પાછળ મિલોના વપરાશમાં 20 ટકાનો ઘટાડો
2021-22માં માસિક 24.5 લાખ ગાંસડી સામે નવા વર્ષે બે મહિનામાં 20.5 લાખ ગાંસડીનો વપરાશ
2020-21માં ગોલ્ડન પિરિયડમાં વપરાશ 26.5 લાખ ગાંસડી પર જોવા મળ્યો હતો
ખેડૂતો ઊંચા ભાવ જોઈ ગયા હોવાથી નીચા ભાવે માલ વેચવાથી દૂર
ડિસેમ્બરની ફ્લશ સિઝનમાં પણ સરેરાશ દૈનિક આવકો 1.1 લાખ ગાંસડી પર
ચાલુ સિઝનમાં કોટન મિલ્સના વપરાશમાં લગભગ 20 ટકાનું ગાબડું પડ્યું છે. ઓક્ટોબરથી શરૂ થયેલી નવી સિઝન(2022-23)માં માસિક ધોરણે સ્પીનીંગ મિલ્સનો વપરાશ 20.5 લાખ ગાંસડીથી 21 લાખ ગાંસડી આસપાસ જોવા મળ્યો છે. જે ગયા વર્ષે 24.5 લાખ ગાંસડી પર હતો. જ્યારે તેના અગાઉના વર્ષે 26.5 લાખ ગાંસડી પર જળવાયો હતો. સ્થાનિક બજારમાં કોટનના ઊંચા ભાવ જ્યારે વૈશ્વિક સ્તરે નીચી માગને કારણે યાર્ન ઉત્પાદકો 60-65 ટકા કામ કરી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત તાજેતરમાં ક્રૂડના ભાવમાં ઘટાડા પાછળ પીવીસીના ભાવ ઘટવાને કારણે મિલોએ તેમનો ઉપયોગ વધાર્યો હોવાનું તેઓ જણાવે છે.
ગુરુવારે ડિસેમ્બર મહિનો શરૂ થવા છતાં કોટનની આવકો જોઈએ તેટલી જોવા મળી રહી નથી. સામાન્યરીતે ડિસેમ્બરમાં કોટનની આવકો 1.5 લાખ ગાંસડીથી 2 લાખ ગાંસડી તથા ક્યારેક 2 લાખ ગાંસડીથી ઉપર જોવા મળતી હોય છે. ચાલુ સિઝનમાં કોટનનું ઉત્પાદન 3.5 કરોડ ગાંસડીથી નીચું રહેવાની કોઈ શક્યતાં નથી ત્યારે તેમજ ભાવ પણ સારા મળી રહ્યાં છે ત્યારે આવકો ઊંચી જોવા મળશે તેમ માનવામાં આવતું હતું. જોકે આમ બન્યું નથી. સપ્તાહ અગાઉ 1.3 લાખ ગાંસડી આસપાસ જોવા મળતી આવકો હાલમાં ઘટી છે. જેનું મુખ્ય કારણ ગુજરાતમાં ચૂંટણીને કારણે આવકોમાં નોંધાયેલો ઘટાડો છે. રાજ્યમાં 45 હજાર ગાંસડી પર પહોંચી ગયેલી આવકો હાલમાં 30-35 હજાર ગાંસડી પર જોવા મળે છે. પંજાબમાં પણ આવકોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં આવકો માત્ર 20 હજાર ગાંસડી પર જોવા મળી રહી છે. વર્તુળોના મતે ખેડૂતોને ગઈ સિઝનમાં રૂ. 1800-2000 પ્રતિ મણના સરેરાશ ભાવ મળ્યાં હતાં. જેની સામે હાલમાં રૂ. 1600-1800ની રેંજમાં ભાવ ઉપજી રહ્યાં છે. જે તેમને નીચા જણાય રહ્યાં છે અને તેથી તેઓ બજારમાં ખૂબ નીચો માલ લાવી રહ્યાં છે. ચાલુ સિઝનમાં ઘણા ખેડૂતો તેમના નજીકના જિનર્સને ત્યાં ઝાંઘડ(અનામત) માલ મૂકી આવે છે. જેમાં ભાવ ચોક્કસ તારીખને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. હાલમાં જીનર્સને રૂ. 4 હજારથી વધુની ડિસ્પેરિટીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને વધુ ઊંચા ભાવ જોઈએ છે. જે સ્થિતિ કોટન ટ્રેડ માટે મોટી વિષમતા સૂચવે છે. વૈશ્વિક સ્તરે માગના અભાવે દેશની મોટાભાગની મિલો 60-65 ટકા કામકાજ દર્શાવી રહી છે. દેશમાં અગ્રણી કેન્દ્રો ખાતે એનર્જી ખર્ચમાં વૃદ્ધિ પાછળ પણ કામકાજ પર અસર પડી છે.
સ્થાનિક બજારમાં કોટનના ભાવ વૈશ્વિક ભાવોની સરખામણીમાં ઊંચા પ્રિમીયમ પર ટ્રેડ થઈ રહ્યાં હોવાથી દેશમાં 10 ટકા આયાત ડ્યુટી ચૂકવ્યાં બાદ પણ આયાતી માલો સસ્તાં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે માગના અભાવે મિલ્સ હાલમાં આયાત કરી રહી નથી. જોકે ગઈ સિઝનમાં તેમણે 30 લાખ ગાંસડીની વિક્રમી આયાત કરી હતી. સ્થાનિક ઊંચા ભાવોને કારણે નિકાસની કોઈ શક્યતાં નથી અને તેથી ઘટતાં વપરાશની સ્થિતિમાં ચાલુ સિઝનમાં સપ્લાય સાઈડ મજબૂત જોવા મળી શકે છે. ગુરુવારે સ્થાનિક ક્વોલિટી માલોના ભાવ રૂ. 68500-69000 પ્રતિ ખાંડી જોવા મળી રહ્યાં હતાં. જે 15 ડિસેમ્બર બાદ એકવાર આવકો 1.5 લાખ ગાંસડી પર પહોંચે ત્યારબાદ નરમ પડવાની શક્યતાં વર્તુળો વ્યક્ત કરે છે. હાલમાં ખેડૂતો તરફથી માલ હોલ્ડ કરવાને કારણે સિઝન લંબાશે અને મે મહિના સુધી નોંધપાત્ર આવકો જોવા મળતી રહેશે એમ વર્તુળોનું કહેવું છે.
ઓક્ટોબરમાં ક્રેડિટ ઓફટેકમાં 20 ટકા વૃદ્ધિ
ફેસ્ટીવલ સિઝનને કારણે ક્રેડિટ માગમાં તેજી જળવાતાં ઓક્ટોબરમાં રિટેલ અને સર્વિસિઝ સેક્ટર્સમાં ક્રેડિટ ઓફટેકમાં વાર્ષિક ધોરણે 20 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈ ડેટા મુજબ કૃષિ સેક્ટર, ઔદ્યોગિક સેક્ટર, સર્વિસિઝ અને રિટેલ, આ ચારેય સેગમેન્ટ્સમાં ક્રેડિટ માગ ઊંચી જળવાય હતી. આર્થિક કામગીરીમાં રિકવરી પાછળ તથા તહેવારોમાં ઊંચી ખરીદીને કારણે માગ મજબૂત બની રહી હતી. એમએસએમઈ સેગમેન્ટની કામગીરી પણ સારી જળવાય હતી. એપ્રિલ મહિનાથી ક્રેડિટ માગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ડિસેમ્બર 2021 બાદ નવે.માં રૂપિયામાં માસિક ધોરણે સુધારો જોવાયો
સ્થાનિક ચલણ રૂપિયામાં યુએસ ડોલર સામે 10 મહિના બાદ પ્રથમવાર મંથલી બેસીસ પર સુધારો નોંધાયો હતો. બુધવારે રૂપિયો 81.4ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક ચલણોમાં પણ ડોલર સામે સુધારો જોવા મળ્યો હતો. યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિ ધીમી પડવાની શક્યતાં વધતાં ડોલર ઈન્ડેક્સ ત્રણ મહિનાના તળિયા પર પટકાયો હતો. જેને કારણે રૂપિયો છેલ્લાં કેટલાંક સત્રોમાં મજબૂત જોવા મળ્યો હતો. કેલેન્ડરની શરૂઆતથી તે ડોલર સામે સતત ઘસાતો રહ્યો હતો. જોકે નવેમ્બરમાં તેણે પ્રથમવાર ડોલર સામે ચોખ્ખો સુધારો દર્શાવ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
કાર્વી સ્ટોક બ્રોકિંગઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રેગ્યુલેટરી નિયમોના ભંગ બદલ કાર્વી સ્ટોક બ્રોકિંગના પોર્ટફોલિયો મેનેજર તરીકેના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને એક મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે તેના ઓર્ડરમાં જણાવ્યું છે કે પીએમએસ કાર્વી તેના ડિસ્ક્લોઝર ડોક્યૂમેન્ટમાં કેટલીક વિગતો દર્શાવવામાં નિષ્ફળ ગઈ છે. જેમાં પેનલ્ટીઝની વિગતો, પેન્ડિંગ લિટિગેશન અથવા પ્રોસિડિંગ્ઝ અને ફાઈન્ડિંગ્સ ઓફ ઈન્વેસ્ટીગેશન જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વંદે ભારત ડીલઃ દેશમાં 200 જેટલી વંદે ભારત ટ્રેઈન્સના મેન્યૂફેક્ચરિંગ, સપ્લાય અને મેઈન્ટેનન્સના અંદાજિત રૂ. 50 હજાર કરોડના કોન્ટ્રેક્ટ માટે ફ્રાન્સની આલ્સ્ટોમ, રશિયાની મેટ્રોવેગનમેશ અને ત્રણ કોન્સોર્ટિયમ સ્પર્ધામાં છે. આ કોન્સોર્ટિયમમાં સિમેન્સ-બીઈએમએલ, સ્ટેડલર-મેધા અને ભેલ-તીતાગઢ વેગન્સનો સમાવેશ થાય છે. બુધવારે આ બીડ્સ ઓપન કરવામાં આવ્યાં હતાં. જેનું મૂલ્યાંકન કરી આગામી બે મહિનામાં તેની ફાળવણી કરવામાં આવશે.
આઈઓસીઃ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વૈકલ્પિક એનર્જી બિઝનેસિસ માટે નવી કંપની બનાવવાનું વિચારી રહી છે. કંપની બાયોફ્યુઅલ, બાયોગેસ, ગ્રીન હાઈડ્રોજન, ઈવી મોબિલિટી અને ઈવી બેટરીઝ સેગમેન્ટ્સમાં વિસ્તરણની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે.
IDFC મ્યુચ્યુલ ફંડઃ આઈડીએફસી એસેટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે હવેથી તેનું નામ બદલીને બંધન મ્યુચ્યુલ ફંડ કરવામાં આવશે. કંપનીને બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ, જીઆઈસી અને ક્રિસકેપિટલના કોન્સોર્ટિયમે ખરીદી હતી. બંધન બેંક હવે ફંડમાં 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
એનડીટીવીઃ અદાણી જૂથે મિડિયા કંપની માટે આપેલી ઓપન ઓફર 31 ટકા જેટલી ઓવરસબસ્ક્રાઈબ્ડ થઈ છે. જે સાથે કંપનીમાં અદાણી સૌથી મોટા શેરધારક બન્યાં છે. જ્યારે પ્રમોટર રોય પરિવાર 32.26 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીનો શેર પાંચ ટ્રેડિંગ સત્રોમાં 25 ટકા જેટલો ઉછળી ચૂક્યો છે.
એનબીએફસીઃ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓએ 18.3 ટકાનો ઊંચો લોન ગ્રોથ નોઁધાવ્યો છે. કોર્પોરેટ્સ તરફથી વર્કિંગ કેપિટલની ઊંચી માગ અને એડવાન્સિસમાં વૃદ્ધિને કારણે ક્રેડિટ વિતરણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે સમાનગાળામાં તે માત્ર 6.9 ટકા વૃદ્ધિ દર દર્શાવતો હતો.
એવિએશન કંપનીઝઃ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડાનો એવિએશન કંપનીઓને લાભ મળ્યો છે. દિલ્હી ખાતે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવ પ્રતિ કિલોલિટર રૂ. 1.21 લાખ પરથી ઘટી રૂ. 1.17 લાખ કરવામાં આવ્યાં છે.
ટીસીએસઃ અગ્રણી આઈટી કંપનીએ યૂકે સરકારની રેઈલ ડેટા માર્કેટપ્લેસને બનાવવામાં સહાયરૂપ બનવા માટે રેઈલ ડિલિવરી ગ્રૂપનો પ્રોજેક્ટ મેળવ્યો છે. કંપનીના શેરમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ઈન્ડિયન હોટેલ્સઃ સિંગાપુર સરકારના ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને તાતા જૂથની હોટેલ કંપનીમાં 94.74 લાખ શેર્સની ખરીદી કરી છે.
ટીવીએસ મોટરઃ સિંગાપુર સરકારના ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને ટુ-વ્હીલર કંપનીમાં 24.69 લાખ શેર્સની ખરીદી કરી છે.
ઝોમેટોઃ ફૂડ ડિલીવરી કંપનીમાં ફોરેન ઈન્વેસ્ટર અલીપે સિંગાપુર હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિએ 26.28 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે. બીજી બાજુ કામાસ ઈન્વેસ્ટમેન્ટ્સે કંપનીમાં 9.8 કરોડ શેર્સની ખરીદી કરી છે.
એપોલો હોસ્પિટલ્સઃ દેશમાં અગ્રણી હોસ્પિટલ ચેઈન ધરાવતી કંપનીના બોર્ડે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈસ્યુ મારફતે રૂ. 105 કરોડ ઊભા કરવા માટે મંજૂરી આપી છે.
Market Summary 1 December 2022
December 01, 2022