બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મંદીવાળાઓનો હાથ ઉપરઃ બીજા સત્રમાં ઊંચા મથાળે વેચવાલીનું દબાણ
નિફ્ટી 21800ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 15.61ના સ્તરે બંધ
પીએસઈ, ઓટો, ફાર્મા, મેટલ, એનર્જી અને રિઅલ્ટીમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગ, એફએમજીસી, આઈટીમાં નરમાઈ
કોલ ઈન્ડિયા, રેડિંગ્ટન, ફિનિક્સ મિલ્સ, જનરલ ઈન્શ્યોરન્સ, આઈડીબીઆઈ બેંક નવી ટોચે
યૂપીએલ, પેટીએમ, એસબીઆઈ કાર્ડ, શારદા કોર્પ નવા તળિયે
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી. સ્થાનિક બેન્ચમાર્ક્સે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, તેઓ ઊંચા સ્તરે ટ્રેડ જાળવી શક્યાં નહોતાં અને બપોર પછી વેચવાલીના દબાણે પટકાયાં હતાં અને દિવસના તળિયા નજીક જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 354 પોઈન્ટ્સ ગગડી 71,731ની સપાટીએ જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ્સના ઘટાડે 21772ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી ફરી વળી હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4097 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2195 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1765 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 15.61ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન માર્કેટમાં ચીનના બજારે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. હોંગ કોંગ માર્કેટ પણ એક ટકાથી વધુ ઘટાડો સૂચવતું હતું. જેની વચ્ચે ભારતીય બજારે મજબૂત ઓપનીંગ સાથે શરૂઆત કરી હતી. બેન્ચમાર્ક 21854ના બંધ સામે 21921ની સપાટીએ ખૂલી ઉપરમાં 21964 પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાંથી ગગડી ઈન્ટ્રા-ડે 21727ના તળિયા પર જોવા મળ્યો હતો. આમ, તેણે 21800ની સપાટી ગુમાવી હતી. બજારને નજીકમાં 21450નો મહત્વનો સપોર્ટ છે. જ્યાંથી તે પરત ફર્યું હતું. આ સપાટી નીચે 21240નો સપોર્ટ રહેલો છે. ઉપરમાં 22 હજારનો સાયકોલોજિકલ અવરોધ છે. માર્કેટમાં ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ સંભવ છે. જેને જોતાં સ્ટોપલોસનું ચુસ્ત પાલન જરૂરી છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં તાતા મોટર્સ, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, સિપ્લા, બીપીસીએલ, એમએન્ડએમ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા સ્ટીલ, આઈશર મોટર્સ, એનટીપીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, યૂપીએલ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, અલ્ટ્રાટેકસિમેન્ટ, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન કંપની, એપોલો હોસ્પિટલ, એચયૂએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, ઓટો, ફાર્મા, મેટલ, એનર્જી અને રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પ્રાઈવેટ બેંકિંગ, એફએમજીસી, આઈટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓસી, સેઈલ, કોલ ઈન્ડિયા, એચપીસીએલ, એનએચપીસી, બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ, નાલ્કો, પાવર ફાઈનન્સ, કોન્કોર, એનટીપીસી, ભેલ, આરઈસીમાં ભારે ખરીદી નોંધાઈ હતી. નિફ્ટી ફાર્મા પણ 1.8 ટકા ઉછળ્યો હતો અને 18 હજારની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં લ્યુપિન 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, સન ફાર્મા, સિપ્લા, ડો. રેડ્ડ્ઝી લેબ્સ, આલ્કેમ લેબમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, બોશ, હીરો મોટોકોર્પ અને એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.8 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફીઅર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.8 ટકા નેગેટિવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં યુનાઈડેટ બ્રૂઅરિઝ 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, મેરિકો, તાતા કન્ઝ્યૂમર, પીએન્ડજી, નેસ્લેમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.4 ટકા ગગડ્યો હતો. જેમાં બેંક ઓફ ઈન્ડિયામાં 9 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ, યૂકો બેંક, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રી, જેકે બેંક, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંકમાં મોટી મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આઈઓસી 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, તાતા મોટર્સ, સેઈલ, એમસીએક્સ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, એચપીસીએલ, બાયોકોન, સન ફાર્મા, અશોક લેલેન્ડ, સિપ્લા, ઝી એન્ટરટેઈનમેન્ટ, બીપીસીએલ, ભારત ફોર્જ, એમએન્ડએમ, જીએમઆર એરપોર્ટ્સ, એનએમડીસી, ઈપ્કા લેબોરેટરીઝ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, યૂપીએલ, શ્રી સિમેન્ટ્સ, ઓરોબિંદો ફાર્મા, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બજાજ ફાઈનાન્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, વોલ્ટાસ, કેન ફિન હોમ્સ, ભારતી એરટેલ, ટ્રેન્ટ, પીએનબી, એસઆરએફ, દાલમિયા ભારત, જીએનએફસીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં યૂકો બેંક, આઈઓબી, ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ, એમએમટીસી, જનરલ ઈન્શ્યોરન્સ, રેંડિગ્ટન, ફિનિક્સ મિલ્સ, આઈડીબીઆઈ બેંક, રાઈટ્સ, આઈઓસી, મહિન્દ્રા લાઈફ, ગ્રેફાઈટ ઈન્ડિયા, એલઆઈસી ઈન્ડિયા, તાતા મોટર્સ, સેઈલ, એમસીએક્સ ઈન્ડિયા, ટોરેન્ટ પાવર, સોનાટા, આઈઆરબી ઈન્ફ્રા, કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલ, પેટીએમ, નવીન ફ્લોરિન, એસબીઆ કાર્ડ, વેદાંત ફેશન્સ, શારદા કોર્પે નવું તળિયું દર્શાવ્યું હતું.
LICનો શેર સાત ટકા ઉછળ્યો, પ્રથમવાર રૂ. 1000ની સપાટી કૂદાવી ગયો
છેલ્લાં ત્રણ મહિનામાં શેર 55 ટકા ઉછળ્યો
દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીનો શેર સોમવારે 7 ટકા ઉછળી રૂ. 1011ની સપાટીએ બંધ રહ્યો હતો. મે, 2022માં શેરબજારમાં લિસ્ટીંગ પછી પ્રથમવાર કંપનીનો શેર રૂ. 1000ની સપાટી પાર કરી ગયો હતો. કંપનીએ રૂ. 949ના ભાવે શેરની ફાળવણી કરી હતી. છેલ્લાં ત્રણ મહિનામાં એલઆઈસીના શેરે 55 ટકાનું તીવ્ર રિટર્ન આપ્યું છે. જેની પાછળ કંપનીનું માર્કેટ-કેપ રૂ. 6 લાખ કરોડની સપાટી પાર કરી ગયું છે. સરકારે મે 2022માં એલઆઈસીનો 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. હાલમાં સરકાર પાસે કંપનીનો 96.5 ટકા હિસ્સો રહેલો છે. જેને સેબીના લિસ્ટીંગ નિયમો મુજબ 75 ટકાથી નીચે લાવવાનો રહે છે. જોકે, સેબીએ ખાસ કિસ્સાના ભાગરૂપે સરકારને આ માટે મુદત લંબાવી આપી છે.
ભારતી એરટેલનો નફો 54 ટકા ઉછળી રૂ. 2242 કરોડ પર રહ્યો
દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2242 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 54 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1588.2 કરોડનો નફો નોંધાવ્યો હતો. ચાલુ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 5.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 37899.5 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35,804.4 કરોડ પર નોંધાઈ હતી. એરટેલની ભારતની આવક 11.4 ટકા ઉછળી રૂ. 27,811 કરોડ પર રહી હતી. ભારતમાં તેની એવરેજ રેવન્યૂ પર યુઝર 7.7 ટકા વધી રૂ. 208 પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 193 પર હતી. ભારતી એરટેલનો શેર સોમવારે બીએસઈ ખાતે 3 ટકા ગગડી રૂ. 1113.75ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાતા મોટર્સનું EV સેગમેન્ટ નફો કરતું થયું
કંપનીની હવે PLI ફંડ્સ પર નજર
તાતા મોટર્સના ઈવી પેસેન્જર કાર બિઝનેસે બ્રેકઈવન હાંસલ કર્યું છે એમ કંપનીએ જણાવ્યું છે. એનો અર્થ એવો થાય છે કે કંપની નફો કરતી થઈ ચૂકી છે. કંપની હાલમાં પોઝીટીવ એબિટા દર્શાવી રહી છે અને તે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કિમ્સ માટે યોગ્યતા દર્શાવે છે. તાતા મોટર્સના સીએફઓ પી બી બાલાજીના જણાવ્યા મુજબ હાલમાં કંપની ઈવી પાંખ માટે કોઈ મૂડી ઊભી કરવાનું આયોજન ધરાવતી નથી. તેમના મતે હાલમાં બજારમાં નાણા ઊભા કરવાનો યોગ્ય સમય પણ નથી. કંપનીએ 2021માં જણાવ્યું હતું કે તે ઈવી બિઝનેસ માટે 2 અબજ ડોલર ઊભા કરશે. જેમાંથી કંપની એક અબજ ડોલર ઊભા કરી ચૂકી છે. તેણે ઈવી બિઝનેસમાં 11થી 15 ટકા હિસ્સા માટે ટીપીજી રાઈસ ક્લાઈમેટ પાસેથી આ ફંડ ઊભું કર્યું હતું. જે તેણે 9.1 અબજ ડોલરના વેલ્યૂએશન પર ઊભું કર્યું હતું. કંપનીએ માર્ચ, 2022માં પ્રથમ તબક્કાનું ફંડ મેળવ્યું હતું. જ્યારે બીજા તબક્કાનું ફંડિંગ જાન્યુઆરી, 2023માં મેળવ્યું હતું.
પેટીએમનો શેર ત્રણ સત્રોમાં 42 ટકા તૂટ્યો
ફિનટેક કંપની પેટીએમનો શેર ત્રણ સત્રોમાં 42 ટકા જેટલો ગગડ્યો છે. સોમવારે કંપનીનો શેર 10 ટકા તૂટી રૂ. 438.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેનું લાઈફ-લો લેવલ હતું. એનએસઈ ખાતે કાઉન્ટરમાં લગભગ 74 લાખ શેર્સના કામકાજ થયાં હતાં. કંપનીનો શેર ત્રણ સત્રોમાં ગગડતો રહી રૂ. 438.50ના તળિયે જોવા મળ્યો હતો. તેણે વાર્ષિક રૂ. 998.30ની ટોચ દર્શાવી હતી. સોમવારના બંધ ભાવે પેટીએમનું માર્કેટ-કેપ રૂ. 27,848 કરોડ પર નોંધાયું હતું. આરબીઆઈ તરફથી કંપનીના પેમેન્ટ્સ બેંક યુનિટ પર અંકુશો લાગુ પાડવામાં આવ્યાં પછી કંપનીનો શેર ઊંધા માથે ગગડ્યો છે. આરબીઆઈએ પેટીએમ બેંકને નવી ડિપોઝીટ્સ લેવા પર પ્રતિબંધ લાગ્યો હતો. તેમજ 29 ફેબ્રુઆરી પછી નવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જેને પગલે બ્રોકરેજ કંપનીઓએ પેટીએમના રેટિંગમાં તીવ્ર ઘટાડો કર્યો છે. જેફરિઝે શેર માટેનો ટાર્ગેટ ઘટાડી રૂ. 500 અને મેક્વેરિએ રૂ. 650 કર્યો હતો.
યૂએસ સોલાર તેજીએ ભારતીય કંપનીઓ માટે 2 અબજ ડોલરની બિઝનેસ તક ઊભી કરી
ભારતીય સોલાર ઈન્ડસ્ટ્રીના વિસ્તરણને પ્રોત્સાહન આપવાના યુએસના પ્રયાસોને ભાગરૂપે ભારતીય કોમ્પોનેન્ટ્સ ઉત્પાદકો માટે મોટી બિઝનેસ તક ઊભી થઈ છે. યુએસ તરફથી ચીન ખાતે બળજબરીપૂર્વક મજૂરીથી થતાં ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવતાં આમ બન્યું છે. ભારતની સૌથી મોટી સોલાર ઉત્પાદક વારિ એનર્જિસે યુએસ ખાતે લાખો પેનલ્સની નિકાસ કરી છે. ચીનની કંપનીની પ્રોડક્ટ્સના યુએસ માર્કેટમાં પ્રવેશ પર વારંવાર પ્રતિબંધ પછી આમ શક્ય બન્યું છે. ચીન ખાતે કંપનીઓ મજૂરો સાથે બળજબરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેને કારણે યુએસ કંપનીઓ તેમના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી રહી છે. યુએસ સ્થિત એજન્સીએ ચીનની માલિકીની કંપનીઓ તરફથી ઉત્પાદિત સોલાર પેનલ્સના હજારો શીપમેન્ટ્સની અટકાયત કરી છે. જેણે ભારતીય પેનલ ઉત્પાદકો માટે મોટી તક ઊભી કરી છે. છેલ્લાં 11 મહિનામાં ભારતીય કંપનીઓએ 2 અબજ ડોલરની પેનલ્સ નિકાસ કરી છે. જે 2022ની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ સૂચવે છે.
Market Summary 05/02/2024
February 05, 2024