Categories: Market Tips

Market Summary 05/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

હરિફ બજારોમાં નરમાઈ વચ્ચે ભારતમાં તેજીની હેટ્રીક
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 10.81ના સ્તરે
ફાર્મા, એફએમસીજી, આઈટી, મેટલમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ જોવા મળી
રેમન્ડ, આઈડીબીઆઈ બેંક, દેવયાઈની ઈન્ટ., નઝારા, સાયન્ટ નવી ટોચે

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી જોવા મળી હતી. હરિફ એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક શેરબજાર પખવાડિયાની ટોચે પહોચ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 152.12 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65,780.26ની સપાટીએ જ્યારે નિફ્ટી 46.10 પોઈન્ટ્સ સુધારે 19,574.90ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી વચ્ચે બજારમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3817 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2142 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1532 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 357 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થયાં હતાં. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 10.81ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19529ના બંધ સામે ઉપરમાં 19587ની સપાટી નોંધાવી નીચે 19526ના લેવલે જોવા મળ્યો હતો. જોકે, આખરી બે કલાકમાં ફરી મજબૂતી પાછળ તે મક્કમ બંધ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 75 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19650 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જોવા મળ્યાંનો સંકેત છે. આ બાબત દર્શાવે છે કે હજુ પણ બુલ્સ અને બેર્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. જોકે, બેમાંથી એકપણ વર્ગ એટલો સબળ નથી કે બજારને કોઈ એકબાજુ ખેંચી લઈ જઈ શકે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 19500 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જે વધુ સુધારો સૂચવે છે. જો વૈશ્વિક સંકેતો સારા રહેશે તો બેન્ચમાર્ક નવી ટોચ પણ દર્શાવી શકે છે. જોકે, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સને લઈને એક્સપર્ટ્સ ખૂબ જ સાવચેત રહેવાં જણાવે છે. તેમના મતે હાલમાં એક્સપોઝર લાર્જ-કેપ્સમાં જ જાળવવું જોઈએ.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, બીપીસીએલ, બજાજ ઓટો, આઈટીસી, ટાઈટન કંપની, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસિસ, લાર્સન અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, એચડીએફસી બેંક, વિપ્રો અને એનટીપીસીમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજી, આઈટી, મેટલ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, ઝાયડસ લાઈફ, સન ફાર્મા અને લ્યુપિનમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ નવી વાર્ષિક ટોચે બંધ રહ્યો હતો. જેને પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સનો સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ પોણો ટકો મજબૂતી દર્શાવતો હતો. જેમાં જ્યુબિલિઅન્ટ ફૂડ, કોલગેટ, વરુણ બેવરેજિસ, આઈટીસી, યુનાઈટેડ બ્રુઅરિઝ, નેસ્લે, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયામાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી 1 ટકાથી વધુ મજબૂતી સાથે નવી ટોચ પર પહોંચ્યો હતો. જેમાં ઓબેરોય રિઅલ્ટી, ડિએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ જેવા કાઉન્ટર્સ મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી બેંક જોકે સાધારણ નેગેટિવ બંધ દર્શાવતો હતો. જેમાં બંધન બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, એયૂ સ્મોલ ફાઈ. બેંક અને એક્સિસ બેંકમાં નરમાઈ જોવા મળતી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો જ્યુબિલિઅન્ટ ફૂડ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતી. આ ઉપરાંત આદિત્ય બિરલા ફેશન, પેટ્રોનેટ એલએનજી, ગ્લેનમાર્ક, ઓરોબિંદો ફાર્મા, એનએમડીસી, ઝી એન્ટર., લૌરસ લેબ્સ, એબીબી ઈન્ડિયા, જેકે સિમેન્ટ, ટોરેન્ટ ફાર્મા જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, મધરસન સુમી, નાલ્કો, હિંદ કોપર, એપોલો ટાયર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આરઈસી જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમએમટીસી, રેમન્ડ, દેવયાની ઈન્ટર., આઈઆરએફસી, આઈડીબીઆઈ બેંક, નઝારા, સાયન્ટ, એનબીસીસી, ટ્રાઈડન્ટ, સેન્ચ્યૂરી, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, કોચીન શીપયાર્ડ, ફિનોલેક્સ કેબલ્સ અને ઝેનસાર ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

CBIએ લાંચ કેસમાં ગેઈલના એક્ઝિટ્યૂટિવ ડિરેક્ટરની ધરપકડ કરી
કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઈએ રૂ. 50 લાખના લાંચ કેસમાં ગેઈલના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર કે બી સિંઘની ધરપકડ કરી છે. ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સમાં કેટલાંક કોન્ટ્રેક્ટકર્સની તરફેણ કરવા બદલ આ લાંચ લેવામાં આવી હતી. કે બી સિંઘ સાથે અન્ય ચાર જણાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વડોદરા સ્થિત એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સના ડીરેક્ટર સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આક્ષેપ મુજબ બે ગેઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ્સ માટે કંપનીની તરફેણ કરવા માટે આ લાંચ ચૂકવવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સમાં શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઔરૈયા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. સીબીઆઈએ દિલ્હી, નોઈડા અને વિશાખાપટ્ટનમ ખાતે કેટલાંક સ્થળોએ સર્ચ હાથ ધરી હતી.

ઉત્પાદનને લઈ ચિંતા પાછળ ખાંડના ભાવ છ-વર્ષની ટોચે પહોંચ્યાં
ખાંડના ભાવ ઓક્ટોબર 2017 પછીની ટોચ પર જોવાયાં
મહારાષ્ટ્ર-કર્ણાટકમાં દુષ્કાળને કારણે શેરડીના ઉત્પાદન પર અસરની શક્યતાં
સરકાર તરફથી દેશમાંથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતાં જોઈ રહેલા વર્તુળો

દેશમાં નવી સિઝનમાં ખાંડના ઉત્પાદનને લઈ ઊભી થયેલી ચિંતા પાછળ સુગરના ભાવ છ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યાં છે. છેલ્લા પખવાડિયામાં ખાંડના ભાવમાં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ છે એમ ટ્રેડ વર્તુળો જણાવે છે. શેરડી પકવતાં દેશના વિસ્તારોમાં મર્યાદિત વરસાદને કારણે સુગરના ઉત્પાદનને લઈ ચિંતા જોવા મળી છે એમ તેઓ ઉમેરે છે.
જો નવી સિઝનમાં ઉત્પાદન ઘટશે તો ફૂડ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ થશે. જે ભારત સરકારને સુગર નિકાસને લઈને પ્રતિબંધ માટે વિચારવા પ્રેરી શકે છે. જેની પાછળ વૈશ્વિક બજારોના ભાવને સપોર્ટ મળી શકે છે. જે હાલમાં દાયકાથી ઊંચી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ દુકાળના કારણે ખાંડ મિલોનો આગામી સિઝનમાં ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાની ચિંતા સતાવી રહી છે. ઊંચા ભાવોને કારણે જોકે કેટલાંક સુગર ઉત્પાદકોના માર્જિન્સમાં સુધારાની શક્યતાં છે. જે તેમને ખેડૂતોને સમયસર પેમેન્ટમાં સહાયરૂપ બની શકે છે. ઓક્ટોબર મહિનાથી શરૂ થનારી નવી સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 3.3 ટકા જેટલુ ઘટી 3.17 કરોડ ટન પર જોવા મળે તેવી શક્યતાં છે. દેશમાં શેરડી પકવતાં અગ્રણી રાજ્યો એવા પશ્ચિમ સ્થિત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલાંક વિસ્તારો દુકાળનો સામનો કરી રહ્યાં છે. જેને જોતાં ત્યાં ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળશે. આ બંને રાજ્યો મળીને દેશમાં કુલ શેરડી ઉત્પાદનના 50 ટકાથી વધુ ઉત્પાદન ધરાવે છે. મંગળારે ખાંડના ભાવ વધી પ્રતિ ટન 37,760 પ્રતિ ટન(454.80 ડોલર) પર જોવા મળતાં હતાં. જે ઓક્ટોબર 2017 પછીની ટોચ હતી. ભારતમાં ખાંડના ભાવ વૈશ્વિક વ્હાઈટ સુગર બેન્ચમાર્કની સરખામણીમાં 38 ટકા નીચા જોવા મળી રહ્યાં છે. ઊંચા ભાવ સરકારને નવી સિઝનમાં નિકાસ પર પ્રતિબંધ માટે વિચારવા પ્રેરી શકે છે.
પૂરું થવા જઈ રહેલી સિઝનમાં ભારત સરકારે 61 લાખ ટન સુગર નિકાસ માટે છૂટ આપી હતી. જોકે, અગાઉના વર્ષે દેશમાંથી 1.11 કરોડ ટન સુગરની વિક્રમી નિકાસ જોવા મળી હતી. સરકાર ઓક્ટોબરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી અપેક્ષા છે. જે છેલ્લાં સાત વર્ષોમાં પ્રથમવાર જોવા મળશે એમ સરકારી વર્તુળો જણાવે છે. દેશમાં સુગરના જથ્થામા ઘટાડાને જોતાં આગામી સમયગાળામાં કોમોડિટીના ભાવમાં ઓર વૃદ્ધિની શક્યતાં મુંબઈ સ્થિત ટ્રેગર દર્શાવી રહ્યાં છે.

સ્મોલ-કેપ ઈન્ડેક્સનું ચાલુ કેલેન્ડરમાં 30 ટકાનું તગડું રિટર્ન
નિફ્ટી મીડ-કેપે પ્રથમવાર મંગળવારે 40kની સપાટી પાર કરી
મીડ-કેપ ઈન્ડેક્સ 15 સત્રોમાંથી 13 સત્રો દરમિયાન પોઝીટીવ બંધ આવ્યો

મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં તેજીનો દોર પૂરો થવાથી ઘણો દૂર જણાય રહ્યો છે. અનેક મીડ અને સ્મોલ-કેપ્સના ભાવ મોંઘા જોવા મળી રહ્યાં હોવાનું એનાલિસ્ટ્સ તરફથી ચેતવવા છતાં બીજી અને ત્રીજી હરોળના શેર્સ સતત નવી ટોચ બનાવી રહ્યાં છે. જેની પાછળ મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી રહ્યાં છે. મંગળવારે નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સે ઈતિહાસમાં પ્રથમવાર 40 હજારની સપાટી પાર કરી હતી. ઈન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂતી સાથે 40,253.60 પર બંધ જોવા મળ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં તે 27 ટકાનું ઊંચું વળતર આપી ચૂક્યો છે. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે પણ મંગળવારે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી અને તે એક ટકા સુધારા સાથે 12,656.25ની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે કેલેન્ડર 2023માં 30 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જે બેન્ચમાર્ક્સમાં જોવા મળતાં 8 ટકાના રિટર્ન્સની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ સૂચવે છે.
નિફ્ટી મીડકેપ 100 ઈન્ડેક્સ છેલ્લાં 15 ટ્રેડિંગ સત્રોમાંથી 13 સત્રોમાં પોઝીટીવ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે 15 સત્રોમાંથી 12 સત્રોમાં પોઝીટીવ ટ્રેડિંગ નોંધાવ્યું હતું. પખવાડિયાના સમયગાળામાં બંને સૂચકાંકો અનુક્રમે 6 ટકા અને 8.4 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જ્યારે કેલેન્ડરમાં અત્યાર સુધીમાં તેઓ અનુક્રમે 27 ટકા અને 30 ટકાનું રિટર્ન આપી ચૂક્યાં છે. કેલેન્ડર 2021 પછી ફરી એકવાર તેમણે બેન્ચમાર્ક નિફ્ટીને રિટર્નની બાબતમાં મોટા માર્જિનથી પાછળ રાખી દીધો છે.
માર્કેટ એનાલિસ્ટ્સ જોકે, મીડ-કેપ અને સ્મોલ-કેપ્સને લઈને ચેતવણી આપી રહ્યાં છે. તેમના મતે હાલના તબક્કે રોકાણ કરવા માટે વાજબી ભાવે પ્રાપ્ય હોય તેવા કાઉન્ટર્સ જૂજ જોવા મળે છે. જેને જોતાં રોકાણકારોએ કોઈ ઉતાવળમાં ખરીદી કરવાની જરૂર નથી અને તેઓ ભાવ વાજબી સ્તરે પરત ફરે તેની રાહ જુએ તે યોગ્ય છે. કોટક મહિન્દ્રા એએમસીના એમડી નિલેશ શાહના જણાવ્યા મુજબ સ્મોલ-કેપ અને મીડ-કેપમાં રોકાણકારોએ સાવચેતી દાખવવાની જરૂરી છે. હાલમાં તેઓ ખૂબ ઊંચા વેલ્યૂએશન્સ સૂચવી રહ્યાં છે. જે રોકાણ માટે યોગ્ય નથી. પીપીએફએએસના ફંડ મેનેજર રાજ મેહતા જણાવે છે કે હાલમાં સ્મોલ અને મિડિયમ કેપ્સના વેલ્યૂએશન ઊંચા જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ લાર્જ-કેપ્સ પર જ ફોકસ કરવું જોઈએ. તેઓ લાર્જ-કેપ ફંડ્સને આકર્ષક ગણાવી રહ્યાં છે. કેમકે તેમના વેલ્યૂએશન વાજબી છે. જ્યારે મીડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સથી દૂર રહેવા ચેતવે છે. મહેતાના મતે ફ્લેક્સિકેપ ફઁડ્સને લઈને વિચારી શકાય. જોકે પ્યોર મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સથી દૂર રહેવું જોઈએ.

વિતેલાં સપ્તાહે ખરિફ વાવેતરમાં 89 હજાર હેકટરમાં વૃદ્ધિ જોવાઈ
એરંડાનું વાવેતર 43 હજાર હેકટર વધી 100 ટકાથી વધી ગયું
ઘાસચારા અને શાકભાજી પાકોના વાવેતરમાં પણ ઉમેરો થયો

ખરિફ વાવેતરમાં ગયા સપ્તાહે વધુ 89 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. જેને કારણે કુલ વાવેતર 84.49 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 85.97 લાખ હેકટરની સરખામણીમાં 98 ટકાનું લેવલ પાર કરી ગયું છે. ગયા વર્ષે સમાનગાળઆની સરખામણીમાં તે 1.26 લાખ હેકટર જેટલું ઊંચું જોવા મળે છે. જોકે, સામાન્ય વાવેતરની સરખામણીમાં હજુ પણ 1.46 લાખ હેકટર નીચું વાવેતર નોંધાયું છે.
ચોમાસુ વાવેતર લગભગ પૂરું થઈ ચૂક્યું છે. જોકે, કેટલાંક પાછળથી વાવવામાં આવતાં પાકોનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં એરંડા મુખ્ય છે. ગયા સપ્તાહે એરંડાનું વાવેતર 43 હજાર હેકટરમાં ઉમેરાયું હતું અને તે 6.69 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે છેલ્લાં ત્રણ વર્ષોની સરેરાશ 6.68 લાખ હેકટરની સરેરાશને પાર કરીને 100 ટકા વિસ્તારથી આગળ નીકળી ગયું હતું. એરંડાના વાવેતરમાં હજુ પણ વધુ 25-30 હજાર હેકટરની વૃદ્ધિ સંભવ છે. જોકે, આ માટે વરસાદ જરૂરી છે. જો વરસાદ આવી જાય તો આગામી સપ્તાહમાં બચી ગયેલી જમીનમાં ખેડૂતો એરંડા વાવી શકે છે. એરંડા ઉપરાંત ઘાસચારાના વાવેતરમાં ગયા સપ્તાહે 23 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 10.30 લાખ હેકટરે પહોંચ્યું હતું. આ ઉપરાંત શાકભાજી પાકોનું વાવેતર 5 હજાર હેકટર વધી 2.46 લાખ હેકટર પર પહોંચ્યું હતું. ડાંગરનું વાવેતર એક હજાર હેકટરની સાધારણ વૃદ્ધિ સાથે 8.7 લાખ હેકટર પર જોઈ શકાતું હતું. અન્ય પાકોના વાવેતરમાં કોઈ ખાસ ઉમેરો નહોતો નોઁધાયો. ચાલુ ખરિફમાં રાજ્યમાં 26.79 લાખ હેકટર સામે કપાસનું છેલ્લાં ઘણા વર્ષોનું ઊંચું વાવેતર જોવા મળે છે. અગાઉ એકવાર કપાસનું વાવેતર 27 લાખ હેકટરને પાર કરી ગયું છે. જ્યારપછી ચાલુ સિઝનમાં તેની નજીકનું વાવેતર નોંધાયું છે. ઓગસ્ટમાં વરસાદના અભાવે ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી આપવાનું થયું છે. જોકે, છેલ્લાં ઘણા વર્ષોથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળતી અતિવૃષ્ટિને કારણે પાકને થતાં નુકસાનીમાંથી ચાલુ વર્ષે બચી શકાયું છે અને મોટાભાગના વિસ્તારોમાં પાકની સ્થિતિ ઘણી સારી છે. જે રાજ્યમાં વિક્રમી કપાસ ઉત્પાદનની સંભાવના દર્શાવે છે. જો આગામી સપ્તાહમાં એક વ્યાપક વરસાદી માહોલ જોવા મળે તો 14 આની વર્ષની સંભાવના જોવાઈ રહી છે.
જોકે, પાછોતરા વરસાદને અભાવે રવિ વાવેતર પર ચોક્કસ અસર પડી શકે છે. કેમકે જમીનમાં ભેજના નીચા પ્રમાણને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ રવિ વાવેતરથી વંચિત રહેવાનું બની શકે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં રવિ વાવેતરમાં સતત નવા વિક્રમ બની રહ્યાં હતાં અને તે 45-49 લાખ હેકટરની રેંજમાં જોવા મળતું હતું.

ઓગસ્ટમાં ઓટો વેચાણમાં 9 ટકા વૃદ્ધિ, PV ઈન્વેન્ટરી સર્વોચ્ચ સ્તરેઃ ફાડા
થ્રી-વ્હીલર્સનું વેચાણ 99,907 યુનિટ્સની વિક્રમી સપાટીએ નોંધાયું
ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 6 ટકા વધી 12,54,444 યુનિટ્સ પર જોવા મળ્યું

ભારતે ઓગસ્ટ મહિનામાં 9 ટકા રિટેલ વેચાણ વૃદ્ધિ દર્શાવી છે એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)નો ડેટા સૂચવે છે. જોકે, મહામારીના સમયગાળાને જોતાં વૃદ્ધિ દર એક ટકાના દરે જોવા મળ્યો હતો. જુલાઈની સરખામણીમાં દેશમાં ઓટો વેચાણના આંકડા ત્રણ ટકા ઊંચા જોવા મળ્યાં હતાં.
વાહનોના વેચાણમાં વૃદ્ધિ મુખ્યત્વે ત્રિ-ચક્રિય વાહનોના વેચાણને કારણે જોવા મળી હતી. ઓગસ્ટમાં થ્રી-ચક્રિય વેહીકલ્સનું વિક્રમી વેચાણ નોંધાયું હતું. ગયા મહિને કુલ 99,907 યુનિટ્સ થ્રી-વ્હીલર્સ વેચાયાં હતાં. જે વાર્ષિક ધોરણે 66 ટકા જ્યારે માસિક ધોરણે 6 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં. વાર્ષિક ધોરણે તમામ વેહીકલ સેગમેન્ટમાં વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી. ટુ-વ્હીલર્સના વેચાણમાં 6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. પેસેન્જર વેહીકલનું વેચાણ 6.5 ટકા વધ્યું હતું. ટ્રેકટરનું વેચાણ 14 ટકા વધ્યું હતું અને કમર્સિયલ વેહીકલનું વેચાણ 3 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જોકે, જુલાઈની સરખામણીમાં ટ્રેકટર્સ સિવાય અન્ય તમામ સેક્ટર્સના વેચાણમાં 19 ટકા ઘટાડો નોંધાયો હતો.
કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ માસિક ધોરણે 3 ટકા વધી 75,294 યુનિટ્સ પર રહ્યું હતું. જુલાઈમાં તેનું વેચાણ 72,940 યુનિટ્સ પર હતું. ટ્રેકટરનું વેચાણ 14 ટકા વધી 73,849 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 65018 યુનિટ્સ પર જોવા મળતું હતું. થ્રી-વ્હીલર્સનું રિટેલ વેચાણ 66 ટકા વધી 99,907 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે 60,132 યુનિટ્સ પર હતું. ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 6 ટકા વધી 12,54,444 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 11,80,230 યુનિટ્સ પર હતું.
પેસેન્જર વેહીકલ સેગમેન્ટે જોકે, સૌથી ઊંચી ઈન્વેન્ટરી દર્શાવી હતી. તેણે 60-દિવસની મહત્તમ મર્યાદાને પાર કરી હતી. તેણે 42-દિવસોના તહેવારોની સિઝન અગાઉ જ વિક્રમી ઈન્વેન્ટરી નોંધાવી હતી. ફાડાના પ્રમુખ મનિષ રાજ સિંઘાનિયાના જણાવ્યા મુજબ પ્રથમ વાર પીવીનું ઈન્વેન્ટરી લેવલ 60-દિવસના ઈન્વેન્ટરી લેવલ્સને પાર કરી ગયું છે. ખાસ તો તે નવરાત્રી અને દિવાળીના તહેવારોની સિઝન પહેલાં આમ દર્શાવી રહ્યું છે. જે પીવી ઓઈએમ્સ માટે વિજિલન્ટ મોનીટરિંગની તાકીદ કરે છે. પીવી ક્ષેત્રે વેહીકલ સપ્લાયમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રાહકોની સ્કિમને કારણે તેમાં વિસ્તરણ જોવા મળ્યું છે. જોકે, આમ છતાં કેટલાંક સપ્લાય ચેઈન અવરોધો નડી રહ્યાં છે એમ તેઓ ઉમેરે છે. તેમના મતે બજારે નવા હાઈબ્રીડ અને સીએનજી મોડેલ્સની રજૂઆતને સારો પ્રતિસાદ આપ્યો છે. જોકે, લોકપ્રિય સેગમેન્ટમાં પ્રોડક્ટ રેંજને લઈ અવરોધ જોવા મળી રહ્યાં છે. નજીકના સમયગાળા માટે સાવચેતીનો સૂર દર્શાવતાં ફાડા જણાવે છે કે નીચા વરસાદને કારણે આગામી તહેવારની સિઝનમાં ગ્રામીણ માગ પર અસર પડી શકે છે. જોકે, ડિલરશીપ નેટવર્ક આશાવાદી સેન્ટીમેન્ટને કારણે તેજીમાં છે. ફાડા સાવચેત વલણ અપનાવી રહ્યું છે.

રેલ્વે બિઝનેસમાં સંકળાયેલા શેર્સનું 5-મહિનામાં 331 ટકા વળતર
જાહેર સાહસો ઉપરાંત પ્રાઈવેટ સેક્ટર રેલ કંપનીઓના શેર્સે પણ ઐતિહાસિક રિટર્ન દર્શાવ્યું

સરકાર તરફથી રેલ્વે તંત્રમાં જંગી મૂડી ખર્ચની અસર રેલ્વે બિઝનેસ સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓના શેર્સના ભાવ પરથી જોવા મળે છે. એપ્રિલમાં નાણા વર્ષની શરૂઆતથી લગભગ પાંચ મહિનાના સમયગાળામાં રેલ્વે સંબંધિત કંપનીઓના શેર્સમાં 331 ટકા સુધીનું તીવ્ર રિટર્ન જોવા મળ્યું છે. દેશમાં રેલ્વે સાથે સીધી રીતે સંકળાયેલી લગભગ દોઢેક ડઝન કંપનીઓના શેર્સ 24 ટકાથી લઈ 331 ટકા સુધીનું રિટર્ન આપી ચૂક્યાં છે. જેમાં અડધો ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ પણ થાય છે.
રેલ્વે બિઝનેસમાં સક્રિય કંપનીઓના શેર્સનો અભ્યાસ કરીએ જો પ્રાઈવેટ સેક્ટરન જ્યૂપિટર વેગન્સનો શેર માર્ચ આખરમાં તેના રૂ. 92ના લેવલ સામે મંગળવારે રૂ. 398ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. આમ શેરમાં પાંચ મહિનાના સમયમાં 330 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. ટેક્સમાકો રેલનો શેર 273 ટકા રિટર્ન સાથે બીજો ક્રમ દર્શાવે છે. કંપનીનો શેર માર્ચ આખરમાં રૂ. 42ની સપાટીથી સતત સુધરતો જોવા મળે છે. મંગળવારે તે રૂ. 158ની સપાટીએ બંધ રહ્યો હતો. ટીટાગઢ વેગનનો શેર પણ 200 ટકાથી વધુ રિટર્ન આપવા સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે. કંપનીનો શેર રૂ. 262ના માર્ચ મહિનાના બંધ ભાવ સામે મંગળવારે રૂ. 825ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ રેલ્વે ઉપરાંત વિવિધ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ તરફથી પણ નોંધપાત્ર ઓર્ડર્સ મેળવ્યાં છે. જેને કારણે શેરના ભાવમાં રોકાણકારોનો ઈન્ટરેસ્ટ ખૂબ વધતો જોવાયો છે. રેલ્વે પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ કરતી કંપની આઈઆરએફસીનો શેર છેલ્લાં કેટલાંક સત્રોમાં તીવ્ર ઉછાળા પાછળ 172 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર માર્ચ આખરમાં રૂ. 27ની સપાટી સામે મંગળવારે રૂ. 72ની સપાટીએ ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. છેલ્લાં બે સત્રોમાં તે 20 ટકાથી વધુ મજબૂતી સૂચવી રહ્યો છે. કેટલાંક અન્ય રેલ્વે કાઉન્ટર્સ કે જે તગડું રિટર્ન સૂચવી રહ્યાં છે તેમાં આરકે ફોર્જ(152 ટકા), આરવીએનએલ(134 ટકા), ઈરકોન(127 ટકા), બીઈએમએલ(99 ટકા), ભેલ(97 ટકા), કર્નેક્સ ટેક્નોલોજી(94 ટકા) અને રાઈટ્સ(45 ટકા)નો સમાવેશ થાય છે. ટૂંકાગાળામાં તીવ્ર રિટર્ન પાછળ આ તમામ શેર્સ ઓવરબોટ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. એટલે તેમાં તત્કાળ રોકાણ કરવું જોખમી બની શકે છે. જોકે, તેમાં નોંધપાત્ર કરેક્શન પછી લાંબાગાળાના ધ્યાને ખરીદી કરી શકાય એમ માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે.

રેલ્વે સાથે સંકળાયેલા શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ માર્ચ 2023નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
જ્યુપિટર વેગન્સ 92 398 331
ટેક્સમાકો રેલ 42 158 273
ટીટાગઢ વેગન 262 825 214
IRFC 27 72 172
આરકે ફોર્જ 286 719 152
RVNL 67 156 134
રેલટેલ 101 230 128
ઈરકોન 56 126 127
BEML 1257 2502 99
ભેલ 70 138 97
કર્નેક્સ ટેક્નોલોજી 246 475 94
રાઈટ્સ 355 514 45
IRCTC 568 702 24

RBIની UPI મારફતે આગોતરી મંજૂરી ધરાવતી ક્રેડિટને મંજૂરી

બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે યૂપીઆઈ સિસ્ટમમાં બેંક્સ તરફથી આગોતરી મંજૂરી આપવામાં આવેલી ક્રેડિટ લાઈન્સનો પણ સમાવેશ થશે. અગાઉ, માત્ર બેંકમાં ડિપોઝીટ થયેલી રકમનું જ યુપીઆઈ સિસ્ટમ મારફતે ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું. એપ્રિલમાં આરબીઆઈએ બેંક્સ ખાતે આગોતરી મંજૂરી ધરાવતી ક્રેડિટને મંજૂરી આપી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(યૂપીઆઈ)ની તકોને વ્યાપક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
હાલમાં સેવિંગ્ઝ એકાઉન્ટ્સ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ્સ, પ્રેપેઈડ વોલેટ્સ અને ક્રેડિટ કાર્ડ્સને યૂપીઆઈ સાથે લિંક કરી શકાય છે. જેમાં ક્રેડિટ લાઈન્સના ફંડીંગ એકાઉન્ટ તરીકે સમાવેશ થી યૂપીઆઈના ઉપયોગની તકોને વ્યાપક બનાવવામાં આવી છે એમ ‘ઓપરેશન ઓફ પ્રિ-સેંક્શન્ડ ક્રેડિટ લાઈન્સ એટ બેંક્સ થ્રૂ UPI’ પરના સર્ક્યૂલરમાં જણાવાયું છે. આરબીઆઈએ જણાવ્યું છે કે આ ફેસિલિટી હેઠળ શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક તરફથી વ્યક્તિગતરીતે મંજૂર કરવામાં આવેલી પ્રિ-સેક્શન્ડ ક્રેડિટ લાઈન તરફથી પેમેન્ટ્સ થઈ શકશે. આને કારણે ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય માર્કેટ્સમાં યુનિક પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટમાં સહાયતા મળશે. યૂપીઆઈનો ઉપયોગ તત્કાળ પેમેન્ટ્સ માટે ચોવીસ કલાક માટે થતો હોય છે. ઓગસ્ટમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 10 અબજને પાર કરી ગઈ હતી. જે જુલાઈમાં 9.96 અબજ પર હતી. જ્યારે જૂનમાં 9.33 અબજ પર હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા સ્ટીલઃ પ્રાઈવેટ સેક્ટરની ટોચની સ્ટીલ ઉત્પાદક નાણા વર્ષ 2022-23 માટે તેના કર્મચારીઓને રૂ. 314.70 કરોડનું વાર્ષિક બોનસ ચૂકવશે. કંપનીએ તાતા વર્કર્સ યુનિયન સાથે મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ સાઈન કર્યાં પછી આ જાહેરાત કરી હતી. કંપની લઘુત્તમ રૂ. 42,561નું જ્યારે મહત્તમ રૂ. 4,61,019નું બોનસ ચૂકવશે. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 2015 મુજબ કંપનીના બહુમતી કર્મચારીઓ બોનસ મેળવવા પાત્ર નથી. જોકે, તેમ છતાં કંપની યુનિયનાઈઝ્ડ કેટેગરીમાં બોનસની ચૂકવણી કરે છે.
આઈડીબીઆઈ બેંકઃ એનસીએલટીની મુંબઈ બેંચે 10 ઓગસ્ટે આપેલી ઝી-સોની મર્જરની મંજૂરીને આઈડીબીઆઈ બેંકે એનસીએલએટીમાં પડકારી છે. એનસીએલટીએ મહિના અગાઉ તેના ચૂકાદામાં આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ, આઈડીબીઆઈ બેંક, એક્સિસ ફાઈનાન્સ, જેસી ફ્લાવર્સ એઆરસી અને આઈમેક્સ કોર્પના વાંધાને ફગાવ્યાં હતાં.
એનએલસી ઈન્ડિયાઃ જાહેર સાહસ કંપનીએ 2030 સુધીમાં રૂ. 82,174 કરોડના મૂડી ખર્ચની યોજના ઘડી કાઢી છે. જેમાં માઈનીંગ, પાવર જનરેશન અને અન્ય બિઝનેસિસનો સમાવેશ થાય છે. કંપની તેની લિગ્નાઈડ માઈનીંગ ક્ષમતાને વર્તમાન 3.01 કરોડ ટન પરથી વધારી 4.01 કરોડ ટન કરશે. જ્યારે કોલ માઈનીંગ ક્ષમતાને વર્તમાન 2 કરોડ ટન પરથી 4.4 કરોડ ટન પર કરશે. તેમજ 2030 સુધીમાં 17,171 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી હશે.
સિપ્લાઃ બીજા ક્રમની ફાર્મા કંપની સાઉથ આફ્રિકાની એક્ટર હોલ્ડિંગ્સની 4.86 કરોડ ડોલરમાં ખરીદી કરશે. આફ્રિકા ખંડના મહત્વના માર્કેટમાં ઓવર-ધ-કાઉન્ટર પ્રોડ્કટ્સ પોર્ટફોલિયોમાં હાજરીને મજબૂત કરવા માટે કંપની આ ખરીદી કરશે. આ સોદો સાઉથ આફ્રિકામાં સિપ્લાની સંપૂર્ણ માલિકીની કંપની મારફતે હાથ ધરાયો હતો. જેણે એક્ટર હોલ્ડિંગ્સ સાથે બાઈન્ડિંગ કોન્ટ્રેક્ટ સાઈન કર્યાં હતાં.
એરટેલઃ ટેલિકોમ કંપનીએ જણાવ્યું છે કે તે 2023-24ના ચોથા ક્વાર્ટર સુધીમાં 23 હજાર મેગાવોટ અવરની રિન્યૂએબલ એનર્જીની ખરીદી કરશે. એરટેલ બે રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ કંપનીઝમાં હિસ્સો ખરીદીને આમ કરશે. આ કંપનીઓમાં કોન્ટીનુમ ગ્રીન ઈન્ડિયા અને વાઈબ્રન્ટ એનર્જી હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. આ એનર્જી નક્ષત્રની છ ડેટા સેન્ટર સુવિધાને પાવર પૂરો પાડશે.
આરવીએનએલઃ પીએસયૂ કંપનીનું સંયુક્ત સાહસ પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન માટે રૂ. 174.2 કરોડના મૂલ્યના તમામ સિવિલ એન્જિનીયરીંગ કામકાજ માટે લોએસ્ટ બીડર તરીકે ઊભર્યું છે. કંપનીએ છેલ્લાં મહિનાઓમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર ઓર્ડર્સ મેળવ્યાં છે.
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકમાં ગ્લોબલ ઈન્વેસ્ટર ફિડેલિટી ઈન્ટરનેશનલે ઓપન માર્કેટમાંથી 0.07 ટકા અથવા 22.86 લાખ શેર્સની ખરીદી કરી છે.
ઈન્ડિયન બેંકઃ પીએસયૂ બેંકે નવા ફ્રન્ટ-એન્ડ બેંકિંગ એપ્સ માટે આઈબીએસ સાથે જોડાણ કર્યું છે. બેંક તેના ડેટા સેન્ટર્સ ખાતે વધુ સારા સંચાલન અને પ્રાપ્તિ માટે ફ્રન્ટ બ્રાન્ચ સર્વર્સનું કોન્સોલિડેશન ઈચ્છી રહી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

8 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

8 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.