વૈશ્વિક નરમાઈ વચ્ચે સેન્સેક્સમાં પાંચ સત્રોની તેજી પર વિરામ
નિફ્ટી ફરી 17800ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વૃદ્ધિ 14.68ની સપાટીએ
એફએમસીજી, ફાર્મા, રિઅલ્ટીમાં પોઝીટીવ ટોન
બેંકિંગ, ઓટો, આઈટી, મેટલમાં નરમાઈ
વોડાફોન 20 ટકા ઉછળ્યો
અદાણી પોર્ટમાં વધુ 9 ટકાનું બાઉન્સ
ઝાયડસ લાઈફ, આઈડીએફસી, સુપ્રીમ ઈન્ડ. નવી ટોચે
ડિવિઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, બાસ્ફ નવા તળિયે
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સમાં છેલ્લાં પાંચ સત્રોથી જોવા મળેલા સુધારાને બ્રેક લાગી હતી. જોકે બેન્ચમાર્ક 60 હજારની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 335 પોઈન્ટ્સ ગગડી 60507ની સપાટીએ જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ્સ ગગડી 17,765 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ રહી હતી. જેમાં નિફ્ટીમા સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 18 પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ સારી હતી. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતીને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3791 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1900 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1697 નરમ જોવા મળ્યાં હતાં. 265 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 264 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા સુધરી 14.68ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે યુએસ બજારમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. જેને કારણે એશિયન બજારોમાં પણ નોઁધપાત્ર કરેક્શન જોવા મળતું હતું. જેની પાછળ ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવતું હતું. નિફ્ટી અગાઉના 17854ના બંધ સામે 17818ની સપાટી પર ખૂલી એક તબક્કે 17824ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી તે નીચે ગબડ્યો હતો અને દિવસભર સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. જોકે તે ગ્રીન ઝોનમાં પરત ફર્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 30 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17795ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ બજારમાં નવી લોંગ પોઝીશન ઊભી થયાના કોઈ સંકેતો નથી. નિફ્ટીને સપોર્ટ કરનારના કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ મુખ્ય હતો. શેર 9 ટકાથી વધુ સુધર્યો હતો. બજાર બંધ થવાના સમય અગાઉ એક તબક્કે તે 10 ટકાની અપર સર્કિટમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, એપોલો હોસ્પિટલ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા અને આઈટીસીમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ડિવિઝ લેબ્સમાં ઘટાડો આગળ વધ્યો હતો. કાઉન્ટર 3 ટકા ગગડી રૂ. 2800ની નીચે ઉતરી ગયું હતું. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પણ નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એફએમસીજી, ફાર્મા, રિઅલ્ટીમાં પોઝીટીવ ટોન જોવા મળ્યો હતો. જ્યારે બેંકિંગ, ઓટો, આઈટી, મેટલમાં નરમાઈ જળવાય હતી. બેંકિંગ સેક્ટરમાં જોકે પીએસયૂ બેંક્સમાં મજબૂતી જળવાય હતી અને ઈન્ડેક્સ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા અને એસબીઆઈનું મુખ્ય યોગદાન હતું. નાના પીએસયૂ બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી હતી અને તેઓ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.6 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ 6 ટકા સુધારા સાથે મુખ્ય યોગદાન દર્શાવતો હતો. આ ઉપરાંત જ્યુબિલિઅન્ટ ફૂડ, મેરિકો, ડાબર ઈન્ડિયા, યુનાઈડેટ સ્પિરિટ્સ, ઈમામી, આઈટીસી સુધારાતરફી બની રહ્યાં હતાં. બીજી બાજુ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા સાધારણ ગ્રીન ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેમાં ઝાયડસ લાઈફ 8 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. ઉપરાંત બાયોકોન, ઓરોબિદો ફાર્મા, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા અને આલ્કેમ લેબ પણ મજબૂત જોવા મળ્યાં હતાં. જોકે ડિવિઝ લેબ્સમાં તીવ્ર ઘટાડા સાથે સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ લેબ્સ પણ નરમાઈ દર્શાવતાં હતાં. મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી મેટલ 2.2 ટકા જેટલો ગગડ્યો હતો. જિંદાલ સ્ટીલ 4.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, વેદાંત, તાતા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, સેઈલ, નાલ્કોમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.61 ટકા ગગડી બંધ જોવા મળ્યો હતો. જેમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા ઘટવામાં અગ્રણી હતાં. જોકે બીજી બાજુ એલટીઆઈમાઈન્ડટ્રી 2 ટકા ઉછળ્યો હતો. રિઅલ્ટી શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ફિનિક્સ મિલ્સ 1.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ગોદરેજ પ્રોપર્ટીઝ પણ મજબૂત જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વોડાફોન આઈડિયા 20 ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, અદાણી પોર્ટ્સ, ઝાયડસ લાઈફ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, એબીબી ઈન્ડિયા, ડો. લાલ પેથલેબ્સ, આરબીએલ બેંક, તાતા કેમિકલ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ એમસીએક્સ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, ડિવિઝ લેબ્સ, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, એલઆઈસી હાઉસિંગ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કેટલાંક કાઉન્ટર્સમાં ઝાયડસ લાઈફ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, આઈડીએફસી, રેડિકો ખૈતાન અને સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન સહિતના શેર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
જાન્યુઆરીમાં ઓટો વેચાણમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઈ
તહેવારો, લગ્નગાળો અને ગ્રામીણ માગમાં વૃદ્ધિ પાછળ સારો દેખાવ
જોકે કોવિડ અગાઉના જાન્યુઆરી 2020ની સરખામણીમાં વેચાણ 8 ટકા નીચું
નવા કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઓટોમોબાઈલ્સના વેચાણમાં 14 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં દેશમાં વાહનોના કુલ વેચાણમાં 14 ટકા વધારો નોંધાયો હતો. તહેવારો, લગ્નગાળો અને ગ્રામીણ માગમાં સુધારાને કારણે આમ બન્યું હતું.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)એ તૈયાર કરેલા ડેટા મુજબ તમામ કેટેગરીઝના વેહીકલ્સે સારો દેખાવ નોંધાવ્યો હતો. જેમાં ટુ-વ્હીલર કેટેગરીમાં 10 ટકા, થ્રી-વ્હીલર કેટેગરીમાં 59 ટકા, પેસેન્જર વેહીકલ કેટેગરીમાં 22 ટકા, ટ્રેકટરમાં 8 ટકા અને કમર્સિયલ વેહીકલ્સમાં 16 ટકા વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. ફાડાના જણાવ્યા મુજબ સમગ્રતયા માગમાં સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેસેન્જર કાર સેગમેન્ટમાં ઓર્ડર બુક સતત વૃદ્ધિ દર્શાવી રહી છે. પેસેન્જર કાર્સ સેગમેન્ટમાં અમે ખૂબ સારી ઓર્ડર બુક ધરાવીએ છીએ. જેને કારણે ઓટો ઈન્ડસ્ટ્રીની સમગ્રતયા સ્થિતિ ખૂબ સારી છે એમ સંસ્થાએ નોંધ્યું છે. ખેડૂતોને તેમની પેદાશના ખૂબ સારા ભાવ મળી રહ્યાં છે. જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં માગની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. આમ શહેરી વિસ્તારો સાથે ગ્રામીણ માગ જોડાવાથી સમગ્ર દેશમાં માગ વૃદ્ધિ નોંધાઈ છે. જોકે મહામારી અગાઉના જાન્યુઆરી 2020ના સમય સાથે સરખામણી કરીએ તો જાન્યુઆરી 2023માં રિટેલ વેચાણમાં 8 ટકાનો ઘટાડો નોધાયો હતો. ફાડાના જણાવ્યા મુજબ ટુ-વ્હીલર્સનું વેચાણ વર્ષ અગાઉ સમાન સમયગાળા કરતાં સારુ જોવા મળ્યું હતું. જોકે ગ્રામીણ બજારમાં હજુ પણ માગ તેના અગાઉના સ્તરે પરત ફરવાની બાકી છે. થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 60 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 2021ની સરખામણીમાં તેણે 101 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે મહામારી અગાઉના જાન્યુઆરી 2020ની સરખામણીમાં તે હજુ પણ 3 ટકા ઘટાડો સૂચવતી હતી. પેસેન્જર વેહીકલ્સનું વેચાણ વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જાન્યુઆરી 2021ની સરખામણીમાં તે 10 ટકાની જ્યારે જાન્યુઆરી 2020ની સરખામણીમાં 8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. હેલ્ધી બુકિંગ્સ અને સપ્લાયમાં સુધારાને કારણે પીવી વેચાણમાં સહાયતા મળી રહી છે. જોકે એન્ટ્રી લેવલ સબ-સેગમેન્ટ હજુ પણ પરેશાનીનો સામનો કરી રહ્યું છે. કેટલાંક મોડેલ્સ માટે વેઈટિંગ પિરિયડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે એસયૂવી અને લક્ઝરી સેગમેન્ટ વેહીકલ્સમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે. મારુતિ સુઝુકીએ જાન્યુઆરીમાં 44 ટકા માર્કેટ હિસ્સા સાથે પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં પોઝીશન જાળવી રાખી છે. તાતા મોટર્સે પણ 13 ટકા હિસ્સો જાળવ્યો છે. કમર્સિયલ સેગમેન્ટમાં વાર્ષિક 16 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે જાન્યુઆરી 2021ની સરખામણીમાં 23 ટકા અને જાન્યુઆરી 2020ની સરખામણીમાં 6 ટકા વૃદ્ધિ સૂચવે છે. માર્કેટમાં રિપ્લેસમેન્ટને કારણે માગ ઊંચી જળવાય રહી છે. ઉપરાંત સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઊંચા રોકાણની પણ અસર જોવા મળી રહી છે.
અદાણીએ 1.11 અબજ ડોલર વહેલા ચૂકવી ત્રણ કંપનીઓમાં પ્લેજ્ડ શેર્સને છોડાવશે
અદાણી જૂથે 1.11 અબજ ડોલર(લગભગ રૂ. 9200 કરોડ)નું આગોતરું પેમેન્ટ કરીને જૂથની ત્રણ લિસ્ટેડ કંપનીઓના પ્લેજ્ડ શેર્સ છૂટાં કરાવવાનું નક્કી કર્યું છે. કંપની સપ્ટેમ્બર 2024ની મેચ્યોરિટી પહેલાં શેર્સ છૂટાં કરાવશે. તાજેતરમાં કંપનીના શેર્સમાં ઊંચી વોલેટિલિટીને પગલે આમ કર્યું છે. જે ત્રણ જૂથ કંપનીઓના પ્લેજ્ડ શેર્સ છૂટાં કરાવશે તેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. આ રકમની ચૂકવણી સાથે ત્રણેય લિસ્ટેડ કંપનીઓના શેર્સ છૂટાં થશે. જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના 16.827 કરોડ શેર્સનો સમાવેશ થાય છે. જે પ્રમોટર્સ હોલ્ડિંગનો 12 ટકા હિસ્સો દર્શાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં પ્રમોટરના 3 ટકા હિસ્સાને છૂટો કરાવવામાં આવશે. તેમજ અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટર્સ હોલ્ડિંગનો 1.4 ટકા હિસ્સો છૂટો થશે.
સોમવારે અદાણી જૂથ શેર્સમાં મિશ્ર માહોલ
સોમવારે અદાણી જૂથ શેર્સમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. જૂથ કંપનીઓમાંથી અદાણી પોર્ટ્સનો શેર 9 ટકા ઉછળી રૂ. 545.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સિમેન્ટ કંપની એસીસીનો શેર પણ 2.22 ટકા સુધારે રૂ. 1970ની સપાટીએ બંધ રહ્યો હતો. અંબુજા સિમેન્ટનો શેર પણ 2 ટકા આસપાસ સુધરી રૂ. 379.75ની સપાટીએ બંધ જોવા મળતો હતો. જ્યારે અન્ય જૂથ કંપનીઓ નરમાઈ દર્શાવતી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ એક ટકા ઘટાડે રૂ. 1572.70ની સપાટીએ, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવર 5-5 ટકા જ્યારે અદાણી ટ્રાન્સમિશન 10 ટકા ઘટાડો દર્શાવતો હતો. અદાણી વિલ્મેરનો શેર 5 ટકા ગગડ્યો હતો.
સેબીએ બેંક્સ પાસેથી બેનિફિશ્યલ એકાઉન્ટ્સની વિગતો માંગી
અદાણી જૂથને લઈને શોર્ટસેલર હિંડેનબર્ગના અહેવાલ બાદ સેબી સક્રિય
વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીમાં કુલ રૂ. 3.51 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ વિવિધ કસ્ટોડિયન બેંક્સને ઓફશોર ફંડ્સ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ)ના બેનિફિશ્યલ ઓવનર્સ અંગે સોમવારે લેખિતમાં વિગતો મંગાવી હોવાનું બે પ્રત્યક્ષ જાણકાર સૂત્રોનું કહેવું છે.
આમ તો આ કોઈ અસાધારણ પગલું નથી પરંતુ સેબીનું પગલું યુએસ શોર્ટસેલર હિંડેનબર્ગ રિસર્ચ તરફથી અદાણી ગ્રૂપ પર કરવામાં આવેલા આક્ષેપો બાદ લેવામાં આવ્યું છે. હિંડેનબર્ગે અદાણી જૂથ પર ઓફશોર હેવન્સ અને સ્ટોક મેનિપ્યુલેશનના અયોગ્ય ઉપયોગનો આક્ષેપ મૂક્યો હતો. જેને અદાણી જૂથે ફગાવ્યો હતો. જોકે શોર્ટસેલરન અહેવાલને કારણે અદાણી જૂથની સાત લિસ્ટેડ કંપનીઓના માર્કેટ-કેપમાં 120 અબજ ડોલરથી વધુનું ધોવાણ જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં કુલ રૂ. 28852 કરોડ(3.51 અબજ ડોલર)નું વેચાણ કર્યું હતું.
સેબીએ વિદેશી રોકાણકારોના રોકાણનું સંચાલન કરતી વિદેશી બેંક્સ અથવા તો કસ્ટોડિયન બેંક્સને સંબંધિત ઈન્વેસ્ટર્સ પાસેથી માર્ચ સુધીમાં તમામ વિગતો મેળવીને સપ્ટેમ્બરની આખર સુધીમાં તેને સેબી સમક્ષ રજૂ કરવા માટે જણાવ્યું હોવાનું નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે. સેબીને આ અંગે પૂછવામાં આવતાં તેણે કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી. સેબીએ કસ્ટોડિયન બેંક્સને આખરી બેનિફિશ્યલ ઓવનર્સ કોણ છે તેની વિગતો આપવા જણાવ્યું છે. ખાસ કરીને જે કિસ્સામાં સિનિયર મેનેજમેન્ટ ઓફિસર અથવા ફંડ મેનેજર બેનિફિશ્યલ ઓવનર તરીકે લિસ્ટેડ છે તેવા કિસ્સાની વિગતો માગી હોવાનું વર્તુળોનું કહેવું છે. જે કિસ્સામાં કસ્ટોડિયન બેંક્સ બેનિફિશ્યલ ઓવનરશીપની વિગતો પૂરી નહિ પાડે તેવા કિસ્સામાં રેગ્યુલેટર ફોરેન ફંડ્સને ડિમ કરી દેશે ને માર્ચ 2024 સુધીમાં ભારતીય બજારમાંથી તેમની પોઝીશન લિક્વિડેટ કરવા જણાવશે એમ પણ વર્તુળો ઉમેરે છે. ફોરેન પોર્ટફોલિયો લાયસન્સ માટેની પ્રથમ શરત જ્યારે પણ બેનિફિશ્યલ ઓવનરની વિગતો માગવામાં આવે ત્યારે તેને જણાવવાની છે એમ બીજા વર્તુળ જણાવે છે. હાલમાં ઘણી ફંડ સાઈટ ‘સિનિયર મેનેજમેન્ટ ઓફિશ્યલ’ અથવા ફંડ મેનેજરને બેનિફિશ્યલ ઓવનર તરીકે ગણાવી રહી છે. જે રેગ્યુલેટરને આખરે ફંડના સાચા માલિક કોણ છે તેની ખરી વિગત પૂરી નથી પાડતી. હાલમાં સેબી પાસે 11000 ફોરેન ફંડ્સ રજિસ્ટ્રેશન ધરાવે છે.
FPIએ સાત મહિનામાં સૌથી ઊંચી વેચવાલી દર્શાવી
જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોની રૂ. 29 હજાર કરોડનું ચોખ્ખું વેચાણ
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ એફપીઆઈએ રૂ. 5700 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો
વિદેશી રોકાણકારોએ 2023માં પણ તીવ્ર વેચવાલી જાળવી રાખી છે. જાન્યુઆરીમાં તેમણે ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. 29 હજાર કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. જે છેલ્લાં સાત મહિનામાં એફપીઆઈ તરફથી સૌથી ખરાબ આઉટફ્લો છે. ભારતની સરખામણીમાં હરિફ ઈમર્જિંગ માર્કેટ્સ આકર્ષક બની રહેવાથી વિદેશી રોકાણકારોએ તેમનો ફ્લો તે તરફ વાળ્યો હોવાનું વર્તુળો જણાવે છે. કેલેન્ડર 2022ના આખરી બે મહિન દરમિયાન વિદેશી રોકાણકારો સ્થાનિક બજારમાં નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં ડિસેમ્બરમાં તેમણે રૂ. 11,119 કરોડનું જ્યારે નવેમ્બરમાં રૂ. 36,238 કરોડનું રોકાણ જાળવ્યું હતું.
આગામી સપ્તાહોમાં એફપીઆઈનો ફ્લો વોલેટાઈલ જળવાય રહેવાની શક્યતાં હોવાનું માર્કેટ નિરીક્ષકો જણાવે છે. તેમના મતે ભારતીય શેરબજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ જાળવી રાખ્યું હોવાથી પણ વિદેશી રોકાણકારો હાલમાં નવી પોઝીશન ટાળે તેવું બની શકે છે. ડિપોઝીટરી પાસેથી મળતાં ડેટા મુજબ વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ઈક્વિટીઝમાંથી રૂ. 28,852 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો હતો. જે જૂન 2022 પછીનો સૌથી મોટો માસિક આઉટફ્લો હતો. તેમણે જુન 2022માં રૂ. 50,203 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જાન્યુઆરીમાં ચોખ્ખી વેચવાલી બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ એફઆઈઆઈ તરફથી રૂ. 5700 કરોડનું વેચાણ જોવા મળ્યું છે. વિદેશી રોકાણકારો ભારતમાં વેચાણ કરી ચીન, હોંગ કોંગ અને સાઉથ કોરિયામાંથી ખરીદી કરી રહ્યાં છે. કેમકે તે હાલમાં વેલ્યૂએશન્સની રીતે આકર્ષક છે એમ અગ્રણી બ્રોકરેજના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જણાવે છે. તેમના મતે એફપીઆઈએ હાલમાં ‘ભારતમાં વેચો અને અન્ય સસ્તાં બજારોમાં ખરીદો’ની નીતિ અપનાવી છે. જેને કારણે ભારતીય બજાર અન્યોની સરખામણીમાં ઊંચુ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. ભારતીય બજાર નવા કેલેન્ડરમાં ઘટાડો સૂચવે છે. જ્યારે ચીન, હોંગ કોંગ અને સાઉથ કોરિયાના બજારો અનુક્રમે 4.71 ટકા, 7.52 ટકા અને 11.45 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ભારતીય બજારમાં 3 ટકા આસપાસ ઘટાડો નોંધાયો છે. ડેટ માર્કેટની વાત કરીએ તો એફપીઆઈએ રૂ. 3,531 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે.
ડોલર સામે રૂપિયામાં 90 પૈસાનું ધોવાણ
યુએસ ખાતે મજબૂત જોબ ડેટા પાછળ ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીને પગલે ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સ્થાનિક ચલણ 90 પૈસા ગગડી 82.73ની સપાટી પર બંધ રહ્યું હતું. જે ચાલુ કેલેન્ડરમાં તેની સૌથી નીચી સપાટી હતી. સોમવારે રૂપિયો 82.35ની સપાટી પર નરમ ખૂલીને વધુ ગગડ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 82.76નું તળિયું દર્શાવ્યું હતું અને તેની નજીક જ બંધ રહ્યો હતો. ફોરેક્સ ડિલર્સના જણાવ્યા મુજબ રૂપિયો 81.50થી 83ની રેંજમાં અથડાયેલો જોવા મળે તેવી શક્યતાં છે. ડોલર ઈન્ડેક્સ નોંધપાત્ર સમયગાળા બાદ 103ની સપાટી પર જોવા મળ્યો હતો. ડોલર સામે અગ્રણી છ કરન્સિઝમાં નરમાઈ જોવા મળી હતી.
વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક ગોલ્ડમાં બાઉન્સ
ગયા સપ્તાહે આખરી બે સત્રોમાં ઊંચા મથાળે વેચવાલી બાદ સોમવારે ગોલ્ડને રાહત મળી હતી. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ 1880 ડોલરની નીચેથી બાઉન્સ થઈ 1890 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું હતું. ગયા સપ્તાહે તેણે 1970 ડોલરની 10-મહિનાની ટોચ દર્શાવી હતી. ભારતીય ચલણમાં ડોલર સામે તીવ્ર ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં ગોલ્ડ નોંધપાત્ર મજબૂતી સૂચવતું હતું. એમસીએક્સ ગોલ્ડ વાયદો 0.9 ટકા અથવા રૂ. 484ના સુધારે રૂ. 57 હજાર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વરમાં રૂ. 250નો સુધારો જોવા મળતો હતો અને તે રૂ. 67820ની સપાટી પર ટ્રેડ દર્શાવતી હતી. ક્રૂડ ઓઈલ અ લેડમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડિગોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1422.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 129.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 9,247.7 કરોડની આવક ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 14,933 કરોડ પર જોવા મળી હતી.
આઈટીસીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5031 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 4700 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો. કંપનીની આવક રૂ. 16225 કરોડ પર જોવા મળી હતી. જે રૂ. 16652 કરોડના અંદાજથી સાધારણ ઓછી હતી.
પ્રાજ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 62.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37.1 કરોડની સરખામણીમાં 68.2 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 585.6 કરોડની આવક સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 910 કરોડ પર જોવા મળી હતી.
જેકે ટાયરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 65.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 65.6 કરોડ સામે 15.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3076 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3613 કરોડ પર જોવા મળી હતી.
મણ્ણાપુરમ ફાઈઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 392.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 261 કરોડ સામે 50.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 815 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1092 કરોડ પર જોવા મળી હતી.
એમએન્ડએમ ફાઈનાન્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 628.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 360 કરોડની અપેક્ષા કરતાં 70 ટકા ઉંચો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 1507 કરોડના અંદાજ સામે રૂ. 1621 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ડિયા ફાઉન્ડ્રી કોંગ્રેસઃ ફાઉન્ડ્રી ઉદ્યોગની અગ્રણી ઈવેન્ટ ઈન્ડિયા ફાઉન્ડ્રી કોંગ્રેસનું 8-10 ફેબ્રુઆરીના રોજ ગ્રેટર નોઈડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સોથી વધુ સભ્યો ભાગ લેશે. દેશમાં ગુજરાત 18 ટકા ફાઉન્ડ્રી એકમો ધરાવે છે.
આયોન એક્સચેન્જઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 47.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28 કરોડ સામે 80 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 388 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 512 કરોડ પર જોવા મળી હતી.
કેઆરબીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 205 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 73.4 કરોડ સામે 180 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1153 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1536 કરોડ પર જોવા મળી હતી.