Market Summary 05/07/2023

વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક સ્તરે તેજી પર બ્રેક
સેન્સેક્સ-નિફ્ટીએ ફ્લેટ બંધ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.54 ટકા સુધરી 11.88ના સ્તરે
એફએમસીજી, ઓટો, આઈટી, ફાર્મા, પીએસયૂમાં મજબૂતી
બેંકિંગમાં નરમાઈ
એમઆરપીએલ, ભેલ, બજાજ ઓટો, કોલગેટ નવી ટોચે

ભારતીય શેરબજારમાં સતત ચાર સત્રોથી નવી ટોચ દર્શાવવાનો ક્રમ બુધવારે અટક્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે સ્થાનિક બજાર પણ સાંકડી રેંજમાં અથડાયાં પછી ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 33.01 પોઈન્ટ્સની નરમાઈ સાથે 65,446.04ની સપાટીએ જ્યારે નિફ્ટી 9.50ના સુધારે 19,398.50ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી નીકળતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3626 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1966 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1527 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 214 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.54 ટકા સુધરી 11.88ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગનો ક્રમ જાળવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 19389ના અગાઉના બંધ સામે 19406ની સપાટીએ ખૂલી ઉપરમાં 19422ની ટોચ બનાવી સાંકડી રેંજમાં અથડાયો હતો અને બંધની રીતે ઓલ-ટાઈમ હાઈ પર જોવા મળ્યો હતો. નિફ્ટી કેશની સામે નિફ્ટી ફ્યુચર 79 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19478 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 70 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સુધારો દર્શાવે છે. એટલેકે માર્કેટમાં કોન્સોલિડેશન વચ્ચે લોંગ પોઝીશન અકબંધ જળવાય છે. માર્કેટ એક કોન્સોલિડેશન પછી નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19500-19600ની રેંજમાં નિફ્ટીની ટોચ જોઈ રહ્યાં છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બજાજ ઓટો, ડિવિઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફ, મારુતિ સુઝુકી, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, એચયૂએલ, આઈટીસી, બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે અને ઓએનજીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈશર મોટર્સ, તાતા કન્ઝ્યૂમર, યૂપીએલ, હિંદાલ્કો, બજાજ ફિનસર્વ અને એપોલો હોસ્પિટલ નરમાઈ દર્શાવતાં હતાં. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો એફએમસીજી, ઓટો, આઈટી, ફાર્મા, પીએસયૂમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 1.82 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, મેરિકો, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, આઈટીસી, બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ અને નેસ્લે જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર તેજી સૂચવતાં હતાં. નિફ્ટી ઓટોએ 1.64 ટકા ઉછાળે નવી ટોચ દર્શાવી હતી. જેમાં મધરસન સુમી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, બાલક્રિષ્ણા ઈન્ડ., ભારત ફોર્જ, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા પોણો ટકો સુધારો દર્શાવતો હતો. માં ડિવિઝ લેબ્સ 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ અને લ્યુપિન પણ મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી પીએસઈ પણ 0.85 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેમાં ભેલ, એચપીસીએલ, બીપીસીએલ, પાવર ગ્રીડ, કોન્કોર, ઓઈલ ઈન્ડિયા અને આરઈસી નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બેંકિંગમાં જોકે નરમાઈ જોવા મળી હતી અને બેંકનિફ્ટી 0.33 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ભેલ, મધરસન, બજાજ ઓટો, ડિવિઝ લેબ્સ, કોલગેટ, આરબીએલ બેંક, હીરો મોટોકોર્પ, એચપીસીએસ, એચડીએફસી લાઈફ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગોદરેજ કન્ઝ્યૂર નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, કેન ફિન હોમ્સ, ડિસ્કોન ટેક્નોલોજી, એચડીએફસી બેંક, એચડીએસી, એસ્ટ્રાલ લિ., બંધન બેંક, આઈશર મોટર્સ, એબી કેપિટલ, એસઆરએફમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમઆરપીએલ, બોમ્બે બર્માહ, ભેલ, મધરસન, બજાજ ઓટો, કોલગેટ, એસજેવીએન, આરબીએલ બેંકનો સમાવેશ થતો હતો.

યુઆન સામે રૂપિયામાં મજબૂતી પાછળ ચીનની આયાત સસ્તી બની
કેલેન્ડરના તળિયાથી યુઆન સામે રૂપિયામાં 8 ટકા સુધારો નોંધાયો

ચાલુ વર્ષે ચાઈનીઝ યુઆન સામે ભારતીય ચલણમાં મજબૂતી પાછળ ચાઈનીઝ આયાત સસ્તી બનવાથી ફુગાવામાં રાહત મળવાની શક્યતાં ઊભી થઈ છે. માર્ચ 2023ની આખરથી 30 જૂનના ક્વાર્ટર દરમિયાન યુઆન સામે રૂપિયામાં 6 ટકા મજબૂતી નોંધાઈ છે એમ બ્લૂમબર્ગ ડેટા સૂચવે છે. જ્યારે 2023ની શરૂમાં જોવા મળતાં તળિયેથી તે 8 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે. ચીન ખાતે મંદ આર્થિક રિકવરી વચ્ચે ભારતીય ફંડામેન્ટલ્સ મજબૂત બનતાં રૂપિયો સુધારાતરફી બન્યો છે.
જેપી મોર્ગનના અર્થશાસ્ત્રીએ તેમના રિપોર્ટમાં નોઁધ્યું છે કે ભારત માટે ચીન નોન-એનર્જી આયાત માટે સૌથી મોટો સ્રોત છે. આનો અર્થ એ થાય છે કે યુઆન સામે રૂપિયામાં સુધારાને કારણે ભારત ચીન ખાતેથી સસ્તી આયાતનો લાભ મળવી રહ્યું છે. આ બાબતની ખાસ ચર્ચા નથી થઈ રહી પરંતુ તે પોઝીટીવ કારણ છે. તેના કારણે કોર ઈન્ફ્લેશનમાં ઘટાડો જોવા મળી શકે છે. ગયા નાણાકિય વર્ષ 2022-23માં ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 83.2 અબજ ડોલરની ઓલ-ટાઈમ હાઈ પર પહોંચી હતી. જે 2021-22માં 72.91 અબજ ડોલર પર હતી. 2022-23માં ચીન ખાતે નિકાસ 28 ટકા ઘટાડે 15.32 અબજ ડોલર પર રહી હતી. જ્યારે આયાત 4.16 ટકા વધી 98.51 અબજ ડોલર પર જોવા મળી હતી. ચાલુ કેલેન્ડરમાં પણ ચીનના માલ-સામાનની આયાતમાં વૃદ્ધિ જળવાય છે. જાન્યુઆરીથી એપ્રિલના પ્રથમ ચાર મહિના દરમિયાન તે 4.6 ટકા વધી 37.86 અબજ ડોલર પર જોવા મળી હતી.

માર્કેટમાં તેજી પાછળ માર્જિન ફંડિંગ વિક્રમી સપાટીએ પહોંચ્યું
મીડ અને સ્મોલ-કેપ શેર્સમાં તેજી પાછળ 30 જૂને MTF રૂ. 30,670 કરોડની ટોચે નોંધાયું

શેરબજારમાં તેજી પરત ફરવા સાથે નવી ટોચ જોવા મળી છે ત્યારે માર્જિન ફંડિંગ પણ તેની ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. બ્રોકર્સ તરફથી રિટેલ ઈન્વેસ્ટર્સને 25 ટકા માર્જિન સામે એક વર્ષ સુધી પોઝીશન જાળવવા માટેની શરતે પ્રાપ્ત માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી(MTF) જૂનની આખર સુધીમાં રૂ. 30,760 કરોડની સર્વોચ્ચ સપાટીએ જોવા મળતું હતું.
માર્કેટમાં રિસ્ક લેવા માટેની તૈયારી સમાન ગણાતું એમટીએફ સૂચવે છે કે રિટેલ રોકાણકારો ઉન્માદી બની રહ્યાં છે. જેનું એક કારણ છેલ્લાં ત્રણ મહિના દરમિયાન મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં જોવા મળેલી અસાધારણ તેજી હોય શકે છે. બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ એપ્રિલ મહિનાથી શરૂથી ઊંચું વળતર દર્શાવ્યું છે. નિફ્ટી મીડ-કેપ 100 20 ટકાથી વધુ રિટર્ન સાથે તેની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ પણ તેની ટોચ આસપાસ ટ્રેડિંગ દર્શાવી રહ્યો છે. ઘણા મીડ-કેપ કાઉન્ટર્સ તેમના લાર્જ-કેપ્સ હરિફોની સરખામણીમાં બમણાથી વધુ રિટર્ન સૂચવી રહ્યાં છે. જે રિટેલ ઈન્વેસ્ટર્સને માર્કેટમાં પરત લાવવા સાથે એમટીએફની સહાયથી રિસ્કી બેટ લેવા આકર્ષી રહ્યાં છે. મે મહિનામાં રૂ. 26600 કરોડના માર્જિન ફંડીંગ સામે જૂનમાં સરેરાશ રૂ. 28,355 કરોડનું માર્જિન ફંડિંગ જોવા મળ્યું હતું. વર્ષ અગાઉ જૂન 2022માં તે રૂ. 26000 કરોડ આસપાસ નોંધાયું હતું.
શેરબજારમાં ઘણા બ્રોકર્સ માર્જિન ફંડિંગની સુવિધા ઓફર કરે છે. સ્ટોક એક્સચેન્જિસ ખાતે લિસ્ટેડ લગભગ 1000 શેર્સ પર એમટીએફની સુવિધા ઉપલબ્ધ છે. એમટીએફ એક ફાઈનાન્સિલ પ્રોડક્ટ છે. જે કેશ માર્કેટમાં ટ્રેડ માટે ઈન્વેસ્ટર્સને બ્રોકર્સ પાસેથી ફઁડ ઉધાર લેવાની છૂટ આપે છે. ક્લાયન્ટ્સના પ્રોફાઈલને આધારે બ્રોકર્સ વાર્ષિક 9-18 ટકાની રેંજમાં ઈન્ટરેસ્ટ વસૂલતાં હોય છે. એમટીએફની સામે રોકાણકારોના પોર્ટફોલિયોને પ્લેજ કરવામાં આવતો હોય છે. જેમકે, કોઈ ઈન્વેસ્ટર તેના ડિમેટ એકાઉન્ટમાં રૂ. 10000 કરોડના મૂલ્યના શેર્સ ધરાવતો હોત તો તે રૂ. 40000 સુધીની પોઝીશન લઈ શકે છે. જોકે, ઈન્વેસ્ટર્સે બ્રોકરની જરૂરિયાત મુજબ લઘુત્તમ માર્જિનની જરૂરિયાતનું પાલન કરવાનું રહે છે. એટલેકે, જો માર્ક-ટુ-માર્કેટ લોસ આવે તો તેણે નવી કેશ ઉમેરવાની રહે છે. એક બ્રોકરેજ સીઈઓના જણાવ્યા મુજબ એમટીએફની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજીટાઈઝ થઈ ચૂકી હોવાથી માર્જિન ફંડીંગનો ઉપયોહ કરવા માટે રોકાણકારોમાં રસ વધતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત, ઘણા બ્રોકરેજિસ વાર્ષિક 9-10 ટકાના આકર્ષક દરે ફંડીંગ પૂરું પાડતાં હોય છે. જે પણ રોકાણકારને ટૂંકાગાળામાં ઊંચા નફાની અપેક્ષાની લાલચ માટે એમટીએફનો લાભ લેવા પ્રેરે છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર વૃદ્ધિ પણ રોકાણકારોના વધતાં રસને દર્શાવે છે.

NPAને માંડવાળ કરવામાં પ્રાઈવેટ બેંક્સ વધુ આક્રમક
2022-23માં પીએસયૂ બેંક્સ તરફથી 22.2 ટકા GNPA માંડવાળ થઈ જ્યારે પ્રાઈવેટ બેંક્સે 47.9 ટકા માંડવાળી કરાઈ

નોન-પર્ફોર્મિંગ એસેટ્સને માંડવાળ કરવાની બાબતમાં પ્રાઈવેટ બેંક્સ તેમના જાહેર ક્ષેત્રના હરિફોની સરખામણીમાં ખૂબ આક્રમક જોવા મળી રહી છે. જેથી બેલેન્સ-શીટ્સને ક્લિન કરવા સાથે એનપીએ રેશિયોને નીચે લાવી શકાય. 2022-23માં પ્રાઈવેટ બેંક્સ તરફથી રાઈટ-ઓફ્સ ટુ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(જીએનપીએ) રેશિયા 47.9 ટકા પર જોવા મળતો હતો. એટલેકે તેમણે કુલ જીએનપીએના 47.9 ટકા એનપીએને તેમણે રાઈટ-ઓફ કરી હતી. જે રેશિયા પીએસબીના 22.2 ટકાના માંડવાળ કરતાં બમણાથી પણ ઊંચો જોવા મળતો હતો એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ગયા સપ્તાહે રજૂ કરાયેલા ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું છે.
જો અગાઉના નાણા વર્ષની સાથે સરખામણી કરીએ તો પ્રાઈવેટ અને પીએસયૂ, બંને બેંક્સે તેમની માંડવાળીની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી. 2021-22માં અને 2020-21માં પ્રાઈવેટ બેંક્સે તેમની ગ્રોસ-એનપીએનો અનુક્રમે 26.2 ટકા અને 31 ટકા હિસ્સો માંડવાળ કર્યો હતો. જ્યારે પીએસયૂ બેંક્સે ઉપરોક્ત બંને નાણા વર્ષોમાં અનુક્રમે 17.7 ટકા અને 17.3 ટકા જીએનપીની માંડવાળી દર્શાવી હતી. ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ શેડ્યૂલ્ડ બેંક્સની વાત કરીએ તો 2022-23, 2021-22 અને 2020-21માં તેમણે જીએનપીએમાં અનુક્રમે 28.5 ટકા, 20 ટકા અને 20.5 ટકા રાઈટ-ઓફ્સ કર્યાં હતાં. 2020-21 અને 2021-22ની સરખામણીમાં 2022-23માં શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ તરફથી ઊંચી માંડવાળીનું કારણ પ્રાઈવેટ બેંક્સ તરફથી આક્રમક રાઈટ-ઓફ્સ હોવાનું રિપોર્ટ નોંધે છે. બેંકિંગ એક્સપર્ટના જણાવ્યા મુજબ રાઈટ-ઓફ્સમાં આક્રમક બનવાનું કારણ જીએનપીએ રેશિયોને નીચે લાવવાનું છે. જે માર્કેટમાં સેન્ટિમેન્ટ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બેંક શેર્સમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનાવે છે. પ્રાઈવેટ સેક્ટર બેંક્સ માટે મહત્વની હોવાનું કારણ તેમના તરફથી ઈક્વિટી અથવા ડેટ સ્વરૂપમાં મોટા પ્રમાણમાં ઊભા કરવામાં આવતું ફંડ્સ છે. જેની સરખામણીમાં જાહેર ક્ષેત્રની બેંક્સ બજારમાંથી ઓછા નાણા ઊભા કરતી હોય છે. ગયા વર્ષે ઊંચી ક્રેડિટ માગને પહોંચી વળવા ટોચની પ્રાઈવેટ બેંક્સે ડેટ મારફતે જંગી ભંડોળ ઊભું કર્યું હતું. ઊંચા નેટ ઈન્ટરેસ્ટ માર્જિન અને નોન-ઈન્ટરેસ્ટ ઈન્કમ ધરાવતી મજબૂત પ્રાઈવેટ બેંક્સ ઊંચો ઓપરેટિંગ પ્રોફિટ દર્શાવવામાં સક્ષમ છે. જેને કારણે તેઓ ઊંચું પ્રોવિઝન કરી શકવાની સ્થિતિમાં હોય છે. સામાન્યરીતે પ્રોવિઝન પછી રાઈટ ઓફ આવી બેંક્સ માટે એક નિયમ છે એમ તેઓ ઉમેરે છે. લોનને ત્યારે જ રાઈટ-ઓફ કરવામાં આવે છે જ્યારે તેની સામે 100 ટકા જોગવાઈ થઈ ચૂકી હોય અને તેની રિકવરી માટે કોઈ શક્યતાં ના હોય. આવી લોન્સને બેલેન્સ શીટ્સમાંથી દૂર કરવામાં આવતી હોય છે.

હોટેલ બિઝનેસ ડિમર્જરના અહેવાલે ITCનો શેર નવી ટોચે
ઈન્ટ્રા-ડે રૂ. 480.65ની સર્વોચ્ચ ટોપ દર્શાવી રૂ. 475.10ની સપાટીએ બંધ
માર્કેટ-કેપ રૂ. 5.91 લાખ કરોડ પર જોવાયું

આઈટીસીનો શેર બુધવારે સતત પાંચમા દિવસે મજબૂતી સાથે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીએ તેના હોટેલ ઉદ્યોગને ડિમર્જ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાના અહેવાલ વચ્ચે શેરમાં સતત મજબૂતી જોવા મળી રહી છે. કંપનીનો શેર 1.88 ટકા ઉછળી રૂ. 475.10ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યાં તેનું માર્કેટ-કેપ રૂ. 5.91 લાખ કરોડ પર જોવા મળતું હતું.
વર્તુળોના જણાવ્યા મુજબ આઈટીસી તેના હોટેલ બિઝનેસ માટે વૈકલ્પિક માળખાની શક્યતાં ચકાસી રહી છે. કેલેન્ડર 2023માં આઈટીસીના શેરે અત્યાર સુધીમાં 43 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. છેલ્લાં એક વર્ષમાં નિફ્ટીમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં તે આઉટપર્ફોર્મર બની રહ્યો છે. અગાઉ આઈટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીએ જણાવ્યું હતું કે કોંગ્લોમેરટના હોટેલ બિઝનેસનું ડિમર્જર વિચારણામાં છે. તેમણે કોવિડ પછી હોટેલ સેક્ટરમાં રિકવરી પછી ડિમર્જરની શક્યતાં દર્શાવી હતી. છેલ્લાં એક વર્ષમાં હોટેલ ઉદ્યોગ અસાધારણ તેજીમાંથી પસાર થઈ રહ્યો છે. જેની પાછળ કંપનીઓ વિક્રમી ઓક્યૂપન્સી નોંધાવી રહી છે. તેમજ રૂમ ભાડાંમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. આઈટીસી હોટેલ્સ દેશમાં બીજા ક્રમની લિસ્ટેડ હોટેલ ચેઈન ધરાવે છે. ઈન્ડિયન હોટેલ્સના 23ના પીઈને જોતાં આઈટીસી હોટેલ્સ માટે 18નો પીઈ ગણનામાં લેવામાં આવે તો પણ આઈટીસીના શેરનું વેલ્યૂએશન રૂ. 530નો ટાર્ગેટ દર્શાવી શકે એમ જેફરિઝે તેના રિપોર્ટમાં નોંધ્યું હતું. છેલ્લાં એક દાયકામાં આઈટીસીની રેવન્યૂ અને એબિટમાં હોટેલ બિઝનેસનું યોગદાન 5 ટકાથી નીચું જોવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ તેણે આઈટીસીના કેપેક્સમાં 20 ટકાથી વધુ હિસ્સો નોંધાવ્યો હતો. આમ, રોકાણકારો પણ આ રોકાણ સારુ રિટર્ન નહિ આપી રહ્યું હોવાને લઈ ચિંતિત હતાં. જોકે, કંપને પાછળથી આ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવ્યો છે. હાલમાં તે એસેટ-લાઈટ સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છે અને અડધાથી વધુ રૂમ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ કોન્ટ્રેક્ટ્સ મારફતે મેળવવામાં આવી છે.

યુએસ ખાતે કપાસના વાવેતરમાં ગઇ સિઝન કરતાં 19 ટકા ઘટાડો
સોયાબિનના વાવેતરમાં 5 ટકા ઘટાડો જ્યારે મકાઈના વાવેતરમાં 6 ટકા વૃદ્ધિ

યુએસ ખાતે ચાલુ સિઝનમાં કપાસના વાવેતરમા 19 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોયાબિનના વાવેતરમાં 5 ટકા ઘટાડો અને મકાઈના વાવેતરમાં 6 ટકા વૃદ્ધિ નોંધાઈ છે એમ યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો ડેટા સૂચવે છે. યુએસ વિશ્વમાં કપાસનો અને સોયાબિનનો સૌથી મોટો ઉત્પાદક છે. મકાઈનું પણ તે વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે.
જૂન મહિનાની આખર સુધીમાં યુએસ ખેડૂતોએ 1.11 કરોડ એકરમાં કોટનનું વાવેતર કર્યું છે. જે 2019ની સરખામણીમાં 19 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. જેમાં અપલેન્ડ એરિયા 1.097 કરોડ હેકટર જેટલો છે. જ્યારે અમેરિકન પીમા પ્લાન્ટીંગ 1.09 લાખ એકર્સમાં છે. જે 2022ની સરખામણીમાં 40 ટકા ઘટાડો સૂચવે છે. યુએસ ખાતે કેન્સાનને બાદ કરતાં અન્ય તમામ રાજ્યોમાં કપાસના વાવેતરમાં ઘટાડો જોવા મળે છે. ટેક્સાસમાં કોટન વાવેતર 17 લાખ એકર્સનો ઘટાડો દર્શાવે છે. જે ગયા વર્ષ કરતાં 22 ટકા નીચું છે. આ ઉપરાંત કેલિફોર્નિયા, લ્યૂસિઆનિયા, મિસિસિપી અને આર્કાન્સાસમાં પણ 35 ટકાથી 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે. બીજી બાજુ મકાઈનું વાવેતર 6 ટકા વૃદ્ધિ સાથે 9.41 કરોડ એકર્સમાં જોવા મળ્યું છે. જે ગયા વર્ષે 55.2 કરોડ એકર્સમાં જોવા મળતું હતું. જ્યારે સોયાબિનનું વાવેતર 5 ટકા ઘટાડા સાથે સાથે 8.35 કરોડ એકર્સમાં જોવા મળી રહ્યું છે. મકાઈમાં 1944 પછી ત્રીજું સૌથી મોટું વાવેતર નોંધાયું છે. જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિક્રમી ઉત્પાદનની શક્યતા દર્શાવે છે.

વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ટકેલો બાઉન્સ
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ત્રીજા દિવસે મજબૂતી ટકી રહી હતી. બુધવારે કોમેક્સ વાયદો 7 ડોલર મજબૂતી સાથે 1936 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 220ના સુધારે રૂ. 58630ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જે ચાલુ સપ્તાહની ટોચનું સ્તર હતું. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી વચ્ચે ગોલ્ડમાં બાઉન્સ જળવાયું હતું. જોકે, બુધવારે સાંજે જૂનમાં મળેલી ફેડ બેઠકની મિનિટ્સ રજૂ થવાની હોવાથી માર્કેટમાં મોડી રાતે વધ-ઘટની શક્યતાં છે. માર્કેટ વર્તુળોના મતે ફેડનું હોકિશ વલણ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને તેથી જો મિનિટ્સમાં થોડો પણ નરમ ટોન હશે તો ગોલ્ડમાં વધુ સુધારો સંભવ છે. દરમિયાનમાં ગોલ્ડમાં મજબૂતી વચ્ચે સિલ્વરમાં નરમાઈ જોવા મળતી હતી.

જૂનમાં પામ ઓઈલની આયાતમાં 49 ટકા ઉછાળો
દેશમાં જૂનમાં પામ ઓઈલની આયાતમાં માસિક ધોરણે 49 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોમોડિટીના ભાવ 28-મહિનાના તળિયે પટકાતાં સ્થાનિક રિફાઈનર્સની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી હતી. મે મહિનામાં 4,39,173 ટન આયાત સામે જૂનમાં 6,55,000 ટન પામતેલની આયાત નોંધાઈ હતી. મે મહિનામાં જોકે ફેબ્રુઆરી 2021 પછીની સૌથી નીચી આયાત જોવા મળી હતી. કેમકે ટ્રોપીકલ વિસ્તારમાં ઉત્પાદિત પામ તેલ સોયાતેલ અને સનફ્લાવર તેલની સરખામણીમાં પ્રિમીયમમાં ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જેને કારણે ખરીદારો અન્ય સસ્તાં ખાદ્યતેલો તરફ વળ્યાં હતાં. જૂન મહિનામાં સોયાતેલની આયાત પણ માસિક ધોરણે 35 ટકા ઉછળી 4,32,000 ટન પર જોવા મળી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ રૂ. 1042 કરોડના મૂલ્યના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં મોટાભાગનો હિસ્સો વિદેશી ક્લાયન્ટ્સ સંબંધી ઓર્ડર્સનો છે. કંપનીના રેલ્વે બિઝનેસે વિશ્વ બજારમાં પ્રથમવાર પ્રવેશ કર્યો છે. જેમાં તેણે સાર્ક દેશમાં સિગ્નલીંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન પ્રોજેક્ટ મેળવ્યો છે.
મેક્રોટેક ડેવલપર્સઃ મુંબઈ સ્થિત ડેવલપર્સે ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 3350 કરોડના મૂલ્યનું સેલ્સ બુકિંગ્સ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2860 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. કંપનીએ રૂ. 12000 કરોડની વેચાણ સંભાવના ધરાવતાં નવા પાંચ લેન્ડ પાર્સલ્સનો ઉમેરો કર્યો હતો.
સિન્જિન ઈન્ટરનેશનલઃ બાયોકોન જૂથની કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરિંગ કંપનીએ સ્ટેલિસ બાયોફાર્મા પાસેથી મેન્યૂફેક્ચરિંગ યુનિટ ખરીદવા માટે કરાર કર્યાં છે. જે હેઠળ કંપની બેંગલુરુ સ્થિત બાયોલોજિક્સ મેન્યૂફેક્ચરિંગ યુનિટની રૂ. 702 કરોડમાં ઉત્પાદન એકમ ખરીદશે. આ સુવિધાને રિવેલિડેટ કરવામાં કંપની વધુ રૂ. 100 કરોડનું રોકાણ કરશે.
આરઈસીઃ પીએસયૂ કંપનીએ અન્ય પીએસયૂ કંપની એચપીસીએલની બાડમેર રિફાઈનરી માટે ધિરાણ પૂરું પાડ્યું છે. આરઈસીએ કોન્સોર્ટિયમ વ્યવસ્થા હેઠળ એચપીસીએલ સાથે રૂ. 48,625 કરોડનો લોન એગ્રીમેન્ટ કર્યો છે. જેમાં તેનો હિસ્સો રૂ. 4785 કરોડનો છે. એચપીસીએલ રૂ. 72,937 કરોડના ખર્ચે બાડમેર ખાતે ગ્રીન ફિલ્ડ રિફાઈનરી સ્થાપી રહી છે.
મધરસનઃ ઓટો એન્સિલિઅરી ઉત્પાદક સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલે હોન્ડા મોટરની સબસિડિયરી યાચિયો ઈન્ડસ્ટ્રીના ફોર-વ્હીલર બિઝનેસમાં 81 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. કંપની 12 કરોડ ડોલરની કેશ ચૂકવણીમાં આ ખરીદી કરશે. યાચિયો ઈન્ડસ્ટ્રીએ ટોક્યો સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે.
એલટીઆઈમાઈન્ડટ્રીઃ દેશમાં માર્કેટ-કેપની રીતે છઠ્ઠા ક્રમની આઈટી કંપની એલટીઆઈમાઈન્ડટ્રી નિફ્ટી-50માં 13 જુલાઈથી એચડીએફસીનું સ્થાન લેશે. આ અહેવાલ પાછળ એલટીઆઈમાઈન્ડટ્રીના શેરે બુધવારે ગેપ-અપ ખૂલી રૂ. 5430ની વાર્ષિક ટોચ બનાવી હતી. માર્કેટ વર્તુળોના મતે કંપનીના નિફ્ટીમાં સમાવેશથી પેસિવ ફંડ્સ તરફથી 15-16 કરોડ ડોલરનું રોકાણ જોવા મળશે.
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સુનીલ સમદાનીએ 3 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. તેમણે બેંકની બહાર અન્ય પ્રોફેશ્નલ ઓપોર્ચ્યુનિટી શોધવાનું કારણ આપી આમ કર્યું હતું. તેઓ 30 સપ્ટેમ્બર સુધી કામગીરીમાં ચાલુ રહેશે. બેંક શેર આ અહેવાલ પાછળ 3 ટકા તૂટ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage