શોર્ટ કવરિંગ પાછળ સ્થાનિક બેન્ચમાર્ક્સમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેક્સ 60 હજારને પાર કરવામાં સફળ
નિફ્ટી સપ્તાહની ટોચે બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ગગડી 14.39ના સ્તરે
બેંકિંગની આગેવાની હેઠળ બજારમાં તેજી
ઓટો, આઈટીમાં પણ પોઝીટીવ માહોલ
ફાર્મા, એનર્જી, રિઅલ્ટી, મેટલમાં નરમાઈ
ભારતીય શેરબજારમાં લગભગ એક સપ્તાહની બે બાજુની તીવ્ર ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ શુક્રવારે રાહત સાંપડી હતી. જેની પાછળ બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો અને વૈશ્વિક હરિફોની સરખામણીમાં સ્થાનિક બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 910 પોઈન્ટ્સ ઉછળી 60842ની સપાટીએ જ્યારે નિફ્ટી 244 પોઈન્ટ્સ ઉછળી 17,854ના સ્તરે બંધ જળવાયાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 12 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં લેવાલીનો અભાવ જોવા મળ્યો હતો અને બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3668 કાઉન્ટર્સમાંથી 2310 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1237 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 100 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 228 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું લો નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 9 ટકા ગગડી 14.39ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ બજારમાં મજબૂતી પાછળ શુક્રવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17610ના બંધ સામે 17722ની સપાટીએ ખૂલી શરૂઆતી તબક્કામાં નેગેટીવ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન 17584નું લો બનાવી ઈન્ડેક્સ 17870ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સ 23 પોઈન્ટ્સ પ્રિમીયમે 17877ની સપાટીએ બંધ રહ્યો હતો. જે કોઈ મોટી લોંગ પોઝીશન ઊભી થઈ હોવાનું સૂચવતો નથી. અદાણી જૂથના કેટલાંક શેર્સમાં તળિયાના સ્તરેથી જોવા મળેલા તીવ્ર બાઉન્સ પાછળ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજીમાં ફેરવાયું હતું. જેણે શોર્ટ સેલર્સ પર તેમની પોઝીશન કાપવા માટે દબાણ કર્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17800ની સપાટી પાર કરવામાં સફળ રહેવાથી હવે 18 હજારનો નવો ટાર્ગેટ રહેશે. જોકે માર્કેટમાં તીવ્ર તેજીના કોઈ સંકેતો નથી. લોંગ ટ્રેડર્સ 17600નો સ્ટોપલોસ જાળવી તેમની પોઝીશન ઊભી રાખી શકે છે. જ્યારે શોર્ટ સેલર્સ 18200ના સ્ટોપલોસ સાથે પોઝીશન ઊભી રાખી શકે છે. શુક્રવારે બજારમાં તેજીની આગેવાની બેંકિંગ શેર્સે લીધી હતી. અદાણીને લઈને રાહત મળતાં બેંકિંગ શેર્સ દિવસના તળિયેથી તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં. જેમાં એસબીઆઈ અગ્રણી હતો. પાછળથી કંપનીએ ત્રીજા ક્વાર્ટર માટે મજબૂત પરિણામ જાહેર કર્યું હતું. જે સોમવારે પણ બજારને સપોર્ટ કરી શકે છે. પ્રાઈવેટ બેંકિંગ શેર્સમાં પણ મજબૂતી પાછળ બેંક નિફ્ટી 2 ટકાથી વધુ ઉછળ્યો હતો. જેના પ્રતિનિધિઓમાં બેંક ઓફ બરોડા 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત એચડીએફસી બેંક 3.5 ટકા, એસબીઆઈ 3 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2.6 ટકા, પીએનબી 2 ટકા, એક્સિસ બેંક 1.6 ટકા અને કોટક બેંક એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ સાથે ફાઈનાન્સિયલ સર્વિસિસ સેગમેન્ટમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને ઈન્ડેકસ 2.4 ટકા ઉછળ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ 5 ટકાથી વધુ સુધારા સાથે ફરી રૂ. 6 હજારના સ્તર પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત બજાજ ફિનસર્વ પણ 5 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત એચડીએફસી, પિરામલ એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ કાર્ડ, પાવર ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. નિફ્ટી ઓટો 1.25 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં ટીવીએસ મોટર સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. શએર 3.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત આઈશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો, બોશ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી સાધારણ પોઝીટીવ બંધ જળવાયો હતો. નિફ્ટી પીએસઈ પણ પોઝીટીવ જોવા મળ્યો હતો. જોકે ફાર્મા, મેટલ અને એનર્જીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1 ટકા જેટલો તૂટ્યો હતો. ડિવિઝ લેબોરેટરીઝમાં 12 ટકાના ઘટાડા પાછળ ફાર્મા ઈન્ડેક્સ પર દબાણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં અદાણી પોર્ટ્સ અગ્રણી હતો. કંપનીનો શેર 8 ટકા ઉછળી બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટાઈટન કંપની, બેંક ઓફ બરોડા, અંબુજા સિમેન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, કેનેરા બેંક, દાલમિયા ભારત, સિમેન્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ડિવિઝ લેબ્સ સૌથી વધુ પટકાયો હતો. જ્યારે સીજી કન્ઝ્યૂમર, હિંદુસ્તાન કોપર, મેટ્રોપોલીસ, ડો. લાલપેથલેબ્સ, વેદાંત, ડાબર ઈન્ડિયા, નાલ્કો, સેઈલ, કોફોર્જમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં રાજેશ એક્સપોર્ટ્સ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, રત્નમણિ મેટલ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, એજિસ લોજિસ્ટીક્સ, બ્લ્યૂ સ્ટાર અને કાર્બોરેન્ડમનો સમાવેશ થતો હતો. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, સીજી કન્ઝ્યૂમર, એસઆઈએસ, બાસ્ફ ઈન્ડિયા અને નિપ્પોનનો સમાવેશ થતો હતો.
ગોલ્ડમાં ઊંચા મથાળે વેચવાલી પાછળ ભાવમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1970 ડોલર બનાવી 1923 ડોલર પર પટકાયું
ચાંદીમાં પણ જોવા મળેલી નરમાઈ
વૈશ્વિક બજારમાં 10-મહિનાની ટોચ બનાવી ગોલ્ડમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેની પાછળ શુક્રવારે કોમેક્સ ખાતે ગોલ્ડ 1923 ડોલરના તળિયા પર ટ્રેડ થયું હતું. ગુરુવારે તેણે 1970 ડોલરની એપ્રિલ 2022 પછીની ટોચ દર્શાવી હતી. ભારતીય બજારમાં પણ ગોલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ડોલર સામે રૂપિયામાં નરમાઈ પાછળ ગોલ્ડમાં કોઈ ખાસ નરમાઈ જોવા મળી રહી નહોતી. ગુરુવારે ભારતીય બજારમાં ગોલ્ડે રૂ. 60 હજારનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં એમસીએક્સ ગોલ્ડ વાયદો સાંકડી રેંજમાં અથડાયો હતો. નીચામાં તે રૂ. 57500 જ્યારે ઉપરમાં રૂ. 57900ની રેંજમાં ટ્રેડ દર્શાવતો હતો. ગુરુવારે તેણે રૂ. 58800ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ સાધારણ નરમાઈ જોવા મળી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 200થી વધુના ઘટાડે રૂ. 70000ની સપાટી આસપાસ અથડાતો જોવા મળ્યો હતો. ગુરુવારે તે રૂ. 71900ની ટોચ પર ટ્રેડ થયો હતો. કિંમતી ધાતુઓ ઉપરાંત બેઝ મેટલ્સમાં પણ સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી હતી. એમસીએક્સ લેડ, એલ્યુમિનિયમ, ઝીંક ફ્યુચર્સ નેગેટિવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. એકમાત્ર કોપરમાં મજબૂતી જળવાય હતી અને તે 10 મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
SBIએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 14205 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8,432 કરોડની સરખામણીમાં 68 ટકાનો તીવ્ર ઉછાળો
નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 86,616 કરોડ પર જોવા મળી
NIM 29 બેસીસ પોઈન્ટ્સ સુધરી 3.69 ટકા પર જ્યારે ગ્રોસ એનપીએ 3.14 ટકા પર રહી
દેશમાં સૌથી મોટા લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ ડિસેમ્બર ક્વાર્ટર માટે મજબૂત પરિણામો જાહેર કર્યાં છે. ત્રીજા ક્વાર્ટર માટે બેંકનો નફો રૂ. 14,205 કરોડ પર જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 8,431.9 કરોડની સરખામણીમાં 68 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. બેંકે એનાલિસ્ટ્સના અંદાજો કરતાં સારો દેખાવ નોંધાવ્યો છે. શુક્રવારે બેંકનો શેર 3 ટકા મજબૂતી સાથે રૂ. 544ની આસપાસ બંધ જોવા મળ્યો હતો.
શુક્રવારે બજાર બંધ થયા બાદ એસબીઆઈએ પરિણામની જાહેરાત કરી હતી. બ્રોકરેજના અંદાજ મુજબ બેંક રૂ. 13,360 કરોડનો નફો દર્શાવશે. જોકે તેની સરખામણીમાં પ્રોફિટ નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ પ્રોવિઝન્સમાં ઘટાડો અને વ્યાજની આવકમાં તીવ્ર વૃદ્ધિ હતી. એસબીઆઈની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 86,616 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 69,678 કરોડ પર હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 24 ટકા ઉછળી રૂ. 38,068 કરોડ પર રહી હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 29 બેસીસ પોઈન્ટ્સના સુધારે 3.69 ટકા પર જોવા મળ્યાં હતાં
બેંકના પ્રોવિઝન્સમાં વાર્ષિક ધોરણે 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 5,760 કરોડ પર રહ્યાં હતાં. ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકે રૂ. 6,974 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું હતું. જોકે ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સ અને કન્ટિન્જન્સિસમાં વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3,038 કરોડનું પ્રોવિઝન્સ જોવા મળ્યું હતું. બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જેમાં ગ્રોસ એનપીએ 3.14 ટકા પર રહી હતી. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.52 ટકા પર હતી. જ્યારે નેટ એનપીએ ત્રિમાસિક ધોરણે 0.8 ટકા પરથી સુધરી 0.77 ટકા પર જોવા મળી હતી.
ચાલુ સિઝનમાં કોટનના વપરાશમાં 40 ટકાનો તીવ્ર ઘટાડો
કોમોડિટીના ઊંચા ભાવ અને યાર્નની નીચી માગને કારણે મિલોની માગ ઘટી
ખેડૂતોએ આવકો પકડી રાખતાં વૈશ્વિક બજારની સરખામણીમાં ભાવ હજુ પણ ઊંચા
દેશમાં કોટનના વપરાશમાં ચાલુ સિઝનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2022થી શરૂ થયેલી નવી કોટન સિઝનમાં સરેરાશ 60 ટકા માગ જ જોવા મળી છે. જે ટેક્સટાઈલ મિલ્સ તરફથી વપરાશ પર ગંભીર અસર સૂચવે છે. સામાન્યરીતે મહિને 26 લાખ ગાંસડીના વપરાશ સામે શરૂઆતી ચાર મહિનામાં 21-22 લાખ ગાંસડીનો વપરાશ જળવાયો હોવાનું વર્તુળો જણાવે છે.
ચાલુ સિઝનમાં ખેડૂતો તરફથી આવકોને પકડી રાખવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ આવકો પણ નીચી જોવા મળે છે. ગઈ સિઝનમાં જાન્યુઆરી આખર સુધીમાં કુલ 1.4 કરોડ ગાંસડી માલ બજારમાં આવી ચૂક્યો હતો. જેની સામે ચાલુ સિઝનમાં લગભગ 20 લાખ ગાંસડી માલ નીચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી 1.2 કરોડ ગાંસડી માલ જ બજારમાં પ્રવેશ્યો છે. જેના કારણોમાં સતત ત્રીજા વર્ષે કોટનનો પાક અંદાજ કરતાં નીચો રહ્યો હોવા ઉપરાંત ગઈ સિઝનમાં રૂ. 2900 પ્રતિ મણ સુધીના ભાવને જોયાં બાદ ચાલુ રૂ. 2000થી નીચા ભાવે માલ વેચવામાં ખેડૂતોની અનિચ્છા કારણભૂત હોવાનું વર્તુળો જણાવે છે. જૂન 2022માં કોટનના ભાવ રૂ. 1.05 પ્રતિ ખાંડી પર જોવા મળ્યાં હતાં. જે સિઝનની શરૂમાં રૂ. 75 હજાર પર પટકાયાં હતાં. સ્થાનિક સ્તરે 3.6 કરોડ ગાંસડીના ઊંચા ઉત્પાદનના અંદાજ તથા વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ ભાવ વધુ ઘટીને એક તબક્કે રૂ. 56-57 હજાર પર જોવા મળ્યાં હતાં. જે ઝડપી બાઉન્સ થઈ રૂ. 65 હજાર પર પરત ફર્યાં હતાં. જોકે મિલોની માગ નીચી રહેવાથી ભાવ ફરી દબાણ અનુભવી રહ્યાં છે અને હાલમાં તે રૂ. 61000-62000 આસપાસ જોવા મળી રહ્યાં છે. જે ફરી રૂ. 57000-58000 સુધી ગગડે તેવી શક્યતાં મૂકાઈ રહી છે. હાલમાં ભારતીય કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં ઊંચા હોવાના કારણે નિકાસની શક્યતાં નીચી છે. આ સ્થિતિમાં ભાવનો સંપૂર્ણ આધાર સ્થાનિક માગ પર રહેલો છે. જોકે કોટન મિલ્સ પણ જરૂર મુજબની જ ખરીદી કરી રહી છે. કેમકે વૈશ્વિક બજારમાં મંદીની અસરે તે ઊંચું જોખમ લેવા તૈયાર નથી. જોકે ઓક્ટોબર-નવેમ્બરની સરખામણીમાં સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચિત્રમાં ખાસ બદલાવ નથી. છેલ્લાં કેટલાંક દિવસોમાં કપાસિયા પર દબાણને કારણે પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યું છે. વર્તુળોના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ખેડૂતો સિવાય કોઈને કમાણી નથી. જિનર્સ સિઝનની શરૂઆતથી અન્ડરરિકવરીનો સામનો કરી રહ્યો છે. જ્યારે મિલ્સને પણ પોસાણ નથી. આમ બે વર્ષો બાદ ફરી પ્રતિકૂળ કોટન સિઝન જોવા મળી છે. સરકારે બજેટમાં કોટન પરની આયાત ડ્યુટીને પણ જાળવી રાખી હતી. સ્પીનીંગ મિલ્સ તરફથી આયાત જકાતને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે સ્થાનિક ખેડૂતોને ઊંચા ભાવ મળી રહે તે માટે સરકારે આ વાતને માન્ય રાખી નહોતી. ભારતીય કોટન પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યું હોવાથી ચાલુ સિઝનમાં નિકાસ છેલ્લાં દાયકાની સૌથી નીચી રહેવાની શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈ સિઝનમાં દેશમાંથી 40 લાખ ગાંસડી આસપાસ નિકાસ જોવા મળી હતી. જ્યારે પાંચ વર્ષ અગાઉ દેશમાંથી એક કરોડ ગાંસડી ઉપરાંતની વિક્રમી નિકાસ નોંધાઈ હતી.
NCLTનો રિલાયન્સ કેપિટલ કેસમાં ટોરેન્ટ જૂથની તરફેણમાં ચૂકાદો
જોકે આર-કેપના લેન્ડર્સ એનસીએલટીના ચુકાદાને કોર્ટમાં પડકારે તેવી શક્યતાં
બેંક્ટ્રપ્સી કોર્ટે ગુરુવારે રિલાયન્સ કેપિટલની એસેટ વેચાણ માટે બીજા રાઉન્ડનું ઓક્શન યોજવાના લેન્ડર્સના નિર્ણય સામે ટોરેન્ટ જૂથની ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સની અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અગાઉ પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સે રિલાયન્સ કેપિટલ માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી અને તે વિજેતા બની રહી હતી. જોકે ઓક્શન પૂરું થયાના બીજા દિવસે હિંદુજા જૂથે સુધારેલી ઊંચી ઓફર મૂકી હતી. જેને ધ્યાનમાં લઈ લેન્ડર્સે બેઝ પ્રાઈસ વધારવા સાથે બીજા રાઉન્ડનું ઓક્શન યોજવાનો નિર્ણય લીધો હતો. જેની સામે ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સે એનસીએલટીમાં વિરોધ નોંધાવ્યો હતો.
જસ્ટીસ પીએન દેશમુખ અને ટેકનિકલ મેમ્બર શ્યામ બાબુ ગૌતમની બનેલી ડિવિઝન બેંચે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી) નિયમોને બાજુ પર રાખીને ગેરકાયદે યંત્રણા ઊભી કરી શકે નહિ. તેમજ એકવાર રેગ્યુલેશન 39(1એ) હેઠળ ચેલેન્જ પ્રક્રિયાની કાયદેસર સ્કિમ પૂરી થયા બાદ રેઝોલ્યુશન એપ્લિકેન્ટ્સ સાથે કોઈપણ પ્રકારની મંત્રણા કરી શકે નહિ. ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાના રેગ્યુલેશન 39(1એ) હેઠળ બીડરે બેંક્ટ્રપ્સી નિયમો હેઠળ રેઝોલ્યુશન પ્લાનને તૈયાર કરવાનો રહે છે અને તેને રેઝોલ્યુશન પ્રોફેશ્નલ(આરપી)ને નિર્ધારિત સમયમાં સુપ્રત કરવાનો રહે છે. આર-કેપની સીઓસી એનસીએલટીના ચૂકાદાને નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુલન(એનસીએએલએટી)માં પડકારે તેવી શક્યતાં છે. ટોરેન્ટે 21 ડિસેમ્બરે આર-કેપ માટે યોજાયેલા પ્રથમ રાઉન્ડ ઓક્શનમાં રૂ. 8640 કરોડની સૌથી ઊંચી બીડ મૂકી હતી. જોકે ઓક્શન પુરું થયાના 24 કલાક બાદ હિંદુજા જૂથે એક નવી ઓફર મૂકી હતી. જેમાં રૂ. 8950 કરોડ ચૂકવવા જણાવ્યું હતું. જેમાં રૂ. 8110 કરોડના અપફ્રન્ટનો સમાવેશ થતો હતો. બંને કંપનીઓની ઓફર જોકે રિલાયન્સ કેપિટલની લિક્વિડેશન વેલ્યૂ કરતાં નીચી હતી. હિંદુજા જૂથની ઓફર બાદ લેન્ડર્સે રૂ. 9500 કરોડના લઘુત્તમ બેઝ સાથે બીજા રાઉન્ડનું ઓક્શન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં રૂ. 8000 કરોડના અપફ્રન્ટ કેશ પેમેન્ટનો સમાવેશ થતો હતો.
જાન્યુઆરીમાં રશિયાથી વિક્રમી ક્રૂડ આયાત જોવા મળી
ભારતે જાન્યુઆરીમાં રશિયા ખાતેથી વિક્રમી ક્રૂડ આયાત કર્યું હતું. જે દેશમાં કુલ ક્રૂડ આયાતનો 28 ટકા હિસ્સો ધરાવતું હતું. જે સૂચવે છે કે રશિયન ઓઈલ પર પશ્ચિમી દેશોએ કરેલા ભાવ બાંધણાની કોઈ ખાસ અસર જોવા મળી નથી. જાન્યુઆરીમાં ભારતમાં 12.7 લાખ બેરલ પ્રતિ દિવસ રશિયન ક્રૂડની આયાત જોવા મળી હતી. જે ડિસેમ્બરની સરખામણીમાં છ ટકા વધુ હતી. આની સરખામણીમાં ચીને પ્રતિ દિવસ 9.8 લાખ બેરલ પ્રતિ દિવસની આયાત દર્શાવી હતી. જ્યારે યુરોપ ખાતે 2.7 લાખ બેરલ પ્રતિ દિવસની આયાત જોવા મળી હતી. સતત ચોથા મહિને રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની રહ્યું હતું. જ્યારે ભારતમાં તેનો માર્કેટ હિસ્સો 26 ટકા પરથી 2 ટકા વધ્યો હતો.
ઈવી રજિસ્ટ્રેશનમાં જાન્યુઆરીમાં વાર્ષિક 100 ટકા વૃદ્ધિ
ઈલેક્ટ્રીક વેહીકલ સેક્ટરમાં માસિક ધોરણે એક લાખથી વધુના રજિસ્ટ્રેશનનો ક્રમ જાન્યુઆરીમાં પણ જળવાયો હતો. વાર્ષિક ધોરણે જાન્યુઆરી 2023માં ઈવી રજિસ્ટ્રેશનમાં 100 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો અને તે 1,00,676 યુનિટ્સ પર રહ્યું હતું. જાન્યુઆરી 2022માં તે 50,623 યુનિટ્સ પર જોવા મળતું હતું. જોકે ડિસેમ્બર 2022માં 1,02,457 યુનિટ્સની સરખામણીમાં તે 2 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. આમ માસિક ધોરણે પ્રથમવાર ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં 64,297 યુનિટ્સ ઈવી ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન જ્યારે 32,912 યુનિટ્સ ઈવી થ્રી-વ્હીલર રજિસ્ટ્રેશન નોંધાયું હતું. જ્યારે ઈવી કાર્સનું રજિસ્ટ્રેશન 3 હજાર પર જોવા મળ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
કર્ણાટક બેંકઃ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 300.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 146.6 કરોડના નફા સામે 100 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 622.70 કરોડ સામે 35 ટકા વધી રૂ. 835 કરોડ પર જોવા મળી હતી.
એમજીએલઃ મહાનગર ગેસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 172.1 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીએ રૂ. 137 કરોડના એનાલિસ્ટ્સના અંદાજની સરખામણીમાં મજબૂત કામગીરી દર્શાવી છે. કંપનીના માર્જિન પણ 14.2 ટકાની અપેક્ષા સામે 15.3 ટકા પર જોવા મળ્યાં હતાં.
એપીએલ એપોલોઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 169 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 128 કરોડના નફા સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3230 કરોડ સામે 35 ટકા વધી રૂ. 4327 કરોડ પર જોવા મળી હતી.
ક્લિન સાયન્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 83.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57.9 કરોડના નફા સામે 27 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 180.80 કરોડ સામે 30 ટકા વધી રૂ. 237.3 કરોડ પર જોવા મળી હતી.
આવાસઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 107 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 89 કરોડના નફા સામે 20 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 343 કરોડ સામે 25 ટકા વધી રૂ. 411 કરોડ પર જોવા મળી હતી.
એપોલો ટાયરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 292 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 223 કરોડના નફા સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5707 કરોડ સામે 13 ટકા વધી રૂ. 6423 કરોડ પર જોવા મળી હતી.
ગલ્ફ ઓઈલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 63 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 52 કરોડના નફા સામે 22 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 720 કરોડ સામે 9 ટકા વધી રૂ. 781 કરોડ પર જોવા મળી હતી.
માન ઈન્ફ્રાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 90.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 40 કરોડના નફા સામે 150 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 296 કરોડ સામે 54 ટકા વધી રૂ. 457 કરોડ પર જોવા મળી હતી.
બર્ગર પેઈન્ટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 201 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 253 કરોડના નફા સામે 20 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2551 કરોડ સામે 6 ટકા વધી રૂ. 2694 કરોડ પર જોવા મળી હતી.
એસઆઈએસઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 103 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 101 કરોડના નફા સામે 2 ટકાનો સાધારણ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2601 કરોડ સામે 12 ટકા વધી રૂ. 2904 કરોડ પર જોવા મળી હતી.
અપ્ટસ વેલ્યૂઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 106 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 84.5 કરોડની સામે 25 ટકા વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 175 કરોડ સામે 45 ટકા વધી રૂ. 245 કરોડ પર જોવા મળી હતી.