માર્કેટ ઓપનીંગ
બજારોમાં સ્પષ્ટ ટ્રેન્ડનો અભાવ, એશિયા નરમ-ગરમ
ગયા શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 293 પોઈન્ટ્સ સુધરી 32779ની તેની સર્વોચ્ચ ટોચ પર બંધ આવ્યો હતો. નાસ્ડેક 79 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે આમ છતાં એશિયન બજારો દિશાવિહિન જોવા મળે છે. તેઓ સાધારણ ગ્રીન અથવા રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ બેન્ચમાર્ક 0.3 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે હેંગ સેંગ 0.9 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. કોરિયા, તાઈવાન અને ચીનના બજારો 0.2 ટકા સુધી ઘટાડો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી મજબૂત
સિંગાપુર નિફ્ટી 62 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે અને 15091ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પોઝીટીવ નોંધ સાથે ટ્રેડની શરૂઆત કરે તેવા સંકેતો મળી રહ્યાં છે. જોકે બજારમાં ખૂબ સાવચેતી પ્રવર્તી રહી છે. એનાલિસ્ટ્સ પણ લોંગ પોઝીશનને હળવી કરવાની સલાહ આપી રહ્યાં છે. ટ્રેડર્સે ચુસ્ત સ્ટોપલોસ સાથે જ નવી પોઝીશન લેવી જોઈએ. નિફ્ટીને 14950નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. નીચે 14862 મહત્વનો સપોર્ટ છે. જ્યારબાદ 14500 સુધીના ઘટાડાની જગ્યા થઈ જશે.
ક્રૂડ મચક આપવા તૈયાર નથી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. ક્રૂડ કોઈપણ રીતે મંદીવાળાઓને મચક આપી રહ્યું નથી. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકા મજબૂતી સાથે 70 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ટૂંક સમયમાં તે નવી ટોચ દર્શાવી શકે છે. એક રીતે તે ઊંચી આર્થિક રિકવરીને અનુમોદન પણ આપી રહ્યો છે. જોકે ભારત જેવા આયાતકાર દેશ માટે તે પરેશાની ઊભી કરી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં સુધારો
સોમવારે સવારે સોનું-ચાંદી વૈશ્વિક બજારમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 4 ડોલર સુધારા 1724 ડોલર પર જ્યારે ચાંદી 0.6 ટકા સુધારા સાથે 26.055 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે શુક્રવારે સોનુ રૂ. 94ના ઘટાડે રૂ. 44785 પર જ્યારે ચાંદી રૂ. 650ના ઘટાડે રૂ. 66895 પર બંધ આવ્યાં હતાં.
મહત્વની હેડલાઈન્સ
· ભારત રશિયાને પાછળ રાખીને વિદેશી હુંડિયામણની બાબતમાં ચોથો સૌથી મોટો દેશ બન્યો છે. માર્ચની શરૂમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 4 અબજ ડોલર ઘટી 580.3 અબજ ડોલર પર જોવા મળ્યું હતું.
· ગયા સપ્તાહાંતે ફેબ્રુઆરી માટે રજૂ થયેલો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 5.03 ટકા પર આવ્યો હતો. જે અપેક્ષા કરતાં સાધારણ ઊંચો હતો.
· જાન્યુઆરી માટેનું ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન 1.6 ટકા ગગડ્યું હતું. જે 1 ટકો સુધારો દર્શાવે તેવી અપેક્ષા હતું.
· ફુગાવામાં વૃદ્ધિ બોન્ડ્સ યિલ્ડ પર આરબીઆઈના કંટ્રોલને નબળો પાડી શકે છે.
· ભારત 2030 સુધીમાં 60-65 ટકા વીજળી નોન-ફોસિલ સ્રોતોમાંથી મેળવતો હશે.
· ટાટા ડિજીટલે બીગ બાસ્કેટમાં 64.3 ટકા હિસ્સો ખરીદવા માટે સીસીઆઈ પાસે માગેલી મંજૂરી.
· આરબીઆએ ઓક્શનમાં પ્લાન કરતાં પણ વધુ રૂ 24230 કરોડના બોન્ડ્સનું વેચાણ કર્યું હતું.
· વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 943 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.
· સ્થાનિક ફંડ્સે શુક્રવારે બજારમાં રૂ. 164 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· ચાલુ સપ્તાહાંતે ફેડ, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનની બેઠક છે. જે રેટ્સને લઈને સ્થિતિ સ્પષ્ટ કરશે.
· સરકાર દિલ્હી, મુંબઈ, બેંગલૂરુ અને હૈદરાબાદ એરપોર્ટ્સ ખાતે બચેલા હિસ્સાનું વેચાણ કરશે.
· પ્રસ્તાવિત મુંબઈ-નાગપુર બૂલેટ ટ્રેન માટે સર્વેના કામનો આરંભ.
· વોડાફોન આઈડિયા કન્વર્ટિબલ બોન્ડ્સ મારફતે 75 કરોડ ડોલર ઊભા કરશે.