નિફ્ટી-સેન્સેક્સ 2.6 ટકા ઉછળ્યાં
બેન્ચમાર્ક નિફ્ટી સતત બીજા દિવસે બે ટકાથી વધુ મજબૂતી દર્શાવ્યો હતો. બે દિવસમાં તેઓ લગભગ 8 ટકા જેટલા ઉછળ્યાં છે. એનાલિસ્ટ્સ હવે માને છે કે નિફ્ટી તેની નવી ટોચ નજીકમાં દર્શાવી શકે છે.
બેંક નિફ્ટીમાં 4 ટકા સુધારે શેરબજારમાં બીજા દિવસે તેજીની આંધી
અગ્રણી પ્રાઈવેટ બેંક શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવવા સાથે બેંક નિફ્ટી 34 હજારની સપાટી પાર કરી ગયો
પીએસયૂ બેંકમાં એસબીઆઈએ સાત ટકાથી વધુ ઉછાળો દર્શાવ્યો
બજેટનો પ્રભાવ બીજા દિવસે પણ શેરબજારો પર જળવાયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 1200 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 367 પોઈન્ટ્સ સાથે લગભગ અઢી ટકા સુધર્યાં હતાં. મંગળવારે પણ તેજી બ્રોડ બેઝ હતી. જોકે તેનું સુકાન બેંકિંગ શેર્સે લીઘું હતું. ખાનગી બેંકિંગ શેર્સના સહારે બેંક નિફ્ટીએ 4 ટકા ઉછાળા સાથે 34653ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી અને બંધ પણ 34268ની ટોચ પર જ આપ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં બેંક નિફ્ટીએ 10 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે.
મંગળવારે પીએસયૂ બેંક અગ્રણી એસબીઆઈનો શેર તમામ બેંકિંગ શેર્સમાં સૌથી વધુ સુધારા સાથે 7 ટકા ઉછળ્યો હતો અને અંતિમ ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. એસબીઆઈનો શેર રૂ. 337ની ટોચ બનાવી રૂ. 333 પર બંધ રહ્યો હતો. જે રૂ. 350ની તેની ઐતિહાસિક ટોચથી થોડું જ દૂર છે. જોકે ખાનગી બેંકિંગ શેર્સમાં એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સ બે દિવસની નવી ટોચ દર્શાવી રહ્યાં છે. મંગળવારે એચડીએફસી બેંકનો શેર દિવસ દરમિયાન 6 ટકાથી વધુ ઉછળી રૂ. 1578.50ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 8.75 લાખ કરોડ નજીક પહોંચ્યું હતું. જો આ રીતે તેજી ચાલુ રહી તો એચડીએફસી બેંક પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસની માફક રૂ. 10 લાખ કરોડ માર્કેટ-કેપની ક્લબમાં પ્રવેશી જાય તો નવાઈ નહિ. આઈસીઆઈસીઆઈ બેંકનો શેર પણ 3 ટકાથી વધુ સુધરી રૂ. 624ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. બેંકે રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો અને એચડીએફસી બેંક બાદ માર્કેટ-કેપની રીતે બીજા ક્રમની બેંક બન્યો હતો. એક્સિસ બેંકનો શેર જોકે મંગળવારે ટોચના ભાવથી વેચવાલી પાછળ એક તબક્કે તમામ સુધારો ગુમાવી ફ્લેટ બંધ દર્શાવતો હતો. કોટક મહિન્દ્રા બેંકનો શેર 3 ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. જ્યારે નાની ખાનગી બેંક્સ પણ 5 ટકા સાથેનો સુધારો દર્શાવતી હતી. આરબીએલ બેંકનો શેર બજેટ દિવસે 11 ટકાના સુધારા બાદ બીજા દિવસે 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકનો શેર સવારે નેગેટિવ ટ્રેડ બાદ પાછળથી પોઝીટીવ બન્યો હતો અને અડધા ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે બેંક નિફ્ટીમાં હવેનું ટાર્ગેટ 35000નું છે. ખાનગી બેંકિંગ શેર્સ તેજીના નવા ઝોનમાં જોવા મળી રહ્યાં છે અને તેઓ વર્તમાન સ્તરેથી વધુ 5-10 ટકાનો સુધારો દર્શાવે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં નિફ્ટી પણ 15000ના તેના અવરોધને પાર કરી જાય તેવી શક્યતા છે. બજારને બેંકિંગ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્ઝ શેર્સનો સપોર્ટ મળી રહ્યો છે.
મંગળવારે બેંક શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
એસબીઆઈ 7.12
એચડીએફસી બેંક 5.67
બંધન બેંક 4.98
ફેડરલ બેંક 3.95
કોટક બેંક 3.32
આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.36
આરબીએલ બેંક 2.34
આઈસીઆઈસીઆઈ બેંક 2.24
પીએનબી 1.26
બેંક ઓફ બરોડા 1.01
ટાટા મોટર્સનો શેર 18 ટકા ઉછળ્યો
ટાટા જૂથની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનો શેર 18 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 279.75ના બંધ ભાવ સામે રૂ. 52ના ઉછાળે રૂ. 332.40 પર ટ્રેડ થયો હતો અને આખરે 15 ટકાના સુધારે રૂ. 322.30 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર લગભગ ત્રણ વર્ષ બાદ રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. માર્ચ મહિનાના રૂ. 64ના તળિયાથી તે પાંચ ગણાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યો છે. ટાટામોટર્સ ડીવીઆરનો શેર પણ 16 ટકાથી વધુ ઉછળી રૂ. 130ની સપાટી પર બંધ રહ્યો હતો.
લિંકન ફાર્માના ચોખ્ખા નફામાં 31 ટકા વૃદ્ધિ નોંધાઈ
અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટીકલ કંપની લિંકન ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 31.35 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13.37 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.18 કરોડ હતો. કંપનીની આવક રૂ. 113.26 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળાના રૂ. 98 કરોડ સામે 16 ટકા વધુ હતી. કંપનીએ નાણા વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન નિકાસમાં 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 212.47 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. કંપની યુરોપના બજારમાં પ્રવેશવા તૈયારી કરી રહી છે.
બજાજ અને ટીવીએસ મોટરના શેર નવી ટોચ પર
જાન્યુઆરીમાં વાહન વેચાણના આંકડા સારા રહેવા પાછળ ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓ બજાજ ઓટો અને ટીવીએસ મોટરના શેર્સમાં તીવ્ર સુધઆરો જોવા મળ્યો હતો અને તેમણે નવી ટોચ દર્શાવી હતી. બજાજ ઓટોનો શેર 2.27 ટકા ઉછળી રૂ. 4270ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થવા સાથે રૂ. 1.22 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીએ જાન્યુઆરીમાં 8 ટકા વૃદ્ધિ સાથે 4.28 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. ટીવીએસનો શેર 7.54 ટકા ઉછળી રૂ. 626 પર ટ્રેડ થયો હતો. કંપનીએ જાન્યુઆરીમાં 31 ટકા વૃદ્ધિ સાથે 3.07 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં રૂ. 3000નો કડાકો
બજેટ દિવસે રૂ. 4000નો ઉછાળો દર્શાવનાર ચાંદી બીજા દિવસે ઊંધા માથે પટકાઈ, જોકે રૂ. 70 હજારનું સ્તર જળવાયું
વૈશ્વિક બજારમાં ચાંદીમાં આંઠ વર્ષની ટોચ બનાવી ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મંગળવારે એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો રૂ. 3000થી વધુના ઘટાડે રૂ. 71000ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે બજેટ દિવસે તેણે 6 ટકા અથવા રૂ. 4200નો ઉછાળો નોંધાવ્યો હતો. જોકે બીજા દિવસે તેણે મોટાભાગનો સુધારો ગુમાવ્યો હતો. અંતિમ સપ્તાહમાં ચાંદીએ 9 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો.
સોમવારે મોડી રાતે વૈશ્વિક બજારમાં ચાંદીએ 12 ટકા વૃદ્ધિ સાથે 30 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તરને પાર કરી આંઠ વર્ષની નવી ટોચ દર્શાવી હતી. તેણે જુલાઈ 2020માં દર્શાવેલી 29.92 ડોલરની ટોચને કેટલાક સમય માટે પાછળ રાખી દીધી હતી. જોકે મંગળવારે 6 ટકાથી વધુ ઘટાડે તે 27.60 ડોલર પર પટકાઈ હતી અને તેની અસરે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ કિલોગ્રામે રૂ. 3000થી વધુ પટકાયો હતો. એમસીએક્સ માર્ચ વાયદો અગાઉના રૂ. 73666ના બંધ સામે રૂ. 72600ના સ્તરે ખૂલ્યો હતો અને ત્યાંથી ઘટી રૂ. 70201 સ્તરે બોલાયો હતો અને સાંજે રૂ. 70500ના સ્તર આસપાસ ટ્રેડ થતો હતો. સોનુ પણ એમસીએક્સ ખાતે અડધો ટકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. એમસીએક્સ ફેબ્રુઆરી વાયદો રૂ. 48394ના બંધ સામે રૂ. 48265 પર ખૂલી રૂ. 48001ની સપાટી પર ટ્રેડ થઈ રૂ. 48160ના સ્તરે ટ્રેડ થતું હતું. એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી ચાંદી રૂ. 70000ના સ્તર પર ટકી છે ત્યાં સુધી તેજીનો ટ્રેન્ડ બરકરાર છે. સોમવારે તેણે દર્શાવેલો રૂ. 74600ની ટોચ તેનો નજીકનો અવરોધ છે. જે પાર થતાં તે રૂ. 77000નું સ્તર દર્શાવી શકે છે. સોનામાં જોકે ટ્રેન્ડ નરમાઈનો છે. તેણે રૂ. 48500નો સપોર્ટ તોડ્યો છે અને હવે તેને માટે રૂ. 47500નું ઓક્ટોબરમાં બનેલું તળિયું મહત્વનો સપોર્ટ બની રહેશે. બજેટમાં સરકારે સોનું-ચાંદી પરની આયાત ડ્યુટી ઘટાડતાં સેન્ટિમેન્ટ પર થોડી અસર પડી છે. જોકે તે કારણ બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે.