માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં નિરસ માહોલ
વૈશ્વિક બજારોમાં સતત નિરસતા જોવા મળી રહી છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે 126 પોઈન્ટ્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. છેલ્લા કેટલાંક સત્રોથી તે સાધારણ વધ-ઘટ દર્શાવી રહ્યો છે. એશિયન બજારો પણ લાંબા સમયથી દિશાહિન જોવા મળે છે. આજે સવારે એકાદ-બે બજારને બાદ કરતાં મોટાભાગના બજારો રેડ ઝોનમાં જોવા મળે છે. જેમાં જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને ચીનનો સમાવેશ થાય છે. તાઈવાન અને કોરિયા સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ફ્લેટ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 11 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15769 પર ટ્રેડ કરી રહ્યો છે. આમ તે સર્વોચ્ચ ટોચની નજીક છે. ભારતીય બજાર 15800ના સ્તરને પાર કરવામાં સફળ રહેશે તો 16000નો નવો ટાર્ગેટ છે. બજાર છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન નોંધપાત્ર સુધારો દર્શાવી ચૂક્યું છે. આમ તે થોડો થાક ખાઈ શકે છે. જોકે તેમાં નોંધપાત્ર ઘટાડાના કોઈ સંકેત જોવા મળી રહ્યાં નથી.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવ પણ સાંકડી રેંજમાં અથડાઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઓગસ્ટ વાયદો એક ટકાની નરમાઈ સાથે 71 ડોલરની નીચે ઉતરી ગયો છે. આમ 70-72 ડોલરનું ઝોન તેના માટે એક અવરોધ ઝોન છે. જો 72 ડોલરને પાર કરશે તો તે વધુ સુધારો દર્શાવશે. જ્યારે 68 ડોલરની નીચે ઝડપી ઘટાડો જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા ડિજીટલ ક્યોરફીટ હેલ્થકેરમાં 7.5 કરોડ ડોલરનું રોકાણ કરશે.
• સેબીએ ફ્રેન્કલીન ઈન્ડિયા પર ડેટ ફંડ્સ ઓફરિંગમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો.
• આરબીઆઈએ એફપીઆઈ માટે બોન્ડ ટ્રાન્ઝેક્શન્સ રિપોર્ટિંગ માટે થોડી હળવાશ કરી આપી.
• ફિચ રેટિંગના મતે પીએસયૂ બેંક્સના ખાનગીકરણની પ્રક્રિયામાં કોવિડને કારણે અવરોધ ઊભો થશે.
• 8 જૂન સુધીમાં દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 28 ટકા વધુ.
• ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સે 30 અબજ ડોલર આકર્ષ્યાં.
• સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 186 કરોડનું કરેલું વેચાણ.
• સ્થાનિક ફંડ્સે સોમવારે બજારમાંથી રૂ. 984 કરોડની ખરીદી દર્શાવી.
• કમ્પ્લાયન્સના મુદ્દે આરબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા પર રૂ. 4 કરોડનો દંડ ફટકાર્યો. બેંક રેગ્યુલેટરે પીએનબીને પણ રૂ. 2 કરોડનો ફટકારેલો દંડ.
• બીપીસીએલે કોચી ખાતે ક્રૂડ યુનિટને બંધ કર્યો. ઓઈલ-પ્રોસેસિંગ ઘટીને 76-78 ટકા થયું.
• શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સે રૂ. 1440 પ્રતિ શેરના ભાવે પ્રેફરન્શિયલ શેર્સ અને વોરંટ્સ ઈસ્યુને આપેલી મંજૂરી. કંપનીની ક્વિપ ઈસ્યુમાંથી 27.5 કરોડ ડોલર મેળવવાની અપેક્ષા.