બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં તેજીમય સેન્ટીમેન્ટ સાથે સપ્તાહની સમાપ્તિ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે સ્થાનિક બજારનું આઉટપર્ફોર્મન્સ
નિફ્ટીએ 19800ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ગગડી 10.78ના સ્તરે
પીએસઈ, ઓટો, રિઅલ્ટી, બેંકિંગમાં મજબૂતી
ફાર્મા, આઈટી, એફએમસીજીમાં નરમાઈ
પીએફસી, આરઈસી, રાઈટ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં શુક્રવારે વધુ એક આઉટપર્ફોર્મન્સ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક્સ છેલ્લાં લગભગ દોઢેક મહિનાની ટોચ પર જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સના સુધારે 66,598.91ની સપાટીએ જ્યારે નિફ્ટી 50 92.90 પોઈન્ટ્સની મજબૂતી સાથે 19,820ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3820 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2043 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1650 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 326 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયાં પર જોવા મળ્યાં હતાં. 16 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 1 કાઉન્ટર સેલર સર્કિટમાં જોવા મળતું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા ગગડી 10.78ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી શરૂઆતી સમયગાળામાં સાંકડી રેંજમાં અથડાતો જોવા મળ્યો હતો. જોકે બપોર પછી લાર્જ-કેપ્સમાં મજબૂતી પાછળ તેણે 19867.15ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. જ્યાંથી સહેજ પાછો પડ્યો હતો. જોકે, 19800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 64 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19874ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્ર સમકક્ષ જ હતો. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં કોઈ ખાસ ઉમેરો નોંધાયો નથી. અલબત્ત, બ્રેકઆઉટને જોતાં બેન્ચમાર્ક આગામી સપ્તાહે નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. આ સ્થિતિમાં લાર્જ-કેપ સેગમેન્ટ આઉટપર્ફોર્મન્સ નોંધાવે તેવું એનાલિસ્ટ્સ જણાવે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ, તાતા મોટર્સ, લાર્સન, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, બજાજ ઓટો, ટાઈટન કંપની, એચડીએફસી બેંક, એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, યૂપીએલ, એપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, વિપ્રો, તાતા કન્ઝ્યૂમર, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, એસબીઆઈ લાઈફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, ઓટો, રિઅલ્ટી, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.63 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશન 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આરઈસી, ભેલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, કોન્કોર, આઈઆરસીટીસી, આઈઓસી, ભારત ઈલેક્ટ્રીક, એચપીસીએલ, બીપીસીએલ અને હિંદુસ્તાન એરોનોટિક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ઓટો 0.7 ટકા મજબૂતી સાથે ઓલ-ટાઈમ હાઈ સૂચવતો હતો. જેના ઘટકોમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુ, બજાજ ઓટો, અશોક લેલેન્ડ, બોશ, મારુતિ સુઝુકી, મધરસન સુમી, એમએન્ડએમ જેવી કંપનીઓ નોંધપાત્ર મજબૂતી સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.6 ટકા મજબૂતી સાથે 45 હજારની સપાટી પર ફરી બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં બંધન બેંક, ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પીએનબી સુધરવામાં ટોચ પર હતાં. બીજી બાજુ નિફ્ટી ફાર્મા, આઈટી, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો પાવર ફાઈનાન્સ 12 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરઈસી, હેવેલ્સ, ભેલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, હિંદ કોપર, આઈઆરસીટીસી, આઈઓસી, ભારત ઈલે., ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડુસ ટાવર્સ, બીપીસીએલ અને બંધન બેંક નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ, ઝી એન્ટરટેઈન્ટમેન્ટ, ગ્લેનમાર્ક, બલરામપુર ચીની, કોરોમંડલ ઈન્ટ, ચંબલ ફર્ટી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આરબીએલ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, કોફોર્જ, ડો. લાલપેથલેબ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં બોમ્બે બર્માહ, પાવર ફાઈનાન્સ, આરઈસી, ગ્રેફાઈટ ઈન્ડિયા, વેલસ્પન કોર્પ, રાઈટ્સ, બીઈએમએલ, મઝગાંવ ડોક, હેવેલ્સ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.
ભારતમાં GDPના 15 ટકા MF એસેટ્સનું પ્રમાણ યુએસ કરતાં ઘણું નીચુઃ સેબી
ફિનટેક કંપનીઓ તરફથી ઝડપી ઈનોવેશન્સને કારણે જોખમો પણ ઊભા થઈ રહ્યાં છે
જાન્યુઆરીમાં અમલી બનેલી T+1 સેટલમેન્ટ સાઈકલે બજારને ઘણુ કાર્યદક્ષ બનાવ્યું
ભારતમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 46 લાખ કરોડ પર જોવા મળે છે. જે દેશની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(GDP)ના 15 ટકા જેટલી છે. વિકસિત દેશોની સરખામણીમાં આ પ્રમાણ ખૂબ નીચું હોવાનું માર્કેટ રેગ્યુલેટર સેબીના હોલ-ટાઈમ મેમ્બર અમરજીત સિંઘે જણાવ્યું હતું. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 ખાતે બોલતાં સિંઘે ઉમેર્યું હતું કે યુએસ ખાતે મ્યુચ્યુલ ફંડ એયૂએમ જીડીપીના 80 ટકા જેટલું જોવા મળે છે. કેટલાંક વર્ષો અગાઉ ભારતમાં આ આંકડો 8-9 ટકા પર જોવા મળતો હતો. જે હાલમાં વધી 15 ટકાએ પહોંચ્યો છે. યુએસની સરખામણીમાં ભારતીય મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માટે વૃદ્ધિની જંગી તકો રહેલી છે એમ તેમણે જણાવ્યં હતું.
ભારતીય ફંડ ઉદ્યોગ ક્ષેત્રે SIP(સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) મારફતે રોકાણ મહિને રૂ. 15000 જેટલું જોવા મળે છે. જે જોતાં એવું લાગે છે કે પરંપરાગત રિકરિંગ ડિપોઝીટ્સનો વિકલ્પ ઊભો થઈ રહ્યો છે એમ સિંઘે જણાવ્યું હતું. ફિનટેક્સ તરફથી કેપિટલ માર્કેટ્સ માટે અનેક પ્રોડક્ટ્સના ઈનોવેશનને જોતાં તેમણે આવી કંપનીઓ માટે રેગ્યુલેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઈનોવેશન હંમેશા રેગ્યુલેશન્સથી આગળ રહેતાં હોય છે અને તેથી બંને વચ્ચે સંતુલન જરૂરી છે. તેમણે નવી પ્રોડક્ટ્સ તરફથી ઊભા થઈ રહેલા જોખમો પર ચાંપતી નજર રાખવા માટે જણાવ્યું હતું. ઈનોવેશનમાંથી ઊભા થતાં જોખમો સામે રોકાણકારોના હિતોની રક્ષા કરવાની અમારી ફરજ છે એમ તેમણે નોંધ્યું હતું. તેમણે સ્ટાર્ટઅપ સ્થાપકોને યોગ્યતાના માપદંડો પર ભાર મૂકવા માટે પણ જણાવ્યું હતું.
સેટલમેન્ટ સાઈકલને લઈને બોલતાં સિઁઘે કહ્યું હતું કે જાન્યુઆરી 2023થી અમલી બનેલાં T+1 સેટલમેન્ટ સાઈકલે શેરબજારને ઘણુ કાર્યદક્ષ બનાવ્યું છે. તેને કારણે બજારમાં લિક્વિડીટી વધી છે તેમજ સિસ્ટમમાંથી જોખમ ઘટ્યું છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારોમાં ભિન્ન ટાઈમ ઝોન અને કરન્સી કન્વર્જનને લઈને ચિંતા હતી. જોકે, આપણે તેને પણ ઉકેલી છે. ભારતીય શેરબજારમાં શરૂઆતમાં 100 શેર્સને T+1 સેટલમેન્ટ સાઈકલમાં શિફ્ટ કરાયાં હતાં. જ્યાર પછી દર મહિને 100 શેર્સનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. પાછળથી મહિને 500 શેર્સ ઉમેરાયાં હતાં. વિશ્વમાં ભારત ઉપરાંત એકમાત્ર શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ T+1 સેટલમેન્ટ સાઈકલ ધરાવે છે.
રિલાયન્સ-NVIDIA મળીને ભારતમાં AI માટે વિશાળ સ્વદેશી લેંગ્વેજ મોડેલ વિકસાવશે
બંને કંપનીઓ મળીને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સાથે મળી કામ કરશે
ભારતની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને સેમીકંડક્ટર ચીપ મહત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે વૈશ્વિક ચીપ ડિઝાઈન અગ્રણી એનવિડિયા(NVIDIA) અને સ્થાનિક ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે ભાગીદારીની જાહેરાત કરી હતી. જે હેઠળ બંને કંપનીઓ ભારતની વિવિધ ભાષાઓ પર ટ્રેઈન થયેલાં મોટા સ્વદેશી લેંગ્લેજ મોડેલને તૈયાર કરશે અને તેને જનરેટીવ એઆઈ એપ્લિકેશન્સ માટે ઉપયોગમાં લેશે.
બંને કંપનીઓ દેશમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સાથે મળી કામ કરશે. જે આજે દેશમાં જોવા મળતાં સૌથી ઝડપી સુપરકોમ્પ્યુટરની સરખામણીમાં પણ ઊંચી તીવ્રતા ધરાવતું હશે. આ ભાગીદારી હેઠળ એનવિડિયા ક્લાઉડમાં તેની સૌથી આધુનિક ચીપ્સ અને એઆઈ સુપરકોમ્પ્યુટીંગ સર્વિસિઝની પહોંચ પૂરી પાડશે, જ્યારે તેનું એક્ઝીક્યુશન અને ઈમ્પ્લિમેન્ટેશન રિલાયન્સ જીઓ સંભાળશે. જે મોબાઈલ ટેલિફોની, 5જી સ્પેક્ટ્રમ, ફાઈબર નેટવર્ક્સ અન અન્ય ક્ષેત્રે વ્યાપક ઓફરિંગ્સ અને અનુભવ ધરાવે છે. એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઆઈ-રેડી કોમ્પ્યુટીંગ ડેટા સેન્ટર્સમાં જાળવવામાં આવશે. જેને સમયાંતરે વધારી 2000 મેગાવોટનું કરવામાં આવશે. એનવિડીયાના સ્થાપક અને સીઈઓ જેનસેન હૂંગે જણાવ્યું હતું કે ભારતમાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ એઆઈ સુપરકોમ્પ્યુટર્સ બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરવાથી અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે ભારત પાસે સ્કેલ, ડેટા અને ટેલેન્ટ પ્રાપ્ય છે. હવે સૌથી આધુનિક એઆઈ કોમ્પ્યુટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રિલાયન્સ તેનું પોતાનું લાર્જ લેંગ્વેજ મોડેલ્સ બનાવી શકશે. જે ભારતના લોકો માટે ભારતમાં બનેલી જનરેટીવ એઆઈ એપ્લિકેશન્સને ચલાવશે.
રિલાયન્સની ચીપ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ માટે ભાગીદાર સાથે મંત્રણા
કંપનીની એકથી વધુ વિદેશી ટેક્નોલોજી પાર્ટનર્સ સાથે ચર્ચા-વિચારણા
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સેમીકંટક્ટર મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે પ્રવેશ માટેની શક્યતાં ચકાસી રહી છે. આ માટે તેણે સંભવિત પાર્ટનર સાથે મંત્રણા પણ શરૂ કરી હોવાનું વર્તુળોનું કહેવું છે. તેમના મતે ચીપ ક્ષેત્રે પ્રવેશ રિલાયન્સના સપ્લાય ચેઈન જરૂરિયાતને પૂરી કરશે તેમજ ભારતમાં ચીપની વધતી માગને પણ પૂરી કરવામાં સહાયરૂપ બનશે.
ભારત સરકારના પ્રોત્સાહન પાછળ ટેલિકોમ-ટુ-એનર્જી કોંગ્લોમેરટે વિદેશી ચીપ ઉત્પાદકો સાથે શરૂઆતી તબક્કાન વાતચીત આરંભી દીધી છે. આમાંથી કોઈએક કંપની રિલાયન્સની ટેક્નોલોજી ભાગીદાર બની શકે છે એમ આ મુદ્દે સીધી રીતે સંકળાયેલા વર્તુળ જણાવે છે. જોકે આ અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા તેઓ આપી રહ્યાં નથી. કેમકે રિલાયન્સે હજુ રોકાણ અંગે આખરી નિર્ણય લેવાનો બાકી છે એમ તેઓ ઉમેરે છે. કંપનીના ભાગીદાર બનવાની શક્યતાં ધરાવતાં વિદેશી ચીપમેકર્સના નામો પણ જાણી શકાયાં નથી. રિલાયન્સ તરફથી સેમીકંડક્ટર્સ ઉત્પાદન ક્ષેત્રે અગાઉ કોઈપણ પ્રકારનો રસ દર્શાવ્યાનું જાણમાં નથી. કંપની તરફથી આ અંગે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
વડાપ્રધાન મોદીએ અગાઉ જાહેર કર્યું હતું કે તેમનો દેશ વિશ્વ માટે ચીપ ઉત્પાદક બનવા માગે છે. જોકે 2021માં પ્રથમવાર જાહેર કરવામાં આવેલી આ મહત્વાકાંક્ષાએ ઘણી નિષ્ફળતા જોવાની બની છે. હજુ સુધી દેશ કોઈ ચીપ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સ ધરાવતો નથી. અગાઉ દેશના વેદાતાં અને તાઈવાનના ફોક્સકોન જૂથે દેશમાં સુવિધા ઊભી કરવા માટે ભાગીદારી સ્થાપી હતી. જોકે તેઓ નિષ્ફળ રહ્યાં હતાં અને કેટલાંક સમય અગાઉ તેમણે ભાગીદારી છૂટી કરી હતી. રિલાયન્સ માટે સેમીકંડક્ટર્સ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ તેના ટેલિકોમ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ બિઝનેસિસને ચીપની તંગી સામે સુરક્ષા પૂરી પાડી શકે છે એમ વર્તુળોનું કહેવું છે. જેમકે, 2021માં કોંગ્લોમેરટે ગૂગલ સાથે મળી લો-કોસ્ટ સ્માર્ટફોન ઉત્પાદનના ચીપ શોર્ટેજના કારણે પ્રોજેક્ટમાં વિલંબ જોવાનો થયો હતો.
ભારત તેમજ વિશ્વમાં સેમીકંડક્ટર્સની માગ વધી રહી છે. ભારત સરકારની આગાહી મુજબ સ્થાનિક ચીપ માર્કેટનું કદ 2028 સુધીમાં 80 અબજ ડોલરનું બનશે. જે હાલમાં 23 અબજ ડોલર જેટલું છે. હાલમાં 200 અબજ ડોલરનું માર્કેટ-કેપિટલાઈઝેશન ધરાવતી રિલાયન્સ સેમીકંડક્ટર્સમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ સ્થિતિમાં હોવાનું યુએસ સ્થિત ચીપમેકર ગ્લોબલફાઉન્ડ્રીઝના ભૂતપૂર્વ ભારતી અધિકારીનું કહેવું છે.
2047 સુધીમાં વિકસિત દેશ બનવા ભારતે 20 વર્ષ માટે 8-9 ટકાના દરે વૃદ્ધિ દર્શાવવી પડશે
ડેલોઈટના જણાવ્યા મુજબ ભારત એગ્રીકલ્ચર, સ્પેસ સેક્ટર્સ તથા સનરાઈઝ સેક્ટર્સ જેવાકે સેમીકંડક્ટર અને ઈવી તરફ નજર દોડાવી શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધાર મુજબ ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ બનવું હોય તો તેણે આગામી 20 વર્ષો માટે 8-9 ટકાના દરે વૃદ્ધિ દર્શાવવી પડશે એમ ડેલોઈટ સાઉથ એશિયાના સીઈઓ રોમલ શેટ્ટીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતને ‘ચાઈના વન પ્લસ’ નીતિને કારણે લાભ મળી શકે છે. કેમકે અન્ય કોઈ પણ દેશ કામગીરી માટેનું આટલું મોટું કદ ઓફર કરી રહ્યો નથી.
સ્પેસ સેક્ટરનો ઉલ્લેખ કરતાં શેટ્ટીએ જણાવ્યું હતું કે ભારત હાલમાં જ 200 જેટલા સ્ટાર્ટઅસ ધરાવે છે અને 2040 સુધીમાં તે 100 અબજ યુએસ ડોલર જેટલું ઈન્વેસ્ટમેન્ટ આકર્ષી શકે છે. તેમના જણાવ્યા મુજબ ભારતે વિકસિત દેશ બનવું હોય તો 8-9 ટકાના દરે વૃદ્ધિ દર્શાવવી પડશે. તેણે મીડલ ઈન્ક્મ લેવલ દેશમાંથી આગળ નીકળવું પડશે. આ ઝડપે વૃદ્ધિ દર્શાવવી જોકે આસાન નથી. વિશ્વમાં જૂજ દેશો વાર્ષિક ધોરણે લાંબા સમયગાળા સુધી 8-9 ટકાના દરે વૃદ્ધિ દર્શાવવામાં સફળ રહ્યાં છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત નજીકના સમયગાળામાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવતું હશે. તેમણે ઉમેર્યું હતું કે 2047 સુધીમાં આપણો દેશ વિકસિત દેશોમાં સમાવિષ્ટ હશે. આપણું અર્થતંત્ર અન્યોની સરખામણીમાં વધુ ઈન્ક્લૂઝીવ અને ઈનોવેટીવ પણ હશે એમ મોદીએ જણાવ્યું હતું. હાલમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનું અર્થતંત્ર છે. જે યુએસ, ચીન, જાપાન અને જર્મની પછીનો ક્રમ ધરાવે છે. એસએન્ડપી ગ્લોબલનો ગયા મહિને રજૂ થયેલો રિપોર્ટ જણાવતો હતો કે ભારતીય અર્થતંત્ર 2031 સુધીમાં 6.7 ટ્રિલિયન ડોલરના ક્રમે જોવા મળશે. જે હાલમાં 3.4 ટ્રિલિયન ડોલર પર છે.
શેટ્ટીના મતે ભારતે એગ્રીકલ્ચર, સ્પેસ સેક્ટર્સ અને સનરાઈઝ સેક્ટર્સ જેવાકે સેમીકંડક્ટર અને ઈવી પર ફોકસ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે દેશ ખૂબ જ આક્રમકપણે રોડ્સનું બાંધકામ કરી રહ્યો છે. દેશ વર્ષે 16-18 હજાર કિલોમીટર રોડ્સ બનાવી રહ્યો છે. જે વિકાસ અને વેપારને વેગ આપશે. હાલમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીન પ્લસ વન વ્યૂહને અપનાવી રહી છે. જેને લઈને કોઈ શંકા નથી. કંપનીઓ ચીન ખાતેથી તેમની સુવિધા અન્ય દેશોમાં લઈ જવાનું વિચારી શકે છે પરંતુ ભારત જેટલો સ્કેલ તેમને કોઈ આપી શકે તેમ નથી એમ શેટ્ટીનું કહેવું છે. ભારત સામેના મુખ્ય પડકારોમાં તેઓ ક્રૂડની આયાતને ટોચ પર ગણાવે છે.
ચીનના પ્રતિબંધ પાછળ એપલે 200 અબજ ડોલરનું મૂલ્ય ગુમાવ્યું
ચીને સરકારી કર્મચારીઓને ઓફિસમાં આઈફોનનો ઉપયોગ નહિ કરવા જણાવ્યું
નાસ્ડેક ખાતે એપલનો શેર બે સત્રોમાં 6 ટકાથી વધુ ગગડ્યો
એપલના સપ્લાયર્સના શેર્સ પણ પાણી-પાણી થઈ ગયાં
ટોચની ટેક્નોલોજી કંપની એપલ અને એપલના સપ્લાયર્સના શેર્સમાં શુક્રવારે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક ખાતે એપલનો શેર ગુરુવારે 3.1 ટકા ગગડી 177.1 અબજ ડોલરે જોવા મળ્યો હતો. બે સત્રોમાં કંપનીનું માર્કેટ-કેપ 200 અબજ ડોલર જેટલું ધોવાયું હતું. ચીને તેના સરકારી કર્મચારીઓના એપલ ફોનના ઉપયોગ પર મૂકેલા પ્રતિબંધ પાછળ એપલ સહિત તેના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ અને સપ્લાયર્સ કંપનીઓના શેર્સ ગગડ્યાં હતાં. એપલ માટે યુએસ પછી ચીન બીજું સૌથી મોટું માર્કેટ છે.
ચીનના ત્રણ મંત્રાલયોના સ્ટાફ અને સરકારી સંસ્થાઓને કામના સ્થળે આઈફોન્સનો ઉપયોગ નહિ કરવા માટે જણાવ્યું છે એમ વર્તુળોનું કહેવું છે. જેને કારણે એપલના ચીનમાં વેચાણને લઈ ચિંતા ઊભી થઈ છે. આ અહેવાલ પાછળ તાઈવાનની સૌથી મોટી કોન્ટ્રેક્ટ ચીપમેકર અને એપલની સૌથી મોટી સપ્લાયર એસએમસીનો શેર શુક્રવારે 0.7 ટકા જેટલો ઘટાડો સૂચવતો હતો. જે તાઈવાનના બેન્ચમાર્કમાં 0.3 ટકા ઘટાડા કરતાં ઊંચો હતો. વિશ્વમાં સૌથી મોટી સેમીકંડક્ટર ટેસ્ટીંગ અને પેકેજિંગ કંપની એએસઈ ટેક્નોલોજી હોલ્ડિંગ કં.નો શેર 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે કેમેરા લેન્સ-મેકર લાર્ગન પ્રિસિશન કંપનીનો શેર 3 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. તાઈપેઈ સ્થિત મેગા ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિઝ કોર્પના ઈડીના જણાવ્યા મુજબ ચીન આઈફોન્સના ઉપયોગ પર પ્રતિબંધોનું વિસ્તરણ કરી શકે છે. તેમના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં ચીન ખાતે રાષ્ટ્રવાદને લઈ મુશ્કેલી ઊભી થઈ રહી છે. ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક હુવેઈ ટેક્નોલોજિસના નવી સ્માર્ટફોન્સ પણ સારો દેખાવ કરી રહ્યાં છે. જે નવા આઈફોન 15ના વેચાણ પર દબાણ લાવી રહ્યાં છે એમ તેઓ ઉમેરે છે. ચીન ખાતે આઈફોન અને મેકબુક તેમજ એરપોડ્સ માટે કનેક્ટર કેબલ્સ ઉત્પાદક લક્સશેર પ્રિસિઝન ઈન્ડસ્ટ્રીના શેરમાં પણ 1.5 ટકા ઘટાડો નોંધાયો હતો. જાપાનીઝ ચીપ ઈક્વિપમેન્ટ ઉત્પાદક ટોક્યો ઈલેક્ટ્રોનનો શેર શુક્રવારે ચાર ટકા જેટલો તૂટ્યો હતો.
એપલની લગભગ 20 ટકા આવક ચીન ખાતેથી આવે છે. જ્યારે કંપની અને તેના સપ્લાયર્સ હજારો કર્મચારીઓ નોકરી પૂરી પાડી રહ્યાં છે. માર્ચમાં બૈજિંગની મુલાકાત દરમિયાન એપલના સીઈઓ ટીમ કૂકે ચીન સાથે લાંબાગાળાના જોડાણ પર ભાર મૂક્યો હતો.
RBI તબક્કાવાર રીતે I-CRR રેશિયોને દૂર કરશે
બેંક 9 સપ્ટેમ્બરથી 25 ટકા ઈન્ક્રિમેન્ટલ-સીઆરઆરને છૂટો કરી શરૂઆત કરશે
બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)ને તબક્કાવાર રીતે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. બેંકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તેણે સમીક્ષા બેઠકમાં આમ નક્કી કર્યું હતું. આરબીઆઈએ તેની ગઈ સમીક્ષા બેઠકમાં I-CRR લાગુ પાડ્યો હતો. જેનું કારણ જુલાઈ માટે જોવા મળેલો અપેક્ષાથી ઊંચો સીપીઆઈ રેટ હતો.
મધ્યસ્થ બેંકરે જણાવ્યું હતું કે I-CRR હેઠળ જમા થયેલી રકમને તબક્કાવાર છૂટી કરવામાં આવશે. જેથી સિસ્ટમ લિક્વિડીટીમાં કોઈ આંચકો જોવા મળે નહિ અને મની માર્કેટ્સ સ્થિર કામગીરી દર્શાવી શકે. જેને જોતાં બેંક 25 ટકા I-CRRને 9 સપ્ટેમ્બરે છૂટો કરશે. જ્યારપછી વધુ 25 ટકા I-CRRને 23 સપ્ટેમ્બરે રિલીઝ કરસે. બાકીના 50 ટકા I-CRRને તે 7 ઓક્ટોબરના રોજ રિલીઝ કરશે એમ બેંકે ઉમેર્યું હતું. આરબીઆઈએ 12 ઓગસ્ટથી શેડ્યૂલ્ડ બેંક્સ માટે 10 ટકાના I-CRRને લાગુ પાડ્યો હતો. તેણે સિસ્ટમમાં રહેલી વધારાની લિક્વિડીટીને શોષવા માટે આ પગલું ઉઠાવ્યું હતું. બેંક તરફથી રૂ. 2000ની ચલણી નોટ્સને પરત ખેંચવાના કારણે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટીમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ તેમણે ભાવોમાં સ્થિરતા અને બેંક્સના લાભમાં જ I-CRRને લાગુ પાડ્યો હતો. I-CRRને કારણે બેંક્સની લિક્વિડીટી પર કોઈ વિપરિત અસર નથી પડી અને તેઓ તેમની રૂટિન લેંડિગ કામગીરી જાળવી શક્યાં હતાં. આરબીઆઈએ 19 મેના રોજ રૂ. 2000ની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જ્યારથી 1 ઓગસ્ટ સુધીમાં દેશમાં રૂ. 3.14 લાખ કરોડની રૂ. 2000ની નોટ્સ પરત આવી ચૂકી છે. જે સર્ક્યુલેશનના 88 ટકા જેટલી થાય છે.
યુએસ ડોલર સામે રૂપિયો 27 પૈસા ઉછળ્યો
વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ પાછળ સ્થાનિક ચલણને રાહત સાંપડી હતી. છેલ્લાં કેટલાંક સત્રમાં સતત નરમાઈ પછી શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો 27 પૈસા ઉછળી 82.9450ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના આખરી સત્રમાં રૂપિયો મજબૂત ઓપનીંગ દર્શાવ્યાં પછી બે બાજુની વધ-ઘટ જાળવી પોઝીટીવ બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં પોઝીટીવ મોમેન્ટમ તથા વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં નરમાઈએ પણ રૂપિયાને સપોર્ટ કર્યો હતો. રૂપિયો 83.14ની સપાટીએ ખૂલી ઉપરમાં 83.1725 પર ટ્રેડ થઈ 82.9075ની હાઈ બનાવી 82.9450 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ 700 ડોલર પ્રતિ ટન નજીક પહોંચ્યાં
ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં પછી વૈશ્વિક ભાવોમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
વૈશ્વિક બજારમાં વ્હાઈટ રાઈસ અને પારબોઈલ્ડ(ઉકળા ચોખા) રાઈસના ભાવમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે અને હાલમાં તે 700 ડોલર પ્રતિ ટન નજીક પહોંચી રહ્યાં છે. જેમાં થાઈલેન્ડ ખાતે ચોખાના ભાવમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે 670 ડોલર પ્રતિ ટન આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે.
ભારત સરકારે 20 જુલાઈએ દેશમાંથી વ્હાઈટ રાઈસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં પછી વૈશ્વિક બજારમાં ચોખાના સપ્લાય પર નોંધપાત્ર અસર જોવા મળી છે. સરકારે ચાલુ મહિને પારબોઈલ્ડ ચોખાના સપ્લાય પર પણ 20 ટકા નિકાસ ડ્યુટી લાગુ કરી હતી. જેને કારણે વૈશ્વિક બજારમાં ચોખાના ભાવમાં ઔર વૃદ્ધિ નોંધાઈ હતી. ભારત સરકારે બાસમતી ચોખાની નિકાસ માટેની લઘુત્તમ એક્સપોર્ટ પ્રાઈસ પણ 1200 ડોલર પર નિર્ધારિત કરી હતી. જેને કારણે દેશમાંથી નિકાસ શીપમેન્ટ્સની કામગીરી લગભગ અટકી પડી છે અને વૈશ્વિક બજારમાં સપ્લાય પર ગંભીર અસર જોવા મળી છે. હાલમાં વૈશ્વિક બજારમાં વ્હાઈટ અને પારબોઈલ્ડ રાઈસના ભાવ 670-690 ડોલર પ્રતિ ટનની રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં છે. રાઈસ એક્સપોર્ટર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સૌથી વધુ અસર દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પર થઈ છે. ભારતીય પારબોઈલ્ડ રાઈસ 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી સાથે 500 ડોલર પ્રતિ ટન પર ક્વોટ થઈ રહ્યાં હતાં. ભારતીય ચોખાના ભાવ આટલા સ્પર્ધાત્મક હોવાનું કારણ સ્થાનિક બજારમાં ચોખાના ભાવમાં જોવા મળતો ઘટાડો હતું. સરકારે નિકાસ પ્રતિબંધ મૂક્યાં પછી સ્થાનિક બજારમાં ચોખાના ભાવ જુલાઈમાં પ્રતિ ટન રૂ. 39000 પરથી ઘટી રૂ. 32000 ટન પર જોવા મળી રહ્યાં છે. આમ 18 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જોકે, ભારતના નિકાસ પ્રતિબંધની અસર અન્ય દેશોને કનડી રહી છે. ફિલિપિન્સ અને મલેશિયા જેવા દેશો પર ભારતે ચોખા પર મૂકેલા નિકાસ પ્રતિબંધની ગંભીર અસર જોવા મળી રહી છે. યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે જણાવ્યા મુજબ થાઈલેન્ડ ખાતેથી નિકાસમાં ગયા સપ્તાહે 1-3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે મજબૂત વૈશ્વિક માગ સૂચવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ 2040માં નેટ ઝીરોનો ટાર્ગેટ હાંસલ કરવા માટે 2 અબજ ડોલરના રોકાણનું આયોજન કર્યું છે. ક્રૂડ ઓઈલ ઉત્પાદક કંપનીએ જણાવ્યા મુજબ તે આગામી વર્ષોમાં રિન્યૂએબલ એનર્જીમાં રોકાણ વધારશે અને એમિશન્સ લેવલ ઘટાડશે. જાહેર ક્ષેત્રની કંપનીઓ મળી રિન્યૂએબલ ક્ષેત્રે રૂ. 6.38 લાખ કરોડનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે.
નેટકો ફાર્માઃ ફાર્મા કંપની સામે કેન્સર ટ્રિટમેન્ટ માટેની જેનેરિક દવા પોમાલીડોમાઈડને લઈ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. જોકે આ ફરિયાદ કોઈ આધાર વિનાની હોવાનું તેણે ઉમેર્યું છે. નેટકો ફાર્મા સાથે સેલજેન કોર્પોરેશન, બ્રિસ્ટોલ મેયર્સ સ્કિબ જેવી કંપનીઓ સામે પર ફરિયાદ થઈ છે.
એર ઈન્ડિયાઃ તાતા જૂથની એરલાઈન કંપનીએ જણાવ્યું છે કે તેણે કંપનીના ખાનગીકરણ અગાઉની ગ્રાહકો તરફથી કરવામાં આવેલા 25 ટકા જેટલાં કોર્ટ કેસિસનો ઉકેલ લાવી દીધો છે. જેમાં કેટલાંક 15 વર્ષોથી પણ વધુ જૂના કેસિસનો સમાવેશ થતો હતો. કંપની સામે કુલ 600 કોર્ટ્સ કેસિસ થયેલાં હતાં. કંપનીને સીસીઆઈ તરફથી વિસ્ટારાના એર ઈન્ડિયામાં મર્જર માટેની મંજૂરી પણ મળી ગઈ છે.
એચસીએલ ટેક્નોલોજીઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ જર્મનીની એન્જીનીયરીંગ જાયન્ટ સિમેન્ટ એજી પાસેથી ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર સિમેન્ટના આઈટી લેન્ડસ્કેપને વિશ્વભરમાં આધુનિક બનાવવા માટેનો છે. જેમાં તેને ક્લાઉડ-આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં લઈ જવાનો છે. આ એક બહુવર્ષીય કોન્ટ્રેક્ટ છે. જેમાં સિમેન્સના તમામ ઓપરેશન્સનું ટ્રાન્સફોર્મેશન થશે.
આઈડીબીઆઈઃ આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ કોફિ ડે સામે રૂ. 228 કરોડના નાદારીના આક્ષેપસર એનસીએલટીમાં અરજી કરી છે. કંપની ઈન્સોલ્વન્સી એન્ડ બેક્ટ્રપ્સી કોડની સેક્શન 7 હેઠળ એનસીએલટીમાં ગઈ છે. કંપનીએ રૂ. 228 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. કોફી ડે તરફથી યોગ્ય કાનૂની સલાહ લેવાઈ રહ્યાંનું જણાવ્યું હતું.
નઝારા ટેક્નોલોજીસઃ કંપનીના બોર્ડે એસબીઆઈ મ્યુચ્યુલ ફંડ પાસેથી રૂ. 410 કરોડ ઊભા કરવાને મંજૂરી આપી છે. કંપની રૂ. 714 પ્રતિ શેરના ભાવે પ્રાઈવેટ બેસીસ પર કુલ 57.42 લાખ પ્રેફરેન્શિયલ શેર્સ ઈસ્યુ કરશે. એસબીઆઈ એમએફની ત્રણ સ્કિમ્સ નઝારામાં રોકાણ કરશે. જેમાં એસબીઆઈ મલ્ટીકેપ ફંડ, એસબીઆઈ મેગ્નમ ગ્લોબલ ફંડ અને એસબીઆઈ ટેક્નોલોજી ઓપો. ફંડનો સમાવેશ થાય છે.
બીકાજી ફૂડ્સઃ લાઈટહાઉસ ઈન્ડિયા ફંડે કંપનીનો 1.3 ટકા હિસ્સો વેચ્યો છે. જ્યારે પ્લુટુસ વેલ્થ મેનેજમેન્ટે આ હિસ્સો ખરીદ્યો છે.