વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં સ્થિરતા
નિફ્ટી 18300 પર ટકવામાં નિષ્ફળ
ઊંચા મથાળે સાવચેતીનું વલણ
આઈટી, ફાર્મા અને ઓટોમાં મજબૂતી
બેંકિંગ, એનર્જી, પીએસઈમાં નરમાઈ
મહાનગર ગેસ, વરુણ બેવરેજીસ, આલ્કેમ લેબ નવી ટોચે
ટીસીએનએસ, સુમીટોમો 52-સપ્તાહના તળિયે
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે સપ્તાહના બીજા સત્રમાં ભારતીય બજારમાં સ્થિરતા જોવા મળી હતી. મોટાભાગના દિવસ દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં પછી આખરે સ્થાનિક બજારે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 3 પોઈન્ટ્સ ઘટી 61761ની સપાટીએ જ્યારે નિફ્ટી 2 પોઈન્ટ્સના સુધારે 18266ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે ખરીદીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3640 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1921 નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. જ્યારે 1575 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 136 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ફ્લેટ બંધ રહ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી 18264ના અગાઉના બંધ સામે 18303ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સુધરી 18344ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાંથી તેમાં સતત વેચવાલી જોવા મળી હતી અને તે દિવસભર ઘસાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 18230નું બોટમ બનાવ્યું હતું. આખરે તેણે સાધારણ પોઝીટીવ બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 41 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18305ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 54 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી હોય તેમ જણાય છે. જેનો અર્થ આગામી સત્રોમાં માર્કેટ કોન્સોલિડેશનમાં સાથે ઘસારાતરફી જળવાય તેવો થાય છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, એમએન્ડએમ, ટીસીએસ, અદાણી પોર્ટ્સ, સિપ્લા, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, યૂપીએલ, આઈટીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, ગ્રાસિમ, એપોલો હોસ્પિટલ, એનટીપીસીમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ફાર્મા અને ઓટોમાં મજબૂતી જળવાય હતી. જ્યારે બેંકિંગ, એનર્જી, પીએસઈમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.73 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી 2.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સે 13712ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 0.5 ટકા સુધારા સાથે 13649ની સપાટી પર બંધ આપ્યું હતું. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 4.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકીમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી બેંક 0.20 ટકાના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં પીએનબી, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ 2-4 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. પ્રાઈવેટ બેંક્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં મહાનગર ગેસ 7.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બિરલા સોફ્ટ, તાતા કોમ્યુનિકેશન, મણ્ણાપુરમ ફાઈ., આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી, આઈજીએલ, લ્યુપિન, વેદાંત, એસઆરએફ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન અને ગુજરાત ગેસમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઓરેકલ ફાઈ. સર્વિસિઝ ડિવિડન્ડ ઘોષણા પાછળ ગગડ્યો હતો. આ ઉપરાંત પીએનબી, કેનેરા બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, યૂપીએલ, બેંક ઓફ બરોડા, ડેલ્ટા કોર્પમાં પણ નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં મહાનગર ગેસ, વરુણ બેવરેજીસ, આલ્કેમ લેબનો સમાવેશ થતો હતો. જ્યારે ટીસીએનએસ, સુમીટોમો 52-સપ્તાહના તળિયે ટ્રેડ સૂચવતાં હતાં.
RIL સામે અયોગ્ય સંપત્તિ સર્જનની કેન્દ્રની ફરિયાદને દિલ્હી હાઈકોર્ટે ફગાવી
કેન્દ્ર સરકારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પર તેમના અધિકાર ક્ષેત્રની બહારના ગેસ ડિપોઝીટ્સના શોષણ મારફતે કરવામાં આવી રહેલા આંતરિક છેતરપિંડી અને અયોગ્ય સંપત્તિ સર્જનના મૂકેલા આક્ષેપને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફગાવી દીધા હતાં. અગાઉ 24 જુલાઈ, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન માટેની સિંગાપુર સ્થિત ત્રણ-સભ્યોની ટ્રિબ્યુનલે પણ રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ અનુપ જયરામ ભંભાણીએ આ નિર્ણયને માન્ય રાખ્યો હતો અને કેસમાં કોઈની દરમિયાનગીરીની જરૂર નહિ હોવાનું જણાવ્યું હતું.
સિંગાપુર ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે જ્યાં સુધી ગેસનું ઉત્પાદન કોન્ટ્રેક્ટ એરિયામાંથી થઈ રહ્યું હોય ત્યાં સુધી તેનો સ્રોત કોઈપણ હોય પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રેક્ટ(PSC) ગેસના ઉત્પાદન પર પ્રતિબંધની છૂટ આપતો નથી. તેણે જણાવ્યું હતું કે કોન્સોર્ટિયમ કોઈપણ પ્રકારના ડ્યૂઝ ચૂકવવા માટે જવાબદાર નથી. ઉપરાંત, તેણે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે આર્બિટ્રેશનના ખર્ચ પેટે તે કોન્સોર્ટિયમને 83 કરોડ ડોલર ચૂકવે. કોન્સોર્ટિયમમાં યુકે-સ્થિત બીપી પીએલસી અને કેનેડાની નીકો રિસોર્સિઝનો સમાવેશ થાય છે. વર્ષ 2014માં કેન્દ્ર સરકારે આરઆઈએલને તેના બ્લોકને અડીને આવેલા ઓએનજીસીના બે બ્લોકમાંથી ખોટ ગેસના ડ્રેઈનીંગ અને સેલીંગ મારફતે કરવામાં આવેલા ખોટા સંપત્તિ સર્જન પેટે 1.47 અબજ ડોલર ચૂકવવા માટે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ બ્લોક્સમાંથી ગેસ ઉત્પાદન માટે આરઆઈએલને અધિકાર નથી. તેણે આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ નથી માગી. પાછળથી તે જ વર્ષે ઓએનજીસીએ તેના બ્લોક્સમાંથી આરઆઈએલ ગેસ ઉત્પાદન કરી રહ્યું હોવાની દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી.
ગઈ સિઝનની સરખામણીમાં ઘઉંની ખરીદીમાં 41 ટકા વૃદ્ધિ નોંધાઈ
સરકારી એજન્સીઓએ 3.415 કરોડ ટનના ટાર્ગેટના 72 ટકા સાથે 2.466 કરોડ ટનની ખરીદી પૂરી કરી
એપ્રિલ મહિનાથી શરૂ થયેલી નવી સિઝનમાં ઘઉંની ખરીદીમાં ઝડપ જોવા મળી રહી છે. ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીદી 41 ટકા ઊંચી જોવા મળી રહી છે. 7 મે સુધીમાં સરકારી સંસ્થાઓએ કુલ 2.466 કરોડ ટન ઘઉંની ખરીદી કરી લીધી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.753 કરોડ ટન પર જોવા મળતી હતી એમ તાજા સરકારી આંકડા જણાવે છે. સરકારે વર્તમાન સિઝન માટે નક્કી કરેલા 3.415 કરોડ ટનના ઘઉં ખરીદીના લક્ષ્યાંકનો 72 ટકા ટાર્ગેટ આ સાથે પૂરો થઈ ચૂક્યો હોવાનું ડેટા સૂચવે છે.
ઘઉં પકવતાં મુખ્ય ત્રણ રાજ્યોમાંથી જ 2.87 કરોડ ટન ખરીદીનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. જે લગભગ 85 ટકા જેટલો હાંસલ થઈ ચૂક્યો છે. આમાં પંજાબમાંથી 1.32 કરોડ ટન, હરિયાણામાંથી 75 લાખ ટન અને મધ્ય પ્રદેશમાંથી 75 લાખ ટન ઘઉં ખરીદીના ટાર્ગેટનો સમાવેશ થાય છે. જોકે અન્ય રાજ્યોમાં સરકારના ટાર્ગેટ સામે નીચી ખરીદી જોવા મળી રહી છે. જેની પૂરતી પણ અન્યત્ર ખરીદી મારફતે પૂરી કરવી પડશે. અન્ય રાજ્યોમાંથી નિર્ધારિત કરેલા 54.5 લાખ ટન ખરીદીના ટાર્ગેટમાંથી માત્ર સાત ટકા ખરીદી જ થઈ શકી છે. જોકે, શરૂઆતમાં પાછળ જણાતાં રાજસ્થાનમાં છેલ્લાં 10-12 દિવસોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે અને ત્યાં ખરીદી 50 હજાર ટનની સરખામણીમાં 2.32 લાખ ટન પર પહોંચી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 23 એપ્રિલ સુધીમાં કુલ 166 ખરીદ કેન્દ્રો શરૂ કર્યાં હતાં. જેમાં તે ટૂંકમાં ઉમેરો કરશે. એજન્સીએ પંજાબ ખાતેથી ખરીદીમાં વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ દર્શાવી છે અને ગઈ સિઝનમાં 93.7 લાખ ટન સામે ચાલુ સિઝનમાં 1.173 કરોડ ટન ખરીદી કરી છે. હરિયાણા ખાતે ખરીદીમાં 51.4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને ગઈ સિઝનમાં 7 મે સુધીમાં 40.7 લાખ ટન સામે ચાલુ સિઝનમાં 61.6 લાખ ટનની ખરીદી નોંધાઈ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ખરીદીમાં 64.4 ટકા વૃદ્ધિ સાથે 63.8 લાખ ટન પર પહોંચી છે. જે ગયા વર્ષે માત્ર 38.8 લાખ ટન પર જ જોવા મળતી હતી. ઉત્તર પ્રદેશમાં ખરીદી 22.6 ટકા ઘટી 15000 ટન પર રહી છે. જે ગયા વર્ષે 20 હજાર ટન પર હતી. 2022-23ના વર્ષમાં દેશમાં ઘઉંની ખરીદી 1.879 કરોડ ટનના 15-વર્ષોના તળિયા પર જોવા મળી હતી. જેણે સરકારને દેશમાંથી કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ માટે ફરજ પાડી હતી.
અદાણી પોર્ટ્સ 13 કરોડ ડોલરના ડેટની વહેલી ચૂકવણી કરશે
અદાણી જૂથ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન(APSEZ)એ મંગળવારે જણાવ્યું હતું કે તે 13 કરોડ ડોલરના ડેટની પાકતી મુદત કરતાં વહેલી ચૂકવણી કરશે. કંપનીએ 41.3 કરોડ ડોલરના ડેટની આગોતરી ચૂકવણી કરવાની ઓફર કરી હતી.
ગયા મહિને કંપનીએ 2024માં મેચ્યોર થતાં 13 કરોડ ડોલરના 3.375 ટકા ડોલર ડિનોમિનેટેડ બોન્ડ્સ માટે ટેન્ડર ફ્લોટ કર્યું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે કેટલીક નજીકની મુદત માટેની ડેટ સિક્યૂરિટીઝના આંશિક પણ આગોતરા ચૂકવણા માટે કેટલીક ડેટ સિક્યૂરિટીઝ માટે બાયબેક પ્રોગ્રામ રજૂ કર્યો છે. તેણે 2024માં પાકતી 3.375 ટકા કૂપન રેટ ધરાવતી સિનિયર નોટ્સના કુલ આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ એમાઉન્ટ માટે 13 કરોડ ડોલર સુધી કેશ ટેન્ડર ઓફર શરૂ કરી હતી. કંપનીએ ગયા મહિને જણાવ્યું હતું કે તેણે 13 કરોડ ડોલરના આઉટસ્ટેન્ડિંગ ડેટ માટે ટેન્ડર ફ્લોટ કર્યું છે. આ ટેન્ડર ઓફરની સફળતા પછી કંપનીની અપેક્ષા મુજબ 52 કરોડ ડોલરનું આઉટસ્ટેન્ડિંગ ડેટ રહેશે. આ ટેન્ડર ઓફર પછી કંપની આગામી ચાર ક્વાર્ટર્સમાં અંદાજિત 13 કરોડ ડોલરની આઉટસ્ટેન્ડિંગ નોટની ખરીદી ઓફર કરવાનો ઈરાદો ધરાવે છે. કંપની રોકાણકારોનો વિશ્વાસ પરત જીતવા માટે આમ કરી રહી છે. હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી કંપનીએ કુલ 150 અબજ ડોલરથી વધુનું માર્કેટ-કેપ ગુમાવ્યું હતું. ચાલુ મહિનાની શરૂમાં અદાણી પોર્ટે મ્યાનમાર સ્થિત પોર્ટનું 3 કરોડ ડોલરમાં વેચાણ કર્યું હતું.
ત્રણ અદાણી કંપનીઓએ UNના ક્લાયમેન્ટ ગ્રૂપનું સમર્થન ગુમાવ્યું
અદાણી જૂથની ત્રણ કંપનીઓએ વિશ્વમાં કોર્પોરેટ ગ્રીન ગોલ્સના અગ્રણી આર્બિટરનું સમર્થન ગુમાવ્યું છે. જૂથની આ કંપનીઓમાં અદાણી ગ્રીન એર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશનમાં પોતાને આગેવાન તરીકે રજૂ કરવાના કોન્ગ્લોમેરટના પ્રયાસોને ફટકો પડ્યો છે. યુએનનું સમર્થન ધરાવતાં ગ્રૂપે અદાણી જૂથ કંપનીઓને ‘કંપનીઝ ટેકિંગ એક્શન’ યાદીમાંથી દૂર કરવામાં આવી હોવાનું સાયન્સ બેઝ્ડ ટેક્નોલોજી ઈનિશ્યેટીવે(એસબીટીઆઈ) જણાવાયું છે. યુએન-સમર્થિત જૂથ કંપનીઓને પેરિસ એગ્રીમેન્ટ્સના ટાર્ગેટ સાથે બંધ બેસે એ રીતે એમિશન્સ ઘટાડવામાં સહાયરૂપ થવામાં નક્કર પ્લાનની સ્થાપનામાં સહાયતા કરે છે. અદાણી જૂથે આ ઘટનાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે તેણે એસબીટીઆઈને જૂથ કંપનીઓને દૂર કરવાની બાબતની યોગ્યતાને લઈને સવાલ કર્યો છે. તેમજ એસબીટીઆઈ તેના નિર્ણયની સમીક્ષા કરી તેને પરત ખેંચશે એવી આશા પણ ગ્રૂપ ધરાવે છે.
ફિચે ભારતના સોવરિન રેટિંગને BBB- જાળવ્યું
જોકે ઊંચી ખાધ, ડેટ ઘટાડામાં સાતત્યનો અભાવ જેવા પરિબળોને લઈ ચિંતા
ફિચ રેટિંગ્સે ભારતના લોંગ-ટર્મ ફોરેન-કરન્સી ઈસ્યુઅર ડિફોલ્ટ રેટિંગ(IDR)ને BBB- પર જાળવ્યું છે. હરિફોની સરખામણીમાં દેશના મજબૂત ગ્રોથ આઉટલૂક તથા મજબૂત બાહ્ય ફાઈનાન્સિસને કારણે એજન્સીએ આમ કર્યું છે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે આ પરિબળોને કારણે ભારત છેલ્લાં એક વર્ષમાં મોટા બાહ્ય આંચકાઓને કારણે ટકી શક્યું છે. જોકે, આ સબળાં પાસાઓને કેટલાંક નબળા પાસાઓએ સરભર કર્યાં છે. જેમાં નબળું પબ્લિક ફાઈનાન્સ છે. જેમાં ઊંચી ખાધ અને હરિફોની સરખામણીમાં ઊંચા ડેટનો સમાવેશ થાય છે એમ રેટિંગ એજન્સીએ નોંધ્યું છે. આ ઉપરાંત માળખાકિય સૂચકાંકો પણ સારા નથી જણાય રહ્યાં. જેમાં વર્લ્ડ બેંક ગવર્નન્સ ઈન્ડિકેટર્સ અને માથાદિઠ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(GDP) જેવા અન્ય નબળા પાસાઓનો સમાવેશ પણ થાય છે.
ફિચે રેટિંગ માટે સ્ટેબલ આઉટલૂક દર્શાવ્યો છે. મજબૂત ઈન્વેસ્ટમેન્ટ સંભાવનાઓના ટેકાથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રમાં સમાવેશ પામે છે. તેણે 2023-24 માટે 6 ટકા વૃદ્ધિ દરની અપેક્ષા રાખી છે. જોકે, હજુ પણ ઊંચા ઈન્ફ્લેશન, ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ અને વૈશ્વિક સ્તરે નરમ માગ જેવા પડકારો ઊભા છે. જે ગ્રોથને ધીમો પાડી શકે છે. જોકે 2024-25માં તે 6.7 ટકાના દરે બાઉન્સ થશે એમ એજન્સી નોંધે છે. સોવરિન રેટિંગ માટે વૃદ્ધિની મજબૂત શક્યતાં મહત્વનું પરિબળ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોર્પોરેટ અને બેંકની બેલેન્સ શીટ્માં સુધારા પછી પ્રાઈવેટ સેક્ટર મજબૂત ઈન્વેસ્ટમેન્ટ ગ્રોથ માટે તૈયાર હોવાનું જણાય રહ્યું છે. જેની પાછળ ગ્રોથ માટેના સંજોગો ઉજળાં બન્યાં છે. સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી રોકાણનું પણ આને સમર્થન મળી રહ્યું છે. જોકે, આમ છતાં લેબર ફોર્સ તરફથી નીચા પાર્ટિસિપેશન રેટને કારણે હજુ પણ જોખમ ઊભું છે એમ ફીચ ઉમેરે છે.
ફિચના મતે 2023-24માં સરકારની ખાધ ઘટીને 8.8 ટકા રહેવાની અપેક્ષા છે. જે 2022-23માં 9.2 ટકા પર હતી. તે ગયા વર્ષ કરતાં નીચી હોવા છતાં ઘણી ઊંચી છે એમ રેટિંગ એજન્સી જણાવે છે. કેન્દ્ર સરકારે 2025-26 સુધીમાં તેના ફિસ્કલ ગાઈડન્સાં ડેફિસિટનો ટાર્ગેટ 4.5 ટકાનો નિર્ધારિત કર્યો છે. જોકે, તે કેવી રીતે હાંસલ થશે તે અંગે મર્યાદિત માહિતી પૂરી પાડી છે. ભારત સરકારનું ડેટ ઊંચા સ્તરે જોવા મળી રહ્યું છે. ફીટના અંદાજ મુજબ 2022-23માં તે 82.8 ટકા પર હતું.
મેનકાઈન્ડ ફાર્માના લિસ્ટીંગ ભાવે રિટેલ ઈન્વેસ્ટર્સને રૂ. 276 કરોડનો જેકપોટ લાગ્યો
કંપની રૂ. 1422.30ના બંધ ભાવે રૂ. 56,975 કરોડના માર્કેટ-કેપ સાથે દેશમાં પાંચમા ક્રમની ફાર્મા કંપની બની
કંપનીના પ્રમોટર્સને 76.5 ટકા હિસ્સા સાથે રૂ. 10481 કરોડનો તગડો લિસ્ટીંગ લાભ થયો
પ્રાઈમરી માર્કેટમાં છેલ્લાં ઘણા મહિનાઓના શ્રેષ્ઠ લિસ્ટીંગમાં મેનકાઈન્ડ ફાર્માના શેરે રિટેલ રોકાણકારોને લિસ્ટીંગ પર રૂ. 276 કરોડનો લાભ કરાવ્યો હતો. જ્યારે બંધ ભાવે ગણીએ તો રિટેલ રોકાણકારોને રૂ. 429 કરોડનો ફાયદો જોવા મળતો હતો. કંપનીએ આઈપીઓના ભાગરૂપે રિટેલ માટે 1.4 કરોડ શેર્સ રિઝર્વ રાખ્યાં હતાં. જેમાંથી 1.253 કરોડ શેર્સ માટે જ અરજીઓ આવી હતી અને તેથી રિટેલ સેગમેન્ટમાં ફર્મ એલોટમેન્ટ પણ જોવા મળ્યું હતું. જો સમગ્ર આઈપીઓની વાત કરીએ તો લિસ્ટીંગથી રોકાણકારોના તમામ વર્ગને રૂ. 13700 કરોડનો જંગી લાભ મળ્યો હતો. જેમાં કંપનીના પ્રમોટર્સના હિસ્સામાં રૂ. 10481 કરોડનો લાભ જોવા મળતો હતો. કંપનીએ રૂ. 1080ના ભાવે શેર ઓફર કર્યો હતો. જે મંગળવારે કામકાજની આખરમાં 32 ટકા પ્રિમીયમે રૂ. 1422.30ના ભાવે બંધ રહ્યો હતો.
લિસ્ટીંગ દિવસે રૂ. રૂ. 56,975 કરોડના માર્કેટ-કેપ સાથે મેનકાઈન્ડ ફાર્મા માર્કેટ-કેપની રીતે પાંચમા ક્રમની ફાર્મા કંપની બની હતી. તેણે ટોરેન્ટ ફાર્માને પાછળ રાખી હતી. વૈશ્વિક બ્રોકરેજ મેક્વેરિ રિસર્ચે કંપની માટે આઉટપર્ફોર્મનું રેટિંગ આપી રૂ. 1400ના પ્રાઈસ ટાર્ગેટ આપ્યો હતો. જે લિસ્ટીંગ દિવસે જ જોવા મળ્યો હતો. માર્કેટ વર્તુળો મેનકાઈન્ડ ફાર્માના 10-15 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગની શક્યતાં જોઈ રહ્યાં હતાં. જોકે કંપનીનો શેર 20 ટકાથી ઊંચા પ્રિમીયમ સાથે લિસ્ટ થયા પછી સુધરતો રહ્યો હતો અને દિવસની ટોચ નજીક જ બંધ રહ્યો હતો. મેનકાઈન્ડ ફાર્માના મજબૂત લિસ્ટીંગે પ્રાઈમરી માર્કેટમાં આશા જગાવી છે અને આગામી સમયગાળામાં નોંધપાત્ર સંખ્યામાં કંપનીઓ નાણા ઊઘરાવવા બજારમાં પ્રવેશે તેવી શક્યતાં જોવાઈ રહી છે. મંગળવારે સેકન્ડરી માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેને કારણે મેનકાઈન્ડ ફાર્માના સુંદર લિસ્ટીંગમાં સપોર્ટ સાંપડ્યો હતો.
દેશમાં ટોચની પાંચ ફાર્મા કંપનીઓ
કંપની માર્કેટ-કેપ(રૂ. કરોડમાં)
સન ફાર્મા 229580
ડિવિઝ લેબો. 89890
ડો. રેડ્ડીઝ લેબો 82130
સિપ્લા 75800
મેનકાઈન્ડ ફાર્મા 56980
ફોક્સકોને બેંગલૂરું નજીક 300 કરોડ જમીન ખરીદી
LSEને ફાઈલીંગમાં જણાવ્યા મુજબ તાઈવાની ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકે રૂ. 300 કરોડમાં જમીન ખરીદી
ટેક્નોલોજી જાયન્ટ એપલના આઈફોન્સની ઉત્પાદન કરતી ફોક્સકોનની માલિક હોન હાઈ પ્રિસિઝન ઈન્ડસ્ટ્રીએ કર્ણાટકમાં બેંગલૂરું રૂરલમાં રૂ. 300 કરોડ(3.7 કરોડ ડોલર)માં 300 એકર લેન્ડની ખરીદી કરી છે. કંપનીએ લંડન સ્ટોક એક્સચેન્જને ફાઈલીંગમાં આમ જણાવ્યું હતું. તેણે પેટાકંપની ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી ઈન્ડિયા મેગા ડેવલપમેન્ટ, એપીએફ વતી ખરીદી કરી હોવાનું 9 મેના રોજ જણાવ્યું હતું.
આ જમીન બેંગલૂરુ એરપોર્ટ નજીક દેવનહલ્લી ખાતે આવેલી છે. તાઈવાની ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરર ચીન બહાર તેની ઉત્પાદનને ડાયવર્સિફાઈ કરવાના હેતુથી ભારતમાં વિસ્તરણ કરી રહ્યો છે. ફોક્સકોન એ એપલ આઈફોન પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર છે. એપલ 2025 સુધીમાં તેનું 25 ટકા ઉત્પાદન ભારતમાં થાય તેમ ઈચ્છી રહી છે.
અગાઉ કર્ણાટક સરકારે 20 માર્ચે જણાવ્યું હતું કે ફોક્સકોન રાજ્યમાં મોબાઈલ મેન્યૂફેક્ચરિંગ યુનિટ માટે રૂ. 8000 કરોડનો ખર્ચ કરશે. જે રાજ્યમાં 50 હજાર લોકોને રોજગારીની તક પૂરી પાડશે. ફોક્સકોનના સીઈઓ અને ચેરમેન યંગ લ્યૂની રાજ્યના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઈ સાથે મુલાકાત પછી આ જાહેરાત કરાઈ હતી. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પણ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કર્ણાટક નજીક 300 એકર જમીનમાં નવી ફેક્ટરીમાં એપલ ફોન્સનું ઉત્પાદન કરવામાં આવશે. બેંગલૂરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક દેવનહલ્લી તાલુકા સ્થિત ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ રિજન(આઈટીઆઈઆર) ઈન્ડસ્ટ્રીઅલ એરિયા ખાતે 3 માર્ચે આ જમીનને નિર્ધારિત કરવામાં આવી હતી. આ ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગ યુનિટ રાજ્યમાં આગામી 10 વર્ષોમાં એક લાખ રોજગારીની તકોનું સર્જન કરે તેવો અંદાજ છે. અગાઉ તેલંગાણાના આઈટી અને ઈન્ડસ્ટ્રીઝના પ્રિન્સિપલ સેક્રેટરી જયેશ રાજને ચાલુ મહિનાની શરૂમાં જણાવ્યું હતું કે ફોક્સકોન 15 મેના રોજ ખાતમૂહૂર્ત યોજશે.
જાપાનની મિત્સુબિશી ઈલેક્ટ્રીક 23.1 કરોડમાં પ્લાન્ટ સ્થાપશે
જાપાનની મિત્યુબિશી ઈલેક્ટ્રીક કોર્પની ભારતીય પાંખ તમિલનાડુમાં મેન્યૂફેક્ચરિંગની સ્થાપના માટે 23.12 કરોડ ડોલર(રૂ. 1891 કરોડ)નું રોકાણ કરશે એમ એક અહેવાલ જણાવે છે. મિત્સુબિશી ઈલેક્ટ્રીક ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ 2004 લોકોને રોજગારી પૂરી પાડશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની જાપાન યાત્રાના કેટલાંક દિવસો અગાઉ આ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં તમિલનાડુ દેશમાં બીજા ક્રમનું કદ ધરાવતું અર્થતંત્ર છે.
અલ-નીનોના ડરમાં ચોખાના ભાવમાં વૃદ્ધિ
અલ નીનોની શંકાના કારણે ડર વચ્ચે સમગ્ર એશિયામાં સફેદ ચોખાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. અલ નીનો 2023ના બીજા ભાગમાં વિકસે અને તેને કારણે ભારત સહિતના દેશોમાં ચોમાસામાં અનિયમિત વરસાદની શક્યતાં છે. ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલના મતે ભારતના 25 ટકા ટુકડા રાઈસનો ભાવ 442 પ્રતિ ટન પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે થાઈલેન્ડ અને વિયેટનામના ચોખા અનુક્રમે 490 ડોલર અને 480 ડોલર પ્રતિ ટન પર ક્વોટ થઈ રહ્યાં છે. ભારતીય ચોખાનો ભાવ વાર્ષિક ધોરણે 27 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે થાઈલેન્ડના ચોખા 11 ટકા અને વિયેટનામની પેદાશમાં 16 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ અને મલેશિયા જેવા દેશો અલ નીનોના ડરને કારણે ચોખાના સંગ્રહમાં પડ્યાં હોવાના કારણે પણ ભાવમાં મજબૂતી જોવા મળી રહી હોવાનું વર્તુળોનું કહેવું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
કન્સાઈ નેરોલેકઃ પેઈન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 93.8 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 25 કરોડની સરખામણીમાં 280 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1536.5 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1733.6 કરોડ પર રહી હતી.
મહાનગર ગેસઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 268.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 206 કરોડની અપેક્ષા કરતાં નોંધપાત્ર ઊંચો રહ્યો છે. કંપનીની આવક પણ રૂ. 1633 કરોડની અપેક્ષા સામેરૂ. 1610 કરોડ પર રહી હતી. જેની પાછળ કંપનીનો શેર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
એચએફસીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 71.8 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 65 કરોડની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1183 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 21 ટકા વધી રૂ. 1433 કરોડ પર રહી હતી.
બિરલા સોફ્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 112.1 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 16.3 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1222 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 0.4 ટકા વધી રૂ. 1226.3 કરોડ પર રહી હતી.
આંધ્ર પેપરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 153.9 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57 કરોડની સરખામણીમાં 175 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 425.9 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 39 ટકા વધી રૂ. 590.2 કરોડ પર રહી હતી.
કાર્બોરન્ડમઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 137.1 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57 કરોડની સરખામણીમાં 150 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 869 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 38 ટકા વધી રૂ. 1200 કરોડ પર રહી હતી.
કેપીટીએલઃ કલ્પતરુ પાવરે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 156 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 107 કરોડની સરખામણીમાં 40 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4135 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 18 ટકા વધી રૂ. 4882 કરોડ પર રહી હતી.
નેક્સસ સિલેક્ટઃ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે આઈપીઓ અગાઉ 20 એન્કર ઈન્વેસ્ટર્સને 14.39 કરોડ શેર્સ ફાળવી રૂ. 1440 કરોડ ઊભા કર્યાં છે. જેમાં એચડીએફસી ફોકસ્ડ 30 ફંડ, એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ, એચડીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એચડીએફસી હાઉસિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ પેન્શન ફંડનો સમાવેશ થતો હતો. એફપીઆઈમાં પ્રૂસિક એશિયન અને મોર્ગન સ્ટેનલી એશિયાએ રોકાણ કર્યું હતું.
એપીએલ લિઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 152.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1415.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1406.5 કરોડ પર જોવા મળી હતી.