બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં નરમાઈ યથાવત
મંગળવારે યુએસ બજારોમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ 86 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જોકે તેણે 35000ની સપાટી જાળવી રાખી હતી. નાસ્ડેકમાં 1.21 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયન બજારોમાં આજે પણ નરમાઈનો ટ્રેન્ડ જળવાયો છે. એક માત્ર હોંગ કોંગ બજાર છેલ્લા બે દિવસોમાં 9 ટકાના ઘટાડા બાદ 0.55 ટકાનો બાઉન્સ દર્શાવી રહ્યું છે. બાકી બજારોમાં જાપાન, સિંગાપુર, તાઈવાન અને ચીન નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાન 1.7 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 44 પોઈન્ટ્સના સુધારા સાથે 15786ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. જોકે આના ટકવા સામે સવાલ ઊભો છે. છેલ્લા એક મહિનાથી માર્કેટ 15600-15950ની રેંજમાં અટવાઈ પડ્યું છે. પ્રથમ ક્વાર્ટરના પરિણામો પણ બજારને 16000 પાર કરાવી શક્યાં નથી. જે તેજીવાળાઓની શક્તિમાં અગાઉ જેટલી મજબૂતી નથી રહી એમ સૂચવે છે. જોકે બજારમાં ઘટાડે જે રીતે ખરીદી આવી જાય છે. તે જોતાં આ કોન્સોલિડેશન એક તબક્કે પોઝીટીવ બ્રેકઆઉટ માટેની પૂર્વતૈયારીરૂપ હોય તેવું પણ જણાય છે. ટ્રેડર્સે 15700ના સ્ટોપલોસને જાળવીને બજારમાં લોંગ જાળવવું જોઈએ.
ક્રૂડમાં જળવાયેલી મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ મજબૂત જળવાયેલાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 74 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ડેલ્ટા વાયઈરસના વધી રહેલાં કેસિસ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર તેનું કામ સામાન્યરીતે ચલાવી રહ્યું છે. અને તેથી ક્રૂડના ભાવની આર્થિક ગતિવિધિઓ પર મોટી અસરની શક્યતા જોવાઈ રહી નથી.
મહત્વની હેડલાઈન્સ
• દેશની સૌથી મોટી ઉડ્ડયન કંપની ઈન્ડિગો વધુ ક્ષમતાનો ઉમેરો કરશે. કંપનીએ જૂન મહિનામાં રૂ. 3100 કરોડથી વધુની ખોટ દર્શાવી હતી.
• પ્રથમ ક્વાર્ટરમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે બમણું થઈને રૂ. 2.47 લાખ કરોડ પર રહ્યું.
• રોલેક્સ રિંગ્સે 26 એન્કર ઈન્વેસ્ટર્સને 24.4 લાખ શેર્સની ફાળવણી કરી. કંપનીનો આઈપીઓ આજથી ખૂલશે.
• 27 જુલાઈની રોજ દેશમાં ચોમાસાનો કુલ વરસાદ સામાન્ય કરતાં 2 ટકા નીચો.
• વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1460 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક સંસ્થાઓએ મંગળવારે બજારમાં રૂ. 730 કરોડની કરેલી ખરીદી.
• વિદેશી સંસ્થાઓએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2560 કરોડની દર્શાવેલી વેચવાલી.
• હુડકોની ઓએફએસ ઓફરમાં નોન-રિટેલ સેગમેન્ટમાં પ્રથમ દિવસે 196 ટકા માગ જોવા મળી. રિટેલ માટે ઓફર આજે ખૂલશે.
• ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો આઈપીઓ સંપૂર્ણપણે ભરાઈ ગયો. પ્રથમ દિવસે 2.78 ગણું ભરણું ભરાયું.
• દાલમિયા ભારતે જૂન ક્વાર્ટરમાં રૂ. 227 કરોડનો નફો નોંધાવ્યો. જોકે તે રૂ. 271 કરોડના અંદાજથી નીચો રહ્યો. કંપનીની આવક 36 ટકા વધી રૂ. 2590 કરોડ જોવા મળી.
• ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 120 કરોડનો નફો દર્શાવ્યો. જ્યારે કંપનીની આવક 15 ટકા વધી રૂ. 850 કરોડ રહી.
Market Opening 28 July 2021
July 28, 2021