માર્કેટ ઓપનીંગ
યુએસ પાછળ એશિયન બજારોમાં મજબૂતી
ભારતીય બજારમાં સોમવારે રજા હતી ત્યારે યુએસ બજાર રાતે પોઝીટીવ બંધ આવ્યું હતુ. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 98 પોઈન્ટ્સ સુધરીને 33171 પોઈન્ટસ પર બંધ રહ્યો હતો. તે સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 79 પોઈન્ટ્સ ઘટી બંધ રહ્યો હતો. એશિયન બજારો સવારમાં પોઝીટીવ રૂખ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર જાપાનનો નિક્કાઈ સાધારણ નરમાઈ સૂચવે છે. સિંગાપુરનું બજાર 0.65 ટકા, હોંગ કોંગ એક ટકો, તાઈવાન 0.25 ટકા, કોસ્પી એક ટકો અને ચીનનું માર્કેટ 0.4 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
આજે સવારે સિંગાપુર નિફ્ટી 26 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14776 પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે પણ તે મજબૂતી દર્શાવતો હતો. આમ ગુરુવારના બંધ સામે ભારતીય બજાર અંદાજ 150 પોઈન્ટ્સની મજબૂતી સાથે ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 14850નો અવરોધ છે. જે પાર થતાં તે 15000ની રૂખ દર્શાવી શકે છે. જોકે માર્કેટ માટે તેજીની સફર આસાન રહેવાની શક્યતા નથી. કેમકે 15000ના સ્તર પર જઈ તે અનેકવાર પરત ફર્યો છે.
ક્રૂડમાં મક્કમ ટોન
સુએઝ કેનાલ ખાતે ફસાયેલું તાઈવાની જહાજ નીકળવામાં સફળ થવા છતાં ક્રૂડના ભાવમાં કોઈ રાહત મળી નથી. ગયા સપ્તાહની શરૂમાં તે કેનાલમાં ફસાયું ત્યારબાદ ક્રૂડના ભાવમાં ઘટાડો અટક્યો હતો અને તે બાઉન્સ થયા હતા. આમ તેના કેનાલમાંથી સફળ નીકાલ બાદ ક્રૂડના ભાવ ઘટવા જોઈતા હતાં. જોકે આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.2 ટકા મજબૂતી સાથે 65 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે પાર થતાં તે ફરી 70 ડોલરની સપાટી દર્શાવી શકે છે.
સોનું-ચાંદી નરમ
કિંમતી ધાતુઓમાં નવેસરથી વેચવાલી જોવા મળી રહી છે. વૈશ્વિક બજાર ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 2.90 ડોલરના ઘટાડે 1712 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.26 ટકાના ઘટાડા સાથે 24.707 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. આમ બંને ધાતુઓ અંતિમ કેટલાક સપ્તાહોના તળિયા પર ટ્રેડ થઈ રહી છે. સોમવારે એમસીએક્સ ખાતે સાંજના સત્રમાં ગોલ્ડ 1.8 ટકા અથવા રૂ. 792ના ઘટાડે રૂ. 43850ની સપાટી પર બંધ રહ્યું હતું. જ્યારે સિલ્વર 1 ટકા અથવા રૂ. 646ના ઘટાડે રૂ. 64159 પર બંધ રહી હતી. ચાંદીમાં રૂ. 63000નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે રૂ. 60000ની સપાટી દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· બાઈડેનના સ્પેન્ડિંગ આટલૂક બાદ કેટલાક એશિયન ઈન્ફ્રા શેર્સમાં નોંધાયેલી વૃદ્ધિ.
· કોર્ટે સરકારને વેદાંત પાસેથી વધારાનો પ્રોફિટ મેળવવા માટે આપેલી છૂટ
· એક્ટિસ 85 કરોડ ડોલરના ખર્ચે 2 ગ્રીન ફર્મની સ્થાપના કરશે.
· કેઈર્ન વિદેશમાંની ભારતીય એસેટ્સની જપ્ત કરે તેવી શક્યતા.
· અદાણી ટ્રાન્સમિશન એસ્સેલ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટની 46.5 કરોડ ડોલરમાં ખરીદી કરશે.
· બ્રાઝિલ લિબ્સ ફાર્માસ્યુટીકા સાથે મળી જેનેરિક ફોર્મ્યુલેશન્સ લોંચ કરશે.
· જેએસડબલ્યુ હાઈડ્રો યુનિટ ગ્રીન બોન્ડ્સ મારફતે 75 કરોડ ડોલર સુધીનું ફંડ એકત્ર કરશે.
· મેકનેલી ભારતે મહાનદી કોલફિલ્ડ્સ પાસેથી રૂ. 278નો ઓર્ડર મેળવ્યો.
· અદાણી પોર્ટ્સના 72 લાખ પ્લેજ્ડ શેર્સને પ્રમોટર્સે રિલીઝ કરાવ્યાં છે.
Market Opening 30 March 2021
March 30, 2021