બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડને ઈન્ફ્લેશનની પીડાઃ બોન્ડ બાઈંગ માર્ચ સુધીમાં પુરું કરશેઃ 2020માં ત્રણ રેટ વૃદ્ધિની શક્યતાં
યુએસ ફેડ માટે ફુગાવો હવે માથાનો દુખાવો બની ગયો છે. પ્રથમવાર તેણે સ્વીકાર્યું છે કે ફુગાવો માત્ર ટ્રાન્ઝિટરી નથી. જેને જોતાં પાછળથી વધુ પીડા ભોગવવી ના પડે તે માટે તે લિક્વિડીટી નિયંત્રણ માટે આકરા પગલા લેવા માટે તૈયાર થઈ ચૂકી છે. ફેડ ચેરમેને બે દિવસીય એફઓઓમસી બેઠક બાદ બુધવારે રાતે જણાવ્યું હતું કે તે ટેપરિંગને વધારીને માસિક 30 અબજ ડોલરનું કરશે. જેથી જૂન 2022ના બદલે માર્ચ 2022માં જ બોન્ડ બાઈંગ સમાપ્ત થશે. ગયા મહિને જ ફેડ 15 અબજ ડોલરના માસિક દરે ટેપરિંગની વાત દર્શાવી હતી. ટેપરિંગ ઉપરાંત ફેડ અત્યાર સુધી જેને લઈને બોલવાનું ટાળતી હતી તે રેટ વૃદ્ધિ અંગે પણ તેણે ચિત્ર સ્પષ્ટ કર્યું છે. ફેડ ચેરમેને જણાવ્યું છે કે 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તે ત્રણ વાર, દરેકમાં 0.25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તેવી શક્યતાં છે. જ્યારબાદ ઈન્ટરેસ્ટ રેટ વર્તમાન શૂન્ય ટકા પરથી વધી 0.75 બેસીસ પોઈન્ટ્સ પર જોવા મળી શકે છે. ચાર ફેડ અધિકારીઓ તો ચાર રેટ વૃદ્ધિની શક્યતાં પણ દર્શાવી રહ્યાં છે.
ફેડ ચેરમેનના નિવેદન બાદ યુએસ શેરબજારોમાં તીવ્ર બાઉન્સ
ફેડ ચેરમેન જેરોમ પોવેલે ટેપરિંગમાં આક્રમક બનવાની તથા 2020માં ત્રણ રેટ વૃદ્ધિન વાત કર્યાં બાદ યુએસ શેરબજારોએ બાઉન્સ દર્શાવ્યું હતું. મિટિંગ અગાઉ બજારો નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે અપેક્ષા મુજબ જ ફેડે હોકિશ વલણ દર્શાવ્યું હતું. જેને બજાર અગાઉથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 383 પોઈન્ટ્સ સુધરી 35927.43ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક 328 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કાઈ 1.56 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું છે. તાઈવાન, કોરિયા, સિંગાપુર અને ચીન પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર હોંગ કોંગ 0.6 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 104 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17356ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે શરૂઆતી સુધારો ટકી શકે છે કે કેમ તે મહત્વનું બની રહેશે. ભારતીય બજાર સતત ચાર દિવસોથી નરમ બંધ આપી રહ્યું છે. જો નિફ્ટી 17400ના સ્તરને પાર કરશે તો 17600 અને 18000 સુધીના ઝડપી સુધારાની શક્યતાં છે. જ્યારે 16800 મહત્વનો સપોર્ટ છે.
ક્રૂડમાં મજબૂતી
ફેડના નિવેદન બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકા મજબૂતી સાથે 74.59 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જો તે 75 ડોલર પર ટકશે તો ઝડપી સુધારો દર્શાવે તેવી પૂરી શક્યતાં છે.
ગોલ્ડ નીચા મથાળેથી ઉછળ્યું
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં ફેડ ચેરમેનના નિવેદન બાદ ઝડપી સુધારો જોવા મળ્યો હતો. અગાઉ 1760 ડોલર સુધી ગગડેલો કોમેક્સ વાયદો આજે સવારે 18 ડોલરના સુધારે 1782 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ હાલના ભાવમાં તેણે ટેપરિંગ અને રેટ વૃદ્ધિ જેવા પરિબળોને ડિસ્કાઉન્ટ કરી લીધાં છે.
મહત્વની હેડલાઈન્સ
• સન ફાર્માએ જેનેરિક એમ્ફોટિરિસીન બી લિમ્પોસોમ ઈન્જેક્શન માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.
• સીસીઆઈએ રિલાયન્સ ન્યૂ એનર્જિ દ્વારા સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જિની ખરીદીને મંજૂરી આપી છે.
• વિપ્રોએ ઈટાલી સ્થિત સ્માર્ટ લાઈટિંગ અને બિલ્ડિંગ પ્રોડક્ટ્સ ઉત્પાદક યુએમપીઆઈ સાથે ભાગીદારી કરી છે.
• પાવરગ્રીડ કોર્પોરેશને પ્રતિ શેર રૂ. 7ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
• અદાણી ટ્રાન્સમિશને એમપીસેઝ યુટિલિટિઝ લિમિટેડની ખરીદી માટે અદાણી પોર્ટ્સ સાથે પરચેઝ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
• સિપ્લાએ ક્લિન મેક્સ ઔરિગા પાવર એલએલપીમાં 33 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
• બર્ગર કિંગે સિક્યૂરિટીઝ મારફતે રૂ. 1500 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે.
• વોડાફોન આઈડિયાએ વાર્ષિક કેપિટલ એક્સપેન્ડિચરને ચાર ગણો વધારી 2 અબજ ડોલર કર્યો હોવાના અહેવાલ છે.
Market Opening 16 Dec 2021
December 16, 2021