Categories: Market TipsNEWS

Market Summary 1 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારો અને મજબૂત આર્થિક ડેટાના સપોર્ટે સેન્સેક્સ 620 પોઈન્ટ્સ ઉછળ્યો

નોંધપાત્ર સમયગાળા બાદ બજારો દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં જ ટ્રેડ થયાં

બેંકિંગ શેર્સમાં લેવાલી પાછળ બેંક નિફ્ટીમાં 1.9 ટકાનો તીવ્ર સુધારો નોંધાયો

મેટલ, ઓટો, આઈટી, એનર્જિ અને રિઅલ્ટીમાં એક ટકાથી વધુની મજબૂતી જોવા મળી

માર્કેટ બ્રેડ્થ પોઝીટીવઃ બીએસઈ ખાતે 1827 કાઉન્ટર્સમાં સુધારો જ્યારે 1431 નરમ


સપ્તાહના મધ્યભાગમાં સ્થાનિક સ્તરે પોઝીટીવ મેક્રો ઈકોનોમિક ડેટાનો સપોર્ટ સાંપડતાં ભારતીય બજારમાં એક ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 183.70 પોઈન્ટ્સ ઉછળી 17166.90 પર જ્યારે સેન્સેક્સ 619.92 પોઈન્ટ્સના ઉછાળે 57684.79ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટમાં વોલેટિલિટી ઈન્ડેક્સ 8.2 ટકા તૂટી 19.44ના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે તે 7 મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે મંગળવારે યુએસ બજારોમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે એશિયન બજારોમાં બાઉન્સ જોવા મળ્યો હતો. જેને કારણે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ગેપ-અપ સાથે જોવા મળી હતી. માર્કેટે ઈન્ટ્રા-ડે વધ-ઘટ વચ્ચે જોકે સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં જ ટ્રેડ દર્શાવ્યું હતું અને આખરે પોઝીટીવ બંધ આપવામાં સફળતા મળી હતી. મંગળવારે પ્રગટ થયેલો બીજા ક્વાર્ટર માટેનો જીડીપી ડેટા અપેક્ષા મુજબનો રહેવા ઉપરાંત બુધવારે બજાર ચાલુ હતુ ત્યારે નવેમ્બર મહિના માટે પ્રગટ થયેલો જીડીપી કલેક્શનનો ડેટા પણ પ્રોત્સાહક બની રહ્યો હતો. જેણે તેજીના માનસને સપોર્ટ કર્યો હતો અને મંદીવાળાઓના પ્રયાસો વ્યર્થ બની રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે અનેક સેક્ટરલ સૂચકાંકો તેમજ મહત્વના કાઉન્ટર્સને 200-ડીએમએનો સપોર્ટ સાંપડ્યો છે અને તેઓ ત્યાંથી પરત ફર્યાં છે. આમ બજારમાં એક બાઉન્સ રેલીની શરૂઆત થઈ છે એમ કહી શકાય. જોકે નિફ્ટી માટે 16200-16300ની રેંજમાં અવરોધ છે. વધુ સુધારા માટે તેણે આ રેંજને પાર કરવી અનિવાર્ય બની જાય છે.

બેંકિંગ શેર્સમાં લાંબા સમયગાળા બાદ લેવાલી જોવા મળી હતી અને બેંક નિફ્ટી 1.88 ટકા ઉછળી 39364.90ના સ્તરે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, પીએનબી અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક સુધરવામાં મુખ્ય હતાં. નિફ્ટી મેટલમાં 2.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 4.73 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે એનએમડીસી 3.6 ટકા, હિંદાલ્કો 2.94 ટકા, સેઈલ 2.5 ટકા, વેદાંત 2.48 ટકા અને કોલ ઈન્ડિયા 2.34 ટકા સાથે અગ્રણી પર્ફોર્મર્સ હતાં.

હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2.56 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જેને કારણે નિફ્ટી એનર્જી 1.26 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ટાટા પાવર 3.9 ટકાનો સુધારો દર્શાવતો હતો. નવેમ્બરમાં અપેક્ષા કરતાં સારા વેચાણના આંકડા પાછળ ઓટો કંપનીઓના શેર્સ પણ સુધર્યાં હતાં. જેમાં ટાટા મોટર્સ 3.63 ટકા, મારુતિ 2.91 ટકા, આઈશર મોટર્સ 2.86 ટકા અને અશોક લેલેન્ડ 1.75 ટકા સુધારા સાથે અગ્રણી હતાં. મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં પણ ખરીદી જળવાય હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3392 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1827 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1431 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 167 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 300 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.


નવેમ્બરમાં પણ ચીપ શોર્ટેજ પાછળ ઓટો કંપનીઓના વેચાણ ઘટ્યાં

પેસેન્જર વેહીકલ્સ સેગમેન્ટનો સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો


વૈશ્વિક સ્તરે ચીપ શોર્ટેજની અસર પાછળ ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણ નવેમ્બરમાં પણ ઘટાડો દર્શાવી રહ્યાં છે. અલબત્ત, કંપનીઓ આ અંગે અગાઉથી જ જણાવી ચૂકી હતી અને તેથી બુધવારે ઓટો કંપનીઓના વેચાણ આંકડાઓથી કોઈ મોટું આશ્ચર્ય સર્જાયું નહોતું. દેશની અગ્રણી કાર ઉત્પાદક મારુતિએ નવેમ્બરમાં સાધારણ વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. નવેમ્બરમાં તેનું વેચાણ માસિક ધોરણે 0.61 ટકા સુધારા સાથે 1,39,184 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. એમએન્ડએમની વાત કરીએ તો નવેમ્બરમાં તેના વેચાણમાં 4.3 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 40102 યુનિટ્સ પર રહ્યું હતું. જેમાં કંપનીના પેસેન્જર કાર્સનું વેચાણ માસિક ધોરણે 3.4 ટકા ઘટી 19458 યુનિટ્સ રહ્યું હતું.

દેશમાં વ્હીકલ ઉત્પાદક ટાટા મોટર્સનું પેસેન્જર વ્હીકલ ડિવિઝનનું વેચાણ 12.2 ટકા ઘટી 29778 યુનિટ્સ પર જોવા મળ્યુ હતું. જ્યારે તેનું કુલ સ્થાનિક વેચાણ 12 ટકાઘટી 58073 યુનિટ્સ પર રહ્યું હતું. જેમાં કમર્સિયલ વેહીકલનું વેચાણ 4.43 ટકા ઘટી 32,245 યુનિટ્સ રહ્યું હતું. કંપનીની કમર્સિયલ વેહીકલ્સની નિકાસ 61.3 ટકા ઉછળી 3950 યુનિટ્સ પર જોવા મળી હતી. અશોક લેલેન્ડે નવેમ્બર દરમિયાન 10480 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ઓક્ટોબરની સરખામણીમાં 5.4 ટકા ઘટાડો દર્શાવતું હતું. કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ 9364 યુનિટ્સ પર રહ્યું હતું. જે અગાઉના મહિને 10043 યુનિટ્સ પર હતું. જ્યારે મધ્યમ અને હેવી કમર્સિયલ વ્હીકલનું વેચાણ 11.2 ટકા ઘટી 4661 યુનિટ્સ પર રહ્યું હતું. ટુ-વ્હીલર કંપની ટીવીએસ મોટરે નવેમ્બરમાં 2.72 લાખ યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે ઓક્ટોબરની સરખામણીમાં 23.19 ટકાનો ઘટાડો દર્શાવતું હતું.


HDFC અને બજાજ ફાઈનાન્સે લાંબાગાળા માટેની ડિપોઝીટ્સ પર રેટ વધાર્યાં

આરબીઆઈની કેલેન્ડર 2021ની આખરી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠક અગાઉ દેશમાં બે ટોચની એનબીએફસી કંપનીઓ એચડીએફસી તથા બજાજ ફાઈનાન્સે લાંબા ગાળા માટેના ડિપોઝીટ્સ રેટમાં વૃદ્ધિ કરી છે. જે ટૂંક સમયમાં જ રેટ સાઈકલમાં પરિવર્તનનો સંકેત આપે છે એમ બજાર વર્તુળો માની રહ્યાં છે. દેશમાં સૌથી મોટી મોર્ગેજ લેન્ડર એચડીએફસીએ લોંગ-ટર્મ ડિપોઝીટ્સ પરના વ્યાજ દરમાં 15 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. હવેથી તે 33 મહિના માટે રૂ. 2 કરોડ સુધીની ડિપોઝીટ પર 6.25 ટકાનું વાર્ષિક રિટર્ન ઓફર કરી રહી છે. આ જ રીતે 66 મહિના માટે રૂ. 2 કરોડની ડિપોઝીટ પર 6.7 ટકાનો રેટ જ્યારે 99 મહિના માટે 6.8 ટકાનો રેટ ઓફર કરે છે. આ રેટ્સ 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યાં છે. સિનિયર સિટિઝન્સને તે અધિક 25 બેસીસ ચૂકવશે. બીજી બાજુ સૌથી મોટી કન્ઝ્યૂમર ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સ 24-35 મહિનાઓ તથા 36-60 મહિનાઓ માટેની ડિપોઝીટ્સ પર 30 બેસીસ પોઈન્ટ્સ વધુ ચૂકવશે. જોકે 12-23 મહિનાની મુદત માટે રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવાઈઝ્ડ રિટર્સ મુજબ કન્ઝ્યૂમર ફાઈનાન્સર 24-35 મહિનાઓ માટે રૂ. 5 કરોડની ડિપોઝીટ્સ પર 6.4 ટકાનો રેટ ઓફર કરશે. જ્યારે 36-60 મહિનાઓ માટે 6.8 ટકાનો દર ઓફર કરશે.

LICએ પોલિસીધારકોને રોકાણકાર બનવા માટે પેન અને ડિમેટ ડિટેલ્સ અપડેટ કરવા જણાવ્યું
દેશના મૂડી બજારમાં આગામી ક્વાર્ટર દરમિયાન મેગા આઈપીઓ સાથે પ્રવેશવાની શક્યતાં ધરાવતી જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીએ તેના પોલિસીધારકોને કંપનીના શેરધારક બનવા માટે તેમના પેન(પર્મેનન્ટ એકાઉન્ટ નંબર) તથા ડિમેટ એકાઉન્ટ્સની વિગતો અપડેટ કરવા માટે જણાવ્યું છે. આ માટે કંપનીએ જાહેરખબરનો સહારો પણ લીધો છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે એક સૂચનમાં જણાવ્યું છે કે એલઆઈસીના આઈપીઓનો 10 ટકા હિસ્સો કંપનીના પોલિસીધારકો માટે અનામત રાખી શકાય તેમ છે. સરકારે એલઆઈસીને તેની પબ્લિક ઓફરમાં પોલિસીધારકોને એક રોકાણકાર કેટેગરી તરીકે રાખવા માટેની છૂટ પણ આપી છે. જો પોલિસીધારકે આ અનામત કેટેગરીમાંથી શેરની ફાળવણી જોઈતી હશે તો એલઆઈસી પાસે તેમની પેન અને ડિમેટ અંગેની વિગતો અપડેટ કરવાની રહેશે એમ વીમા કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું છે. એક કેવાયરી હેતુથી તેમજ એલઆઈસીની પ્રસ્તાવિત ઓફરમાં ભાર લેવા માટે આ એક મહત્વની જરૂરિયાત બની રહેશે એમ જાહેરાત ઉમેરે છે.
ડિસેમ્બર પણ નવેમ્બરની જેમ IPOથી ભરપૂર બની રહેશે
કેલન્ડર 2021ના આખરી મહિના દરમિયાન 16 કંપનીઓ રૂ. 22 હજાર કરોડ એકત્ર કરવા બજારમાં પ્રવેશશે

નવેમ્બર મહિના બાદ કેલેન્ડરના આખરી મહિના દરમિયાન પણ પ્રાઈમરી માર્કેટ ધમધમતું રહેવાની શક્યતા છે. ડિસેમ્બર દરમિયાન મૂડી બજારમાં 16 કંપનીઓ પ્રવેશે અને કુલ રૂ. 22 હજાર કરોડનું ભરણુ એકત્ર કરે તેવી શક્યતા છે. જે નવેમ્બર બાદ ચાલુ કેલેન્ડરમાં બીજા ક્રમનું હશે. નવેમ્બરમાં પેટીએમ અને નાયકા જેવા આઈપીઓને કારણે કંપનીઓએ વિક્રમી રકમ એકત્ર કરી હતી.
મહિનાની શરૂમાં લગભગ ત્રણ આઈપીઓ બજારમાં પ્રવેશી ચૂક્યાં છે. જ્યારે બાકીના 13 આઈપીઓ મહિનો પૂરો થાય તે પહેલાં બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. જેમાં હેલ્ધીયમ મેડટેક, મેપમાઈઈન્ડિયા, ગ્લોબલ હેલ્થ, શ્રીરામ પ્રોપર્ટીઝ, એજીએસ ટ્રાન્ઝેક્ટ, વીએલસીસી, શ્રી બજરંગ પાવર, ડેટા પેટર્ન્સ, ઈલેક્ટ્રોનિક્સ માર્ટ, વેદાંત ફેશનનો સમાવેશ થાય છે. હાલમાં રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ સ્ટાર હેલ્થનો આઈપીઓ ચાલી રહ્યો છે. જે રૂ. 7249 કરોડના ભરણા સાથે સૌથી મોટી ઓફર છે. જ્યારે આ સિવાય છ ઓફર્સ રૂ. 1 હજાર કરોડથી વધુની રકમ મેળવવા માટે બજારમાં પ્રવેશશે. જ્યારે રૂ. 500 કરોડ સાથે ઈલેક્ટ્રોનિક્સ માર્ટ સૌથી નાની ઓફર બની રહેશે. રૂ. એક હજાર કરોડથી મોટી ઓફર્સમાં વેદાંત ફેશન, ગ્લોબલ હેલ્થ, મેડપ્લસ, હેલ્થિયમ મેડટેક, રેટગેન ટ્રાવેલ અને મેપમાઈઈન્ડિયાનો સમાવેશ થાય છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સના જણાવ્યા મુજબ પેટીએમના આઈપીઓના નબળા લિસ્ટીંગ્સ બાદ ડિજિટલ સ્ટાર્ટ-અપ્સ હાલમાં બજારમાં પ્રવેશવાથી ખચકાઈ રહ્યાં છે. જોકે એ સિવાય જેઓએ આઈપીઓ માટે પ્લાનિંગ કર્યું હતું તેઓ આગળ વધી રહ્યાં છે. આમ પ્રાઈમરી માર્કેટમાં નવી સિક્યૂરિટીઝનો પ્રવાહ જળવાયેલો રહેશે. જોકે સેકન્ડરી માર્કેટમાં વોલેટિલિટીને કારણે બજારમાં પ્રવેશવા આતુર કંપનીઓએ તેમના અગાઉના આયોજનમાં ફેરફાર કરવાનું બની શકે છે.

સરકાર 2021-22માં ફર્ટિલાઈઝર સબસિડીને વિક્રમી રૂ. 1.55 લાખ કરોડ પર લઈ જશે
માર્ચમાં પૂરા થતાં વર્ષ દરમિયાન બજેટમાં અંદાજિત સબસિડી કરતાં બમણી સબસિડી જોવા મળશે
બુધવારે ખાતર કંપનીઓના શેર્સમાં જોવા મળેલો 9 ટકા સુધીનો ઉછાળો
ભારત સરકાર નાણાકિય વર્ષ 2021-22માં પૂરા થતાં વર્ષ દરમિયાન ફર્ટિલાઈઝર સબસિડિ પેટે રૂ. 1.55 લાખનો વિક્રમી ખર્ચ કરશે. ડોલર સંદર્ભમાં આ રકમ 20.64 અબજ ડોલર જેટલી રહેશે. વૈશ્વિક સ્તરે કેમિકલ્સના ભાવમાં તીવ્ર ઉછાળાને જોતાં દેશમાં ખાતરની કોઈપણ પ્રકારની અછતને ટાળવા માટે આમ કરવામાં આવશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. આ રકમ સરકારે ગયા ફેબ્રુઆરીમાં સમગ્ર વર્ષ માટે નિર્ધારિત કરેલા અંદાજ કરતાં લગભગ બમણી છે.
વિશ્વમાં યુરિયાના સૌથી મોટું આયાતકાર એવું ભારત ડાયએમોનિયમ ફોસ્ફેટ(ડીએપી)નું મહત્વનું ખરીદાર છે. દેશમાં કૃષિ ક્ષેત્રે ઊંચી માગને પૂરી કરવા દેશે મોટા પ્રમાણમાં ખાતરની આયાત કરવી પડે છે. દેશનું કૃષિ ક્ષેત્રે 60 ટકાને રોજગારી પૂરી પાડવા સાથે 2.7 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં 15 ટકા હિસ્સો ધરાવે છે. સરકાર નેશનલ ફર્ટિલાઈઝર્સ લિ., મદ્રાસ ફર્ટિલાઈઝર લિ., રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિ., ચંબલ ફર્ટિલાઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. જેવી ખાતર કંપનીઓને માર્કેટ ભાવથી નીચા ભાવે ખાતરોના વેચાણ માટે નાણાકિય સપોર્ટ પૂરો પાડે છે. છેલ્લાં એક વર્ષમાં વૈશ્વિક ફર્ટિલાઈઝરના ભાવોમાં 200 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ બે મહત્વના એનર્જિ સ્રોત કોલ અને નેચરલ ગેસના ભાવોમાં તીવ્ર વૃદ્ધિ છે. આ ઉપરાંત મહત્વના ફર્ટિલાઈઝર ઉત્પાદક ચીને મૂકેલા નિકાસ પ્રતિબંધોને કારણે પણ ભાવોમાં ઉછાળો નોંધાયો છે.
ચાલુ નાણાકિય વર્ષે સરકારે ફર્ટિલાઝર સબસિડિઝમાં અગાઉ બે વાર વૃદ્ધિ દર્શાવી છે. જેને કારણે રૂ. 83.54 હજાર કરોડના અંદાજપત્રીય સપોર્ટમાં રૂ. 43.43 હજાર કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ સબસિડિ પેટે સૌથી ઊંચું ચૂકવણુ દર્શાવશે. જેનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં તીવ્ર વૃદ્ધિ સાથે ચીને ડીએપી નિકાસ પર મૂકેલા પ્રતિબંધોનો સમાવેશ થાય છે. ભારત વર્ષે 1-1.2 કરોડ ટન ડીએપીની આયાત કરે છે. જે તેના કુલ વપરાશનો 60 ટકા હિસ્સો છે. જેમાંથી 40 ટકા હિસ્સો ચીન ખાતેથી આવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ નિયંત્રણોને કારણે ચીનથી ડીએપી પાર્સલ્સને આવવામાં વિલંબ થઈ રહ્યો છે.
દરમિયાનમાં ફર્ટિલાઈઝર સબસિડીમાં વૃદ્ધિને કારણે ખાતર કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ચંબલ ફર્ટિલાઝઈરનો શેર 9.16 ટકા ઉછળી રૂ. 397.35ના સ્તરે બંધ રહ્યો હતો. મદ્રાસ ફર્ટિલાઈઝરનો શેર 8 ટકા, નેશનલ ફર્ટિલાઈઝરનો શેર 5 ટકા, રાષ્ટ્રીય કેમિકલનો શેર 5 ટકા, જીએસએફસીનો શેર 3 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

7 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

7 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

7 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

7 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

7 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

7 months ago

This website uses cookies.