Market Summary 03/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં શેરબજારમાં ઘટાડો લંબાયો
વૈશ્વિક બજારોમાં પણ નરમાઈનો માહોલ યથાવત
નિફ્ટી 18300ની નીચે જઈ સપોર્ટ સાચવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.9 ટકા નરમાઈએ 11.18ના સ્તરે
ફાર્મા અને મિડિયામાં ખરીદી
બેંકિંગ, રિઅલ્ટી, મેટલ, એફએમસીજીમાં વેચવાલી
કેએસબી પંમ્પ્સ, આઈઆરએફસી, એફડીસી નવી ટોચે
યૂપીએલ, વીઆઈપી ઈન્ડ. નવા તળિયે

શેરબજારમાં મંદીવાળાઓએ બાજી મારી છે. તેજીવાળાઓએ હથિયાર હેઠાં મૂકતાં ભારતીય બજારમાં સતત બીજા દિવસે લગભગ એક ટકા આસપાસનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 542.10 પોઈન્ટ્સના ઘટાડે 65,240.68ની સપાટીએ જ્યારે નિફ્ટી 144.90 પોઈન્ટ્સ ઘટાડે 19,381.65ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘણે ઠેકાણે ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3715 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1802 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જળવાયાં હતાં. જ્યારે 1761 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 174 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 201 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 226 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.9 ટકા નરમાઈએ 11.18ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે સતત બીજી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-ડાઉન શરૂઆત દર્શાવી હતી. તે અગાઉના 19526.55ના બંધ લેવલ સામે 19463.75ની સપાટી પર ખૂલી તરત 19537.65ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ઘસાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે 19296.45નું તળિયું બનાવી તે પરત ફર્યો હતો અને 19300નો સપોર્ટ જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 90 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19472ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 48 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે નીચા મથાળે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. આમ આગામી સત્રોમાં બજાર કેટલુંક બાઉન્સ દર્શાવી શકે છે. જોકે, નિફ્ટીને 19650નો મહત્વનો અવરોધ રહેલો છે. જેના સ્ટોપલોસે શોર્ટ જાળવવાની ભલામણ ટેકનિકલ એનાલિસ્ટ્સ કરે છે. જોકે, બીજી બાજુ ઘટાડે ક્વોલિટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદીની સારી તક પણ ઊભી થઈ છે. આમ હાથ પર જેમણે કેશ ઊભી કરી છે તેઓ નાણાને બજારમાં તબક્કાવાર રોકી પણ શકે છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ, ઈન્ફોસિસ, ગ્રાસિમ, સન ફાર્મા, એનટીપીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, પાવર ગ્રીડ કોર્પોરેશન, જેસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ યૂપીએલ, ટાઈટન કંપની, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, એચડીએફસી લાઈફ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેંકમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. જો સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા અને મિડિયા સેક્ટરના શેર્સ ખરીદી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ બેંકિંગ, રિઅલ્ટી, મેટલ, એફએમસીજીમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1 ટકા વૃદ્ધિ સાથે 15 હજારની સપાટી પાર કરી ગયો હતો. તેણે 15253.20ની વિક્રમી ટોચ દર્શાવી હતી. તેના ઘટકોમાં લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, બાયોકોન, સન ફાર્મા સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ પણ એક ટકા જેટલો પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, નેટવર્ક 18, ટીવી18 બ્રોડકાસ્ટ જેવા કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે નિફ્ટી બેંકિંગ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીએનબી નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ 1 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં એચડીએફસી એએમસી 3.7 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 2.6 ટકા, બજાજ ફિનસર્વ 2.2 ટકા, એચડીએફસી લાઈફ 1.6 ટકા, એસબીઆઈ 1.3 ટકા અને બજાજ ફાઈનાન્સ 1.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.6 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ડાબર ઈન્ડિયા 1.9 ટકા, નેસ્લે 1.8 ટકા, તાતા કન્ઝ્યૂમર 1 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 10.5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ડિક્સોન ટેક્નોલોજી, લૌરસ લેબ્સ, એમઆરએફ, લ્યુપિન, આઈઆરસીટીસી, ઝી એન્ટરટેઈનમેન્ટ, ઓરોબિંદો ફાર્મા, હિંદુસ્તાન કોપર, અંબુજા સિમેન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બલરામપુર ચીની, આલ્કેમ લેબ્સ, મહાનગર ગેસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે વેદાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, એલઆઈસી હાઉસિંગ, ડેલ્ટા કોર્પ, ઈન્ટરગ્લોબ એવિએશન, એચડીએફસી એએમસી, ગુજરાત ગેસ, એલએન્ડટી ફાઈનાન્સ, યૂપીએલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ટાઈટન કંપનીમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કેએસબી પંમ્પ્સ, આઈઆરએફસી, એફડીસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પુનાવાલા ફિન, આઈડીબીઆઈ બેંક, વેલસ્પન ઈન્ડિયા, એમઆરએફ, લ્યુપિન, ઓરોબિંદો ફાર્માનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલ, વીઆઈપી ઈન્ડ. નવા તળિયે ટ્રેડ થયાં હતાં.

MRFનો શેર રૂ. 1.07 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.13 લાખ કરોડે પહોંચ્યું

દેશમાં ટોચની ટાયર કંપની એમઆરએફના શેરમાં ગુરુવારે ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ કંપનીનો શેર 4.27 ટકા ઉછળી રૂ. 1,06,973.35ની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.13 લાખ કરોડ પર જોવા મળતું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે કંપનીનો શેર રૂ. 1,07,600ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. એમઆરએફ ટાયરનો શેર દેશમાં એકમાત્ર શેર છે જે રૂ. એક લાખથી ઊંચા ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે સૌપ્રથમ જૂનની મધ્યમાં રૂ. 1 લાખની સપાટી પાર કરી હતી. જ્યારપછી તે નોંધપાત્ર સમય કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો.
ટાયર કંપનીએ જૂન ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો દર્શાવતાં આમ બન્યું હતું. જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 376 ટકા ઉછળી રૂ. 588 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે કંપનીની આવક 13 ટકા વધી રૂ. 6440 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5695 કરોડ પર રહી હતી. કંપનીનો એબિટા જૂન ક્વાર્ટરમાં રૂ. 1129 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 493 કરોડ પર જોવા મળતો હતો. કંપનીના માર્જિન્સ પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 8.6 ટકા પરથી સુધરી 17 ટકા પર નોંધાયા હતા. કંપનીના બોર્ડે કંપનીના એમડી તરીકે કેએમ મમ્મેનની પુનઃનિમણૂંક કરી હતી. તેમનો નવો કાર્યકાળ 8 ફેબ્રુઆરી, 2024થી પાંચ વર્ષનો રહેશે. બોર્ડે વિમલા અબ્રાહમની પણ ઈન્ડિપેન્ડન્ટ વુમન ડિરેક્ટર તરીકે બીજી ટર્મ માટે નિમણૂંક કરી હતી. તેઓ 5 ફેબ્રુઆરી, 2024થી પાંચ વર્ષ માટે તેમનો હોદ્દો સંભાળશે.
કેલેન્ડર 2023માં એમઆરએફનો શેર અત્યાર સુધીમાં 19.25 ટકાનો ઉછાળો સૂચવી રહ્યો છે. જ્યારે મહિનામાં 5.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીમાં પ્રમોટર્સ 27.77 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે વિદેશી સંસ્થાકિય રોકાણકારો 1.77 ટકા અને સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો 11.71 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક પાસે 41.75 ટકા હિસ્સો રહેલો છે.

જુલાઈમાં કેશ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 77 હજાર કરોડ સાથે બે-વર્ષની ટોચે
જૂનમાં બીએસઈ-એનએસઈમાં સરેરાશ કેશ ટર્નઓવર રૂ. 67,491 કરોડ પર જોવા મળ્યું હતું

મીડ અને સ્મોલ-કેપ્સમાં તેજી પાછળ માર્કેટમાં રિટેલ પાર્ટિસિપેશન વધવાના કારણે કેશ સેગમેન્ટના વોલ્યુમમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે અને તે છેલ્લાં બે વર્ષોની ટોચ પર પહોંચ્યું છે. જુલાઈમાં દેશના બે પ્લેટફોર્મ્સ એનએસઈ અને બીએસઈ ખાતે કેશ સેગમેન્ટ વોલ્યુમ દૈનિક ધોરણે સરેરાશ રૂ. 77,337 કરોડ પર નોંધાયું હતું. જે જૂન મહિનામાં રૂ. 67,491 કરોડ પર જોવા મળતું હતું. જુલાઈમાં કામકાજ સપ્ટેમ્બર 2021 પછીની ટોચ પર જોવા મળ્યાં હતાં. જો પ્લેટફોર્મ વાર વોલ્યુમ જોઈએ તો એનએસઈ ખાતે કેશ સેગમેન્ટ વોલ્યુમ સરેરાશ દૈનિક રૂ. 72,687 કરોડ પર જ્યારે બીએસઈ ખાતે રૂ. 4650 કરોડ પર નોંધાયું હતું. જોકે, ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં વોલ્યુમ વિક્રમી ટોચ પર જોવા મળ્યું હતું. જુલાઈમાં તે દૈનિક સરેરાશ રૂ. 303 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
જુલાઈમાં બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સે સતત પાંચમા મહિને સુધારા સાથે બંધ આપ્યું હતું. જે ઓક્ટોબર 2021 પછીની સૌથી લાંબો તેજીનો તબક્કો સૂચવે છે. બંને સૂચકાંકોમાં લગભગ 3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે નિફ્ટી મીડ-કેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમે 5.5 ટકા અને 8 ટકાનું રિટર્ન નોંધાયું હતું. જ્યારે પણ સેકન્ડરી માર્કેટમાં તેજી હોય ત્યારે ટ્રેડિંગ વોલ્યુમમાં રિટેલ પાર્ટિસિપેશન વધતું હોય છે અને તેને કારણે માર્કેટમાં લિક્વિડીટી સાથે ટ્રેડિંગ વોલ્યુમ ઊંચકાતું હોય છે.
જુલાઈમાં બેન્ચમાર્ક્સ નિફ્ટ અને સેન્સેક્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે અનેક મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ પણ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવતાં જોવા મળ્યાં હતાં. લાંબા સમયગાળા પછી માર્કેટની બ્રેડ્થ મહિના દરમિયાન મહ્દઅઁશે પોઝીટીવ જોવા મળી હતી. ચાલુ મહિને માર્ચ મહિનાના તળિયેથી જોઈએ તો બેન્ચમાર્ક્સે 15 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં તે 30 ટકા સુધી જોવા મળતું હતું. વિદેશી રોકાણકારોએ પણ સતત પાંચમા મહિને પોઝીટીવ ઈનફ્લો દર્શાવ્યો હતો. આમ, માર્કેટમાં લાંબા સમયગાળા પછી તેજીનું માહોલ ઊભું થવા પાછળ સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યું હતું.
સેકન્ડરી માર્કેટમાં મજબૂતી પાછળ પ્રાયમરી માર્કેટમાં પણ ગતિવિધીમાં વૃદ્ધિ જોવા મળી હતી અને જુલાઈમાં લગભગ આઁઠ જેટલા આઈપીઓ લિસ્ટ થયાં હતાં. જે પણ નોંધપાત્ર પ્રિમીયમમાં જોવા મળ્યાં હતાં. જેણે પણ રિટેલ પાર્ટિસિપેશનમાં વૃદ્ધિનું કામ કર્યું હતું. જોકે, કેલેન્ડર 2021ની સરખામણીમાં આઈપીઓ માર્કેટમાં કામગીરી ઘણી પાંખી જોવા મળી રહી છે. 2021માં આઈપીઓ મારફતે રૂ. 2 લાખ કરોડથી વધુની વિક્રમી રકમ ઊભી થઈ હતી. જે ચાલુ વર્ષે ખૂબ પાંખી જોવા મળી રહી છે.
2023માં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક વોલ્યુમ(રૂ. કરોડમાં)
મહિનો વોલ્યુમ
જાન્યુઆરી 51,844
ફેબ્રુઆરી 53,803
માર્ચ 52,649
એપ્રિલ 54,761
મે 63,775
જૂન 67,491
જુલાઈ 77,337

અંબુજા સિમેન્ટ્સ રૂ. 5K કરોડમાં સાંઘીમાં 83 ટકા હિસ્સો ખરીદશે
સાંઘી જૂથના પ્રમોટર્સ પાસેથી 56.74 ટકા હિસ્સો ખરીદવામાં આવશે

અદાણી જૂથની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે સિમેન્ટ ઉત્પાદક સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં રૂ. 5000 કરોડમાં 83 ટકા હિસ્સાની ખરીદી કરશે. રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર ગ્રૂપ રવિ સાંઘી અને પરિવાર પાસેથી 56.74 ટકા હિસ્સાની ખરીદી કરશે. આ ડીલ માટે નાણા આંતરિક સ્રોતોમાંથી મેળવવામાં આવશે. અંબુજા સિમેન્ટ ડેટ-ફ્રી કંપની છે. જે જૂન 2023ની આખરમાં રૂ. 11,886 કરોડની સમકક્ષ કેશ ધરાવતી હતી. સિમેન્ટ એનાલિસ્ટ્સના મતે અંબુજા સિમેન્ટ માટે આ સારુ ડીલ છે. યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી અદાણી જૂથ તરફથી આ પ્રથમ ખરીદી છે. આ ખરીદી પછી અદાણી જૂથની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 7.36 કરોડ ટન પ્રતિ વર્ષ પર જોવા મળશે. જેમાં એસીસીની ક્ષમતાનો પણ સમાવેશ થશે. કંપની 2025 સુધીમાં તેની ક્ષમતાને 10 કરોડ ટન પર લઈ જવા માગે છે. હાલમાં ભારતમાં એકમાત્ર અલ્ટ્રાટેક સિમેન્ટ 10 કરોડ ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ભારતના પશ્ચિમ બજારમાં કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 7.869 કરોડ ટન પર જોવા મળે છે. અંબુજા સિમેન્ટ એ આ ક્ષેત્રમાં પ્રાઈસ લીડર છે જ્યારે અલ્ટ્રાટેક વોલ્યુમ લીડર છે. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 66 લાખ ટનની ક્લિંકર ક્ષમતા ધરાવે છે. જ્યારે તેની સિમેન્ટ ક્ષમતા 61 લાખ ટનની છે. તેમજ તે 1 અબજ ટનનો લાઈમસ્ટોન રિઝર્વ્સ, કેપ્ટીવ જેટી અને પાવર પ્લાન્ટ પણ ધરાવે છે. અંબુજા સિમેન્ટ બે વર્ષમાં સાંઘીની ક્ષમતાને 1.5 કરોડ ટન પર લઈ જવાનું આયોજન ધરાવે છે.
આ ડિલ વિશે પ્રતિક્રિયા આપતાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી રવિ સાંઘીએ જણાવ્યું હતું કે અંબુજા સિમેન્ટ્સ તરફથી સાંઘીની ખરીદીને લઈ અમે આશાવાદી છીએ અને તે બંન્ને કંપનીના શેરધારકોના હિતમાં છે. સાંઘીપુરમ ખાતે બંન્ને કંપનીઓનું ઈન્ટિગ્રેશન વિશ્વના સૌથી મોટા ક્લિંકર મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્સની સ્થાપના કરવાની ક્ષમતા ધરાવે છે. આ વ્યૂહાત્મક જોડાણ ઇનોવેશનને વેગ આપશે એમ તેમણે ઉમેર્યું હતું.

મોર્ગન સ્ટેનલીએ ભારતને અપગ્રેડ કરી ‘ઓવરવેઈટ’નું રેટિંગ આપ્યું
સાથે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતને ટોપ પીક તરીકે પણ ગણાવ્યું
બીજી બાજુ બ્રોકરેજે ચીનનું રેટીંગ ડાઉનગ્રેડ કરી ‘ઈક્વલ વેઈટ’ કર્યું

વૈશ્વિક બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ભારતીય માર્કેટને ‘ઈક્વલ વેઈટ’ પરથી ‘ઓવરવેઈટ’ તરીકે અપગ્રેડ કર્યું છે. તેણે ઓક્ટોબર 2022ની સરખામણીમં વેલ્યૂએશન હળવા બન્યાંનું કારણ આપી આમ કર્યું છે. તે વખતે વૈશ્વિક બ્રોકરેજે ભારતીય બજારને મોંઘુ ગણાવ્યું હતું. જોકે, એશિયન અને ઈમર્જિંગ બજારોમાં નવેસરથી તેજીના દોરની શરૂઆત થઈ હોવાનું તેણે નોંધ્યું હતું.
બુધવારે એક નોંધમાં મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારત હોલમાં ટોચનું સ્થાન ધરાવતું સૌથી પસંદગીનું માર્કેટ છે. વિદેશી ફંડ ફ્લોના સપોર્ટ પાછળ તે છઠ્ઠા સ્થાનથી સુધરતું જોવા મળ્યું છે. ઉપરાંત મેક્રો સ્ટેબિલિટી અને પોઝીટીવ અર્નિંગ્સ આઉટલૂકે પણ તેને સહાય પૂરી પાડી છે એમ બ્રોકરેજે જણાવ્યું છે. અન્ય ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં ભારતીય બજાર ચઢિયાતું અર્નિંગ્સ પ્રતિ શેર(ઈપીએસ) દર્શાવે તેવું અમને જણાય છે એમ મોર્ગન સ્ટેનલી નોંધે છે. તેના મતે યંગ ડેમોગ્રાફિક પ્રોફાઈલ ઈક્વિટી ફ્લોને સપોર્ટ પૂરો પાડી રહ્યું છે.
ક્ષેત્રવાર વાત કરીએ તો બ્રોકરેજ ભારતમાં ફાઈનાન્સિયલ્સ, કન્ઝ્યૂમર ડિસ્ક્રિશ્નરી અને ઈન્ડસ્ટ્રીઅલ સેગમેન્ટ્સને લઈ ઓવરવેઈટ જોવા મળે છે. તેમજ તે લાર્સન એન્ડ ટુબ્રો અને મારુતિ સુઝુકીને લઈ ‘એડ’નું રેટિંગ ધરાવે છે. ભારતીય બજારની પરિસ્થિતિ ચીન જેવા દેશની સામે તીવ્ર વિરોધાભાસ સૂચવે છે. તેના મતે ભારત લાંબાગાળાની તેજીની શરુઆત સૂચવી રહ્યો છે જ્યારે બીજી બાજુ ચીનમાં તે પૂરી થવામાં છે એમ તેનું કહેવું છે. ભારતને ‘ઓવરવેઈટ’ રેટિંગ પર લઈ જવું અને ચીનને ‘ઈક્વલ વેઈટ’ પર ડાઉનગ્રેડ કરવું જરૂરી છે એમ મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ્સ નોંધે છે. ભારતીય બજારનું ચીનની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ એ ભારતની તરફેણમાં સ્ટ્રક્ચરલ બ્રેકઆઉટનો સંકેત છે એમ તેઓ માને છે.

ભારતીય કોર્પોરેટ્સે ECB મારફતે જૂન ક્વાર્ટરમાં વિક્રમી 21 અબજ ડોલર ઊભા કર્યાં
નાણા વર્ષ 2022-23માં તેમણે વિદેશમાંથી 25.99 અબજ ડોલર મેળવ્યાં હતાં

વૈશ્વિક બજારમાં વધતાં ઈન્ટરેસ્ટ રેટની ભારતીય કંપનીઓ તરફથી વિદેશમાંથી નાણા ઊભા કરવાની કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. જૂન ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સ તરફથી એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ(ઈસીબી) મારફતે વિક્રમી 20.73 અબજ ડોલર ઊભા કરવામાં આવ્યાં હતાં. જે સમગ્ર નાણા વર્ષ 2022-23માં જોવા મળતાં 25.99 અબજ ડોલરના ઈસીબીની સરખામણીમાં માત્ર ચાર અબજ ડોલર છેટે રહી ગયું હતું. આમ, ચાલુ નાણા વર્ષમાં ઈસીબી મારફતે ફંડ ફ્લો તેની વિક્રમી સપાટીએ પહોંચી જશે તે નિશ્ચિત છે એમ બેંકર્સ માને છે. આ અગાઉ 2019-20ના જૂન ક્વાર્ટરમાં 18.97 અબજ ડોલરનું સૌથી ઊંચું ઈસીબી જોવા મળ્યું હતું. જોકે, પછીના ત્રણ વર્ષોમાં તેમાં ઘટાડો નોઁધાયો હતો અને ચાલુ વર્ષે તે લેવલ પાર થઈ શક્યું હતું.
ભારતીય કોર્પોરેટ્સ લોન્સ, બોન્ડ્સ અને અન્ય ફાઈનાન્સિયલ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સ્વરૂપમાં એક્સટર્નલ કોમર્સિયલ બોરોઈંગ ઊભું કરતાં હોય છે. જેનો ઉપયોગ બિઝને વિસ્તરણ, એસેટ એક્વિઝીશન્સ અને ડેટ રિફાઈનાન્સિંગમાં થતો હોય છે. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી ચાલુ કેલેન્ડરમાં ત્રણ વાર રેટ વૃદ્ધિ કરવામાં આવી છે. જેમાંથી બે રેટ વૃદ્ધિ તો તેણે પ્રથમ છ મહિના દરમિયાન કરી હતી. જો છેલ્લાં સવા વર્ષની વાત કરીએ તો ફેડે કુલ 11 વાર રેટ વૃદ્ધિ કરી બેન્ચમાર્ક રેટને 5.5 ટકા કર્યાં છે. આમ છતાં વિદેશી ઋણ લેવામાં ભારતીય કોર્પોરેટ્સ અગ્રણી રહ્યાં છે.
જૂન ક્વાર્ટરમાં ઈસીબી મેળવનારા ટોચના ત્રણ પ્લેયર્સમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. તેણે 5 અબજ ડોલરનું એક્સટર્નલ કોમર્સિયલ બોરોઈંગ મેળવ્યું હતું. આ ઉપરાંત જીઓ ઈન્ફોકોમે 3.76 અબજ ડોલર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 3.46 અબજ ડોલર ઊભાં કર્યાં હતાં. વર્તુળોના મતે સ્થાનિક ચલણમાં આગામી સમયગાળામાં ડોલર સામે મજબૂતીની અપેક્ષાને જોતાં પણ ઈસીબી લેવાના વલણમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામાન્યરીતે સ્થાનિક ચલણ નરમ હોય ત્યારે ઈસીબી લેવું જોખમી બની રહે છે. કેમકે રૂપિયામાં અવમૂલ્યન સરવાળે નુકસાનીનું કારણ બને છે. અગાઉ 2005-2007 દરમિયાન મોટાપાયે ઈસીબી લેનારા અને ડોલર પોઝીશનને હેજ નહિ કરનારા કોર્પોરેટ્સે તેમની ઈસીબી ચૂકવણીમાં જંગી નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લાં આંઠ વર્ષોમાં ઈસીબીનું વલણ(અબજ ડોલરમાં)
નાણા વર્ષ રકમ
2016-17 17.39
2017-18 25.99
2018-19 41.06
2019-20 51.71
2020-21 35.05
2021-22 38.48
2022-23 25.98
2023-24* 20.73
(* ચાલુ વર્ષે માત્ર જૂન ક્વાર્ટરની રકમ છે)

કોર્પોરેટ રાઉન્ડ અપ

ટેમાસેક મહિન્દ્રા ઈલેક્ટ્રીકમાં રૂ. 1200 કરોડ રોકશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઈલેક્ટ્રીક વેહીકલ પાંખ મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલે(એમઈએએલ) ગુરુવારે જણાવ્યું હતું કે સિંગાપુર સરકારની ટેમાસેક રૂ. 1200 કરોડનું રોકાણ કરશે. કંપની કમ્પલસરિલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સમાં આ રોકાણ કરશે. આ રોકાણ સાથે કંપનીનું વેલ્યૂએશન 15 ટકા વધી રૂ. 80,580 કરોડ પર થશે. જે અગાઉ રૂ. 70,070 કરોડ પર જોવા મળતું હતું. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે ટેમાસેક એકથી વધુ તબક્કામાં મહિન્દ્રા ઈલેક્ટ્રિકમાં રૂ. 1200 કરોડ રોકશે. નવા રોકાણ પછી ટેમાસેકનું કંપનીમાં શેરહોલ્ડિંગ 1.49 ટકાથી 2.97 ટકાની રેંજમાં જોવા મળશે. કંપનીમાં બ્રિટીશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ્સ(બીઆઈઆઈ) અગાઉથી જ રોકાણ ધરાવે છે. ગયા વર્ષે જુલાઈમાં એમએન્ડએમે એમઈએએલમાં બીઆઈઆઈ તરફથી રૂ. 1925 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. સિંગાપુર મુખ્યાલય ધરાવતી ટેમાસેક હોલ્ડિંગ્સ 287 અબજ ડોલરના મૂલ્યનો નેટ પોર્ટફોલિયો ધરાવે છે.

એર ઈન્ડિયાએ 2022-23ની આખરમાં રૂ. 14 હજાર કરોડની ખોટ દર્શાવી
તાતા જૂથની એરલાઈન કંપની એર ઈન્ડિયાનો 2022-23ની આખરમાં એક્યૂમ્યૂલેટેડ લોસ રૂ. 14000 કરોડ પર જોવા મળ્યો હતો. જેમાં કંપનીના જૂના વિમાનો અને એન્જિન્સ પરના રાઈટ-ઓફ્સનો સમાવેશ પણ થતો હતો. 2022-23માં તાતા સન્સે એર ઈન્ડિયામાં રૂ. 13000 કરોડનું અંદાજિત રોકાણ કર્યું હતું. તેણે સંપૂર્ણ માલિકીની સબસિડિયરી તાલેસ મારફતે આ રોકાણ કર્યું હતું. જોકે, આ રોકાણમાં 470 નવા વિમાનોની ખરીદીનો સમાવેશ નથી થતો. કંપનીએ ગયા જૂનમાં એરબસ અને બોઈંગને 470 વિમાનોની ખરીદીનો ઓર્ડર આપ્યો હતો. કંપને ડિઝાઈનમાં સુધારણા અને અપગ્રેડેડ સર્વિસિઝ માટે પણ રોકાણ કર્યં હતું. એર ઈન્ડિયાના જૂના વિમાનો અને એન્જીન્સને જોતાં રૂ. 5000 કરોડના ખર્ચની અંદાજ છે. નવા વિમાનો માટે કંપનીને અંદાજિત 30 અબજ ડોલરનો ખર્ચ લાગશે. જે માટેની ચૂકવણી આગામી કેટલાંક વર્ષોમાં કરવામાં આવશે. એરલાઈન કંપની જ્યારે ખર્ચમાં ઘટાડાના પ્રયાસો કરી રહી છે ત્યારે તાતા સન્સ ચેરમેન એન ચંદ્રશેખરને એરલાઈન કંપની માટે નફા કરતાં ગ્રાહક કેન્દ્રિતતા અને સુરક્ષાને મહત્વની બનાવી છે. એર ઈન્ડિયા તેના મેનેજમેન્ટમાં પરિવર્તન લાવવાનો હેતુ ધરાવે છે.

BOEએ વ્યાજ દરમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સ વધારો કર્યો
બ્રિટિશ સેન્ટ્રલ બેંક બેંક ઓફ ઈંગ્લેન્ડે તેના બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટમાં ગુરુવારે વધુ 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી હતી. જે સાથે તે 15-વર્ષોની ટોચ પર જોવા મળ્યાં હતાં. બેંકે સતત 14મી રેટ વૃદ્ધિ કરી બેન્ચમાર્ક રેટ 5.25 ટકા કર્યો હતો. સતત ઊંચા ઈન્ફ્લેશનને જોતાં બેંક તરફથી રેટ વૃદ્ધિ જળવાય રહી છે. અર્થશાસ્ત્રીઓ તરફથી રેટમાં વૃદ્ધિ અપેક્ષિત હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના નવમાંથી બે સભ્યોએ 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની તરફેણ કરી હતી. જ્યારે છ સભ્યોએ 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની તથા એક સભ્યે રેટને ફ્લેટ જાળવવા માટેની તરફેણ કરી હતી.
સપ્તાહમાં કોટનમાં ખાંડીએ રૂ. 1000નો સુધારો
સ્પીનીંગ મિલ્સની માગમાં સુધારા પાછળ કોટનના ભાવમાં ધીમી મજબૂતી જોવા મળી છે. ગયા સપ્તાહની આખરમાં રૂ. 57500 પ્રતિ ખાંડી પર ટ્રેડ થઈ રહેલા ભાવ રૂ. 1000ના સુધારે રૂ. 58500 પર જોવા મળ્યાં છે. વૈશ્વિક બજારમાં યાર્નની માગમાં સુધારા પાછળ સ્પીનર્સની પૂછપરછો વધતાં આમ બન્યું છે. જોકે, નવી સિઝનમાં વાવેતર ગઈ સિઝન જેટલું જોવા મળે છે. તેમજ પાકની સ્થિતિ પણ સારી હોવાથી કોઈ મોટી ભાવ વૃદ્ધિની શક્યતાં નથી જોવાઈ રહી. વૈશ્વિક બજારમાં પણ કોટનમાં સ્થિરતા જોવા મળી રહી છે. માર્કેટ વર્તુળો ભાવ રૂ. 60 હજારને પાર કરે તેવી શક્યતાં નથી જોઈ રહ્યાં.

યુએસ સોવરિન રેટિંગ ડાઉનગ્રેડથી ગોલ્ડને લાભ મળશે
કોમોડિટી એનાલિસ્ટ્સનું ઘટાડે ગોલ્ડમાં ખરીદી કરવાનૂં સૂચન

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિટ રેટિંગ તરફથી યુએસ સોવરિન રેટિંગના કરવામાં આવેલા ઘટાડાને ગોલ્ડ માટે પોઝીટીવ પરિબળ તરીકે જોવાઈ રહ્યું છે. બુલિયન એનાલિસ્ટ્સ માને છે કે ફિચની જાહેરાત પછી ડોલર ઈન્ડેક્સમાં શરૂઆતી પ્રતિક્રિયા ભલે નેગેટિવ જોવા નથી મળી પરંતુ લાંબાગાળાને ધ્યાનમાં લઈએ તો ગોલ્ડમાં તેજીની સંભાવના નથી. જ્યારે ગોલ્ડ માટે આ બાબત પોઝીટીવ બની રહેશે અને તે મધ્યમથી લાંબાગાળે સુધારો દર્શાવે તેવી શક્યતાં છે.
ફિચ રેટિંગે યુએસ સોવરિન રેટિંગને મંગળવારે AAA પરથી ઘટાડી AAપ્લસ કર્યું હતું. દેશના સતત વધતાં ડેટને લઈને તેણે આમ કર્યું હતું. છેલ્લાં 20-વર્ષોથી યુએસનું દેવું સતત વધી રહ્યું છે. તેમજ સરકારની ડેટ ચૂકવણી ક્ષમતા ઘટી રહી છે. ઇતિહાસમાં પ્રથમવાર યુએસે ફિચ સાથે ટોપ-ટિયર AAA રેટિંગ ગુમાવ્યું છે. તેણે રેટિંગમાં ઘટાડાના મુખ્ય કારણ તરીકે વધતી નાણાકિય મુશ્કેલીઓને ગણાવી હતી. જેમાં વધતાં રાષ્ટ્રીય ડેટ, વધતા બજેટ ખાધ અને વધતાં ઈન્ટરેસ્ટ પેમેન્ટ્સનો સમાવેશ થાય છે.
બુલિયન એનાલિસ્ટ્સના મતે ફિચ રેટિંગની પગલા પછી ગોલ્ડના ભાવમાં મજબૂતી જોવા મળી શકે છે. યુએસનું રેટિંગ ઘટતાં રોકાણકારો તેમની ડોલર એસેટ્સમાંથી કેટલુંક રોકાણ સેફ હેવનરૂપી ગોલ્ડમાં ખસેડી શકે છે. જે ગોલ્ડના ભાવે લાંબાગાળે 2000 ડોલર પર ટકવામાં સહાયરૂપ થઈ શકે છે. ગુરુવારે કોમેક્સ ખાતે ગોલ્ડનો ભાવ 1970 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં બે સપ્તાહથી તે સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળે છે. જોકે, નજીકમાં તેને 1950 ડોલરનો મજબૂત સપોર્ટ રહેલો છે. જ્યારે 1980 ડોલરનું સ્તર અવરોધ તરીકે કામ કરી રહ્યું છે. જો આ લેવલ પર બંધ રહેવામાં ગોલ્ડ સફળ રહેશે તો તે 2000 ડોલરની સપાટી પાર કરી શકે છે. ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં તે નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતાં હોવાનું એનાલિસ્ટ્સ માને છે. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડના ભાવ રૂ. 59500ની સપાટી પાર કરશે તો 60500-61000ની સપાટી તરફ ગતિ કરી શકે છે. ડોલર સામે રૂપિયામાં નરમાઈ પણ તેને માટે સહાયરૂપ બની શકે છે.
છેલ્લાં ત્રણ મહિનામાં ગોલ્ડ ઈટીએફ્સમાં ઈનફ્લો જોવા મળ્યો હતો. જે ગોલ્ડમાં સુધારાની ઊંચી શક્યતાં દર્શાવે છે એમ નિરીક્ષકો માની રહ્યાં છે. મે 2023ની આખર સુધીમાં તમામ ગોલ્ડ ઈટીએફ્સનું હોલ્ડિંગ્સ 3,478 ટન પર જોવા મળ્યું હતું. જે માસિક ધોરણે 19 ટન વૃદ્ધિ દર્શાવતું હતું. ભારતીય બજારમાં સોનું ત્રણ મહિના અગાઉ રૂ. 62000ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયું હતું. જોકે, ત્યારપછી તે ઘટાડાતરફી જળવાયું છે. દિવાળી સુધીમાં તે રૂ. 65000નું લેવલ દર્શાવે તેવી શક્યતાં વ્યક્ત કરવામાં આવે છે.

ટોરેન્ટ પાવર શાપુરજી પાલોનજીના ડિસેલીનેશન પ્લાન્ટ્સને ગ્રીન પાવર સપ્લાય કરશે

ટોરેન્ટ પાવરે તેની સબસિડિયરી ટોરેન્ટ ઉર્જા 8 પ્રાઈવેટ લિમિટેડ મારફતે શાપુરજી પાલોનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડ(SPCPL)ની સબસિડિયરીઝ સાથે પાવર ટ્રાન્સફર એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. જે હેઠળ ગુજરાત સ્થિત શાપુરજી પાલોનજીના ડિસેલીનેશન પ્લાન્ટ્સને ટોરેન્ટ પાવર ગ્રીન પાવર પૂરો પાડશે.
132 મેગાવોટના આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 700 કરોડનો રહેશે. ટોરેન્ટ પાવરની સ્થાપિત ક્ષમતા 1.18 ગીગાવોટની છે. જ્યારે કુલ પાવર ઉત્પાદન ક્ષમતા 4.2 ગીગાવોટની છે. 132 મેગાવોટના આ કોન્ટ્રેક્ટના સાઈનીંગ પછી ટોરેન્ટ પાવર કુલ વિવિધ ડેવલપમેન્ટ તબક્કા હેઠળ કુલ 0.73 ગીગાવોટ રિન્યૂએબલ ક્ષમતા ધરાવે છે. ટોરેન્ટ પાવર સીએન્ડઆઈ સેગમેન્ટ પર વ્યૂહાત્મક ફોકસ ધરાવે છે. તેમજ તેણે સીએન્ડઆઈ સ્પેસમાં તેને ભરોસાપાત્ર પ્લેયર તરીકે સ્થાપિત કરી છે. કંપનીએ સસ્ટેનેબિલિટી માટેની તેની પ્રતિબધ્ધતા અને સરકારના 2030 સુધીમાં નોન-ફોસિલ ફ્યુઅલમાંથી 500 ગીગાવોટની ક્ષમતના ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં રિન્યૂએબલ્સમાંથી પાવર જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે પંપ્ડ હાઈડ્રો અને ગ્રીન હાઈડ્રોજનમાંથી ગ્રીન એનર્જી પેદા કરવાના વિકલ્પો પર પણ કામ કરી રહી છે. કંપની રૂ. 25,694 કરોડ ટર્નઓવર સાથેની ઈન્ટિગ્રેટેડ પાવર કંપની છે.

અદાણી એન્ટરપ્રાઈઝનો નફો 43 ટકા ઉછળી રૂ. 673 કરોડ રહ્યો

અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝે જૂન ક્વાર્ટરમાં રૂ. 673 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 40,844.25 કરોડની સરખામણીમાં 37.71 ટકા ગગડી રૂ. 25,438.45 કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 6.71 ટકા ઘટાડો દર્શાવતો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 722.48 કરોડ પર નોંધાયો હતો. ત્રિમાસિક ધોરણએ કંપનીની આવક પણ 18.84 ટકા ઘટાડો સૂચવતી હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 31,346.05 કરોડ પર રહી હતી. કંપની ત્રણ રાજ્યોમાં આંઠ માઈનીંગ સર્વિસ કોન્ટ્રેક્ટ્સ ધરાવે છે. જ્યારે બે રાજ્યોમાં બે આર્યન ઓર માઈન સર્વિસ કોન્ટ્રેક્ટ્સ ધરાવે છે. જૂથ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે દરેક ક્વાર્ટરમાં, દરેક વર્ષે છેલ્લાં ત્રણ દાયકામાં અદાણી એન્ટરપ્રાઈઝિસે માત્ર ભારતના જ સૌથી સફળ બિઝનેસ ઈન્ક્યૂબેટર તરીકેની પ્રતિષ્ઠા જ નહિ પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક વૈશ્વિક પાવરહાઉસ તરીકેની પ્રતિષ્ઠા પણ હાંસલ કરી છે.

અદાણી પાવરનો નેટ પ્રોફિટ 83 ટકા ઉછળી રૂ. 8759 કરોડ રહ્યો
અદાણી જૂથની અદાણી પાવરે જૂન ક્વાર્ટરમાં રૂ. 8759 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 83.25 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4779.86 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 19.80 ટકા ઘટાડા સાથે રૂ. 11005.54 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13,723.06 કરોડ પર જોવા મળતી હતી. કંપનીએ ગયા ક્વાર્ટરની તેમજ વર્ષ અગાઉ સમાનગાળાની સરખામણીમાં અન્ય આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 7103.47 કરોડ પર રહી હતી. કંપનીનો એબિટા 41.5 ટકા વધી રૂ. 10,618 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7,506 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની સ્થાપિત ક્ષમતા વધી 15250 મેગાવોટ પર રહી હતી. જે ગયા વર્ષે 13,650 મેગાવોટ પર હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1612 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1607 કરોડ જેટલો જ જોવા મળે છે. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં જોવા મળતાં રૂ. 3006 કરોડની સરખામણીમાં લગભગ અડધો જોવા મળે છે. કંપનીની આવક 13.1 ટકા વધી રૂ. 26,375 કરોડ પર રહી હતી. જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ મોબાઈલ ડેટા ટ્રાફિક 15078 પેટા બાઈટ્સ પર જોવા મળ્યો હતો. જે વાર્ષિક 22.7 ટકા વૃદ્ધિ સૂચવતો હતો.
ઈન્ડિગો એરલાઈન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3090 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે એનાલિસ્ટ્સના રૂ. 2201 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો. કંપનીની આવક પણ રૂ. 16025 કરોડની અપેક્ષા સામે રૂ. 16,682 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1064.26 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
આઈઓબીઃ પીએસયૂ બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 500 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 392 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 27 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 2322 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 1754 કરોડની વ્યાજની આવક સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે.
એચપીસીએલઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 6203.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 5,697 કરોડના અંદાજની સરખામણીમાં 10 ટકા જેટલો ઊંચો છે. કંપનીની આવક પણ એનાલિસ્ટ્સની રૂ. 1.02 લાખ કરોડની અપેક્ષા સામે 10 ટકા જેટલી વૃદ્ધિ સાથે રૂ. 1.12 લાખ કરોડ પર જોવા મળી હતી.
ટીસીઆઈઃ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 83.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 76.6 કરોડના નફાની સરખામણીમાં 8.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનનો એબિટા ગયા વર્ષના રૂ. 115.1 કરોડની સરખામણીમાં રૂ. 124.4 કરોડ જોવા મળ્યો છે. જ્યારે તેની આવક 7.8 ટકા વધી રૂ. 887.5 કરોડ પર નોંધાઈ હતી.
એઆઈએ એન્જીનીયરીંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 272 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 190 કરોડના પ્રોફિટની સરખામણીમાં 40 ટકાથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1080 કરોડની સરખામણીમાં 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1240 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage