બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારો ઊંધા માથે પટકાયાં, મેટાનો શેર 26 ટકા તૂટ્યો
વૈશ્વિક સ્તરે યુએસ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક બંને ઊંધા માથે પટકાયાં હતાં. ડાઉ જોન્સ 518 પોઈન્ટ્સ ગગડી 35111.16ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 539 પોઈન્ટ્સ અથવા 3.74 ટકા તૂટી 13878.82ની સપાટીએ બંધ રહ્યો હતો. મેટા એટલેકે અગાઉની ફેસબુકના પરિણામો ખૂબ જ નબળા આવતાં યુએસ બજારમાં વેચવાલી ફરી વળી હતી. જોકે આમ છતાં એશિયન બજારોમાં વેચવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે. ચારેક દિવસ બાદ ખૂલેલું હોંગ કોંગ માર્કેટ 2.5 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે કોરિયા, સિંગાપુર પણ પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં છે.
મેટાએ એક દિવસમાં 230 અબજ ડોલરનું માર્કેટ-કેપ ગુમાવ્યું
ફેસબુકે નબળા પરિણામો દર્શાવતાં મેટાનો શેર એક દિવસમાં 26 ટકા તૂટ્યો હતો અને તેને માર્કેટ-કેપમાં 230 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 78 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17596ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિ બજાર પણ પોઝીટીવ ઝોનમાં કામકાજની શરૂઆત નોંધાવે તેવી શક્યતા છે. નિફ્ટી ફરી કોન્સોલિડેશન ઝોનમાં જોવા મળી શકે છે. જેમાં તેની રેંજ 17300-17800ની રહી શકે છે. જો 17800 પાર કરશે તો તે વધુ સુધારા માટે તૈયાર બનશે.
ક્રૂડ નવી ટોચ પર
વૈશ્વિક ક્રૂડના ભાવ 90 ડોલરને પાર કરી ગયાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 91.56 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે લાંબા સમય બાદ 90 ડોલરની સપાટી પર ટક્યો છે. તે 95 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલી ક્રૂડના ભાવમાં મજબૂતીનું મુખ્ય કારણ છે. રશિયાના સૈન્ય ખડકલાં પાછળ યુએસે પણ પૂર્વ યુરોપના નાટો દેશોમાં પોતાના સૈન્યની હાજરીમાં વૃદ્ધિ કરી છે.
ગોલ્ડમાં સ્થિરતાં
વૈશ્વિક ગોલ્ડના ભાવ 3 ડોલરના સુધારા સાથે 1807 ડોલરના સ્તરે ટ્રેડ દર્શાવે છે. જીઓપોલિટીકલ કટોકટી તથા ઊંચા ઈન્ફ્લેશનની પાછળ તે 1800 ડોલર નીચે પટકાયાં બાદ પરત ફર્યાં છે. એવું જણાય છે કે 1800 ડોલર તેના માટે એક બેઝ બની ચૂક્યો છે.
મહત્વના કોર્પોરેટ પરિણામો
• લક્સ ઈન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 34.2 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. ગયા વર્ષે રૂ. 75.5 કરોડ સામે ચાલુ વર્ષે તેણે રૂ. 101.3 કરોડનો નફો નોંધાવ્યો હતો.
• સુમીટોમો કેમિકલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 88.9 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 54.1 કરોડની સરખામણીમાં 64.3 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. કંપનીની આવક 26.1 ટકા વધી રૂ. 707.2 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 560.9 કરોડ પર હતી.
• જીએમએમ ફોડલરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 31.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 23.2 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 201.8 કરોડ પરથી ઉછળી રૂ. 642.3 કરોડ પર રહી હતી.
• બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 46.4 રોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 21.5 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 644.6 કરોડ પરથી વધી રૂ. 921 કરોડ પર રહી હતી.
• દિશમાન કાર્બોજેને રૂ. 35.4 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 16.1 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 468.6 કરોડ પરથી વધી રૂ. 562.1 કરોડ પર રહેવા પામી હતી.
• આઈટીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4156 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3638 કરોડ પર હતો. કંપનીએ 12-13 ટકા વોલ્યુમ ગ્રોથ દર્શાવીને આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું.
Market Opening 4 Feb 2022
February 04, 2022