માર્કેટ ઓપનીંગ
યુએસમાં બીજા દિવસે વેચવાલી પાછળ એશિયામાં મિશ્ર વલણ
યુએસ ખાતે સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 321 પોઈન્ટ્સ ગગડી 33816ની સપાટી પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 132 પોઈન્ટ્સના ઘટાડે 13818 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાન 0.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. સિંગાપુર પણ નરમાઈ સૂચવે છે. જોકે બીજી બાજુ કોરિયા, તાઈવાન અને હોંગકોંગમાં મજબૂતી જોવા મળી રહી છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 86 પોઈન્ટ્સની નરમાઈ સાથે 14317 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ નરમાઈ સાથે ખૂલશે. નિફ્ટી 14150નો સપોર્ટ લઈ ગુરુવારે પરત ફર્યો હતો. આમ ભારતીય બજારને આ સ્તરે સપોર્ટ મળી શકે છે. જ્યારે 14600નો અવરોધ છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જળવાયેલી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.35 ટકા સુધારા સાથે 65.63 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે 65 ડોલરની સપાટી જાળવી રાખી છે. રૂપિયામાં નરમાઈ વચ્ચે ક્રૂડના ભાવમાં મજબૂતી ભારતની ક્રૂડ આયાતને ઊંચા ભાવે જાળવી રાખશે.
ગોલ્ડ-સિલ્વરમાં અન્ડરટોન મક્કમ
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં અન્ડરટોન મજબૂત છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 5 ડોલર મજબૂતી સાથે 1787 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 26.25 ડોલર પર સાધારણ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગુરુવારે બંને ધાતુઓ ઘટાડે બંધ આવી હતી. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન નોંધપાત્ર સુધારા બાદ તેઓ કરેક્શન અને કોન્સોલિડેશનમાંથી પસાર થવાની શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
· સરકારે જણાવ્યું છે કે સ્થાનિક લોકડાઉની ઘટનાઓ વચ્ચે પીએસયૂમાંની હિસ્સા વેચાણની પ્રક્રિયા, સુધારાઓ રાબેતા મુજબ ચાલુ છે.
· યૂએઈએ ભારત ખાતેથી આવતી ફ્લાઈટ્સને 24 એપ્રિલથી 10 દિવસ માટે બંધ કરી છે.
· લેન્ડ રોવર ચીપ શોર્ટેજને કારણે યૂકેના બે પ્લાન્ટ ખાતે ઉત્પાદન અટકાવશે.
· ચીન અને ભારત જેવા બે મુખ્ય ખરીદારોની ગોલ્ડ માગમાં જોવા મળેલી વૃદ્ધિ.
· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 910 કરોડની વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 850 કરોડની ખરીદી કરી હતી.
· ભારતને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે 401 અબજ ડોલરના મૂડી ખર્ચની જરૂરિયાત.
· ડો. રેડ્ડીઝની મે મહિનાના અંત સુધીમાં ભારતમાં સ્પુટનિકનું વિતરણ શરૂ કરવાની અપેક્ષા
Market Opening 23 April 2021
April 23, 2021