Market Summary 06/07/2023

વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે સ્થાનિક શેરબજાર મક્કમ
આખરી કલાકમાં ખરીદીએ પોઝીટીવ બંધ જોવાયું
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા વધી 11.38ના સ્તરે બંધ
ઓટો, રિઅલ્ટી, ફાર્માની આગેકૂચ જારી
આઈટી, એનર્જી, મેટલમાં નરમાઈ
મહિન્દ્રા સીઆઈઈ, સુઝલોન, મઝગાંવ, ટોરેન્ટ પાવર નવી ટોચે

સપ્તાહના બીજા સત્રમાં ભારતીય શેરબજારમાં પોઝીટીવ મોમેન્ટમ જળવાયું હતું. બજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે આખરી એક કલાકમાં શોર્ટ કવરિંગ પાછળ બેન્ચમાર્કસ ગ્રીન ઝોનમાં પરત ફર્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 5.41 ટકા સુધારે 62,793ની સપાટીએ જ્યારે નિફ્ટી 5.15 પોઈન્ટ્સ સુધારા સાથે 18599ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટી બીજા સત્રમાં 18600 પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3659 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1986 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1546 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 207 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા વધી 11.38ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારે કામકાજની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18594ના બંધ સામે 18601ની સપાટી પર ખૂલી મોટાભાગનો સમય નેગેટિવ ઝોનમાં ટ્રેડ થયાં પછી આખરી મિનિટ્સમાં 18623ની ટોચ પર ટ્રેડ થઈ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18684ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 109 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં 24 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતું હતું. આમ, ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થયાના સંકેતો છે. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સત્રોમાં વધુ ઘસારો સંભવ છે. જોકે, માર્કેટમાં અન્ડરટોન મજબૂત છે અને તેથી બજારમાં સુધારાની ગતિ જળવાયેલી રહેવાની શક્યતાં ઊંચી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ નિફ્ટીમાં 18800નું નજીકનું ટાર્ગેટ જોઈ રહ્યાં છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્ય હતું. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ, ગ્રાસિમ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, હિરો મોટોકોર્પ, એમએન્ડએમ અને બજાજ ફિનસર્વમાં મહત્વનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસેસ, ઓએનજીસી, વિપ્રો, હિંદાલ્કો, એચસીએલ ટેક્નોલોજી અને કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, રિઅલ્ટી, ફાર્માની આગેકૂચ જળવાય હતી. જ્યારે આઈટી, એનર્જી, મેટલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે 14730ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટીવીએસ મોટર, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. જોકે, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.9 ટકા સાથે ભારે વેચવાલી દર્શાવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં પર્સિસ્ટન્ટ 4.4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત કોફોર્જ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસમાં પણ નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંકમાં મજબૂતી જળવાય હતી. જેના ઘટકોમાં એક્સિસ બેંક 2 ટકા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં અંબુજા સિમેન્ટ્સ 5 ટકા સાથે સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટીક્સ, શ્રી સિમેન્ટ્સ, ઈપ્કા લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, ટીવીએસ મોટર, ઓબેરોય રિઅલ્ટી, એસીસી, એચપીસીએલ, ડિવિઝ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, આઈઈએક્સ, કોફોર્જ, એમ્ફેસિસ, ડિક્સોન ટેક્નોલોજી, વોલ્ટાસ, એમએન્ડએમ ફાઈ., ઓરેકલ ફાઈ., ટેક મહિન્દ્રા નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં મહિન્દ્રા સીઆઈઈ, સુઝલોન, મઝગાંવ, ટોરેન્ટ પાવરનો સમાવેશ થતો હતો.

ફેડ બેઠકને લઈ વધતી અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડમાં મજબૂતી
ડોલર ઈન્ડેક્સમાં સંકડાઈ ગયેલી રેંજ
કોમેક્સ ગોલ્ડ ફ્યુચર 6 ડોલર સુધારે 1981 ડોલરે ટ્રેડ થયો
એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર રૂ. 150 સુધરી રૂ. 60 હજારની નજીક

વૈશ્વિક કોમોડિટીઝ માર્કેટમાં ફેડ બેઠકને લઈને અનિશ્ચિતતા વધતી જોવા મળી છે. ફેડ તરફથી રેટ વૃદ્ધિની શક્યતામાં એકાંતરે દિવસે બદલાવ પાછળ બુલિયનના ભાવમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. સોમવારે નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવનાર કોમેક્સ ગોલ્ડમાં પાછળથી મજબૂતી જોવા મળી હતી. જે મંગળવારે જળવાય રહી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો સાંજે આ લખાય છે ત્યારે 6 ડોલર મજબૂતી સાથે 1981 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે સ્પોટ ગોલ્ડ 1967 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય કોમેક્સ એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 150ના સુધારા સાથે રૂ. 59995ની સપાટી દર્શાવે છે. આમ તે ફરી રૂ. 60 હજાર નજીક પરત ફર્યો છે. છ કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ બે સત્રોથી સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. જેની પાછળ બુલિયનમાં મજબૂતી પરત ફરી છે.
વોલ સ્ટ્રીટ નિરીક્ષકોના મતે ફેડ તરફથી રેટ વૃદ્ધિના નિર્ણય પૂર્વે મે મહિના માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા રજૂ થશે. જે તેના નિર્ણયમાં મહત્વનો પુરવાર થઈ શકે છે. એપ્રિલ માટે સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબ જોવા મળ્યો હતો. જો ડેટા અપેક્ષાથી નીચો આવશે તો ફેડ રેટ વૃદ્ધિને આ વખતે ટાળી શકે છે. જોકે, ફેડ ફુગાવાના માપદંડ તરીકે સીપીઆઈ કરતાં પ્રોડ્યૂસર્સ પ્રાઈસ ઈન્ડેક્સને વધુ મહત્વ આપતી હોય છે. જે સીપીઆઈ પછી રજૂ થતો હોય છે. જોકે, એનાલિસ્ટ્સના મતે ફેડના કેટલાંક અધિકારીઓ છેલ્લાં બે મહિનામાં અર્થતંત્રમાં કુલડાઉનના કેટલાંક સંકેતોને સામે ધરી રેટમાં પોઝ માટેનો પક્ષ લઈ રહ્યાં છે. જેને જોતાં એવું બની શકે કે ફેડ એફઓએમસી રેટ વૃદ્ધિમાં પોઝ માટે તૈયાર થઈ જાય. ફેબ્રુઆરી 2022થી ફેડે 10 વાર રેટ વૃદ્ધિ દર્શાવી છે અને હાલમાં રેટ 5-5.25 ટકા પહોંચ્યાં છે. જે છેલ્લાં 16 વર્ષોની ટોચ છે. માર્કેટે જોકે જૂનમાં 25-બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી લીધો છે એમ વર્તુળોનું કહેવું છે અને તેથી જો ફેડ 13-14 જૂનની તેની બેઠકમાં રેટ વધારે તો પણ ગોલ્ડના ભાવમાં વધુ ઘટાડાની શક્યતાં નથી. ટેકનીકલી મજબૂતી જોતાં ગોલ્ડ 2000 ડોલરની સપાટી પાર કરશે તો 2060-2070 સુધીનો સુધારો દર્શાવે તેમ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. સાથે કોઈપણ પ્રકારની જીઓપોલિટીકલ ઘટના તેને આગામી મહિનામાં સર્વોચ્ચ સપાટી તરફ પણ લઈ જઈ શકે છે.
મંગળવારે ગોલ્ડ-સિલ્વર સિવાય અન્ય તમામ કોમોડિટીઝમાં નરમાઈ જોવા મળી રહી હતી. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકાથી વધુ નરમાઈ સાથે 75.06 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે નેચરલ ગેસ, કોપર પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં મજબૂતી જોવા મળતી હતી. સીબોટ ઘઉં વાયદો 3 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મકાઈ, સુગર, કોફી, સોયાબિન્સ વાયદા પણ પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં.

હૈદરાબાદ ખાતેથી IT નિકાસ 31 ટકા ઉછળી રૂ. 2.4 લાખ કરોડે
વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દરમાં મંદી વચ્ચે હૈદરાબાદ ખાતે આઈટી અને આઈટીઈએસ નિકાસ 2022-23માં 31.4 ટકા ઉછળી રૂ. 2.41 લાખ કરોડ પર જોવા મળી હતી. સમગ્ર દેશની આઈટી અને આઈટીઈએસ નિકાસમાં 9.36 ટકા વૃદ્ધિ સામે હૈદરાબાદે નોંધપાત્ર ઊંચો નિકાસ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. નિકાસમાં મુખ્ય ચાલકબળ બીએફએસઆઈ સેક્ટર રહ્યું હતું. જે ઉપરાંત લાઈફ સાઈન્સિઝ જેવા સેક્ટર્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા પગલાઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. અગાઉના વર્ષે હૈદરાબાદ ખાતેથી રૂ. 1.83 લાખ કરોડની આઈટી અને આઈટીઈએસ નિકાસ જોવા મળી હતી. ગયા વર્ષે દેશમાં નવી બે આઈટી જોબ્સમાંની એક હૈદરાબાદ ખાતે ઊભી થઈ હતી. દેશમાં કુલ 2.9 લાખ જોબ્સમાંથી 1.27 લાખ જોબ્સ હૈદરાબાદ ખાતે જોવા મળી હતી.
વીજ ઉત્પાદનમાં રિન્યૂએબલ પાવરનો હિસ્સો 2027માં 35 ટકાએ પહોંચશે
દેશમાં કુલ વીજ ઉત્પાદનમાં રિન્યૂએબલ પાવરનો હિસ્સો 2026-27 સુધીમાં 35 ટકા પર પહોંચશે. જ્યારે 2031-32 સુધીમાં 44 ટકા પર પહોંચશે એમ રિપોર્ટ જણાવે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાનના જણાવ્યા મુજબ રિન્યૂએબલ એનર્જી સ્રોતો તરફથી નોંધપાત્ર ઉમેરણ પાછળ ભારતીય પાવર સેક્ટરમાં નોંધપાત્ર ક્ષમતા વૃદ્ધિ જોવા મળશે. ક્ષમતા વૃદ્ધિના ટાર્ગેટને આધારે 2026-27 સુધીમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં રિન્યૂએબલ એનર્જી તરફથી 710 અબજ યુનિટ્સ વીજળી પેદા કરવામાં આવે તેવો અંદાજ છે. જે 35 ટકા જેટલો હિસ્સો ધરાવતી હશે. 2031-32 સુધીમાં 1171 અબજ યુનિટ્સ રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન થશે. જે કુલ વીજ ઉત્પાદનનો 44 ટકા હિસ્સો ધરાવતી હશે.

ભારતની ઈન્ટરનેટ ઈકોનોમી 2030 સુધીમાં 1 ટ્રિલીયન ડોલરની બનશે
2022માં 15.5-17.5 અબજ ડોલરની નેટ ઈકોનોમી છ ગણી વૃદ્ધિ દર્શાવશે
વૃદ્ધિનું ચાલકબળ બીટુસસી ઈ-કોમર્સ સેગમેન્ટ બનશે

ભારતની ઈન્ટરનેટ ઈકોનોમી છ-ગણી વૃદ્ધિ દર્શાવે અને આગામી 2030 સુધીમા તે 1 ટ્રિલીયન યુએસ ડોલર પર પહોંચે તેવી અપેક્ષા છે. જેનું મુખ્ય ચાલક બળ ઈ-કોમર્સ સેક્ટર હશે એમ ગૂગલ, ટેમાસેક અને બેઈન એન્ડ કંપનીનો સંયુક્ત રિપોર્ટ જણાવે છે. મંગળવારે રજૂ થયેલા રિપોર્ટના અંદાજ મુજબ દેશની ઈન્ટરનેટ ઈકોનોમીનું કદ 2022માં 15.5-17.5 અબજ ડોલરની રેંજમાં જોવા મળતું હતું.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઈન્ટરનેટ ઈકોનોમીની આગેવાની બીટુસી ઈ-કોમર્સ સેગમેન્ટ લેશે. જ્યારપછી બીટબી ઈ-કોમર્સનો ક્રમ જોવા મળશે. આ ઉપરાંત સોફ્ટવેર-એઝ-એ-સર્વિસ પ્રોવાઈડર્સ અને ઓનલાઈન મિડિયા પણ નેટ ઈકોનોમીને વેગ આપશે. ભારતની ઈન્ટરનેટ ઈકોનોમી 2030 સુધીમાં 6 ગણી વધી 1 ટ્રિલીયન યુએસ ડોલર પર પહોંચે તેવી અપેક્ષા છે એમ ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તા જણાવે છે. તેમના મતે ભવિષ્યમાં મોટાભાગની ખરીદી ડિજીટલી હાથ ધરાતી જોવા મળશે. તેમના જણાવ્યા મુજબ સ્ટાર્ટઅપ્સે ડિજિટલ ઈન્નોવેશનની આગેવાની લીધી છે. જ્યારે મહામારી પછી લઘુ અને મધ્યમ તથા લાર્જ બિઝનેસિસે પણ વધ સ્પર્ધાત્મક બનવા માટે ડિજીટલ ટેક્નોલોજીસનો ઉપયોગ શરૂ કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2030 સુધીમાં બીટુસી ઈ-કોમર્સનું કદ 5-6 ગણુ વધી 350-380 અબજ ડોલરનું બને તેવી અપેક્ષા છે. 2022માં તે 60-65 અબજ ડોલર પર હતું. જ્યારે બી2બી ઈ-કોમર્સનું કદ 13-14 ગણું વધુ 105-120 અબજ ડોલરે પહોંચે તેવી શક્યતાં છે. જે 2022માં 8-9 અબજ ડોલરનું કદ દર્શાવતું હતું. સોફ્ટર-એઝ-એ-સર્વિસ સેગમેન્ટ 5-6 ગણું વધુ 2030 સુધીમાં 65-75 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા છે. જે 2022માં 12-13 અબજ ડોલરે હતું. ટેમાસેકના એમડી(ઈન્વેસ્ટમેન્ટ્સ) વિશેષ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ વૈશ્વિક જીડીપીમાં ગ્રોથ માટે ભારત એક નવી આશા છે.

ભારત અને ઈન્ડોનેશિયા એશિયાના ગ્રોથ ડ્રાઈવર બનશેઃ અગ્રણી બેંકર્સ
મોર્ગન સ્ટેનલીએ 2023-24 માટે ભારતનો વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની આગાહી કરી
જ્યારે નોમુરાએ 2023 માટે 5.9 ટકા વૃદ્ધિ દર અંદાજ્યો

ભારત અને ઈન્ડોનેશિયા મધ્યમગાળા માટે એશિયામાં આર્થિક વૃદ્ધિ દરને જાળવી રાખવા માટેના મુખ્ય ચાલકબળ હશે એમ બે અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર મોર્ગન સ્ટેનલી અને નોમુરાએ જણાવ્યું છે. તેમણે બે અલગ રિપોર્ટ્સમાં આમ નોંધ્યું છે. તેઓ મુખ્ય ચાલકબળ તરીકે ચીનનું સ્થાન લેશે એમ રિપોર્ટ્સ ઉમેરે છે.
સોમવારે રજૂ કરેલા રિપોર્ટમાં મોર્ગન સ્ટેનલીએ નાણા વર્ષ 2023-24 માટે ભારત 6.2 ટકા વૃદ્ધિ દર દર્શાવે એમ તેના અંદાજમાં જણાવ્યું છે. જ્યારે નોમુરાએ 2023 માટે ભારતીય અર્થતંત્ર 5.9 ટકા વૃદ્ધિ દર્શાવે તેમ અંદાજ્યું છે. નોમુરાએ તેના રિપોર્ટમાં નોઁધ્યું છે કે ચીનનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવા છતાં અમે એશિયામાં જીડીપી ગ્રોથ રેટ અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ તથા યુએસ કરતાં ઊંચો રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ. ચાલુ દસકામાં ભારત અને દક્ષિણપૂર્વ એશિયા સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવનારા અર્થતંત્રો બની રહેશે. એશિયાનું ફ્લાઈંગ ગીઝ મોડેલ ફરી એકવાર સક્રિય બન્યું છે એમ નોમુરા જણાવે છે. વૈશ્વિક અર્થતંત્રો માટે વર્ષના મીડ-યર આઉટલૂકમાં મોર્ગન સ્ટેનલી જણાવે છે કે ચીનમાં રિકવરી પ્રાદેશિક મજબૂતીને સાયક્લિકલ બેસીસ પર ટેકો પૂરો પાડશે પરંતુ ખરી મજબૂતી ભારત અને ઈન્ડોનેશિયા તરફથી જોવા મળશે. અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ મંદ જળવાય રહેવાની શક્યતાં છે. જોકે 2024માં મોટાભાગના અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ દરમાં સુધારો જોવા મળશે. કેમકે વાસ્તવિક વ્યાજ દરમાં ઘટાડો જોવા મળશે અને સ્થાનિક માગમાં રિકવરી નોંધાશે. મોર્ગન સ્ટેનલીના મતે ભારતની રિકવરી સાઈકલીકલ હોવા સાથે સ્ટ્રક્ચરલ મજબૂતીઓને કારણે પણ હશે. જેમાં મજબૂત બેલેન્સ શીટ્સ, સુધરેલી મેક્રો સ્ટેબિલિટી અને વપરાશમાં વ્યાપક સુધારો તથા કેપિટલ ફોર્મેશન જેવા પરિબળો જવાબદાર હશે. હાઈ-ફ્રિકવન્સી ડેટા બ્રોડ-બેઝ રિકવરી સૂચવે છે. જેમાં 12.6 ટકાનો ઊંચો ક્રેડિટ ગ્રોથ, ઊંચી જીએસટી કલેક્શન, સર્વિસ પીએમઆઈ 13-વર્ષની ઊંચાઈએ તથા સર્વિસિઝ એક્સપોર્ટ્સ સર્વોચ્ચ ઊંચાઈ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં સ્થાનિક માગ મુખ્ય ચાલક બળ બની રહે એમ નોમુરા નોંધે છે. મોર્ગન સ્ટેનલી તેના રિપોર્ટમાં નોંધે છે કે ભારતમાં સુધારાનો માહોલ બાહ્ય માગમાં સુધારા આધારિત હશે. જે નિકાસમાં વૃદ્ધિ લાવી રહી છે તથા પ્રાઈવેટ કેપિટલ એક્સપેન્ડિચરમાં ઝડપી રિકવરી આણી રહી છે. મજબૂત સ્થાનિક અને બાહ્ય માગ સાથે સ્થિર કેપેક્સ મોમેન્ટમ ગ્રોથને ઊંચા સ્તરે લઈ જશે એમ તેનું માનવું છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકરના મતે ભારતમાં કેપેક્સને મજબૂત પ્રાઈવેટ બેલેન્સ શીટ્સનો સપોર્ટ સાંપડી રહ્યો છે. સરકારી મૂડી ખર્ચમાં વેગને કારણે પણ પ્રાઈવેટ માગને સપોર્ટ મળ્યો છે. સરકારના સપ્લાય સાઈડ-ફોકસ્ડ નીતિવિષયક પગલાઓને કારણે પ્રાઈવેટ કેપેક્સ આઉટલૂક સુધરી રહ્યો છે એમ મોર્ગન સ્ટેનલી રિપોર્ટ નોંધે છે.

NSEએ બેંકનિફ્ટી એક્સપાયરીને શુક્રવાર પર ખસેડી
7 જુલાઈથી લોંચ થનારા કોન્ટ્રેક્ટમાં નવી એક્સપાયરી લાગુ પડશે

નેશનલ સ્ટોક એક્સચેન્જે નિફ્ટી પછી બીજા ક્રમે ટ્રેડિંગ ધરાવતી મહત્વની પ્રોડક્ટ બેંકનિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીને ગુરુવારથી ખસેડી શુક્રવારે કરવાનો નિર્ણય લીધો છે. નવો નિર્ણય 7 જુલાઈ 2023થી અમલી બનશે. જ્યારે 14 જુલાઈ શુક્રવારે પ્રથમ બેંકનિફ્ટી એક્સપાયરી જોવા મળશે.
એનએસઈ સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ આ ફેરફાર 7 જુલાઈથી 2023થી અમલી બનશે. હાલમાં તમામ વર્તમાન કોન્ટ્રેકટ્સ ગુરુવારે એક્સપાયર થશે. જ્યારે 6 જુલાઈથી શરૂ થનારા નવા કોન્ટ્રેક્ટ્સ શુક્રવારે એક્સપાયર થશે. જેમાં પ્રથમ કોન્ટ્રેક્ટ 14 જુલાઈ, 2023ના રોજ એક્સપાયર થશે. એનએસઈ પાસે 9 જુલાઈથી સોમવાર સિવાય સપ્તાહમાં તમામ ચાલુ દિવસે એક એફએન્ડઓ એક્સપાયરી જોવા મળશે. જેમાં મંગળવારે નિફ્ટી ફાઈનાન્સિયલ એક્સપાયરી રહેશે. નિફ્ટી મીડકેપ સિલેક્ટ બુધવારે એક્સપાયર થશે. જ્યારે નિફ્ટી 50 ગુરુવારે અને બેંક નિફ્ટી શુક્રવારે એક્સપાયર થશે. અગાઉ નિફ્ટી ફાઈનાન્સિયલ ગુરુવારે એક્સપાયર થતો હતો. જોકે, પાછળથી તેને મંગળવારે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આમ કરવાનું મુખ્ય કારણ એક દિવસે એક પ્રોડક્ટની એક્સપાયરી રાખવાથી તમામ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડર્સનો રસ જળવાય રહે તે જોવાનો હતો. આ ફેરફાર લેખે લાગ્યો હતો અને નિફ્ટી ફાઈનાન્સિયલમાં વોલ્યુમમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ એનએસઈએ બેંકનિફ્ટીની એક્સપાયરીમાં ફેરફારનો લીધેલો નિર્ણય ખૂબ મહત્વનો છે. અગાઉ તેણે ફિનનિફ્ટીના ફેરફારના લીધેલા નિર્ણયથી પણ આ વધુ મહત્વનો છે. કેમકે નિફ્ટી અને બેંકનિફ્ટી, બંને એનએસઈના ડેરિવેટિવ્સ વોલ્યુમનો ઊંચો હિસ્સો ધરાવે છે. હવેથી બેંકનિફ્ટીને શુક્રવારે શિફ્ટ કરવાથી તેના ટ્રેડિંગ વોલ્યુમ સાથે નિફ્ટીના વોલ્યુમમાં પણ વૃદ્ધિ સંભવ છે. એકવાર એક્સપાયરી દિવસમાં ફેરફાર થવાથી એવું શક્ય છે કે નિફ્ટી 50 અને બેંકનિફ્ટી વચ્ચેનું જોડાણ દૂર થાય એમ તેઓ ઉમેરે છે. જોકે, આ ઘટનાની અસર બીએસઈ તરફથી તાજેતરમાં લોંચ કરવામાં આવેલા સાપ્તાહિક એફએન્ડઓ કોન્ટ્રેક્ટસના વોલ્યુમ પર પડી શકે છે એમ વર્તુળોનું માનવું છે. એનએસઈની પ્રોડક્ટ્સ સાથે ઘર્ષણના થાય તે માટે બીએસઈએ તેની એક્સપાયરી શુક્રવારે નિર્ધારિત કરી હતી. બીએસઈ એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સના વોલ્યુમમાં પણ છેલ્લાં ત્રણ સપ્તાહોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

BSEના શેરમાં 2 ટકા ઘટાડો
એનએસઈએ બેંકનિફ્ટી એક્સપાયરીને શુક્રવાર પર લઈ જવાનો નિર્ણય લેતાં બીએસઈના શેર પર અસર પડી હતી. મંગળવારે બીએસઈનો શેર ફ્લેટ ઓપનીંગ પછી એનએસઈના અહેવાલ પાછળ ઝડપથી ગગડ્યો હતો. એક તબક્કે તે 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. જોકે, કામકાજની આખરમાં તે 1.9 ટકા ગગડી રૂ. 565.80ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ વર્તુળોના મતે બેંકનિફ્ટીની એક્સપાયરી બુધવારે શિફ્ટ થવાથી બીએસઈ ખાતે એફએન્ડઓ વોલ્યુમ પર પ્રતિકૂળ અસરની સંભાવના છે.

ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ પરત મેળવવા સક્રિય અદાણી જૂથના ડેટ મેટ્રીક્સમાં સુધારો
ગયા વર્ષે માર્ચ આખરમાં 3.81 ગણું જોવા મળતું ડેટ-ટુ-અર્નિંગ્સ ચાલુ વર્ષે સુધરી 3.27 ગણું રહ્યું

વિશ્વમાં ટોચના 20-ધનવાનોમાં ફરીથી પ્રવેશ મેળવનાર બિલિયનોર ગૌતમ અદાણીના કોંગ્લોમેરટે જણાવ્યું છે કે તેમના મહત્વના ડેટ સંબંધી માપદંડોમાં સુધારો જોવા મળ્યો છે. જૂથ યુએસ શોર્ટસેલર હિંડનેબર્ગે ચાલુ કેલેન્ડરની શરૂમાં જૂથ પર મૂકેલા આક્ષેપો પછી રોકાણકારોનો જૂથમાં વિશ્વાસ પરત મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.
અદાણી જૂથનું ઈન્ટરેસ્ટ, ટેક્સ, ડેપ્રિસ્યેશન અને એમોર્ટાઈઝેશન પહેલાનું નેટ ડેટ-ટુ-અર્નિંગ્સ 31 માર્ચની આખરમાં સુધરીને 3.27 ગણું જોવા મળ્યું હતું. જે એક વર્ષ અગાઉ 3.81 ગણું હતું. જ્યારે કેશ બેલેન્સ વધીને રૂ. 40,250 કરોડ પર પહોંચ્યું હતું એમ કંપનીએ સોમવારે રજૂ કરેલા રિપોર્ટમાં નોંધ્યું હતું. જાન્યુઆરી મહિનાની આખરમાં અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓની પૂર્વસંધ્યાએ રિપોર્ટ રજૂ કરીને બજારમાં હાહાકાર મચાવનાર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી અદાણી જૂથ કંપનીઓની નાણાકિય હેલ્થને લઈને સ્ક્રૂટિનીમાં વધારો થયો છે. વૈશ્વિક રિસર્ચ ફર્મ ક્રેડિટસાઈટ્સે ગયા વર્ષે પોર્ટ્સ-ટુ-પાવર કોંગ્લોમેરટ માટે ‘ડિપલી ઓવરલેવરેજ્ડ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જાન્યુઆરી 2023માં હિંડેનબર્ગ રિસર્ચના આક્ષેપોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું અને રોકાણકારોએ અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી દર્શાવી હતી. જેની પાછળ જૂથના માર્કેટ-કેપમાં ટૂંકા ગાળામાં 150 અબજ ડોલરનું ધોવાણ નોંધાયું હતું. હિંડનબર્ગે જૂથ પર આવકને ખોટી રીતે ઊંચી દર્શાવવાનો તથા શેરના ભાવોમાં ગેરરિતીનો આક્ષેપ કર્યો હતો. જેનો અદાણી જૂથ અનેકવાર ઈન્કાર કરી ચૂક્યું છે.
કંપનીએ તેના રિપોર્ટમાં જણાવ્યા મુજબ માર્ચ આખરમાં કંપની પાસે ઓપરેશન્સ અને બેલેન્સિસમાંથી રૂ. 77890 કરોડનું ફંડ્સ પ્રાપ્ય હતું. ગ્રોસ ડેટનો 18 ટકા હિસ્સો કેશ બેલેન્સિસ સ્વરૂપમાં અનામત હતો. જે એક વર્ષથી વધુ સમય માટે ડેટની પુનઃચૂકવણી માટે લિક્વિડીટી કવચ પૂરું પાડે છે. ઉપરાંત સ્થાનિક અને વૈશ્વિક બેંકર્સે નવું ડેટ વિતરણ કરવા માટે તથા વર્તમાન ડેટના રોલ ઓવર માટે જૂથમાં વિશ્વાસ દર્શાવ્યો છે એમ રિપોર્ટ સૂચવે છે. ગયા નાણા વર્ષ 2022-23માં જૂથની એસેટ્સ રૂ. 1 લાખ કરોડથી વધુ વધી રૂ. 4.2 લાખ કરોડે પહોંચી હોવાનું જણાવ્યું છે. જૂથની એસેટ્સમાં સિમેન્ટ બિઝનેસનો ઉમેરો થયો છે. કોંગ્લોમેરટમાં વિશ્વાસને મજબૂત બનાવતી ઘટનામાં યુએસ સ્થિત જીક્યુજી પાર્ટનર્સે માર્ચ મહિનામાં અદાણી જૂથ કંપનીઓમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જેમાં પાછળથી વૃદ્ધિ પણ કરી હતી.

ભારતમાં છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા સાંડેસરા બંધુઓને નાઈજિરીયામાં બખ્ખાં
સાંડેસરા બંધુઓ ભારત માટે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે ત્યારે નાઇજિરિયા સરકાર ભારતમાં મોકલવાની સરકારની માગણી ફગાવી ચૂકી છે

નવેમ્બરમાં નાઈજિરિયા સરકાર તેના ઉત્તરપૂર્વ સ્થિત રણ વિસ્તારમાં પ્રતિ દિવસ એક અબજ બેરલ્સની ક્રૂડ ડિસ્કવરીને મનાવી રહી હતી. ત્યારે આ મલ્ટી-બિલિયન ડોલર પ્રોજેક્ટમાં તેમના ભાગીદાર બે ભારતીય ભાઈઓ દ્વારા સ્થાપિત કંપની હતી. ભારતમાં સૌથી મોટા ગણાતાં આર્થિક કૌભાંડોમાંથી એકમાં જેમની સંડોવણીને લઈ જેમની સામે ક્રિમિનલ્સ તરીકે કામગીરી ચાલી રહી છે તે ભારતીય મૂળના બંધુઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક દેશમાં સૌથી મોટી ઈન્ડિપેન્ડન્ટ ઓઈલ ઊભી કરી છે.
નાઈજિરિયાના હજુ હમણાં જ ચૂંટાયેલી પ્રમુખ બોલા ટિનુબૂએ દેશના હાઈડ્રોકાર્બન્સ સેક્ટરને લઈને તેમના મહત્વાકાંક્ષી ટાર્ગેટ્સ નિર્ધારિક કર્યાં છે ત્યારે નિતીન અને ચેતન સાંડેસરા દ્વારા ઊભી કરવામાં આવેલી કંપનીઓ વધુ મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહેલી જણાય છે. ખાસ કરીને જ્યારે શેર પીએલસી અને એક્સોનમોબિલ કોર્પ જેવી વૈશ્વિક જાયન્ટ્સ કંપની પશ્ચિમ આફ્રિકન દેશમાંથી વિદાય લઈ રહી છે ત્યારે તેમનું મહત્વ ઓર વધી જાય છે. નવેમ્બરમાં આયોજિત ઘટનામાં ટિનૂબૂએ જણાવ્યું હતું કે આ ઓઈલ ડિસ્કવરી નાઈજિરિયા માટે અનેક તકો અને ઊંચી સમૃદ્ધિ પૂરી પાડશે. 29 મેના રોજ શપથ લેનારા ટિનૂબૂ તે વખતે શાસક પક્ષના પ્રમુખ માટેના ઉમેદવાર હતાં. ભારતમાં ભાગેડૂ તરીકે જાહેર બંને ભાઈઓના પરિવારની માલિકીની કંપનીઓની પ્રોજેક્ટ હેઠળ કૂવાઓ ખોદવા માટેની પસંદગી નાઈજિરિયા તરફથી તેમને પૂરા પાડવામાં આવેલા સ્વર્ગનો તાજો પુરાવો છે. જે તેમને સ્વદેશમાં તેમની સામેના કેસમાંથી એક સુરક્ષા કવર પૂરું પાડે છે. ભારતમાં નરેન્દ્ર મોદી સરકારે બંને ટાયકૂન્સ પર જાહેર ક્ષેત્રની બેંક્સના 1.7 અબજ ડોલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. નાઈજિરીયાએ ભારત તરફથી સાંડેસરા બંધુઓને સોંપવાની માગણીનો ઈન્કાર કર્યો છે. ગુજરાતી બિઝનેસમેન એવા સાંડેસરા બ્રધર્સ 2017માં ભારત છોડીને ભાગ્યાં હતાં. તેમણે લેન્ડર્સની છેતરપિંડી કરી હોવાના આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો અને તેઓ રાજકીય દાવપેચનો ભોગ બન્યાં હોવાનું જણાવ્યું હતું. 20 વર્ષો અગાઉ બે ઓનશોર લાયસન્સિંગ મારફતે તેમણે નાઈજિરીયાની ઓઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ભારતમાં સમસ્યાઓનો સામનો કરી રહેલા સાંડેસરા બ્રધર્સે ધીરે-ધીરે તેમનું ધ્યાન લાગોસ તરફ ફેરવ્યું હતું. ભારતની તપાસ સંસ્થા સીબીઆઈના કહેવા મુજબ તેમણે નાઇજિરીયાની નાગરિક્તા માટે પણ અરજી કરી હતી. જોકે, તેઓ સફળ થયા કે નહિ તે અંગે સ્પષ્ટતા નથી મળતી. સાંડેસરા બંધુઓના વકિલ અને નાઈજિરીયના સત્તાવાળાઓ તરફથી આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો કોઈ ઉત્તર હજુ સુધી સાંપડ્યો નથી.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઓરોબિંદો ફાર્માઃ કંપનીએ ચીન ખાતે તેના પ્લાન્ટની સ્થાપનાની કામગીરી પૂર્ણ કરી છે અને ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કામગીરી ચાલુ કરવાની યોજના ધરાવે છે. કંપની ચાઈનીઝ પ્લાન્ટ ખાતેથી પાંચ પ્રોડક્ટ્સનું ફાઈલીંગ કરશે. તે યુરોપ ખાતે રવાનગીથી શરૂઆત કરશે. કેમકે ચાઈનીઝ રેગ્યુલેટર પાસેથી મંજૂરીમાં લાંબો સમય લાગી શકે છે.
આઈનોક્સ વિન્ડઃ જો કંપની 15 જૂન સુધીમાં કેટલાંક ચોક્કસ પરીક્ષણો પૂરાં નહિ કરે તો તેના વિન્ડ ટર્બાઈન્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે એમ વર્તુળો જણાવે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી. આઈનોક્સ વિન્ડ સામે ફરિયાદ કરનારાઓમાં અદાણી જૂથનો પણ સમાવેશ થાય છે. આઈનોક્સ મશીન્સ સામે નિયમોનું પાલન નહિ કરવાને લઈને અનેક ફરિયાદો આવી છે.
એસબીઆઈ કાર્ડ્સઃ કંપની નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 3000 કરોડ મેળવશે. બિઝનેસ ગ્રોથ પ્લાનના ફંડીંગ માટે આ નાણા મેળવવામાં આવશે. કંપની એકથી વધુ તબક્કામાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે આ નાણા મેળવશે.
ઈપ્કા લેબોરેટરીઝઃ ઈન્કમ-ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કંપનીની મુંબઈ સ્થિત ઓફિસિસ અને સિક્કિમ સ્થિત મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સ ખાતે સર્વેની કામગીરી હાથ ધરી હતી. 30 મેથી 3 જૂન વચ્ચે સર્વે હાથ ધરાયો હતો. સર્વેને કારણે કંપનીએ તેના એનાલિસ્ટ્સ સાથેના કોલને મુલત્વી રાખવાનું બન્યું હતું.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ યુકેના એજ્યૂકેશન ડિપાર્ટમેન્ટ તરફથી 10-વર્ષ માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. તેણે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ટીચર્સ પેન્શન સ્કિમ માટે કસ્ટમર એક્સપિરિયન્સને વધુ વ્યાપક બનાવવા માટે આ કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. ટીચર્સ પેન્શન સ્કીમ યૂકે ખાતે 20 લાખથી વધુ સભ્યો ધરાવતી બીજી સૌથી મોટી પબ્લિક સેક્ટર પેન્શન સ્કીમ છે.
કેઈસી ઈન્ટરનેશનલઃ એન્જિનીયરીંગ કંપનીએ ટ્રેઈન કોલીઝન એવોઈડન્સ સિસ્ટમ અથવા કવચ સિસ્ટમ માટે રૂ. 600 કરોડના ઓર્ડર્સ મેળવ્યાં છે. હાલમાં દેશમાં માત્ર 5-7 ટકા ટ્રેઈન્સ આ પ્રકારની સિસ્ટમ ધરાવે છે. કુલ 20 હજાર ટ્રેઈન્સ જોતાં વિપુલ તકો રહેલી છે.
એમટીએનએલઃ સરકારી ટેલિકોમ કંપની એમટીએનએલના બંધ થવા અને શેરબજાર પરથી ડિલિસ્ટીંગના કિસ્સામાં તેના કર્મચારીઓ માટે એકમાત્ર વિકલ્પ વોલ્યુન્ટરી રિટાર્મેન્ટ સ્કિમનો હોવાનું કંપનીના અધિકારીએ જણાવ્યું છે. કંપની 3574 કર્મચારીઓ ધરાવે છે. તે દિલ્હી અને મુંબઈ સર્કલ્સમાં સેવા પૂરી પાડે છે. કંપની રૂ. 23500 કરોડનું ડેટ ધરાવે છે.
જેકે સિમેન્ટઃ જેકે જૂથની સિમેન્ટ કંપનીના બોર્ડે તોશીલા સિમેન્ટ કંપનીમાં 100 ટકા હિસ્સા ખરીદીને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage