બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નવા ટ્રિગર્સના અભાવે માર્કેટમાં સુસ્તીનો માહોલ
સ્ટોક સ્પેસિફિક મજબૂત ટ્રેન્ડનો ક્રમ જારી
યુએસ સિવાય વૈશ્વિક બજારોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 11.32ના સ્તરે
પીએસયૂ બેંકમાં નવેસરથી લેવાલી નીકળી
ફાર્મા, આઈટી, મિડિયામાં મજબૂતી
મેટલ, એફએમસીજી, ઓટોપીએસઈમાં નરમાઈ
ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, હૂડકો, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ નવી ટોચે
શેરબજારમાં નવા ટ્રિગર્સના અભાવે બજાર રેંજ બાઉન્ડ જોવા મળ્યું હતું. અર્નિંગ્સ સિઝન ઘણી ખરી પૂરી થઈ ચૂકી છે જ્યારે વૈશ્વિક બજારમાં મિશ્ર ટ્રેન્ડ સાંપડી રહ્યો છે. જેની વચ્ચે ભારતીય બજારમાં ઊંચા મથાળે સાવચેતી પ્રવર્તી રહી છે. મંગળવારે બીએસઈ સેન્સેક્સ 106.98 પોઈન્ટ્સના ઘટાડે 65,846.50ની સપાટીએ જ્યારે નિફ્ટી 26.45 પોઈન્ટ્સ ઘટાડે 19,570.85ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3755 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1852 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1757 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 271 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 11.32ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડેક્સ લગભગ 500 પોઈન્ટ્સ જેટલો મજબૂત બંધ રહેવા છતાં એશિયન બજારો નરમાઈ દર્શાવતાં હતાં. જોકે, ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું અને તે શરૂઆતી સમયગાળામાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થયાં પછી રેડ ઝોનમાં સરી પડ્યો હતો અને સરવાળે નેગેટિવ બંધ રહ્યો હતો. નિફ્ટી ઈન્ટ્રા-ડે 19634.40ની ટોચ બનાવી 19600ની નીચે જ બંધ રહ્યો હતો. આમ આ સ્તરે તેને અવરોધ જણાય રહ્યો છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 38 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19609ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 71 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે લોંગ પોઝીશનમાં લિક્વિડેશન થઈ રહ્યું છે. જે નવી લોંગ પોઝીશન સામે લાલબત્તી સૂચવે છે. રોકાણકારો હાલમાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને ઘટાડે બજારમાં ફરીથી પ્રવેશ કરવો જોઈએ. ટેક્નિકલ એનાલિસ્ટ્સ નિફ્ટીમાં 19300ના સપોર્ટને મહત્વનો ગણાવી રહ્યાં છે. જે તૂટશે તો માર્કેટમાં 18800 સુધીનો ઘટાડો સંભવ છે. જ્યારે 19800ની સપાટી પાર થશે તો 20000નું લેવલ જોવા મળી શકે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, સિપ્લા, ટેક મહિન્દ્રા, વિપ્રો, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, એક્સિસ બેંક, ટાઈટન કંપની અને બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદાલ્કો, એમએન્ડએમ, ડિવિઝ લેબ્સ, જેસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, નેસ્લે અને અદાણી પોર્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંકમાં નવેસરથી લેવાલી નીકળી હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 3.4 ટકા ઉછળ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક 13 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્ર, જેકે બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પીએનબી અને બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મામાં સુધારો જળવાયો હતો અને તે 0.64 ટકા મજબૂતી સાથે નવી ટોચે પહોંચ્યો હતો. જેને બાયોકોન, સિપ્લા, ડો. રેડ્ડીઝ, લ્યુપિન, ઝાયડસ લાઈફ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી આઈટી પણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો અને એલટીઆઈ ટેક્નોલોજી અને કોફોર્જનો સમાવેશ થાય છે. જ્યારે નિફ્ટી મિડિયા 0.74 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ડિશ ટીવી, નેટવર્ક 18, ટીવી ટુડે, સન ટીવી, ઝી એન્ટરટેઈનમેન્ટ જેવા કાઉન્ટર્સ મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ, મેટલ, એફએમસીજી, ઓટોપીએસઈમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગેમેન્ટ પર નજર કરીએ તો મણ્ણાપુરમ ફાઈનાન્સ 5 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. ત્યારપછી બાયોકોન, હીરો મોટોકોર્પ, ડિક્સોન ટેક્નોલોજી, એસબીઆઈ લાઈફ, સિપ્લા, મેક્સ ફાઈ., પિરામલ એન્ટરપ્રાઈઝ, કેનેરા બેંક, લૌરસ લેબ્સ, પીએનબી, બેંક ઓફ બરોડા, આરઈસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, રામ્કો સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા કેમિકલ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બલરામપુર ચીની, ઈન્ફો એજ, હિંદાલ્કો, જીએનએફસી, ગોદરેજ કન્ઝ્યૂમર, એલઆઈસી હાઉસિંગ, એમએન્ડએમ નોંધપાત્ર નરમાઈ દર્શાવતાં હતાં. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, હૂડકો, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ગરસોલ રેંડ, સેરા સેનિટરી, શ્યામ મેટાલિક્સ, ડિક્સોન ટેક્નોલોજી, એસબીઆઈ લાઈફ, એનએલસી ઈન્ડિયા, સિપ્લાનો સમાવેશ થતો હતો.
જૂન ક્વાર્ટરમાં MF ક્ષેત્રે 1.85 લાખ કરોડનો ચાર-વર્ષોમાં વિક્રમી ત્રિમાસિક ઈનફ્લો
સ્મોલ-કેપ કેટેગરીમાં વિક્રમી રૂ. 10,937 કરોડનો ત્રિમાસિક ઈનફ્લો જોવા મળ્યો
મીડ-કેપ કેટેગરીમાં રૂ. 4,735 કરોડનો ઈનફ્લો નોંધાયો
નાણા વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરની શરૂઆત મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માટે પોઝીટીવ જોવા મળી છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરના ત્રણ મહિના દરમિયાન ઓપન-એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્સે કુલ રૂ. 1,84,789 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો છે. જે છેલ્લાં ચાર વર્ષોમાં સૌથી ઊંચો ત્રિમાસિક ફ્લો છે. આમાં ફિક્સ્ડ-ઈન્કમ સેગમેન્ટે ઈનફ્લોનો સૌથી ઊંચો હિસ્સો મેળવ્યો હતો.
મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ઓપન-એન્ડેડ ફંડ્સે જૂન ક્વાર્ટરમાં મજબૂત ફ્લો સાથે વર્ષની સારી શરુઆત નોંધાવી છે. એપ્રિલમાં નેટ ઈનફ્લો રૂ. 1,23,613 કરોડનો નોંધાયો હતો. મેમાં રૂ. 59,879 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે જૂનમાં રૂ. 1,295 કરોડનો સાધારણ ઈનફ્લો જળવાયો હતો. દરમિયાનમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ જૂનની આખરમાં રૂ. 44.13 કરોડ પર નોંધાયું હતું. જે ત્રિમાસિક ધોરણે 13 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. રિપોર્ટ મુજબ છેલ્લાં નવ ક્વાર્ટર્સથી ઈક્વિટી ફંડ્સમાં નેટ ઈનફ્લો પોઝીટીવ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મોમેન્ટમ ઘટી રહ્યું હોવા છતાં ફ્લો અકબંધ છે. જૂન ક્વાર્ટરમાં નેટ ઈનફ્લો રૂ. 18,358 કરોડનો નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો. માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 48,766 કરોડ પર જોવા મળ્યો હતો. ઈક્વિટી ફંડ્સનું કુલ એયૂએમ રૂ. 17.44 લાખ કરોડ પર નોંધાયું હતું. જે છેલ્લાં ક્વાર્ટરની સરખામણીમાં 15 ટકા ઊંચો હતો. ઓપન-એન્ડેડ ફંડ ક્ષેત્રે ઈક્વિટી ફંડ્સ 40 ટકા હિસ્સો ધરાવે છે. જો વેઈટેજ મુજબ જોઈએ તો એયૂએમમાં લાર્જકેપ અને ફ્લેક્સિકેપ કેટેગરીઝ સરખી આગેવાની ધરાવે છે. જેમાં લાર્જકેપ ફંડ્સ 15 ટકા જ્યારે ફ્લેક્સિકેપ ફંડ 16 ટકા વેઈટેજ દર્શાવે છે. જ્યારપછીના ક્રમે મીડકેપ ફંડ 13 ટકા વેઈટેજ સૂચવે છે.
બીજી બાજુ છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં ફિક્સ્ડ-ઈન્કમ ફંડ્સમાં નેટ ઈનફ્લો ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. જોકે, જૂન ક્વાર્ટરમાં તેમણે રૂ. 1.39 લાખ કરોડનો નેટ ઈનફ્લો નોંધાવ્યો હતો. જે એસેટ ક્લાસ માટે ત્રિમાસિક ધોરણે બીજા ક્રમનો સૌથી ઊંચો ફ્લો હતો. સતત છ ક્વાર્ટર્સ સુધી નેગેટિવ ઈનફ્લો પછી એસેટ ક્લાસે આખરે નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. કુલ 16 ફિક્સ્ડ-ઈન્કમ કેટેગરીઝમાંથી ચારે જૂન 2023ની આખરમાં નેટ આઉટફ્લો અનુભવ્યો હતો. ક્વાર્ટર દરમિયાન લિક્વિડ ફંડ કેટેગરી રૂ. 79,908 કરોડ અને મની માર્કેટ ફંડ કેટેગરી રૂ. 29,519 કરોડ સાથે સિંહફાળો ધરાવતી હતી.
વિવિધ સેગમેન્ટ મુજબ ઈનફ્લો જોઈએ તો સ્મોલકેપ કેટેગરીએ રૂ. 10,937 કરોડ સાથે નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો ઈનફ્લો દર્શાવ્યો હતો. સતત નવમા ક્વાર્ટર દરમિયાન તેણે પોઝીટીવ ઈનફ્લો મેળવ્યો હતો. ક્વાર્ટર દરમિયાન ઓપન-એન્ડેડ ઈક્વિટી એસેટ ક્લાસમાં સ્મોલ-કેપ કેટેગરીએ સૌથી ઊંચો નેટ ઈનફ્લો નોંધાવ્ય હતો. સ્મોલ-કેપ ઈક્વિટી કેટેગરી માટેનું એયૂએમ જૂન ક્વાર્ટરની આખરમાં રૂ. 1.68 લાખ કરોડની વિક્રમી ટોચ પર નોંધાયું હતું. બીજી બાજુ, લાર્જકેપ ફંડ્સે ક્વાર્ટર દરમિયાન રૂ. 3359 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો હતો. જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 1981 કરોડનો ઈનફ્લો દર્શાવતાં હતાં. મીડકેપ કેટેગરીએ સતત 10મા ક્વાર્ટર દરમિયાન નેટ ઈનફ્લો નોંધાવ્યો હતો. તેણે રૂ. 4735 કરોડનો ઈનફ્લો મેળવ્યો હતો. જે ઓપન-એન્ડેડ ઈક્વિટી એસેટ ક્લાસમાં બીજા ક્રમનો હતો.
કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિનામાં 40 ઈન્ડેક્સ ફંડ્સ લોંચ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 31 ફિક્સ્ડ-ઈન્કમ ઈન્ડેક્સ ફંડ્સ હતાં. જ્યારે નવ ઈક્વિટી-બેઝ્ડ ઈન્ડેક્સ ફંડ્સ હતાં. માર્ચ ક્વાર્ટરમાં પેસિલ ઈન્ડેક્સ ફંડ્સે રૂ. 26,629 કરોડ ઊભાં કર્યાં હતાં. ફંડ હાઉસિસની વાત કરીએ તો એસબીઆઈ એમએફે જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં બે ઓપન-એન્ડ ફંડ્સ લોંચ કર્યાં હતાં. જેનું કુલ એયૂએમ રૂ. 4583 કરોડ સાથે સૌથી ઊંચું જોવા મળે છે. જ્યારે એચડીએફસીએ 13 નવા ફંડ્સ લોંચ કર્યાં હતાં. જેનું એયૂએમ રૂ. 3,218 કરોડ જોવા મળે છે.
બોફાએ નિફ્ટીનો ટાર્ગેટ 18 હજારથી સુધારી 20500 કર્યો
ગ્લોબલ બ્રોકરેજે અગાઉ મે મહિનાના 18 હજારના ટાર્ગેટમાં 14 ટકા વૃદ્ધિ કરી
અગાઉ યુએસ ખાતે મધ્યમ મંદીની અપેક્ષાને સ્થાને હવે તે કોઈ મંદી જોઈ રહી નથી
શોર્ટ-ટર્મમાં ક્રૂડના ભાવને કારણે ભારતીય બજાર ઘટી શકે પરંતુ તેની અસર હંગામી બની રહેશે
આઈટી, ડિસ્ક્રિશ્નરી, મેટલ્સ, સિમેન્ટને લઈને સાવચેતી રાખવાનો બ્રોકરેજનો મત
બોફા સિક્યૂરિટીઝે ડિસેમ્બર 2023 માટે નિફ્ટીનો ટાર્ગેટ સુધારી 20500 કર્યો છે. તેણે અગાઉ 18 હજારનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. અગાઉ તેણે યુએસ ખાતે મધ્યમ મંદીની અપેક્ષાને ધ્યાનમાં રાખી આ અંદાજ આપ્યો હતો. જોકે, હવે બ્રોકરેજ માને છે કે યુએસ ખાતે કોઈ મંદી જોવા મળશે નહિ.
કંપનીએ 8 ઓગસ્ટે રજૂ કરેલાં તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે નિફ્ટીનો નવો ટાર્ગેટ તેણે અગાઉ મે મહિનામાં નિર્ધારિત કરેલા 18 હજારના ટાર્ગેટની સરખામણીમાં 14 ટકા ઊંચો છે. જ્યારે વર્તમાન ભાવથી 4.5 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ડિસેમ્બર 2023 સુધીમાં નિફ્ટી 20500ની ઐતિહાસિક ટોચે જોવા મળે તેવી અપેક્ષા છે એમ બોફા નોંધે છે. ઐતિહાસિક રીતે નિફ્ટી યુએસ ખાતે મંદી પૂરી થાય તેના ઓછામાં ઓછા ત્રણ મહિના અગાઉ તેમજ ફેડ તરફથી રેટ ઘટાડાની શરૂઆતના છ મહિના અગાઉ સુધી પોટીઝીવ જોવા મળ્યો છે. બ્રોકરેજના મતે સ્થાનિક ફંડ ફ્લો પણ મજબૂત જળવાઈ રહેવાની અપેક્ષા છે. ત્રીજું કારણ એ છે કે નિફ્ટીનું માર્કેટ-કેપ લોંગ-ટર્મ એવરેજ વેલ્યૂએશન્સથી નીચું જોવા મળી રહ્યું છે. જે ખરીદીની તક પૂરી પાડે છે એમ બોફાએ ઈન્વેસ્ટર્સને સંબોધીને તૈયાર કરેલી નોંધમાં જણાવ્યું છે.
જોકે, યુએસ અર્થતંત્ર, નાણાકિય નીતિઓ અથવા મોનેટરી ટાઈટનીંગ બાબતમાં અનઅપેક્ષિત નિરાશા બજારમાં ઘટાડાતરફી દબાણ ઊભું કરી શકે તેમ પણ તે જણાવે છે. ભારતમાં આગામી સમયગાળામાં વ્યસ્ત ચૂંટણી સિઝન પણ બજાર માટે જોખમ હોવાનું તે નોંધે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી બોફા લાર્જ-કેપ્સ પર પસંદગી ઉતારે છે. મીડ અને સ્મોલ-કેપ્સ માટે વેલ્યૂએશન્સ ઊંચા હોવાનું જણાવવા સાથે તે અર્નિંગ્સ ગ્રોથના અંદાજો પણ વધુ પડતાં ખેંચાઈ ચૂક્યાં હોવાનું ઉમેરે છે. ક્રૂડના ભાવમાં તાજેતરમાં વૃદ્ધિ પાછળ ટૂંકાગાળામાં બજારમાં ઘટાડાની અપેક્ષા વ્યક્ત કરતાં બોફાનું કહેવું છે કે અનિયમિત વરસાદની પેટર્નને કારણે ફુગાવાનું દબાણ પણ ઊભું થયું છે. ઉપરાંત ચીન તરફથી આર્થિક સ્ટીમ્યુલસના પગલાને કારણે કોમોડીટીઝના ભાવમાં મજબૂતી જોવા મળી છે. જે ખર્ચમાં વૃદ્ધિ કરી શકે છે. આ પરિબળોની અસર જોકે હંગામી બની રહેશે અને તે નોંધપાત્ર નહિ હોય એમ જણાવતાં બ્રોકરેજ રોકાણકારોને ઘટાડે ખરીદીનું સૂચન કરે છે. બોફા આઈટી તેમજ ચોક્કસ ઓટો પાર્ટ્સ અને ડિસ્ક્રિશ્નરી સેક્ટર્સ, મેટલ્સ, સિમેન્ટ, ટેલિકોમ, યુટિલિટીઝ અને મટિરિયલ્સ અંગે સાવચેત અભિગમ ધરાવે છે. જ્યારે ફાઈનાન્સિયલ્સને લઈને ઓવરવેઈટ વલણ દર્શાવે છે. ઉપરાંત મજબૂત કેપેક્સને જોતાં ઈન્ડસ્ટ્રીઅલ્સ અને રિઅલ એસ્ટેટ માટે પણ ઓવરવેઈટ મત વ્યક્ત કરે છે. ઓટો સેક્ટરમાં પેસેન્જર અને કમર્સિયલ વેહીકલ્સમાં વૃદ્ધિ જળવાશે અને માર્જિન્સ સુધરશે એમ જણાવે છે. હેલ્થકેર સેક્ટર માટે પણ તે આશાવાદી જોવા મળે છે.
RBI પોલિસી રેટ સ્થિર જાળવી રાખે તેવી અપેક્ષા
ગુરુવારે મળનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ની બેઠકમાં રેપો રેટને સ્થિર જાળવી રાખવામાં આવે તેવી અપેક્ષા હોવાનું અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે. જૂન મહિના માટેનો સીપીઆઈ અપેક્ષાથી ઊંચો જોવા મળ્યો હોવા છતાં તેમજ યુએસ સહિતની સેન્ટ્રલ બેંક્સે રેટ વૃદ્ધિ જાળવી હોવા છતાં સ્થાનિક મધ્યસ્થ બેંક વિરામ દર્શાવશે તેમ મનાય છે. આરબીઆઈએ છેલ્લી બે મોનેટરી સમીક્ષા દરમિયાન રેટ વૃદ્ધિ ટાળી છે. જોકે, તે અગાઉ તેણે રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટસની તીવ્ર વૃદ્ધિ નોંધાવી હતી.
આરબીઆઈની એમપીસી ગુરુવારે તેનો નિર્ણય જાહેર કરશે. તેની સામે બે મહત્વના પડકારો જોવા મળી રહ્યાં હોવાનું વર્તુળોનું માનવું છે. જે તેમની નિર્ણય લેવાની પ્રક્રિયા પર અસર કરી શકે છે. આ પડકારોમાંથી એક આવશ્યક કોમોડિટીઝના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી નોંધપાત્ર વૃદ્ધિ છે. ખાસ કરીને અનાજ, શાકભાજી અને કઠોળ જેવા ખાદ્ય પદાર્થોના ભાવ ખાસ્સા મજબૂત બન્યાં છે. ચોમાસાની અનિયમિત પેટર્ન્સ અને દેશના કેટલાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે આમ બન્યું છે. જોકે, અનાજ પાકોની તંગીને કારણે પણ ભાવ ઊંચા જોવા મળી રહ્યાં છે. જેને કારણે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સમાં જૂનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જેણે આરબીઆઈ તરફથી રેટમાં ઘટાડાની શક્યતાને નહિવત બનાવી દીધી છે. બીજું કારણ યુએસ ફેડ તરફથી એકવાર પોઝ જાળવ્યાં પછી ફરીથી રેટ વૃદ્ધિ શરૂ કરવામાં આવતાં આરબીઆઈ પર પણ રેટ વૃદ્ધિનું દબાણ ઊભું થઈ શકે છે. ફેડ છેલ્લાં દોઢ વર્ષમાં 11 વાર રેટમાં વધારો નોંધાવી ચૂકી છે. હાલમાં તેના બેન્ચમાર્ક રેટ 5.25-5.5 ટકા પર પહોંચી ગયાં છે. આમ ભારતીય રેટ સાથેનો ગાળો ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.
અર્થશાસ્ત્રીઓ માને છે કે જો ખાદ્ય પદાર્થોના ભાવમાં વૃદ્ધિ નહિ અટકે તો આરબીઆઈ હવે પછીની બેઠકમાં વૃદ્ધિ કરી શકે છે. કેમકે સામાન્યસભાની ચૂંટણીને જોતાં સરકાર મોંઘવારીને કોઈપણ ભોગે ડામવાના પ્રયાસો અજમાવશે. જોકે, ગુરુવારની બેઠકમાં તે એક વધુ પોઝ જાળવશે. કેમકે, હાલમાં ભાવ સ્થિર જોવા મળી રહ્યાં છે. તેમજ સરકારે તાજેતરમાં ચોખા જેવા મહત્વના અનાજ પાકની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેની પાછળ સ્થાનિક બજારમાં કોમોડિટીના ભાવમાં વૃદ્ધિ અટકી છે. મધ્યસ્થ બેંક તરફથી રેટ વૃદ્ધિ હોમ લોનધારકો પર બોજમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી શકે છે. સાથે રિઅલ્ટી જેવા સેક્ટરનું સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે.
સુઝુકી મોટર કોર્પનો મારુતિમાં હિસ્સો વધી 58.28 ટકા થશે
આગામી એજીએમમાં શેરના ભાવ સંબંધી નિર્ણય લેવામાં આવશે
દેશમાં સૌથી મોટા પેસેન્જર વેહીકલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયામાં જાપાનની પેરન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન(SMC)નો હિસ્સો 1.8 ટકા જેટલો વધશે. કંપની તરફથી ગુજરાત પ્લાન્ટના વેચાણ પછી આમ બનશે. મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું હતું કે સુઝુકી મોટર્સનો હિસ્સો વર્તમાન 56.48 ટકા પરથી વધી 58.28 ટકા થવાની શક્યતાં છે. 30 જૂનના વેલ્યૂએશનના આધારે લગભગ 4 ટકા શેર્સ ડાયલ્યુટેડ કરવામાં આવશે. જોકે, હિસ્સા ડાયલ્યુશનનું ચોક્કસ પ્રમાણ એજીએમની તારીખે જાણવા મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
મારુતિ સુઝુકીના બોર્ડે 8 ઓગસ્ટની તેમની બેઠક સુઝુકી મોટર ગુજરાત(એસએમજી)માં સુઝુકી મોટર કોર્પોરેશનના 100 ટકા હિસ્સાને ખરીદવા માટેની મંજૂરી આપી હતી. જે અંગે ભાવનું નિર્ધારણ નિયમોને આધીન રહેશે. બોર્ડે એસએમજી સાથેના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરિંગ એગ્રીમેન્ટના ટર્મનેશનને પણ મંજૂરી આપી હતી. એકવાર ઈક્વિટી ડિલ સંભવ બનશે એટલે એસએમજી એ મારુતિ સુઝુકી ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બનશે. કંપનીના બોર્ડે એસએમજીમાં એસએમસીના હિસ્સાને ખરીદવા માટે બે વિકલ્પો પર વિચાર કર્યો હતો. જેમાં એક તો કેશમાં પેમેન્ટનો વિકલ્પ હતો જ્યારે બીજો વિકલ્પ પ્રેફરન્શિયલ એલોટમેન્ટ બેસીસ પર એમએસઆઈના શેર્સ ઈસ્યુ કરવાનો હતો. જોકે, પાછળથી એમએસસીને એમએસઆઈના શેર્સ ઈસ્યુ કરીને કંપનીને મેળવવાનો વિકલ્પ બંને લઘુમતી શેરધારકોના હિતમાં હોવાનું જણાયું હતું એમ મારુતિ સુઝુકીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું.
રિટેલ ઈન્વેસ્ટર્સ, HNIs સહિત DIIsના હિસ્સામાં જોવા મળેલો ઘટાડો
એલઆઈસી, મ્યુચ્યુલ ફંડ્સ સહિતના રોકાણકારો તરફથી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ હિસ્સામાં ઘટાડો
છ ક્વાર્ટર્સમાં 22.40 ટકા પરથી વધી 25.73 ટકા પર પહોંચેલો સ્થાનિક રોકાણકારોનો હિસ્સો જૂન ક્વાર્ટરની આખરમાં 25.50 ટકા પર નોંધાયો
સતત છ ક્વાર્ટર્સ સુધી શેરબજાર એસેટ્સમાં હિસ્સામાં વૃદ્ધિ પછી જૂન ક્વાર્ટરમાં એનએસઈ લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો, રિટેલ અને હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ(HNIs)નો હિસ્સો ઘટ્યો છે. માર્કેટ તેની સર્વોચ્ચ સપાટીએ હતું ત્યારે રોકાણકારો તરફથી પ્રોફિટ બુકિંગ પાછળ આમ બન્યું હોવાનું પ્રાઈમ ડેટાબેઝનો અભ્યાસ સૂચવે છે.
સ્થાનિક ઈન્વેસ્ટમેન્ટ સંસ્થાઓ, રિટેલ ઈન્વેસ્ટર્સ અને એચએનઆઈનો હિસ્સો 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 22.40 ટકા પરથી વધી 31 માર્ચ, 2023ના રોજ 25.73 ટકા પર પહોંચ્યો હતો. આમ દોઢ વર્ષના સમયગાળામાં તેમના હિસ્સામાં સવા ત્રણ ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, જૂન ક્વાર્ટરમાં તેમનો હિસ્સો ઘટાડાતરફી બન્યો હતો અને 30 જૂન, 2023ના રોજ તે 25.50 ટકા પર જોવા મળતો હતો. જૂન ક્વાર્ટર દરમિયાન સ્થાનિક સંસ્થાઓ તરફથી રૂ. 3,368 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. દરમિયાનમાં, વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી સમાનગાળામાં રૂ. 1,02,617 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો. જેની પાછળ તેમનો હિસ્સો સતત ચોથા ક્વાર્ટરમાં વધી 18.94 ટકા પર રહ્યો હતો. માર્ચ ક્વાર્ટરની આખરમાં 18.87 ટકા હિસ્સા પરથી તેમાં 7 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જોવા મળી હતી. એફઆઈઆઈએ જૂન ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં રૂ. 44,065 કરોડનું રોકાણ ઠાલવ્યું હતું. જ્યારે ઓટો સેક્ટરમાં રૂ. 16,818 કરોડનું રોકાણ નોંધાવ્યું હતું. જ્યારે આઈટી સેક્ટરમાંથી રૂ. 9,376 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ હોલ્ડિંગ વચ્ચેનો ગાળો જૂન ક્વાર્ટરમાં પહોળો બન્યો હતો. જેમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડીંગ કરતાં 15.19 ટકા નીચું જોવા મળ્યું હતું. જે માર્ચ 2023ની આખરમાં 13.29 ટકા નીચું જોવા મળતું હતું. અગાઉ 31 માર્ચ, 2015ના રોજ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ હોલ્ડિંગ્સ વચ્ચે 49.82 ટકાનો સૌથી મોટો ગેપ જોવા મળતો હતો. 30 જૂન, 2023ના રોજ એફઆઈઆઈ ટુ ડીઆઈઆઈ ઓઉનરશીપ રેશિયો વધી 1.18 પર જોવા મળ્યો હતો. જો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ મળીને સંસ્થાકિય રોકાણકારોનો કુલ માર્કેટ હિસ્સો જોઈએ તો માર્ચ, 2023ની આખરમાં 35.24 ટકા પરથી ઘટીને જૂન, 2023ની આખરમાં 35.01 ટકા પર રહ્યો હતો. સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સનો હિસ્સો 30 જૂનના રોજ ઘટીને 8.64 ટકા પર રહ્યો હતો. તે 30 જૂન 2021ના રોજ 7.24 ટકા પરથી સાત ક્વાર્ટર સુધી વધતો રહી 31 માર્ચ, 2023ના રોજ 8.74 ટકા પર પહોંચ્યો હતો. જૂન ક્વાર્ટરમાં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ તરફથી રૂ. 2979 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જૂન ક્વાર્ટરમાં એનએસઈ લિસ્ટેડ 908 કંપનીઓમાં રિટેલ હોલ્ડિંગમાં વૃદ્ધિ જોવા મળી હતી. આ કંપનીઓના સરેરાશ શેર ભાવમાં ક્વાર્ટર દરમિયાન 21.44 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. બીજી બાજુ 885 કંપનીઓમાં રિટેલ હિસ્સો ઘટ્યો હતો. જે કંપનીઓના શેર્સના ભાવમાં સરેરાશ 28.22 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
ડોલરમાં મજબૂતીએ ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં જોવા મળેલી મજબૂતી પાછળ કિંમતી ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર 9 ડોલર ઘટાડા સાથે 1961 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર 1.2 ટકા નરમાઈ સાથે 23 ડોલરની નીચે સરકી ગઈ હતી. ડોલરમાં મજબૂતી પાછળ ક્રૂડ, બેઝ મેટલ્સ સહિતની કોમોડિટીઝમાં પણ નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. જેમાં બ્રેન્ટ ક્રૂડ 2.2 ટકા નરમાઈ સાથે 83.47 ડોલર પર જ્યારે કોપર 2.8 ટકા નરમાઈ સાથે 3.728 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ચાંદી વાયદો રૂ. 650ના ઘટાડે રૂ. 70600ની સપાટીએ જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 150ની નરમાઈ સાથે રૂ. 59270 પર ટ્રેડ દર્શાવતાં હતાં.
મૂડીઝે 10 યુએસ બેંક્સનું રેટિંગ ઘટાડ્યું
રેટિંગ એજન્સી મૂડીઝે 10 જેટલી નાની અને મધ્યમ કદની યુએસ બેંક્સના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે. તેમજ તેણે વોલ સ્ટ્રીટ સ્થિત કેટલાંક મોટા નામોને નેગેટિવ રિવ્યૂ લિસ્ટ પર ખસેડ્યાં છે. કંપનીએ જે 10 બેંક્સના રેટિંગમાં એક દરજ્જાનો ઘટાડો કર્યો છે. જ્યારે કેટલાંક જાણીતા લેન્ડર્સને નેગેટિવ રિવ્યૂમાં સમાવ્યાં છે. જેમાં બેંક ઓફ ન્યૂ યોર્ક મેલોન, યુએસ બેન્કોર્પ, સ્ટેટ સ્ટ્રીટ, ટ્રઈસ્ટ ફાઈનાન્સિયલ, ફ્રોસ્ટ બેન્કર્સ, નોર્થન ટ્રસ્ટ જેવા નામો સામેલ છે. જે બેંક્સના રેટિંગ ઘટાડ્યાં છે તેમાં એમએન્ડટી બેંક, પિનેકલ ફાઈનાન્સિયલ, બીઓકે ફાઈનાન્સિયલ અને વેબસ્ટર ફાઈનાન્સિયલનો સમાવેશ થાય છે.
નવા 3.6 લાખ હેકટર ઉમેરા સાથે રાજ્યમાં ખરિફ વાવેતર 91 ટકા વિસ્તારમાં પૂર્ણ
ગયા વર્ષે 75.86 લાખ હેકટર સામે ચાલુ વર્ષે 2.37 લાખ હેકટર વૃદ્ધિ સાથે 78.23 લાખ હેકટરમાં વાવણી
ગયા સપ્તાહે એરંડાનું વાવેતર 1.44 લાખ હેકટર વધી 3.47 લાખ હેકટરે પહોંચ્યું
ડાંગરનું વાવેતર 1.1 લાખ હેકટરના ઉમેરા સાથે 8.2 લાખ હેકટરે જોવા મળ્યું
બાજરીના વાવેતરમાં 13 હજાર હેકટર વૃદ્ધિ સાથે કુલ 1.86 લાખ હેકટરમાં વાવણી
ખરિફ વાવણી તેના આખરી તબક્કામાં જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં 78.23 લાખ હેકટર સાથે 91 ટકા વિસ્તારમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. ગયા સપ્તાહે વાવેતરમાં વધુ 3.6 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. જે સાથે ગઈ સિઝનના 75.86 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં વાવેતર 2.37 લાખ હેકટરની વૃદ્ધિ સૂચવી રહ્યું હતું. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 85.87 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળ્યું હતું. મગફળી અને તુવેર જેવા મહત્વના પાકમાં ઘટાડા સિવાય અન્ય તમામ ચોમાસુ પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ઊંચું જોવા મળી રહ્યું છે.
મુખ્ય ખરિફ પાક કપાસનું વાવેતર ગયા સપ્તાહે 11 હજાર હેકટર વૃદ્ધિ સાથે 26.76 લાખ હેકટરે પહોંચ્યું હતુ. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 25.28 લાખ હેકટરે જોવા મળતું હતું. આમ તેમાં લગભગ 1.58 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. કપાસના મુખ્ય હરિફ એવા મગફળીનું વાવેતર જોકે 16.25 લાખ હેકટરમાં જ જોવા મળે છે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 16.94 લાખ હેકટરની સરખામણીમાં 69 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. રાજ્યમાં મુખ્ય ખરિફ અનાજ પાક ડાંગરનું વાવેતર ગઈ સિઝનના 7.92 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ વર્ષે 8.20 લાખ હેકટરમાં નોંધાયું છે. ગયા સપ્તાહમાં ડાંગરના વાવેતરમાં 1.1 લાખ હેકટરની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. તેમજ આગામી સપ્તાહમાં પણ ડાંગરના વાવેતરમાં વધુ 30-40 હજાર જેટલી વૃદ્ધિની અપેક્ષા રાખવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ વવાતાં અખાદ્ય તેલિબિયાં એરંડાનું વાવેતર 3.47 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 3.06 લાખ હેકટરની સરખામણીમાં 41 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ગયા એક સપ્તાહમાં એરંડાના વાવેતરમાં 1.44 લાખ હેકટરની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લાં ત્રણ વર્ષોની 6.68 લાખ હેકટરની સરેરાશ જોઈએ તો એરંડાના વાવેતર વિસ્તારમાં હજુ પણ 3 લાખ હેકટરથી વધુ વૃદ્ધિની શક્યતાં છે. પાકના ભાવ સારા હોવાના કારણે ખેડૂતો એરંડાનું વાવેતર વધારી પણ શકે છે. પાકનું વાવેતર સામાન્યરીતે ઓગસ્ટની આખર સુધી જોવા મળતું હોય છે. આમ આગામી ત્રણ સપ્તાહોમા તેમાં નોંધપાત્ર વૃદ્ધિ સંભવ છે. ખરિફ ઘાસચારાનું વાવેતર 79 ટકા વિસ્તાર સાથે 9.01 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 8.32 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જ્યારે ખરિફ શાકભાજી પાકોનું વાવેતર 2.13 લાખ હેકટરમાં 82 ટકા વાવેતર વિસ્તાર સૂચવી રહ્યું છે. ગઈ સિઝનમાં ખરિફ શાકભાજીનું વાવેતર 2.05 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જોકે, ખરિફ કઠોળનું વાવેતર ગઈ સિઝનના 3.75 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 3.39 લાખ હેકટરમાં નોંધાયું છે. જે 46 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. સામાન્યરીતે છેલ્લાં ત્રણ વર્ષોમાં કઠોળ વાવેતર જોવા મળ્યું હતું.
7 ઓગસ્ટ સુધી રાજ્યમાં વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક ખરિફ 2023 ખરિફ 2022
કપાસ 26.76 25.28
મગફળી 16.25 16.94
ડાંગર 8.20 7.92
બાજરી 1.86 1.80
ઘાસચારો 9.01 8.32
શાકભાજી 2.13 2.05
કુલ 78.23 75.86
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા કેમિકલ્સઃ જૂન ક્વાર્ટરમાં રૂ. 523 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 593 કરોડના નફા સામે 11.8 ટકા ઘટાડો સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3,995 કરોડની સામે 5.6 ટકા વધી રૂ. 4,218 કરોડ પર રહી હતી.
મેક્સ હેલ્થઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 240 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 172.8 કરોડના નફા સામે 38.9 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1067 કરોડની સરખામણીમાં 20.4 ટકા વધી રૂ. 1,285 કરોડ પર રહી હતી.
બેયર ક્રોપસાયન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 328 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 302.60 કરોડના નફા સામે 8.6 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1667.40 કરોડની સરખામણીમાં 4.33 ટકા વધી રૂ. 1739.60 કરોડ પર રહી હતી.
જીએચસીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 207 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 246 કરોડ સામે 16 ટકા ઘટાડો સૂચવે છે. એબિટા ગયા વર્ષના રૂ. 364 કરોડ સામે 15 ટકા ગગડી રૂ. 310 કરોડ રહ્યો હતો. જ્યારે કંપનીની આવક ગયા વર્ષના રૂ. 1153 કરોડ પરથી 11 ટકા ગટી રૂ. 1029 કરોડ રહી હતી.
હેસ્ટર બાયોસાયન્સિસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 88 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.71 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીની આવક પણ 73 ટકા વધી રૂ. 87.85 કરોડ પર રહી હતી. જ્યારે ઓપરેટિંગ નફો રૂ. 14.36 કરોડ પર નોંધાયો હતો. જે 93 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ઈપીએસ રૂ. 7.89 પર રહી હતી. નેપાળ બિઝનેસે રૂ. 6.54 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.
ગ્લેન્ડ ફાર્માઃ જૂન ક્વાર્ટરમાં રૂ. 194 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 119 કરોડના નફા સામે 60 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 857 કરોડની સરખામણીમાં 41 ટકા વધી રૂ. 1209 કરોડ પર રહી હતી.
પીબી ફિનટેકઃ પોલિસીબઝારની માલિકીની કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 666 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 505 કરોડની આવકની સરખામણીમાં 31.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે કંપનીનો એબિટા રૂ. 23 કરોડ જોવા મળ્યો હતો.
કેઆઈએમએસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 81 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 70 કરોડના નફા સામે 15 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 496 કરોડ સામે 37 ટકા વધી રૂ. 606 કરોડ પર રહી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.