Market Summary 09/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

આખરી કલાકમાં બુલ્સ ત્રાટકતાં શેરબજારે મજબૂત બંધ આપ્યું
નિફ્ટી 19600 પર બંધ રહેવામાં સફળ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.7 ટકા ગગડી 11.14ના સ્તરે
મેટલ, એનર્જી, પીએસઈ, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
બેંકિંગ, રિઅલ્ટીમાં નરમાઈ
વી-ગાર્ડ, ભારત ફોર્જ, બીએસઈ નવી ટોચે

બુધવારે સત્રના આખરી કલાકમાં તેજીવાળાઓ તરફથી ઝંઝાવાતી ખરીદી પાછળ ભારતીય શેરબજારે મજબૂત બંધ દર્શાવ્યું હતું. બેંકિંગ સિવાય લગભગ તમામ સેક્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 149.31 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65,995.81ની સપાટીએ જ્યારે નિફ્ટી 61.70 પોઈન્ટ્સના સુધારે 19,632.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3743 ટ્રેડેડ કાઉન્ટર્સમાંતી 2028 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1560 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 238 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.7 ટકા ગગડી 11.14ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના ત્રીજા સત્રમાં સ્થાનિક બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ પછી નરમાઈમાં સરી પડ્યું હતું. જોકે, આખરી સવા કલાકમાં તેજીવાળાઓએ ચીલ ઝડપે ખરીદી કરતાં જોતજોતામાં નિફ્ટી 19,645.50ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. લગભગ ચાર સત્ર પછી તે 19600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 60 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19693ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ અગાઉના 31 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. જે સૂચવે છે કે નીચા મથાળે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે આગામી સત્રોમાં મજબૂતીનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જોકે નિફ્ટીએ 19600 ઉપર ટકવા સાથે 19800ની સપાટી પાર કરવી પડશે તો જ 20 હજારની સપાટી જોવા મળી શકે છે. હાલમાં તો તે 300-400 પોઈન્ટ્સની રેંજમાં ટ્રેડિંગમાં જોવા મળે તેવી શક્યતાં ઊંચી છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં ડો.રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, એમએન્ડએમ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, યૂપીએલ, તાતા સ્ટીલ, તાતા કન્ઝ્યૂમર્સ, આઈટીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ, ટાઈટન કંપની, અદાણી પોર્ટ્સ અને લાર્સન મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, ડિવિઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયૂએલ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એક્સિસ બેંક અને ટીસીએસ નરમાઈ સૂચવી રહ્યાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, એનર્જી, પીએસઈ, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકા ઉછળી તાજેતરની ટોચ પર પહોંચ્યો હતો. તેને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એપીએલ એપોલો, મોઈલ, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી અને સેઈલનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 0.6 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં ઓએનજીસી, આઈઓસી, ગેઈલ, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એનટીપીસી મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ એક ટકા સુધર્યો હતો. જેના ઘટકોમાં ભેલ, નાલ્કો, ઓએનજીસી, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કોલ ઈન્ડિયા, આઈઓસી જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુ મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી ફાર્મા પોણો ટકા સુધારે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેને ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ અને સન ફાર્મા તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી આઈટી પણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેને ટેક મહિન્દ્રા, કોફોર્જ, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ ઘણા સત્રો પછી અડધો ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેને ઈમામી, ડાબર ઈન્ડિયા, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી, મેરિકો અને ગોદરેજ કન્ઝ્યૂમર તરફથી નોંધપાત્ર સપોર્ટ મળ્યો હતો. જોકે, બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, બેંક ઓફ બરોડા સહિતના બેંકિંગ કાઉન્ટર્સ રેડ ઝોનમાં જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી પણ 1.3 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફિઅરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વી-ગાર્ડ, ભારત ફોર્જ, બીએસઈ, એનએલસી ઈન્ડિયા, શ્યામ મેટાલિક્સ, શેલે હોટેલ્સ, ટ્રેન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, કેન્નામેટલ, કેસ્ટ્રોલ, જિંદાલ સ્ટીલ અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો.

બેંકિંગ પ્રોડક્ટ્સ રોકાણકારોમાં FD સામે લોન્સનું વધતું આકર્ષણ
જૂન 2023ની આખરમાં વાર્ષિક ધોરણે એફડી સામે લોનમાં 46 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
30 જૂન 2023ના રોજ બેંક સામે રૂ. 1.20 લાખ કરોડની લોન લેવામાં આવી હતી
ડિપોઝીટ્સ પર ઊંચા વળતરને જોતાં ઈન્વેસ્ટર્સ તેને તોડતાં ખચકાઈ રહ્યાં છે

બેંક ડિપોઝીટર્સ ઈમર્જન્સી ફંડની જરૂરિયાત વખતે તેમની ઊંચું વ્યાજ રળી આપતી ફિક્સ્ડ ડિપોઝીટ્સને તોડાવવાના મતના નથી જણાઈ રહ્યાં. તેના બદલે તેઓ તેમના એફડી રોકાણ સામે લોન્સ લેવાનું પસંદ કરી રહ્યાં છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે.
બેંક તરફથી રજૂ કરવામાં આવેલા તાજાં ડેટા મુજબ વાર્ષિક ધોરણે બેંક એફડી સામેની લોન્સમાં 46 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. 30 જૂન 2023ની આખરમાં ડિપોઝીટર્સ તરફથી એફડી સામે કુલ રૂ. 1,20,427 કરોડની લોન્સ લેવામાં આવી હતી. જે બેંક્સ માટે એફડી સામે ઓડીની વિક્રમી રકમ હોવાનું બેંકિંગ વર્તુળોનું કહેવું છે. 1 જુલાઈ 2022ના રોજ એફડી પોર્ટફોલિયો સામે એડવાન્સિસમાં વાર્ષિક 11.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે વખતે કુલ આઉટસ્ટેન્ડિંગ રૂ. 82,252 કરોડ પર હતું. ગ્રાહકો પાકતી મુદત અગાઉ એફડીને તોડાવવામાં 1 ટકાની પેનલ્ટીને ટાળવા માટે તેની સામે લોન લેવાનું પસંદ કરી રહ્યાં હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. તેમ કરવાથી ગ્રાહકને એફડી પર નિશ્ચિત વ્યાજ ચાલુ રહે છે જ્યારે એફડી સામે લોન પર તેમણે ડિપોઝીટ પર નિર્ધારિત વ્યાજના સામે માત્ર 1-2 ટકા વધુ વ્યાજ ચૂકવવાનું બને છે. સામાન્યરીતે, ગ્રાહકો આ પ્રકારની લોન્સ ટૂંકાગાળા માટે લેવાનું પસંદ કરતાં હોય છે.
બેંકિંગ નિષ્ણાતોના મતે જો નોન-ઈન્ડિવિડ્યૂઅલ્સમાં એફડી સામે લોન્સનું પ્રમાણ વધી રહ્યું હોય તો તે બજારમાં લિક્વિડીટીની તંગી તરફનો સંકેત છે. જ્યારે કોર્પોરેટ્સ કે એમએસએમઈ તેમણે અપેક્ષિત કેશ ફ્લો નથી મેળવી રહ્યાં ત્યારે તેઓએ એફડી સામે એડવાન્સ લેવાનું બનતું હોય છે. તે કેશ ફ્લો મેળવવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું પણ સૂચવે છે. 14 જુલાઈ, 2023ના રોજ પૂરાં થયેલા વર્ષ દરમિયાન બેંક્સે એફડીમાં 13.19 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવી હતી. તે દિવસે કુલ એફડી રૂ. 1,72,45,236 કરોડ પર જોવા મળતી હતી. આરબીઆઈ તરફથી મે 2022થી મે 2023 સુધીના મોનેટરી ટાઈટનીંગ સમયગાળા દરમિયાન રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જોવા મળી હતી. જેની સામે વેઈટેજ એવરેજ ડોમેસ્ટીક ટર્મ ડિપોઝીટ રેટ્સમાં 229 બેસીસ પોઈન્ટ્સથી 134 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી. એક વર્ષથી વધુની મુદત માટેના ટર્મ ડિપોઝીટ રેટ્સ વધી 6-7.25 ટકા પર જોવા મળ્યાં હતાં. જે વર્ષ અગાઉ 5.3-5.75 ટકા આસપાસ ચાલી રહ્યાં હતાં.

જુલાઈમાં પેટ્રોલ-ડિઝલના વપરાશમાં ઘટાડો નોઁધાયો
દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જુલાઈમાં ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ડિઝલના વપરાશમાં માસિક ધોરણે 13 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો અને તે 69 લાખ ટન પર જોવા મળ્યો હતો. જુલાઈમાં પેટ્રોલનો વપરાશ 9 ટકા ઘટી 29 ટન પર નોંધાયો હતો. પૂર અને વાવાઝોડા જેવી ઘટનાઓને કારણે મોબિલિટી પર અસર પડી હતી અને તેને કારણે વપરાશ ઘટ્યો હતો. જુલાઈમાં ટ્રાવેલ અને ટુરિઝમ પર પણ નોંધપાત્ર અસર જોવા મળી હતી. જેને કારણે સમગ્રતયા ફ્યુઅલનું વેચાણ ઘટાડો દર્શાવતું હતું. જોકે, આગામી સમયગાળામાં તહેવારો સહિતના કારણોને લઈને ફ્યુઅલ્સના વેચાણમાં ફરીથી વૃદ્ધિની સંભાવના રાખવામાં આવી રહી છે.
2022-23માં ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ વધી રૂ. 4072 કરોડે
ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટમાં ગયા નાણા વર્ષ દરમિયાન 2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2023ની આખરમાં કુલ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ રૂ. 4072 કરોડ પર નોંધાયું હતું. આરબીઆઈના ડેટા મુજબ માર્ચ 2022ની આખરમાં તે રૂ. 3122 કરોડ પર હતું. માર્ચ 2022ની આખરમાં ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ રૂ. 1.64 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે 2022-23ની આખરમાં રૂ. 2.10 લાખ કરોડ પર નોંધાયું હતું. કોવિડ પછી ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં તીવ્ર વૃદ્ધિ સાથે નાદારીના કિસ્સામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હોવાનું આરબીઆઈ ડેટા સૂચવે છે.

તાતા સન્સ ચેરમેન ચંદ્રશેખરને 2022-23માં રૂ. 113નું વળતર મેળવ્યું
તાતા જૂથના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સૌરબ અગ્રવાલે રૂ. 27.82 કરોડ મેળવ્યાં

દેશમાં સૌથી મોટા કોન્ગ્લોમેરટ તાતા જૂથની હોલ્ડિંગ કંપની તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને નાણા વર્ષ 2022-23માં રૂ. 113નું વળતર મેળવ્યું હતું. જેમાં રૂ. 100 કરોડ પ્રોફિટ પરના કમિશનનો સમાવેશ થાય છે. 60-વર્ષીય ચંદ્રશેખરને 2021-11માં રૂ. 109 કરોડનું વળતર મેળવ્યું હતું. કંપનીના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર સૌરભ અગ્રવાલે ગયા વર્ષે રૂ. 27.82 કરોડ મેળવ્યાં હતાં. જેમાં રૂ. 22 કરોડ કમિશનનો સમાવેશ થતો હતો એમ તાતા સન્સના વાર્ષિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
ટીવીએસ જૂથના ચેરમેન વેણુ શ્રીનિવાસનને 2016માં તાતા સન્સમાં નોન-એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યાં હતાં. જોકે, તેઓએ હજુ સુધી કોઈ વેતન લીધું નથી. પિરામલ જૂથના બિલિયોનર ઓઉનર અજય પિરામલે તાતા સન્સના નોન-એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર તરીકે 2022-23માં રૂ. 2.8 કરોડનું વળતર મેળવ્યું હતું. તાતા સન્સના અન્ય ડિરેક્ટર્સમાં વિજય સિંઘ, હરિશ માનવાણી, લિઓ પૂરી, ભાસ્કર ભાટ અને રાલ્ફ સ્પેથ, દરેકે કમિશન તરીકે 2022-23માં રૂ. 2.8 કરોડનું વળતર મેળવ્યું હતું. જુલાઈ 2022માં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નીમવામાં આવેલા અનિતા જ્યાર્જે રૂ. 2.1 કરોડનું વળતર મેળવ્યું હતું.
તાતા સન્સે 2022-23માં સ્ટેન્ડઅલોન બેસીસ પર રૂ. 35,038 કરોડની આવક દર્શાવી હતી. જ્યારે રૂ. 22,132 કરોડનો નફો મેળવ્યો હતો. 2021-22માં સબસિડિયરીઝમાં ટીસીએસ તરફથી તાતા સન્સે સૌથી ઊંચું ડિવિડન્ડ મેળવ્યું હતું. 2022-23માં તાતા સન્સે તેનું નેટ ડેટ ઘટાડી રૂ. 20,642 કરોડ કર્યું હતું. જે 2021-22માં રૂ. 27,516 કરોડ પર હતું. તાતા સન્સે જણાવ્યું છે કે તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથએ કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે રજિસ્ટ્રેશન ધરાવે છે અને 2022-23માં તેણે નિયમ મુજબ રૂ. 4426.50 કરોડનું સ્પેશ્યલ રિઝર્વ ટ્રાન્સફર કર્યું હતું.

L&T પાંચ વર્ષોમાં 12 અબજ ડોલર સુધીનું રોકાણ કરશે
જેમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ક્લિન એનર્જી બિઝનેસના વિસ્તરણમાં વપરાશે
લાર્સન એન્ડ ટુબ્રો એનર્જી ગ્રીન ટેક ક્લિન એનર્જી સ્ટ્રેટેજીનું સંચાલન કરશે

ટોચની એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ આગામી પાંચ વર્ષોમાં મહત્તમ 12 અબજ ડોલર સુધીના રોકાણની યોજના બનાવી છે. આમાંનો ત્રીજા ભાગનો હિસ્સો ક્લિન એનર્જી બિઝનેસના વિસ્તરણમાં વપરાશે.
કંપની 20-30 લાખ ટનની ગ્રીન હાઈડ્રોજન અને એમોનિયા ક્ષમતા ઉભી કરવાનો ઈરાદો ધરાવે છે. જે માટે તે 4 અબજ ડોલરનું રોકાણ કરશે. આ માટે એલએન્ડટીએ 500-1000 એકર્સ જમીન ખરીદવા માટે દેશના કેટલાંક સમુદ્રકાંઠાના રાજ્યોનો સંપર્ક પણ સાધ્યો છે. જ્યાં હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવશે એમ કંપનીના સીઈઓ એસએન સુબ્રમણ્યમે જણાવ્યું હતું. તેઓ ઓક્ટોબરમાં વર્તમાન ગ્રૂપ ચેરમેન એએમ નાયકનો કાર્યભાર સંભાળશે. હાઈડ્રોજન ક્ષેત્રે પ્રવેશની શરૂઆત ડિસેમ્બરમાં ઈલેક્ટ્રોલીઝર્સ મેન્યૂફેક્ચરિંગ સાથે થશે. જેને રિન્યૂ પાવર પ્રાઈવેટ લિમિટેડ તરફથી પ્રાપ્ય રિન્યૂએબલ એનર્જીના ઉપયોગથી પાણીપત સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરી ખાતે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદિત કરવા માટે ચલાવવામાં આવશે. પ્રોજેક્ટનું આઈઓસીની વધુ રિફાઈનરીઝ અને અન્ય એલએન્ડટી ગ્રાહકો ખાતે વિસ્તરણ કરવામાં આવશે. મુંબઈ સ્થિત કંપની પણ કાર્બન એમિશન્સમાં કાપ ઈચ્છી રહેલાં વિશ્વને ગ્રીન હાઈડ્રોજન આધારિત બનાવવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઈઝિસ જેવા મોટા ભારતીય જૂથની સાથે જોડાઈ છે. જોકે, વર્તમાન ભાવે મોટા પાયે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન સંભવ નથી. સસ્તાં ઈલેક્ટ્રોલાઈઝર અને રિન્યૂએબલ પ્રાઈસ હાઈડ્રોજનના ભાવને નીચા જાળવવા માટે ચાવીરૂપ છે. જો ટેરિફ નીચા ના આવે તો ક્ષમતા ઊભી કરવાનો કોઈ અર્થ નથી એમ સુબ્રમણ્યમનું કહેવું છે. જો ટેરિફ્સમાં ઘટાડો થશે તો એલએન્ડટી તેના રોકાણને ઝડપી બનાવશે એમ તેઓ ઉમેરે છે. કોંગ્લોમેરટનો યુનિટ એવી એલએન્ડટી એનર્જી ગ્રીન ટેક ક્લિન એનર્જી સ્ટ્રેટેજીનું સંચાલન કરશે. તેમજ સમયાંતરે તે ફ્યુઅલ સેલ્સ, ગ્રીડ બેટરીઝ અને હાઈડ્રોજન વેન્ડિંગમાં વિસ્તરણ પણ કરશે. કંપની યુનિટને મોનેટાઈઝ કરવાના વિકલ્પને પણ વિચારશે એમ સુબ્રમણ્યણે જણાવ્યું હતું.

સેબીએ SDD એન્ટ્રીઝમાં વિલંબને લઈ ઈન્ફોસિસને વોર્નિંગ પાઠવી
કંપનીના મહામારીને કારણે એસડીડીની અપડેટમાં વિલંબના પ્રતિભાવને ફગાવ્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ફોસિસને સ્ટ્રક્ચરલ ડિજીટલ ડેટાબેઝ(SDD)માં એન્ટ્રી કરવામાં વિલંબને લઈ ‘એડમિનિસ્ટ્રેટીવ વોર્નિંગ’ આપી છે. એસડીડી એ અનપબ્લિશ્ડ પ્રાઈસ સેન્સિટીવ ઈન્ફર્મેશન(UPSI)નો ડેટાબેઝ છે.
આઈટી અગ્રણીએ 9 ઓગસ્ટે એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે એસડીડીમાં કેટલીક ચોક્કસ એન્ટ્રીઝ વિલંબિત હતી. ઈન્ફીએ 2022-21માં જણાવ્યું હતું કે કોવિડ મહામારીને કારણે મોટાભાગના કર્મચારીઓ ઓફિસના બદલે તેમના ઘરેથી કામ કરી રહ્યાં હતાં. જેને કારણે લોજીસ્ટીક્સના સંદર્ભમાં આ રેકર્ડ્સ જાળવવા માટે કોઓર્ડિનેશન કરવું કઠિન બન્યું હતું. જોકે, આ સમયગાળાને લગતી UPSIની માહિતી ઈન્ફોસિસ પાસે પ્રાપ્ય હતી. જોકે, તેને એસડીડી સિસ્ટમમાં અપડેટ કરવામાં વિલંબ થયો હતો. જોકે, મહામારીને કારણે એસડીડીને અપડેટ કરવામાં વિલંબ થયાની દલીલને સેબીએ સ્વીકારી નહોતી એમ ઈન્ફીએ ઉમેર્યું હતું. એસડીડીની સમીક્ષા સમયાંતરે કરતાં રહેવું જોઈએ. જે આ માહિતીને યોગ્ય રીતે અપડેટ કર્યાંની ખાતરી પૂરી પાડે છે. ફાઈલીંગમાં જણાવ્યા મુજબ કંપની તરફથી નિયમોના ભંગની ઉપરોક્ત ઘટનાને સેબીએ ગંભીરતાથી લીધી હતી. જેને ધ્યાનમાં રાખીને કંપની સેક્રેટરીને ચેતવણી આપવામાં આવી હતી અને આગળ પર એસડીડી ડેટા જાળવવાને લઈને સાવચેતી દાખવવા સૂચન કરાયું હોવાનું ફાઈલીંગમાં જણાવાયું હતું.

જૂન ક્વાર્ટરમાં કૃષિ નિકાસ 14 ટકા ગગડી 6.3 અબજ ડોલરે નોંધાઈ
બાસમતી ચોખા, ફળો-શાકભાજીની નિકાસમાં જોકે વૃદ્ધિ જોવાઈ

દેશમાં કૃષિ નિકાસમાં એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. અનાજ, લાઈવસ્ટોક ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ્ઝના શીપમેન્ટ્સ ઘટતાં આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી(એપેડા)ના ડેટા મુજબ એપ્રિલથી જૂન દરમિયાન નિકાસ 6.321 અબજ ડોલર પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 7.397 અબજ ડોલર પર જોવા મળી હતી. રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો નિકાસ 9 ટકા ઘટાડો દર્શાવતી હતી. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 57,102 કરોડની નિકાસ સામે ચાલુ વર્ષે નિકાસ ઘટી રૂ. 51,959 કરોડ પર રહી હતી.
દેશમાંથી ખેત પેદાશોની નિકાસમાં સૌથી મોટો ઘટક એવા નોન-બાસમતી ચોખાની નિકાસ વાર્ષિક ધોરણે 2.69 ટકા જેટલી ઘટી હતી. ડોલર સંદર્ભમાં તે 1.523 અબજ ડોલર પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.565 અબજ ડોલર પર હતી. જોકે રૂપિયા સંદર્ભમાં નોન-બાસમતી ચોખાની નિકાસ 3.54 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12,518 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12,090 કરોડ પર જોવા મળતી હતી. સરકારે 20 જુલાઈથી દેશમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બાસમતી ચોખાની નિકાસમાં વૃદ્ધિ જળવાય હતી અને જૂન ક્વાર્ટરમાં તે 12 ટકા વૃદ્ધિ સાથે 1.299 અબજ ડોલર પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.155 અબજ ડોલરે હતી. રૂપિયા સંદર્ભમાં તો તે 19 ટકા ઉછળી રૂ. 10,673 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે રૂ. 8948 કરોડ પર રહી હતી.
પ્રોસેસ્ડ ફૂડ્ઝની વાત કરીએ તો ગુઆર ગમની નિકાસ 39 ટકાના તીવ્ર ઘટાડે 11.5 કરોડ ડોલર પર જળવાય હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 18.8 કરોડ ડોલર પર નોંધાઈ હતી. મગફળીની નિકાસ જોકે 45 ટકા ઉછળી 21.3 કરોડ ડોલર પર જોવા મળી હતી. કઠોળની નિકાસ 1.52 ટકા ઘટાડે 20 કરોડ ડોલર પર રહી હતી. જ્યારે ડેરી પ્રોડક્ટ્સની નિકાસ 42 ટકા ગગડી 11.1 કરોડ ડોલર પર જોવા મળી હતી. ગયા વર્ષે તે 19.1 કરોડ ડોલર પર જોવા મળતી હતી. પોલ્ટ્રી પ્રોડક્ટ્સની નિકાસ 54 ટકા ઉછળી 4.1 કરોડ ડોલર પર નોંધાઈ હતી. તાજાં ફળો અને શાકભાજીની નિકાસ પણ 16 ટકા વધી 47.5 કરોડ ડોલર પર નોંધાઈ હતી. પ્રોસેસ્ડ વેજિટેબલ્સની નિકાસ પણ વધીને 13.9 કરોડ ડોલર જોવા મળી હતી. જ્યારે પ્રોસેસ્ડ ફ્રૂટ્સ અને જ્યુસની નિકાસ વધી 17.8 કરોડ ડોલર પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે 17.1 કરોડ ડોલર પર જોવા મળતી હતી.

વિક્રમી આવકો છતાં ડુંગળીના ભાવ મહિનામાં 28 ટકા ઉછળ્યાં
2022માં 63.33 ટન સામે 2023માં 71.46 લાખ ટનની આવકો નોંધાઈ

માસિક અને વાર્ષિક ધોરણે વિક્રમી આવકો છતાં ડુંગળીના ભાવમાં છેલ્લાં એક મહિનામાં 28 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયની પાંખ એગમાર્કનેટના ડેટા મુજબ ડુંગળીના મોડેલ ભાવ એશિયામાં સૌથી મોડી મંડી મહારાષ્ટ્રની લસણગાંવ ખાતે 8 જુલાઈના રોજ રૂ. 1,340 પ્રતિ ક્વિન્ટલ પરથી વધી રૂ. 1,725 પર જોવા મળ્યાં હતાં. બીજા બાજુ 1 જુલાઈથી લઈ 7 ઓગસ્ટ સુધીમાં દેશના ગંજ બજારોમાં ડુંગળીની આવક વિક્રમી 22.33 લાખ ટન પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 18.25 લાખ ટન પર હતી.
એપ્રિલ મહિનાની શરૂઆતથી 7 ઓગસ્ટ સુધીમાં દેશના એપીએમસી બજારોમાં ડુંગળીની વિક્રમી આવક જોવા મળી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના ડેટા મુજબ 2022-23 પાક વર્ષ દરમિયાન ડુંગળીનું ઉત્પાદન 3.101 કરોડ ટન રહ્યાંનો અંદાજ છે. જે 2021-22માં 3.169 કરોડ ટન પર હતો. આમ વાર્ષિક ધોરણે ઉત્પાદનમાં સાધારણ ઘટાડો જોવાઈ રહ્યો છે. જોકે, કેન્દ્રિય ગ્રાહક બાબતોના વિભાગના ડેટા મુજબ માસિક ધોરણએ ડુંગળીના ભાવ 5 ટકા વધી રૂ. 27.7 પ્રતિ કિગ્રા પર જોવા મળ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ સૂચવે છે. સ્થાનિક માગ સારી રહેવાથી છેલ્લાં સપ્તાહમાં ભાવમાં રૂ. 3-4 પ્રતિ કિગ્રાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, ભાવની દિશા આગામી સમયગાળામાં કેવી રહેશે તે અંગે કશું નિશ્ચિતપણે કહેવા માટે હજુ એક સપ્તાહનો સમય જોઈએ એમ હોર્ટિકલ્ચર પ્રોડ્યૂસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ અજિત શાહ જણાવે છે. નાશિક સ્થિત નિકાસકાર વિકાસ ચૌધરીના જણાવ્યા મુજબ ડુંગળીના ભાવ છેલ્લાં પખવાડિયા દરમિયાન તેની ક્વોલિટી મુજબ રૂ. 16-25 પ્રતિ કિગ્રાની રેંજમાં જળવાયાં છે. તેમના મતે આવકો જોઈએ તેટલી નથી આવી રહી અને તેથી માલની અછત પ્રવર્તી રહી છે. જોકે, બીજી બાજુ નિકાસની માગ નીચી છે. જેનું એક કારણ ક્વોલિટીનો મુદ્દો પણ છે. ગલ્ફ અને શ્રીલંકાની માગ નીચી જોવા મળી રહી છે. કેમકે પાકિસ્તાન નીચા ખર્ચે સપ્લાય કરી રહ્યું છે. કર્ણાટક ખાતેથી 15-20 દિવસોમાં નવો પાક બજારમાં આવશે અને તેથી ડુંગળીના ભાવ સ્થિરતા દર્શાવે તેવી શક્યતાં જોવામાં આવી રહી છે.

છેલ્લાં વર્ષોમાં ડુંગળીની આવકો(એપ્રિલ-ઓગસ્ટ)

વર્ષ આવકો(લાખ ટનમાં)
2019 51.68
2020 36.10
2021 47.95
2022 63.33
2023 71.46

કોર્પોરેટ હેડલાઈન્સ

કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે જૂન ક્વાર્ટરમાં રૂ. 7971 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 8832.86 કરોડના નફાની સરખામણીમાં 9.76 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 35092 કરોડ સામે 2.54 ટકા વૃદ્ધિ સાથે રૂ. 35,983 કરોડ પર જોવા મળી હતી.
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1613.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1788.3 કરોડના નફાની સરખામણીમાં 10 ટકા આસપાસ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 5394.4 કરોડ સામે 16 ટકા ઘટાડા સાથે રૂ. 4531.2 કરોડ પર જોવા મળી હતી.
ઈઆઈએચઃ હોટેલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 103.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 62 કરોડના નફાની સરખામણીમાં 60 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 394 કરોડ સામે 25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 498 કરોડ પર જોવા મળી હતી.
એક્સિસકેડ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 33 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 30.7 કરોડ કરતાં 7.4 ટકા વૃદ્ધિ સચવે છે. કંપનીના એબિટા માર્જિન 13.7 ટકા પરથી વધી 15.4 ટકા પર રહ્યાં હતાં. કંપનીની આવક 17 ટકા વધી રૂ. 213.6 કરોડ પર રહી હતી. જ્યારે નેટ પ્રોફિટ 118 ટકા ઉછળી રૂ. 5.61 કરોડ રહ્યો હતો.
ડેટા પેટર્ન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 26 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 14 કરોડના નફાની સરખામણીમાં 90 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 68 કરોડ સામે 34 ટકા વૃદ્ધિ સાથે રૂ. 90 કરોડ પર જોવા મળી હતી.
જીઈ ટીએન્ડડીઃ કેપિટલ ગૂડ્ઝ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 28 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 6 કરોડના નફાની સરખામણીમાં 470 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 590 કરોડ સામે 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 718 કરોડ પર જોવા મળી હતી.
63 મૂન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 39.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 3.2 કરોડના નફાની સરખામણીમાં 1200 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 40.8 કરોડ સામે 280 ટકા વૃદ્ધિ સાથે રૂ. 115 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage