યુએસ માર્કેટ સર્વોચ્ચ ટોચ પર બંધ, એશિયા પોઝીટીવ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે રાતે 175 પોઈન્ટ્સના સુધારે 32953ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકમાત્ર સિંગાપુર બજાર 0.14 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવે છે. એ સિવાય તમામ બજારો ગ્રીન ટ્રેડ દર્શાવે છે. જેમાં જાપાનનો નિક્કાઈ 0.7 ટકા સાથે સૌથી વધુ મજબૂત છે. જ્યારે એ સિવાય હેંગ સેંગ 0.40 ટકા, કોસ્પી 0.33 ટકા, ચીન 0.25 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી મજબૂત
સિંગાપુર નિફ્ટી 38 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. તે 14988 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે મંગળવારે તે ફરી 15000 પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે કેશ નિફ્ટીને 14950નો અવરોધ નડી શકે છે અને તે કોન્સોલિડેશનમાં રહેવાનો પ્રયાસ કરી શકે છે. ઉપરાંત કોવિડને લઈને બજારમાં થોડો ગભરાટ જોવા મળી શકે છે. જેને કારણે બજાર ઘટાડાતરફી ટ્રેન્ડ જાળવી શકે છે. લોંગ પોઝીશન માટે સોમવારના 14745ના સ્તરને સ્ટોપલોસ તરીકે જાળવવો. જેની નીચે બજાર ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે એકવાર 15250 પાર થશે તો માર્કેટ બ્રેકઆઉટ આપી 16000ની દિશામાં આગળ વધશે.
ક્રૂડમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
ક્રૂડમાં હજુ મંદીના કોઈ સંકેતો નથી મળી રહ્યાં. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે અને તે 70 ડોલર પર ટકી શકતું નથી. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.1 ટકાના ઘટાડે 68.12 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં સુધારો
સોમવારે સોનું-ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. સમગ્ર દિવસ દરમિયાન તેઓ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 160ના સુધારે રૂ. 44910 પર બંધ આવ્યો હતો. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 840ના સુધારે રૂ. 67684 પર બંધ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આજે સવારે સોનુ 1730 ડોલર પર મામૂલી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે ચાંદી 0.14 ટકાના ઘટાડે 26.25 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· કોલ મંત્રાલયે ફ્યુઅલ પર એડવેલોરેમ જીએસટી સેસનો વિચાર રજૂ કર્યો છે.
· ફેબ્રુઆરી મહિના માટે વેપારી ખાધ 12.62 અબજ ડોલર રહી હતી.
· ફેબ્રુઆરીમાં નિકાસ 0.7 ટકા વધી 27.93 અબજ ડોલર રહી હતી. જ્યારે આયાત 7 ટકા ઉછળી 40.54 અબજ ડોલર રહી હતી.
· સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડા પાછળ ભારતની ક્રૂડને લઈને આયાત પર 90 ટકા નિર્ભરતા.
· રોકાણકારોએ ઈમર્જિંગ માર્કેટ સ્ટોક્સ, બોન્ડ ઈટીએફ્સમાં ગયા સપ્તાહે 2.1 અબજ ડોલર ઉમેર્યાં.
· સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1100 કરોડની વેચવાલી દર્શાવી. સ્થાનિક ફંડ્સે પણ રૂ. 750 કરોડનું વેચાણ નોંધાવ્યું.
· સોમવારે એફઆઈઆઈએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 1450 કરોડની ખરીદી કરી હતી.
· નાણાપ્રધાન સીતારામને પેટ્રોલ, ડિઝલ, એટીએફ કે ગેસને જીએસટી હેઠળ લાવવાનો કોઈ પ્રસ્તાવ નહિ હોવાનું જણાવ્યું છે.
· ઈન્શ્યોરન્સ ક્ષેત્રે વિદેશી રોકાણ મર્યાદા વધારી 74 ટકા કરવાના બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું.
· ભારતની શસ્ત્રોની આયાતમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો.
· અદાણી પોર્ટ્સે શ્રીલંકા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ મેળવ્યો છે.
· ગેઈલ ઈન્ડિયાને બાયફરકેટ કરવાનો કોઈ પ્રસ્તાવ નહિ હોવાનું પ્રધાનનું મંતવ્ય.
· એલઆઈસીએ શીપીંગ કોર્પોરેશનમાંથી તેનો હિસ્સો 10.1 ટકા પરથી ઘટાડી 8 ટકા કર્યો છે.
· ટીસીએસ યુએસમાં ઓહાયો ખાતે 800થી વધુ કર્મચારીઓની ભરતી કરશે.
· સરકાર ટાટા કોમ્યુનિકેશન્સનો 16.12 ટકા હિસ્સો પ્રતિ શેર રૂ. 1161ના ભાવે વેચાણ કરશે.