માર્કેટમાં વેચવાલી ચાલુ રહેતાં નિફ્ટીએ 18K તોડ્યું
વૈશ્વિક બજારોની સરખામણીમાં બીજા દિવસે અન્ડરપર્ફોર્મન્સ
ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 14.98ની સપાટીએ
એફએમસીજી, ઓટો, મેટલમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, આઈટીમાં નરમાઈ
એપોલો ટાયર્સ, પાવર ફાઈનાન્સ નવી ટોચે
બજાજ ફાઈનાન્સમાં 7 ટકાનું ગાબડું
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં બીજા દિવસે વેચવાલી ચાલુ રહી હતી. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી 18,000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 304.18 પોઈન્ટ્સ ગગડી 60,353.27ની સપાટીએ જ્યારે નિફ્ટી 50.80ના ઘટાડે 17,992.15ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં જોકે ભારે લેવાલી પાછળ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સાવચેતી વચ્ચે બ્રેડ્થ સાધારણ નેગેટિવ બની રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 14.98ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે માર્કેટમાં પોઝીટીવ ઓપનીંગ બાદ તરત વેચવાલી નીકળી હતી. નિફ્ટી 18043ના અગાઉના બંધ સામે 18102ની સપાટીએ ખૂલી ઉપરમાં 18120 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાં ટકી શક્યો નહોતો અને બજાર બંધ થવાના બે કલાક બાકી હતા ત્યાં સુધી ગગડતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે 17893ના તળિયા સુધી પટકાયો હતો અને ત્યાંથી લગભદ 100 પોઈન્ટ્સ સુધરી બંધ આવ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 78 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18070ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ 2 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત સિપ્લા, એનટીપીસી, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો અને હિંદુસ્તાન યુનિલિવરમાં પણ મહત્વનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ બજાજ ફાઈનાન્સમાં 7.2 ટકાનું તીવ્ર ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પો., ટેક મહિન્દ્રા અને એક્સિસ બેંકમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 18 હજારનો સાઈકોલોજિકલ સપોર્ટ તોડ્યો છે અને તે વધ-ઘટે ઘટાડો જાળવી શકે છે. નજીકમાં તેઓ 17600નો સપોર્ટ જોઈ રહ્યાં છે. જ્યારે ઉપરમાં 18150નો અવરોધ રહેશે. ચાલુ સપ્તાહે ચાર સત્રોમાંથી બેમાં મજબૂતી અને બેમાં નરમાઈ જોવા મળી છે. જોકે સરવાળે બજાર ઘટાડો સૂચવી રહ્યું છે. જે કેલેન્ડરની શરૂઆત મંદીવાળાઓની તરફેણમાં થઈ હોવાનું દર્શાવે છે. ગુરુવારે બજારને સપોર્ટમાં એફએમસીજી, ઓટો, મેટલ સેક્ટર્સ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.55 ટકા વૃધ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 3.13 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડાબર ઈન્ડિયા, આઈટીસી, એચયૂએલ પણ સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 1.2 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. ટાયર કંપનીઓમાં સાર્વત્રિક લેવાલી પાછળ નિફ્ટી ઓટો મજબૂત રહ્યો હતો. એમઆરએફ 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એપોલો ટાયર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. ટુ-વ્હીલર્સ કંપનીઓના શેર્સમાં પણ લેવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા સુધારે બંધ રહ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, નાલ્કો, વેદાંત, હિંદાલ્કો અને તાતા સ્ટીલનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં પણ પાછળથી લેવાલી નીકળતાં તેણે મજબૂતી દર્શાવી હતી. જેમાં પીએનબી, બીઓબી, કેનેરા બેંક જેવા કાઉન્ટર્સ સાધારણ સુધારો સૂચવતાં હતાં. જોકે પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ પાછળ નિફ્ટી બેંક ઘટાડો દર્શાવતો હતો. આઈસીઆઈસીઆઈ બેંક 2.2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં. આઈટી ઈન્ડેક્સ 0.52 ટકા નરમ જોવા મળતો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, કોફોર્જ પણ રેડિશ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એપોલો ટાયર્સ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત એબીબી ઈન્ડિયા, આરબીએલ બેંક, ભેલ, મેક્સ ફાઈનાન્સિયલ, સિમેન્સ, ગુજરાત ગેસ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ભારત ફોર્જમાં પણ મજબૂતી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ સૌથી વધુ ગગડ્યાં હતાં. ઉપરાંત ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફો એજ, ટ્રેન્ટ પણ ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. એપોલો ટાયર્સ, સુંદરમ, પાવર ફાઈનાન્સ, આરઈસી, અને અબોટ ઈન્ડિયાએ તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે બાલાજી એમાઈન્સ, આવાસ ફાઈનાન્સિયઅર, ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ અને રિલેક્સો ફૂટવેરે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
મુકેશ અંબાણી મહત્વાકાંક્ષી ગ્રીન એનર્જી બિઝનેસ પર ધ્યાન આપશે
અંબાણીના સંતાનો જૂથના અન્ય ઉદ્યોગોનું નેતૃત્વ સંભાળશે
જૂથ એનર્જી સેક્ટરમાં અબજો ડોલરનું રોકાણ ઈચ્છી રહ્યું છે, જે માટે તેણે મધ્ય-પૂર્વ સહિતના રોકાણકારોનો સંપર્ક કર્યો છે
રિલાયન્સ ઈન્ડસ્ટરીઝના બિલિયોનેર ચેરમેન મુકેશ અંબાણી જૂથના ગ્રીન એનર્જી બિઝનેસ પર ફોકસ કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. જ્યારે તેમના સંતાનો જૂથના અન્ય બિઝનેસિસનો હવાલો સંભાળશે. 65-વર્ષીય અંબાણી ગીગફેક્ટરીઝ અને બ્લ્યૂ હાઈડ્રોજન સુવિધાઓના બાંધકામ સહિતની સ્ટ્રેટેજી પર ધ્યાન આપશે. તેઓ એક્વિઝિશન ટાર્ગેટ્સની ચકાસણી કરશે તેમજ સંભવિત રોકાણકારો સાથે મંત્રણા હાથ ધરશે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. અંબાણીએ ગયા વર્ષે ક્લિન એનર્જીમાં આગામી 15થી વધુ વર્ષોમાં 75 અબજ ડોલરના રોકાણની યોજના રજૂ કરી હતી.
એશિયાના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ તેમની મહત્વની યોજનાઓ પર સિંગલ-માઈન્ડેડ ફોકસ માટે જાણીતા છે. 1990ના દાયકામાં તેઓ આજની વિશ્વની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઈનરીના બાંધકામ માટે મહિનાઓ સુધી શીપીંગ કંટેનર્સમાં રહ્યાં હતાં. જેના બે દાયકાઓ બાદ તેમની એક અન્ય કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ચૂકી છે. જોકે ત્યારબાદ અંબાણીએ તેમના ભિન્ન બિઝનેસિસનું સુકાન ત્રણ સંતાનોને સોંપી દીધું છે અને તેમનું ધ્યાન ગ્રીન એનર્જી પર કેન્દ્રિત કર્યું છે. જે તેમને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણી સાથે સીધી સ્પર્ધામાં ઉતારશે.
ભારતીય એનર્જી સેક્ટરમાં જંગી રોકાણ માટે અંબાણીને અબજો ડોલરની જરૂરિયાત છે. જે માટે તેણે મધ્ય-પૂર્વ સ્થિત ફંડ્સ સહિત વૈશ્વિક ઈન્વેસ્ટર્સનો સંપર્ક કર્યો છે એમ બે જાણકારોનું કહેવું છે. તેમની મહત્વાકાંક્ષા ટેલિકોમની જેમ જ એનર્જિ સેક્ટરમાં ડિસ્રપ્શનની છે. રિલાયન્સ જીઓ ઈન્ફોકોમે દેશમાં ટેલિકોમ સેક્ટરમાં સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ કરાવી એક પ્રકારે ક્રાંતિ આણી હતી. અંબાણી અને તેમની ટીમ અગ્રણી રોકાણકારોને રિન્યૂએબલ સપ્લાય ચેઈનની તમામ લિંકની માલકી માટે જણાવી રહ્યાં છે. જે માર્જિન્સમાં વૃદ્ધિ આણશે. અંબાણીની ડીલ કરવાની કુશળતા મહત્વની બની રહેશે. રિલાયન્સ જીઓને બનાવવામાં રિલાયન્સે લગભગ 50 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. જે 2016માં શરૂઆતથી લઈ ત્રણ વર્ષોમાં જ દેશનું પ્રથમ નંબરનું વાયરલેસ કરિયર બની રહ્યું હતું. તેણે શરૂઆતમાં ફ્રિ કોલ્સ અને સસ્તો ડેટા પ્રાપ્ય બનાવ્યો હતો. જોકે ત્યારબાદ મહામારી આવી હતી. જે દરમિયાન અંબાણીએ તેના ડિજિટલ વેન્ચર્સ માટે સિલિકોન વેલી જાયન્ટ્સ મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક અને ગુગલ સહિતના રોકાણકારો પાસેથી 20 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. હાલમાં રિલાયન્સ 206 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવે છે અને 2035 સુધીમાં નેટ-ઝીરો બનવાનો ટાર્ગેટ તેણે રાખ્યો છે. ભારતનું ફોસ્સિલ ફ્યુઅલ્સથી રિન્યૂએબલ્સ તરફનું ટ્રાન્ઝિશન રિલાયન્સને આગામી ઘણા દાયકાઓ સુધી હાયપર-ગ્રોથ માટેની તક પૂરી પાડશે એમ અંબાણીએ ગયા ઓગસ્ટમાં શેરધારકોને જણાવ્યું હતું. અદાણીએ પણ વિશ્વમાં સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પ્લેયર બનવા માટે 70 અબજ ડોલરના રોકાણની પ્રતિબધ્ધતા દર્શાવી છે.
ભારત ટૂંકમાં જ આર્જેન્ટીમાં કોપર અને લિથીયમ માઈન્સ ખરીદશે
નવેમ્બર 2022માં સરકારે સંભવિત લિથીયમ ડિપોઝીટ્સના કયાસ માટે ટીમને સાઉથ અમેરિકા મોકલી હતી
ભારતે દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટીના ખાતે લિથીયમ માઈન્સ અને કોપર માઈનની ઓળખ કરી લીધી છે તથા દેશ ટૂંક સમયમાં જ તેની ખરીદી કરે તેવી શક્યતાં હોવાના અહેવાલ છે. નવેમ્બર 2022માં ભારત સરકારે જીઓલોજિસ્ટ્સની એક ટીમને સંભવિત લિથિયમ ડિપોઝીટ્સની ચકાસણી માટે સાઉથ અમેરિકા મોકલી હતી.
ખાણ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને અહેવાલ જણાવે છે કે આ ખાણોની માલિકી અથવા લિઝીંગ રાઈટ્સ ખનીજ વિદેશ ઈન્ડિયા લિ.(કાબિલ) પાસે રહેશે. તે નેશનલ એલ્યુમિનિયમ કંપની(નાલ્કો), હિંદુસ્તાન કોપર અને મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે. જેની 2019માં રચના કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય બજારમાં વ્યૂહાત્મક ખનીજોના સપ્લાયની ખાતરીનો છે. પ્રાથમિક ચકાસણી બાદ ડિસેમ્બરમાં કાબિલે આર્જેન્ટિનાની સ્થાનિક સરકારી કંપની સાથે ભાગીદારીમાં રસ દર્શાવ્યો છે. પ્રસ્તાવિત ભાગીદારી હેઠળ લિથિયમ એક્સટ્રેક્શન પ્રોજેક્ટ્સની સ્થાપના કરવામાં આવશે એમ અહેવાલ જણાવે છે. આર્જેન્ટીના લિથીયમનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે. ઉપરાંત તે લિથિયમનો ત્રીજો મોટો ભંડાર ધરાવે છે. લિથીયમનો ઉપયોગ બેટરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. ઓસ્ટ્રિલિયા, યુએસ અને ચીન લિથિયમના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે. કાબિલ અન્ય દક્ષિણ અમેરિકી દેશ ચીલી ખાતે પણ લિથીયમ માઈનીંગ પ્રોજેક્ટ્સ માટે સંયુક્ત સાહસ સ્થાપવાની શક્યતાં શોધી રહ્યું છે. અગાઉ માર્ચમાં ખાણ મંત્રાલયે ઓસ્ટ્રેલિયાના ઈન્ડસ્ટ્રી, સાયન્સ અને રિસોર્સિસ વિભાગ સાથે લિથિયમ અને કોબાલ્ટ એસેટ્સમાં સંયુક્ત રોકાણ માટે એમઓયુ કર્યાં હતાં.
ત્રીજા ક્વાર્ટરમાં બેંકોએ મજબૂત ક્રેડિટ ગ્રોથ નોંધાવ્યો
પ્રાઈવેટ અને પીએસયૂ બેંક્સ ખાતે ડિસેમ્બર ક્વાર્ટરમાં ડિપોઝીટ્સમાં પણ ઊંચી વૃદ્ધિ જોવા મળી
કેટલીક મહત્વની બેંકિંગ કંપનીઓએ નાણા વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર માટે રજૂ કરેલા પ્રોવિઝન્લ આંકડા મુજબ મજબૂત ક્રેડિટ માગ જળવાયેલી જોવા મળે છે. સાથે તેમના ડિપોઝીટ કલેક્શનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
ચાલુ સપ્તાહે પ્રોવિઝ્નલ ડેટા જાહેર કરનારી મોટાભાગની બેંકોએ વાર્ષિક ધોરણે 15 ટકાથી ઊંચો ક્રેડિટ ગ્રોથ નોંધાવ્યો છે. જેમાં એચડીએફસી બેંક, ફેડરલ બેંક અને ઈન્ડસઈન્ડ જેવી પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 19 ટકા ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો છે. બીજી બાજુ ડિપોઝીટ ગ્રોથમાં પણ મજબૂતી જોવા મળી છે અને છેલ્લાં ઘણા ક્વાર્ટર્સના ઊંચા સ્તરે જોવા મળી રહ્યો છે. મોટાભાગની મીડ-સાઈઝ અને મોટી પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓએ વાર્ષિક ધોરણે 14 ટકાથી ઊંચો ડિપોઝીટ વૃદ્ધિ દર દર્શાવ્યો છે. જોકે નાની જાહેર ક્ષેત્રની બેંક્સ તરફથી ડિપોઝીટ ગ્રોથ રેટ મંદ જોવા મળી રહ્યો છે. જે આગામી સમયગાળામાં તેમની લાયેબિલિટી બુક્સમાં જોવા મળનારા પડકારો તરફ સંકેત આપી રહ્યાં છે. કેમકે ડિપોઝીટ્સ માર્કેટ ખૂબ જ સ્પર્ધાત્મક બની રહ્યું છે અને તેથી પરંપરાગત બેંકિંગ કંપનીઓ તરફથી ડિપોઝીટર્સ અન્યત્ર વળી રહ્યાં છે. જેને કારણે પીએસયૂ બેંક્સની ડિપોઝીટ્સ અન્ય બેંકિંગ કંપનીઓ તરફ વળી રહી છે.
પ્રાઈવેટ બેંકિંગ સ્પેસમાં એચડીએફસી બેંક અને યસ બેંક, માત્ર બે જ બેંક્સ ક્રેડિટ કરતાં ડિપોઝીટ્સમાં ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જેમકે એચડીએફસી બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં 19.5 ટકા ક્રેડિટ ગ્રોથ સામે 19.9 ટકા ડિપોઝીટ ગ્રોથ દર્શાવ્યો હતો. જ્યારે યસ બેંકે 11.7 ટકાના ક્રેડિટ ગ્રોથ સામે 15.9 ટકા ડિપોઝીટ ગ્રોથ નોંધાવ્યો હતો. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંકે 19 ટકા ક્રેડિટ ગ્રોથ સામે માત્ર 14.3 ટકા ડિપોઝીટ વૃદ્ધિ દર્શાવી હતી. ફેડરલ બેંકે પણ ડિપોઝીટ્સમાં 19.1 ટકા વૃદ્ધિ સામે ડિપોઝીટ્સમાં 14.8 ટકા વૃદ્ધિ મેળવી હતી. કર્ણાટક બેંકે 12.4 ટકાના દ્વિઅંકી ક્રેડિટ ગ્રોથ સામે 7.9 ટકાનો ડિપોઝીટ્સ ગ્રોથ દર્શાવ્યો હતો. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિઁધ બેંકે અનુક્રમે 21.8 ટકા અને 17 ટકાનો ક્રેડિટ ગ્રોથ નોંધાવ્યો હતો. જ્યારે બીજી બાજુ ડિપોઝીટ્સમાં તેમણે અનુક્રમે 11.7 ટકા અને 9.1 ટકાનો ખૂબ નીચો ગ્રોથ રેટ હાંસલ કર્યો હતો. પ્રાઈવેટ બેંકમાં સીએસબી બેંકે 25.7 ટકાનો સૌથી ઊંચો ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો હતો. જોકે ડિપોઝીટ બાબતે તે 18.9 ટકા ગ્રોથ નોંધાવી શકી હતી. પ્રમાણમાં નાની એવી ધનલક્ષ્મી બેંકે વાર્ષિક ધોરણે 22.5 ટકા ક્રેડિટ વૃદ્ધિ સામે માત્ર 6.8 ટકા ડિપોઝીટ વૃદ્ધિ દર્શાવી હતી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓનો દેખાવ
બેંક વાર્ષિક ક્રેડિટ ગ્રોથ(ટકામાં) વાર્ષિક ડિપોઝીટ ગ્રોથ(ટકામાં)
HDFC બેંક 19.5 19.9
ઈન્ડસઈન્ડ બેંક 19.0 14.3
બેંક ઓફ મહારાષ્ટ્ર 21.8 11.7
યસ બેંક 11.7 15.9
ફેડરલ બેંક 19.1 14.8
પંજાબ એન્ડ સિઁધ બેંક 17.0 9.1
કર્ણાટક બેંક 12.4 7.9
કરુર વૈશ્ય બેંક 14.1 13.9
ધનલક્ષ્મી બેંક 22.5 6.8
સીએસબી બેંક 25.7 18.9
ડિસેમ્બરમાં રિટેલ ઓટો વેચાણમાં 5 ટકા ઘટાડો નોંધાયો
જોકે ત્રિ-વ્હીલર્સ, કાર્સ, ટ્રેકટર્સ સહિતની અન્ય કેટેગરીઝમાં વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી
કાર્સ અને ટ્રેકટર્સનું વેચાણ 2022માં વિક્રમી સ્તરે જોવા મળ્યું
તહેવારોના બે મહિના દરમિયાન સારા વેચાણ બાદ ડિસેમ્બરમાં વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. મુખ્યત્વે ટુ-વ્હીલર્સની માગમાં ઘટાડા પાછળ ગયા મહિને વાહનોનું કુલ વેચાણ ઘટ્યું હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા) જણાવે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
નવેમ્બરમાં વાહનોનું વેચાણ વાર્ષિક 26 ટકા ઉછળ્યું હતું. જેમાં લગ્નની સિઝનની મહત્વની ભૂમિકા રહી હતી. જ્યારે ઓક્ટોબરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો પાછળ વેચાણમાં 48 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ટુ-વ્હીલર્સને બાદ કરીએ તો ડિસેમ્બરમાં અન્ય કેટેગરીઝના વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ત્રિ-ચક્રિય વાહનોનું વેચાણ વાર્ષિક 42 ટકા જેટલું વધ્યું હતું. જ્યારે પ્રાઈવેટ વેહીકલ્સનું વેચાણ 8 ટકા, ટ્રેકટરનું વેચાણ 5 ટકા અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 11 ટકા જેટલું વધ્યું હતું. ફાડાના જણાવ્યા મુજબ ફુગાવામાં વૃદ્ધિની પણ માગ પર અસર પડી હતી. ઉપરાંત ગ્રામીણ બજારમાં માલિકીની કિંમતમાં વૃદ્ધિને તથા ગ્રાહકો ઈવી તરફ વળવાને કારણે ટુ-વ્હીલર્સના વેચાણ પર અસર પડી હતી. વાહનોનું વેચાણ હજુ પણ મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યું નથી. ડિસેમ્બર 2019ની સરખામણીમાં કુલ રિટેલ ઓટો વેચાણ ડિસેમ્બરમાં હજુ પણ 12 ટકા નીચું જોવા મળતું હતું. જોકે આ માટે પણ ટુ-વ્હીલર્સ મુખ્ય પરિબળ છે. 2019ની સરખામણીમાં 2022 ડિસેમ્બરમાં દ્વિ-ચક્રિય વાહનોના વેચાણમાં 21 ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે અન્ય કેટેગરીઝ વેચાણ વૃદ્ધિ દર્શાવી રહી છે. જેમકે થ્રી-વ્હીલર્સનું વેચાણ 4 ટકા, પીવીનું 21 ટકા, ટ્રેકટરનું 27 ટકા અને સીવીનું વેચાણ 9 ટકા સુધારો સૂચવે છે. કેલેન્ડર 2022માં જોકે વાહનોના કુલ રિટેલ સેલ્સમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે 2020ની સરખામણીમાં વેચાણમાં 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે તેમ છતાં કુલ વેચાણ 2019ના આંકડાને વટાવી શક્યું નહોતું. પરંતુ કાર્સનું રિટેલ વેચાણ 34.3 લાખના વેચાણ સાથે વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું. કોવિડ દરમિયાન થ્રી-વ્હીલર્સ સેગમેન્ટ પર ગંભીર અસર પડી હતી. જોકે તેણે છેલ્લાં બે વર્ષોમાં નોંધપાત્ર રિકવરી નોંધાવી હતી અને 2019ની સરખામણીમાં ગેપ ખૂબ નાનો કરી દીધો છે. રિક્ષા સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક રીક્ષા ત્રિઅંકી વૃદ્ધિ દર્શાવે છે. જે ઈવી માર્કેટના હિસ્સાને 50 ટકાથી ઉપર લઈ જાય છે. પીવી ઉપરાંત ટ્રેકટરનું વેચાણ પણ વિક્રમી સપાટીએ જોવા મળ્યું હતું. 2022માં ટ્રેકટર્સનું કુલ વેચાણ 7.94 લાખ યુનિટ્સ પર રહ્યું હતું. સતત સારા ચોમાસા અને ખેડૂતો પાસે સારી રોકડ પાછળ ટ્રેકટર્સનું વેચાણ ઊંચી વૃદ્ધિ દર્શાવતું હતું.
નબળી ગ્રામીણ માગ પાછળ FMCG વેચાણમાં 4.7 ટકા ઘટાડો
એફએમસીજી સેક્ટરે ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે વેચાણમાં વેલ્યૂ સંદર્ભમાં 4.7 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. જેનું મુખ્ય કારણ ગ્રામીણ માગમાં નોંધપાત્ર ઘટાડો હતો. માસિક ધોરણે તેમનું વેચાણ 1.4 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. એક અભ્યાસ મુજબ ગ્રામીણ ભારતમાં એફએમસીજી વેચાણમાં માસિક ધોરણે 12.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે માસિક ધોરણે તે 0.2 ટકા પર જળવાયો હતો. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં વાર્ષિક 12.4 ટકા વેચાણ વૃદ્ધિ જળવાય હતી. જ્યારે માસિક ધોરણે 4.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. દિવાળી બાદ કિરાણા સ્ટોર્સ પાસે ઊભી થયેલી ઈન્વેન્ટરી પાછળ નવા સ્ટોકના વેચાણ પર અસર પડી હોવાનું એનાલિસ્ટનું કહેવું હતું.
ગોલ્ડ-સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બુધવારે 1865 ડોલરની સપાટી પાર કરી છ-મહિનાની ટોચ બનાવી ગોલ્ડ પરત ફર્યું હતું. ગુરુવારે તે 1849 ડોલરથી 1864 ડોલરની રેંજમાં અથડાતું રહ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 180ના ઘટાડે રૂ. 55600ની નીચે ટ્રેડ દર્શાવી રહ્યું હતું. સોના પાછળ ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી હતી. એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો 1.13 ટકા અથવા રૂ. 800ના ઘટાડે રૂ. 68500 આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી 24 ડોલરની નીચે ટ્રેડ દર્શાવતી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
મહિન્દ્રા ફાઈનાન્સઃ એનબીએફસી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ સર્વિસિઝ પર આઉટસોર્સિંગ એરેન્જમેન્ટ્સ મારફતે રિકવરી પ્રક્રિયા પરનો પ્રતિબંધ આરબીઆઈએ હઠાવી લીધો છે. 22 સપ્ટેમ્બરે આરબીઆઈએ કંપનીને વધુ આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની રિકવરી પ્રક્રિયા હાથ ધરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ડીમાર્ટઃ રિટેલ કંપનીની માલિક એવન્યૂ સુપરમાર્ટ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,304.58 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 24.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીની આવક રૂ. 9065.02 કરોડ પર રહી હતી.
કોલ ઈન્ડિયાઃ વિશ્વમાં સૌથી મોટી કોલ ઉત્પાદકે ચાર સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ સાથે તેના 2.38 લાખ નોન-એક્ઝિક્યૂટીવ એમ્પ્લોઈઝને 19 ટકા મિનિમમ ગેરંટેડ બેનિફિટ(એમજીબી)ની ભલામણ કરતાં એમઓયુ પર સાઈન કર્યું છે. હાલમાં ચાલી રહેલી નેશનલ કોલ વેજ એગ્રીમેન્ટ-11ના ભાગરૂપે આ એમઓયુ કરવામાં આવ્યાં હતાં.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ કંપની આગામી એકાદ-બે મહિનામાં રૂ. 700-800 કરોડ ઊભા કરવાનું વિચારી રહી છે. કંપની વર્તમાન બિઝનેસના વિસ્તરણ સહિત નવા બિઝનેસિસમાં પ્રવેશવા આમ કરશે એમ ચેરમેને જણાવ્યું છે.
જીઓ પ્લેટફોર્મ્સઃ યૂકે સ્થિત ફૂટબોલ ક્લબ માંચેસ્ટર સિટિએ નવી પ્રાદેશિક ભાગીદારીમાં જીઓ પ્લેટફોર્મ્સ સાતે ભાગીદારીની જાહેરાત કરી છે. એગ્રીમેન્ટ મુજબ જીઓ ભારતમાં ક્લબ માટે સત્તાવાર મોબાઈલ કોમ્યુનિકેશન્સ નેટવર્ક પાર્ટનર બનશે.
અંબુજા સિમેન્ટ્સઃ અદાણી જૂથ કંપનીએ શીપીંગ બિઝનેસમાં પ્રવેશ માટે નવી કંપનીની સ્થાપના કરી છે. નવી કંપની અંબુજા શીપીંગ સર્વિસિસ રૂ. 1 કરોડનું પેઈડ-અપ કેપિટલ ધરાવે છે અને અમદાવાદ ખાતે તેનું રજિસ્ટ્રેશન કરાવાયું છે.
સીજી પાવરઃ કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઈએ સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ગૌતમ થાપર સામે રૂ. 2435 કરોડના બેંક ફ્રોડ બદલ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. સીબીઆઈએ નોંધ્યું છે કે આરોપીએ ખોટા એકાઉન્ટ્સ રજૂ કરી 13 બેંક્સના કોન્સોર્ટિયમ પાસેથી ફંડ મેળવ્યું હતું.
અદાણી ગ્રૂપઃ ટેલિકોમ સેક્ટરમાં સૌથી નવા પ્રવેશક 2023માં એન્ટરપ્રાઈઝિસ માટે 5જી સર્વિસિઝ લોંચ કરશે. જૂથે જણાવ્યું છે કે તે ડિજિટલ સ્ટ્રેટેજીના ભાગરૂપે કન્ઝ્યૂમર એપ્સ પણ લોંચ કરશે. જૂથ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ ડેટા સેન્ટર્સ, બિલ્ડીંગ એઆઈ-એમએલ અને ઈન્ડસ્ટ્રીઅલ ક્લાઉડ કેપેબિલિટીઝ નેટવર્કના વિસ્તરણમાં રોકાણ કરશે. જૂથે 2022માં 5જી ઓક્શનમાં ભાગ લીધો હતો. જેમાં 400 એમએચઝેડ સ્પેક્ટ્રમની રૂ. 212 કરોડમાં ખરીદી કરી હતી.
હીરો મોટર્સઃ હીરો જૂથની કંપની ઈલેક્ટ્રિક વેહીકલ્સ માર્કેટમાં તેની હાજરી મજબૂત બનાવવા માટે આગામી ત્રણ વર્ષોમાં રૂ. 1500 કરોડનું રોકાણ કરવા વિચારી રહી છે. ટુ-વ્હીલર્સ જાયન્ટ હીરો મોટોકોર્પની સબસિડિયરીએ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ર્સ તરફથી ફંડ પણ ઊભું કર્યું છે.
અદાણી પોર્ટ્સઃ પોર્ટ કંપનીએ ડિસેમ્બરમાં કુલ 2.51 કરોડ ટન કાર્ગો વોલ્યુમ નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 8 ટકા કાર્ગો વૃદ્ધિ દર્શાવે છે.
બજાજ ફાઈનાન્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં 6.6 કરોડ કસ્ટમર બેઝ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.54 કરોડ પર હતો. જોકે કંપનીના શેરમાં તીવ્ર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને તે 7 ટકાથી વધુ ગગડ્યો હતો.
લિખિતા ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરઃ કંપનીએ વિવિધ ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તરફથી રૂ. 457.39 કરોડના ઓર્ડર્સ મેળવ્યાં છે.
તાતા મોટર્સઃ કાર ઉત્પાદક કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્પાદનમાં વાર્ષિક 12 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. મજબૂત સ્થાનિક માગ પાછળ તેનું ઉત્પાદન 2,21,416 લાખ પર રહ્યું હતું.
ભારતી એરટેલઃ ટેલિકોમ કંપની 2025માં ડોલર-ડિનોમિનેટેડ બોન્ડ્સના કન્વર્ઝનના ભાગરૂપે 83.5 લાખ શેર્સની ફાળવણી કરશે.