Market Summary 02/05/2023

શેરબજારમાં મંદીનો મહિનો ગણાતાં મેની પોઝીટીવ શરૂઆત
નિફ્ટીએ 18100ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળી 11.89ના સ્તરે
પીએસઈ, મેટલ, એનર્જી, આઈટીમાં લેવાલી
ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
રેઈલ વિકાસ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આરઈસી નવી ટોચે
અતુલ, ટીમલીઝ, ગ્લેક્સો નવા તળિયે

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણને બાજુ પર રાખી ભારતીય બજારમાં તેજીની આગેકૂચ જળવાય છે. બીએસઈ સેન્સેક્સ 242 પોઈન્ટ્સ મજબૂતી સાથે 61355ની સપાટીએ જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ્સ સુધરી 18148ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં નિફ્ટી-50માં સમાવેશ પામતાં 50 કાઉન્ટર્સમાંથી 31 અગાઉના બંધની સરખામણીમાં સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વ્યાપક ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3629 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2179 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1314 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 145 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 58 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ મજબૂત બજારમાં 9 ટકા ઉછળી 11.89ના સ્તરે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે.
સોમવારે રજાના કારણે મંગળવારે શરૂ થયેલા સપ્તાહે નિફ્ટીએ ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક અગાઉના 18065ના બંધ સામે 18125ની સપાટીએ ખૂલી ઉપરમાં 18180 પર ટ્રેડ દર્શાવી લગભગ તેની નજીક બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 18205ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં પણ આટલું જ પ્રિમીયમ જોવા મળતું હતું. આમ, નવી લોંગ એડીશન્સના સંકેતો નથી. જે વર્તમાન સ્તરે બજારમાં કોન્સોલિડેશનની શક્યતાં સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 18200-18400ની રેંજમાં અવરોધ જોઈ રહ્યાં છે. જ્યારે 18000નો સાયકોલોજિકલ સપોર્ટ સૂચવે છે. આગામી કેટલાંક સત્રોમાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની શક્યતાં છે. જ્યારે બેન્ચમાર્કમાં ઊંચા મથાળે વેચનારને ઘટાડે ખરીદીની તક મળી શકે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઓએનજીસી મુખ્ય હતો. પીએસયૂ જાયન્ટ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, એનટીપીસી, તાતા કન્ઝ્યૂમર, ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, યૂપીએલ, બજાજ ઓટો અને કોલ ઈન્ડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, તાતા મોટર્સ, બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો પીએસઈ, મેટલ, એનર્જી, આઈટીમાં લેવાલી જોવા મળી હતી. આ તમામ સેક્ટરલ સૂચકાંકો એક ટકાથી બે ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.61 ટકા સાથે સૌથી વધુ મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં ભેલ, ઓએનજીસી, આરઈસી, પાવર ફાઈનાન્સ, સેઈલ, એનટીપીસી, આઈઆરસીટીસી અને કોલ ઈન્ડિયામાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.42 ટકા સુધર્યો હતો. જેના ઘટકોમાં હિંદાલ્કો, તાતા સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ અને એનએમડીસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી કાઉન્ટર્સમાં એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, ઈન્ફોસિસ, વિપ્રોમાં સુધારો નોંધાયો હતો. જોકે ફાર્મા અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. ફાર્મામાં બાયોકોન, સિપ્લામાં મજબૂતી જળવાય હતી. જ્યારે સન ફાર્મા, ઝાયડસ લાઈફ અને લ્યુપિનમાં નરમાઈ હતી. એફએમસીજીમાં બ્રિટાનિયા, આઈટીસી, એચયૂએલ અને નેસ્લેમાં ઘટાડા પાછળ નરમાઈ જોવા મળી હતી. કેટલાંક કાઉન્ટર્સ જેવાકે રેઈલ વિકાસ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આરઈસી નવી ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે અતુલ, ટીમલીઝ, ગ્લેક્સો નવા તળિયા જોવા મળ્યાં હતાં.

ભારતમાં ઓસ્ટ્રેલિયાથી કોટન આયાતમાં ચાર ગણાથી વધુ વૃદ્ધિ
2021માં 6.6 કરોડ ડોલરની આયાત સામે 2022માં 28.3 કરોડ ડોલરની કોટન આયાત નોંધાઈ

દેશમાં કોટનના વિક્રમી ભાવો સાથે ક્વોલિટી માલોની તંગી વચ્ચે ઓસ્ટ્રેલિયાથી કોટન આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કોટન વર્ષ 2021-22માંઓસ્ટ્રેલિયા ખાતેથી કોટનની આયાત 28.3 કરોડ ડોલર પર રહી હતી. જે 2020-21માં જોવા મળતી 6.6 કરોડ ડોલરની આયાતની સરખામણીમાં 4.28 ગણી ઊંચી હતી.
સ્થાનિક બજારમાં કોટનના વિક્રમી ભાવોને જોતાં સરકારે કોટન આયાત પરની ડ્યુટી દૂર કરી હતી. જેને કારણે સ્પીનર્સ તરફથી નોંધપાત્ર પ્રમાણમાં કોટનની આયાત કરવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2022ના આખરી સપ્તાહમાં ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ(ECTA)માં પ્રવેશ કર્યો હતો. જોકે કોટનની આયાતમાં વૃદ્ધિ કોમોડિટીના ભાવમાં અસાધારણ વૃદ્ધિને કારણે હતી. આ એગ્રીમેન્ટ જથ્થાત્મક નિયંત્રણો સાથે ડ્યુટી-ફ્રી આયાતની છૂટ આપે છે. જેને કારણે ગયા વર્ષે દેશના ટેક્સટાઈલ ઉદ્યોગે 170 કિગ્રાની એક એવી 4,75,652 ગાંસડી કોટનની આયાત કરી હતી. જે વાર્ષિક ધોરણે જથ્થાની રીતે 2.66 ગણી વૃદ્ધિ દર્શાવે છે. ગયા કેલેન્ડરમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ્યારે કોટનના ભાવ વિક્રમી સપાટીએ હતાં અને નવા પાકને આવવાની વાર હતી ત્યારે આ આયાત કરવામાં આવી હતી. દેશમાં કોટનના ભાવ રૂ. 1 લાખ પ્રતિ ખાંડીને પાર કરી ગયા હતાં. જેને કારણે સ્પીનર્સ પર આયાત માટે દબાણ ઊભું થયું હતું.

દૈનિક 4.56 લાખ પ્રવાસીઓ સાથે એર ટ્રાફિક વિક્રમી સપાટીએ
દેશમાં એર ટ્રાવેલમાં ઝડપી બાઉન્સ જોવા મળી રહ્યું છે. 30 એપ્રિલે ઉડ્ડયન કંપનીઓએ દેશમાં વિક્રમી 4,56,082 પેસેન્જર્સને હવાઈ મુસાફરી પૂરી પાડી હતી. જે કોવિડ અગાઉના લેવલથી ઊંચું પ્રમાણ હતું. ઉડ્ડયન મંત્રાલયના વર્તુળોના મતે ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં દેશમાં દૈનિક હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા 5 લાખને પાર કરી જવાની શક્યતાં છે. 30 એપ્રિલે કુલ 2978 ફ્લાઈટ્સમાં 4.56 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. 30 એપ્રિલે કુલ ફ્લાઈટ મૂવમેન્ટ્સ 5947 પર હતી. જ્યારે ડિપાર્ચર્સ સાથે કુલ 9,13,336 પેસેન્જર્સનો સમાવેશ થતો હતો. આ આંકડો કોવિડ અગાઉ ફેબ્રુઆરી 2020માં જોવા મળતી સંખ્યાથી ઊંચો છે. 29 એપ્રિલે 2975 ફ્લાઈટ્સમાં 4,50,615 પેસેન્જર્સે પ્રવાસ કર્યો હતો.

ઉનાળામાં કઠોળ અને જાડાં ધાન્યોના વાવેતરમાં વૃદ્ધિ
દેશમાં અત્યાર સુધીમાં 65.29 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર સંપન્ન થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 66.02 લાખ હેક્ટર પર જોવા મળતું હતું. ગરમીની ઋતુમાં ખેડૂતોએ કઠોળ અને જાડાં ધાન્યોના વાવેતર પર ભાર મૂક્યો છે. જેમાં કઠોળ હેઠળ 17.57 લાખ હેકટરનો વિસ્તાર જોવા મળે છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 16.23 લાખ હેકટર પર હતો. કઠોળમાં ખેડૂતોએ લીલા ચણાના વાવેતર પર ભાર મૂક્યો છે અને 14.27 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જે ગયા વર્ષે 12.83 લાખ હેકટરમાં હતું. જ્યારે અડદનું વાવેતર ગયા વર્ષે 3.12 લાખ હેકટર પરથી ઘટી 3.08 લાખ હેકટર પર જોવા મળે છે. જાડાં ધાન્યોની વાત કરીએ તો મકાઈનું વાવેતર 6.30 લાખ હેકટર(ગયા વર્ષે 6.24 લાખ હેકટર), બાજરી 4.29 લાખ હેકટર(3.59 લાખ હેકટર)માં નોંધાયું છે. જાડાં ધાન્યોનું કુલ વાવેતર 10.86 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગયા વર્ષે 10.19 લાખ હેકટરમાં થયું હતું. જોકે, તેલિબિયાંનું વાવેતર ગયા વર્ષના 10.46 લાખ હેકટર પરથી ગગડી 9.4 લાખ હેકટરે જોવા મળી રહ્યું છે.

ગ્રીન ટેક્નોલોજીના ઝડપી ગ્રોથ પાછળ ચાંદીની ઊંચી માગ જળવાશે
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઔદ્યોગિક ધાતુ સપ્લાય અવરોધોનો સામનો પણ કરી રહી છે
ચાલુ કેલેન્ડરમાં ચાંદીએ ભારતીય બજારમાં લગભગ 10 ટકાનું રિટર્ન આપી ચૂકી છે

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને લઈને ચિંતા સતાવી રહી છે ત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમાં પણ ચાંદી તરફથી સોનાની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવવામાં આવ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ પાછળ ચાંદીની વધતી માગ જવાબદાર છે એમ વર્તુળો જણાવે છે. બે સપ્તાહ અગાઉ ચાંદી રૂ. 75000 પ્રતિ કિગ્રાની સપાટી પાર કરી ગઈ હતી અને ચાલુ કેલેન્ડરમાં તેણે 10 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું.
ચાંદી એક ઔદ્યોગિક ધાતુ છે અને તેથી તેની માગને ઉદ્યોગોની સ્થિતિ સાથે સીધો સંબંધ રહેલો છે. હાલમાં, ચાંદીની 50 ટકાથી વધુ માગ ઉદ્યોગો તરફથી જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ ચાંદીના આધુનિક એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે વિવિધ ઉપયોગ છે. જેમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સ, સોલાર પેનલ્સ, મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, સ્વિચિસ, સેટેલાઈટ્સ વગેરેનો સમાવેશ થાય છે એમ અગ્રણી ફંડ મેનેજર જણાવે છે. તેમના મતે પરંપરાગત ઉદ્યોગોથી ભિન્ન ગ્રીન-ટેક સેક્ટર પર્યાવરણીય ગૂંચવણોને કારણે ઊંચા ભાવને પચાવી શકે છે. જે ગ્રીન ઈકોનોમીને ચલાવી શકે છે. તેમજ તેઓ ટૂંકાગાળામાં નફાકારક્તા પર ફોકસ નથી ધરાવતાં.
જો ચાંદીની માગની વાત કરીએ તો તે સ્થિર જળવાય રહી છે. કેલેન્ડર 2022માં ભારતે 10000 ટન ચાંદીનો વપરાશ કર્યો હતો. વૈશ્વિક સ્તરે સિલ્વર કોઈન્સ અને સ્મોલ બાર્સની માગ પણ સ્થિર જળવાય હતી. ઉપરાંત ચીનનું અર્થતંત્ર ફરીથી ખૂલતાં ચાંદીની માગ ઊંચી જોવા મળી રહી છે. સપ્લાય બાજુએ જોઈએ તો ચાંદીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત ખાધ પ્રવર્તી રહી છે. જે 2023માં પણ જળવાય રહેવાની શક્યતાં છે. કેમકે ધાતુના સપ્લાયને વધારવામાં સમય લાગી શકે છે. ગોલ્ડ-ટુ-સિલ્વર રેશિયો પણ સૂચવે છે કે ચાંદી અન્ડરવેલ્યૂડ છે. આ રેશિયો એક ઔંસ ગોલ્ડ ખરીદી માટે કેટલી ચાંદીની જરૂર પડે છે તે દર્શાવે છે. છેલ્લાં 10-વર્ષ માટે સરેરાશ ગોલ્ડ-સિલ્વર રેશિયો 76.8નો છે. જ્યારે હાલમાં તે 79.1 પર જોવા મળે છે. જેને જોતાં બુલિયન એનાલિસ્ટ્સ માને છે કે નજીકના સમયગાળામાં ચાંદીમાં સોનાની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જોવા મળી શકે છે. તેમના મતે છેલ્લાં ત્રણ મહિનામાં ચાંદીના ભાવમાં તીવ્ર સુધારા પછી એક કોન્સોલિડેશનની સંભાવના છે. વૈશ્વિક બજારમાં ઈન્ટરેસ્ટ રેટમાં તીવ્ર વૃદ્ધિને કારણે પણ ચાંદીની માગ પર અસર જોવા મળી શકે છે. જોકે, તેમ છતાં ચાંદીમાં માગ સ્થિર જળવાય છે, જે સૂચવે છે કે રેટમાં ઘટાડા પછી ધાતુની માગમાં ઝડપી વૃદ્ધિ સંભવ છે. વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી ઈન્સ્ટોલેશનમાં જંગી વૃદ્ધિના ટાર્ગેટ્સને જોતાં ચાંદીની માગ નોંધપાત્ર સમય સુધી ઊંચી જોવા મળી શકે છે. જોકે, ચાંદી ડોલરમાં મૂલ્ય ધરાવતી હોવાના કારણે ડોલરનું મજબૂત થવું યુએસ સિવાયના વપરાશકારો માટે ચાંદીને મોંઘી બનાવશે અને તે રીતે તેના વપરાશ પર નિયંત્રણ આવી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે ગ્રીન ટેક પર કોઈપણ પ્રકારની નેગેટિવ અસર પણ ચાંદીની માગને અવરોધી શકે છે એમ એનાલિસ્ટ માને છે.

બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે વિક્રમી રૂ. 8.3 લાખ કરોડ મેળવાયાં
850થી વધુ કંપનીઓએ 2021-22ની સરખામણીમાં 2022-23માં 31 ટકા ઊંચું ભંડોળ ઊભું કર્યું

ભારતીય કોર્પોરેટ કંપનીઓએ નાણા વર્ષ 2022-23માં બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 8.3 લાખ કરોડનું વિક્રમી ફંડ ઊભું કર્યું હતું. જે અગાઉના નાણા વર્ષની સરખામણીમાં 31 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતું હતું. કુલ 850થી વધુ સંસ્થાઓએ બોન્ડ્સનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ કર્યું હતું.
બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં વૃદ્ધિનું કારણ વૈશ્વિક બજારમાંથી બોરોઈંગનું મોંઘું બનવું તથા બેંક ક્રેડિટની માગ વધવાને કારણે ઊંચા લોન રેટ્સહતું. આ સ્થિતિમાં કંપનીઓ પાસે પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સનો વિકલ્પ યોગ્ય બની રહ્યો હતો. જોકે આગામી સમયગાળામાં કોર્પોરેટ બોન્ડ ઈસ્યુઅન્સ ધીમું પડે તેવી શક્યતાં નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ ડેટ મ્યુચ્યુલ ફંડ્સ પરના ટેક્સેશનમાં ચાલુ નાણા વર્ષથી જોવા મળતો ફેરફાર છે. મ્યુચ્યુલ ફંડ્સ આ પ્રકારના બોન્ડ્સના સૌથી મોટા સબસ્ક્રાઈબર્સ હોય છે. બેંક્સ સહિતની નાણાકિય સંસ્થાઓએ બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ મારફતે રૂ. 4.2 લાખ કરોડની સૌથી વધુ રકમ ઊભી કરી હતી. જે 2021-22ની સરખામણીમાં 12 ટકા ઊંચી હતી. જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓનો બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં 40 ટકા હિસ્સો હતો.
ગયા નાણાકિય વર્ષ દરમિયાન ડેટનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ કરનારા ટોચના કોર્પોરેટ્સમાં એચડીએફસી(રૂ. 78415 કરોડ), નાબાર્ડ(રૂ. 49510 કરોડ), પીએફસી(રૂ. 42097 કરોડ), એસબીઆઈ(રૂ. 38851 કરોડ) અને સિડબી(રૂ. 35405 કરોડ)નો સમાવેશ થાય છે. 2022-23ના ટોચના પાંચ ઈસ્યુઅર્સે રૂ. 2,44,277 કરોડની રકમ ઊભી કરી હતી. જે 2021-22માં ટોચના પાંચ ઈસ્યુઅર્સ તરફથી ઊભી કરવામાં આવેલી રૂ. 1,61,895 કરોડની રકમ કરતાં ઊંચી હતી. મોટાભાગની રકમ 10-વર્ષ મેચ્યોરિટી બકેટમાં ઊભી કરવામાં આવી હતી. જે લગભગ 40 ટકા હિસ્સો ધરાવતી હતી. જ્યારપછી 3-5 વર્ષના બકેટમાં 32 ટકા જેટલી રકમ ઊભી કરાઈ હતી.

એપ્રિલમાં હરિફોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
નિફ્ટીએ એક મહિનામાં 5 ટકાનું સર્વોચ્ચ રિટર્ન દર્શાવ્યું

કેલેન્ડરના શરૂઆતી ત્રણ મહિનામાં સુસ્તી દર્શાવ્યાં બાદ ભારતીય શેરબજારે એપ્રિલમાં હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારો તરફથી મજબૂત ઈનફ્લો પાછળ બેન્ચમાર્ક નિફ્ટીએ નાણા વર્ષના પ્રથમ મહિનામાં 4.9 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. ગયા સપ્તાહે ભારતીય શેરબજારે નવ-મહિનામાં સૌથી ઊંચું સાપ્તાહિક વળતર દર્શાવ્યું હતું. જે બજારમાં નીચા મથાળે રોકાણકારોની મજબૂત ખરીદી સૂચવે છે.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે રિસ્ક સેન્ટિમેન્ટમાં સુધારાને કારણે પણ ભારતીય બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ સુધીના 2023ના શરૂઆતી ત્રણ મહિના દરમિયાન ભારતીય બજારમાં સુસ્તી જોવા મળી હતી અને ત્રણેય સિરીઝમાં તે ઘસાતું જોવા મળ્યું હતું. તેમજ, લાંબા સમયગાળા પછી વૈશ્વિક હરિફોની સરખામણીમાં તેણે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જોકે, એપ્રિલમાં ભારતીય બજારમાં સતત મજબૂતી જળવાય હતી. ડિસેમ્બર 2022ની શરૂમાં સર્વોચ્ચ ટોચ બનાવી માર્ચ મહિનાની આખર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટીએ 10 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે માત્ર એપ્રિલમાં જ તેણે પાંચ ટકા રિકવરી નોંધાવી હતી. છેલ્લાં બે મહિના દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 2.5 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 20 હજાર કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં અનેક પ્રયાસો છતાં 18 હજારનું લેવલ પાર નહિ કરી શકનાર નિફ્ટીએ એપ્રિલની આખરમાં આ અવરોધને પાર કર્યો હતો. જોકે, વેલ્યૂએશન ફરીથી મોંઘા બન્યાં હોવાનું એનાલિસ્ટ્સનું કહેવું છે. જે બજારમાં વર્તમાન સ્તરેથી સુધારા પર બ્રેક લગાવી શકે છે. અન્ય ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં ભારતીય બજાર હજુ પણ 70 ટકા પ્રિમીયમ પર ટ્રેડ દર્શાવી રહ્યું હોવાનું તેઓ જણાવે છે. ઉપરાંત, ભારતીય ઈક્વિટીઝ બોન્ડ્સની સરખામણીમાં મોંઘી જણાય છે. ભારતીય પરિવારો તરફથી ફ્લો ઘટી રહ્યો હોવા સાથે બેંક ફિક્સ્ડ ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિને જોતાં વેલ્યૂએશનમાં નોર્મલાઈઝેશન જોવા મળે તેવી અપેક્ષા હોવાનું એક વૈશ્વિક બેંકર તેની નોટમાં જણાવે છે. જોકે, સ્થાનિક બ્રોકરેજ હાઉસના એનાલિસ્ટના મતે તાજેતરમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી સારા જોવા મળી રહ્યાં છે અને તે ભારતીય બજારમાં રિ-રેટિંગની સંભાવના સૂચવે છે. જેને જોતાં બજારમાં ઘટાડાની શક્યતાં ઓછી છે. જ્યારે વૈશ્વિક ક્રૂડના ભાવો નીચા જળવાય રહે અને આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિની સાઈકલ પૂરી થયાની ખાતરી મળે તો બજાર ધીમે-ધીમે સુધારાતરફી ચાલ જાળવી રાખે તેવી શક્યતાં છે.

એપ્રિલમાં વૈશ્વિક બજારોનો દેખાવ
બજાર વૃદ્ધિ(ટકામાં)
ભારત 4.9
યૂકે 3.1
જાપાન 2.9
બ્રાઝિલ 2.5
ફ્રાન્સ 2.3
જર્મની 1.9
ઈન્ડોનેશિયા 1.6
ચીન 1.5
તાઈવાન -1.8
હોંગ કોંગ -2.5

આગામી પાંચ વર્ષોમાં ભારતમાં નીચું જોબ ચર્નિંગ જોવાશેઃ રિપોર્ટ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મુજબ દેશમાં નોન-સોશ્યલ જોબ્સની સરખામણીમાં સોશ્યલ જોબ્સમાં ધીમી વૃદ્ધિ

આગામી પાંચ વર્ષોમાં ભારતમાં લેબર માર્કેટ્સમાં વૈશ્વિક સરેરાશની સરખામણીમાં નોકરી બદલવાની પ્રક્રિયા(જોબ ચર્ન)નું પ્રમાણ નીચું જોવા મળશે એમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો તાજો રિપોર્ટ જણાવે છે. આગામી વર્ષોમાં જોબ્સ અને સ્કિલ્સમાં ફેરફારને ટ્રેક કરતાં ‘ફ્યુચર ઓફ જોબ્સ’ મથાળા હેઠળના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે 23 ટકા સામે ભારતીય લેબર માર્કેટમાં જોબ ચર્નનું પ્રમાણ 22 ટકા રહેશે.

‘લેબર-માર્કેટ ચર્ન’ એ અપેક્ષિત જોબ મૂવમેન્ટને દર્શાવે છે. જેમાં વર્તમાન એમ્પ્લોયમેન્ટના ભાગરૂપે નવી ઊભરતી જોબ્સ અને જૂની નાશ પામતી જોબ્સનો સમાવેશ થાય છે. જોકે, આમાં જૂની જોબ પર કોઈ કર્મચારીનું સ્થાન લેતાં નવા કર્મચારીનો સમાવેશ નથી થતો. ઈન્ટરનેશનલ એડ્વોકસી ગ્રૂપના રિપોર્ટમાં વિશ્વમાં 45 અર્થતંત્રોમાં 27 ઉદ્યોગ ક્લસ્ટર્સની લગભગ 800 કંપનીઓ સાથે થયેલી વાતચીતનો સમાવેશ થાય છે. ભારતીય લેબર માર્કેટ્સમાં સૌથી ઊંચું ચર્ન ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં જોવાશે. જેમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ(38 ટકા), ડેટા એનાલિસ્ટ્સ એન્ડ સાઈન્ટિસ્ટ્સ( 33 ટક) અને ડેટા એન્ટ્રી ક્લર્ક્સ(32 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ, લેબર-ઈન્ટેન્સિવ ક્ષેત્રો જેવાકે એકાઉન્ટ્ન્ટ્સ અને ઓડિટર્સ(5 ટકા), ઓપરેશન્સ મેનેજર્સ( 14 ટકા) અને ફેક્ટરી વર્કર્સ(18 ટકા)માં નીચું ચર્નિંગ જોવા મળશે. વૈશ્વિક સ્તરે જોબ ચર્નિંગની આગેવાની સપ્લાય ચેઈન એન્ડ ટ્રાન્સપોર્ટેશન તથા મિડિયા, એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ લેશે. જે 6.9 કરોડ જોબ્સનું સર્જન કરશે જ્યારે બીજી બાજુ 8.3 કરોડ જોબ્સમાં ઘટાડો જોવા મળશે. જે સરવાળે 1.4 કરોડ અથવા 2 ટકા જોબ્સનું ચોખ્ખું નુકસાન દર્શાવશે. રિપોર્ટ પ્રગટ થયો ત્યારે ઓટોમેટેડ ટાસ્ક્સનું પ્રમાણ ત્રણ વર્ષ અગાઉની સરખામણીમાં કોઈ ખાસ ફેરફાર દર્શાવી રહ્યું નથી. હાલમાં 34 ટકા ટાસ્ક્સ એટલેકે ત્રીજા ભાગની કામગીરી ઓટોમેટેડ છે. જે 2020ની સરખામણીમાં એક ટકા વૃદ્ધિ સૂચવે છે. વધુમાં સર્વેમાં સમાવેશ કરાયેલી કંપનીઓએ પણ વધુ ઓટોમેશન માટેની તેમની અપેક્ષાઓમાં ઘટાડો કર્યો છે. 2020માં તેમની અપેક્ષા મુજબ 2025 સુધીમાં 47 ટકા ટાસ્ક્સ ઓટોમેટેડ હશે. જોકે હવે તેઓ 2027 સુધીમાં 42 ટકા ટાસ્ક્સ ઓટોમેટેડ હશે તેમ જણાવે છે. ભારતીય કંપનીઓમાંની 61 ટકાનું માનવું છે કે એન્વાર્મેન્ટલ, સોશ્યલ અને ગવર્નન્સ(ESG) ધોરણો સંબંધી વ્યાપક પસંદગીઓ જોબ ગ્રોથનું મુખ્ય ચાલકબળ બનશે. ત્યારપછીના ક્રમે વ્યાપક બનતી ડિજિટલ એક્સેસ(55 ટકા) અને ક્લાયમેન્ટ ચેન્જ(53 ટકા)ને કારણે ઈન્વેસ્ટમેન્ટ પાછળ નોંધપાત્ર ગ્રોથ સંભવ બનશે. જોબ સર્જન પર અસરના સંદર્ભમાં 62 ટકા કંપનીઓનું મનવું છે કે બીગ-ડેટા એનાલિટીક્સની સૌથી મોટી અસર જોવા મળશે. જ્યારપછીના ક્રમે એન્ક્રિપ્શન એન્ડ સાયબરસિક્યૂરિટી(53 ટકા), ડિજીટલ પ્લેટફોર્મ્સ એન્ડ એપ્લિકેશન્સ(51 ટકા) અને ઈ-કોમર્સ(46 ટકા)નો સમાવેશ થતો હશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

અંબુજા સિમેન્ટ્સઃ અદાણી જૂથ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 502 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 494 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ 9 ટકા વધી રૂ. 4256 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 3927 કરોડ પર જોવા મળતી હતી. કંપનીના બોર્ડે શેર દિઠ રૂ. 2.5ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

L&T ફાઇનાન્સઃ એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1623 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 52 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 2022-23ની આખરમાં એનબીએફસીની રિટેલ લોન વિતરણ 69 ટકા વધી રૂ. 42065 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે હોલસેલ બુક 54 ટકા ઘટી રૂ. 19840 કરોડ પર રહી હતી. જે સાથે કંપનીએ 2026માં લોન બુકના 75 ટકા રિટેલ પોર્ટફોલિયોનો ટાર્ગેટ વહેલો હાંસલ કર્યો છે.
અદાણી ટોટલ ગેસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 97.91 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 81.09 કરોડની સરખામણીમાં 20.74 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1065.48 કરોડ પરથી 12.37 ટકા વધી રૂ. 1197.31 કરોડ પર જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1185 કરોડની આવક જોવા મળી હતી. કંપનીના બોર્ડે પ્રતિશેર 25 પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 803 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સ તરફથી રૂ. 676.1 કરોડની અપેક્ષા કરતાં ઊંચો રહ્યો હતો. બેંકની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 2.96 ટકા પરથી ઘટી 2.51 ટકા પર જોવા મળી હતી. બેંકનો શેર મંગળવારે તેની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો.
એમએન્ડએમ ફાઈઃ એનબીએફસી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 684.1 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે રૂ. 625.2 કરોડની એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં ઊંચો રહ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 1639 કરોડની અપેક્ષા સામે 1.3 ટકા સુધરી રૂ. 1660.2 કરોડ પર રહી હતી.
એસબીઆઈ કાર્ડ્સઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 596.5 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 581 કરોડની સરખામણીમાં 3 ટકા વધુ હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2850.3 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 32 ટકા ઉછળી રૂ. 3762.2 કરોડ પર જોવા મળી હતી.
વેદાંત ફેશન્સઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 109 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 88.7 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 296 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 341 કરોડ પર જોવા મળી હતી.
ધામપુર બાયોઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 80.2 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70.9 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 505 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 921 કરોડ પર રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage