માર્કેટ ઓપનીંગ
યુએસમાં રજા વચ્ચે એશિયન બજારોમાં મજબૂતી
સોમવારે રાતે યુએસ બજારો બંધ હતાં. યુરોપ બજારો આખરી તબક્કામાં સુધરીને પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જર્મની અને ફ્રાન્સ 0.5 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. એશિયન બજારો સવારે 2 ટકાથી વધુની મજબૂતી નોંધાવી રહ્યાં છે. જેમાં હોંગકોંગ અને કોરિયા, બંને 2 ટકાથી વધુ સુધારો દર્શાવે છે. હોંગ કોંગ છેલ્લા લગભગ 2 બે વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે કોસ્પી પણ બે દિવસ દરમિયાન 4.5 ટકાથી વધુ કરેક્ટ થઈ 2 ટકા સુધારો દર્શાવી રહ્યું છે. તાઈવાન એક ટકો મજબૂત છે. સિંગાપુર અને જાપાન પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચીન સાધારણ નરમ છે.
SGX નિફ્ટી 101 પોઈન્ટસ મજબૂત
સિંગાપુર નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્ક 14386 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજારમાં પણ શરૂઆત મજબૂત રહેવાનો સંકેત છે. સોમવારે ભારતીય બજારે 14320ના મહત્વના સપોર્ટને તોડ્યો હતો. જો તેની પર ફરી બંધ આપશે તો બજાર કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. તેને 14500 અને ત્યારબાદ 14650નો અવરોધ છે. એનાલિસ્ટ્સના મતે માર્કેટ ઓવરબોટ છે અને તેથી નજીકના સમયમાં નવી ટોચ દર્શાવે તેવી શક્યતા ઓછી છે.
ક્રૂડમાં મજબતી
બ્રેન્ટ ક્રૂડ ફરી 55 ડોલર પ્રતિ બેરલની સપાટી પર જોવા મળી રહ્યું છે. આમ હજુ અન્ડરટોન મજબૂત છે. જોકે સતત બે મહિનાથી સુધારા બાદ તે ઓવરબોટ છે અને ટૂંકમાં વધુ સુધારાની શક્યતા ઓછી છે. વધ-ઘટે તે કરેક્શન દર્શાવે તેવું જણાય છે.
સોનું-ચાંદી મજબૂત
કિંમતી ધાતુઓમાં નીચા સ્તરે ખરીદી જોવા મળી છે. ખાસ કરીને સોમવારે રાતે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ બુલિયન મજબૂતી જોવા મળે છે. મંગળવારે સવારે વૈશ્વિક બજારમાં સોનુ 8 ડોલરની મજબૂતી સાથે 1838 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર જ્યારે ચાંદી 1.4 ટકા સુધારા સાથે 25.22 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. સોમવારે રાતે એમસીએક્સ ખાતે ચાંદી 1 ટકા મજબૂતી સાથે રૂ. 65385 પર અને સોનુ 0.36 ટકા સુધારે રૂ. 48877 પર બંધ રહ્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
- અદાણી ગ્રીને ફ્રેન્ચ જાયન્ટ ટોટલ પાસેથી 2.5 અબજ ડોલર ઊભા કર્યાં છે.
- ફ્રેન્કલીન ઈન્ડિયાના મોટાભાગના યુનિટધારકોએ ફંડને બંધ કરવાની તરફેણમાં વોટ આપ્યો છે.
- આરબીઆઈએ ઊંચા મની-માર્કેટ રેટ્સ માટે આપેલા સંકેતે બોન્ડ ટ્રેડર્સમાં ચિંતા ઊભી કરી છે.
- વૈશ્વિક ફંડ્સે સોમવારે સ્થાનિક બજારમાં રૂ. 651 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
- સ્થાનિક ફંડ્સે સ્થાનિક બજારમાં રૂ. 42.51 કરોડની વેચવાલી કરી હતી.
- હીરોમોટોકોએ હ્યૂલેન્ડ એન્જિનીયરીંગમાં વ્યૂહાત્મક હિસ્સો ખરીદ્યો છે.
- રાધાક્રિષ્ણ દામાણીએ ઈન્ડિયા સિમેન્ટ્સમાં તેમનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટર્સમાં 20.4 ટકાથી વધારી 21.1 ટકા કર્યો છે.
- ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 80.5 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 49.2 કરોડ હતી.
- ઈન્ડિયામાર્ટે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 80.2 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 61.5 કરોડ હતી.
- આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે આવકમાં 57 ટકા ઘટો દર્શાવી રૂ. 69.4 કરોડની આવક નોંધાવી હતી. જોકે તેણે બજારની અપેક્ષાથી સારા પરિણામ દર્શાવ્યાં હતાં.
- એલએન્ડટી ફાઈનાન્સે રૂ. 65 પ્રતિ શેરના ભાવે રૂ. 2998 કરોડના રાઈટ ઈશ્યૂને મંજૂરી આપી છે.
- જેએસડબલ્યુ સ્ટીલ 22 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ માર્કેટમાં બોન્ડ્સ મારફતે ફંડ ઉઘરાવવા માટે વિચારણા કરશે.
- મારુતિએ તેની કાર્સના ભાવમાં રૂ. 34000 સુધીની વૃદ્ધિ કરી છે.