શેરબજારમાં તેજીનું મોમેન્ટમ અકબંધ, સેન્સેક્સે 65K કૂદાવ્યું
નિફ્ટીએ 19345ની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી
બેંકનિફ્ટીએ 45000ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 11.54ની સપાટીએ
PSU બેંક્સ, એફએમસીજી, મેટલમાં લેવાલી
ઓટો, આઈટી, ફાર્મામાં વેચવાલી
ભારતીય શેરબજારે નવી ટોચ દર્શાવવાનો ક્રમ જાળવ્યો છે. સોમવારે સપ્તાહના પ્રથમ સત્રમાં તેજીનું મોમેન્ટમ જળવાય રહેતાં બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 486.49 પોઈન્ટ્સની મજબૂતી સાથે 65,205.05ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 133.50ની મજબૂતી સાથે 19,322.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોક, લાર્જ-કેપ્સમાં ઘણા કાઉન્ટર્સમાં ઊંચે મથાળે પ્રોફિટ બુકિંગને કારણે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 26 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. કુલ 3840 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1903 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1787 નેગેટિવ જોવા મળતાં હતાં. 244 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 11.54ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19189ના બંધ સામે 19246ની સપાટીએ ગેપ-અપ ખૂલી ઉપરમાં 19345ની હાઈ પર ટ્રેડ થઈ 19300ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 88 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19411 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 82 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ દર્શાવે છે. આમ માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશનની શક્યતાં નથી. જે બજારમાં તેજીનો દોર જળવાય રહે તેમ સૂચવે છે. ટેકનીકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી નવા ઝોનમાં હોવાથી તેને ઉપરમાં કોઈ અવરોધ નથી. જોકે, તે ઓવરબોટ ઝોનમાં છે અને તેથી ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ તેજીમાં વિરામ જોવા મળી શકે છે. 19300-19400ની રેંજ પાર થશે તો નિફ્ટી 19700-20000 સુધીની તેજી પણ દર્શાવી શકે છે. વિદેશી રોકાણકારો તરફથી મજબૂત ખરીદીને જોતાં માર્કેટમાં મોમેન્ટમમાં ટૂંકા સમયમાં રિવર્સલની શક્યતાં ઓછી છે એમ તેઓ માને છે. સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં ગ્રાસિમ, બીપીસીએલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી,ઓએનજીસી, આઈશર મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, બજાજ ઓટો, સિપ્લા, મારુતિ સુઝુકી, ડો. રેડ્ડીઝ લેબ્સ, નેસ્લે, યૂપીએલ, ટીસીએસ અને લાર્સનમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવ જોઈએ તો નિફ્ટી બેંકે 0.92 ટકા મજબૂતી સાથે ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો. તેણે 411 પોઈન્ટ્સ મજબૂતી સાથે 45158.10 પર બંધ આપ્યું હતું. નિફ્ટી પીએસયૂ બેંક્સ 3.61 ટકા ઉછળ્યો હતો. જેમાં કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક અને આઈઓબી મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી 1 ટકાથી વધુ સુધારે સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેમાં આઈટીસીનું યોગદાન મુખ્ય હતું. કંપનીનો શેર 2.6 ટકા ઉછળી રૂ. 463.25ની ટોચ પર બંધ રહ્યો હતો. નિફ્ટી મેટલ, નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી પીએસઈમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો એલએન્ડટી ફાઈનાન્સ 8 ટકા મજબૂતી સાથે ઓલ-ટાઈમ ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત આઈડીએફસી, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, આઈઓસી, પીએનબી, એચપીસીએલ, ગ્રાસિમ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, મહાનગર ગેસ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ પર્સિસ્ટન્ટ, ક્યુમિન્સ, બંધન બેંક, મણ્ણાપુરમ ફાઈ., લૌરસ લેબ્સ, ગ્લેનમાર્ક, અપોલો ટાયર્સ, ઓરોબિંદો ફાર્મા, ગોદરેજ કન્ઝ્યૂમરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો.
ભારતીય શેરબજાર ટોચ પર જ્યારે હરિફ બજારો ટોચથી 47 ટકા નીચે
દેશના કટ્ટર હરિફ ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 2007માં 6124ની ટોચ સામે 47 ટકા ડિસ્કાઉન્ટમાં 3244 પર ટ્રેડ થઈ રહ્યો છે
ભારતીય શેરબજાર બેન્ચમાર્ક્સ છેલ્લાં ત્રણ સત્રોથી ઉત્તરોત્તર નવી ટોચ દર્શાવી રહ્યાં છે ત્યારે હરિફ બજારો તેમની સર્વોચ્ચ સપાટી પરથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતાં જોવા મળી રહ્યાં છે. જેમાં દેશના કટ્ટર હરિફ ચીનનું બજાર સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહેલું જણાય છે. આ ઉપરાંત યુએસ અને યુરોપના બજારો પણ ભારતીય બજારની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. તેઓ તેમની ટોચની સપાટીથી 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ સૂચવે છે.
સ્થાનિક બેન્ચમાર્ક્સ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ સોમવારે તેમની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. સેન્સેક્સે 65,247.74ની ટોચ બનાવી હતી. જ્યારે નિફ્ટીએ 19,336.10ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ કર્યું હતું. જોકે, વિશ્વના અગ્રણી બેન્ચમાર્ક્સ પર નજર નાખીએ તો તેઓ તેમના ટોચના લેવલ્સથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતાં જોવા મળતાં હતાં. જેમકે, ચીનના શેરબજારનો બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ તેણે 16-વર્ષ અગાઉ દર્શાવેલી ટોચ પરથી 47 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. શાંઘાઈ કંપોઝીટે ઓક્ટોબર 2007માં તેની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. જ્યારપછી તે ફરીથી ક્યારેય આ સપાટી દર્શાવી શક્યો નથી. તે 5000ના લેવલ પર પણ ટકી શક્યો નથી. સોમવારે તે 3244ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં ચાઈનીઝ અર્થતંત્રમાં નીચા વૃદ્ધિ દર તેમજ સ્થાનિક સરકાર તરફથી કોર્પોરેટ કંપનીઓ સાથેના વર્તનને કારણે રોકાણકારો ચીનના બજારમાં રોકાણથી દૂર થતાં જોવા મળી રહ્યાં છે. ચીન ઉપરાંત, હોંગ કોંગનો બેન્ચમાર્ક હેંગ સેંગ પણ તેની સર્વોચ્ચ ટોચથી 42 ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. હેંગ સેંગે સાતથી આંઠ વર્ષ અગાઉ 33484ની ટોચ દર્શાવી હતી. જ્યારપછી તે કરેક્શનમાં જોવા મળી રહ્યો છે. સોમવારે તે 19249ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. કેટલાંક અન્ય ટોચના બેન્ચમાર્ક્સમાં યુએસનો નાસ્ડેક(15 ટકા), જાપાનનો નિક્કાઈ(13 ટકા), એસએન્ડપી 500(8 ટકા) અને ડાઉ જોન્સ(7 ટકા) ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. યુરોપિયન બેન્ચમાર્ક્સ ફૂટ્સી(6 ટકા), કેક(2.4 ટકા) અને ડેક્સ(1.7 ટકા)નું પ્રમાણમાં ઓછું ડિસ્કાઉન્ટ દર્શાવે છે. તેમણે ચાલુ કેલેન્ડરની શરૂમાં જ તેમની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. જ્યારપછી તે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. જોકે, જાપાન, ચીન અને હોંગ કોંગના બજારો છેલ્લાં ઘણા વર્ષોથી નવી ટોચ દર્શાવવામાં નિષ્ફળ જોવા મળે છે. જેમકે, જાપાનના નિક્કાઈએ 1986માં તેની 38957ની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જેને હજુ પાર નથી કરી. તે જ રીતે ચીનનો બેન્ચમાર્ક 2007માં દર્શાવેલી ટોચથી લગભગ અડધા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
અગ્રણી ઈક્વિટી બેન્ચમાર્ક્સનો દેખાવ
સૂચકાંક બજારભાવ ઓલ-ટાઈમ હાઈ ફેરફાર(ટકામાં)
નિફ્ટી 50 19313.40 19336.10 -0.1%
સેન્સેક્સ 65147.17 65240.57 -0.1%
DAX 16147.90 16427.42 -1.7%
CAC 40 7400.06 7581.26 -2.4%
FTSE 100 7531.53 8047.06 -6.4%
ડાઉ જોન્સ ઈન્ડ. 34407.60 36952.65 -6.9%
S&P 500 4450.38 4818.62 -7.6%
નિક્કાઈ 225 33737.31 38957.54 -13.4%
નાસ્ડેક 13787.92 16212.23 -15.0%
હેંગ સેંગ 19248.80 33484.08 -42.5%
શાંઘાઈ કંપોઝીટ 3243.63 6124.04 -47.0%
સ્ટીલની આયાત પર CVDની શક્યતાંનો ઈન્કાર
દેશમાં સ્ટીલની આયાત પર કાઉન્ટરવેઈલીંગ ડ્યૂટી(સીવીડી)ની શક્યતાંનો જાણકાર સરકારી વર્તુળોએ ઈન્કાર કર્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી ચીન ખાતેથી સ્ટીલની આયાતમાં વૃદ્ધિ છતાં સરકાર હાલમાં સીવીડી લાગુ પાડવાનું વિચારી રહી નથી. જેનું કારણ દેશમાં નીચો ફુગાવો જાળવી રાખવાનું હોવાનું તેઓ જણાવે છે. અગાઉ સ્ટીલ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝે(ડીજીટીઆર) નાણા મંત્રાલયને સ્ટીલની આયાત પર 19 ટકા સીવીડી લાગુ પાડવા માટે ભલામણ કરી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ ડીજીટીઆરની ભલામણ માત્ર ત્રણ મહિના માટે માન્ય હોય છે અને આગામી પાંચ જુલાઈએ તે સમાપ્ત થાય છે. એટલેકે તમામ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવાની રહેશે એમ તેઓ ઉમેરે છે.
રેસિડેન્શિયલ હાઉસિંગ લોન્સના હિસ્સામાં વૃદ્ધિ યથાવત
બેંક્સ અને એનબીએફસી તરફથી કુલ એડવાન્સિસમાં રેસિડેન્શિયલ હાઉસિંગ લોન્સનો હિસ્સો સતત વધી રહ્યો છે. માર્ચ 2012માં કુલ લોન્સમાં 8.6 ટકાના હિસ્સા પરથી વધતો રહી માર્ચ 2023માં તે 14.2 ટકા પર નોંધાયો હતો એમ આરબીઆઈનો ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જણાવે છે. રિપોર્ટ નોંધે છે કે હાઉસિંગ સેક્ટરમાં તંદુરસ્ત વેચાણ ગ્રોથ પાછળ આમ બન્યું છે. જાન્યુઆરી-માર્ચ 2023ના ક્વાર્ટરમાં હાઉસિંગ વેચાણમાં 21.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. રેસિડેન્શિયલ હાઉસિંગ લોનનો હિસ્સો વધી રહ્યો છે ત્યારે માર્ચ 2012થી માર્ચ 2023 સુધીમાં કમર્સિયલ રિઅલ એસ્ટેટનો સમગ્ર એડવાન્સિસમાં હિસ્સો 2-2.9 ટકાની રેંજમાં જળવાયેલો જોવા મળે છે.
એપ્રિલ-જૂનમાં FPIનું રોકાણ રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું
વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે છેલ્લાં નવ ક્વાર્ટર્સમાં સૌથી ઊંચો ઈનફ્લો દર્શાવ્યો
માત્ર ત્રણ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPIs)એ ભારતીય શેરબજારમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ ઠાલવ્યું છે. જેની પાછળ બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પર પહોંચી ગયાં છે. માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ કોર્પોરેટ કંપનીઓ તરફથી મજબૂત અર્નિંગ્સ ગ્રોથ, મેક્રોઈકોનોમિક પરિબળોમાં સ્થિરતા અને ઈન્ફ્લેશનમાં નરમાઈને પગલે ભારતીય ઈક્વિટીઝમાં વિદેશી રોકાણકારો નવેસરથી રસ લઈ રહ્યાં છે.
નાણા વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં એફપીઆઈ તરફથી રૂ. 1.03 લાખ કરોડનું ચોખ્ખું ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું છે. જે છેલ્લાં નવ ક્વાર્ટર્સમાં એટલેકે સવા બે વર્ષોમાં ત્રિમાસિક ધોરણે સૌથી ઊંચું છે. આ અગાઉ વિદેશી રોકાણકારોએ 2020-21ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1.42 લાખ કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જે ભારતીય શેરબજારમાં ત્રિમાસિક ધોરણે સૌથી ઊંચો ઈનફ્લો હતો. માર્ચ ક્વાર્ટર(જાન્યુઆર-માર્ચ 2023)ની વાત કરીએ તો એફપીઆઈએ કુલ રૂ. 26,211 કરોડનું વેચાણ દર્શાવ્યું હતુ. ચાલુ નાણાકિય વર્ષની શરૂઆત સાથે જ વિદેશી રોકાણકારો ચોખ્ખા ખરીદાર બની રહ્યાં છે. જેમાં એપ્રિલમાં તેમણે રૂ. 11,631 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યારે મેમાં તેમના તરફથી રૂ. 43,838 કરોડ અને જૂનમાં રૂ. 47,148 કરોડના ઈનફ્લોનો સમાવેશ થાય છે. માસિક ધોરણે જૂનમાં સૌથી ઊંચો ઈનફ્લો નોઁધાયો છે. એનાલિસ્ટ્સના મતે ચીન ખાતે આર્થિક વૃદ્ધિ દર અને અર્નિંગ્સમાં અપેક્ષિત રિવાઈવલના અભાવે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફર્યાં છે. કેલેન્ડરની શરૂમાં તેમણે અપનાવેલી ‘સેલ ઈન્ડિયા, બાય ચાઈના’ સ્ટ્રેટેજી ખોટી પુરવાર થઈ હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. કેમકે ચાઈનીઝ અર્થતંત્રનું આર્થિક સંજોગો કથળ્યાં છે જ્યારે ભારતના ફંડામેન્ટલ્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ચીનનું અર્થતંત્ર સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે અને તે ઘણા વર્ષો સુધી મંદ આર્થિક વૃદ્ધિ દર્શાવી શકે છે.
ભારતની રશિયા ખાતેથી ઓઈલ ખરીદી નવી ટોચે
ટૂંક સમયમાં જ દેશની રશિયન ક્રૂડ ખરીદી તેની ટોચ મર્યાદા પર પહોંચે તેવી શક્યતાં
જૂનમાં 10મા મહિને વૃદ્ધિ સાથે દૈનિક 22 લાખ બેરલ્સની વિક્રમી ખરીદી નોંધાઈ
ભારતની રશિયન ઓઈલની આયાત જૂન મહિનામાં એક નવી ઊંચાઈ પર પહોંચી હતી. જ્યારપછી દેશ તેની મહત્તમ ખરીદ મર્યાદાની નજીક હોવાનું એનાલિસ્ટ્સ જણાવી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુધ્ધ પછી ભારતે ઓપેકપ્લસ દેશ પાસેથી ઊંચી માત્રામાં ક્રૂડની ખરીદી કરી છે.
જૂનમાં દૈનિક ખરીદી 22 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર પહોંચી હતી. જે સતત 10મા મહિને વૃદ્ધિ દર્શાવતી હતી એમ કેપ્લેરના ક્રૂડ એનાલિસિસ હેડ વિક્ટર કટોના જણાવે છે. ભારતની રશિયન ક્રૂડ ખરીદી સાઉદી અરેબિયા અને ઈરાક ખાતેથી દેશની સંયુક્ત ખરીદી કરતાં પણ ઊંચી જોવા મળી હતી એમ ડેટા સૂચવે છે. યૂક્રેન સાથે યુધ્ધ પછી ભારત રશિયન ક્રૂડના ટોચના ખરીદાર તરીકે ઉભર્યું છે. જોકે, હાલમાં તેની ખરીદી ટોચની મર્યાદા નજીક હોવાનું એનાલિસ્ટ માને છે. તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈસ્યુને ધ્યાનમાં રાખી આમ જણાવી રહ્યાં છે. તેમજ અન્ય સપ્લાયર્સ સાથે સારા સંબંધો જાળવવાની જરૂરિયાતને પણ તેઓ ગણનામાં લઈ રહ્યાં છે. કેપ્લેરના જણાવ્યા મુજબ નીચા રશિયન સપ્લાયને કારણે નવા મહિનામાં ભારતમાં આયાત ઘટી શકે છે. છેલ્લાં બે મહિનાથી જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રશિયન ક્રૂડની સૌથી મોટી ખરીદાર છે. બીજા ક્રમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવે છે એમ કેપ્લેર જણાવે છે. જૂનમાં ભારતની ઉરલ્સ ઓઈલની આયાતે પ્રતિ દિવસ 15 લાખ ટનનો નવો વિક્રમ દર્શાવ્યો હોવાનું એનાલિટીક્સ કંપની નોંધે છે.
સોલાર પેનલ્સ માટેની ઊંચી વૈશ્વિક માગ પાછળ ચાંદીમાં સપ્લાય શોર્ટેજ
વૈશ્વિક સ્તરે સિલ્વરનું ઉત્પાદન સાધારણ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે જ્યારે ટેક્નોલોજીમાં બદલાવને કારણે માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે
PERC સેલ્સમાં પ્રતિ વોટ 10 મિલિગ્રામ્સ સિલ્વરની જરૂર પડે છે જ્યારે ટોપકોન સેલ્સમાં 13 મિલિગ્રામ્સ અને હેટરોજંક્શનમાં 22 મિલિગ્રામ્સ સિલ્વરની જરૂર પડે છે
ચાંદી માટે પ્રાઈમરી માઈન્સ સંખ્યા ખૂબ જૂજ છે. ધાતુનો 80 ટકા સપ્લાય લેડ, ઝીંક, કોપર અને ગોલ્ડ પ્રોજેક્ટ્સમાંથી બાય-પ્રોડક્ટ તરીકે આવે છે
સોલાર પેનલ ટેક્નોલોજીમાં પરિવર્તનને કારણે વિશ્વભરમાં ચાંદીની માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેને કારણે સપ્લાય ખાધ ઊભી થઈ છે. ચાંદીની માગમાં વૃદ્ધિ સામે ઉત્પાદનમાં સુધારો જોવા મળી રહ્યો નથી, જે પુરવઠાની સ્થિતિને વધુ તંગ બનાવી શકે છે.
પેસ્ટ સ્વરૂપમાં ચાંદી સિલિકોન સોલાર સેલ્સના આગળના તથા પાછળના ભાગે કંડક્ટીવ લેયર્સ પૂરું પાડે છે. જોકે, સોલાર પેનલ ઉદ્યોગે હવે વધુ કાર્યદક્ષ સેલ્સ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં ધાતુનો ઊંચો વપરાશ જોવા મળે છે. જે અગાઉથી જ ઊંચા જોવા મળતાં ચાંદીના વપરાશને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે. હાલમાં વિશ્વમાં ચાંદીની કુલ માગમાં હજુ સોલાર પેનલ્સન હિસ્સો પ્રમાણમાં ઘણો નીચો છે. જોકે, તેનું પ્રમાણ વધી રહ્યું છે. ચાંદી ઉદ્યોગના એસોસિએશન સિલ્વર ઈન્સ્ટીટ્યુટના એક રિપોર્ટ મુજબ 2014માં ચાંદીનો 5 ટકાનો વપરાશ ધરાવતાં સોલાર ઉદ્યોગે ચાલુ વર્ષ માટે 14 ટકા વપરાશની આગાહી કરી છે. આમાં મોટાભાગની વૃદ્ધિ ચીન તરફથી જોવા મળી રહી છે. ચીન ચાલુ વર્ષે યુએસ ખાતે અત્યાર સુધીની કુલ પેનલની સરખામણીમાં વધુ પેનલ્સ સ્થાપિત કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે. સિંગાપુર સ્થિત ડિલર સિલ્વર બુલિયનના ફાઉન્ડરના જણાવ્યા મુજબ સિલ્વરની માગમાં સ્થિરતાનું મહત્વનું ઉદાહરણ સોલાર છે. અત્યાર સુધી તે નાના જથ્થામાં ચાંદીનો ઉપયોગ કરીને ઊભરતી જોવા મળી છે પરંતુ હવે સ્થિતિ બદલાય રહી છે. આગામી બેથી ત્રણ વર્ષોમાં ટનલ ઓક્સાઈડ પેસિવેટેડ કોન્ટેક્ટ અને હેટરોજંક્શન સ્ટ્રક્ટર્સ મારફતે સ્ટાન્ડર્ડ પેસિવેટેડ એમિટર અને રેર કોન્ટેક્ટ સેલ ઉદ્યોગને ઓવરટેક કરી લેશે તેમ જણાય છે એમ બ્લૂમબર્ગેએનઈએફ જણાવે છે. PERC સેલ્સમાં પ્રતિ વોટ 10 મિલિગ્રામ્સ સિલ્વરની જરૂર પડે છે જ્યારે ટોપકોન સેલ્સમાં 13 મિલિગ્રામ્સ અને હેટરોજંક્શનમાં 22 મિલિગ્રામ્સ સિલ્વરની જરૂર પડે છે. બીજી બાજુ, ચાંદીનો સપ્લાય સખત બની રહ્યો છે. ગયા વર્ષે માગમાં 20 ટકા વૃદ્ધિ સામે સપ્લાય સ્થિર જોવા મળ્યો હતો એમ સિલ્વર ઈન્સ્ટીટ્યુટનો ડેટા સૂચવે છે. ચાલુ વર્ષે પ્રોડક્શનમાં 2 ટકા વૃદ્ધિની આગાહી છે. જ્યારે ઔદ્યોગિક વપરાશમાં 4 ટકા વૃદ્ધિ જોવા મળશે. સિલ્વરના ખરીદારો માટે પરેશાની નજીકના સમયગાળામાં દૂર થવાની શક્યતાં નથી. જેનું કારણ પ્રાઈમરી માઈન્સની ખૂબ જ જૂજ સંખ્યા છે. ચાંદીમાં 80 ટકા સપ્લાય લેડ, ઝીંક, કોપર અને ગોલ્ડ પ્રોજેક્ટ્સમાંથી આવે છે. જ્યાં સિલ્વર એક બાય-પ્રોડક્ટ છે. હાલના માહોલમાં માઈનર્સ નવા પ્રોજેક્ટ્સ માટે તૈયાર નથી. જેનું કારણ અન્ય કિંમતી તેમજ ઔદ્યોગિક ધાતુઓની સંખ્યામાં ચાંદીમાં નીચાં માર્જિન્સ છે. આનો અર્થ ભાવમાં સુધારાના સંકેતો પણ ઉત્પાદનમાં વૃદ્ધિ લાવે તેવી શક્યતાં નથી. નવી મંજૂરી મેળવનારા પ્રોજેક્ટ્સ પણ ઉત્પાદન માટે એક દાયકા જેટલાં દૂર જણાય છે. ચાંદીના સપ્લાય પર એટલો ઊંચો તણાવ જોવાશે કે 2050 સુધીમાં સોલાર સેક્ટર ચાંદીની અનામતો(સિલ્વર રિઝર્વ્સ)નો 85.98 ટકા ઉપયોગ કરી લેશે એમ ન્યૂ સાઉથ વેલ્થ યુનિવર્સિટીનો અભ્યાસ જણાવે છે. પ્રતિ સેલ ચાંદીનો વપરાશનું વોલ્યુમ વધશે એમ આ અભ્યાસના લેખકોમાંના એકનું કહેવું છે.
ચીનની સોલાર કંપનીઓ જોકે સક્રિયપણે ચાંદીના સસ્તાં વિકલ્પો જેવાકે ઈલેક્ટ્રોપ્લેટેડ કોપરની શક્યતાં શોધી રહી છે. જોકે, અત્યાર સુધી પરિણામો મિશ્ર જોવા મળ્યાં છે. વિશ્વમાં સૌથી મોટા સોલાર પેનલ ઉત્પાદન કંપની લોંગી ગ્રીન એનર્જી ટેક્નોલોજીના ચેરમેન ઝોન બોશેનના જણાવ્યા મુજબ સસ્તી ધાતુનો ઉપયોગ કરતી ટેક્નોલોજીસ પૂરતાં પ્રમાણમાં તૈયાર થઈ ચૂકી છે અને એકવાર ચાંદીના ભાવમાં ઉછાળા વખતે તેનો માસ પ્રોડક્શન માટે ઉપયોગ શરૂ થશે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ચાંદી એકવાર 30 ડોલરની આસપાસ ટ્રેડ થશે ત્યારે વૈકલ્પિક ટેક્નોલોજી વધુ આકર્ષક જણાશે. હાલમાં વૈશ્વિક બજારમાં ચાંદી 22-23 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ વચ્ચે ટ્રેડ થઈ રહી છે.
GIFT Niftyમાં ટ્રેડિંગ શરૂઃ પ્રથમ દિવસે 1.3 અબજ ડોલરનું વોલ્યુમ જોવા મળ્યું
સિંગાપુર ખાતે ટ્રેડ થતાં 7.5 અબજ ડોલરના મૂલ્યના તમામ ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ હવેથી ગિફ્ટ સિટી ખાતે શિફ્ટ થયાં
ભારતીય શેરબજાર જ્યારે ઓલ-ટાઈમ હાઈને સ્પર્શ કરી રહ્યું છે ત્યારે અત્યાર સુધી સિંગાપુર સ્ટોક એક્સચેન્જ ખાતે ટ્રેડ થતી SGX નિફ્ટીનું હવેથી GIFT નિફ્ટીના નવા અવતારમાં સોમવારથી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ટ્રેડિંગ શરૂ થયું હતું. પ્રથમ દિવસે પહેલાં સત્રમાં 1.3 અબજ ડોલરના કામકાજ નોંધાયા હતાં. ગિફ્ટી નિફ્ટી દિવસમાં બે તબક્કામાં 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઓપન રહેશે. જે એસજીએક્સ નિફ્ટીના 16 કલાકના ટ્રેડિંગ સમયકાળ કરતાં 5 કલાક વધારે છે. જેને કારણે સમગ્ર ટાઈમઝોન દરમિયાન ટ્રેડર્સ ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગનો લાભ લઈ શકશે.
સિંગાપુર એક્સચેન્જ ખાતે ટ્રેડિંગ ધરાવતાં તમામ ડેરિવેટીવ્સ ટ્રેડિંગ કોન્ટ્રેક્ટ્સને ગિફ્ટ સિટી સ્થિત એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ(NSE IX) ખાતે શિફ્ટ કરવામાં આવ્યાં છે. તેઓ લગભગ 7.5 અબજ ડોલરનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ધરાવે છે. સોમવારથી ગિફ્ટ નિફ્ટીમાં બે સત્રોમાં કામકાજ શરૂ થયાં હતાં. જેમાં પ્રથમ સત્ર સવારે 6-30થી શરૂ થયું હતું. જે 3-40 સુધી ચાલ્યું હતું. જ્યારે બીજું સત્ર 5 વાગે શરૂ થયું હતું. જે મોડી રાતે 2.45 વાગે પૂરું થયું હતું. શરૂઆતમાં ચાર બેન્ચમાર્ક્સમાં ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. જેમાં ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ગિફ્ટ નિફ્ટી આઈટીનો સમાવેશ થતો હતો. એસજીએક્સ નિફ્ટીને ગિફ્ટ નિફ્ટી તરીકે રિબ્રાન્ડિંગ કરી ગિફ્ટ સિટીમાં શિફ્ટ કરવું પગલું ગિફ્ટ સિટીને ભારતીય અને વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈટી બિઝનેસિસ હબ તરીકે સ્થાપિત કરવાની સરકારની મહત્વાકાંક્ષાની દિશામાં લેવાયેલું એક વધું પગલું છે. ખાસ, કરીને વિશ્વમાં ભારતીય શેરબજાર તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી રહ્યાં છે અને મજબૂત મોમેન્ટમ જોવા મળી રહ્યું છે ત્યારે વૈશ્વિક રોકાણકારોને ભારત સ્થિત ફાઈનાન્સિયલ સેઝમાં ટ્રેડિંગની તક મળશે. ટાઈમ ઝોનની રીતે પણ સિંગાપુર કરતાં ભારત ઊંચું ઓવરલેપિંગ ધરાવે છે અને તેથી ગિફ્ટ નિફ્ટી વધુ લિક્વિડીટી મેળવી શકે છે.
એસજીએક્સ નિફ્ટી દૈનિક ધોરણે સરેરાશ 3.9 અબજ ડોલરનું ટર્નઓવર ધરાવતો હતો. 2022માં તે દૈનિક ધોરણે 9.6 અબજ ડોલરનું ઓપન ઈન્ટરેસ્ટ ધરાવતો હતો. અત્યાર સુધી ઓફશોર માર્કેટમાં જોવા મળતું ટર્નઓવર હવેથી ઓનશોર ગિફ્ટ સિટીમાં શિફ્ટ થતું જોવાશે. શરૂઆતમાં ગિફ્ટ સિટીમાં દૈનિક 1.5 અબજ ડોલરથી 2 અબજ ડોલરની રેંજમાં વોલ્યુમ જોવા મળે તેવી અપેક્ષા છે. 2021-22માં નિફ્ટી ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સ એસજીએક્સના ઈક્વિટી ડેરિવેટીવ્સ વોલ્યુમ્સમાં બીજું સૌથી મોટું યોગદાન આપનારાઓમાંના હતાં. પ્રથમ ક્રમે એસજીએક્સ ફૂટ્સી ચાઈના એ50 ઈન્ડેક્સ ફ્યુચર્સ આવતો હતો. આ કોન્ટ્રેક્ટ્સે ઊંચી સરેરાશ ફી અને વધતાં ટ્રેડિંગ વોલ્યુમ્સ પાછળ એનએસઈની રેવન્યૂમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. અગાઉ સિંગાપુર એક્સચેન્જ અને એનએસઈ વચ્ચે એક એગ્રીમેન્ટ મુજબ એનએસઈ નિફ્ટી ફ્યુચર્સ અને ઓપ્શન્સને સિંગાપુર ખાતે ટ્રેડ થવા દેશે. જોકે, 2018માં એનએસઈએ આ કોન્ટ્રેક્ટને રદ કર્યો હતો. તેના પરિણામે સિંગાપુર એક્સચેન્જે ડેરિવેટીવ્સ પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. જેને એનએસઈએ તેના ઈન્ટીલેક્ચ્યૂલ પ્રોપર્ટી રાઈટ્સનો ભંગ ગણાવ્યો હતો. આ વિવાદ કોર્ટમાં ગયો હતો. જોકે, પાછળથી સપ્ટેમ્બર 2020માં બંને પક્ષોએ સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
અલ્ટ્રાટેક સિમેન્ટઃ દેશમાં ટોચના સિમેન્ટ ઉત્પાદકે નાણા વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં 2.86 કરોડ ટન ગ્રે સિમેન્ટ અને 4.1 લાખ ટન વ્હાઈટ સિમેન્ટનું વેચાણ વોલ્યુમ નોંધાવ્યું છે. જે સાથે કંપનીએ નવો વેચાણ વિક્રમ દર્શાવ્યો છે. કંપનીનો શેર સોમવારે 2 ટકા ઉછળી રૂ. 8499ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 2.43 લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે જણાવ્યું છે કે ઝી એન્ટરટેઈનમેન્ટે તમામ નાણા ચૂકવી દીધાં છે. જેને પરિણામે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલમાંની અપીલને દૂર કરવામાં આવી છે. બંને પક્ષોએ કોર્ટની બહાર આ ડિલ ઉકેલ્યું હતું.
કોલ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રની કોલ ઉત્પાદક કંપનીએ એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં 17.55 કરોડ ટન કોલ ઉત્પાદન દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના ચેરમેને 2023-24 માટે નિર્ધારિત કરવામાં આવેલા 78 કરોડ ટનના ઉત્પાદન લક્ષ્યાંકને હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી જૂથ કંપનીમાં યુએસ સ્થિત ઈન્વેસ્ટર જીક્યૂજી પાર્ટનર્સ ઈમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટી ફંડે 72.59 લાખ શેર્સની ખરીદી કરી છે. જ્યારે ગોલ્ડમેન સાચ ટ્રસ્ટ 2એ પણ કંપનીમાં 1.4 કરોડ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
ટુ-વ્હીલર કંપનીઝઃ ટુ-વ્હીલર્સ અગ્રણી હીરો મોટોકોર્પે જૂનમાં 4.4 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.8 લાખ યુનિટ્સના વેચાણની સરખામણીમાં 9.9 ટકા જેટલું નીચું હતું. આઈશર મોટર્સે રોયલ એનફિલ્ડ્સનું 77,109 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે અપેક્ષા મુજબ હતું. અતુલ ઓટોનું વેચાણ વાર્ષિક ધોરણે 30.3 ટકા ગગડી 1267 યુનિટ્સ પર રહ્યું હતું. ટીવીએસ મોટરનું વેચાણ 3 ટકા વધી 3,16,411 યુનિટ્સ પર નોંધ્યું હતું.
પેસેન્જર વેહીકલ્સ કંપનીઝઃ તાતા મોટર્સે જૂનમાં 81,673 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. જે માર્કેટની 78000 યુનિટ્સની અપેક્ષા કરતાં ઊંચું હતું. જેની પાછળ કંપનીનો શેર સોમવારે રૂ. 602.30ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. એસએમએલ ઈસુઝુનું વેચાણ 3 ટકા ઘટી 1,279 યુનિટ્સ પર જોવા મળતું હતું. અશોક લેલેન્ડનું વેચાણ વાર્ષિક ધોરણે 5 ટકા વધી 15,221 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
ગો ફર્સ્ટઃ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટના રિવાઈવલ પ્લાનને મંજૂરી આપતાં અગાઉ કંપનીની સુવિધાઓનું ઓડિટ કરવાનું નક્કી કર્યું છે. વોચડોગના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ તેઓ દિલ્હી અને મુંબઈ સ્થિત સુવિધાઓનું 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન સ્પેશ્યલ ઓડિટ હાથ ધરશે. ગો ફર્સ્ટ 3 જૂનથી ઉડાન ભરી રહી નથી.
મઝગાંવ ડોકઃ સરકારી શીપબિલ્ડીંગ કંપની સાથે દેશના સંરક્ષણ મંત્રાલયે રૂ. 2725 કરોડના મૂલ્યનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.