માર્કેટ ઓપનીંગ
યુએસમાં મજબૂતી છતાં એશિયામાં નરમ ટ્રેડ
શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 179 પોઈન્ટ્સના સુધારે 34756ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 1.5 ટકાના સુધારે 13814 પર બંધ જોવા મળ્યો હતો. જેને જોતાં સોમવારે એશિયન બજારો મજબૂતી સાથે સપ્તાહની શરૂઆત દર્શાવે તેવી શક્યતા હતી. જોકે આનાથી ઊલટું એશિયન બજારોમાં દિશાહિન ટ્રેન્ડ જળવાયો છે. જાપાન, ચીન અને કોરિયન બજારોમાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીની ગેપ-અપ ઓપનીંગની શક્યતા
સિંગાપુર નિફ્ટી 42 પોઈન્ટ્સના સુધારા સાથે 15751 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 15850 પ્રથમ પડાવ છે. જે પાર થતાં 16000-16050 સુધીના સ્તરો જોવા મળી શકે છે. 15450ના એસએલ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય.
ક્રૂડમાં સાંકડી રેંજ સાથે મક્કમ ટોન
ક્રૂડના ભાવ ગયા સપ્તાહાંતે દોઢ વર્ષની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. જોકે ભાવમાં કોઈ મોટો ઉછાળો જોવા નથી જ મળ્યો. આમ છતાં તે મક્કમ જણાય છે. કોમોડિટીએ 60-70 ડોલર વચ્ચે લાંબુ કોન્સોલિડેશન દર્શાવ્યું હતું. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી તે 71 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જો આ સ્તર પર કેટલોક સમય ટકશે તો વધુ સુધારો સંભવ છે.
ગોલ્ડને 1900 ડોલરનો અવરોધ
વૈશ્વિક ગોલ્ડને 1900 ડોલરના સ્તરે અવરોધ નડી રહ્યો છે. આ સપાટી પર તે ટકી શકતું નથી. નવા સપ્તાહે તે 1890 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. રશિયાએ ડોલર એસેટ્સમાંથી બહાર નીકળી જવાની કરેલી જાહેરાત છતાં ગોલ્ડમાં તેજી નથી જોવા મળી. રશિયાએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તે ડોલરને વેચીને અન્ય કરન્સીઝમાં શિફ્ટ થશે.
મહત્વની હેડલાઈન્સ
• રિઝર્વ બેંકે ગ્રોથમાં નરમાઈને પગલે ક્વોન્ટિટેટિવ ઈઝીંગમાં વિસ્તરણ કરતાં બોન્ડ-બાઈંગ પ્લાન જાહેર કર્યો.
• આરબીઆઈ સર્વે મુજબ ભારતના કન્ઝ્યૂમર કોન્ફિડન્સ ઘટીને વિક્રમી તળિયા પર પહોંચ્યો.
• કોવિડ કટોકટી પાછળ ઈન્ડિગોએ અપેક્ષાથી ખરાબ દેખાવ કર્યો. સીએપીએના જણાવ્યા મુજબ ભારતીય ઉડ્ડયન કંપનીઓને ટકી રહેવા માટે 5 અબજ ડોલરની જરૂરિયાત.
• 28 મેના રોજ પૂરાં થતાં સપ્તાહ દરમિયાન દેશનું ફોરેન રિઝર્વ 5.3 અબજ ડોલર ઘટી 98.2 અબજ ડોલર પર.
• ક્રિસલના મતે 66 ટકા મીડ-સાઈઝ કંપનીઓ ડેટ રિસ્ટ્રક્ચરિંગ માટે યોગ્યતા ધરાવે છે.
• ચીને ફરીથી સ્ટોક કરવાનું ચાલુ કરતાં વૈશ્વિક એલએનજીની માગ વૃદ્ધિ આગળ વધી.
• શુક્રવારે વૈશ્વિક ફંડે સ્થાનિક બજારમાં રૂ. 1500 કરોડની ખરીદી કરી.
• સ્થાનિક ફંડે શુક્રવારે બજારમાં રૂ. 1175 કરોડની વેચવાલી કરી હતી.
• નાણાપ્રધાને જણાવ્યા મુજબ ઈક્વિટી માર્કેટ્સમાં કોઈ બબલ નથી.
• જી-7 દેશોએ નક્કી કરેલા મિનિમમ 15 ટકા કોર્પોરેટ ટેક્સથી ભારતને લાભ થવાની શક્યતા.
• પીએનબી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં હિસ્સો ખરીદશે.
• એમએફઆઈ સ્પંદના સ્ફૂર્તિને ખરીદવાના અહેવાલોને એક્સિસ બેંકે અફવા ગણાવ્યાં.
• દિવાન હાઉસિંગ ફાઈનાન્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 97 કરોડનો નફો દર્શાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 7603 કરોડની ખોટ નોંધાવી હતી.