બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં આગળ વધતી નરમાઈ
વૈશ્વિક શેરબજારોમાં ડિકપલીંગ જોવા મળી રહ્યું છે. ભારત અને યુરોપ બજારો મક્કમ જોવા મળી રહ્યાં છે ત્યારે યુએસ અને એશિયન બજારો નરમાઈ તરફી જોવા મળે છે. સોમવારે 5 ટકા સુધીના ઘટાડા બાદ આજે એશિયન બજારોમાં વધુ 1.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે. જેમાં હોંગ કોંગ, ચીન, તાઈવાન મુખ્ય છે. કોરિયન બજાર પણ નરમાઈ દર્શાવે છે. જાપાન અને સિંગાપુર બજારો 0.6 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 34 પોઈન્ટ્સ ઘટાડે 16849ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત લગભગ ફ્લેટ જોવા મળશે. નિફ્ટી 16800ના મહત્વના અવરોધને પાર કરી પોઝીટીવ જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં સુધારા પાછળનું મુખ્ય કારણ ક્રૂડના ભાવમાં ઘટાડો છે. જો ક્રૂડ અને કોમોડિટીઝના ભાવ ઘટવાતરફી રહેશે તો બજાર વધુ સુધારો દર્શાવી શકે છે.
ક્રૂડમાં આગળ વધતો ઘટાડો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ વાયદો 3.75 ટકા ઘટાડા સાથે 102.91 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 139 ડોલરની ટોચ પરથી નોંધપાત્ર કરેક્શન દર્શાવી રહ્યો છે. જો તે 100 ડોલર નીચે ઉતરશે તો વધુ ઘટાડો જોવા મળી શકે છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવમાં ઘટાડો મોટી રાહતની બાબત છે.
ગોલ્ડ પણ ગગડ્યું
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં પણ ઘટાડો આગળ વધ્યો છે. પીળી ધાતુના ભાવ 15 ડોલર નરમાઈ સાથે 1945 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. જે સૂચવે છે કે યુધ્ધને લઈને જોવા મળેલું રિસ્ક પ્રિમિયમ ધીમે-ધીમે દૂર થઈ રહ્યું છે. બુધવારે મળનારી ફેડની બેઠકમાં રેટ વૃદ્ધિ નિશ્ચિત હોવાના કારણે પણ તે પહેલા ગોલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવું બની શકે.
મહત્વની હેડલાઈન્સ
• ફેબ્રુઆરી માટે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન વધીને 6.07 ટકા પર જોવા મળ્યું. અંદાજ 6 ટકાનો હતો.
• સરકાર 13 નદીઓને પુનર્જિવિત કરવા માટે 2.5 અબજ ડોલરનો ખર્ચ કરશે.
• સરકારે બલ્ક ડ્રગ પીએલઆઈ સ્કીમને માર્ચ આખર સુધી લંબાવી છે.
• પેટીએમ બેંકને ડેટાને ચાઈનીઝ રોકાણકાર કંપનીને વહેંચવા માટે તથા વેરિફિકેશન સંબંધી છીંડાઓને કારણે સજા ફટકારવામાં આવી છે.
• IRCTCએ ફૂડ પ્લાઝાની સ્થાપના અંગેના નિર્ણયને લઈને રેલ્વેને પુનઃવિચારણા કરવા માટે જણાવ્યું છે. 8 માર્ચે રેલ્વે બોર્ડે કંપનીને તેના 17 ઝોન્સને સ્ટેશન પર ખાલી જગ્યાનો ઉપયોગ ફૂડ પ્લાઝા સ્થાપવા માટે મંજૂરી આપી હતી.
• ટાટા સન્સે તેના ચેરમેન એન. ચંદ્રશેખરનની એર ઈન્ડિયાના હવેના ચેરમેન તરીકેની નિમણૂંક કરી છે. સોમવારે ટાટા સન્સના બોર્ડે આ નિમણૂંકને મંજૂરી આપી હતી. જોકે એર ઈન્ડિયાના સીઈઓ તરીકેની શોધ હજુ પણ ચાલુ જ છે.
• કેનેડાની બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ઈન્ક મહિન્દ્રાની પેટાકંપની મહિન્દ્રા સસ્ટેનમાં નોંધપાત્ર હિસ્સાની ખરીદી માટે પ્રયાસ કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે.
• આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મ્યુચ્યુલ ફંડે બિરલા જૂથની એલ્યુમિનિયમ કંપનીમાં વિવિધ સ્કીમ્સ મારફતે 11.81 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• પીએસયૂ ગેસ ઈન્ફ્રા કંપનીના બોર્ડે નાણાકિય વર્ષ 2021-22 માટે બીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું છે. કંપની પ્રતિ શેર રૂ. 5ની ડિવિડન્ડ પેટે ચૂકવણી કરશે.